વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નયનને બંધ રાખીને



            નયનને બંધ રાખીને

મનમાં ફૂટેલી અવઢવને તેણે છેવટે વાચા આપી, "આઇ લવ યુ સપના. કહેને, હું તને ગમું તો છુંને?" તન્મયની ઘેરાયેલી આંખોમાંય પ્રશ્નાર્થ ડોકાયો.

સપનાના ગળા સુધી "ના" આવીને પાછી ફરી ગઈ. તે કશું જ ન બોલી. બંધાયેલ છેડાછેડીની ગાંઠ મનમાં પડેલી ગાંઠ જેવી જ મજબૂત હતી. પથારીમાં આડો પડેલો તન્મય સપનાની ખૂબ સમીપ આવ્યો. સપનાએ આંખો મીંચી દીધી અને તે એક પરીકથાની રંગીન સૃષ્ટિમાં ખૂંપી ગઈ. તેમાં પરી હતી, રાજકુમાર હતો. તેનાં અનાવૃત અંગો પર મુલાયમ પીંછું હળવેકથી ફરતું હોય તેવું લાગ્યું. તન્મયે બત્તી ઓલવી દીધી. બન્નેના શ્વાસ એકમેકમાં ભળી ગયા. સપનાની બંધ આંખોમાં અંધકાર છવાયો તેમાં એક મનગમતો આકાર ઉપસી આવ્યો. ચાંદની રાતમાં ચમકતો એ આકાર નામે વિરલ જેની પાછળ કૉલેજમાં બધી છોકરીઓ લટ્ટુ હતી. તો પછી સપના શાથી બાકાત રહે? સપનાનું હૈયું જોરથી ધડકવા માંડ્યું. ચહેરા પર આછેરો મલકાટ ઝળક્યો. એક ગમતું સપનું આંખોમાં આવી બેઠું. બન્નેના ઘટમાં તરવરાટ અને થનગનાટ વ્યાપી ગયો. આંખ મીંચેલી હતી સાથે હોઠ ભીડાયા. સપના આખી મહેકી ઊઠી.

બંધ નયને સપનાએ જોયું, લાલગુલાબી ફૂલોની બિછાત પર તેનો દેહ પથરાયેલો હતો. મનને તરબતર કરી મૂકતી સુગંધ ચોમેર વ્યાપેલી હતી. હવા મધુર સંગીત રેલાવતી હતી. અડધી વંચાયેલી મિલ્સ એન્ડ બૂન ઓશીકા હેઠળ દબાઈ અને... અને વિરલનો ચહેરો દેખાયો. એ તેની સમીપ આવી ગયો. અત્યંત સમીપ. સિક્સ પેક્સ ધરાવતું પડછંદ શરીર, મજબૂત બાહુઓ, પહોળી છાતી, વાંકડિયા રેશમી વાળ. જાણે કોઈ રોમન દેવતાની કંડારેલી મૂર્તિ. તેણે સપનાના કપાળ પર ફરફરતી વાળની લટને હળવે હાથે પાછળ ધકેલી. સપનાના તરસ્યા અધરો પર બીજાં બે ઓષ્ઠ હળવેકથી મૂકાયા. હોઠોનું મધુર મિલન થયું. સામે ખળખળ ઉછળતા રંગીન ફુવારા ફરતેની પાળી પર એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી રહેલા બે પારેવાં પોતાની મસ્તીમાં લીન હતા.

કૉલેજના કાળખંડમાં પ્રસ્થાપિત વિરલ જાણે આંખ સામેથી ખસતો જ નહોતો. સાક્ષાત કામદેવ જેવા વિરલની આકર્ષક મોંફાટને સપના તીરછી આંખે નીરખ્યા કરતી.

અચાનક સપનાની આંખો ખુલી ગઈ. તેની ઉઘાડી કાયા પર ઝળુંબી રહેલો તન્મય હાંફતો હતો. દરરોજની એ ક્રિયા યંત્રવત પતાવી તે પડખું ફરી ઊંઘી ગયો. દરરોજ ખાવાપીવાનું, ઊંઘવાનું, કામધંધે જવાનું અને આ કામ કરવાનું. 'હા, આય એક કામ અને આનું નામ જ જીવન.' સપના વિચારતી. તે હવે કુંવારી નહોતી; પરણી ગયેલી તન્મયને. તેના શમણાંય પરણેલાં હતાં; એક અજબ કલ્પનાને, પોતાની રચેલી સપ્તરંગી ફેન્ટસીની દુનિયાને. 'આ લા લા લેન્ડ ક્યાંક તો હશે. હશે?' સપના પોતાની ઉત્કટ મનોકામનાને પૂછ્યા કરતી. જવાબ નહોતો મળતો.

