વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમર-સુંદરી ની પ્રેમ પરીક્ષા

પૂર્વનાં તટ આવેલું રાજ્ય દેવલગઢ. ખૂબ જ સુખી અને સમૃદ્ધ રાજ્ય અને કેમ ના હોય? જે રાજ્યમાં દેવસેન જેવાં રાજા રાજ્ય કરતાં હોય તે રાજ્યમાં શું ખામી હોય.

ચારે તરફ લીલી વનરાજી અને વિશાળ મનોરમાનું જંગલ અને જંગલ ની વચ્ચે રાજા દેવસેનનો ભવ્ય મહેલ. રાજા દેવસેન તેની રાણી ચિત્રભાગા સાથે સુખેથી રાજ કરતાં હતા.

રાજા દેવસેન અને રાણી ચિત્રભાગાને સંતાનમાં એક પુત્ર, રાજકુંવર અમર. 

રૂપવાન, ગુણવાન, ચારિત્રવાન, સુદ્રઢ સુંદર કસાયેલું શરીર,નમણો ચહેરો, સુંદર આંખો અને જાણે કોઈ દેવ લોકનો દેવ ધરતી પર ઉતરી આવ્યો હોય તેવો રાજકુંવર અમર.

સાયબીની છોળોમાં ઉછરેલો રાજકુંવર છતાં પણ અભિમાની નહિ, યુદ્ધ કળામાં અને બીજી સર્વે કળામાં કુશળ.

અમર હવે પોતાની જુવાનીમાં પગલાં માંડી રહ્યો હતો, મિત્રો સાથે જંગલમાં ફરવાનું,શિકાર કરવાનું અને યુદ્ધની અલગ-અલગ રીતો શીખવાનો તેને ખૂબ જ શોખ.

એવી જ રીતે એકવાર તે તેનાં મિત્રો સાથે જંગલ વિહાર કરવાં નીકળ્યો, મનોરમા જંગલનો ખૂણે ખૂણો તે ફરી ચૂક્યો હતો એટલે આજે તેઓ તેનાથી આગળ જવાની ઈચ્છાએ ખૂબ દૂર નીકળી ગયા અને જંગલની અટપટી વાટોમાં તે તેનાં મિત્રોથી જૂદો પડી ગયો.

'અરે! આજે તો હું ખૂબ જ આગળ નીકળી ગયો અને સાથી મિત્રો પણ ક્યાંય દેખાતા નથી.' અમર બોલ્યો.

તેણે ઘણાં અવાજો લગાવ્યા પણ કોઈ ઉત્તર ના આવ્યો, તે ઘોડો ચલાવતાં થાકી ગયો હતો એટલે તેને થોડીવાર વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો.

'આ સામે સરસ વૃક્ષ છે, ત્યાં જઈને  આરામ કરું, ત્યાં સાથી મિત્રો પણ આવી જશે.' એમ બોલતાં અમરે તેનો ઘોડો વૃક્ષનાં થડ સાથે બાંધ્યો અને પોતે થડને ટેકો દઈને બેઠો.

જંગલમાં ખૂબ જ શાંતિ હતી, બાજુમાં વહેતી નદીનાં ઝરણાંનો ખળખળ સુંદર અવાજ આવી રહ્યો હતો,અમરને ત્યાં ખૂબ જ મજા આવી, તેને પોતાનાં કોટમાંથી વાંસળી કાઢી અને વગાડવાં લાગ્યો.

તે વાંસળી વગાડવામાં એટલો તો મશગૂલ થઈ ગયો કે આજુબાજુનું તેને કંઈ ભાન જ ના રહ્યું.

તે વખતે આકાશ માર્ગે ભ્રમણ કરતી ઇન્દ્રલોકની અપ્સરા તેની સખીઓ સાથે ત્યાંથી નીકળી. તેણે વાંસળીનાં સૂર સાંભળ્યાં અને બેશુદ્ધ થઈ ગઈ, તે ધરતી પરથી આવતાં આ મીઠાં સૂરને સાંભળતી ત્યાં જ ઉભી રહી ગઈ અને તેમાં ખોવાઈ ગઈ.

