વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇંદ્રકાલ

ઇંદ્રકાલ

આગમાં કાળા મરી અને લાલ મરચાં હોમાતાં જ નદીકિનારો તીખા-ભૂરા ધુમાડાથી ઘેરાઈ ગયો. ધીમો ગણગણાટ ધીમેધીમે કર્કશ મંત્રોચ્ચારમાં ફેરવાઈ ગયો. લાલ-પીળી જ્વાળાઓ મધરાતને પ્રકાશિત કરવા માટે ધુમ્મસની વિશાળ પાંખો સામે મરણિયો જંગ ખેલવા માંડી. જટાધારી આકૃતિનાં અર્ધ-ઉઘાડા શરીરને કાતિલ ઠંડીની કોઈ પરવા નહોતી. કમર સુધીના કીચડયુક્ત પાણીમાં એક પગે અડગતાથી ઊભેલા માનવશરીરના કાન સરવા થયા. સળવળાટ... સૂકાં પાંદડાં ક્ચરાવાનો અવાજ... માનવ પગરવ; કે હિંસક પશુ..?સાધનામાં ભંગ પડતાં જ લાલચોળ આંખો ઉઘડી ગઈ.

થોડી ભેંકાર ક્ષણો વીત્યા બાદ નદીને ઘેરીને સૂતેલું જંગલ એક ચિત્કારથી ફફડી ઊઠ્યું. નિશાચરો ફરીથી શાંત બનીને મસ્તક નમાવી દે એ પહેલાં કાલી નદીના જળમાં કશુંક નિશ્ચેતન થઈને વહેવા માંડ્યું. મસ્તકવિહોણું માનવધડ કાદવમાં રગદોળાઈને આગળ વધવા માંડ્યું હતું. સૂટબૂટમાં છુપાયેલું નિર્જીવ શરીર નદીના આળસુ વહેણમાં વહી રહ્યું હતું. પીળી-ચળકતી ટાઇ કપાયેલાં ગળાની ખેંચાઈ ગયેલી ચામડી સાથે ચોંટી જઈને પીઠ તરફ મોં ફેરવી ગઈ હતી.

અજ્ઞાત શબ્દોનો મંત્રોચ્ચાર મંદ પડી રહ્યો હતો. જલદ ધુમાડો ઓકતી આગ ઓલવાઈ જવાની અંતિમ ક્ષણ ઉપર આવી પહોંચી હતી. એક આકૃતિ અંધકારમાં ઓગળી જવા માટે ઝડપભેર જંગલની ટેકરી ચઢવા માંડી. કિનારે રહી ગઈ માત્ર નિસ્તબ્ધતા, નિર્જીવતા અને નિષ્ક્રિયતા.

*

કાળા દૈત્ય જેવા લાગતા એ સૂકલકડી માણસે માથે લાકડાંનો ભારો મૂક્યો હતો; ને ઉપર કુહાડી બાંધી હતી. ત્યાં નજર ન ગઈ હોત તો મીરાએ હાથમાં રહેલા અશ્વિની ભટ્ટનાં દળદાર પુસ્તકનો એના માથે પ્રહાર કરી દીધો હોત. જે આંખો વડે પેલો એને ઉપરથી નીચે તાકી રહ્યો હતો એ આંખો માળામાંથી ગબડી પડતાં ઈંડાની જેમ બહાર લબડી પડી હોત.

‘ખરેખર, મેડમ? તમે કાલી નદીને પેલે પાર જવા માગો છો?’ દૈત્યનો ઘોઘરો અવાજ નીકળ્યો.

નહિ તો શું જંગલમાં શિકાર કરવા આવી છું? કે પછી મલ્હારની માફક કલાઇમેટ-રિપોર્ટ બનાવવા? -મીરાને કહી દેવાનું મન થઈ આવ્યું, પણ અરધાં ઉઘાડાં શરીર તરફ જોતાં એ બોલી, ‘અરે, ભાઈ! આ પુસ્તકની ડિલિવરી કરવાની છે, પેલા... શું નામ, ‘મોડર્ન’...’

‘અચ્છા, વિજય સાહેબ? ‘મોડર્ન’ ભટ્ટ જ નામ લખ્યું છે ને?’

નાજુક હાથ લહેરાવીને ધુમ્મસનું આવરણ હટાવતાં મીરાએ પાર્સલ ઉપરનાં નામની ખાતરી કરી. ‘હા, એ જ!’

‘ચાલો મારી પાછળ.’ બોલી કુહાડીવાળો માણસ આગળ ચાલવા માંડ્યો. મીરા સ્તબ્ધતામાં સૂતેલાં ઊંચાં વૃક્ષો તરફથી ધ્યાન હટાવીને આગળ વધે એ પહેલાં આગળ વધી ગયેલો માણસ ધુંધમાં ઓગળી ગયો. મીરાએ ઝડપ કરી.

‘ભટ્ટ સાહેબ પણ પાગલ છે.’ પેલો માણસ આગળ ચાલતા બોલી રહ્યો હતો. ‘જાન્યુઆરીની આ કાતિલ ઠંડીમાં જ એમને વાંચવાનું શૂર ઊઠે છે; દર વર્ષે આ સમયગાળામાં અહીં એકાંતવાસમાં આવી ચઢે છે. પણ એમનું પાર્સલ ઠેઠ અહીં સુધી..?’

‘પબ્લિશરને એમણે ખાસ વિંનતી કરી હતી, ઇંદ્રઘાટીના કૉટેજ પર એમને પુસ્તક મળે એની વ્યવસ્થા કરજો. એક્સ્ટ્રા ચાર્જ પણ પોતે ઊઠાવ્યો છે.’

