વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિબિર

શિબિર

ચેતનને જોઈને છબીલનો ઉત્સાહ વધી ગયો. આ પહેલાંની કોઈ શિબિરમાં ચેતન આવ્યો નહોતો. આવવાની હા પાડીને પણ આવ્યો નહોતો. છબીલે તો માન્યું હતું કે, ચેતન આ વખતે પણ નહિ આવે.

‘યાર ચેતન, તું ખરેખર શિબિરમાં આવે છે?’ છબીલે પૂછ્યું.

‘હા. કેમ? વિશ્વાસ નથી આવતો?’ ચેતને કહ્યું.

‘મને ખરેખર નવાઈ લાગે છે! મેં તને આધ્યાત્મિકતા તરફ વાળવા માટે તારી સાથે ઘણી  માથાફોડ કરી છે, પણ તને મારી વાતોમાં ક્યારેય રસ પડ્યો નથી. આજે તને જોઉં છું તો મને લાગે છે, કે મારી મહેનત રંગ લાવી રહી છે.’

ચેતન ચૂપ રહ્યો. આમેય, છબીલ સામે એ બહુ દલીલોમાં ઉતરતો નહિ. આધ્યાત્મિકતાની મૂડી જેટલી છબીલ પાસે હતી એટલી ચેતન પાસે નહોતી.

‘ચેતન, સાચું કહેજે. તું શિબિરમાં તારી પોતાની જાત માટે આવે છે કે પછી માત્ર મને સાથ આપવા માટે જ આવે છે?’ છબીલે એની આદત મુજબ ચેતનના મનનો પીછો કર્યો. 

ચેતન પણ એની આદત મુજબ હસીને  જવાબ આપ્યો: ‘બંને કારણોસર આવું છું.’

‘મને માનવામાં આવતું નથી, કે તું માત્ર શિબિરમાં હાજરી આપવા આવતો હોય. તું એક કાંકરે બે પક્ષી મારનારો છે. રમણપુરમાં તારું કોઈ સગુંવહાલું તો નથી ને? કોઈને ત્યાં મળવા જવાનું તો નથી ને? તારું ભલું પૂછવું.’   

ચેતનને લાગ્યું કે પોતે પકડાઈ ગયો છે. એક ક્ષણ માટે તો એને એવું કહી દેવાનો વિચાર પણ આવ્યો કે, ‘હું રમણપુર માત્ર શિબિરમાં હાજરી આપવા જ નથી આવતો. મારું ત્યાં કોઈ ઓળખીતું  છે. હું એને મળવા પણ જવાનો છું.’  

પરંતુ, બીજી જ ક્ષણે એ સાવધાન થઈ ગયો અને જવાબ આપ્યો, ‘ના, રમણપુરમા મારું કોઈ સગુંવહાલું નથી.’  

‘હું માનું છું ત્યાં સુધી તેં રમણપુર તો જોયું છે.’   

ચેતને કહ્યું, ‘હા, મારા પપ્પાની રમણપુરમા બદલી થયેલી એટલે અમે ત્યાં ચારેક વરસ રહેલાં. હું ત્યાની સ્કૂલમાં ભણતો હતો. બહુ મજાનું ગામ છે. લોકો પણ બહુ જ મજાના. અમે ભાઈબંધો રોજ રાજકમલ સર્કલે અડ્ડો જમાવતા અને દુનિયાભરની વાતો કરતા. મયૂરપંખ હોટલમાં સેવઉસળ ખાવા જતા. ફિલ્મ ન જોવી હોય તોય નટરાજ ટોકીઝે જતા. ત્યાં રોજ ફિલ્મ ચાલુ થતાં પહેલાં જૂની ફિલ્મોનાં ગીતો વાગતાં. અમે એ સાંભળતા. કેવાં ગીતો હતાં! બહુ મજા આવતી...’      

‘જો ચેતન, મારી તને સલાહ છે કે, આ શિબિરને પૂરી ગંભીરતાથી લેજે. તારા મનને નવાંજૂનાં વળગણોથી મુક્ત રાખજે. આવી તક જીવનમાં વારંવાર મળતી નથી.’ છબીલે ચેતનની વાત વચ્ચેથી જ કાપી નાંખી.

‘ચોક્કસ.’ ચેતને કહ્યું.

છબીલે અને ચેતને બંનેએ અમદાવાદમાં આર્ટસ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો. તેઓ કોલેજમાં જ મિત્રો બન્યા હતા. અભ્યાસ પૂરો કર્યાં પછી બંને મનગમતા કામે લાગી ગયા હતા.

