વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવો જન્મ

મહેક અને ગુંજનના જીવનમાં આજે ખુશીઓની બહાર આવી હતી. કારણ કે, આજે એમના જીવનમાં એક નવા જીવનો ઉદય થયો હતો. હા, આજે એ બંનેના જીવનમાં દીકરાનો જન્મ થયો હતો. બંને આજે ખૂબ જ ખુશ હતા. બંનેનું આ પહેલું સંતાન હતું એટલે જ્યારે એમને ખબર પડી કે, મહેક ગર્ભવતી છે ત્યારે બંને જણા થોડો ડર પણ અનુભવી રહ્યા હતા. પાછા બંને જણા અમેરિકામાં એકલાં જ રહેતા હતા એટલે વડીલોની એમના પરિવારમાં ગેરહાજરી હતી જેથી કોઈ સલાહ આપવાવાળું પણ નહોતું. બંનેના માતા-પિતા તો અહીં ભારતમાં હતા. પરંતુ એ બધો જ ડર ગાયબ થઈ ગયો જ્યારે ડોક્ટરે મહેકના હાથમાં એનો પુત્ર મૂક્યો. એ પુત્રનું મુખ જોઈને બંને જણાં ખુશીઓથી છલકી ઉઠ્યા પણ ત્યારે એ બંનેને ક્યાં ખબર હતી કે, એમની આ ખુશીઓને કોઈની નજર લાગી જવાની હતી!

એમણે એમના પુત્રનું નામ સંયમ રાખ્યું. સંયમ હવે ધીમે ધીમે મોટો થવા લાગ્યો. મહેકનો મોટાં ભાગનો સમય હવે સંયમની પાછળ જ વીતતો હતો. પહેલાં સંયમ બેસતાં શીખ્યો ને પછી ચાર પગે ચાલવાનું શીખ્યો ને પછી ઉભો રહેતાં શીખ્યો અને એ પછી એ દોડતાં પણ શીખ્યો પણ ગુંજનના ધ્યાનમાં આવ્યું કે, એ સામાન્ય રીતે નાના બાળકો જે રીતે ભાગાભાગી કરતા હોય છે એવો એક્ટિવ નથી. એ થોડું ચાલે કે દોડે ત્યાં જ એને થાક લાગી જતો. એને હવે સંયમની ચિંતા થવા લાગી. મહેક અને ગુંજન બંને ડૉકટરને બતાવવા ગયાં. ડૉક્ટરે સંયમને તપાસ્યો અને કહ્યું, "હવે હું તમને લોકોને જે કંઈ પણ કહેવા જઈ રહ્યો છું એ મારી વાત ધ્યાનથી સાંભળજો. ખૂબ સીરીયસ વાત છે."

"સીરીયસ એટલે? ડોક્ટર.. શું એને કોઈ તકલીફ છે? એ ઠીક તો થઈ જશે ને?" મહેકથી હવે ન રહેવાયું એટલે એ તરત જ પૂછી બેઠી.

ડૉક્ટર બોલ્યા, "હા! ખરેખર એને સીરિયસ અને ખૂબ જ ગંભીર કહી શકાય એવી જ બીમારી છે કે, જેનો કોઈ ઈલાજ હજુ સુધી મેડિકલ સાયન્સમાં શોધાયો નથી. અમારી મેડિકલની ભાષામાં આને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહે છે. એક એવો જનીનીક રોગ કે, જેમાં ધીરે ધીરે બાળકના સ્નાયુ નબળા પડતા જાય છે અને ધીમે ધીમે એના સ્નાયુઓ કામ આપવાનું બંધ કરી દે છે. અને આવા બાળકો 18 વર્ષથી વધુ લગભગ જીવતા નથી. તમારા દીકરાને આ બીમારી છે."

"શું બોલો છો ડૉક્ટર? તમે...તમે....મારા દીકરાને આવી બીમારી કઈ રીતે હોઈ શકે? અમારાં તો આખા ખાનદાનમાંય કોઈને નખમાં પણ રોગ નથી તો પછી મારાં દીકરાને કોઈ બીમારી કઈ રીતે હોઈ શકે? ડૉક્ટર પ્લીઝ તમે એને ફરીવાર સરખી રીતે તપાસો." ડૉક્ટરની આ વાત સાંભળીને મહેક તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. એ સત્ય સાંભળીને પોતાની જાતને સંભાળી જ શકતી નહોતી.