‘ઉપનામ ‘મોડર્ન’ રાખ્યું છે, પણ ખબર નહિ આ શાપિત નદીને કિનારે શું દાટ્યું છે, અઢારમી સદીના અફસરની જેમ લાકડાંની કેબિનમાં સમય ગાળવા આવી પહોંચે છે! વાંચનનો એવો તે કેવો ચસ્કો!’

‘શાપિત નદી?’

‘નહિ તો શું! છેલ્લાં ત્રણ વર્ષથી ભોગ લે છે; ગઈ રાતે પણ...’

મીરાએ નિર્જીવ થઈને પડેલી પગદંડીને ખામોશીથી પેલાની પાછળપાછળ ચાલીને પસાર કરી નાખી. કાલી નદી પ્રાણી ગળેલા અજગર પેઠે ટૂંટિયું વાળીને પડી હતી. દુર્ગંધ મારતાં પાણી સાથે દૂરદૂરથી ઘસડાઈ આવેલો ગંદવાડ આફતની જેમ ધીમેધીમે વહી રહ્યો હતો. નદી પરના લાકડાંના ઝૂલતા પુલ ઉપર પગ પડતાં જ કર્કશ અવાજ ફેલાઈ ગયો. કિચૂડ-કિચૂડ અવાજથી પ્રાણ આવ્યા હોય એમ ઝાડ પર સંતાયેલાં થોડાં પક્ષીઓએ પાંખ ફફડાવીને અદૃશ્ય હાજરી પૂરાવી. ધીમેધીમે બંને જણ આગળ વધ્યાં. પુલ ઓળંગીને સામે પાર પહોંચતા પેલો માણસ બોલ્યો, ‘પેલી ટેકરી પાછળ ભટ્ટસાહેબનું કૉટેજ છે. જઈ શકશો ને? મારે હવે આ તરફ...’ ઊંધી દિશામાં ઈશારો કરીને એ જવાબની રાહ જોયા વિના ચાલવા માંડ્યો. બીજી પળે ધુમ્મસભર્યું જંગલ એને ભરખી ગયું.

બી એ સ્ટ્રોંગ ગર્લ! મીરાએ મન મક્કમ કર્યું. મલ્હાર ઘણી વખત કહેતો, ‘મીરું, તારાથી કીડીયે ન મરે!’ ત્યારે એને થતું, મલ્હારની છાતીના વાળ ખેંચી કાઢીને એના હાથમાં પકડાવી દે, પણ... આજે એણે અજાણ્યા ડરને માત કરવાનો હતો. ટીશર્ટમાં ઢોલની ધ્રુજારીની જેમ થરકી રહેલી છાતી એને વધુ ભયભીત કરી નાખે એ પહેલાં એણે સ્કિન-ટાઈટ જીન્સ ઉપર પહેરેલાં લેધર-જેકેટની ઝિપ ઉપર સુધી ચઢાવી દીધી. ઝાંખરાંમાંથી રસ્તો બનાવતી ટેકરી ઉપર પહોંચી. સામે સમતલ જગ્યા ઉપર ચાર જાડા થાંભલા ઊભા કરીને ઉપર, જમીનથી વીસેક ફૂટ ઊંચે કૉટેજ બનાવ્યું હતું. સૂરજ ભલે માથે ચઢી ચૂક્યો હોય, ઇંદ્રઘાટીનું ગાઢ જંગલ છત્રની જેમ ફેલાઈ જઈને સૂર્યકિરણોને જમીન સુધી આવતાં અવરોધતું હતું. અત્ર-તત્ર-સર્વત્ર ફેલાયેલી ધુમ્મસની ચાદરે કૉટેજને જાણે કે બુરખામાં બંધક બનાવી દીધું હતું. ભૂખરાં દૃશ્યની અનુભૂતિ એવી હતી કે જાણે એ કૉટેજ નહિ, કોઈક ખૂંખાર પ્રાણીનું કાંટાળું મસ્તક હોય. ઉપર ચઢવા માટે એક તરફ એ પ્રાણીની પૂંછડીની માફક દોરડાની નિસરણી લટકી રહી હતી.

મીરા દોરડું પકડીને હવામાં ફંગોળાતી ઉપર ચઢવા માંડી. ઓચિંતી એક કાગડાએ નિર્દય અવાજ કાઢતા ઝપટ મારી. પાંખો ફફડાવતો એ નજીકના વૃક્ષની સૂકી ડાળી ઉપર બેસીને કાળી આંખોથી એવી રીતે તાકવા માંડ્યો જાણે જૂની ઓળખાણ કાઢવા મથામણ કરી રહ્યો હોય. એ ઝડપભેર ઉપર ચઢી ગઈ. સાગના લાકડાનું ઘેરા કથ્થાઈ રંગનું અરધું ઉઘાડું બારણું હવાની લહેરોમાં કિચૂડ-કિચૂડ કરી રહ્યું હતું.

‘રેતીના ઢગલા વચ્ચે પહેલા એ હાડપિંજરનું માથું ખૂલ્લું થયું...’ મીરા થંભી ગઈ. શ્વાસની અવરજવર તેજ બની. ‘માથા પર હજી થોડા વાળ કથ્થાઈ છૂંછાંની માફક ચોંટેલા હતા. બંને ભ્રમરો પર પણ હજુ થોડા વાળ કાંટાની માફક ચોંટેલા હતા. આંખના ગોખલા પર ધૂળનું જાળું બાઝેલું હતું. નાક અડધું ખવાઈ ગયેલું હતું...’

મીરાએ કૉટેજની અંદર નજર કરી. બારણા તરફ પીઠ કરીને બેઠેલા પુરુષનો અવાજ કાન સાથે અથડાઈ રહ્યો હતો. ફાનસનો પ્રકાશ દિવસના આભાસી અજવાળામાં આંખોને રાહત આપી રહ્યો હતો. સામે એક પંદરેક વર્ષની છોકરી બેઠીબેઠી ચકળવકળ આંખે લાકડાંની છત તાકી રહી હતી. મોં વિસ્મ્યતાથી ખૂલી ગયું હતું. માથું રોમાંચથી ધુણી રહ્યું હતું.

