વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નૈના

"સાગર મેં એક લહેર ઉઠી તેરે નામ કી,

તુઝે મુબારક ખુશિયાં આત્મજ્ઞાન કી ... "


આજે મારી 21મી વર્ષગાંઠ છે અને અહીં, અંધજન મંડળમાં બધાં ભેગાં થઈને મારા માટે આ ગીત ગાઈ રહ્યા છે. મારી આંખોમાં આંસુ આવી ગયા..ખબર નહીં, એ શેના છે? કાલે ધૂળેટી ,રંગોનો તહેવાર, ઉત્સાહનો તહેવાર... અને આજે, હું આ જીવનરૂપી તહેવારનો કયો રંગ જોઈ રહી છું , એ જ સમજાતું નથી અને  હજી કેટલાં અને કેવાં જોઈ શકીશ એ પણ ક્યાં ખબર છે ? સૌના ભાવતા લાડુ એકબીજાને ખવડાવીને પછી, હું મને ગમતા પેલા વૃક્ષ નીચે બેસવા જતી રહી! જીવનના પાછલા એક વર્ષનો બધો જ ઘટનાક્રમ જાણે ફરી એકવાર મારી આંખોની સામે જીવંત થઈ રહ્યો હતો..આ એક જ વર્ષમાં જીવને મને કોઈ રંગ બતાવવાના બાકી રાખ્યા હતા ખરા કે પછી મારા જીવનનાં બધા જ રંગ !.. ડૂસકું ભરાઇ ગયું અને હું એ યાદોમાં સરી પડી.


************************


હજી તો ગયા વર્ષે ,મારી 20મી વર્ષગાંઠે જ મેં નક્કી કર્યું હતું કે હું મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખીશ અને એટલે જ મેં એ દિવસે સવારે મંદિરે દર્શન કરીને તરત જ મારા આંખના ડોક્ટરની એપોઈનમેન્ટ લઈ લીધી હતી. છેલ્લાં કેટલાક સમયથી મને આંખોમાં મજા ન હતી આવતી. આંખોના ડોક્ટર પાસે જવાનું ક્યારનું ખેંચ્યા કરતી હતી પણ હવે નવા વર્ષથી કોઈ કામ ઠેલવા નહીં અને શારીરિક રીતે તો સ્વસ્થ જ રહેવાનું -એવું મારા મનને  કહ્યા જ કર્યું હતું એટલે સવારથી જ બધું જ ક્રમવાર ગોઠવીને મેં 'Things To do list'માં ટીક કરવાનું ચાલુ કરી દીધું હતું. આંખના ડોક્ટરે બપોરે 4 વાગ્યે બોલાવી હતી. સાંજે 5 વાગે 'મુનીશભાઈ' જોડે અંધજન મંડળમાં બ્રેઇલ લિપિમાં 'ભગવદ્ ગીતા'નું પુસ્તક ભેટમાં આપવાનું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું થોડાં થોડાં દિવસે અંધજનમંડળની મુલાકાત નિયમિત લેતી જ રહેતી હતી અને આ છેલ્લું વર્ષ તો અંધજન મંડળ જાણે મારું ઘર જ બની ગયું હતું! મુનીશભાઈ પણ મને ત્યાં જ મળ્યા હતા ને! એમણે જ તો ગયા વર્ષે મને વર્ષગાંઠમાં બ્રેઇલ લિપિમાં ચોપડી કરાવવાનો વિચાર સૂચવ્યો હતો. એને છપાવવાથી માંડીને તૈયાર કરાવવાની બધી જ જવાબદારી એમણે લઈ લીધી હતી અને મને ખરેખર એમનો આ વિચાર બહુ જ ગમ્યો હતો. એ વિચાર જ કેટલો અદ્દભુત હતો કે અંધલોકો 'ભગવદ્ ગીતા'ના પુસ્તકમાંથી પ્રેરણા લઈને જીવનસફર  હિંમતથી ખેડે. પણ ત્યારે મને થોડી ખબર હતી કે આ 'ભગવદ ગીતાનું' પુસ્તક મારા જીવનમાં પણ આટલી હદ સુધી વણાઇ જશે.!