છબીલ શહેરના ‘જાણકાર’ અખબારમાં જોડાઈ ગયો હતો. અનુવાદનું કામ કરતો હતો અને ‘મનન’ નામની એક આધ્યાત્મિક કોલમ સંભાળતો હતો. એ ગંભીર પ્રકૃતિનો યુવાન હતો અને આધ્યાત્મિકતાના રસ્તે બહુ આગળ વધી ગયો હતો. એના રસના વિષયો ગુરુ, ઈશ્વર, સાધના, વગેરે હતા. એને નાટકો, ફિલ્મો, ગીતસંગીત, છોકરીઓ વગેરેમાં રસ નહોતો. એ માનતો હતો કે સાધનાના રસ્તે આગળ વધવું હોય એણે આવાં વળગણોથી દૂર રહેવું જોઈએ. એણે મર્માનંદ મહારાજને ગુરુ તરીકે માન્યા હતા અને એ મર્માનંદ મહારાજના આશ્રમમાં નિયમિત જતો હતો. એ એક વખત ચેતનને પરાણે મર્માનંદ મહારાજના આશ્રમમાં લઈ ગયો હતો. એ ચેતનને મહારાજ સાથે મુલાકાત કરાવવા માંગતો હતો, પરંતુ મહારાજ ત્યારે કેટલી વિદેશી શિષ્યાઓથી ઘેરાયેલા હતા.      

ચેતને ‘દોરવણી’ નામે જોબ પ્લેસમેન્ટ સેન્ટર ખોલ્યું હતું. સારું કમાતો હતો. એ ચંચળ વૃત્તિ ધરાવતો માણસ હતો. ગુરુ, ઈશ્વર, સાધના એ બધાં પ્રત્યે એને એટલું આકર્ષણ નહોતું, જેટલું એને નાટક, ફિલ્મ, ગીત, સંગીત પ્રત્યે હતું. એને કોઈ છોકરીના પ્રેમમાં પણ પડવું હતું, પરંતુ એનાથી પડાતું નહોતું.    

છબીલ વારંવાર ચેતનને આધ્યાત્મિકતાના રસ્તે વાળવા પ્રયાસો કરતો, એ આધ્યાત્મિકતાની ગૂઢ વાતો કરતો ત્યારે એ પૂરેપૂરો રંગમાં આવી જતો, પરંતુ એવી વાતો સાંભળતી વખતે ચેતનના મગજને બહુ જ તકલીફ પડતી હતી. એને છબીલને કહી દેવાનું ઘણું મન થતું, પરંતુ કહી નહોતો શકતો કે, ‘દોસ્ત, મને આવી વાતોમાં રસ નથી પડતો. તું ફિલ્મોની કે ગીતસંગીતની વાતો કર તો હું પણ ખીલી ઊઠું એવો છું.’

ચેતન દોસ્તી રૂપી પાંજરામાં પુરાઈ ગયો હતો. એ છબીલથી છૂટવા પણ માંગતો હતો, પરંતુ છબીલ એને છોડતો નહોતો.

બસ સ્ટેશને, રમણપુર તરફ જનારી બસની રાહ જોતાં જોતાં છબીલ, શિબિરનો વધુમાં વધું લાભ કેવી રીતે લઈ શકાય એ બાબત ચેતનને સમજ આપવા લાગ્યો. વહેલા ઊઠવું, સવારની પ્રાર્થનામાં ભાગ લેવો, એકેએક પ્રવચનમાં હાજરી આપવી, પ્રવચનો એક ચિત્તે સાંભળવાં, આ બધી બાબતો વિશે ચેતનને જણાવવા લાગ્યો, પરંતુ ચેતનનું મન એમાં લાગતું નહોતું. એ ઘરેથી ચા પીને આવ્યો હતો છતાંય એને ચા પીવાનું મન થયું. એણે છબીલ સમક્ષ ચા પીવા જવાનો પ્રસ્તાવ  મૂક્યો, પરંતુ છબીલે એને ઠપકો આપ્યો, ‘ચા બહુ સારી નહિ. હું જાણું છું કે તને મારી વાતોમાં રસ  નથી પડતો, પણ તું મારી વાતો ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર. મને પણ શરૂઆતમાં મર્માનંદ સ્વામીજીનું પ્રવચન સાંભળતી વખતી તકલીફ પડતી હતી. એવું તો થાય જ. આ રસ્તો પહેલાં ઉબડખાબડ લાગે છે, પણ પછીથી રાજમાર્ગ જેવો લાગે છે. એવું થાય કે આ રસ્તે ચાલ્યા જ કરીએ... ચાલ્યા જ કરીએ.’