તે અપ્સરાનું નામ હતું સુંદરી. જેવું તેનું નામ તેવું જ તેનું રૂપ હતું. રૂપ-રૂપનો અંબાર અને જાણે કાચની પૂતળી,મંત્રમુગ્ધ આભા ધરાવતો ચહેરો, દિવ્ય પોશાક અને સુંદર આભૂષણોથી સજ્જ એવી નૃત્ય અને સંગીતની સામ્રાજ્ઞિ.

'સુંદરી! સુંદરી!' તેની સખીએ તેને જગાડી.

'હહહ!' સુંદરીએ જવાબ આપ્યો.

'શું હહહ! ક્યાં ખોવાઈ ગઈ, કેમ અહીં ઉભી રહી ગઈ.' સખી લતાએ પૂછ્યું.

'તે સાંભળ્યાં આ વાંસળીનાં સૂર, કેટલાં મોહક છે.' સુંદરીએ કહ્યું.

'આપણાં દેવલોકનાં સંગીત સામે આ સૂરની શું વિસાત? આમાં એવું તે વળી શું છે કે તું સાંભળવા ઉભી રહી ગઈ.' તેની સખીએ કહ્યું.

'આમાં માનવ જીવનની વેદના છે, પ્રેમની તડપ છે.' સુંદરીએ કહ્યું.

'તું આવી ગાંડી-ઘેલી વાતો ના કર અને ચાલ, આપણે મોડું થાય છે, આપણે ઈન્દ્રલોકની અપ્સરાઓ અને સામાન્ય મનુષ્ય માટે આપણને વળી કેવી લાગણી!' સખી તિલોત્તમાએ કહ્યું.

'તમે લોકો જાવ, હું હમણાં આવું.' સુંદરીએ તેની સખીઓને જવા માટે કહ્યું.

'ઠીક છે, પણ તું જલ્દી આવજે, અને જોજે કંઈ એવું કાર્ય ના કરતી જેથી ઈન્દ્રલોકનાં નિયમોનો ભંગ થાય.' તેની સખીઓએ કહ્યું.

'હા, હું ધ્યાન રાખીશ, તમે જાવ, હું હમણાં જ આવી.' સુંદરીએ કહ્યું અને તે નીચે ધરતી પર ઉતરી.

જાણે આકાશ અને ધરતીનું મિલન થયું, આખું જંગલ તેની ખુશ્બૂની મહેકથી મહેકી ઉઠયું.

સુંદરી જઈને અમરની બાજુમાં બેસી ગઈ, તે વાંસળીનાં સૂર સાંભળીને બેચેન થઈ ગઈ હતી.

સુંદર મહેકનો આસપાસ અનુભવ થવાથી અમરની આંખો ખૂલી ગઈ, તે બાજુમાં સુંદર સુંદરીને જોઈને ચોંકી ગયો.

'તમે કોણ? અને અહીંયા?' સુંદરીનું રૂપ જોઈને અમરનાં મુખમાંથી શબ્દો નીકળતાં બંધ થઈ ગયા.

'હું સુંદરી, તમારાં આ વાંસળીનાં મીઠાં સૂરે મને ભાન ભૂલાવી અને હું અહીંયા પહોંચી ગઈ, તમારી પાસે.' સુંદરીએ કહ્યું.

'મારું નામ અમર છે, હું દેવલગઢનો રાજકુંવર છું.'

'તમે પણ કોઈ ઉચ્ચ કુળનાં રાજકુંવરી પ્રતિત થાવ છો, તમારાં રાજ્યનું નામ શું છે?' અમરે પ્રશ્ન કર્યો.

સુંદરી તેની હકીકત જણાવી શકે તેમ ના હતી, એટલે તેણે અસત્ય બોલવું પડયું.

'હું છું સ્વર્ગાપુરની રાજકુંવરી સુંદરી.' સુંદરીએ કહ્યું.

'સ્વર્ગાપુર? આ રાજ્યનું નામ તો પહેલાં નથી સાંભળ્યું, તે કઈ દિશામાં છે?' અમરે પ્રશ્ન કર્યો.

