વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાઇક

 

રાત્રે એક વાગ્યા સુધી નિખિલ પોતાના રૂમમાં જાગતો રહ્યો. મનમાં અનેક વિચારો ફરી વળ્યા. તે ધીરેથી ઉભો થયો. પાછો બેસી ગયો. આંખોમાં ફરી આંસુ ટપકયા. તેણે આંખ નાક સાફ કર્યા અને ઉભા થઇ બારી બહાર જોયું. રોડલાઈટના પ્રકાશમાં આંગણામાં પડેલી નવી બાઈક જોઈ દિલ ભરાઈ આવ્યું. આવતીકાલે કોલેજનો પહેલો દિવસ સાથોસાથ જોગાનુજોગ પોતાનો જન્મદિવસ.

હવે મારે આ બાઈક લઈને નથી જવું કોલેજ. મારે ભણવુંજ નથી. ક્યાંક નોકરીએ લાગી જવું જોઈએ એજ સાચું છે.

તેણે પપ્પા પાસે બહુ જીદ કરી હતી આ નવી બાઇક માટે તે યાદ આવ્યું. પોતે પપ્પા સામે બાઇક માટે કેવું બોલ્યો હતો? બારમાના રિઝલ્ટ પછી ઘરમાં આનંદનો માહોલ હતો. મોટાભાઈ સતીશ અને નિરુભાભી પણ કેવા ખુશ થયા હતા. સતીશે ત્યારેજ કહેલું, "જો નિખિલ, હું તો મેટ્રિક પછી આગળ ન ભણી શક્યો પણ તને મારે ખૂબ ભણાવવો છે. એ વાત સાંભળી બા અને પપ્પા કેવા રાજી થયા હતા.

પણ જ્યારે મેં કહ્યું હતું કે, મને નવી બાઇક જોઇશે તો જ હું કોલેજ જઈશ. કોલેજમાં તો બધા છોકરાઓ બાઇક લઈને જ આવતા હોય. એ સાંભળી પપ્પાએ બને તેટલો સંયમ રાખી પ્રેમથી સમજાવેલો. એવું જરૂરી નથી કે, બાઇક લઈને જવું. ઘણા વિધાર્થીઓ સાઇકલ લઈને જતા હોય છે. અરે ઘણા પાસે તો સાઇકલ પણ નથી હોતી.

ત્યારે તો મારું મોઢું ચડેલું જોઈ કોઈ કંઈ બોલ્યું નહોતું. સાંજે સતીશભાઈ નોકરીએથી પાછા આવ્યા ત્યારે રાત્રે જમીને મને બહાર લઈ ગયેલા. મને ખબર હતી કે એ મને બાઇક લેવાની જીદ પડતી મુકવા સમજાવશે. અને એણે એજ સમજાવવાની કોશિશ કરેલી. હું ન સમજ્યો.

એજ સતીશભાઈને પણ આગળ ભણવું હતું. હોશિયાર હતા પણ પપ્પાની પ્રાઇવેટ નોકરી. ઓછો પગાર. એ બધું જોઈ તેણે પણ બારમા પછી નોકરી જોઈન્ટ કરેલી અને સરકારી નોકરીના પ્રયત્નો કરેલા. કિસ્મતે તેને તાલુકા પંચાયતમાં નોકરી મળી ગઈ. નોકરી કરવા તે સાઈકલથી જતા. લગ્ન થયા. લગ્નના ખર્ચની ઉધારી પુરી થઈ ત્યારે સેકન્ડહેન્ડ લુના ખરીદેલું. ત્યારે ઘરમાં સૌને કેવો આનંદ થયો હતો. હજુ પણ તે લુના લઈને ઓફિસે જાય છે.

આવો વિચાર આવતા નિખિલ ફરી ખુરશીમાં ફસડાઈ પડ્યો. તેની આંખમાં પ્રકાશ આવ્યો. આંખો ચોળતા તેણે બહાર જોયું તો રોડલાઈટનું અજવાળું બાઈકના મીરરપર પડતું હતું અને રીફલેક થઈ આંખમાં. તેણે ઉભા થઇ કોટમાં લંબાવ્યું.