‘મિ. વિજય ભટ્ટ?’ મીરાએ દરવાજો ખોલી નાખ્યો.

જંગલની તૂરી વાસ વચ્ચે પ્રસરી ગયેલ પરફ્યુમની સુગંધ ફેફસામાં ભરતાં પુરુષે દરવાજા તરફ જોયું. ‘કોલ મી ‘મોડર્ન’... મોડર્ન ભટ્ટ.’ પાંત્રીસીમાં પ્રવેશી ચૂકેલું તેજસ્વી, એકવડું શરીર. મીઠું-મરીનાં મિશ્રણ જેવા વાળ. એમણે ‘આશકા માંડલ’ બંધ કરીને ટેબલ ઉપર મુક્યું.

‘આપનું પાર્સલ...’

ચશ્માં પાછળથી મીરાને નખશીખ તાકતાં મોડર્ન ભટ્ટે ગરમ શ્વાસ છોડ્યો. ‘અંગાર!’

‘એક્સક્યુઝ મી!’ મીરાના ગાલ પર અંગાર-રતાશ અને આંખોમાં ખંજર-ધાર ઉપસી આવી.

મોડર્ન ભટ્ટે પાર્સલ લઈ હસ્તાક્ષર કર્યા. પેકિંગ ખોલીને ત્રણ પુસ્તકોનો સેટ કાઢ્યો. મુખપૃષ્ઠ ઉપર હાથ ફેરવતાં આંખો બંધ કરીને સુગંધ લીધી. પછી મીરા તરફ પુસ્તક ધરીને તોફાની આંખોથી જોયું.

‘ઓહ્હ!’ મીરાએ આંખો ઉપર પાંપણોનું છત્ર ઢાળી દીધું. ‘અશ્વિની ભટ્ટની લેટેસ્ટ નવલકથા–અંગાર!’ હળવું સ્મિત રેલાયું.

મોડર્ન ભટ્ટે પ્રથમ પુસ્તક ઉઘાડ્યું. ચારપાંચ પાનાં ફેરવ્યાં. સપાટ ચહેરે મીરા સામું જોયુ. આછું મલકાયા. ‘તમે...’

‘પબ્લિશરને ત્યાંથી આવું છું. તમારી ડિમાંડ પર પુસ્તક... એક્ચુલી કુરિયર-બોય બિમાર હોવાથી અને મને ઘાટીનાં જંગલનો મોહ હોવાથી; મારા ફિયાન્સને પણ, શોખ કહો કે નોકરી, જંગલોમાં ભટકતાં રહેવું પડે છે. તે ફોરેસ્ટ-કલાઇમેટ-ચેન્જ ઉપર રિસર્ચ કરે છે. મેં પણ સામે ચાલીને અહીં આવવાનું પસંદ કર્યું છે. આપને ખબર જ હશે કે પબ્લિશર સાહેબ આમ તો અન્ય ગ્રાહકોને પુસ્તકો કુરિયરથી રવાના કરે છે, પણ સ્પેશિયલ રિડર્સને હેન્ડ-ટુ-હેન્ડ...’

‘કોણ આવ્યું, વિજયભાઈ?’ છોકરી હજી છતને તાકી રહી હતી. એના મોં પર કહાણી અડધેથી અટકી પડી હોવાની ચીડ નજરે પડતી હતી.

‘ગેસ્ટ છે, આશકા.’ મોડર્ન ભટ્ટ બોલ્યા, ‘બેટા, તું હવે અંદર જઈને આરામ કર.’

છોકરીએ માથું ધુણાવતાં બંને હાથ પહોળા કરીને કૉટેજના ખૂણામાં રહેલું બારણું શોધ્યું. એ અંદર પ્રવેશી ગઈ.

‘છોકરી દૃષ્ટિહીન છે; પણ એને દૃષ્ટિભ્રમ નથી...’ ભટ્ટે કહ્યું, ‘માણસની ઓળખ સારી પેઠે ધરાવે છે. બિચારી બે વર્ષ પહેલાં એના ધરમના ભાઈને ગુમાવી ચૂકી છે – કાલી નદીમાં થયેલું પહેલું મોત...  આગળ-પાછળ કોઈ છે નહિ અને આ મારું કૉટેજ વરસના અગિયાર મહિના ખાલી રહે છે, એટલે...’

મીરા ચૂપકીદી સાધીને જોતી રહી; સાંભળતી રહી.

‘વાર્તાઓનો અદ્ભૂત શોખ છે એને પણ; પોતે વાંચી નથી શકતી એટલે હું જયારે અહી આવું, વાંચી સંભળાવું છું.’ ભટ્ટ નિસાસો નાખીને બોલ્યા, ‘આશકા તથા એના જેવી જ વ્યક્તિઓ માટે ભવિષ્યમાં કશુંક કરવાનો ઈરાદો છે મારો. સારા સાહિત્યને બ્રેઇલ લિપિમાં ઢાળવું એ મારો ડ્રિમ-પ્રોજેક્ટ છે, મિસ...’

‘મીરા... મીરા માથુર.’

‘સાક્ષાત અશ્વિની ભટ્ટની નાયિકા!’

‘લાગે છે આપ ભટ્ટસાહેબની નવલકથાઓનાં પાત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છો, મિ. મોડર્ન.’ મીરાએ ચહેરાને પરેશાન કરવા માટે આગળ નીકળી આવેલી લટને તર્જનીથી કાન પાછળ છુપાવી દીધી. ‘ક્યાંક અશ્વિનીજીનું કોઈક પાત્ર બનીને કતલ તો નથી કરી નાખતાને, આ નિર્જન ઘાટીમાં? આ અંધકાર. આ નિર્જનતા. આ...’

