વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલ તો બચ્ચા હૈ

              'દિલ તો બચ્ચા હૈ' 


રીશી કપૂર - ડિમ્પલવાળી પેલી જૂની ફિલ્મ બૉબીની સ્ટાઈલમાં એણે બારણું ખોલેલું અને પછી લોટવાળા હાથે કપાળ પર ધસી આવેલી વાળની લટ પાછળ કરી. તેનું લોટથી ખરડાયેલું કપાળ જોઈ સુશાંતને હસવું આવ્યું.


'લોટ.' સુશાંતે આંખોથી ઈશારો કરી બોલ્યો.


'લોટ જોઈએ છે?' કોઈ નવો પાડોશી લાગે છે જાણી એણે પૂછ્યું; એ સાંભળીને સુશાંતને ફરી હસવું આવ્યું. શું કારણે પેલો આગંતુક આમ હસ્યો એ નહીં સમજાતાં પેલીએ સપાટ સ્વરે સવાલ કર્યો.


'કોનું કામ છે?' આ અજાણ્યા લાંબા યુવકને આમ સવારના પ્હોરમાં બારણે ઊભેલો જોઈ સોનાક્ષીની પાણીદાર કાળી કીકીઓમાં આશ્ચર્ય ઉભરાયું. 


લંબગોળાકાર રૂપાળો ચહેરો, હડપચી પર કથ્થાઈ તલ, તીણું નાક, વેરવિખેર લીસા લાંબા વાળવાળી સોનાક્ષી જિન્સ પેન્ટ અને સ્લીવલેસ ટૉપમાં આકર્ષક દેખાતી હતી. સુશાંત હસતો હતો એ જોઈ તેણે પોતાના બન્ને હાથ કમર પર ટેકવી ફરી મોટેથી પૂછ્યું, 'એય મિસ્ટર કોનું કામ છે? સંભળાતું નથી? બહેરા છો કે મોઢામાં મગ ભર્યા છે? હવે કંઈ બકશો કે મુરખની જેમ હસ્યા કરશો?' 


સોનાક્ષીએ પહેરેલ શરીરને ચપોચપ મરૂન ટૉપના સૌથી ઉપલા ખુલ્લા બટનને એકીટસે તાકતો સુશાંત તેના આવા ઠસ્સા સામે ભોંઠો પડી ગયો. પછી જે કામ માટે તેના પપ્પા મનુભાઈએ તેને મોકલેલો એ યાદ આવતાં બોલ્યો, 'પપ... પપ્પાએ આ બુક મોકલી છે.' 


કોઈ વિવેક નહીં, આવો-આવજો નહીં, લોટવાળા હાથ હોવાથી સોનાક્ષીએ બુક એક બાજુ મૂકવાનો ઈશારો આંખોથી કર્યો અને ફટાક્ કરતું બારણું વાસી દીધું.


'અઠવાડિયા પછી પાછી લઈ જઈશ.' સુશાંત મોટેથી બોલ્યો પણ એનો અવાજ બંધ થયેલા બારણાને અફળાયો. સુશાંતને ફરી હસવું આવ્યું. એકાદ મિનિટ બાદ બારણું ફરી ખુલ્યું અને મીઠો ટહુકો કાને પડ્યો, 'મમ્મીએ થેન્ક્સ કીધું છે.' ફરી બારણું બંધ.


'કેવી માથાફરેલ છોકરી છે!' સુશાંત મનોમન બોલ્યો. ઘરે જઈને સુશાંત મનુભાઈ પર બગડ્યો, 'પપ્પા, કેવા વિચિત્ર લોકોને ત્યાં મને મોકલ્યો? શું જરૂર હતી પુસ્તક મોકલવાની? એમને જોઈતું હોય તો જાતે આવીને લઈ જાય વળી. આપણે કંઈ એના નોકર છીએ?'