બસ આવી અને ઉપડી. શહેરને પાછળ મૂકીને હાઈવે પર ચડી. છબીલ કર્મ અને ધર્મ વિશેની વાતો કરવા લાગ્યો. ચેતન એ વાતોમાં, પોતાનો સૂર પુરાવવા છતાં મન પરોવી શક્યો નહિ. એનું મન વારંવાર રમણપુરની શેરીઓમાં ચક્કર મારવા પહોંચી જતું હતું અને રમણપુરની ભગત શેરીમાં જઈને અટકી જતું હતું. એ શેરીમાં એના પપ્પાએ ઘર ભાડે રાખ્યું હતું. તક્ષુનું ઘર પણ એ જ શેરીમાં હતું. એ વખતે ચેતન નવમાં ધોરણમાં હતો. 

પહેલે જ દિવસે ચેતનના પપ્પા એમની ઑફિસે ગયા હતા. ચેતન અને એનાં મમ્મી સામાન ગોઠવી રહ્યા હતાં ત્યારે જ તક્ષુ આવી ચડી હતી, બાગોમાં બહાર આવે એ રીતે. એ પણ ઉમરમાં ચેતન જેવડી જ હતી  એ હર્યોભારો દેહ અને એવો જ હર્યોભર્યો સ્વભાવ ધરાવતી હતી.

તક્ષુનું ચેતનનાં મમ્મી સાથે વાતો કરવા લાગી હતી. ‘આન્ટી, કોઈ પણ કામ હોય તો કહી દેજો. મૂંઝાતાં નહિ. પીવાનું પાણી આપી જઉં? અમારે ત્યાં જમવાનું ફાવશે? જરાય ચિંતા ન કરતાં. આ શેરીમાં જે રહેવા આવ્યું હોય એ આ શેરીને જિંદગીભર ભૂલતું નથી.’ આવું આવું તો કેટલુય બોલી ગઈ જે સાંભળીને ચેતનનાં મમ્મીને ખૂબ જ સારું લાગ્યું હતું.  

ચેતન એક ભારે ટેબલ ફેરવવા માટે મથી રહ્યો હતો ત્યારે તક્ષુ એની પાસે વાવાઝોડાની માફક આવી ચડી હતી અને બોલી હતી, ‘એકલો એકલો મથે છે તો મને નથી કહેવાતું?’

ચેતન કશો જવાબ આપી શક્યો નહોતો. એ એવા ગામમાં ઊછર્યો હતો કે જે ગામમાં કોઈ છોકરી સાથે વાત કરવી એ તો દૂરની વાત હતી, કોઈ છોકરી સામે જોવું એ પણ અસંસ્કારી હોવાની નિશાની ગણાતી હતી. તક્ષુએ ચેતનાને ટેબલ ગોઠવવામાં મદદ કરી. બીજો સામાન ગોઠવવામાં પણ મદદ કરી. એવું કરતી વખતે એનાથી એક વખત ચેતનના હાથને સ્પર્શ પણ થઈ ગયો હતો. એ સ્પર્શથી ચેતનનું રોમ રોમ પુલકિત થઈ ઊઠયું હતું, પરંતુ તક્ષુને કશો ફરક પડયો નહોતો.     આ પહેલા ચેતને તક્ષુ જેવી બિનધાસ્ત છોકરી જોઈ નહોતી.

પછી તો બંનેની દોસ્તી જામી હતી. તક્ષુનું રોજ ચેતનના ઘરે આવવું, બંનેનું પાસેપાસે બેસીને એક જ નવલકથા વાંચવી, સાથે બેસીને ટીવી જોવું, નવી આવેલી ફિલ્મની સ્ટોરી કહેવી, મસ્તીમાં એકબીજાંને ધબ્બા મારવા, એકબીજાંને ચીડવવાં, એ બધું સામાન્ય થતું ગયું હતું.  

ચેતનનું મન બીજે કશે ભટકે છે એ હકીકતનો ખ્યાલ આવતાં છબીલે પૂછ્યું, ‘તને મારી વાતમાં રસ નથી પડતો કે શું?’

‘ના, હા હા પડે છે ને.’ ચેતને પોતાનાં મનને પાછું વાળતાં જવાબ આપ્યો.