‘કતલ?’ મોડર્ન ભટ્ટ ઓચિંતા મૂક બની ગયા. આંખો બંધ કરી. ઊંડો શ્વાસ ફેફસામાં ભરી ધીમેથી છોડ્યો. આંખો ખોલી ચહેરો સામાન્ય સ્થિતિમાં લાવતા બોલ્યા, ‘એક રોમાંચ આવે છે! બાય ધ વે, મને અઢારમી સદીનું ગોથિક વાતાવરણ ખૂબ આકર્ષે છે. અહીંની હવામાં એવી ઉદાસ અનુભૂતિ ધબકે છે. વાંચનમાં ‘થ્રિલ’... યુ નો...’

કૉટેજ સાથે લટકતી દોરડાંની નિસરણી ઉપર વજન પડવાથી એક પરિચિત નાદ ઊદ્ભવ્યો. બંનેનું ધ્યાન એ તરફ દોરવાયું. બીજી ક્ષણે એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો. યુનિફોર્મ ઉપરથી હવાલદાર જણાઈ રહેલો વ્યક્તિ ઔપચારિકતાને રફેદફે કરી નાખતા બોલી ઊઠ્યો, ‘મોડર્ન સાહેબ... સાહેબ બોલાવે છે તમને. ગઈ રાતે મળેલી લાશ અંગે...’

હવાલદારે મીરા સામું જોયું. એ આશકા નથી એની ખાતરી કરી. પછી મોડર્ન ભટ્ટના પ્રત્યુત્તરની રાહ જોયા વગર સડસડાટ નીચે ઉતરી ગયો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ મારા મિત્ર જેવા છે.’ મોડર્ન ભટ્ટે મીરાના અચરજ ઉપર પ્રહાર કરતા કહ્યું, ‘મારી ક્રાઇમ-થ્રિલર વાંચનની આદત ક્યારેક એમની મદદ કરી નાખે છે, એટલે...’

‘મર્ડર થયું છે અહીં? કોનું?’

‘ગઈ રાતે... કાલી નદીમાં એક મસ્તકવિહોણી લાશ મળી આવી છે. કપડાં પરથી તો ઓફિસર...’ ઓચિંતો વીજળીનો ચમકારો થયો. કૉટેજની કાષ્ઠછતની તિરાડમાંથી એક તેજ લિસોટો ક્ષણિક અંદર પ્રવેશી ગયો. મોડર્ન ભટ્ટ કશુંક યાદ કરતા બોલી ઊઠ્યા, ‘શું નામ કહ્યું હતું તમે..?’

‘મીરા માથુર... મીરા મલ્હાર માથુર.’

‘ઓહ્હ!’ મોડર્ન ભટ્ટ એકાએક ખામોશ થઈ ગયા. કૉટેજના અધખૂલા દરવાજામાંથી વૃક્ષોની આરપાર દેખાતું અધકચરું આકાશ જોઈ રહ્યા. ‘કમોસમી વરસાદ! અહીં એની કોઈ નવાઈ નથી.’

ઝાડની પાતળી ડાળીએ બેઠેલો કાગડો આવેગપૂર્વક વાતાવરણમાં રોષ ઠાલવી રહ્યો હતો. મીરા કશુંક અપશુકન થયું હોવાની આશંકામાં ફફડી ઊઠી.

‘માફ કરજો, પણ, જે મૃતદેહ મળ્યો છે એના ગળામાં ફસાઈ રહેલું ઓળખપત્ર ‘માથુર’ અટક બતાવી રહ્યું છે. કીચડયુક્ત કાળા પાણીએ સંપૂર્ણ ઓળખ છતી કરવામાં ખાસ્સી બાધા ઊભી કરી દીધી છે.’

મીરાનું શરીર આકાશમાં ગીધ ચકરાવો લે એમ ગોળગોળ ઘૂમવા માંડ્યું. નજીકમાં પડેલી કાથીની દોરીની ખુરશી પકડી એણે પોતાને સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો. ‘મલ્હાર ક્યાંક આ જંગલમાં તો... નહિ નહિ! એ નહિ બની શકે... ઓહ્હ!’

મોડર્ન ભટ્ટે મીરાને આધાર આપીને ખુરશી પર બેસાડી. આશકા વાંસમાંથી બનાવેલ પ્યાલામાં પાણી લઈ આવી.

‘મને ખાતરી તો હતી જ કે ઇન્સ્પેકટર ચાવડાનું નોતરું મળશે જ.’ મોડર્ન ભટ્ટ ગંભીરતા ધરી બોલ્યા. ‘આશકા ગઈ હતી સવારમાં... રોજ જાય છે એ કાલી નદીને કાંઠે, મોર્નિંગ-વોક માટે. એણે મૃતદેહ જોયો હતો... આઇ મીન, અનુભવ્યો હતો. વાતાવરણની ગંધ પરથી; ગીધ-કાગડાઓની કિકિયારી પરથી. એણે આવીને વાત કરી, કોઈક પોલીસને ખબર કરવા દોડ્યું હતું.’

ક્ષણો માતમ મનાવતી વીતી રહી. સાપે ગળેલા છછૂંદરના ગળામાંથી નીકળે એવો રૂંધાયેલો અવાજ મીરાના ગળામાંથી નીકળ્યો. ‘મિ. ભટ્ટ, પ્લીઝ મને પણ સાથે આવવા દો. હું જાણું છું કે મલ્હાર એમ કંઈ, આવું મોત... છતાં પણ, મારે તસલ્લી ખાતર...’ એ ઊભી થઈ ગઈ. પગ સ્થિર થવા દીધા.