'અહીંથી પશ્ચિમની દિશામાં રેવતી નદીને કાંઠે.' સુંદરીએ કહ્યું.

'તમે કહો છો તો હશે.' અમરે કહ્યું.

અમર પહેલી નજરે જોતાં જ સુંદરીનાં પ્રેમમાં પડી ગયો.

'સારું હું જાઉં હવે, મારે મોડું થાશે તો મહારાજ ગુસ્સે થશે.' સુંદરીએ કહ્યું.

'જતાં પહેલાં એ તો કહેતાં જાવ કે પાછા ક્યારે મળશો?' અમરે પૂછ્યું.

'તમે જયારે તમારાં વાંસળીનાં સૂરે મને બોલાવશો ત્યારે હું આવીશ.' સુંદરીએ કહ્યું અને નમ્ર સ્મિત સાથે તે ચાલી ગઈ.

અમર તો બસ તેને જોતો જ રહી ગયો, ત્યાં તેનાં સાથી મિત્રો તેને શોધતાં આવી પહોંચ્યા અને બધાં સાથે રાજ મહેલમાં આવ્યાં.

***

ધીમે-ધીમે અમર અને સુંદરીનું મળવાનું વધવા લાગ્યું. એકબીજાં વગર એકબીજાંને ચેન ના પડે.

સુંદરી તેની છાતીમાં એક વિચિત્ર લાગણી અનુભવી રહી હતી, જે તેણે પહેલાં ક્યારેય અનુભવી ન હતી. તે અમર તરફ આકર્ષિત થઈ રહી હતી.

પણ જેમ જેમ અમર નજીક આવવાં લાગ્યો ,સુંદરીને સમજાયું કે તે એક માણસ સાથે પ્રેમમાં પડી રહી છે. સુંદરીએ લાગણીને વશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની લાગણીઓ વધુ મજબૂત બનતી ગઈ. તે અમર વિશે વિચારવાનું બંધ કરી શકી નહીં, અને વારંવાર અમરને મળવા જંગલમાં જવા લાગી.

તેની સખીઓએ સુંદરીની વર્તણૂકમાં બદલાવ જોયો.

'સુંદરી! તને શું થઈ રહ્યું છે? તારું વર્તન બદલાતું જણાય છે,જો આમ જ ચાલતું રહ્યું તો તું ઈન્દ્રલોકનાં નિયમોનો ભંગ કરી બેસીશ.' તેની સખીઓએ તેને સમજાવી.

પણ સુંદરી કેવી રીતે સમજાવે કે તે એક માણસ સાથે પ્રેમમાં છે.

આમ કરતાં-કરતાં દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં  ફેરવાઈ ગયા, અને સુંદરીનો અમર પ્રત્યેનો મોહ વધતો જ ગયો. તે એક અપ્સરા હતી, તેની દુનિયા ખૂબ જ અલગ હતી, અને તેમના પ્રેમને ક્યારેય સ્વીકારવામાં નહિ આવે તે પણ તે જાણતી હતી,પરંતુ સુંદરી પોતાની જાતને રોકી શકતી ના હતી.

તે અમર સાથે રહેવા, તેનો સ્પર્શ અનુભવવા, તેનો અવાજ સાંભળવા ઈચ્છતી હતી.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેનો પ્રેમ જાહેર થયો, ઈન્દ્રરાજાને સુંદરીની સર્વે હકીકત ખબર પડી.

'એક અપ્સરા થઈને મૃત્યુલોકનાં માનવી સાથે પ્રેમમાં પડવું એ સ્વર્ગલોકનો સૌથી મોટો અપરાધ છે, શું તું તે વાત નથી જાણતી?' ઈન્દ્રએ સુંદરીને પોતાની સમક્ષ બોલાવીને કહ્યું.

'સાચાં પ્રેમને તમે અપરાધ કહો છો પ્રભુ!' સુંદરીએ પોતાનો મત કહ્યો.

