વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બૂંદિયાળ


                બૂંદિયાળ

નોકરીએથી ઘરે પરત ફરવાના નિયત સમયે થાકેલો લાલસીરામ બસમાંથી ઉતર્યો ત્યારે એ પદાર્થ તરફ આપોઆપ જ તેની નજર ખેંચાઈ. સૂરજના કિરણો તેની પર પડતાં એ ચળકતું હતું કે પછી તેને લીધે સૂર્યકિરણો પરિવર્તિત થઈ આંખોને આંજી દેતા હતા એ તેને નહોતું સમજાતું. જાણે સોનાનું નાનકડું છીબું પડ્યું હોય તેવી ચપટી ગોળ જણસ કદાચ સ્વયં પ્રકાશિત હતી. કધોણી ઢીલી પેન્ટને તેણે કમર પર ઊંચી ચડાવી. ચોકડીવાળા ઢીલા બુશશર્ટની બાંયથી પરસેવો લૂછ્યો. લાલસીરામની વિસ્ફારિત આંખો એ વસ્તુ પર ચોંટી ગઈ.

'કોઈનું પડી ગયું લાગે છે. મારે શું?' વિચારી એ આગળ વધે તે પહેલાં લલચાયેલા મને પગને એ દિશા તરફ વાળ્યા. તેણે આંખો ચોળીને ફરી જોયું.

'ના, ના. એમ તે કંઈ ઉઠાવી લેવાય?' વ્યવહારિક મન ખમચાયું; મનને મઠારી, સમારી લાલસીરામે તેને આગળ ચલાવવા માંડ્યું. વિચારોને અટકવા ન દીધાં, 'લેવાય જ વળી. બીજાના હાથમાં જાય તે કરતાં હું લઈ લઉં. મને મળ્યું એટલે આની પર મારો હક.' મગજ આગળ ચાલ્યું પછી તો હાથ શેના પાછળ રહે? પેલુંય જાણે મનને લલચાવતું હતું કે મને ઉપાડી લે. તેણે આજુબાજુ નજર કરી. કોઈનું એ તરફ ધ્યાન નહોતું. તેણે એ ચળકતું કિરણોત્સર્ગી પેન્ડટ જેવું ચકતું ઉપાડી તુરંત ખિસ્સામાં સરકાવી દીધું.

ઘરે પહોંચતા પહેલાં હથેળીમાં સમાય તેવી એ વસ્તુને એક નજર જોઈ લેવાની ઈચ્છા એ રોકી ન શક્યો. 'આહાહા. જાણે દેદીપ્યમાન સૂરજનો એક ટુકડો. તેની ચંદ્ર સમી રૂપેરી કોર અને માંય જડેલા ઝગમગ તારલા જેવા હીરા. એક ટુકડામાં જાણે સમગ્ર બ્રમ્હાંડ. કેવું અદ્ભુત!'

'હું ઓછું આને ગળામાં લટકાવી કે ખભે ભેરવી ફરવાનો હતો?' તેણે વિચાર્યુ છતાંય લલચાયેલું મન લપસી જ ગયું. ધ્યાનથી જોયું; 'સાલું આ કંઈક અનોખી અલૌકિક વસ્તુ જેવું છે. પહેલાં આવું કંઈ જોયું નથી. કદાચ પરગ્રહ પરથી ફંગોળાઈને આવી પડેલી કોઈ કિંમતી ધાતુ હશે? કોણ જાણે. પણ સાલું ચોવીસ કેરેટ સોનાની ચમક આની સામે ઝાંખી પડે.' લાલસીરામે માથું ખંજવાળ્યું.

તેને યાદ આવ્યો મોહિત ઝવેરી. તેનો લંગોટિયો મિત્ર. જાણીતો ઝવેરી તો ખરો પરંતુ આઇગ્લાસ પાછળ ડોકાતી તેની હીરાપારખુ ઝીણી આંખોને એન્ટિક્સ જ્વેલરીનીયે સારી પરખ. એને આ ચકતું બતાવીને કિંમત કઢાવવી તેવું નક્કી કરી લાલસીરામ ઘરે પહોંચ્યો.