‘હું બૂટ પહેરીને આવું.’ કહી મોડર્ન ભટ્ટ અંદરના રૂમમાં ગયા. અંદર જતા જ એમના કપાળ ઉપર કરચલીઓ ઉપસી આવી. કોણ છે આ રહસ્યાંગના? પોતે જયારે પબ્લિશરને ‘અંગાર’નો ઓર્ડર આપ્યો હતો ત્યારે પુસ્તક ઉપર અશ્વિનીદાદાના ઓટોગ્રાફની ‘સ્પેશિયલ ડિમાંડ’ કરી હતી. એના માટેનો એક્સ્ટ્રા ચાર્જ પણ એડવાન્સમાં ચૂકવ્યો હતો. પણ આ યુવતી– મીરા જે સેટ લઈને આવી છે એમાં ભટ્ટસાહેબના કોઈ હસ્તાક્ષર નથી. શું એ ખરેખર ડિલિવરી-બોયને બદલે જ આવી છે? કે પછી કોઈક આશંકા લઈને..? છેલ્લાં ત્રણ વર્ષથી થઈ રહેલા કતલોના સિલસિલામાં? દર વર્ષે જાન્યુઆરીના આ જ કાળમાં ઇંદ્રઘાટીમાં વહેતી મનહૂસ કાલી નદીમાં હત્યા થવી અને આ જ સમયગાળા દરમિયાન મારું અહીં રિડિંગ-વેકેશન ગાળવા આવવું... ૧૯૯૧માં ત્રીસ વર્ષીય એક યુવકની હત્યા... ૧૯૯૨માં પચીસ વર્ષીય યુવતીનો ભોગ... અને આ, સતત ત્રીજા વર્ષે, ફરી એક યુવકનું કતલ...

મોડર્ન ભટ્ટે લાકડાનું ડ્રોઅર ઉઘાડ્યું. એક ડાયરીમાં થોડા ફોટોગ્રાફ્સ હતા; થોડું પરચુરણ લખાણ અને અમુક નકશાઓ તથા આકૃતિઓ... બધી વસ્તુઓ પર ઉપરછલ્લી નજર મારી લઈ ડ્રોઅર લોક કર્યું ને બહાર આવ્યા. વારાફરતી બંને જણ દોરડું પકડીને કૉટેજમાંથી જમીન ઉપર ઉતરી આવ્યાં.

*

એક જોરદાર ચીસથી ઇંદ્રઘાટીનું જંગલ ધ્રુજી ઊઠ્યું. કાલી નદીના કીચડમાં આળોટી રહેલા સર્પો ફેણ માંડીને ઊંચા થઈ ગયા. હંમેશા છવાયેલું રહેતું ધુમ્મસ પણ જાણે મીરાનો ઓચિંતો ચિત્કાર સાંભળીને પાતળું પડવા માંડ્યું. ઘણું સ્પષ્ટ દેખાવા માંડ્યું હતું.

ધીમાધીમા ડૂસકાંઓની વચ્ચે મીરાના કંપતા શબ્દો વાતાવરણમાં પ્રસરવા માંડ્યા, ‘મલ્હાર... ધીસ ઇઝ નોટ પોસીબલ! હાઉ કમ...’ કપડાં અને આઇ-કાર્ડ ઉપરથી મીરાની નજર હટતી નહોતી. અડધી રાતથી લઈને વહેલી સવાર સુધી કાદવવાળા પાણીમાં ધીમી ગતિએ અટવાતો રહેલો મલ્હારનો ફૂલી ગયેલો મૃતદેહ અનહદ દુર્ગંધ ફેલાવી રહ્યો હતો. ભલે મૃત હતો, પણ એ એનો મંગેતર હતો. મીરા ઓચિંતી જ એનો હાથ પોતાની છાતીએ દાબીને વળગી પડી. પોલીસને, કોઈને એવી ઉમેદ નહોતી. મહાપ્રયત્ને મીરાને મૃતદેહથી અળગી કરવામાં મોડર્ન ભટ્ટે મદદ કરી.

‘એમને હું કૉટેજ ઉપર જ લઈ જાઉં છું.’ પોલીસ સાથે મોડર્ન ભટ્ટે ધીમા સ્વરમાં વાત કરી. ‘થોડો આરામ કરશે તો તાત્કાલિક લાગેલા આઘાતમાંથી થોડી હળવાશ મળશે. પછી હું એમને શહેરમાં એમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરીને ફરી અહીં આવું છું, આપની સેવામાં.’ કહી એમણે ત્યાંથી વિદાય લીધી.

લથડતાં પગે ચાલતાં મીરા બોલી, ‘દરઅસલ હું પુસ્તકોની ડિલિવરી માટે નહોતી આવી.’

મોડર્ન ભટ્ટને પગે ઠોકર લાગી.

‘માફ કરજો, મોડર્નસાહેબ! હું ખોટું બોલી હતી. હું એક્ચુઅલી સાઇકોલોજી-સ્ટુડન્ટ છું. શહેરની કોઈક વ્યક્તિ આવા જંગલમાં એકાંત માણવા આવે તો તે દરમ્યાન તેની માનસિક સ્થિતિમાં કેવાં પરિવર્તનો આવે છે; એના પરિણામે વ્યક્તિના બિહેવિયરમાં કેટલા અંશનો ફેરફાર થાય; એકધારું ‘ક્રાઇમ-થ્રિલર’ સાહિત્ય વાંચવાથી કેવી મનોસ્થિતિ સર્જાય– એ વિષય ઉપર રિસર્ચ કરું છું... અને એ માટે તમારાથી વધુ સુટેબલ ઓબ્જેક્ટ બીજો કયો હોઈ શકે? મારે તમારી જાણ બહાર તમારું ઇન્ટર્વ્યૂ લેવાનું હતું, પરંતુ... કિસ્મતે મારા પ્રશ્નો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. મારો મંગેતર મલ્હાર...’

