વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દંભ

વાતાવરણ એકદમ શાંત હતું. સમુદ્રપરથી જોરદાર પવન ફૂંકાતો હતો. રેતીની કોરે નાળિયેરીમાં ઘણાં વૃક્ષો હતા. ત્યાંથી જમણી તરફ વળાંક લેતા કિનારા. પાસેનાં ખડકોથી આકાશ અને દરિયો કોઈ અજબ રીતે ક્ષિતિજમાં ભળી જતા હતા. સામે અફાટ દરિયો નજરની સીમાની પેલે પાર સુધી પથરાયેલો હતો. ઓછા, પણ મક્કમતાથી ઘસી આવતા મોજા રેતી પર પથરાઈને પાછા દરિયાની ગોદમાં સમાય જતા હતા. આકાશમાં દેખતાં કેસરી રંગના લીસોટા વધારેને વધારે ઘેરા બની જતા હતા.

"શું આપણે ક્યારેય નહી મળી શકીએ?" કિર્તીની આંખોમાં દરિયાના ખારાપાણી છલકાઈ ગયા.

"ના.. ક્યારેય નહિ. આ વાતને અહિંયા ખતમ કરી દેવામાં ભલાઈ છે." યશના શબ્દો હદયમાં ભોંકાયા. કીર્તિના માનસપટ ઉપર કોલેજના દિવસો ઉપસી આવ્યા.

"કીર્તિ જો... તું મને મળી જાય ને તો હું મારી જાતને લકી સમજુ. તારા જેવી રૂપ સુંદરી મારી જી એફ હોય તો...તો આખા કોલેજના છોકરાવ મારા પગ નીચે આવી જાય. યાર મારો રૂઆબ વધી જાય."

"તો તું માત્ર તારો રૂઆબ બતાવવા માટે જ મને તારી સાથે રાખે છે. તું મને પ્રેમ નથી કરતો?" કીર્તિ ગંભીર થતા બોલી.

"યાર! તું... તું છે ને એક નંબરની ઈડયટ છે. બેવકુફ! હું તને પ્રેમ કરું છું ત્યારે જ તો તારી સાથે છું. ચાલ હવે મારો મૂડ બગાડ નહિ. આપણે ક્યાંક કોફી પીવા જઈએ?"

"કેન્ટિંન માં જ બેસીએ?"

"ઓકે..તારી મરજી." યશે ખભા ઉલાળતા કહ્યું.

    કીર્તિ શાંત સ્વભાવની હતી. નમણી નાજુક, ગોરી ચામડી, પાતળી કાયા. ખૂબસૂરત ચહેરો. કોલેજની ડ્રીમગર્લ કહેવાતી કીર્તિને જ્યારે યશે જોઈ ત્યારે યશ જાણે કીર્તિને મેળવવા ઝંખી રહ્યો હતો. યશ મહત્વકાંક્ષી, અને મિડલ ક્લાસમાંથી આવતો છોકરો હતો. છતાં પણ એના સપનાઓ તો ઊંચા હતા. ખૂબ ઊંચા. યશને પોતાનો મોભો બતાવવો ખૂબ ગમતો. એમાં પણ જો કીર્તિ જેવી છોકરી એની ગર્લફ્રેન્ડ બને તો તો આખી કોલેજમાં યશના નામનો ડંકો વાગી જાય.

   ધીમે ધીમે યશ અને કીર્તિ એક બીજાની ખૂબ નજીક આવતા ગયા. કોલેજ પત્યા પછી કીર્તિને કોલ સેન્ટરમાં જોબ પણ મળી ગઈ. યશ કીર્તિના પૈસે પોતાની જોબ શોધવામાં લાગ્યો હતો. એવામાં એક કાફેમાં યશની મુલાકાત અરુંધતી કશ્યપ સાથે થઈ. અરુંધતી એન. આર .આઈ. હતી. પોતાના કોઈ કામ સર એ ઇન્ડિયા આવી હતી. યશ અને અરુંધતીની મુલાકાત થઈ. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને આજે લગ્ન કરીને યશ હમેશા માટે  અમેરિકા જવાનો હતો...
     