‘તો કેમ કશું બોલતો નથી? માત્ર હા એ હા કર્યે જાય છે?’

‘હુ શું બોલું? આ બધામાં મારું જ્ઞાન ઓછું છે.’  

છબીલે કહ્યું, ‘તું રોજ મર્માનંદ મહારાજનાં પ્રવચનો સાંભળ. તારી જીવનપદ્ધતિ બદલાઈ જશે. આ તારાં જે વળગણો છે ને, કલાકારો, ગીતકારો, લેખકો, નાચનારા, કૂદનારા, એ બધાં વળગણો છૂટી જશે. આ બધાં તો પાણીના પરપોટા છે દોસ્ત. ખરી મસ્તી તો આધ્યત્મિકતામાં છે.’

ચેતના ચુપ જ રહ્યો. એના મનમાં ‘આંખે’ ફિલ્મનું ગીત ગુંજવા લાગ્યું...

‘મિલતી હૈ જિંદગી મેં મોહબ્બત કભી કભી

‘મિલતી હૈ જિંદગી મેં મોહબ્બત કભી કભી

હોતી હૈ દિલ્બરો કી ઇનાયત કભી-કભી

હોતી હૈ દિલ્બરો કી ઇનાયત કભી-કભી.’

છબીલનું પ્રવચન ચાલુ જ હતું... ‘મર્માનંદ મહારાજનું ગીતા વિશેનું જ્ઞાન અદ્ભૂત છે. ચેતન, મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, દેશભરમાં એમના શિષ્યો છે. વિદેશીઓ પણ ખરા. મને તો એમને સાંભળવામાં એટલો આનદ આવે છે કે ન પૂછો વાત. મારા સ્ટાફમાં સુભાષ નામે એક માણસ છે. એ એક વખત મારી સાથે મર્માનંદ મહારાજના આશ્રમમાં આવ્યો ને એને એવી તો મજા પડી ગઈ કે એણે તો એજ દિવસે મર્માનંદ મહારાજને ગુરુ તરીકે ધારણ કરી લીધા. એ આજે શિબિરમાં પણ વહેલાસર પહોંચી ગયો હશે. ચેતન, તને ગુરુ પરંપરામાં વિશ્વાસ નથી, પણ તને ખબર તો હશે જ કે રામ અને કૃષ્ણ બંને પણ ગુરુ ધારણ કર્યા હતા. તું બને તો આજે જ મર્માનંદ મહારાજને ગુરુ તરીકે ધારણ કરી લેજે. જીવનમાં ગુરુ જરૂરી છે.  ગુ એટલે અંધકાર અને રુ એટલે તેજ. અંધકારને દૂર કરે તે ગુરુ.’

ચેતનાના મનમાં ગીત આગળ વધતું હતું...

‘શર્મા કે મુંહ ના ફેર, નજર કે સવાલ પર 

શર્મા કે મુંહ ના ફેર, નજર કે સવાલ પર 

લાતી હૈ ઐસે મોડ પે, કિસ્મત કભી-કભી

લાતી હૈ ઐસે મોડ પે, કિસ્મત કભી-કભી.’             

તક્ષુનું આ મનગમતું ગીત હતું. એ ઘણી વખત આ ગીત ગાતી ગાતી જ શેરીમાં નીકળતી. એનો અવાજ સારો હતો. સહુથી મોટી વાત એ હતી કે એનો એનો સ્વભાવ મીઠડો હતો. એટલે જ એ શેરીમાં સૌની માનીતી હતી.

છબીલ આધ્યાત્મિકતાની વાતો કરતો રહ્યો. ચેતન વચ્ચે વચ્ચે હોકારો દેતો રહ્યો, પણ મનમાં તક્ષુલીલાનાં દર્શન કરતો રહ્યો. એ  રીતે જ રમણપુર આવી ગયું.

****

શિબિરના આયોજકોએ રમણપુરની ધર્મશાળામાં શિબિરનું આયોજન કર્યું હતું. એમણે શિબિરમાં આવનારાઓ માટે ધર્મશાળામાં જ ઉતારાની વ્યવસ્થા કરી હતી. છબીલ અને ચેતન શિબિરના સ્થળે પહોંચ્યા ત્યારે પ્રાર્થનાની તૈયારી થઈ રહી હતી. બંનેએ એમને ફાળવવામાં આવેલી ઓરડીમાં  સામાન મૂકીને શિબિરમાં જોડાઈ ગયા.