જાનકી ક્યારની તેની રાહ જોઈ રહેલી. તેને આ અંગે હાલ કશું ન જણાવવું એવો નિશ્ચય કરી પેલું ચકતું તેણે ધીમે રહી તેના ટેબલના ખાનામાં સરકાવી દીધું; જાડા કાળા કપડામાં વીંટીને. 'હરખઘેલી જાનકી બધે ઢંઢેરો પીટે અને આનો અસલી માલિક આવી જાય તો?' એવો ક્ષણિક વિચાર તેના મનમા ફરકી ગયો. પરવારીને એ પથારીમાં આડો પડ્યો તે સાથે જ ઊંઘ હરામ થઈ ગઈ.

એ વસ્તુ કિંમતી હોવી જોઈએ એમાં તેને કોઈ શંકા નહોતી માટે હવે સાવચેત રહેવું જરૂરી હતું. તેણે છાપામાં 'ખોવાયું છે' ની જાહેરખબર પર ધ્યાનથી નજર ફેરવી. એને અંગે કોઈ જાહેરખબર નહોતી જાણી તેને હાશ થઈ.

'આ અણમોલ જણસ વેંચીને હું માલામાલ થઈ જઈશ.' વિચારી તેનું મન સુખના ઓડકાર ખાવા માંડ્યું. ક્યાંય સુધી ઊંઘ ન આવી. છેવટે પથારીમાં આળોટતું શરીર ક્યારે મીઠી નીંદરમાં સરી પડ્યું તે ખબર ન પડી. વહેલી સવારે જાનકીની બૂમરાણથી તેની આંખો ખુલી ગઈ.

"દુધ ઉભરાઈ ગયું. હાય હાય અપશુકન થયા."

"ચિંતા ન કર. આજે ચાનાસ્તો કરવા હોટેલમાં જઈએ." સાંભળી જાનકીના હાથમાંથી સાણસી છટકી ગઈ. તે પોતાના કંજૂસ પતિને અવિશ્વાસભરી વિચિત્ર નજરે જોવા માંડી. તેણે આમતેમ જોયું, સૂર્ય પશ્ચિમમાં તો નહોતો ઉગ્યોને?

તૈયાર થઈ બન્ને પતિપત્ની બહાર નીકળ્યા ત્યાં તો પ્રોગ્રામમાં પંક્ચર પાડતું સ્કુટરનું ટાયર પંક્ચર થયેલું દેખાયું.

"ચાલ, ટેક્સી કરી લઈએ." લાલસીરામ દ્વારા ઉચ્ચારાયેલ વાક્ય જાનકીને ગળા હેઠળ ઉતરતાં સમય લાગ્યો. નાસ્તો આરોગી તેઓ પાછા ફર્યા અને રોજિંદા ક્રમમાં પરોવાયાં ત્યાં જાનકી દોડતી આવી, "ફ્રીજ બંધ પડી ગયું છે. હમણાં બરફ કાઢવા ગઈ અને ધ્યાન ગયું. જુઓને, આજે આ કેવો દિવસ ઊગ્યો છે?"

"દિવસને શું રડે છે? ફ્રીજ જૂનું છે તે બગડ્યું. નવું લઈ લઈશું." લાલસીરામ હજુય તેને મફતમાં હાથ લાગેલી પેલી કિંમતી જણસના કેફમાં હતો.

"લોટરી લાગવાની છે? ફ્રીજ રીપેર થઈ જશે." જાનકીએ કરકસરિયણ પત્નીધર્મની ફરજ નિભાવતાં કહ્યું.

"આમ આવ." બોલી એ ચૂપ થઈ ગયો. તેને થયું, ચકતાની ચોક્કસ કિંમત જાણ્યા વગર તેનો ઘટસ્ફોટ નથી કરવો. તેને આશંકા હતી કે કદાચ જાનકી આ વસ્તુ જોઈ લેશે તો તેનું પેન્ડન્ટ બનાવીને પહેરવાની જીદ્ કરશે.

એ આખી રાત લાલસીરામ પડખાં ફેરવતો રહ્યો. ઊંઘ હરામ થઈ ગઈ હતી. પેલું ચકતું નજર સામે આવી જતું. બીજે દિવસે ઉઠીને તેણે છાપું હાથમાં લીધું, ફરી 'ગુમ થયેલ છે' પર ચશ્માના જાડા કાચ પાછળની આંખો મંડાઈ. કોઈ ટચૂકડી કે મોટી જા.ખ. નહોતી. ટીવી સામે ખોડાયેલી જાનકી સામે વિના કારણ તેનો ખરબચડો ચહેરો મલક્યો.