    દૂર દરિયામાંથી આવતી બોટની વિસલ વાગી. કિર્તી કોલેજના સમયમાંથી બહાર ખેંચાઈ આવી. એના હોઠ ઉપર સહેજ હાસ્ય ફરકતું જોઈ યશે પૂછ્યું." કેમ હસવું આવ્યું?"

"હું સાચે જ મૂર્ખ હતી. તું જ્યારે જ્યારે કહેતો કે મારી સાથે રહેવું એ તારા માટે રુવાબ ભર્યુ છે. એ વાત છેક આજે મને સમજાય. તારા માટે પહેલેથી તારો ઈગો મહત્વનો હતો હું નહિ. કોલેજની રૂપસુંદરી હતી ને હું? તારું સ્ટેટસ વધારવા તું મારી પાસે આવ્યો હતો ને?"

"જો કીર્તિ તું વાતને વધારવાની કોશિશ ન કર. હું તને સાચે જ પ્રેમ કરવા લાગ્યો હતો..."  યશ બોલતા બોલતાં અટક્યો. એણે આંખોને એકદમ બિડી લીધી. બન્ને હાથને માથા ઉપર ટેકવી એ દરિયાની ઠંડી રેતી ઉપર આડો પડ્યો.

"એટલે હું માનું છું એ ખોટું તો નહતું જ! તું મને ક્યારેય પ્રેમ કરતો જ નહતો. એ માત્રને માત્ર ચહેરા ઉપર ચડાવેલો ઢોળ હતો. જે આજે બરોબર ઉતરી ગયો છે. " કીર્તિએ દૂર સુધી નજર નાખી. સૂરજના ઓસરી રહેલા પ્રકાશમાં યશનો ચહેરો એને ચોખ્ખો દેખાવા લાગ્યો.

"યશ હું પ્રેગનેટ છું!" દરિયામાંથી ધસમસતું મોજું આવ્યું અને કીર્તિને ભીંજવતું ગયું. યશ હજુ પણ કોરો હતો. સંધ્યાએ પોતાની રાતી કેસરી ઓઢણી સંકેલી લીધી. સમગ્ર સૃષ્ટિને પોતાની આગોશમાં લઈને તિમિર પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો.

"કિર્તી મારી આખી લાઈફનો સવાલ છે. તું સમજતી કેમ નથી? હું આ સમયે મારી કરિયર વિશે જ વિચારી શકું તેમ છું. એ એક સમય હતો જે આવ્યો અને ચાલ્યો ગયો. એ સમય પણ નીકળી ગયો અને હવે આપણે પણ આપણી લાઇફમાં આગળ વધી જવું જોઈએ."

"ફાઈન!" કિર્તી ત્યાંથી ઊભી થઈને બે ડગલાં ચાલી. કઈક યાદ આવતા યશ પાસે પાછી આવી." યશ બેસ્ટ ઓફ લક તને તારી નવી જિંદગી માટે." યશ આંખો બંધ હતી. કિર્તી ઘણો સમય યશના જવાબની રાહ જોતી ઊભી રહી.

      સમય રેતીની જેમ સરકતો ચાલ્યો ગયો. કિર્તીએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો.બાળક શરૂઆતમાં ખૂબ નબળો હતો. કિર્તી અને તેનો દીકરો વંશ પોતાની નાની એવી જિંદગીમાં ખુશ હતા. કિર્તી આજે પણ રવિવારના દિવસે વંશને લઈને દરિયાકિનારે આવતી. વંશ સાથે રેતીનું ઘર બનાવતી. દરિયાની ભીની રેતીમાં વંશ સાથે પગલાં પાડતી. કિર્તી પોતાના ભૂતકાળને ભૂલીને ઘણી જ આગળ વધી ચૂકી હતી. શોપિંગ મોલમાં પોતાની નાની એવી શોપમાં બન્ને મા દીકરાનું ગુજરાન ખૂબ સારી રીતે ચાલતું હતું.