************************

સુવર્ણાબેને આવી, ભેટીને મને 'હેપી બર્થડે' વિશ કર્યું અને હું પાછી ભૂતકાળમાંથી વર્તમાનમાં પટકાઈ! એક જ વર્ષમાં કેટલું બધું બદલાઇ ગયું.! હું ક્યાંથી ક્યાં અને મુનીશભાઈ....

સુવર્ણાર્બેન ગયા એટલે  મારા વિચારો પાછા મને ભૂતકાળમાં લઈ ગયા!

*************************

20મી વર્ષગાંઠે, હું ફક્ત ત્રીજી વાર મુનીશભાઈને મળી હતી. શરૂઆતમાં મને થતું આ ભાઈ આખો દિવસ શું અહીં જ રહેતા હશે ? મારી અવારનવારની મુલાકાતથી એમની જોડેનો મારો વાતોનો સેતુ રચાતો ગયો અને પછી તો અમારી વાતો ખૂટતી જ નહીં! અનેક અલકમલકની અને દીર્ધદૃષ્ટિભરી એમની વાતોમાં મને ખૂબ રસ પડતો. અભૂતપુર્વ આંતર સ્કુરણાથી એ અંધજન માટે કામ કરતાં, વિચારો કરતાં અને એ લોકોની જિંદગી સરળ બનાવવાના વિચારોમાં અને કાર્યોમાં જ સતત ઓતપ્રોત રહેતા. મને ખાસ્સા સમય પછી ખબર પડી હતી કે ત્યાં બધાં લોકો જે 'પ્રકાશભાઈ'ના વખાણ કરતા થાકતા નથી એ 'મુનીશભાઈ' પોતે જ છે. એમણે એ લોકોની જિંદગીમાં પ્રકાશ ફેલાવવાનું જે બીડું ઝડપ્યું હતું એના લીધે બધાં એમને જ-મુનીશભાઈને જ- 'પ્રકાશભાઈ' કહેતા. એમના સ્વપ્નાં અનેક હતા. અંધજન માટેની જરૂરિયાતો અને એમને અલગ અલગ સવલતો મળે એ માટે, એ એટલાં બધાં વાકેફ હતા કે હું જ નહીં ત્યાંના લોકો પણ ઘણીવાર અવાક્  થઈ જતા.

**************************

એ 20 મી વર્ષગાંઠે મેં બૅગમાં થોડા લાડુ લીધા અને પછી હુ eye Check up માટે ગઈ. ડોક્ટર અમારા ઓળખીતા હતા એમણે મને તપાસવાનું ચાલુ કર્યું અને સાથે સાથે પૂછતા ગયા કે શું થાય છે અને આ તકલીફ કેટલા વખતથી છે વગેરે, વગેરે. મેં હસીને કહ્યું આમ તો ,હું વરસથી તમને મળવા આવવાનો વિચાર કરતી હતી પણ મેળ ન હતો પડતો! એમણે જુદાં જુદાં સાધનોથી મારી આંખો તપાસવાનું ચાલુ જ રાખ્યું. ઘણો સમય જઇ રહ્યો હતો. મારી નજર સતત ઘડિયાળ પર ફર્યા કરતી હતી. મારું મન મુનીશભાઈને અંધજન મંડળમાં પહોંચીને મારી રાહ જોવી પડે એ વિચારથી જ વિચલિત થઇ જતું હતું. ડોક્ટરને મેં આડકતરી રીતે જલ્દી પતાવવાનું કહ્યું પણ એમનો પતાવવાનો કોઈ મુડ જ ન હતો. આખરે, છેલ્લે મેં કંટાળીને કહ્યું કે એક કામ કરીએ. હું ફરી કાલે તમે કહો એટલા વાગે આંખો બતાવવા આવી જઈશ પણ આજે મારે હવે તાત્કાલિક નીકળવું જ પડશે. એમણે કહ્યું કે, કાલે સવારે સૌથી પહેલી એપોઈનમેન્ટ તારી રાખીશ અને તું કોઈપણ બહાના બતાવ્યા વગર ચોક્કસ આવી જ જજે.