લાલસીરામ ઝટપટ નહાઈ તૈયાર થયો. આજે નોકરીમાં રજા મૂકેલી. મોહિત ઝવેરીને ત્યાં જવાનું હતું. તેણે પેલું કાળા કપડામાં વીંટીને મૂકેલું ચકતું પેન્ટના લાંબા ખિસ્સામાં છેક ઊંડે સરકાવ્યું.

"આજે વહેલા તૈયાર થઈ ગયા?" જાનકીને આશ્ચર્યના આંચકા પર આંચકા લાગતા હતા. તેવામાં લાલસીરામનેય આંચકો લાગ્યો. તેનું કાંડાઘડિયાળ બંધ પડી ગયું હતું. એ એક જ મોંઘી જણસ તેની પાસે હતી જે તેના સસરાએ ભેટ આપેલી. રિપેરીંગનો ખર્ચ ઊભો થયો પણ એ આજે પહેલી વાર એ બાબતે નિશ્ચિંત હતો. જાનકીને કંઈ કહ્યા વગર તે બહાર નીકળ્યો.

મોહિત ઝવેરીને ત્યાં તેણે આશાભર્યા હૈયે પગ મૂક્યો અને તેની કેબિનમાં પૂછ્યાગાછ્યા વગર જ ઘૂસી ગયો.

"આવ દોસ્ત, આજે આમ અચાનક?" લંગોટિયા મિત્રને પધારેલો જોઈ મોહિતના ચહેરા પર સાનંદાશ્ચર્ય ઉમટ્યું. લાલસીરામે આસપાસ નજર ફેરવી. કેબિનમાં બીજું કોઈ નથી તેની ખાતરી કરી ખિસ્સામાંથી પેલું ચકતું કાઢી ટેબલ પર મૂક્યું. કાળા કપડામાંથીયે તેનું તેજ ઝગારા મારતું હતું. વીંટાળેલું કપડું હટાવતાં જ તેની મોટી આંખો ચમકી.

"આ શું છે? ક્યાંથી લાવ્યો?" પૂછતા મોહિતનું મોઢું ખુલ્લું રહી ગયું. તેણે ચકતું હાથમાં લઈ આમતેમ ફેરવીને જોયું.

"એ બધું છોડ. તું ચકાસીને કહે આની કિંમત કેટલી થાય?"

"આવું કંઈ આજ સુધી ભાળ્યું નથી. આ કોઈ રહસ્યમય જણસ છે. હું એમ તરત કિંમત ન આંકી શકું. મારે આની ધાતુને તપાવીને ટચ કાઢવો પડે. એક કામ કર, આ રાખી જા. તને મારા પર વિશ્વાસ છે ને? અત્યારે ઘરાકીનો સમય છે. કાલે નિરાંતે તારી નજર સામે જ આને ઓગાળીને તપાસી લઈશ. કદાચ અત્યંત કિંમતી ધાતુ હોય કે પછી તદ્દન નક્કામી રાખ."

લાલસીરામને એકસામટા અનેક વિચારો આવી ગયા, 'સાલો સાચું બોલતો હશે? સાંભળ્યું છે, સોની સગા ભાઈનેય ન છોડે. આ મહામૂલી જણસ અહીં મૂકીને જાઉં અને એ એમાંથી થોડો ભાગ ચોરી લે તો? જો કે બીજો કોઈ ઉપાય પણ નથી. મારે તેનો ભરોસો કરવો જ રહ્યો.'

"અરે દોસ્ત, અવિશ્વાસનો પ્રશ્ન જ નથી. આ તો મને એમ કે તું અંદાજે કહી શકે તો મને જરા ખ્યાલ આવે." લાલસીરામ ઉભો થતાં બોલ્યો.

"આ તેં લીધું ક્યાંથી છે તેની ફોડ પાડતો નથી તો મારેય આને બરાબર તપાસવું પડે." બદમાશ મોહિતનો ઈરાદો નેક નહોતો.

"સારું ત્યારે. કાલે તું કહે એ સમયે આવી જાઉં." જાણે જીવના ટુકડાને મૂકી જતો હોય એવી નજરે લાલસીરામે પેલા ચકતા તરફ જોયું. મિત્રનો વિશ્વાસ કરવો જ પડ્યો, છૂટકો નહોતો. મોહિત પર એક આશાભરી મીટ માંડી તેણે ત્યાંથી ચાલતી પકડી. આવી શ્રદ્ધા તો ભગવાન પરત્વેય નહોતી.