ફરી એ દિવસો યાદ આવ્યા. નિરુભાભીએ પણ મને સમજાવેલો કે આવી જીદ હોય! તમારા ભાઈએ કહ્યું છે કે ગમેતેમ કરીને છ મહિનામાં તમને નવું બાઇક અપાવશે. હું કંઈપણ જવાબ આપ્યા વગર બહાર નીકળી ગયો હતો. ઘરમાં એક જાતનો અજંપો છવાઈ ગયો હતો. અત્યારે યાદ આવે છે મારા સિવાય સૌ સુનમુન રહેતા. બા પણ સમજાવતી ત્યારે પણ હું મોઢું ફુલાવેલું રાખી કંઈ બોલતો નહીં. પણ પપ્પા હંમેશ સૌને હસાવવાનો પ્રયત્ન કરતા અને કહેતા કે, હું સૌને એક સરપ્રાઈઝ આપવાનો છું. થોડા દિવસ રાહ જુવો. બીજા દિવસથી સૌ આનંદમાં રહેતા. ખાસ કરીને પપ્પા સૌને બહુ આનંદમાં રાખતા. મને એવું લાગતું કે આ લોકો મારાથી કંઈક છુપાવે છે.

બા પણ હવે આનંદમાં રહેતી. નિરુભાભી મારી પસંદની જ રસોઈ બનાવતા. હસી મજાક કરતા પણ મને કોઈ જાતની ઈચ્છા જ નહોતી થતી. મનમાં કોલેજના સ્વપ્નાઓ રમતા. બાજુમાં રહેતા અવિનાશે પણ ઘેર બાઇકની વાત કરેલી. તેના પપ્પાએ બાઇક તો ન અપાવ્યું પણ એક્ટિવા લેવા સમજાવ્યો. અવિનાશે એક્ટિવા લીધું ત્યારે ઘેર પેંડા આપવા આવ્યો હતો. મેં પૂછ્યું તું બાઇકની વાત કરતો હતો તો એક્ટિવા કેમ લીધું? નવા ચમકદાર એક્ટિવા સામે જોઈ હસીને બોલ્યો હતો કે, મારી બાને ક્યાંક લઈ જવા હોય તો કામ લાગે. તે બાઇક પાછળ ન બેસી શકે. ચાલ બહાર ફરી આવીએ. તેણે મને અને મિત્રોને ખુશીમાં નાસ્તો કરાવ્યો અને પૂછ્યું હતું. તારું બાઇક ક્યારે આવશે? એ પણ આવશે કહી હું ઉદાસ થઈ ગયો હતો. મેં પહેલેથી મિત્રો વચ્ચે રોફ મારેલો કે હું મોટરસાઇકલ લેવાનો છું.

બાએ મને આડકતરી રીતે સમજાવ્યો હતો પણ મારા મનમાં બાઇકની ધૂન ગુંજતી હતી. એકવાર ભાઈ માટે ટિફિન નહોતું બન્યું તો મોડેથી બપોરના હું ટિફિન આપવા ગયો હતો. તે દિવસે ભાઈ સાઇકલ લઈને ઓફિસે ગયા હતા. હું તેનું લુના લઈને ટિફિન આપવા ગયો હતો. મેં ભાઈને પૂછ્યું તમે કેમ સાઇકલ લઈને આવ્યા. તેણે હસીને કહ્યું હતું કે, તું સાઇકલ લઈને આવે એ મને ન ગમે. ભાઈ અને ઘરના સૌ મને બહુ પ્રેમ કરે છે. તેઓની વાતો ત્યારે કેમ મારા મગજમાં નહોતી બેસતી?ત્યારે તો મારા મગજનો કબજો બાઈકે લીધો હતો.

