વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવવું જરૂરી છે!

      પ્રાતઃકાળના સૂર્યના કુમળા કિરણોનો આનંદ માણતા હું આંગણામાં બેસીને એકાગ્રતાથી આજના વર્તમાનપત્રનું વાંચન કરી રહ્યો હતો. હજુ અડધું પાનું વાંચ્યું હશે ત્યાં મારા કાન પર અવાજ અથડાયો, “કાકા... કાકા... જલદી ચાલો...”

      પાડોશમાં રહેતા મારા મિત્ર વિનોદચંદ્રના દીકરા રાજુનો અવાજ સાંભળી હું ઝબકીને ખુરશી પરથી ઊભો થયો.

      “શું થયું બેટા?”

      “મારા પપ્પા... પંખા પર...”

      રાજુના ભયભીત ચહેરાને જોઇને એ ચાર શબ્દોનો તાળો મેળવતા મને વાર ન લાગી. ક્ષણનો વિલંબ ન કરતા મેં વર્તમાનપત્રને એકબાજુ ફગાવ્યું અને રાજુ સાથે તેના ઘર ભણી દોટ લગાવી દીધી.

      પાછલા કેટલાક દિવસોથી વિનોદચંદ્ર વ્યથિત રહેતો હતો. શેરબજારમાં આવેલા અણધાર્યા ઉતારચઢાવથી તેના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. ઓચિંતામાં પડેલી ખોટને કારણે વિનોદચંદ્રને જીવનરસમાં ઓટ આવી ગઈ હતી. તેની ચિંતિત મુખમુદ્રા અને વ્યથિત ચાલઢાલ જોઇને નાનું બાળક પણ કહી દે કે આ વ્યક્તિને હવે જીવન જીવવામાં જરાયે રસ રહ્યો નથી.

      હું વિનોદચંદ્રના ઘર પાસે પહોંચી ગયો. તેના ઘરનું બારણું અંદરથી બંધ હોવાથી મેં ખિડકીમાંથી ડોકિયું કરી જોયું. એ સાથે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. મેં જોયું તો અંદર વિનોદચંદ્ર સાડીનો ફાંસો બનાવી પંખા પર ઝૂલી જવાની તૈયારી કરી રહ્યો હતો.

      સર્વ તાકાત એકઠી કરીને મેં ચીસ પાડતા કહ્યું, “વિનોદઽઽઽ, તું આ શું કરે છે?”

      જવાબમાં વિનોદચંદ્ર શૂન્યમનસ્ક નજરે મને તાકી રહ્યો.

      મેં અંતકરણની વેદનાને જબાન પર લાવતા કહ્યું, “મારા દોસ્ત, મૃત્યુ કોઈ સમસ્યાનો ઉકેલ હરગીજ નથી. આત્મહત્યા કરી લેવાથી તું તો સર્વ ઝંઝટથી મુક્તિ મેળવી લઈશ પરંતુ તારી પાછળ તારું આખુંયે પરિવાર મુસીબતમાં સપડાઈ જશે.”

      મનુષ્યનું હ્રદય જયારે વિષાદથી ભરેલું હોય ત્યારે તાત્વિક જ્ઞાન તેના બધીર થઇ ગયેલા મસ્તિષ્કમાં સહેલાઇથી ઉતરતું નથી. વિનોદચંદ્રએ કશો પ્રતિભાવ આપ્યો નહીં. ઉલટ જીંદગીથી નાસીપાસ થઈને જાણે ખુદને હારનો હાર પહેરાવતો હોય તેમ વિષાદભર્યા વદને સાડીથી બનાવેલ ફાંસો ખુદના ગળામાં પહેરી લીધો.

      ઊફ! મને હવે ક્ષણનોય વિલંબ પાલવે તેમ નહોતો. હું દોડીને દરવાજા પાસે આવ્યો અને તેને ધક્કો મારીને ઉઘાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મારી સાથે રાજુ પણ દરવાજાને તોડવા મથી રહ્યો. વિનોદચંદ્રને ગુમાવવાના ડરે અમારામાં ગજબની શક્તિનો સંચાર કરી દીધો હતો. અમારા ઝનુન સામે દરવાજો ઝાઝું ટકી શક્યો નહીં અને ગણતરીની મિનિટોમાં ભોંય પર પડી હાંફવા લાગ્યો.