      રવિવારના દિવસે કિર્તી અને વંશ દરિયાકિનારે બેઠા હતા. અચાનક કોઈએ પાછળથી પોતાના નામની બૂમ પાડી. કિર્તીએ પાછળ ફરીને જોયું તો એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી ઊભી હતી. કિર્તી એમની નજીક જઈને ઉભી.

"હાય.. હું અરુંધતી કશ્યપ છું. તમે મિસ કિર્તી પંડયા રાઈટ ?"

"તમે? " કિર્તીએ આંખો ઝીણી કરતાં કહ્યું.

"હું...હું... યશની... હું યશની વાઈફ!" અરુંધતીએ અચકાતા કહ્યું.

"તો..?"

"હું યશની વિલ લઈને આવી છું. એણે પોતાની અડધી મિલકત તમારા અને વંશના નામે કરી છે. તો..."

"તમે કઈ રીતે ઓળખો છો વંશ ને?  યશ ક્યાં છે? "

"યશે કહ્યું હતું." અરુંધતીનો અવાજ ભારે થઈ ગયો.

"એટલે યશ...?"

"કેન્સરના કારણે એમનું એક મહિના પહેલાં જ અવસાન થઈ ગયું." અરુંધતીના ગળે ડૂમો ભરાઈ ગયો.

અરુંધતી ને એમ હતું કે  કિર્તીને યશના મોતના સમાચાર મળશે તો એ તૂટી જશે... રડશે... પરંતુ કિર્તી ભાવવિહિન ચહેરે અરુંધતી સામે જોઈ રહી.

"યશ ઘણી વખત અહીંયા આવી ચૂક્યા હતા. હા એ વાત અલગ છે કે યશ ક્યારેય તમને કે તમારા બાળકને મળવાની હિંમત કરી શક્યા નહિ. યશને પોતાની ભૂલ ઉપર પસ્તાવો હતો. યશના કેન્સરનો રિપોર્ટ આવ્યો ત્યાર પછી થી અમે અમેરિકાથી અહીંયા આવીને રહેવ માટે આવી ગયા હતાં. યશને પોતાના કરેલા કર્મોની સજા મળી ગઈ હતી. કરેલા કર્મોના પ્રાયશ્ચિત રૂપે જ એણે પોતાની મિલકતનો અડધો ભાગ તમારા અને વંશના નામે કર્યો છે. જેથી તમે પણ તમારી જિંદગી....." અરુંધતીએ ગળું સાફ કર્યું. કીર્તિની આંખોમાં આંખ પરોવી એ બોલી. " જો તમે પેપર ઉપર સહી કરી નાખો તો? મારા ભાગની પ્રોપર્ટી મને મળી જાય. અને હું અહિયાનું બધું જ વેંચીને ક્યાંક બીજે ચાલી જઈશ. યશની યાદો સાથે હવે અહીંયા નહિ રહી શકાય."

"યશ તમને ખૂબ પ્રેમ કરતો હશે ને?"

"યશ માણસ સારા હતા. પરંતુ..." અરુંધતી અટકી.

" પરંતુ એ પ્રેમ ખાલી પોતાની જાતને જ કરતો હતો... એના સ્ટેટસને એના ઇગો ને.. એટલે જ તો..."

"હા યશે મારી સાથે માત્ર.."

"તમારા ગ્રીન કાર્ડ માટે જ લગ્ન કર્યા." કિર્તીએ કહ્યું.

અરુંધતીની આંખોમાં ઝાંખપ આવી ગઈ. યશ પોતાનો બિઝનેસ વધારવામાં સતત ખૂંચતો ગયો. જ્યારે પોતાને  કેન્સર થયાની ખબર પડી ત્યારે એણે અમેરિકાનો પોતાનો બિઝનેસ સમેટીને ભારત આવવાનું નક્કી કર્યું. અરુંધતી યશના છેલ્લા શ્વાસ સુધી એની સાથે જ રહી હતી.

"યશે છેલ્લે સુધી તમને યાદ કર્યા હતા." અરુંધતીએ કહ્યું.