'સામાન્ય પુસ્તક નહીં બેટા. મહાકવિ કાલિદાસ રચિત મેઘદૂતનું અનુવાદ અને રસદર્શન કરાયેલ પુસ્તક છે એ. લાઈબ્રેરીમાં આ એક જ કૉપી છે. સુશીલાબહેનને પણ વાંચવા લઈ જવું હતું પણ એક મિનિટ પહેલાં મારા નામે અપાઈ ગયું. મેં સામેથી કહ્યું કે વંચાઈ જાય એટલે તમને મોકલીશ. એમનું ઘર નજીક જ છે. નાની અમથી સહાય કરવામાં શું વાંધો? એમનોય ધક્કો બચે. એય મારી જેમ પુસ્તકો વાંચવાના શોખીન છે, મને લાઈબ્રેરીમાં કોઈક વાર મળતા હોય છે.'


'હું પાછું લેવા નહીં જઉં. કહેજો આપી જાય.' 

સુશાંત બબડ્યો પરંતુ પેલી બૉબી છાપ બોમ્બને એક નજર ફરી જોવાની ઈચ્છા તેના મનમાં ઉછળતી રહી. નામ પૂછવાનોય અવકાશ એણે નહોતો આપ્યો. પેલીના વ્યક્તિત્વમાં એવું તે શું હતું જે ચાસણીમાં બોળેલી જલેબી જેવાં મીઠાં મીઠાં સ્પંદનો જગાવી ગયેલું? નિર્દોષ અલ્લડતા? નમણો રૂપાળો ચહેરો? પાણીદાર આંખો? બેફિકર રૂઆબ? રણકતી ઘંટડી જેવો અવાજ કે પછી અભાનપણે વિખેરાયેલા એના લીસા કેશનો પથરાયેલો જાદૂ?


રાત્રે પથારીમાં પડતાંવેંત સુશાંતની નજર સામે સવારવાળુ આખું દ્શ્ય તરતું રહ્યું. એનો ચહેરો મલકી ઊઠ્યો. પેલીનો તીખો ચહેરો નજર સામેથી ખસતો નહોતો. સુશાંત પડખાં ફેરવતો રહ્યો. કોણ જાણે કેમ પણ એને ફરી એક વાર મનભરીને નીરખવા એ વિવશ બની ગયો.


'પપ્પા, આન્ટીને ત્યાં બુક પરત લેવા જવાનું છે?' ન ઈચ્છવા છતાંય બીજે દિવસે એનાથી પૂછાઈ જ ગયું.


'તેં ના પાડી માટે મેં એમને ફોન કરીને કહી દીધું, વંચાઈ જાય એટલે પહોંચાડી દેજો.' પિતા મનુભાઈને આવું કહેતાં સાંભળી સુશાંત મનોમન પસ્તાયો. તેનું અધીર મન અઠવાડિયા પર્યંત રાહ જોવા તૈયાર નહોતું.


બીજા દિવસથી સુશાંતનો કૉલેજ જવાનો રસ્તો બદલાઈ ગયો. સુશીલાબહેનના ઘર પાસેથી બાઈક પર જતાં એની નજર એ ઘર તરફ અચૂક ફરતી અને બંધ બારણું જોઈ નિરાશ થઈ આગળ વધી જતી; એ ન સમજાય તેવી અકળામણ અનુભવતો. ચોથે દિવસે એકાદી ચોપડી લઈ સાવ અમસ્તો એ ત્યાં પહોંચી જ ગયો. 


'આ પપ્પાએ તમને વાંચવા માટે મોકલી છે.' સામે ઊભેલા સુશીલાબહેનને સુશાંત કહેતો હતો પણ એની આમતેમ ફરતી નજર કંઈક બીજું શોધી રહી હતી. 


'કંઈ જોઈએ છે? મનુભાઈને કહેજે હજુ મેઘદૂત વાંચવાની બાકી છે. ચારેક દિવસ બાદ આપી જઈશ. પણ આ પુસ્તક મેં નથી મંગાવ્યું.'