તન્મયની કાંટાળી દાઢીના બરછટ વાળ સપનાના લીસા ગાલ સાથે ઘસાયા અને તે ભાનમાં આવી. સહેજ ખૂંચ્યું. તેના વક્ષસ્થળનો ઉભાર ભારેખમ છાતી હેઠળ દબાઈ ગયો. તેને થયું, તન્મય તેના પાતળા હોઠ ભૂખ્યા વરૂની માફક ચૂસી રહ્યો છે. 'જંગલી.'

તન્મયનું મોઢું નજીક આવે ત્યારે વછૂટતી સિગારેટની ગંધ તેને અકળાવી દેતી. સપના મોઢું ફેરવી દેતી પણ તન્મયની પકડમાંથી છૂટી ન શકતી. તન્મયને ધક્કો મારી દેવાનું તેને મન થઈ આવતું પરંતુ તેનામાં એવું બળ કે તેની એવી હેસિયત નહોતી. ધર્મપત્નીની ફરજ બજાવ્યે જ છૂટકો. કાર્યેષુ મંત્રી, ભોજનેષુ માતા પણ શયનેષુ... તે આંખ મીંચી દેતી અને સિનેમાહૉલની બત્તીઓ બુઝાયા બાદ ફિલ્મ શરૂ થાય તેમ બંધ આંખોમાં ફરી શરૂ થતો મનગમતો સ્વપ્નવિહાર. તેની ફિલ્મનો હીરો હતો, વિરલ. તેમાં તન્મય ક્યાંય નહોતો.

એક દિવસ તન્મય-સપના બન્ને ફિલ્મ જોવા ગયાં. પ્રેમકથા દર્શાવતી સુંદર ફિલ્મ અને તેમાં રૉમેન્ટિક પ્રણય દ્રશ્યો. હીરો હતો રાજેશ ખન્ના. સપના ફિલ્મમાં ઓતપ્રોત.

"તું મારા માટે ગીત ગાશે? પેલો હીરો એ હીરોઈનને ઊંચકી લઈ કેવા ચુંબન કરતો હતો. તુંય કરને અને ઝાડ ફરતે..." સપના વાક્ય પૂરૂં કરે તે પહેલાં તન્મય તેની હાંસી ઉડાવતો હોય તેમ બોલ્યો, "ગાંડી થઈ ગઈ છે? એ હીરોને આવી એક્ટિંગ કરવાના અધધ રૂપિયા મળે છે. એ બધું પડદા પર સારું લાગે સમજી?"

સપના સમજી ગઈ. એ વાસ્તવિકતાની ખરબચડી ધરતી પર પટકાઈ. રાત્રે ફરી તન્મય સમીપ સરક્યો. સપનાએ આંખો મીંચી દીધી. તેની પરિકલ્પનાનો પ્રદેશ ઉઘડ્યો. 'એલિસ ઇન વન્ડરલેન્ડ' જેવો ગુલાબી ગુલાબી. સપના તેમાં અહીંતહીં વિહરતી રહી. પછી ફિલ્મ શરૂ થઈ. સપના ફિલ્મની હીરોઈનને સ્થાને હતી અને પેલા હીરોને સ્થાને મનગમતો વિરલ બિરાજમાન હતો. સપનાનો ચહેરો મલકતો રહ્યો, ચમકતો રહ્યો; તન્મયની ચેષ્ટાઓને સ્પર્શ્યા વગર. પડખે તન્મય હતો પણ સપના મનોમન વિરલનો સહવાસ માણતી હતી, તેને જોઈ રહી હતી, તેને ચાહતી હતી. વિરલે એવું જ બધું કર્યું જે રાજેશ ખન્નાએ ફિલ્મમાં હીરોઈન સાથે કર્યું હતું. એક આંચકો લાગ્યો અને તંદ્રામાંથી બેઠી થતી હોય તેમ સપનાએ આંખો ખોલી. બાજુમાં હતો તન્મય. કદમાં ઠીંગણો, દેખાવમાં સાધારણ, ચહેરા પર શીળીના ડાઘ, માથા પર આછા વાળ અને બેડોળ નાક. દિવાસ્વપ્નમાં કલ્પેલા હેન્ડસમ હીરો જેવા જીવનસાથી કરતાં તદ્દન વિપરિત. એ પડખું ફરી ગઈ. તન્મયને સહેજેય ફરક નહોતો પડતો.