મોહિતે આમતેમ ફેરવીને ચકતું પોતાના ડ્રોઅરમાં સરકાવ્યું. 'આ મુફલિસ કોણ જાણે ક્યાંથી આ અદ્ભુત ચીજ ઉપાડી લાવ્યો છે.' મોહિતના મનમાં તો એવો વિચાર હતો કે તેમાંથી એક નાનકડો ભાગ ખબર ન પડે તેમ સેરવી લેવો; તેવામાં અચાનક બહાર ઘોંઘાટ સંભળાયો. કોઈ નાની વાતે રમખાણ ફાટી નીકળેલું.

"શેઠ, બહાર ધમાલ થઈ છે. તોફાની ટોળું આ તરફ આવી રહ્યું છે. અમે દુકાનના શટર પાડી દઈશું, તમે સેઇફલી નીકળી જાવ." સિક્યુરીટી-સ્ટાફની વાત સાથે સહમત મોહિત પોતાની બ્રીફકેસ લઈ નીકળતો હતો તેમાં પેલું ભેદી ચકતું યાદ આવ્યું એટલે એ બ્રીફકેસમાં ગોઠવી તે ઘરે જવા નીકળ્યો.

રોષે ભરાયેલા ટોળાએ મોહિતની ગાડી પર પથ્થરમારો કર્યો. ગાડીનો કાચ તૂટ્યો. મોહિત સમય વરતી ગાડી પોતાના ઘર ભણી હંકારી ગયો. ઘરે પહોંચતાં, પત્ની સુજાતાનો ગભરાયેલો ચહેરો જોઈ તેને આશ્ચર્ય થયું.

"શું થયું?"

"સારું થયું તું જલ્દી આવી ગયો. પીંકીની સ્કૂલમાંથી ફોન હતો. એ પડી ગઈ છે. પગે ફ્રેકચર થયું લાગે છે."

મોહિતે પોતાની બ્રીફકેસ એક તરફ ફેંકી. બહાવરી પત્નીને લઈ એ પીંકીની સ્કુલ તરફ દોડ્યો. નોકર કાળુ ઠંડા પાણીના ભરેલા ગ્લાસની ટ્રે લઈ ઊભો હતો તેના હાથમાં ટ્રે એમની એમ રહી. તેણે સાહેબની બ્રીફકેસ લઈ અંદરના રુમમાં મૂકી. અંદર કશુંક વજનદાર વસ્તુ ખખડ્યું. કાળુને નવાઈ લાગી. તેનું કુતુહલ ચરમ સીમાએ પહોંચ્યું જ્યારે તેણે જોયું કે બ્રીફકેસની ફાટમાંથી અજબ પ્રકાશ બહાર રેલાતો હતો.

"અંદર કશુંક ટૉર્ચ કે મોબાઇલ જેવું બળતું લાગે છે." કાળુના મગજમાં ચમકારો થયો. તેના હાથ બ્રીફકેસ ખોલવા માટે વિવશ થયા. ખોલીને જોયું તો પેલું ઝળહળાટ ચકતું! તેની આંખો ચકા ચૌંધ. તેણે એ હાથમાં લીધું, આમતેમ ફેરવી જોયું. "અમુલ્ય ઘરેણું લાગે છે. આવું ઝગારા મારતું તેજ પહેલી વાર જોયું."

કાળુએ રસોડામાં વાસણ માંજતી મંછાને બૂમ પાડી બોલાવી, "જો, કેવી અદ્ભુત ચીજ છે."

મંછા તે જોઈને છક્! "મૂકી દે પાછી. એમ સાહેબની બેગ ન ખોલાય." તે બોલી તો ખરી પણ આ અદ્ભુત વસ્તુ ધરાઈને જોવાની લાલચે તેણે એ ચકતુ હાથમાં લીધું, ઊંધુચત્તું કરી જોયું. ગળામાં પેન્ડન્ટને સ્થાને ગોઠવી, અરીસામાં જોયું. કાળુને પુછ્યું, "આવું ક્યાં મળે?" પ્રશ્ન પૂરો કરે તે પહેલાં તેનું માથું ભમવા માંડ્યું. ચક્કર આવતાં તે જમીન પર ફસડાઈ પડી. કાળુએ ચકતું તેના હાથમાંથી પાછું લઈ લીધું. મંછાના મોઢા પર પાણી છાંટીને તેને ઊભી કરતાં પહેલાં પેલી અલૌકિક જણસ તેણે ખિસ્સામાં ચૂપચાપ સરકાવી દીધી.