'સંસારીનું સુખ ક્ષણભંગુર હોય છે, આ પ્રેમ નથી સુંદરી! આ ફક્ત તારું આકર્ષણ છે, અને એક અપ્સરાનું અને સામાન્ય માનવીનું મિલન કોઈ કાળે શક્ય નથી, માટે તું તેને ભૂલી જા.' ઈન્દ્રરાજાએ સુંદરીને સમજાવી.

'ના પ્રભુ! બીજું બધું શક્ય છે પણ અમરને ભૂલવો મારા માટે શક્ય નથી.' સુંદરીએ કહ્યું.

'સુંદરી! આ તું શું બોલે છે તેનું ભાન છે તને?' ઈન્દ્રરાજાએ ગુસ્સામાં કહ્યું.

'ક્ષમા કરો પ્રભુ! પણ આ જ સત્ય છે, મને અમર સાથે લગ્ન કરવાની અને તેની સાથે મૃત્યુલોકમાં રહેવાની મંજૂરી આપો,નહીંતર હું મારાં પ્રાણ ત્યાગીશ.' સુંદરીએ હઠ પકડી.

'આ તારી હઠ તારાં વિનાશનું કારણ બનશે, પછી તું ક્યાંયની નહિ રહે, ના તો ધરતી પર અને ના તો સ્વાર્ગમાં તારાં માટે કોઈ જગ્યા હશે, માટે હજી વિચાર કરી લે.' ઈન્દ્રદેવે સુંદરીને ચેતાવણી આપી.

'મને મંજુર છે.' સુંદરીએ કહ્યું.

'પણ તે પેલાં મારી ત્રણ શરતો છે,તેનું તારે પાલન કરવું પડશે.' ઈન્દ્રરાજાએ કહ્યું.

'શું શરતો છે તમારી પ્રભુ! મને જણાવો.' સુંદરીએ કહ્યું.

'પહેલી શરત એ કે તું કામથી પ્રેરાઈને તારા પતિ સાથે શરીર સુખ નહિ માણી શકે, તું મનુષ્યનાં સંતાનને જન્મ નહિ આપી શકે.' ઈન્દ્રરાજાએ પહેલી શરત જણાવી.

'આ તે કેવી શરત પ્રભુ!' સુંદરીએ કહ્યું.

'કેમ કે એક દેવદાસી અને મનુષ્યનું મિલન યોગ્ય નથી.' ઈન્દ્રરાજાએ કહ્યું.

'ભલે પ્રભુ! મને મંજુર છે.' સુંદરીએ કહ્યું.

'બીજી શરત, તું ક્યારેય પણ તારી દૈવી શક્તિનો ઉપયોગ ધરતીલોક પર નહિ કરે.' ઈન્દ્રરાજાએ કહ્યું.

'ઠીક છે.' સુંદરીએ કહ્યું.

'ત્રીજી અને છેલ્લી શરત, તું ક્યારેય પણ તારી સચ્ચાઈ ઉઘાડી નહિ કરે, તું કોઈને પણ નહિ જણાવે કે તું ઈન્દ્રલોકની અપ્સરા છે.'  ઈન્દ્રરાજાએ ત્રણેય શરતો કહી.

'ભલે ભગવાન! મને તમારી ત્રણેય શરતો મંજુર છે, હવે મને રજા આપો.' સુંદરીએ ત્રણેય શરતોનો સ્વીકાર કર્યો.

'તથાસ્તુઃ' કહીને ઇન્દ્રરાજાએ આશીર્વાદ આપ્યા.

ઈન્દ્રલોકમાંથી સુંદરી ધરતી પર આવી.

***

અમર જંગલમાં સુંદરીની રાહ જોતો બેઠો હતો, ત્યાં સુંદરી આવી.

'સુંદરી! તું મારી સાથે ક્યારે લગ્ન કરીશ?' અમરે સીધો જ પ્રશ્ન કર્યો.

'જો રાજી હોય તો અત્યારે જ.' સુંદરીએ કહ્યું.

'તું મજાક કરે છે?' અમરે પૂછ્યું.

'ના, મજાક નથી કરતી, સાચે કહું છું,ચાલ આપણે લગ્ન કરી લઈએ, આજે અને અત્યારે જ.' સુંદરીએ કહ્યું.