શિબિરમાં આવેલા સત્સંગીઓમાં છબીલને કેટલાક ઓળખીતાઓ મળ્યા. છબીલે એ બધાની સાથે ચેતનની ઓળખાણ કરાવી. છબીલે ઓળખાણ કરાવતી વખતે મજાકમાં એ વાત વારંવાર દોહરાવી, કે અત્યારે તો મારો આ મિત્ર સત્સંગથી દૂર ભાગે છે, પણ ભવિષ્યમાં પાકો સત્સંગી થઈ જશે.

દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના પછી પ્રવચનો શરૂ થયાં. વક્તાઓએ મર્માનંદ મહારાજનાં અને એમના આશ્રમનાં ગુણગાન ગાયાં. એક સત્સંગીએ આશ્રમ દ્વારા થતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી. પછી મર્માનંદ મહારાજનું પ્રવચન શરૂ થયું. છબીલે ચેતનાને સૂચના આપી, કે તું એકાગ્ર થઈને મહારાજનું પ્રવચન સાંભળજે.

મહારાજનું ગીતા વિશેનું પ્રવચન એક કલાક સુધી ચાલ્યું. છબીલ ખૂબ જ ધ્યાનથી એ સાંભળતો હતો અને વારંવાર ચેતનને પૂછતો હતો, કે તું ધ્યાનથી સાંભળે છે ને? ચેતન હા પાડતો હતો. જોકે, ચેતનના ચિત્તમાં તો  રમણપુરની ભગત શેરી અને શેરીમાં ગુંજન કરતી તક્ષુ જ રમતાં હતાં.

બપોરે ભોજન માટે વિરામની ઘોષણા થઈ ત્યારે ચેતનને અનહદ આનંદ થયો. એને લાગ્યું કે હવે તક્ષુદર્શનનો સમય નજીક આવી પહોંચ્યો છે.

જમતી વખતે છબીલ અને ચેતન સાથે જ હતા, પરંતુ છબીલે ઝડપથી જમવાનું પતાવ્યું અને એ પોતાની થાળી મૂકવા ગયો પછી દેખાયો જ નહિ. ચેતનને વિચાર આવ્યો, ‘ભલું થયું ભાંગી ઝંઝાળ. સુખેથી કાઢશું તક્ષુની ભાળ.’

ચેતન જમવાનું પૂરું કરીને રમણપુરની ભગત શેરી તરફ નીકળી પડ્યો. મનમાં આનંદ હતો અને શંકા પણ હતી : મારું તક્ષુને ઘરે જવું એ કદાચ તક્ષુના પરિવારને નહિ ગમે. કદાચ તક્ષુને પણ ન ગમે. પાંચ વર્ષો વીતી ગયાં છે. ત્યારની વાત જુદી હતી. ભલે ચાર વર્ષો સુધી હળ્યાંમળ્યાં, પણ એ તો કિશોર અવસ્થા હતી. વળી, એ તો બધા સાથે હળતીમળતી હતી. મારા એકલાની સાથે જ થોડી હળતીમળતી હતી? હવે તો એ જૂનું બધું ભૂલી ગઈ હોય. અને ન ભૂલી હોય તો પણ અત્યારે શું? અત્યારે તો એનાં લગ્ન પણ થઈ ગયા હોય. મેં પાંચ વર્ષમાં ક્યારેય એનો સંપર્ક કર્યો નથી. ઘણી વખત મળવા જવાનું મન થતું હતું, પણ પાછું એવું થતું હતું કે કમાતા થયા પછી જ એને મળવા જવું. એનાં લગ્ન ન થયાં હોય તો પણ શું? પ્રેમનો સ્વીકાર કરવાની પહેલ તો મારે જ કરવી પડશે. કેવી રીતે કરીશ? સાલી, ધબ્બો મારીને મને ઉતારી તો નહિ પાડે. મારી મજાક તો નહિ ઉડાવે. મજાક  ઉડાવે એનો ય વાંધો નહિ, પણ ગુસ્સે થઈને મને ઘરની બહાર કાઢશે તો? ભલું પૂછવું એ અત્યારે પહેલાં હતી એવી ન પણ રહી હોય. યુવાનીનો તોર એને ચડ્યો પણ હોય. જે થાય તે. આ વખતે તો પાછા પડવું જ નથી...’