'અરે ના આંટી, એ તો હું પાછી લઈ જઈશ. તમે તકલીફ ન લેતા. આ તો... આ તો હું આ બાજુથી જતો હતો તો પપ્પાએ મોકલી. કદાચ તમને વાંચવી ગમશે એવું કહેતા હતા.' કહી એ નિરાશ વદને પરત ફરતો હતો તેવામાં સામેથી દોડીને આવતી સોનાક્ષી એની સાથે ભટકાઈ પડી. 


'સોરી. સોરી. સોરી. ઉતાવળમાં મોબાઈલ ભૂલી ગઈ એ લેવા આવી. મારી બસ જતી રહેશે. આમ બારણાની વચ્ચોવચ્ચ ખોડાઈને કેમ ઊભો છે? આઘો ખસ.' બોલતી એ અંદર દોડી. 


'આવીને મને ભટકાઈ પોતે અને રૂઆબ મારી પર છાંટે છે!' સુશાંત બબડ્યો, 'તારે ક્યાં જવું છે? ચાલ બાઈક પર મૂકી જાઉં.' સુશાંતે પૂછ્યું.


'નો. થેન્ક્સ.' ફરી એ જ મગરૂબી. ટટ્ટાર ગરદન. તીખો મિજાજ. સુશાંતે એને માથાથી તે પગ સુધી જોઈ પછી ચૂપચાપ બહાર નીકળી ગયો. સુંદર તો એ હતી જ પરંતુ એની અલ્લડતાએ સુશાંતને ખળભળાવી દીધો. 


સુશાંતની ભીતરથી અવાજ ઊઠ્યો, 'જોવા તો દે, એ શું કરે છે?' એણે બાઈક બસ-સ્ટોપ નજીક ઊભી રાખી અને જોયા કર્યું. સોનાક્ષી દોડતી આવી એટલામાં બસ નીકળી ગઈ. હાથ હલાવતી એ ઊભી રહી. દૂરથી તેને જોઈ રહેલો સુશાંત હસવું રોકી ન શક્યો. બીજી બસ ચીક્કાર ભરેલી હતી. એ તો ઊભી જ ન રહી. બીજી બસને ચાલી જતી જોઈ સોનાક્ષીના ચહેરા પર અકળામણ ઉપસી આવી. સુશાંત બસ-સ્ટોપ પાસે ગયો અને તેને પાછળ બેસી જવા ઈશારો કર્યો. ગરજે ગધેડાનેય બાપ કહેવો પડે તેવી સ્થિતિ હતી. સોનાક્ષી જખ મારીને પાછલી સીટ પર બેસી ગઈ. 


'હાઈ ફ્રેન્ડ, મારૂં નામ સુશાંત છે. બોલ તને ક્યાં ઉતારું? સોરી, તારું નામ શું?' પૂછતા સુશાંતને થયું, આસપાસનું વાતાવરણ મહેક મહેક થઈ રહ્યું છે.


'મીઠીબાઈ.' સામે કડક મીઠો અવાજ.


'ઓહ નામ પ્રમાણેના ગુણ બિલકુલ નથી.' 


'મેં મારી કૉલેજનું નામ કહ્યું, મારું નહીં. યુ સ્ટ્યુપિડ!' એ ભડકી. સુશાંતને મશ્કરી ભારે પડી. બસ એટલી જ વાતચીત અને કૉલેજ આવતાં, 'થેન્ક્સ. આજે વાઇવા છે.' કહી સોનાક્ષી ઊતરી ગઈ અને ઝડપભેર કૉલેજ કેમ્પસમાં દાખલ થઈ ગઈ. 


'બેસ્ટ ઑફ લક. યુ કડવી મીઠીબાઈ.' કહી સુશાંત એની પીઠ તાકતો રહ્યો પણ એ સાંભળવા કે બીજું કશું જ કહેવા ઊભી નહોતી રહી.