'અરે! અરે! પણ આટલી બધી ઉતાવળ કેમ?' અમરે સુંદરીને પૂછ્યું.

'મારાં પિતાજી મારાં લગ્ન બીજાં કોઈ સાથે કરાવવા માંગે છે, આ સંસારી જીવો આપડી વચ્ચે આવે તે પહેલાં આપણે લગ્ન કરી લઈએ, હું માત્ર અને માત્ર તારી જ છું.' સુંદરીએ કહ્યું.

'પણ મારાં પરિવારની સહમતી મેં પૂછી નથી અને તારાં પિતાજીની પણ સહમતી નથી તો કેવી રીતે?' અમરે કહ્યું.

'હું મારાં પિતાજીને સમજાવી લઈશ અને જો તે નહિ માને તો તેની સાથે સંબંધ તોડી નાખીશ, પણ તું મને અપનાવી લે, નહીંતર મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.' સુંદરીએ કહ્યું.

અમરે વિચાર કર્યો.

'ઠીક છે, હું તારી સાથે અત્યારે જ લગ્ન કરીશ, કેમ કે હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું.' અમરે કહ્યું.

'પણ મારી એક શરત છે.' સુંદરીએ કહ્યું.

'શરત? કેવી શરત?' અમરે પૂછ્યું.

'તું મારાં વિશે જે જાણે છે તેનાથી વિશેષ તું મારાં વિશે મને ક્યારેય સવાલ નહિ કરે, અને જયારે આવું થશે ત્યારે આપણો વિયોગ સર્જાશે.' સુંદરીએ કહ્યું.

અમરને કંઈ સમજાયું નહિ પરંતુ તેને સુંદરીની શરત માન્ય કરી અને બંને એ શિવની સાક્ષીએ લગ્ન કરી લીધા.

અમર સુંદરીને લઈને પોતાનાં રાજ્યમાં આવ્યો, સુંદરી ખૂબ જ ખુશ હતી, રાજા-રાણી પહેલાં નારાજ થયા પણ આવી સુંદર વહુંને જોઈને તેમનો ગુસ્સો ઓગળી ગયો અને અમરે સમજાવ્યું કે તે સ્વર્ગાપુર રાજ્યની રાજકુંવરી છે અને તેનાં પિતાજી તેનાં લગ્ન બીજાં કોઈ સાથે કરાવવા માંગતા હતા એટલે તેઓએ કોઈની સહમતી વિના આ નિર્ણય લીધો.

રાજા-રાણી તેઓની દુવિધાને સમજી ગયા અને ધામધૂમથી અમર અને સુંદરીનાં ફરીથી લગ્ન કરાવ્યા.

અમર-સુંદરીની સુહાગરાત આવી, સુંદરીએ પોતાની શરત પાળવાની હતી પણ અમરથી દૂર રહેવું તેનાં માટે મુશ્કેલ હતું.

અમર જેવો પુરુષ, જેની સામે દેવો પણ ઝાંખા પડે, તેવામાં પોતાની જાતને કેવી રીતે રોકી શકે? અમર જેમ જેમ તેની નજીક આવતો ગયો તે પોતાનાં આવેગોને રોકી ના શકી, અને અમરની બાહોમાં સમાઈ ગઈ, પહેલીવાર તેને સ્વર્ગનાં તમામ સુખો ફિક્કા લાગ્યાં, અમર અને સુંદરી એકબીજામાં ઓગળી ગયા અને ઈન્દ્રરાજાએ આપેલી પહેલી શરતનું ક્ષણવારમાં જ ઉલ્લંઘન થઈ ગયું.

સુંદરીને ઈન્દ્રલોકમાં હાજર થવાનો સંદેશો મળ્યો.

'સુંદરી! તે જાણતાં હોવા છતાં મારી શરતનું પાલન કર્યુ નથી, આ તારો પહેલો અપરાધ છે.' ઈન્દ્રરાજાએ કહ્યું.