ચેતનના મનમાં પાંચ વર્ષ પહેલાં જ તક્ષુપ્રેમનું પ્રાગટ્ય થયું હતું, પરંતુ ઘણી ફિલ્મોમાં બને છે એમ જ એ તક્ષુ સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરી શક્યો ન હતો. રમણપુરનું ઘર ખાલી કરતી વખતે તક્ષુ મદદ કરવા આવી હતી ત્યારે ચેતન પાસે એક તક હતી કે એ તક્ષુ સમક્ષ પોતાના પ્રેમનો સ્વીકાર કરી લે.  

ચેતને સાહસ પણ કર્યું હતું એમ કહેવાનું કે, ‘તક્ષુ, મારે તને એક વાત કહેવી છે.’

‘કહી દે.’ તક્ષુએ કહ્યું હતું.

‘તને ખોટું તો નહિ લાગે.’

‘લાગે પણ ખરું. તને એવો ડર લાગતો હોય તો ન કહેતો. એ ડર નીકળી જાય પછી કહેજે.’ આવું કહીને તક્ષુ ખડખડાટ હસી હતી. એને વાત જાણવાની જરા પણ જિજ્ઞાસા દાખવી નહોતી.

‘આજે તો ડર રાખવો જ નથી.’ ચેતને મનને એવું મજબૂત બનાવતો બનાવતો ભગત શેરીમાં પહોંચી ગયો. શેરી ઘણી બદલાઈ ગઈ હતી. મોટા ભાગનાં ઘરને તાળાં હતાં. ચેતને ધારણા બાંધી  લીધી કે એ ઘરોમાં રહેનારા મોટા શહેરોમાં રહેવા જતા રહ્યા હશે.

‘તક્ષુના ઘરને પણ તાળું હશે તો?’ ચેતનાને એવો વિચાર પણ આવ્યો.

પરંતુ તક્ષુના ઘરને તાળું નહોતું. ચેતનને ખુશી થઈ અને એના દિલના ધબકારા વધી ગયા. એ તક્ષુના ઘરનો ઓટલો ચઢ્યો અને જાળી ખખડાવતા પહેલાં અંદર નજર નાખી તો એણે જોયું કે બેઠકખંડમાં જ તક્ષુ અને તક્ષુનાં મમ્મી કોકિલાબહેન બેઠાં હતાં અને એમની સામે એક ખુરશી પર છબીલ બેઠો હતો!

પહેલાં તો ચેતનને વિચાર આવ્યો, કે છબીલ અહીં હોય જ નહિ, કોઈ બીજું હશે. એને ધ્યાનથી જોયું તો એ છબીલ જ હતો. એના માટે તક્ષુના ઘરે છબીલનું હોવું અણધાર્યું હતું.

ચેતનને પાછા ફરી જવાનો વિચાર આવ્યો ત્યાં તો તક્ષુ જાળી પાસે આવતાં આવતાં બોલી, ‘કોણ?’

‘હું, ચેતન.’

‘ઓહ માય ગોડ! ચેતન! તું?’

તક્ષુએ જાળી ખોલી.

‘હા, હું?’

‘તું ક્યાં ખોવાઈ ગયો હતો?’

‘રોજીરોટીના ચક્કરમાં.’ 

‘પણ માણસ ક્યારેક તો ફોન કરે.’

‘ક્યા નંબર પર કરું? મારી પાસે નંબર તો હોવો જોઈએ ને?’

‘રૂબરૂ ન અવાય? પત્ર ન લખાય?’

‘પત્રની ક્યાં વાત કરે છે,  મેં તો ડાયરી લખી છે.’ ચેતન મનોમન બોલ્યો.    

અંદરથી કોકિલાબહેન બોલ્યાં, ‘તક્ષુ કોણ છે?’

‘હું નહિ કહું. તમે ઓળખી જજો.’ તક્ષુએ કહ્યું.

અંદર બેઠેલા છબીલે ચેતનને જોયો. એને માટે ચેતનનું આગમન અણધાર્યું હતું. એ ઊભો થઈને જાળી પાસે આવ્યો.

‘અરે, ચેતન તું?’

‘હા, હું.’ ચેતને જવાબ આપ્યો.

‘તું અહીં ક્યાંથી?’

‘હું આમનો પડોશી હતો, પણ તું અહીં ક્યાંથી?’

‘તમે એકબીજાને ઓળખો છો?’ તક્ષુ બોલી.

‘હા, આ મારો ખાસ મિત્ર છે. મારી સાથે જ શિબિરમાં આવ્યો છે.’ છબીલે કહ્યું.

