વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓ રંગરેજ..

શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, ઐસી રંગ દે કી રંગ નાહી છૂટે, ધોબીયા ધોયે ચાહે સારી ઉમરીયા...


લાલ ના રંગાઉં, મૈ હરી ના રંગાઉં, અપને હી રંગમેં રંગ દે ચુનરિયા...


અહા! પ્રેમની આ ઉત્કટતા ! શ્યામનો શ્યામલ રંગ ચડે પછી બીજો કોઈ રંગ ચડે જ નહી એના પર. અનુપ જલોટાજીનું આ ભજન શ્યામના રંગમાં રંગાવા માટે આતુર પ્રિયાની લાગણીઓનું પ્રતિબિંબ છે.


કાચા રંગોથી પાકે પાયે રંગાવાનો ઉત્સવ એટલે હોળી. ફાલ્ગુન આમ તો અર્જુનનું એક નામ છે, એનો બીજો અર્થ થાય, સખા. હોળી સખ્યભાવનું પ્રતીક છે. આમ જોઈએ તો રંગાવા માટે હોળી ક્યાં જરૂર દોસ્ત ! હોળી તો નિમિત્ત માત્ર. પ્રીતના રંગે, દોસ્તીના રંગે, સંબંધોના રંગે રંગાવા કોઈ ખાસ દિવસની જરૂર નથી, જયારે એ રંગ ચડે, એ દિવસ ખાસ બની જાય છે.  


કોઈની નાની અમથી વાત પર વહાલ આવી જાય ત્યારે એ વહાલ પર સવાલ આવી જાય. 


એ શું હતું? એમ જાતને પૂછીને એ એકલી જ શરમાઈ, ત્યારે ગાલની લાલીએ કહ્યું, હું રંગાઈ ગઈ.


પિયર છોડી સાસરે જતી દિકરીના હાથના થાપાથી હરખાયેલી બારસાખ બોલી, જોયુંને? હું રંગાઈ ગઈ.


ભરચક મહેંદી લાગેલા હાથમાં નજર માત્ર એના નામની ભાત પર ગઈ ત્યારે હથેળી હસી, હું રંગાઈ ગઈ. 


ગૃહપ્રવેશ કરતી નવોઢા સામે કંકુની થાળી મુકાઈ, અને કંકુપગલાથી ઘર રણકયું , હું રંગાઈ ગયું.


ગૃહલક્ષ્મીના હાથે થયેલ સાથિયાના સ્પર્શથી ઉંબરો શરમાયો, હું રંગાઈ ગયો.


ગાર માટીથી લીપેલા આંગણામાં રંગોળીના રંગો ઢોળાયા, ખુશખુશાલ આંગણું ટહુક્યું, હું રંગાઈ ગયું.


સરહદે શહીદ થયેલા શરીર પર વીંટાળેલ તિરંગો ગર્વથી બોલ્યો, હું રંગાઈ ગયો.


એક સાંજે ક્ષિતિજે આકાશ ધરતી મળ્યા,ને કેસરિયા છાંટણાથી આપણે રંગાઈ ગયા.


પહેલીવાર એ રડ્યું, ત્યારે એ હસી, હું માતૃત્વના રંગે રંગાઈ ગઈ.


મુઠ્ઠી ગુલાલ સાથે જો અઢળક વહાલ ચહેરા પર પડે ને, તો આપણે રંગાઈ જઇયે. 


આ રંગનાર બધા રંગરેજ છે. આ બધાં સબંધોથી રંગાઈએ ત્યારે જિંદગીનો રંગ જ બદલાઈ જાય.પરંતુ જો સંબંધો રંગ બદલે તો ! તો જિંદગી જ બદલાઈ ગઈ એવુ કોઈવાર લાગે છે. ખાસ તો જેણે જેન્યુઅનલી, ઑનેસ્ટલી એ સંબંધ જીવ્યો હોય એને તકલીફ પડે છે. પરંતુ એમ રંગ બદલતો સબંધ એ ઓનેસ્ટી, એ પ્યોરિટી માટે નહોતો, એમ માનવાથી તકલીફ ઓછી થઈ જાય.


જેને રંગાવું છે, ભીંજાવું છે એ વ્હાલપની વાંછટથીયે ભીંજાઈ જાય. જેને નથી જ પલળવું એ ભર વરસાદે પણ કોરા જ રહે. 

ભીંજાવાનો સંબંધ ભીતર સાથે, સાથી સંગાથી તો નિમિત્તમાત્ર... ભીના આલિંગને કોરું રહે એ તો પ્લાસ્ટિક પાત્ર.