હું મનમાં વિચારો કરતી કરતી ફ્ટાફ્ટ અંધજન મંડળ પહોંચી. એ પળો કદાચ મારી જિંદગીની સૌથી વધુ મૂલ્યવાન પળો હતી. મુનીશભાઈએ ત્યાં બધાંને પહેલાં, ગીતાજી વિશે સમજાવ્યું અને પછી બધાં પાસે 'સાગર મેં એક લહેર ઉઠી ગવડાવીને' મારા તરફથી ત્યાં બ્રેઇલ લિપિમાં પુસ્તક ગીફ્ટમાં અપાવડાવ્યું. મેં 'ભગવદ્ ગીતા' વિશેનું ઘણું બધું જ્ઞાન અને મહત્વ એ દિવસે કદાચ સાચી રીતે જાણ્યું. ત્યાંના લોકોને એ પુસ્તક કોઈ મૂલ્યવાન ખજાના જેવું લાગ્યું. મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે ભવિષ્યમાં એ પુસ્તક.... 

હું આનંદથી ભરેલા ફુગ્ગા ની જેમ હવામાં ઉડતી હતી. ભરેલાં ફુગ્ગાની હવા ક્યારે નીકળી જતી હોય છે એ ક્યાં કોઈને ખબર હોય છે!

**************************

ફરીવાર મુનીશભાઈના શબ્દો સંભળાયા. જિંદગીમાં જે પણ આપણને મળ્યું છે એ આપણા માટે જરૂરી હશે એમ માનીને જ સ્વસ્થ મને એનો સ્વીકાર કરવો. અટકવું નહીં અને આગળ ધપતા જ રહેવું.

**************************

બીજે દિવસે ,હું તૈયાર થઈને પાછી ડોક્ટર પાસે ગઈ. મંમી પણ મારી જોડે આવ્યા. ડોક્ટરની બોડી લેન્ગવેજમાં, દર વખત જેવો ઉત્સાહ ન દેખાયો.પણ મંમીને જોઈને એમણે કહ્યું કે સારું થયું તમે સાથે આવ્યા. એમણે ફરી પાછા ટેસ્ટસ ચાલુ કર્યા અંતે એમણે કહ્યું , "નૈનાને 'સ્ટારગાર્ટસ' નામનો રોગ છે. જે જેનેટીક ડીસિઝ છે. અત્યારે દુનિયામાં આ રોગ માટેની દવા શોધાઈ રહી છે અને જલ્દી શોધાઈ જશે." હું હજી પણ બહુ સીરિયસ ન હતી પણ મંમીએ પૂછ્યું કે એમાં શું થાય.? ડોક્ટરે જણાવ્યું કે  વાસ્તવિકતા હું છૂપાવતી નથી પણ આમાં દ્રષ્ટિ જઈ શકે છે. એ સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ. દ્રષ્ટિ જઈ શકે છે એટલે શું હું અંધ બની જઈશ?એવું થોડું હોય ? મને તો બધું દેખાય છે. મેં ડોક્ટર પર મનોમન શક કર્યો કે, એ હવે લોકોને ગભરાવીને પૈસા પડાવતા થઈ ગયા લાગે છે. આવું બધું કશું ના હોય! હું તો બીજા ડોક્ટરને બતાવી આવીશ. મારા વિચારો ચાલતા હતા અને મમ્મીનું રડવાનું ચાલુ થઈ ગયું. ડોક્ટરે આશ્વાસન આપ્યું કે દવા શોધાઈ રહી છે આપણે કોઈ બીજા સીનિયર ડોક્ટરને પૂછીશું વગેરે વગેરે.. પણ હું એટલું સમજી ચૂકી હતી કે  મને જે આ વિચિત્ર રોગ થયો છે એની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી.