‘અરે વાહ! તો તો મજા આવશે. એક કામ કરો, તમે લોકો અંદર આવી જાઓ. પછી આપણે વાતો કરીએ.’ એવું કહીને તક્ષુ ઘરમાં ગઈ. 

‘તું અહીં આવવાનો હો એ તેં મને કહ્યું નહિ.’ છબીલે ચેતનને કહ્યું.

‘તું મને મળ્યો નહિ. નહિ તો કહેત.’

‘જોકે, મારે પણ તને કહેવાનું રહી ગયું કે હું અહીં આવવાનો છું. ચેતન, હું અહીં તક્ષુને જોવા આવ્યો છું. આમ તો મને સંસારી બનાવામાં રસ નહોતો, પણ હું સંસારી બનું એવો મર્માનંદ મહારાજનો આગ્રહ છે. હું એમની વાત ટાળી ન શકું.’ છબીલ ધીમેથી બોલ્યો.

‘ઓ તારી જાતનો આધ્યાત્મિક! આમ તો સંસારની માયાથી દૂર રહેવાની ફાકાઈ મારતો’તો ને હવે અહીં છોકરી જોવા પહોંચ્યો. એ પણ મર્માનંદ મહારાજના આગ્રહથી. તું તો ભાઈ જબરો ખેલાડી નીકળ્યો.’ ચેતન મનોમન બોલ્યો.

‘અરે, અંદર આવોને.’ તક્ષુએ બૂમ પાડી.

બને જણા અંદર ગયા. છબીલને ચેતનનું આગમન કઠયું હતું. છબીલના ચહેરા પર એની અસર  દેખાવા પણ લાગી હતી.   

કોકિલાબહેન ચેતનનેને ઓળખી ગયાં. એ રાજી થયાં અને ચેતન સાથે જૂની વાતોએ વળગ્યાં. એ વાતો સાંભળીને છબીલને ખ્યાલ આવી ગયો કે ચેતનનો અહીંનો ભૂતકાળ ભવ્ય હતો.  

ચા-નાસ્તો પત્યા પછી છબીલ અને તક્ષુ બીજા ઓરડામાં એકબીજાંથી પરિચિત થવા માટે બેઠાં. કોકિલાબહેન અને ચેતન એકલાં પડ્યાં.

કોકિલાબહેન વાતોએ વળગ્યાં : ‘મારી તક્ષુ સાથે આ છોકરાની વાત મારા જેઠના દીકરા કેતને ચલાવી છે. કેતન મર્માનંદ મહારાજમાં બહુ જ માને. આ છોકરો પણ માર્માનંદ મહારાજના સત્સંગમાં આવે છે. કેતનને એની સાથે ઓળખાણ થઈ અને કેતનને આ છોકરો સારો લાગ્યો એટલે એણે વાત ચલાવી છે. તક્ષુ તો, હજી મારે વાર છે એવું જ કહ્યા કરતી’તી. માંડ તૈયાર કરી છે. એના પપ્પા નહિ એટલે મારે જ ચિંતા કરવી પડે છે.’

‘એના પપ્પા?’

‘એના પપ્પા તો શ્રીજીના ધામમાં પહોંચી ગયાં. બે વરસ થઈ ગયાં.’

કોકિલાબહેનની આંખોમાં આંસુ આવી ગયાં. ચેતને એમને આશ્વાસન આપ્યું.

‘એ ગયા પછી તક્ષુએ મારું બહુ જ ધ્યાન રાખે છે. જેટલી તોફાની હતી એટલી જ ડાહી થઈ ગઈ છે. બેન્કમાં નોકરીએ લાગી ગઈ છે અને પગાર લાવતી થઈ ગઈ છે. હવે એનું ક્યાંક ગોઠવાઈ જાય તો મને નિરાંત થાય.’

‘બધુ સારું થઈ જશે.’ ચેતન બોલ્યો.

‘આ છોકરો તો તારો ભાઈબંધ છે ને?’

‘હા.’

‘સારો છે ને?’

‘છોકરો તો સારો છે.’

‘તક્ષુનું એની સાથે ગોઠવાય તો વાંધો નહિ ને?’ 

‘ના.’

‘બહુ બુદ્ધિશાળી છે અને  શાસ્ત્રોની વાતો પણ બહુ જ જાણે છે એવી વાત મળી છે.’   

‘એ જ મોટી તકલીફ છે.’ ચેતનના હોઠ સુધી આવેલી આ વાત અટકી ગઈ. એ બોલ્યો, ‘હા, સાચી વાત છે.’