સપનાએ પોતાની સ્મરણપટારી ખોલી.
લગ્નની પહેલી રાતે પલંગ ફૂલોથી સજાવાયો હતો. સખીઓએ મશ્કરી કરી હતી, "હવે તું અમને ભૂલી જવાની." તન્મયના મિત્રોની અભદ્ર ટિપ્પણીઓ તેણે એક કાને સાંભળી બીજા કાનેથી હવામાં વહેતી કરી દીધી હતી. તન્મયને જોઈ તે શરમાઈ હતી. લગ્ન પછી ઉજવાતી પ્રથમ રાત્રિની તેણે કેટકેટલી કલ્પનાઓ કરી હતી. તન્મય આવશે, પેલી ફિલ્મમાં જોયેલું તેમ ઘૂંઘટ ઉઠાવશે પછી...

તેવું કશું જ ન થયું. રૂમમાં મોડી રાત્રે દાખલ થયેલા તન્મયની સાથે ધસી આવી હતી દારૂની વાસ. તે ખૂબ થાકી ગઈ હતી. ઊંઘ આવતી હતી. આતુરતા મરી પરવારી. તન્મય નજીક આવ્યો. સપનાને ધક્કો આપી પથારીમાં પાડી. પોતે કપડા કાઢ્યાં. પુરૂષાતન બતાવવાની જિદ્દ પકડી હોય તેમ સપના પર તેનું ધણીપણું હાવી થઈ ગયું. સપના તદ્દન અવાક્. દર્દથી લોહીલુહાણ એ જડ જેવી પડી રહી. પત્ની પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ તન્મય તેને અભિમાનપૂર્વક તાકી રહ્યો. "હું પીતો નથી. આજે દોસ્તારોએ પરાણે પીવડાવ્યું." બબડતો એ ઊંઘી ગયો.

સપના તેની ખાસ બહેનપણી ઈલા સાથે બધી અંગત વાતો વહેંચતી. "શરૂઆતમાં એડજસ્ટ થતાં વાર લાગે પછી ફાવી જશે." તે બોલેલી અને તન્મયને બદલે સપનાએ વિરલ સાથેના તરંગોને ફવડાવવા માંડ્યું. ધીમેધીમે તેને પોતાની મનઘડંત કલ્પનાઓમાં રાચવું પણ ફાવી જ ગયું.

તન્મય, ગમે તેમ તોય પતિ હતો. ગરીબીને લીધે માબાપે પરણી જવા દબાણ કરેલું અને સપનાએ માનવું જ પડ્યું હતું. "શું ખોટ છે છોકરામાં? સારી નોકરી છે. પોતાની માલિકીનું ઘર છે. ભણેલો છે પછી બીજુ શું જોઈએ? છોકરીનું રૂપ જોવાય અને છોકરાની આર્થિક સ્થિતિ."

પોતાની આર્થિક સ્થિતિ નબળી હતી અને તન્મયનું રૂપ. હીરોઈન જેવી સપનાને ચાહ હતી વિરલ જેવા હીરોની અને મળ્યો વિલન નામે તન્મય. સપના રૂપરૂપનો અંબાર નહોતી પણ વર્ગમાં સૌથી દેખાવડી તો ખરી જ. સાધારણ માબાપના છ સંતાનોમાંની એક, આશાસ્પદ યુવતી. વિરલ તેના કૉલેજકાળનો ક્રશ હતો. હેન્ડસમ ડેશિંગ નવયુવાન. બોડીબિલ્ડર અને તરવરાટથી ભર્યોભર્યો. ફક્ત સપના જ નહીં, કેટલીયે યુવતીઓ વિરલની અમીનજર મેળવવાની ઈચ્છા સેવતી. સપના ક્યારેય તેની નજીક જઈ ન શકી. વચ્ચે નડી આર્થિક અસમાનતાની ઊંડી ખાઈ. તેનું રૂપ રૂપિયા સામે ઝાંખુ પડી ગયું. જોકે વિરલ તેના સ્મૃતિપટ પર તર્યા કરતો. મનના એક ખૂણે તેની છબી અકબંધ સચવાયેલી પડી હતી.