'ક્ષમા કરો પ્રભુ! જેમ તમે અહીંના પરમેશ્વર છો તેમ સંસારી માટે પોતાનો પતિ જ પરમેશ્વર હોય છે અને પરમેશ્વરની સેવા કરવી તેને તમે અપરાધ કહો છો પ્રભુ!' સુંદરીએ દલીલ કરી.

'સુંદરી! આ તારો પહેલો અપરાધ ગણીને તને માફ કરું છું પણ હવે ધ્યાન રાખજે.' ઈન્દ્રરાજાએ કહ્યું.

'ભલે દેવ! હવે આગળ ધ્યાન રાખીશ.' સુંદરીએ કહ્યું.

આમ કરતાં-કરતાં દિવસો વિતવા લાગ્યા,અમર અને સુંદરી એકબીજાં સાથે સુખેથી રહેવા લાગ્યા.

એક દિવસ અમર પોતાનાં મિત્રો સાથે જંગલમાં વિહાર માટે ગયો, જંગલમાં ફરતાં હતા ત્યાં અમરને ઝેરી સર્પે દંશ દીધો, તેને આખા શરીરમાં ઝેરની અસર થવા લાગી,તેનાં મિત્રો તેને ઝડપથી રાજ મહેલમાં લાવ્યા.

રાજ વૈદે અમરનો ઈલાજ શરુ કર્યો પણ કોઈ અસર થઈ નહિ, હાલત વધુ ગંભીર હતી, અમર આંખો ખોલતો પણ બંધ થઈ ગયો, વૈદે દવાઓ આપી અને બે દિવસની રાહ જોવા કહ્યું.

બે દિવસ પછી પણ અમરની હાલતમાં કોઈ સુધારો થયો નહિ, રાજા-રાણી સહિત સર્વે નગરનાં લોકોમાં ઉદાસી છવાઈ ગઈ, કોઈ ઉપાય હતો નહિ, હવે તો બસ કોઈ ચમત્કાર જ અમરને બચાવી શકે તેમ હતો. 

સુંદરી મૂંઝવણમાં હતી, પોતે અમરનો જીવ બચાવી શકે તેમ હતી પરંતુ તેવું કરવામાં તેની શરતનો ભંગ થાય તેમ હતું.

'ના, આમ હું મારી નજરની સામે અમરને મરતો ના જોઈ શકું, પતિવ્રતા સ્ત્રીનું પહેલું કર્તવ્ય તેનાં પતિની રક્ષા કરવાનું હોય છે, ભલે તે શરતનાં ભોગે પણ કરવું પડે.' સુંદરીએ નિર્ણય કર્યો અને અમર પાસે ગઈ.

સુંદરીએ પોતાની દૈવી શક્તિથી અમરનાં શરીરનું ઝેર ઉતાર્યુ અને થોડીવારમાં તો અમરે આંખો ખોલી,સુંદરીને પોતાની પાસે જોઈને તેને ગળે વળગી પડયો.

દાસીએ બધાંને જાણ કરી અને બધાં ત્યાં દોડી આવ્યા, સૌ નાં હરખનો પાર ના હતો, બધાં એવું માનવા લાગ્યા કે સુંદરીનાં પ્રેમે જ અમરને બચાવ્યો.

અમરનો જીવ બચાવવાં સુંદરીએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને તેણે બીજી શરતનો પણ ભંગ કર્યો.

ઈન્દ્રલોકમાંથી પાછો સંદેશો આવ્યો, અમર સૂતો હતો, સુંદરીએ જવાની તૈયારી કરી, પણ સુંદરી જેવી નીકળી કે અમરની ઉંઘ ઉડી ગઈ અને તેને સુંદરીને પોતાનાં કક્ષની અટારી પરથી ચંદ્રનાં તેજમાં અદ્રશ્ય થતી જોઈ, અમર થોડીવાર તો આંખો ચોળવા લાગ્યો, શું થયું તે તેને કંઈ સમજાયું નહિ.

'સુંદરી! તે મારી બીજી શરતનો પણ ભંગ કર્યો, મેં તને ધરતી પર જવા માટે શરતોને આધીન મંજૂરી આપી હતી તે તું ભૂલી ગઈ?' ઈન્દ્રરાજાએ ગુસ્સામાં કહ્યું.