અને આઠ દિવસ પછી પપ્પાને હાર્ટએટેક આવ્યો. બાર દિવસ સુધી ઘરમાં રોકકળ ચાલી. નજીકના સગાઓ પણ પંદર દિવસ પછી પાછા વળ્યા. હું આ બધું મારા લીધે થયું એમ માની રડતો રહ્યો. બા આ આઘાત માંડ પચાવી ગઈ. હું સ્તબ્ધ થઈ ગયો હતો. સતીશભાઈ અને નિરુભાભી ઘરમાં ફરી સામાન્ય સ્થિતિ થાય તેવા પ્રયત્નો કરતા. હવે સઘળી જવાબદારી ભાઈપર આવી એ હું સમજતો હતો. મારે પણ બારમા પછી નથી ભણવું કહી ભાઈને કહ્યું હું ક્યાંક નોકરી શોધું છું. તેણે ધરાર ના પાડી. પપ્પાના સોગંદ આપી કહ્યું તારે આગળ ભણવાનું જ છે. તું કોઈવાતે ચિંતા ન કરતો. હું બેઠો છું 'ને.

ભાઈભાભી બા પાસે વધુ બેસતા અને કોઈવાતે ચિંતા ન કરવાનું સમજાવતા. બાએ પણ પપ્પાનું આકસ્મિક મોત સ્વીકારી લીધું. હું બાને ધરપત આપતો અને કહેતો બા મારે આગળ નથી ભણવું. સતીશભાઈના એક પગારથી નહીં ચાલે. આ સાંભળી ભાભી ભીની આંખે કહેતા. તમારે એવી કોઈ ચિંતા ન કરવી. તમારે આગળ ઉપર ભણવાનું જ છે. તમારા ભાઈ અને પપ્પાજીનું સપનું પૂરું કરવાનું છે. ભાભીનું સિલાઈમશીન બમણાં જોરથી હાલતું હું જોઈ શક્યો. તે ખૂબ સિલાઈ કામ કરતા. મને યાદ છે. પપ્પા હતા ત્યારે બા અને પપ્પા ભાભીને ઘણીવાર ના પાડતા પણ ભાભી હસીને વાત કરતા અને કહેતા જેટલું કામ આવે છે એજ કરું છું. આપણે ક્યાં કામ શોધવા જવું પડે છે. પપ્પાના ગયા પછી ભાભીએ કામ વધાર્યું હતું. બા પણ હવે તેને રોકતા ટોકતા નહીં પણ ઘરનું બીજું કામ તેઓએ ઉપાડી લીધું હતું. હું હવે સમજ્યો હતો કે પ્રેમ અને પૈસાનું જિંદગીમાં કેટલું મહત્વનું છે. બા અને પપ્પાના સંસ્કારનું આ ઘર છે. મેં બાઇકની જીદમાં ઘરમાં જે વાવાજોડું સર્જ્યું હતું એમા હું જ જાણે ફસાઈ ગયો.

અને નવાઈ વચ્ચે ગઈકાલે સતીશભાઈ નવું બાઇક લાવ્યા હતા. હું ઘેર આવ્યો તો કાળા કલરનું બજાજનું પલ્સર આંગણામાં ઉભું હતું. મેં કહ્યું હતું મારે હવે બાઇકની કોઈ જરૂર નથી. હું કોલેજ જવાનો નથી. ભાઈએ હસીને કહ્યું

"બાઇક હું થોડો લાવ્યો છું. પપ્પા આજ તને સરપ્રાઈઝ આપવાના હતા તે આ હતી. અમને સૌને કહ્યું હતું કે, કોઈ નિખિલને કહેતા નહીં. મેં બાઇક બુક કરાવ્યું છે. તેના જન્મદિવસના આગલા દિવસે ડિલિવરી મળે એમ નક્કી કર્યું છે."

મારી આંખો રડી પડી. થોડીવાર તો સૌની આંખો ભીની થઈ. ભાભીએ તરત અંદરથી કંકુ લાવી બાઈક આગળ સાથિયો દોર્યો. ચોખા ચોળયા.