આખો દિવસ સમાજના વહેવારો અને કામકાજમાં પસાર થઈ જતો પણ રાત્રે થાકીને પથારીમાં પડતાંવેંત પાથરેલી ચાદરમાંથી વાસનાની વાસ આવતી. ખુલ્લી આંખે જોયેલાં શમણાં ચૂરચૂર થયા કરતા. તેની કરચો ભીતર ઊંડી ખૂંપી જતી. સપનાને, એ વળગેલા અફસોસમાંથી જાતને બચાવવાનો એક જ માર્ગ દેખાયો; જે પ્રત્યક્ષ અનુભવાય છે તેને અવગણવું અને મનોવાંછિત પરોક્ષ અનુભવને માણવું. એ રીતે તેના વિક્ષિપ્ત મનને સંતોષ મળતો. પછી તો એ જાણે રાજેશ ખન્નાની ફિલ્મની હીરોઈન અને હીરોને સ્થાને વિરલ ગોઠવાતો ગયો. રાજેશ ખન્નાની એકેય ફિલ્મ જોવાનું એ ન ચૂકતી. રાજેશ ખન્ના ગાતો તેવું એકાદ ગીત સાંભળવા કાન તરસી જતા પણ એવી આશા અરસિક તન્મય પાસે ક્યાંથી રખાય? એ બધા ગીતો, મીઠામીઠા સંવાદો વિરલ કહેતો અને તે કાન દઈને સાંભળતી, પોતાની રચેલી સુંદર દુનિયામાં!

દિવસો વહી ગયા. રાતો વહી ગઈ અને સપના બે બાળકોની મા બની ગઈ. તન્મય સાથે ગાડું ગબડતું રહ્યું. માત્ર દેખાવને લીધે મનોમન ધારી લીધેલા વિલન જેવો તન્મય નહોતો. જોયેલા વાંચેલા હીરો જેવોય નહોતો. તેને સપના પરત્વે લાગણી હતી પણ સપનાની અપેક્ષાઓ સામે તેનો પ્રેમ ઊણો ઊતરતો. સમય જતાં સપનાના શરીર પર ચરબીના થર જામવા માંડ્યા અને મનમાં અસંતોષ. આંખ નીચેના કાળા કુંડાળા ચશ્મા પાછળ સંતાયા. પાંખા વાળને અવગણાયા. તન્મય એવોને એવો જ હતો. શમણામાં ડોકાતો વિરલ પણ હજુ એવો જ હતો. સપનાના મગજમાં વિચાર ઝબકી જતો, 'કાશ વિરલે મને પસંદ કરી હોત... જો હું તેને પરણી શકી હોત... તન્મયને પરણવાની ના પાડી દીધી હોત...' વાસ્તવિકતા હડસેલી નહોતી શકાતી અને શમણાં સાચા નહોતા થઈ શકતા. દિવાસ્વપ્નમાં રાચતી સપનાને તન્મય આશ્ચર્યથી જોયા કરતો.

એક દિવસ સપનાની કૉલેજસખી ઈલાનો ફોન આવ્યો, "વોટ્સએપ ઝિંદાબાદ. આપણા કોલેજનું એક ગ્રુપ બનાવ્યું છે. હું એડમિન છું. તને પણ તેમાં જોડું છું."

ઈલાએ થાકેલી સપનાનો થાક ઉતારવા માંડ્યો. "આમાં વિરલ પણ છે?" સપનાના હોઠ સુધી આવેલું એ નામ પાછું હૈયામાં ધરબાઈ ગયું. તે છતી નહોતી થવા માંગતી. મેસેજોના ખડકલા વચ્ચે એ વિરલનો વિરલ મેસેજ શોધવા મથતી. ફોરવર્ડ્ઝ સિવાય ખાસ કંઈ ન મળતું. તેના પ્રોફાઇલ ફોટોમાંય તે નહોતો. માત્ર એક બાળકનો ફોટો. 'તેનો દીકરો હશે.' સપનાએ વિચાર્યું.