'ભગવાન! મારાં પતિનાં પ્રાણ સંકટમાં હતાં તે વેળાએ શું હું તેને બચાવવા કંઈ ના કરી શકું? મને તે સમયે જે યોગ્ય લાગ્યું તે મેં કર્યુ, તમે મને જે સજા આપો તે મંજુર છે.' સુંદરીએ હાથ જોડીને વિંનંતી કરી.

'સુંદરી આ અપરાધ પણ હું તને ક્ષમા કરું છું પણ હવે આખરી શરતનું જો તું પાલન નહિ કરે તો તારે સદાય માટે અમરને ભૂલીને પાછા સ્વર્ગમાં ફરવું પડશે.' દેવાધિદેવે આખરી ચેતાવણી આપી.

સુંદરી પાછી પોતાનાં મહેલમાં ફરી, પણ અમર તેની રાહ જોઈને જાગતો બેઠો હતો અને તેને સુંદરીને આવતી જોઈ.

'સુંદરી તું કોણ છે? અને અત્યારે આ સમયે ક્યાં ગઈ હતી? મેં તને આકાશમાં અદ્રશ્ય થતી જોઈ હતી.' અમરે પૂછ્યું.

'અમર! મેં જયારે તારી સાથે લગ્ન કર્યા તે સમયે જ એક શરત રાખી હતી કે તું મને જેટલી ઓળખે છે તેથી વધુ મને મારાં વિશે કંઈ નહિ પૂછે? સમય આવે તને બધું સત્ય સમજાઈ જશે.' સુંદરીએ અમરને સમજાવ્યો.

પણ જયારે વિયોગકાળ સર્જાવાનો હોય ત્યારે બધી શરતો,બધા નિયમોનું ઉલ્લંઘન થઈ જાય, જે સુંદરી સાથે થયું હતું તે આજે અમર સાથે થયું, અમર સુંદરીની સચ્ચાઈ જાણવા અધીરો બન્યો.

'સુંદરી! હું કોઈ શરત જાણતો નથી, બસ તું ફક્ત મને એટલું જણાવી દે કે તું કોણ છે? બીજું હું તને કંઈ નહિ પૂછું.' અમરે કહ્યું.

'અમર! તું સમજતો કેમ નથી, મારાં પર ભરોસો નથી તને? હું તને નહિ જણાવી શકું, મારાં વિશે તું જાણે જ છે, હું સ્વર્ગાપુરની રાજકુંવરી સુંદરી.' સુંદરીએ અમરને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

'તું જૂઠું બોલે છે, મેં તને અદ્રશ્ય થતી જોઈ, તે શક્તિ તારી પાસે કેવી રીતે?' અમર માનવા તૈયાર ના હતો.

'એ તો ઈશ્વરનાં આશીર્વાદ છે, બીજું કંઈ નહિ.' સુંદરીએ પોતાની સચ્ચાઈ છુપાવવાનો પૂરતો પ્રયાસ કર્યો.

અમર માનતો જ ના હતો, તે જીદ પર આવી ગયો હતો.

'તને મારાં સમ છે, જો તું મને તારી હકીકત નહિ જણાવે તો મારું મરતું મોં ભાળીશ.' અમરે આકરા સમમાં સુંદરીને બાંધી દીધી.

સુંદરીની આંખોમાંથી ચોધાર અશ્રુઓ સરી પડયા,તે ધરતી પર પડી ગઈ, તે જાણી ગઈ હતી કે હવે વિયોગની વેળા આવી ગઈ છે.

તેણે મનને મક્કમ બનાવ્યું, ઉભી થઈ અને આંસુઓ લૂછ્યા.

'સાંભળ અમર! તું જાણવા જ માંગે છે ને કે હું કોણ છું, તો સંભાળ, હું છું ઈન્દ્રલોકની અપ્સરા, અપ્સરા સુંદરી!, દેવો વચ્ચે રહેનારી, નૃત્ય અને સંગીતની સામ્રાજ્ઞિ, દેવદાસી.' સુંદરીએ પોતાની ઓળખ છતી કરી.