ત્યાંથી નીકળીને મેં ખૂબ સ્વસ્થ રહેવા પ્રયત્ન કર્યો અને મંમીને માંડમાંડ ચૂપ રાખી  પણ અંદરથી તો હું પણ ખૂબ ફફડી ગઈ હતી. ઘરે જઈને તરત મેં મુનીશભાઈને ફોન કરીને જાણકારી આપી અને કહ્યું કે એ કોઈ સારા અને સાચા ડોક્ટરને ઓળખતા હોય તો નામ આપે. મારા આશ્ચર્ય વચ્ચે એમને તો આ રોગ વિશે સંપૂર્ણ જાણકારી હતી. એમણે કહ્યું કે ઘણાંને એડલ્ટ થાય ત્યારે આ રોગના લક્ષણો દેખાય. આમાં પહેલા સેન્ટ્રલ વિઝનમાં પ્રોબ્લેમ શરૂ થાય અને ધીમે ધીમે તકલીફ વધતી જાય. બીજા ઘણાં બધાં અધરા શબ્દો સાથેની જાણકારી એમણે મને આપી..મને લાગ્યું કે ડોક્ટર કરતાં વધારે જાણકારી તો એમની પાસે હતી .પાછા એ ડોક્ટરને ઓળખતા પણ હતા. એમણે કહ્યું કે હું જ એમની જોડે વાત કરી લઉં છું. એમણે તરત મારી પાસે ફોન મૂકાવીને ડોક્ટર જોડે વાત કરી અને પછી મને મેસેજ કરીને કહ્યું કે, આપણે સાંજે અંધજન મંડળ પર મળીએ , પણ તું જાતે ડ્રાઇવ કરીને ના આવતી.

મારું મન વાસ્તવિકતા સ્વીકારવા કોઈ પણ રીતે તૈયાર ન હતું. ઉચાટ અને અનેક સવાલો સાથે એમને સાંજે હું એ ઝાડ નીચે મળવા ગઈ .એમણે કશું જ ના થયું હોય એવા ઉત્સાહ સાથે મને આવકારી. એ તો મને મળતાં પહેલાં, ડોક્ટરને પણ મળી આવ્યા હતા. એમણે મને ખૂબ સમજાવી. મને માનસિક રીતે એવી રીતે તૈયાર કરી દીધી કે હું અંધ થવાની હતી એ મારો ગમતો તહેવાર હોય અને મારે એને ઉત્સાહભેર ઉજવવાનો હોય! એમનામાં સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી હતી. હું વર્ષોમાં નહીં હસી હોઉ એટલું બધું મને એ દિવસે, એમણે હસાવી . ગજબ શક્તિ હતી એમનામાં લોકોને સમજવાની અને સમજાવવાની..મારા મનમાં ચાલતાં અનેક પ્રશ્નોના એમણે ખૂબ જ સંતોષપ્રદ જવાબ આપ્યા. એમણે સાંત્વના આપતાં ત્યાં સુધી કહ્યું કે, અમેરિકામાં એક ડોક્ટર સ્પેશ્યલ સ્ટારગાર્ટસના જ કેસીસ જૂએ છે આપણે એમને પણ બતાવીશું.. પણ આ બધાંનો અંતિમ નિચોડ એ તારવવાનો હતો કે હું હવે લાંબા સમય સુધી જોઇ શકવાની ન હતી અને ગમે ત્યારે મારે આ કાળા રંગ સાથે જ જીવવાનું શીખવું પડવાનું હતું. આજુબાજુ લાકડી સાથે ફરતાં અંધજનોને હું વધુ બારીકાઇથી જોવા માંડી અને મારી જાતને એમનામાં મૂકવાનો પ્રયાસ કરવા માંડી ...

**************************

"નિરંતર નદીની જેમ વહેતા રહેવાનું કશે અટકવાનું નથી." 

મુનીશભાઈ - ના,ના ....હવે મારા માટે પણ એ - પ્રકાશભાઈ જ-  પ્રકાશભાઈના આ શબ્દો મારા મગજમાં દરિયાના પાણીના મોજાંની  જેમ અફળાયા જ કરતા હતા. ધીમે ધીમે હું વધુને વધુ સમય અંધજન મંડળમાં ગાળવા લાગી . પ્રકાશભાઈએ મને ત્યાંના ઉત્કર્ષના કાર્યોમાં એટલી બધી ઓતપ્રોત અને વ્યસ્ત કરી કાઢી કે મને મારા અંધાપાના વિચારો માટે ભાગ્યે જ સમય મળતો. કદાચ અંધ થતાં પહેલાં હું પૂર્ણ રીતે ઘડાઇ રહી હતી. ડોક્ટરની વિઝિટ નિયમિત ચાલ્યા કરતી હતી અને એમાં કશું હરખાવવા જેવું આવતું જ ન હતું! ધીમે ધીમે મારી આંખની તકલીફો વધતી જ ગઈ અને મારી દ્રષ્ટિ ખરેખર ઓછી થવા માંડી હતી. પણ એ વાત એટલી જ સાચી હતી કે દ્રષ્ટિ અંગેની વાસ્તવિકતા મેં હિંમતભેર, સરળતાથી સ્વીકારી લીધી હતી અને એનો ઝાઝો શોક મને નહતો લાગતો. હા, ઘેર બધાં ચિંતામાં હતા પણ મારાં કાર્યોને જોઈને ખુશ પણ થતા હતા કે હું આટલાં મોટા પ્રોબ્લેમને કેટલી સરળતા અને સાહજિકતાથી હેન્ડલ કરી રહી હતી!