સપનાને થયું, વિરલ એની દુનિયામાં વ્યસ્ત હશે. એની પોતાની પણ અલગ દુનિયા હતી જ. નયનને બંધ રાખીને જેને રાતદિવસ જોયો હતો તેને એક વાર ખુલ્લી આંખે ખુલ્લા દિલે મળવા માટે મર્કટ મન કુદકા મારી રહ્યું હતું. તેને ધરાઈને જોવો હતો. વોટ્સએપની ચેટએ ત્રેવીસ વર્ષ પહેલાંની ભૂલાયેલી સૃષ્ટિ ફરી સપાટીએ આણી મૂકી. કૉલેજકાળની નાનીમોટી યાદો ઉમટી આવી. ધાર્યા મુજબ જ ગ્રુપનું એક સ્નેહ-સંમેલન ગોઠવાયું અને સૌએ મળવું એવું નક્કી થયું.

નિયત દિવસે સપના તૈયાર થઈ. તેણે મનગમતી સિલ્કની લાલ સાડી સાથે મેચીંગ બ્લાઉઝ, આભૂષણો પહેર્યાં. ચહેરા પર આછો મેકઅપ કર્યો. તન્મયને સાથે જવામાં બિલકુલ રસ નહોતો, "તું જા. હું કોઈને ઓળખતો નથી વળી મને કામ છે." કહી તેણે ટાળ્યું. સપનાનેય તેને સાથે લઈ જવામાં ખાસ રસ નહોતો. રસ હતો વિરલને મળવામાં, ધરાઈને જોવામાં, કલ્પનાચક્ષુમાં ભરી લેવામાં જેથી પોતે દોરેલા ચિત્રમાં નવા રંગો પૂરાય.

ખુશહાલ વાતાવરણ વચ્ચે યાદો યુવાન થતી ગઈ અને જુના સહપાઠીઓ પ્રૌઢાવસ્થાની વાતો ટાળતા રહ્યાં. ઠઠ્ઠા મશ્કરી, સાનંદાશ્ચર્યના ઉદગારો અને મુક્ત હાસ્યના પડઘાતા ધ્વનિ વચ્ચે સપનાની નજર વિરલને શોધતી હતી.

'તે આવ્યો હશે? સાથે તેની પત્ની હશે? એ કેવી હશે? વર્ષો બાદ વિરલ કેવો દેખાતો હશે? મને ઓળખશે?' તે આમતેમ જોઈ આગળ વધી. છેક ખૂણામાં ઉભેલો વિરલ દેખાયો. તે ઝડપી ચાલે ત્યાં ગઈ. મિત્રો વચ્ચે ઘેરાયેલો વિરલ વાતોએ ચડેલો. તે જોઈ રહી. આટલા વર્ષો બાદ પણ એવો જ સુદ્રઢ બાંધો. આકર્ષક ચહેરો. તેજ તર્રાર મસ્તીભરી આંખો. સંમોહિત કરી દેતું સ્મિત. ફરક એટલો જ હતો કે ચહેરા પર વેલટ્રીમ્ડ દાઢીમૂછ હતા જે તેના ટટ્ટાર વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવતા હતા. આગવી અદાથી એ સિગારેટ ફૂંકી રહ્યો હતો. તેની અડોઅડ તેની સુંદર પત્ની ઊભી હતી. એકદમ સ્ટાઇલીશ. તેના દરજ્જાને શોભે તેવી. 'અ પરફેક્ટ મેચ.' અચાનક જ સપનાએ ભોંઠપ અનુભવી.

'મારો હીરો.' સપના મનોમન બોલી. હિંમત ભેગી કરી તે આગળ વધી. "હાય, હું સપના. ઓળખી?"

"તું કોણ?" હોઠ બહાર ધૂમ્રસેર ફેંકાઈ.

"સપના. સપના દેસાઈ."