અમર તો બસ સુંદરી સામે જોતો જ રહી ગયો, તેને સમજાતું ના હતું કે શું બોલે.

'સ્વર્ગની પદમણી અને મારી જીવન સંગિની?' અમર બોલી ઉઠયો.

તેને હજી પણ વિશ્વાસ આવતો ના હતો.

'હા, હું સ્વર્ગની પદમણી અને તારી પત્ની, પણ હવે નહિ, હવે હું સદાય માટે જાવ છું, સ્વર્ગમાં, આપણો સાથ અહીં પૂરો થયો.

આકાશમાં વીજળી ગરજવા લાગી,ભયકંર તોફાન આવ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું, અમર કંઈ સમજે તે પેલાં જ એક વીજળીનો ચમકારો થયો અને સુંદરી ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.

***

અમરને તેની ભૂલનો પસ્તાવો થયો, વારંવાર સુંદરીનાં રોકવાં છતાં પોતે જીદ કરી અને અંતે તેને સુંદરીને ખોવાનો વારો આવ્યો, પણ તે સુંદરીને ખૂબ જ પ્રેમ કરતો હતો, તે સુંદરીને પોતાનાં જીવનમાં પાછી લઈ આવવા માંગતો હતો.

તે સીધો જંગલમાં ગયો જ્યાં સુંદરી તેને મળવા આવતી હતી, તેણે સુંદરીને બોલાવવા મોટે મોટેથી સાદ કર્યા, પોતાની વાંસળી વગાડી,પણ તેને નિરાશા સિવાય કંઈ મળ્યું નહિ.

અમર હાર માને તેમ ના હતો, કોઈ પણ ભોગે તેને સુંદરી પાછી જોઈતી હતી, તે તેનાં વગર રહી શકે તેમ ના હતો, તેની પ્રીત કોઈ અધુરીયાનાં ઓરતાં ના હતી, પૂરણ ગળાની પ્રીત હતી.

એક દિવસ, બે દિવસ, એમ કરતાં કરતાં સાત દિવસ થયા, ભૂખ્યા અને તરસ્યા તે વન-વન, જંગલ-જંગલ સુંદરીને શોધવાં માટે ભટકતો રહ્યો પણ તેને સુંદરી મળી નહિ.

સુંદરી વગરનું જીવન શું કામનું એ વિચારે તેને પથ્થર સાથે માથું પટકી પટકીને પોતાનાં પ્રાણનો ત્યાગ કર્યો.

અંતે અમર-સુંદરીનો સાચો પ્રેમ જોઈને ભગવાન પ્રસન્ન થયા, દેવરાજ ઈન્દ્રએ અમરને સજીવન કર્યો અને સુંદરી સાથે અમરની સમક્ષ પ્રગટ થયા.

'આ તમારાં પ્રેમની પરીક્ષા હતી, જેમાં તમે સફળ થયા.' ઈન્દ્રરાજાએ કહ્યું.

અમર-સુંદરીને સદાય સાથે રહેવા માટે આશીર્વાદ આપ્યા અને પોતાની બધી શરતોમાંથી સુંદરીને મુક્ત કરી. ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા.

રાજ મહેલ પરત ફરતાં સર્વેએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ અને રાજા દેવસેને અમરને પોતાનું રાજ આપ્યું અને અમરને રાજા બનાવ્યો.

એકબીજાંનાં  પ્રેમમાં ધીમે-ધીમે દિવસો વીતવા લાગ્યા અને સમય જતાં સુંદરીએ બે સુંદર બાળકોને જન્મ આપ્યો.

એક દીકરો જેનું નામ રાખ્યું વીર અને એક દીકરી જેનું નામ રાખ્યું આર્યા, અને આમ તેની પ્રેમ કહાનીનો સુખદ અંત આવ્યો.

***


(આપને મારી વાર્તા "અમર-સુંદરી ની પ્રેમ પરીક્ષા" ગમી હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી આપો.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