પ્રેમ લવ પ્યાર મહોબ્બત જેવી કોઈ ચીજમાં નહીં માનતા સુશાંતને આજે પોતાની સાથે  આવી ફિલ્મની લવસ્ટોરી શાથી ભજવાઈ રહી હતી, તે એય નહોતો જાણતો અને નહોતો સમજવા માંગતો. આ છોકરીમાં કંઈક એવું ચુંબકીય તત્વ હતું જેથી એ તેની તરફ લોહની જેમ આકર્ષિત થયો હતો.


છએક દિવસ બાદ કૉલેજથી એ ઘરે પહોંચ્યો ત્યારે મનુભાઈ અને સુશીલાબહેન વાતોના ગપાટા સાથે ચાનાસ્તો કરતા બેઠા હતા.


'કેમ છો આન્ટી? મીઠીબાઈની એક્ઝામ પતી?' સુશાંતથી પૂછાઈ ગયું. 


'કોની?' સુશીલાબહેને પૂછ્યું.


'એટલે કે મીઠીબાઈ કૉલેજમાં પરીક્ષાઓ ચાલતી હતી તે પતી ગઈ?' 


'હા. સોનાક્ષીના વાઇવા, બધાં પેપર સારા ગયા. આજે બધી બહેનપણીઓ ફિલ્મ જોવા ગઈ છે. હુંય એકલી હતી, થયું મનુભાઈને મળતી આવું અને આ પુસ્તકો પરત કરતી જાઉં.'


"ઓહ તો એનું નામ સોનાક્ષી છે." સુશાંત મનોમન બોલ્યો. 'કયું પિક્ચર જોવા ગઈ છે?' એણે સ્વાભાવિક જ સવાલ કર્યો અને જાણી લીધું કે સોનાક્ષી બાંદ્રાના પીવીઆર. ખાતે સહેલીઓ સાથે ગઈ છે. બસ. પછી તો સુશાંતે, 'તેરા પીછા ના મૈં છોડુંગા સોણિએ' ગાતાં ગાતાં થીયેટર સામે અડ્ડો જમાવ્યો. વીસેક મિનિટ બાદ હસતી હસતી સોનાક્ષી તેની સહેલીઓ સાથે બહાર નીકળી. 


સુશાંતે જોયું, સખીવૃંદ પાણીપૂરીના ખુમચા તરફ વળ્યો. વાતોના સપાટા મારતી સૌ સખીઓ ભૈયાજી પાસે પહોંચે તે પહેલાં સુશાંત ત્યાં પહોંચી ગયો. ભૈયાજીને પચાસની ત્રણ નોટ પકડાવી, કાનમાં કંઈક કહ્યું અને પછી તાલ જોવા ચૂપચાપ દૂર ઊભો રહ્યો. 


ભૈયાજીને પાણીપૂરીનો ઓર્ડર આપી સોનાક્ષી અને તેની સહેલીઓ પોતાની મસ્તીમાં ખુમચા પાસે હાથમાં પ્લેટ પકડીને ઊભી રહી ગઈ. સુશાંતની સૂચના મુજબ સોનાક્ષીની પ્લેટમાં પીરસાયેલી પાણીપૂરી જેવી એના મોઢામાં ગઈ કે આંખમાંથી પાણી અને કાનમાંથી ધુમાડા નીકળ્યા. 'ઓહ! બહુ તીખી છે. આહહ... પાણી...' સોનાક્ષીએ બૂમાબૂમ કરી મૂકી. એના હાથમાં પકડેલી પ્લેટ છટકીને નીચે પડી. એના તમતમતા હલતા ચહેરા પર કાનમાં લટકતી લાંબી ઈયરિંગ્સ ડોલી ઊઠી. એ જોઈ સુશાંતનું મન ડોલી ઊઠ્યું, 'તારા જેવી તમતમતી.' મનોમન બોલીને એ સામે દેખાતા દૃશ્યની મસ્તી માણતો મલકી રહ્યો.