‘મારી તક્ષુને તો તું ઓળખે ને? ભગવાનમાં માને, પણ એને શાસ્ત્રોનું બહુ જ્ઞાન નથી.’

‘એ તો આવી જશે.’ ચેતનથી બોલાઈ ગયું.

‘ભાઈ તું પરણ્યો કે નહિ?’ કોકિલા બહેને પૂછ્યું.

‘ના.’

‘કેમ? ઠેકાણાં તો જોયાં હશે.’

‘ના. હજી શરૂ નથી કર્યું.’

‘હવે વિચારવું જોઈએ.’

ચેતન વિચારે ચડ્યો : છબીલ સાલો મને ઓવરટેક કરી ગયો. હું તક્ષુને મારા માની વાત કરું તે પહેલાં તો છબીલે એની સાથે સગાઈ માટે વાત પણ ચલાવી દીધી. હવે જો એનું તક્ષુ સાથે નક્કી થઈ ગયું તો મારે શાયર બનવાનો જ વારો આવશે.

તક્ષુ અને છબીલ બહાર આવ્યાં. ચેતનને બંને ખુશ હોય એવું લાગ્યું.

થોડી વાર પછી છબીલ ઊભો થયો. ‘અમે જઈએ. શિબિરનું બીજું સત્ર શરૂ થશે.’

ચેતન પણ ઊભો થયો.

‘ચેતન, તું રોકાજે.’ તક્ષુએ જાણે આદેશ કર્યો.

‘ભલે.’ એવું કહીને ચેતન બેસી ગયો.

‘ચેતન, તારે બહુ વધારે ન રોકાવું હોય તો આપણે સાથે જઈશું.’  

‘એ વધારે રોકાશે. અમે ઘણી વખતે મળ્યાં છીએ. બહુ બધી વાતો કરવાની છે.’ તક્ષુ બોલી.

‘ભલે.’ કહીને છબીલ ચાલતો થયો.

એ જાળી સુધી જઈને પાછો આવ્યો ને તક્ષુ પાસે જઈને બોલ્યો, ‘મારા તરફથી હા છે. તારો જવાબ ક્યારે આપીશ?”

‘હું વિચાર કરીને જણાવીશ.’

છબીલના ગયા પછી કોકીલાબહેને તક્ષુને પૂછ્યું, ‘કેવું રહ્યું?’

‘સારું રહ્યું.’

‘આગળ વધવા જેવું ખરું?’

‘ચેતન કહે તો આગળ વધીએ.’

‘હું શું કહું? તારી જિંદગીનો મામલો છે તો તું જ નક્કી કરને.’ ચેતન બોલ્યો.  

ચેતનના ચહેરા પર ઉદાસીનું આગમન થઈ ચૂક્યું હતું.   

‘તમે નક્કી કરીને મને કહેજો એટલે મને જવાબ આપતાં ફાવે.’ એવું કહીને કોકિલાબહેન રસોડામાં ગયાં.

તક્ષુ અને ચેતન એકલાં પડ્યાં.  

‘ચેતન, તને યાદ છે? તમે લોકો રમણપુર છોડીને જઈ રહ્યા હતા એ દિવસે તું મને કશું કહેવા માંગતો હતો.’ તક્ષુ બોલી.

‘મને યાદ નથી આવતું.’

‘તું મને એક વાત કહેવા માંગતો હતો, પણ કહી નહોતો શકતો. તને ડર હતો કે તારી વાત સાંભળીને મને ખોટું લાગશે. મેં તને એમ પણ કહ્યું હતું, કે તને એવો ડર લાગતો હોય તો ન કહેતો. એ ડર નીકળી જાય પછી કહેજે.’

ચેતન ચુપ જ રહ્યો. એ તક્ષુ સામે જોઈ પણ ન શક્યો.

‘ચેતન, છેલ્લી વખત પૂછું છું. તું મને એક વાત કહેવા માંગતો હતો એ યાદ આવે છે? યાદ આવતું હોય તો ડર્યા વગર કહી દે, નહિ તો વાર્તા પૂરી કરીએ.’ તક્ષુએ ચેતનને ધમકાવ્યો. 

‘હા, યાદ આવે છે.’ ચેતન બોલ્યો.

‘તો મોઢામાંથી ફાટને. શું કહેવા માંગતો હતો?’

‘હું કહેવા માંગતો હતો કે... આઇ લવ યૂ’

[સમાપ્ત]

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