"હવે ના ન પાડતો, પપ્પાનું સપનું હતું કે, બાઈકથી જ કોલેજ જા..." કહી ભાઈએ બાઈક બહાર કાઢી કહ્યું, "ચાલ આઈસ્ક્રીમ લઈ આવીએ. વળતી વખતે મને ચલાવવા આપ્યું. અને પપ્પાની જેમ સલાહ આપી કે,ધીમું ચલાવજે હો. મારુ  હૃદય રોતું હતું. પણ તેઓને પણ ખબર નહોતી કે, હું પણ સૌને ખુશ કરવાનો છું.

સવારે જ સૌ મને કોલેજ જવા આગ્રહ કરશે. ભાઈએ ગઈકાલે જ મને પાંચસો રૂપિયા આપ્યા કે, તારા દોસ્તોને નાની એવી પાર્ટી આપજે. મેં ના પાડી તો જબરદસ્તીથી મારા ખિસ્સામાં નાખ્યા. ત્યારે પણ મને આગળ ભણાવવામાં તેમને કેટલો રસ અને ઉત્સાહ છે એ તેની આંખોમાં દેખાતું હતું. આવા પ્રેમાળ ભાઈભાભી મારા માટે આટલું બધું કરતા હોય તો હું તેઓ માટે કંઈ ન કરી શકું? ભણવાથી જ આગળ વધી શકાય તેવું થોડું છે. હું ગમે ત્યાં નોકરી કરી આગળ વધીશ. પપ્પા ઘણીવાર કહેતા જેનામાં ટેલેન્ટ છે એ આગળ આવે જ છે.

ચારેબાજુથી વિચારો ઘેરી વળ્યા. આંખ ભારે થઈ અને ક્યારે નીંદર આવી ગઈ એ પણ ખ્યાલ ન રહ્યો. સવારે બાએ ઉઠાડી કહ્યું,

"બેટા, આજ તારો કોલેજનો પહેલો દિવસ છે અને જન્મદિવસ પણ છે. જલ્દી તૈયાર થઈ બહાર આવ"

શું જવાબ આપવો તે પણ સમજાયું નહીં. હું તેને પગે લાગ્યો. તેણે મારુ કપાળ ચૂમી લીધું. મેં તેની આંખોમાં આસું જોયા. તે રૂમની બહાર ગયા. હું ઝટપટ તૈયાર થઈ બહાર આવ્યો. બને ત્યાં સુધી મેં મારું મોં હસતું રાખ્યું અને નાસ્તો કર્યો. ત્યારે પણ સૌના ચહેરા જોયા. કેવા ખુશ દેખાય છે.

"સૌ સાંભળો…" મેં બની શકે તેટલું હસીને કહ્યું.

સૌ મારી સામે જોઈ રહ્યા. કંઈક આશંકાથી કે શું કહેશે. મેં હસીને કહ્યું, "ભાભી કાલથી તમારું સિલાઇમશીન બંધ, અને ભાઈ હું કોલેજમાંથી ઘેર આવીશ અને બાઈકથી જ તમને ટિફિન આપવા આવીશ. અને ત્યાંથી સીધો હું અવિનાશ સાથે તેના પપ્પાની ટ્રાન્સપોર્ટ ઓફિસે જઈશ. ભણવા સાથે નોકરી. ઘણા કોલેજીયનો કરે જ છે"

"પણ એવી જરૂર નથી નિખિલ...” ભાઈની આંખ મેં ભીની જોઈ. મેં કહ્યું, "હવે હું પણ મોટો થયો. મારી વાત પણ ઘરમાં માન્ય રાખવી પડશે"

મેં કીક મારી અને સૌને જયશ્રીકૃષ્ણ કહી હસીને નીકળી ગયો. મને ખબર હતી સૌની આંખો ભીની થઇ હશે.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