મેં બ્રેઈલ લિપિ શીખી લીધી હતી. હવે મારી દ્રષ્ટિ 10% જેવુ જ કામ આપતી હતી. રોજ સાંજે અંધજન મંડળમાં  હું અને પ્રકાશભાઈ ત્યાંના લોકો સાથે 'ભગવદ્ ગીતા'ની ચર્ચાઓ કરતા અને રોજ જીવનનું નવું ભાથું મેળવીને ઉર્જા મેળવતા. મારી વર્ષગાંઠે, લોકોને આપેલા એ પુસ્તકથી મને આટલું બધું જ્ઞાન, પથદર્શન અને હિંમત મળશે એ મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું! ઈશ્વર કોના માટે, કોઈને અને કઈ રીતે નિમિત્ત બનાવે છે એ એક રહસ્ય જ હોય છે.

**************************

એક દિવસ સવારે હું ઉઠું છું અને મને કાળા રંગ સિવાય કશું જ નથી દેખાતું. મેં ગભરાઇને, મંમીને બૂમ પાડી. અમે તરત જ ડોક્ટર પાસે ગયા પણ ડોક્ટર પાસે આનો ઉપાય ક્યાં હતો! મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું મને લાગ્યું. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા મનને તૈયાર કરવું અને વાસ્તવિકતા આવે ત્યારે એનો સામનો એ જ સ્વસ્થતાથી કરવો -એ બંનેમાં ફેર હોય છે, એ વાસ્તવિકતા ત્યારે મને બરાબર સમજાઈ.. હું ઘરે જઈને સદંતર મૌનમાં સરી પડી ! મુનીશ.. પ્રકાશભાઈ! ઓહ ... ત્યારે તો એ મુંબઈમા 'બ્લાઇન્ડ વેલ્ફેર ફંડ'ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગયા હતા. બે દિવસ તો એમને ડિસ્ટર્બ કરાય એવું જ ન હતુ .જ્યારે મારે એમની સૌથી વધારે જરૂર હતી ત્યારે એ.... એમની કહેલી વાતો અને ગીતાજી પર કરેલી ચર્ચાઓ વાગોળતા સમય પસાર ક્યાં થઈ ગયો  એ ખબર જ ન પડી. આમેય હવે ક્યાં કશું દેખાવાનું હતું. હું એ જ ચર્ચાઓમાંથી મળેલા જ્ઞાન પાસેથી હિંમત ભેગી કરીને અંધજન મંડળમાં ગઈ. રોજ કરતાં એ દિવસ એકદમ જુદો લાગ્યો . જીવનની નિરાશા ખંખેરવી એટલી અધરી મને ક્યારેય ન હતી લાગી. 