ઓરડીમાં સાંજ ઉતરી આવી. શેઠશેઠાણી રઘવાટમાં હતા તેનો લાભ લઈ કાળુના મનોમસ્તિષ્કમાં પેલું અલૌકિક ચકતું ચોરી લેવાની અદ્મ્ય ઈચ્છા થઈ આવી. તેના જેવા જૂના વિશ્વાસુ નોકર પર માલિક બિલકુલ શંકા નહીં કરે એવી તેને ખાતરી હતી. કદાચ પૂછપરછ કરે તો એ અંગે કંઈ જાણતો નથી તેવું કહી દેવાય અને ત્યાં સુધી આ ચીજ બારોબાર વેંચી સગેવગે કરી દેવી તેવી તેણે મનોમન ગણતરીઓ કરી લીધી. મંછાને જણાવ્યા વગર એ પેલું ચકતું નાની થેલીમાં સાચવીને મૂકીને બહાર નીકળ્યો.

હજુ તો દસેક ડગલા આગળ વધી રસ્તો ઓળંગવા પગ ઉપાડ્યો ત્યાં તો સામેથી ધસમસતી આવી રહેલી ગાડીની અડફેટે ચડ્યો. કાર-ડ્રાઇવરે જોરથી હોર્ન વગાડીને બ્રેક મારી. ચીસ પાડતી ગાડી ઊભી રહી પરંતુ ટક્કર વાગતાં કાળુ એક તરફ ફંગોળાઈને પડ્યો.

"આંધળો છે? આવડી મોટી ગાડી દેખાતી નથી?" લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ભયંકર અકસ્માત થતાં રહી ગયો. જોકે કાળુ બચી ગયો. ઈજાગ્રસ્ત કાળુને કારડ્રાઈવર દવાખાને લઈ ગયો. એ દરમિયાન કાળુની નધણિયાતી થેલી રસ્તા વચ્ચે રઝળી પડી.

"મમ મારી થ... થ થેલી..." કાળુ પીડાથી કરાંજતો રહ્યો. જોકે એ સમયે મેલી ગંદી નાનકડી થેલી કરતાંય તેની તાત્કાલિક સારવાર વધુ અગત્યની હતી.

રસ્તાની એક કોર બેઠેલા મંગુ દહાડિયાને કાને કાળુની બૂમો પડેલી. તેણે પેલી થેલી લઈ લીધી. નામઠામ પાકીટ પૈસા જોવા થેલી ખોલી તો અંદર માત્ર અજાણ્યો ચળકતો પદાર્થ જોઈને તેની આંખો અચરજથી છલકાઈ.

'આ શું હશે?' તે વિચારમાં પડ્યો, " આ હું રાખું? પણ રાખીનેય શું? આનાથી મારું પેટ નથી ભરાવાનું કે નથી શરીર ઢંકાવાનું. એના કરતાં જેનું છે તેને સોંપી દઉં.' મંગુના અંતરમાં રામ વસ્યા હશે. આ મહામૂલું અલૌકિક ચકતું જોઈ તેનું મન સહેજેય નહોતું ચળ્યું. એ ઉપડ્યો નજીકના દવાખાને, કાળુને શોધતો. નસીબજોગે પાટાપીંડી કરાવ્યા બાદ કાળુ ત્યાંથી બહાર નીકળતો હતો.

"ભાઈ, તમારી થેલી. રસ્તા વચ્ચે પડેલી."

"હેં?" કાળુએ થેલી પરત લેતાની સાથે અંદર હાથ ફેરવી જોયું. ચકતું સલામત હતું પણ તેને એ જોઈ ખાસ રાજીપો ન થયો. 'જાન બચી લાખો પાયે. મરી ગયા બાદ ધન શું કામનું? હું ઉકલી જાત તો મંછાનું શું થાત?' તેણે વિચાર્યું.
બંગલે પહોંચીને જોયું તો શેઠશેઠાણી પીંકીબેબી પાસે હૉસ્પિટલમાં હતા તેવી ખબર પડી. કશું જ બન્યું ન હોય તેમ તેણે પેલું ચકતું ચૂપચાપ પરત મૂકી દીધું. પાપમાં નહીં પડવાનો અનેરો આનંદ હતો.