ડૉક્ટરે સત્ય સમજાવતાં કહ્યું, "જુઓ! આ એક જનીનિક બીમારી છે. જો સ્ત્રી કેરિયર હોય તો એનું નવું જન્મનાર બાળક જો પુરુષ જાતિ ધરાવતું હોય તો બાળકમાં આ બીમારી આવી શકે છે. આ એક એક્સ રંગસૂત્ર સાથે સંબંધ ધરાવતી જનીનિક બીમારી છે. જે સ્ત્રીમાં એક એક્સ રંગસૂત્ર અફેક્ટેડ હોય તો પુરુષ સંતાનમાં આના લક્ષણો જોવા મળે, પરંતુ જો આવનાર સંતાન કન્યા હોય તો બહુ વાંધો આવતો નથી. કન્યા જાતિ ધરાવતું બાળક નોર્મલ પણ હોઈ શકે અથવા કેરિયર પણ બની શકે. જો સ્ત્રી કેરીયર હોય અને એનું આવનાર સંતાન પુત્ર હોય તો પૂરી શક્યતા છે કે, એ બાળકને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ શકે છે. તમારા કેસમાં પણ મહેક કેરિયર છે અને માટે જ તમારાં આ બાળકને આ બીમારી વારસામાં મળી છે.

ગુંજન પોતે પણ ડૉક્ટરની વાત સાંભળીને તૂટી તો ગયો જ હતો, પરંતુ એણે વિચાર્યું કે, જો હું તૂટી જઈશ તો મહેક પણ બિલકુલ તૂટી જશે અને એને કંઈ રીતે સંભાળીશ? એટલે એણે મહામહેનતે પોતાની હિંમત જાળવી રાખી અને ડૉક્ટરને પૂછ્યું, "તો ડૉક્ટર સાહેબ! હવે આનો રસ્તો શું છે એ મને બતાવો. હું એની ટ્રીટમેન્ટ માટે ગમે તેટલા રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર છું."

"એમ વાત નથી. તમારા દીકરાને જે બીમારી છે એનો કોઈ ઈલાજ જ હજુ સુધી શોધાયો નથી એટલે જેટલું બને એટલું તમે એને સાચવો. બે ત્રણ વર્ષમાં તો એ વ્હીલચેર પર પણ આવી જશે. એ પોતાની જાતે ચાલી નહીં શકે. એટલે તમારે લોકોને ખૂબ જ એનું ધ્યાન રાખવું પડશે અને તમે એ પણ સત્ય સ્વીકારી લો કે, એ આખી જિંદગી તમારી સાથે નહીં રહે. તમારી પહેલાં જ એ મોતને વહાલું કરશે. એટલે જેટલું જલ્દી તમે સત્ય સ્વીકારી શકો એટલું જ તમારા માટે વધુ સારું છે."

"મરી જશે એટલે શું ડોક્ટર? મારો દીકરો નહીં મરી જાય? તમે એક મા ને એવું કંઈ રીતે કહી શકો કે એનો દીકરો મરી જશે? શરમ નથી આવતી તમને?" આટલું બોલતાં તો મહેક ત્યાં જ બેસી પડી અને જોરજોરથી રડવા લાગી.

ધીમે ધીમે વધુને વધુ સમય વીતતો ગયો. સંયમ હવે મોટો થવા લાગ્યો. થોડાં સમયમાં તો એ  વ્હીલચેરમાં પણ આવી ગયો. મહેકનો બધો જ સમય એની પાછળ જ જઈ રહ્યો હતો. એનું ઘરની બહાર નીકળવાનું પણ બિલકુલ બંધ થઈ ગયું હતું. એનું આખું જીવન જાણે સંયમની સેવા સુશ્રુષા કરવામાં જ જઈ રહ્યું હતું. ભગવાન જ્યારે દુઃખ આપે છે ત્યારે એ દુઃખને સહન કરવાની શક્તિ પણ આપી જ દેતા હોય છે. કદાચ આવી જ શક્તિ એમણે મહેક અને ગુંજનને પણ આપી દીધી હતી. બંને ક્યારેય કોઈપણ ફરિયાદ વિના પોતાના દીકરાની ખૂબ જ સેવા કરતા હતા. સંયમને ભણાવવા માટે એમણે સ્કૂલ પણ ઘરમાં જ ખોલી દીધી હતી. ભણવામાં એ ખૂબ જ હોશિયાર હતો. એનું દિમાગ ખૂબ જ તેજ ગતિએ ચાલતું. એની ઉંમરના સામાન્ય બાળકોના જેવાં મગજ હોય છે એના કરતાં પણ એનું મગજ ખૂબ જ તેજ હતું. એ પોતે પણ સત્ય જાણતો હતો એટલે ઘણી વખત એની મમ્મીને મજાકમાં કહેતો કે, "મમ્મી! જ્યારે હું મરી જાઉં ને ત્યારે તું એક છોકરાને દતક લઈ લેજે જેથી તને દીકરાની કમી ન વર્તાય!" અને એની મમ્મી સંયમની આ વાત સાંભળીને એના મોઢા પર રાખી દેતી અને કહેતી," શું ગમે તેમ મન ફાવે એમ બોલ્યા કરે છે? કંઈ નહીં થાય તને. ખબરદાર જો ફરી આવું કંઈ બોલ્યો છે તો? જોજે ને તું મોટો થઈશ ત્યાં સુધીમાં તો ટેકનોલોજી એટલી બધી આગળ પહોંચી ગઈ હશે કે તું જીવતો જ હોઈશ. સમજ્યો?"