વારેવારે મને એમનું કહેલું સંભળાયા કર્યું હતું કે 'તું જ તારા જીવનનો નાવિક છે. હિંમતથી તું તારું જીવનગીત ગાયા કર.' 'કોઈના પર પણ અતિશય અવલંબન યોગ્ય નથી'. 'અનુકૂળ પરિસ્થિતિઓમાં સ્વસ્થતા રાખવી એ મોટી વાત નથી પણ પ્રતિફળ પરિસ્થિતિ વચ્ચે મનને સતત સ્વસ્થ રાખી શક્યા તો તમારું જીવન સફળ કહેવાય.'  વગેરે વગેરે.. હું એમને શોધવા આજુબાજુ નજર ફેરવતી હતી પણ એ ક્યાં ત્યાં હાજર હતા જ અને હાજર હોત તોય મને હવે ક્યાં દેખાવાના હતા! મનોમન હું બબડી કે શું મારે આખી જિંદગી હવે બધાંને મનથી જ મળવાનું.? આ કાળો રંગ જ મારો સાથી? મને અંધજન મંડળમાં લગભગ હવે બધાંની આંખ પાછળની હિસ્ટ્રી ખબર હતી. કોઈ અંશતઃ અંધ તો કોઈ જન્મથી જ અંધ! પણ મારા જેવું તો કોઈ દીસતું જ ન હતું જેણે જિંદગીના બધાં જ રંગો જોયા હોય અને પછી ફક્ત આ કાળા રંગમાં..... એટલામાં બધાં ગીતાજીની ચર્ચા માટે ભેગા થવા માંડ્યા. મેં પણ ઉત્સાહભેર એમાં ભાગ લીધો. એ દિવસે મારી જિંદગીમાં નવો રંગ શોધાયો .કાળો-ના 'શ્યામ આનંદ રંગ'..હા 'શ્યામ આનંદ રંગ'! મજા પડી- આ નવા રંગને જીવનમાં સ્વીકારવાની! નથી દેખાતું તો અહીં કોના માટે એ નવાઈની વાત હતી? મેં તો બધું જોયું પણ હતું. અહીં કેટલાંક તો એવાં હતા જે જન્મથી જ! મારી ભાંગેલી હિંમત પાછી આવી ગઈ.

એ રાતે મેં પ્રકાશભાઈને ફોન કર્યો. મારી એ દિવસની પરિસ્થિતિ જણાવી.એમણે જે કહ્યું એ મને સ્પર્શી ગયું હતું. એમણે કહ્યું    " મને પૂર્ણ વિશ્વાસ છે કે તું બધી જ પરિસ્થિતિઓનો હિંમતભેર સામનો કરીશ જ અને એક નવી જ દુનિયા બનાવીશ જેના માટે સૌને ગર્વ હશે." એમણે એમની કોન્ફરન્સની ઘણી બધી વાતો કરી અને નવા નવા પ્રોજેક્ટસ માટેની વાતો કરીને મારા મનને ઉત્સાહથી ભરી દીધું . એમણે ભારપૂર્વક કહ્યું " નૈના, હવે તારે ખૂબ બધું કામ કરવું પડશે .આપણે અનેકના સ્વપ્નાઓ સત્ય બનાવવાના છે અને અનેકના જીવનમાં પ્રકાશ પાથરવાનો છે અને આમેય, આ બધાંના જીવનને તારાથી વધુ સારી રીતે કોણ સમજી શકવાનું હતું?" કાલે સાંજે પાછો આવું એટલે મળીએ, એમ કહીને એમણે ફોન મૂક્યો અને અમારી વાતચીતનો અંત આવ્યો .

હું થાકેલી પાકેલી હતી પણ આગળ શું શુ અને કેવી રીતે કરી શકાય તેવા વિચારો કરતાં કરતાં જ સૂઈ ગઇ ..

બીજે દિવસે સવારે હું અને મંમી ડોક્ટર પાસે ચૅકઅપ માટે ગયા. ખબર નહીં મને ત્યાં અચાનક જ ભય લાગવા માંડ્યો .. પરસેવો થવા માંડ્યો .. ખૂબ બેચેની લાગવા માંડી . ડોક્ટરે હિંમત આપી અને ઘણું બધું સમજાવ્યું પણ  પણ હું કોઈ સમજી કે સમજાવી ન શકે એવી અસ્વસ્થતા અનુભવવા માંડી.  

એટલામાં મોબાઈલમાં રીંગ વાગી. અંધજન મંડળવાળી રીંગ સાંભળીને મેં ફોન સાઇલન્ટ કર્યો..એટલામાં ફરી રીંગ વાગી..મેં ફોન ઉપાડ્યો. કોઈના રડવાનો અવાજ આવતો હતો. કોઈ કશું ન સમજાય એવું બોલતું હતું . મારી ધડકન બેકાબૂ બની ગઈ .હું ડોક્ટરની કેબીનમાંથી sorry કહીને બહાર નીકળી ગઈ અને મેં અંધજન મંડળમાં સેવા આપતા સૂવર્ણાબેનને ફોન કર્યો .એમનો ફોન સતત બિઝી આવતો હતો. થોડી વારમાં જ એમનો સામેથી ફોન આવ્યો..