'લો મેડમ, ઠંડુ પાણી. તમારે ઠંડા થવાની જરૂર છે.' હસવાનું દબાવીને સુશાંત ઠંડા પાણીની બૉટલ પકડી સોનાક્ષીની સામે ઊભો રહ્યો. સોનાક્ષીએ ઝાપટ મારી બૉટલ લઈ પાણી ગળા હેઠળ ગટગટાવ્યું તે સાથે જ તેને સુશાંતે રચેલા કારસાની ગંધ આવી ગઈ. 'તું? અહીં?' બૉટલમાં વધેલું પાણી તેણે સુશાંતના ચહેરા પર છાંટ્યું, 'યુ? આ તારું જ કારસ્તાન હતું ને?' સોનાક્ષીને આવી ભડકેલી જોઈ બધી સહેલીઓ ખડખડાટ હસી પડી.


'કૂ...લ.' ચહેરો લૂછી સુશાંતે બે હાથ જોડ્યા, 'મનેય પાણીપૂરી ભાવે છે હોં. તારા જેવી તીખી નહીં, મારા જેવી ખાટીમીઠી.' એ સાંભળીને પરાણે ગંભીર ચહેરો રાખી ઊભેલી સોનાક્ષીથી મલકી પડાયું. 


'છોકરો મસ્ત છે. યંગ એન્ડ હેન્ડસમ. તને લાઇન મારે છે બુધ્ધુ. માની જા.' એકે સોનાક્ષીને કોણી મારતાં કહ્યું. 'હાયે રામ કોડિયોં કો ડાલે દાના.' બીજી બોલી. ધૂંઆપૂંઆ થતી સોનાક્ષી ત્યાંથી ચાલવા માંડી, 'ભૈયાજી ઈનકો મેરી તરફ સે દો પ્લેટ ખટ્ટીમીઠી પાનીપૂરી ખીલા દો ઔર હાં, તીખી મત દેના. બીચારે જલ જાએંગે. વો ખુદ ફીકે હૈં ઈસલિયે ઉનકો તીખા કમ ખાને કી આદત હૈ.' સોનાક્ષીએ સિક્સર ફટકારી.


ઘરે પહોંચીને સોનાક્ષી પલંગમાં આડી પડી ત્યાં મોબાઈલમાં મેસેજ ચમક્યો, સોરી એન્ડ થેન્કસ ફોર ખાટીમીઠી પાણીપૂરી પણ એકલા ખાવાની મજા ન આવી.' 


'મારો મોબાઈલ નંબર ક્યાંથી મળ્યો?'


'તારી બહેનપણીઓ મારા પક્ષે છે. આ બંદો ફોન નંબર ઉપરાંત જે જોઈએ તે મેળવી લે છે.'


'એક બુક આપી કે બાઈક પર લિફ્ટ આપી તેમાં તો શુંયે મોટો ઉપકાર કર્યો.' સોનાક્ષીએ મ્હોં મચકોડ્યું.


'લિફ્ટ નહીં રાઈડ મળશે અને હવે બુક સાથે એક ચિઠ્ઠી પણ મળશે. આઈ હૉપ કે તને એટલું વાંચતા તો આવડતું જ હશે.'


'ફાડીને કચરા ટોપલીમાં પધરાવતા પણ આવડે છે.' સોનાક્ષી ઓછી ઉતરે તેવી નહોતી.


બીજા દિવસે સુશાંતે પુસ્તક આપવાના બહાને અંદર એક ચિઠ્ઠી સરકાવી દીધી. લખેલું, "કયા શબ્દોમાં અને શું લખું? બસ. તું મને ખૂબ ગમે છે એટલું જ મારે તારી આંખમાં આંખ નાખી, હાથ ઝાલીને કહેવું છે. કહેને ક્યારે? ક્યાં મળીશું?"