મોડર્ન ભટ્ટ એકીટશે મીરાને તાકી રહ્યા.

*

કાલી નદીના કાંઠે સાંઝ ઉતરી આવવાની તૈયારી કરી રહી હતી. પવનના સૂસવાટા વધી રહ્યા હતા. પડછાયા તો આમ પણ આ જંગલમાં કોઈએ જોયા નહોતા. ક્યારેક પ્રખર તડકો હોય તો ધૂંધ કોઈક અગોચર જગ્યાએ જઈને લપાઈ જતું, ત્યારે ઊંચાં વૃક્ષો પોતપોતાના પડછાયા ઓળખી કાઢવા માટે આમતેમ ડોલવા માંડતાં.

ઓચિંતી કાલી નદીની સામે પાર મોડર્ન ભટ્ટની નજર પડી. ચશ્માં કાઢીને સાફ કરી ફરી પહેર્યા. સામો કિનારો ધીમી આગની આગોશમાં લપેટાઈ જવા માટે તત્પર બન્યો હતો. થોડું આગળ ચાલતાં બંનેના કાન સાથે હળવો મંત્રોચ્ચાર અથડાયો; જાણે કે કોઈક ગુપ્ત સાધના કરી રહ્યું હોય! આગમાં કાળા મરી અને લાલ મરચાં હોમાઈ રહ્યાં હતાં. વાતાવરણ તીખા ધુમાડાથી ઘેરાઈ રહ્યું હતું. ધીમો ગણગણાટ ધીમેધીમે કર્કશ મંત્રોચ્ચારમાં ફેરવાઈ ગયો. લાલ-પીળી જ્વાળાઓમાં મીરા તથા મોડર્ન ભટ્ટે જોયું તો એક જટાધારી આકૃતિ અરધા ઉઘાડા શરીરે કમર સુધીના કીચડયુક્ત પાણીમાં એક પગે અડગતાથી ઊભી હતી. અંધકારના ઓળા નદી ઉપર ફેલાઈ ચૂક્યા હતા.

‘અઘોરી!’ મોડર્ન ભટ્ટ અટકી ગયા.

મીરા પણ સ્તબ્ધ થઈ ગઈ.

‘આ અઘોર સાધનામાં માનવબલિ તો નથી ચઢાવાઈ રહી ને?’ મોડર્ન ભટ્ટે મીરા તરફ જોયું. ‘અઘોરી મહાશકિત પ્રાપ્ત કરવા ઇચ્છે છે...’

‘તો શું આ બધાં કતલ આ અઘોરીએ..?’

‘પાછા વળી જાઓ, મૂર્ખ માનવો!’ એક હુંકારો નદીમધ્યેથી ગુંજી ઊઠ્યો.

મૌન. સ્તબ્ધતા. નિષ્ક્રિયતા.

‘આ કાલી નદી શાપિત છે.’ અઘોરીનો ઘોઘરો અવાજ નીકળ્યો, ‘ઇંદ્રનો અભિશાપ છે. સ્વર્ગમાં કાલિંદી નામે એક અપ્સરા રહેતી હતી. ઇંદ્રના સેનાપતિએ એની સાથે બળજબરી કરતાં એ અપ્સરાએ તલવારથી એનું મસ્તક ઉડાવી દીધું હતું. ઇંદ્રએ નર્તકીને હત્યા બદલ શાપ આપ્યો – ‘કાલિંદી’માંથી ‘કાલી નદી’ બન... ધરતી પર રખડતી રહે. પૃથ્વીવાસીઓ તને સતત મેલી કરતાં રહેશે; એ જ તારી સજા. પણ પછી અપ્સરાની કાકલૂદીથી સમાધાનરૂપે ઇંદ્રએ કહ્યું – બાર મહિને એક વખત એ નદીમાંથી સ્ત્રીનું રૂપ ધરી શકશે. ત્યારે એના શરીર ફરતે પાણીનું આવરણ રચાઈ જશે.’

મીરા અને મોડર્ન ભટ્ટ મૌન બની સાંભળતાં રહ્યાં.

અઘોરી આગળ બોલ્યો, ‘કાલિંદી જયારે કાલી નદીમાંથી સ્ત્રીનું રૂપ ધરે છે ત્યારે આ ધરતી ઉપર એને પ્રત્યક્ષ નિહાળનાર કોઈ પણ પુરુષ એના મોહક રૂપથી અંજાયા વગર રહેતો નથી; ને બળજબરી કરવાનો પ્રયાસ કરે તો કાલિંદી એનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે.’

મોડર્ન ભટ્ટ ઝડપભેર મીરાનો હાથ પકડી નદીકાંઠો છોડી જંગલના રસ્તે કૉટેજ તરફ ખેંચી જવા લાગ્યા. ‘પોલીસને તાત્કાલિક જાણ કરવી પડશે. મેલી વિદ્યાનો, માનવબલિનો કેસ છે. છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતા સિરિયલ-કિલિંગના મૂળ અહીં હતાં..? માનવામાં ન આવે એવું રહસ્ય!’

‘શું રહસ્ય અને સત્ય બંને એક સમાન હોય છે?’

‘હોઈ શકે. કદાચ એક સિક્કાની બે અલગ બાજુઓ, કદાચ અનોખાં પરિમાણો પણ હોઈ શકે! સાંભળ્યું છે ને, સત્ય ક્યારેય પાણીમાં ડૂબેલું રહેતું નથી; તરીને આપમેળે જ સપાટી ઉપર આવી જાય છે!’

‘પણ જો એ સત્ય કીચડમાં રગદોળાયેલું હોય તો..?’ મીરાએ ગાઢ જંગલમાં ઉતરી આવેલી સાંઝ તરફ જોયું.