કિર્તીએ જવાબમાં ફક્ત સ્મિત રેલાવ્યું. અરુંધતીએ આપેલા કાગળ ઉપર સહી કરી વંશને લઈ દરિયાકિનારેથી નીકળી ગઈ.

   ત્રણ દિવસ પછી વહેલી સવારે ડોરબેલ અચાનક રણકી. અરુંધતીએ આંખો ચોળતા દરવાજો ખોલ્યો. સામે પોતાનો વકીલ અભિરથ ઊભો હતો.

" અભિરથ તું વહેલી સવારે?"

"આરું! એક ગુડન્યૂઝ છે." અભિરથે સોફા ઉપર બેસતાં કહ્યું.

"શું.."

"કિર્તીએ પોતાને મળેલી યશની બધી જ મિલકત તારા નામે કરી દીધી છે. કહ્યું છે કોઈ સારા કામે વાપરજો."

"બેવકુફ.. કરોડોની મિલકત કોઈ આમ બીજાને કંઈ રીતે આપી શકે?" અરુંધતીએ કહ્યું.

"ચાલો ભાઈ! યશને મારવાનો આ પણ ફાયદો જ થયો ને. સાલાએ વિલ ન બનાવી હોત તો કોઈ મગજમારી જ ન થાત. " અભીરથે ખુંધું હસતા કહ્યું.

"જ્યારે હોય ત્યારે મારી અને કીર્તિ વચ્ચે કંપેરીઝન કરતો. કીર્તિ સાથે જ રહેવું હતું તો પછી મારી લાઇફની પથારી ફેરવવાનો એને ક્યો અધિકાર હતો. જ્યારથી ખબર પડી કે કીર્તિએ દિકરાને જન્મ આપ્યો છે ત્યારથી તો એના મગજમાં કીર્તિના નામનું ભૂત સવાર થઈ ગયું હતું. સાલો કેન્સરના નામે ધરબાઈ ગયો." અરુંધતી અટ્ટહાસ્ય કરતી કહી રહી હતી. અભિરથ અરુંધતીના કોમળ હાથને પોતાની બન્ને હથેળી વચ્ચે દબાવી બેઠો હતો.

  
"આપણે આજે નીકળીએ... અમેરિકા?" અભિરથે ધીમેકથી કહ્યું.

"હમમ!"

સાંજના ચાર વાગવા આવ્યા હશે. કિર્તી વંશને હોમવર્ક કરાવવામાં બિઝી હતી. ત્યાં ડોરબેલ રણકી. કીર્તિએ દરવાજો ખોલ્યો. સામે એડવોકેટ શ્રીવાસ્તવ અને પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ ઊભા હતા.

"કિર્તી પંડ્યા તમે જ છો?"

"હા.."

"તમારે અમારી સાથે ડેડ બોડીની ઓળખ માટે આવવાનું છે."

"પરંતુ હું... "

"મિસ પંડ્યા. લાશ પાસેથી મળી આવેલા ડોક્યુમેન્ટ માં તમારું નામ હતું.

     કિર્તી વંશને પાડોશીને ત્યાં મૂકી પોલીસ સાથે ગઈ. લાશ અરુંધતી અને અભિરથની હતી. ડ્રીંક અને ડ્રાઇવ કરતાં બંને પૂરપાટ ગાડી હંકારી રહ્યા હતા. અભિરથે કારનું સમતુલન ગુમાવ્યું.અને ટ્રક સાથે કાર અથડાતાં બન્નેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.

  કિર્તીએ અરુંધતી અને વકીલ બંનેની ઓળખ આપી. સાથે પૂછ પરછ કરતાં ઇન્સ્પેક્ટર દેસાઈ પાસેથી એને યશનું ખૂન થયાનું પણ સામે આવ્યું. કિર્તી સ્તબ્ધ થઈ ગઈ. યશનું ખૂન થયાના સમાચાર સાંભળી કિર્તી જાણે તૂટી ગઈ.

"શું એ દિવસ પછી યશ ક્યારેય આવ્યો ન હતો?" દેસાઈએ સહજતાથી પૂછ્યું.