ચિઠ્ઠી વાંચીને સોનાક્ષીની ઊંઘ ઊડી ગઈ. દેખાવડા સુશાંતનો સોહામણો ચહેરો, મસ્તી ભરેલી તોફાની આંખો અને મરક મરક મલકાતા હોઠ, આંખો બંધ કરતાં સામે દેખાતા. મુલાયમ પીંછું મૃદુતાથી આખા શરીર પર ફરતું હોય તેવી મીઠી ઝણઝણાટી તનમનમાં ઊઠતી.


પછી તો એક અથવા બીજા બહાને એ બન્ને મળતા ગયા. એકબીજાની નજીક આવતા ગયા. સુશાંતે સોનાક્ષીનું મન જીતી લીધું. હવે સોનાક્ષી અને સુશીલાબહેન મનુભાઈને ત્યાં આવતાજતા તો કોઈવાર મનુભાઈ અને સુશાંત એમને ત્યાં જમવા જતા. અલકમલકની વાતો થતી. બન્ને તરફ પ્રેમના અંકુરો ફૂટી ચૂક્યા હતાં. મન જાણે થનગનતો મોરલો. 


જુહુબીચ પર હાથમાં હાથ પરોવીને રેતી પર ટહેલતી વખતે સુશાંતે ઉછળતા દરિયામાં આથમતા સૂરજની સાક્ષીએ રીતસર એક પગે ઉભડક બેસીને, સોનાક્ષીનો હાથ પકડી પ્રપોઝ કરી દીધું, 'વીલ યુ મેરી મી?' 


સુશાંતના હાથમાં પકડેલી ચળકતી વીંટી જેવી જ સોનાક્ષીની આંખો ચમકી. 'યસ' બોલી તે શરમાઈ ગઈ એ જોઈ ત્યાં આજુબાજુ ટહેલી રહેલા લોકોએ તાળીઓ અને કિકિયારીઓ પાડી બે યુવા હૈયાના રસ તરબોળ પ્રેમને વધાવી લીધો.


'પપ્પા, એક વાત કહેવી છે.' તક જોઈને સુશાંતે પોતાના મનની વાત તેના પિતાને કહેવાનું નક્કી કરી જ દીધું જેથી સોનાક્ષીને ત્યાં જઈને લગ્નનું કહેણ નાખી શકાય.


'હું તને કહેવાનો જ હતો.'


'શું?' 


'લગ્નનું. સુશી યોગ્ય અને સારૂં પાત્ર છે. તને વાંધો ન હોય તો...' મનુભાઈના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. 


'હા. મને પસંદ છે.' સુશાંતને થયું પપ્પાને કદાચ ખબર પડી ગઈ હતી કે બન્ને મળતા હતા માટે તેઓ એના મનની વાત જાણી ગયા છે. 


'તો વાત આગળ ચલાવું.'


'નેકી ઔર પૂછપૂછ? શુભસ્ય શીઘ્રમ પપ્પા.'


મનુભાઈએ સુશીલાબહેનને ફોન જોડ્યો. ખોંખારો ખાઈ બોલ્યા, 'એને વાંધો નથી. તું તારી દીકરીને પૂછી લે એટલે બધું નક્કી થઈ જાય.'


'એની હા છે, કહે છે, એમાં વળી દીકરીને શું પૂછવાનું. એ આપણી સાથે રહેવા આવશે. તને વાંધો નથીને?' મનુભાઈએ સુશાંતને પૂછ્યું.


'લગ્ન પછી સાથે જ રહેને પપ્પા, તમેય કેવું પૂછો છો?' 


'મને એ જ વાતનો ડર હતો.'


'હું જાણું છું. એ ના નહીં પાડે, એની પણ લગ્ન બાબતે સંમતિ છે.' સુશાંતે કહ્યું.


'તું જાણે છે?' 


'હા પપ્પા. અઠવાડિયા પહેલાં જ મેં એને પ્રપોઝ કરેલું.'


'તેં? કોને?' મનુભાઈએ માથું ખંજવાળ્યું.


'સોનાક્ષીને.' 