એ વખતે જે વાત થઈ એ હજી પણ મારા કાનમાં એમ જ ગૂંજે છે.... 

મને એમણે કહયું" માન્યામાં નથી આવતું નહીં, ઈશ્વરે ખરું કર્યું !"

 મેં પૂછ્યું :શું થયું પણ? 

તેમણે કહ્યું "તમને સમાચાર નથી મળ્યા.?"

મેં પૂછ્યું: શેના સમાચાર?

એમણે કહ્યું : 'પ્રકાશભાઈના !"

મેં કહ્યું પ્રકાશભાઇના શું સમાચાર! એ તો મુંબઈથી સાંજે આવશે.

એમણે કહ્યું: "નૈના , પ્રકાશભાઈ હવે ક્યારેય નહીં આવે. એ આપણને છોડીને જતા રહ્યા."

હું કશું જ ન બોલી શકી..થોડીવાર રહીને પૂછ્યું સાચ્ચે?

ત્યારે એમણે કહ્યું કે મુંબઈમાં સવારે કોન્ફરન્સમાં બોલતાં બોલતાં જ એમને એટેક આવી ગયો.

મારો રડવાનો ખભો જ ના રહ્યો. મને સમજનાર અને સમજાવનાર, લોકોને આશ્વાસન, પ્રોત્સાહન આપનાર - મને મળવાનું કહીને છેતરી ગયા. હું સાવ જ વિખરાઇ ગઈ. પીડા અને ઈશ્વરના ફેસલાનો સ્વીકાર બંને પચાવવા ખૂબ જ કઠિન હતા.

***********************

થોડાં નહીં, ઘણાં દિવસો લાગ્યા  મને  એ આધાતમાંથી બહાર આવતા. હજીયે ક્યાં પૂર્ણ રીતે આવી શકી છું?

એમણે જ કહ્યું હતું ને કે હું અને મારાં કાર્યો મારા જીવન કરતાં મૃત્યુ પછી બધાંને વધુ યાદ આવશે..સાચ્ચે જ, કેટલું સત્ય હતું?

********************

આ જ વૃક્ષ..જેની નીચે બેસીને અમે કેટલીય બધી યોજનાઓ બનાવી હતી. કેટલાંય સ્વપનો જોયા હતા અને આજે અહીં હું એકલી...એવું વિચારતી જ હતી ત્યાં એમનો મનપસંદ શબ્દ સંભળાય છે..Please.. please ...નૈના, હજી આપણે ઘણાં કાર્યો કરવાના છે. તમે દૃષ્ટિ વગરના ને હું શરીર વગરનો.. પણ એવું ના સમજશો કે આપણા કાર્યો અધૂરા રહેશે. એ તો પૂરા કરવા જ પડશે નહીંતર આપણે જ ભટકતી આત્માની જેમ ક્યારેક એકબીજાને ભટકાઇશું. ભટકતી આત્માવાળું વાકય એ ભૂતકાળમાં ઘણીવાર મને ખીજવવા, હસાવવા બોલતા અને આજે પણ એનાથી મારા મ્હોં પર સ્મિત તો રેલાયું જ....નૈના, હિંમત રાખજે. હું તારી સાથે જ છું અને મને તારા પર ગર્વ છે. આવું બોલી એ મારી અદશ્ય નજરોમાંથી અદશ્ય થઈ ગયા.

કોઈએ દૃષ્ટિ વગર પ્રકાશ પથરાતાં જોયો છે? મેં જોયો છે. અનુભવ્યો છે. એમના સ્મરણમાત્રથી, એમના સ્વપ્નોના વિચાર માત્રથી, એમની ગેરહાજરીમાં સતત વર્તાતી એમની હાજરીથી...મેં દષ્ટિ વગર પણ પ્રકાશ પથરાતા જોયો છે.

ફરી એક વાર સંભળાય છે ...

"સાગર મેં એક લહેર ઉઠી તેરે નામ કી

તુઝે મુબારક ખુશિયાં આત્મજ્ઞાન કી.."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