*****

સંયમનો આજે જન્મદિવસ હતો. એ આજે 16 વર્ષનો થઈ ગયો હતો એટલે આજે એના જન્મદિવસની તૈયારી કરી રહ્યા હતા. આજે સવારે એ ઉઠ્યો એટલે એની મમ્મીએ એને ચા નાસ્તો કરાવ્યો અને પછી એને કહ્યું કે, "મમ્મી! મને થોડીવાર માટે ગાર્ડનમાં બહાર લઈ જા." એટલે એની મમ્મી એને વ્હીલચેરમાં બેસાડીને એને ગાર્ડનમાં લઈ ગઈ. ત્યાં ગાર્ડનમાં એ થોડીવાર બેઠો એટલે એને તરસ લાગી. એને તરસ લાગી એટલે એણે એની મમ્મીને કહ્યું, "મને પાણી આપ ને." એટલે એની મમ્મી એના માટે પાણી લેવા માટે અંદર ગઈ. એ પાણી લઈને પાછી આવી ત્યારે એણે જોયું તો સંયમ કોઈ હલન ચલન કર્યા વિનાનો જ ત્યાં જ વ્હીલચેરમાં બેઠો હતો. એ મૃત્યુ પામ્યો હતો. એના હાથમાંથી પાણીનો ગ્લાસ છટકી ગયો અને એ જોરજોરથી રડવા લાગી. ત્યાં જ ગુંજન પણ આવ્યો. એ પણ પરિસ્થિતિ પામી ગયો હતો. બંને પતિ પત્ની પોતાની સામે  પુત્રનું શબ જોઈને ખૂબ જ રડવા લાગ્યાં. એમનું એ આક્રંદ કરતું રુદન આખા ઘરમાં ગુંજી ઉઠ્યું અને એક નકારાત્મક ઊર્જાથી ભરાઈ ગયું હતું.

*****

સંયમ હવે આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યો હતો. એના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. સંયમના મૃત્યુ પછી મહેકે ખૂબ જ હિંમત દાખવી. કુદરત મા પાસેથી જ્યારે એનું સંતાન છીનવી લે છે ત્યારે એને એ દર્દ સહન કરવાની શક્તિ પણ આપી દેતાં હોય છે. પરંતુ પિતા? પિતાને કદાચ એ શક્તિ ઈશ્વર આપી શકતાં નથી. ગુંજન તો સંયમના મૃત્યુ પછી ખૂબ જ ઢીલો પડી ગયો હતો. મહેકથી ગુંજનની આ હાલત જોવાઈ રહી નહોતી. ગુંજનની આવી હાલત જોઈને મહેકના મનમાં વારંવાર સંયમના એ જ શબ્દો ગૂંજ્યા કરતા હતા કે, હું મરી જાઉં પછી તું દીકરાને દત્તક લઈ લેજે જેથી તને મારી કમી ન વર્તાય.

*****

એક દિવસ મહેકે ગુંજનને કહ્યું, "શું આપણે આપણા દીકરાની ઈચ્છા પૂરી ન કરી શકીએ? શું આપણે કોઈ બાળકને દત્તક ન લઈ શકીએ? આપણો દીકરો તો હવે આ દુનિયામાં નથી રહ્યો પરંતુ કોઈ બીજા એક અનાથ બાળકને કે, જેના જીવનમાં માતા-પિતાની કમી છે એને મા બાપનો પ્રેમ ન આપી શકીએ? એને નવું જીવન ન આપી શકીએ? શું એ બાળકને આપણે નવો જન્મ ન આપી શકીએ?

"હા! મહેક! તું ઠીક કહે છે. આપણે આપણા દીકરાની ઈચ્છા જરૂર પૂરી કરવી જોઈએ અને કદાચ એ આપણો પણ માતા-પિતા તરીકેનો નવો જન્મ હશે."

*****

બંને વચ્ચે એ વાતચીત થયાં પછી મહેક અને ગુંજન બંનેએ એક બે વર્ષના દીકરાને દત્તક લીધો અને એમણે એ બાળકનું નામ પણ સંયમ જ રાખ્યું. એક એ સંયમ હતો કે, જે પોતાના માતાપિતાને આકાશમાંથી જોઈ રહ્યો હતો અને નીચે બીજો એ સંયમ હતો કે, જે આ ધરતી પર રહેલાં એના નવા જન્મેલા માતાપિતાને જોઈ રહ્યો હતો. બંનેનો આ કદાચ નવો જન્મ હતો!

*****


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