"હા... એ આવ્યો હતો. અંદાજે ત્રણ વરસ પહેલાં. એ મને અને વંશને અમેરિકા લઈ જવા માટે આવ્યો હતો. ઘણી આજીજી કરી હતી એણે અમારી સામે. પરંતુ હું મારા ભૂતકાળ સાથે હવે જીવવા માંગતી ન હતી."

"કંઈ બોલ્યો હતો? આઈ મીન કે કોઈ એવી વાત કે જે તમને ખૂંચી હોય?" દેસાઈએ આંખો ઝીણી કરતાં કહ્યું.

"મને એની બધી જ વાત તીરની જેમ ખૂંચતી હતી. એ મારા માટે પાછો આવ્યો ન હતો. પરંતુ અરુંધતી મા બની શકે તેમ નહતી. એટલે એ પાછો આવ્યો હતો. પોતાના બાળકને લેવા. મારા વંશને લેવા... વંશ મારો છે ખાલી મારો..." કિર્તી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઇન્સ્પેક્ટર દેસાઈએ  પાણીનો ગ્લાસ સામે ધર્યો. કિર્તી પાણી પીધા પછી થોડી સ્વસ્થ થઈ.

"આગળ..." દેસાઈ ખુરસી ઉપર બેઠક જમાવતા કહ્યું.

"એ ચાલ્યો ગયો. પછી જ્યારે દરિયાકિનારે અરુંધતી આવી ત્યારે યશના મોતની મને જાણ થઈ. એણે આપેલા પ્રોપર્ટીના પેપર મે પરત આપી દીધા હતા. મને યશની કોઈ પણ જાતની મિલકતમાં કોઈ રસ નથી. જે માણસ જિંદગીભર મારો અને મારા બાળકનો ન થઈ શક્યો હોય. એવા માણસની મિલકતને લઈને પણ મારે શું કરવી? મે અરુંધતીને આ મિલકત કોઈને દાનમાં આપી દેવા માટે પણ એવું પણ કહ્યું હતું." કિર્તીએ ઊંડો શ્વાસ છોડ્યો.

"એ વાતની મને જાણ છે. યશનો વકીલ હું જ હતો. પરંતુ મારો જ સેક્રેટરી મને દગો દઈ ગયો."

"યુ મીન અભીરથ?" ઇન્સ્પેક્ટર દેસાઈએ કહ્યું.

"હા... એ ... જ. અભિરથ... બાસ્ટડ.." એડવોકેટ દેસાઈએ ટેબલ ઉપર હાથ પછાડ્યો. એની આંખોમાં ગુસ્સો હતો.

     અરુંધતી અને અભીરથનો કેસ ઘણો લાંબો ચાલ્યો. અંતે કોર્ટનો ચુકાદો આવ્યો. યશનું મર્ડર થયું હતું એ પણ સામે આવ્યું. આખા કેસમાં હત્યારાઓને તો કુદરતે ક્યારની એ સજા આપી દીધી હતી. કિર્તીએ નિરાંતનો શ્વાસ લીધો. પરંતુ યશ હજુ પણ કીર્તિનો જાણે પીછો છોડતો ન હોય એમ થોડાં દિવસો પછી એડવોકેટ દેસાઈ કીર્તિના ઘરે આવ્યા. યશ અને અરુંધતી કશ્યપના વારસદાર તરીકે માત્ર ને માત્ર હવે વંશ જ હતો. યશની સમગ્ર પ્રોપટીનો માલિક હવે વંશ અને કિર્તી હતા..યશના ગયા પછી કીર્તિની આંખોમાં પહેલી વખત યશના નામના આંસુ આવ્યાં. કિર્તીએ યશની બધી જ પ્રોપર્ટી એક અનાથઆશ્રમમાં દાન કરી દીધી. અને વંશને લઈને શહેર છોડી ક્યાંક અગોચર વિશ્વના ગુમનામીનાં અંધકારમાં વિલીન થઈ ગઈ.

દિવ્યા જાદવ.

   







           

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