'પણ હું મારી અને સુશી આઈ મીન સુશીલાની વાત કરું છું. અમે બન્ને એકબીજાને પસંદ કરીએ છીએ. એય એકલી, હુંય વિધુર. તારી મા ગયા પછી ઘર મેનેજ કરવું અઘરૂં લાગે છે. વળી અમારા રસરૂચી સરખા છે અને અમને એકબીજાની કંપની ગમે છે. જો બેટા, આ ઊંમરે મનેય કોઈના સાથની, સહચર્યની જરૂર છે. સુશીનેય પુરૂષનો આધાર જોઈએ છે.' મનુભાઈને કહેતા સાંભળી, સુશાંતની આંખે અંધારા આવી ગયા. આસપાસ બધું ગોળ ફરતું લાગ્યું, અસ્સલ જલેબી જેવું. સીધેસીધી વાત ગોળ વળી ગૂંચળું બનીને ગૂંચવાઈ ગઈ. 


મનુભાઈ સીટીઓ વગાડીને નાચતાકુદતા લલકારવા માંડ્યા, 'હમ થે વો થી ઔર સમાં રંગીન સમજ ગયે ના? જાના થા જાપાન, પહોંચ ગયે ચીન સમજ ગયે ના? યાને યાને યાને પ્યાર હો ગયા.'


સુશાંતે માથે હાથ દઈ પૂરૂં કર્યું, 'મન્નુ તેરા હુઆ અબ મેરા ક્યા હોગા?'


પુસ્તકમાં સુશાંતે મૂકેલી ચિઠ્ઠી સુશીલાબહેને વાંચી. જો કે ચિઠ્ઠી વાંચતા પહેલાં મનુભાઈની આંખો એમણે વાંચી લીધી હતી. એ પુસ્તક સોનાક્ષીએ ઉઘાડ્યું ત્યારે એમાંથી ચિઠ્ઠી ગાયબ હતી. પોતાના પ્રેમીએ આપેલો સંદેશો લખાયેલી એ પ્રેમની ચબરખી ક્યાંક દીકરીના હાથમાં આવી જાય તો? વળી પ્રેમી સાથેના મધુર મિલનની જાણ થઈ જાય તો? એમ માની  સુશીલાબહેને એ કાગળ પોતાના કબાટમાં છુપાવી દીધો હતો. 


પછી તો સુશીલાબહેનેય એમનું અંતર મનુભાઈ સમક્ષ ખોલી દીધું. અંતે પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું. 


સુશાંત કે સોનાક્ષી પોતાની પ્રેમકહાણીનો ફોડ પાડે તે પહેલાં મનુભાઈ અને સુશીલાબહેને બોમ્બ ફોડ્યો.

***************

માબાપના સગપણની ખુશીમાં એકબીજાને મીઠું મોઢું કરાવતાં સુશાંત અને સોનાક્ષી બઘવાઈને એકબીજાને તાકતા રહ્યા. 


'હવે આપણે એકબીજાના શું કહેવાઈએ?' સુશાંતે સોનાક્ષીને પૂછ્યું. 


સોનાક્ષી બોલી, 'ભાઈબહેન.' સાંભળીને મૂંઝવણ અનુભવતો સુશાંત જલેબીની માફક જ ગૂંચવાઈ ગયો.


'મોબાઈલમાં મેસેજ કરવાને બદલે ચિઠ્ઠી લખી. આ બધો તારી ચિઠ્ઠીનો પ્રતાપ.' સોનાક્ષી બોલી.


'મોબાઈલનો મેસેજ ઉડી જાય એટલે મને એમ કે ફર્સ્ટ લવનો ફર્સ્ટ લવલેટર જિંદગીના લાસ્ટ યર સુધી લૉસ્ટ નહીં થાય માટે...' 


'તેમાં તારા પપ્પા અને મારી મમ્મી ફર્સ્ટ થઈ ગયા.' સોનાક્ષીએ કપાળ કૂટ્યું. 

*************

સુષમા શેઠ.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