‘સામે દેખાઈ રહેલો કાતિલ અઘોરી પણ સપાટી ઉપર જ છે; બસ જાળમાં સપડાય એટલી જ વાર.’ મોડર્ન ભટ્ટે ઝડપભેર ચાલવા માંડ્યું.

‘તમે માનો છો કે પોલીસ એને ક્યારેય પણ પકડી શકશે?’

મોડર્ન ભટ્ટના પગ અટકી ગયા; હાથ છૂટી ગયો. પાછળ ખેંચાઈ આવતી મીરા તરફ ગરદન ઘુમાવી. પ્રથમ વખત એમણે મીરાની આંખોમાં આંખો નાખી જોયું. શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. મીરાની આંખો હવનમાંથી ઊઠતા આછા ભૂરા ધુમાડા જેવી હતી. અત્યંત મોહક રૂપ! આંખો આંજી નાખે એવું! અપરાધ કરવા પ્રેરે એવું! જાણે કે સ્વર્ગની અપ્સરા! મીરાના શરીર ફરતે કાળા પાણીની અસંખ્ય બુંદોનું ધૂંધળું આવરણ રચાઈ રહ્યું હોય એવું લાગ્યું. શું એની આંખોમાં બદલાની આગમાંથી ઊઠતો, આક્રંદ કરતો ધુમાડો હતો? અઘોરીનાં કૃત્યની ઝાળ હતી એ? અચાનક વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું પ્રસરી ગયું. આસમાનમાં વીજળી ચીસ પાડીને તલવારની ધારની માફક ચમકી ઊઠી.

*

મોડર્ન ભટ્ટે કૉટેજના અંદરના રૂમ તરફ દોટ મૂકી. અંધકાર ઘણો છવાઈ ચૂક્યો હતો. એમણે ડ્રોઅરમાંથી ડાયરી ખેંચી કાઢી. ૧૯૯૧ તથા ૯૨નાં વર્ષની કતલની તવારીખો ઉપર જાડા કાચ પાછળની નજરો ઝીણી થઈને ઉતાવળે ફરી વળી. એક અફસોસ છેલ્લાં બે વર્ષથી સતાવી રહ્યો હતો. ઇંદ્રઘાટીની કાલી નદીની મર્ડર-મિસ્ટ્રી સૂલઝાવી ન શક્યાનો ખેદ. ત્રણ-ત્રણ હત્યાઓ અને પરિણામ..? આ ત્રીજા મર્ડર વખતે તો નિશ્ચય કરી જ લીધો હતો, જ્યાં સુધી કાતિલનો પત્તો ન મળે, અશ્વિની ભટ્ટની નવી પ્રકાશિત નવલકથા ‘અંગાર’નો એક એક્ષર પણ વાંચવો નથી. પોતે કરેલાં રિસર્ચની વિગતો તથા દસ્તાવેજો તેઓ ઉથલાવવા માંડ્યા. તાળો મળી રહ્યો હતો. મનોમન મલકાયા. ક્યાંથી ક્યાં અને કેવું કનેક્શન નીકળી આવ્યું હતું!

‘હવે મારે જવું જોઈએ.’ મીરાનો અવાજ સંભળાયો.

મોડર્ન ભટ્ટ આંખો અને ચહેરા ઉપર સંતોષ લઈને બહાર આવ્યા. ફાનસના પ્રકાશે અજવાળું પાથરી દીધું હતું. ‘એકલાં જઈ શકશો? આ ઝાંખા પ્રકાશમાં...’

‘કોશિશ તો કરવી પડશે ને એકલાં રહેવાની!’ મીરાએ નિસાસો મૂકતાં કૉટેજનો દરવાજો પસાર કર્યો. ‘બાય ધ વે, એકલી ક્યાં છું? મલ્હાર છેને સાથે! હંમેશા રહેશે !’

‘હમ્મ! મલ્હાર છે સાથે.’ મોડર્ન ભટ્ટ બોલ્યા, ‘ક્યાંથી થશે સાથે? આ જંગલમાંથી જ કે પછી શહેરમાં જઈને?’

દોરડાની નિસરણી ઉપર લટકી રહેલી મીરાના પગ થંભી ગયા. પવનનો તેજ સપાટો આવ્યો. એ ઝૂલવા માંડી. કમકમાટી આવી ગઈ; પીઠ ઉપર જાણે કે અસંખ્ય સર્પો સળવળી ઊઠ્યા હોય.

‘આમ પણ આ જંગલથી તો તમે ટેવાઈ જ ચૂક્યાં હશો! પહેલી વખત ઓછાં આવ્યાં છો?’ મોડર્ન ભટ્ટે ફાનસનો પ્રકાશ મીરાના ચહેરા ઉપર ફેંક્યો. ‘કેટલી વખત આવી ચૂક્યાં છો, એક વખત, કે અનેક વખત? છેલ્લે ક્યારે આવ્યાં હતાં ઇંદ્રઘાટીમાં, કાલી નદીને કિનારે? ગઈ રાત્રીએ..?’

મીરા અધવચ્ચે અટકી ગઈ હતી.

‘બાય ધ વે, કહાણી રોચક હતી! સ્વર્ગ, ઇંદ્ર, અપ્સરા, કાલિંદી ઉર્ફે ‘કાલી નદી’...’ મોડર્ન ભટ્ટે ચશ્માં ઉતાર્યા. ‘પણ પુરસ્કાર મળવાની અપેક્ષા ન રાખતાં.’

મીરાએ કા-કા કરતા, ઊડી જતા કાગડા તરફ જોયું.

‘તો હવે હું તમને એક કથા સંભળાવું- સત્યકથા...’