થાકેલો મોહિત ઝવેરી મોડી રાત્રે ઘરે પરત ફર્યો. તેને માટે જીવથીયે વહાલી દીકરીથી વિશેષ કશું જ નહોતું. 'મારી દીકરી હેમખેમ છે એથી વધુ શું જોઈએ. આ પારકી જણસને મારે શું કરવી. મારી ખરી સંપત્તિ મારી પત્ની અને વહાલી દીકરી છે.' મર્કટ જેવા મનએ આ ડાળ પરથી પેલી ડાળે કુદકો માર્યો. વળી તેની દુકાન પાસે દંગા થવાથી બીજા દિવસેય દુકાન બંધ રાખવી પડી.

"દોસ્ત, તું તારી ચીજ અબીહાલ પાછી લઈ જા અથવા હું આપવા આવું. હાલ આનું કંઈ થઈ શકે તેમ નથી." મોહિતે લાલસીરામને ફોન કરી અફસોસ જતાવ્યો. લાલસીરામ પેલું ચકતું લઈ રવાના થયો. મોહિતને ન સમજાય તેવો હાશકારો થયો.

લાલસીરામ હજુ તો ઘરમાં પગ મૂકે ત્યાં પત્નીનો રડવાનો અવાજ કાને પડ્યો, "હે ભગવાન, કોણ જાણે આ શું થઈ રહ્યું છે? હું શાક લેવા ગઈ અને મારો સોનાનો અછોડો કોઈ હરામખોર ઝાપટ મારી ચોરી ગયું. હાય હાય હવે શું કરું?"

લાલસીરામનેય નવાઈ લાગી. મગજ ગોળ ગોળ ઘુમતું હતું. જ્યારથી પેલું ચકતું હાથમાં લીધેલું ત્યારથી માઠી દશા બેઠેલી. તે વિચારતો રહ્યો, "કાગનું બેસવું ને ડાળનું પડવું કે પછી ખરેખર આ અજબગજબ ચકતું અપશુકનિયાળ છે?"

તેણે ચકતું હાથમાં લીધું અને એકીટસે જોયા કર્યું. 'નથી જોઈતી, આ અણહકની વસ્તુ. નથી જ રાખવી. છોને એ અણમોલ હોય. ધનદોલત કરતાંય મારા પરિવારની સુખશાંતિ મારા માટે વધુ મહત્વની છે. પૈસો તો આજે છે ને કાલે નથી. વધુ મહેનતથી કમાઈ લેવાશે.' તેણે નક્કી કરી જ લીધું કે પેલું ચકતું જ્યાંથી ઉપાડી લીધેલું ત્યાં જઈ ફરી મૂકી દેવું. તે ગયો. રસ્તાના એ ખૂણે એ જણસ મૂકી, પાછળ જોયા વિના ચાલવા માંડ્યો, 'હાશ! બલા ટળી.'

આગળ ખુલ્લા મંડપમાં નિર્મોહીબાબાની કથા ચાલતી હતી. તેમની અસ્ખલિત વાણી ત્યાંથી પસાર થતા લાલસીરામને કાને પડી, "સીતામૈયાએ સુવર્ણમૃગ જોયું. તેમણે એના અદ્ભુત ચર્મની કંચુકી પહેરવાની મહેચ્છા શ્રી.રામને કહી અને એ લાવી આપવા જિદ્ કરી. એક સ્ત્રીહઠમાંથી લાલસા જન્મી અને તેમાંથી જ આખી રામાયણ થઈ. ખરી રીતે તો એ સુવર્ણમૃગ માયાવી સ્વરૂપે આવેલો રાવણ હતો."

લાલસીરામે ઘર તરફ પગ ઊપાડ્યા. ત્યાંથી પસાર થતી માયાની નજર પેલી જણસ પર પડી, "તમારી કોઈ વસ્તુ પડી ગઈ છે?" પૂછી તેણે એ ઊંચકી લીધું.

ત્રીજા દિવસે એ મોહિત ઝવેરીની દુકાને પહોંચી. "મને આનું પેન્ડન્ટ બનાવી આપશો?" માયાને કહેતી સાંભળી, મોહિત તેને તાકતો રહ્યો.
-------------------
સુષમા શેઠ.























ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