"સોરી. મને બિલકુલ યાદ નથી." તેની આંખોમાં કોઈ ભાવ નહોતા. જાણે એ તદ્દન અલિપ્ત. તેને આવી ઝાંખી સપના સામે જોવામાં કે તેની સાથે વાત કરવામાં સહેજેય રસ નહોતો. સપના ઓઝપાઈ ગઈ. ક્લાસના ચાળીસ વિદ્યાર્થીઓમાંની તે એક, ક્લાસ વગરની. સ્ટેટસ વગરની. શું કહેવું તે સપનાને ન સમજાયું. તે ઔપચારિકપણે સ્મિત રેલાવી ઊંધી ફરી ગઈ. આંખો સહેજ છલકાઈ. જેને તે ભૂલાવી નહોતી શકી તેણે કહી દીધું, "સોરી!" ફક્ત સોરી? વિરલે તેની નોંધ સુધ્ધાં નહોતી લીધી. જેને પોતાનો હીરો માનેલો તેને માટે પોતે એક એકસ્ટ્રા પણ નહોતી. સપનાની હાજરીથી વિરલને લેશમાત્ર ફરક નહોતો પડતો. અફાટ સમુદ્રમાં તે માત્ર એક ટીપું જેની કોઈ ગણના નહોતી.

સપનાનો મોબાઇલ રણક્યો, "પહોંચી ગઈ? ઑલ ઓકે?" સામે છેડે તન્મય હતો, એકાદ અદ્શ્ય તાંતણે જોડાયેલો.

"હા. જમવાનું પતે એટલે આવું."

"લેવા આવું?" કાળજીસભર જવાબદારી છલકાઈ.

"ના. ઈલા સાથે આવી જઈશ." સપનાએ ફોન કટ કર્યો. તે સહેલીઓને મળી. સારું લાગ્યું. ભોજન પત્યું એટલે સપના ઈલાની કારમાં ગોઠવાઈ.

"સખી, તું આવવામાંય ઉતાવળી અને જવામાંય ઉતાવળી." ઈલા ડિવોર્સી હતી છતાંય સદા ખુશમિજાજ. એ જાતે જ પોતાની કાર હંકારતી. ઉબડખાબડ રસ્તો પસાર કર્યો ત્યાં ગલીને વળાંકે 'નો એન્ટ્રી'નું બોર્ડ નજરે પડતાં, સપના બોલી પડી, "એય, પાછી વાળ. આ તો વન-વે લાગે છે. આ તરફ આગળ નહીં વધાય. જો સામે ડાઇવર્ઝનનું બોર્ડ છે."

કાર ડાઇવર્ઝન તરફ વળી ગઈ. સપના ઘરે પહોંચી ત્યારે બન્ને બાળકો અને તન્મય તેની રાહ જોઈ રહ્યા હતા.

"મજા આવી?"

"બધાં પાર્ટનર્સ સાથે આવેલાં. મેં તને ખૂબ મીસ કર્યો." સપનાનો અવાજ ગળગળો થઈ ગયો.

"મમ્મી આવી ગઈ. " નાનો અંકિત વળગી પડ્યો.

"હા બેટા, આટલા વર્ષોથી ક્યાંક ખોવાઈ ગયેલી, આજે પાછી આવી ગઈ." કહી સપના કપડા બદલવા ગઈ. હ્રદયમાં તીક્ષ્ણ ફાંસ પેસી ગઈ હોય તેવું લાગ્યું.

"સોરી. મને બિલકુલ યાદ નથી." વિરલના એ શબ્દો તીરની જેમ ભીતર ભોંકાતા હતા. સપનાએ રચેલી સૃષ્ટિ એક ક્ષણમાં ધરાશાયી થઈ ગઈ.

રાત્રે તન્મય નજીક સરક્યો. સપના તેને ભેટી પડી. તેણે આંખો બંધ કરી. સામે તન્મય હતો. એ પૂરેપૂરી તન્મયતાથી એના આલિંગનમાં જકડાઈ ગઈ. 'તું જ મારો હીરો છે.' તે બોલી. તેની નજર સામે ડાયવર્ઝનનું પાટિયું દેખાયું અને  મન ડાયવર્ટ થઈ ગયું. તન્મય એ જ હતો. સપના એ જ હતી પરંતુ સડસડાટ દોડતો અસંતોષ સમાધાન તરફ વળી ગયો.

સપનાને અચાનક તન્મય ગમવા માંડ્યો. તેના લીસા ગાલમાં વાગતા તન્મયની દાઢીના કાંટાળા બરછટ વાળ હવે ખૂંચતા નહોતા.
***************
સુષમા શેઠ .




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