થોડી આક્રંદ કરતી ક્ષણો...

‘૧૯૯૧માં એક યુવકનું મર્ડર થાય છે. અઘોરીએ અપાર શક્તિ પ્રાપ્ત કરવા કાલી નદીમાં એની બલિ ચઢાવી દીધી હતી. પછી અઘોરી એ યુવકની પત્નીને પોતાના વશમાં કરી લે છે. એક વર્ષ સુધી ભોગવે છે બિચારીને. ૧૯૯૨ના જાન્યુઆરીમાં, આ જ અરસામાં, એ યુવતી આત્મહત્યા કરી લે છે, કાલી નદીને કાંઠેના એક વૃક્ષ સાથે લટકીને... અઘોરી એની લાશનો પણ સાધનામાં ઉપભોગ કરે છે; મસ્તક કાપીને ધડ કાલી નદીમાં પધરાવી દે છે.’ મોડર્ન ભટ્ટ અટક્યા.

મીરા ખામોશીથી ઝૂલતી રહી; ધ્રૂજતી રહી.

‘એ યુવતી તારી બહેન હતીને, મિસ મીરા માથુર?’ મોડર્ન ભટ્ટ ડિટેક્ટિવની અદાથી બોલ્યા, ‘મંગેતર મલ્હાર સાથે મળીને ગઈ રાત્રીના મધ્યે અઘોરીનું ડોકું જ કાપી નાખ્યું! બદલો... રિવેન્જ! અઘોરીના ધડને મલ્હારના ઓફિસર-કપડાં પહેરાવીને કાલી નદીમાં પધરાવી દીધું. અને મલ્હાર... એણે પોતે અઘોરીનો વેશ ધર્યો, પછી જંગલમાં ઓગળી ગયો. અને તમે શહેરમાં... પણ એક ચૂક થઈ ગઈ. અઘોરી સાથેની ઝપાઝપીમાં મલ્હારની છાતીના વાળનો ગુચ્છો અઘોરીની લાશના હાથમાં રહી ગયો. ડર તો લાગે જ ને પકડાઈ જવાનો! ડીએનએ-તપાસ ક્યાં કોઈને છોડે! એટલે બીજી સવારે, મતલબ આજે, તમે ફરી ઇંદ્રઘાટી આવો છો, પુસ્તકની ડિલિવરીના બહાને... કારણકે તમને જાણ છે, મિ. મોડર્ન ભટ્ટનું ઇન્સ્પેકટર સાથે ઊઠવા-બેસવાનું થાય છે. કેસ સૂલઝાવવામાં એમને નોતરું મળે છે. પછી આપણે સાથે મળીને લાશની ઓળખ કરવા જઈએ છીએ. તમે ગંધાતી-સડેલી લાશને વળગી પડો છો. આખરે લાશના હાથની મુઠ્ઠી આસાનીથી ઓછી ખૂલે!’

મીરા ધીમેધીમે ફરી ઉપર ચઢવા માંડી. ‘ઇમ્પ્રેસિવ, મિ. મોડર્ન ભટ્ટ!’ કૉટેજની અંદર પ્રવેશતાં બોલી, ‘રહસ્ય તો તમે જાણી જ ચૂક્યા છો; ચાહો તો મને પોલીસને સોંપી દઈ શકો છો. મને કોઈ અફસોસ નથી. મારો બદલો પૂરો થયો.’ મુસ્કાઈને લેધર-જેકેટના ઇનર-પોકેટમાંથી વાળનો ગુચ્છો કાઢીને એણે મોડર્ન ભટ્ટના હાથમાં થમાવી દીધો.

મોડર્ન ભટ્ટ થોડી ક્ષણો માટે વાળના ગુચ્છાને તાકી રહ્યા. પછી મીરા તરફ જોયા વગર ફાનસનો કાચ ઊંચો કર્યો. હવાના સપાટામાં જ્યોત થરકી ઊઠી. એમણે વાળનો ગુચ્છો ધ્રુજતી જ્યોત આગળ ધરી દીધો. હળવી દુર્ગંધ ઊઠી અને બીજી જ ક્ષણે જંગલની તૂરી વાસમાં ભળી ગઈ.

સ્થિર થઈ ગયેલી મીરા આંખો વડે મૂક આભાર માનીને કૉટેજમાંથી બહાર નીકળી ગઈ. પવન ધીમો પડ્યો હતો. દોરડાની નિસરણી હવે ઝૂલતી નહોતી.

*

સવાર ખુશનુમા જણાઈ રહી હતી.

‘હેલો! મિ. મોડર્ન ભટ્ટ છે?’ કૉટેજના અધખૂલા દરવાજા પર થપાટ પડી. આશકા એ તરફ ગઈ. એક યુવક પાર્સલ લઈને ઊભો હતો. મોડર્ન ભટ્ટે આવીને હસ્તાક્ષર કર્યા. ‘અંગાર’ ઉઘાડ્યું. પ્રથમ પાને અશ્વિનીદાદાના ઓટોગ્રાફ જોઈ તેઓ મલકાઈ ઊઠ્યા. ખુરશીમાં પગ લંબાવીને બેઠા. વાંચવાની શરૂઆત કરી:

‘એ ભયાનક, જુગુપ્સાપ્રેરક દુર્ગંધ ફેલાતાં ખાસ્સો સમય લાગ્યો હતો. અલબત્ત, બીજા દિવસની સાંજથી આશ્રમના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આવેલા એકાંત-ભવનના ઓરડાઓ બાજુથી... નસકોરાં છિન્નભિન્ન કરી નાખે તેવી ગંધ... ... ... પ્લાસ્ટિકના દોરડાના ગાળિયામાં સ્વામી આનંદનો મૃતદેહ લટકતો હતો; બીભત્સ રીતે...’

***સમાપ્ત***

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