પિચકારીની જેમ. રંગોથી બધાંને રંગી નાખનાર પિચકારી પોતે તો કોરી ને કોરી. પોતાની આસપાસ એક આવરણ બનાવીને ચાલે એવા વ્યક્તિને રંગવાનો પ્રયાસ છોડી દેવો. દિલ ડહોળીને રંગ ઘોળ્યો હોય ત્યારે એને ઝીલનાર પાત્ર યોગ્ય હોવું જોઈયેને! કાણાંવાળા પાત્રમાં ગમે તેટલું રેડીએ કશું ઝીલાશે નહીં.


રંગોમાં મેળવાતું પાણી કોઈવાર રંગો પર જ પાણી ફેરવી નાખે. પાણી મેળવીએ ત્યારે રંગ થોડો પાખો થઈ જાય. જો વધારે પાણી નાખીએ તો રંગનું અસ્તિત્વ જોખમાય. સંબંધોમાં આવતી નિરસતા, એકબીજા પ્રત્યેની નિર્લેપતા સંબંધ માટે પાણીનું કામ કરે છે અને સંબંધનું અસ્તિત્વ જોખમાય છે, સંબંધોના રંગ પર પાણી ફરી વળે છે.


જો ઈરાદો હોય તો રંગાવું એટલુંય અઘરું નથી. સદીઓથી અડીખમ પર્વતને એક નાનકડી વાદળી આલિંગે અને એનો રંગ બદલાઈ જાય. આંખમાં લીલીછમ્મ લીલોતરી અંજાય ને આપણે લીલા થઇ જઈએ. નાનકડા વરસાદી ટીપાને સૂરજનું એક કિરણ આલિંગે અને એ સાત રંગો રચી દે.


પાંદડાથી લઉં રંગ લીલો કે વાદળથી વાદળી?

સુરજનો સોનેરી કે પછી કેસુડાનો કેસરી..!

ક્યાં રંગે રંગુ તને...?

રંગ તારી આંખનો, રંગ તારી વાતનો..

રંગ ચડે તારા હોઠનો,એ સ્પર્શ રંગ માધુરી.


કેસૂડાંના ઝાડ નીચે ઊભીને કેમિકલ રંગોથી હોળી રમેલા યુવાન છોકરાઓનુ ટોળું સેલ્ફી રહ્યું હતું ત્યારે એ સેલ્ફીમાં  આવી ન જવાય માટે કેસૂડાંનું ફૂલ ચૂપચાપ ખરી પડ્યું. 


હોળી જો પ્રગટે તો વિશેષ પણ સળગે તો કલેશ. હોળીનું પ્રાગટ્ય હોય. હોળીની અગ્નિની પવિત્ર આંચ આસુરી શક્તિનો નાશ અને દૈવી શક્તિનો વાસ કરાવે છે. હા, પણ એ દૈવત્વને ગ્રહણ કરવાની આપણી લાયકાત હોવી જોઈએ. ભભૂતિને વિભૂતિ જેમ અંગ પર મસળી શકે એ જ શંકર લાગે બાકી તો ભયંકર લાગે.


વસંત, વેલેન્ટાઈન અને હોળી આ બધા પ્રેમની છડી પોકારતા અને પ્રેમની ઋતુમાં આવતા દિવસો છે. સૌથી સુંદર, સૌથી મજાનો રંગ છે પ્રેમનો રંગ. પ્રેમમાંય સમર્પણનો રંગ હોય તો એ વધારે જ ઘટ્ટ બને છે. રુક્મણિએ કૃષ્ણને પત્ર લખ્યો અને એની એક પોકાર પર એ રુક્મણિને લેવા ગયા. એમણે રુક્મણિના સમર્પણને ઓળખ્યું અને એમનેય રુક્મણિથી પ્રેમ થઈ ગયો. અદ્ભૂત પ્રેમ..! જેમ બે રંગ મળી જાય પછી જુદા ન થાય એમ એકબીજાના પ્રેમમાં રંગોની જેમ ખોવાઈ જવાનો એ અદ્ભૂત અહેસાસ 'હું' એટલે 'તું' અને 'તું' એટલે 'હું' જેવો અનુભવ કરાવે છે.


ગુલાલ ઉડે હવામાં, રંગ દેખાય આંખોમાં...

કેસુડો ઉગે આંગણમાં, વસંત મહોરે શ્વાસોમાં...

તું ઉડાડે અબીલ માત્ર, રંગાઉ હું સાત રંગોમાં...

ઓ રંગરેજ! રંગજે એમ મને, ન રંગ ઉતરે જન્મોમાં..


******

પલ્લવી કોટક 











































ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