      અમે દરવાજા પરથી ચાલીને ઓરડામાં આવ્યા ત્યારે વિનોદચંદ્ર ફાંસીના ફંદા પર ઝૂલી રહ્યો હતો. મેં ઝડપથી તેના પગ નીચે આવીને તેને સહારો આપતાની સાથે મદદની ગુહાર લગાવવાનું શરૂ કરી દીધું. રાજુ સમયસૂચકતા વાપરતા બહાર દોડી ગયો અને અડોશ પડોશના લોકોને મદદ માટે બોલાવી રહ્યો. જોતજોતામાં ઓરડામાં ટોળું જામી ગયું. તેમાંથી એક યુવકે નીચે પડેલો ટેબલ ઊઠાવ્યો અને તેને સીધો કરી તેના પર ચઢી ગયો. હવે તે યુવક વિનોદચંદ્રના ગળામાં ફસાયેલા ફાંસાને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો. થોડી જહેમત બાદ તેને સફળતા મળી ગઈ. વિનોદચંદ્રને નીચે ઊતારી પલંગ પર પોઢાવવામાં આવ્યો. તાત્કાલિક મદદ મળી જવાને કારણે વિનોદચંદ્રનો પ્રાણ બચી ગયો હતો.

      અમારા પડોશના વડીલ એવા અશોકભાઈએ વિનોદચંદ્રને ખખડાવતા કહ્યું, “વિનિયા, તું આ શું કરવા જઈ રહ્યો હતો? આમ ગળે ફાંસે ખાઈ લેવાથી સમસ્યાઓનો ઉકેલ આવી જતો હોત ને તો આજે અડધી દુનિયા ફાંસીના માંચડા પર ઝૂલી ગઈ હોત.”

      બજારમાં ગયેલા સુધાભાભી પણ ઘરે પાછા આવી ગયા હતા. ઘર આગળ જામેલી ગરદી જોઇને તેઓ આખો મામલો સમજી ગયા. સામાનની થેલીને એકબાજુ ફંગોળી તેઓ વિનોદચંદ્ર પાસે આવ્યા અને તેને વળગીને ચોધાર અશ્રુએ રડતા બોલ્યા, “વિનોદ, તમે આ શું કરવા જઈ રહ્યા હતા? જો તમને આજે કશું થઇ ગયું હોત તો અમારું શું થાત? તમારા સિવાય આ દુનિયામાં અમારું બીજું કોણ છે? આખરે તમને આ કુબુદ્ધિ સુઝી કેવી રીતે?”

      “સુધા, શું જીવવું જરૂરી છે?” વિનોદચંદ્ર હતાશાથી બબડી રહ્યો, “આ જાલિમ દુનિયામાં શ્વાસ લેવું હવે દુષ્કર થઇ ગયું છે. હું એક પડકારને ઝીંક આપું ત્યારે બીજો પડકાર મોઢું વકાસીને મારી સામે આવીને ઊભો રહે છે. હવે મારાથી ઔર લડત આપી શકાતી નથી. એક પછી એક અવરિતપણે આવતી સમસ્યાઓ સામે ઝઝૂમી ઝઝૂમીને હું થાકી ગયો છું.” મારી તરફ જોઈ વિનોદચંદ્ર તાડૂક્યો, “તેં મને મરી જવા કેમ દીધો નહીં. તારે દોઢડહાપણ કરીને મને બચાવવાની શું જરૂર હતી?”

      વિનોદચંદ્રના મોઢે આવી અજુગતી વાત સાંભળીને અશોકભાઈ અકળાયા, “બેશરમ, જેણે તારો જીવ બચાવ્યો તેને આમ ગાળો ભાંડતા તને શરમ આવતી નથી?”

      મેં અશોકભાઈના ખભાને હળવેથી દબાવતા કહ્યું, “કાકા, હમણાં વિનોદચંદ્રની મનઃસ્થિતિ સારી નથી. તમે તેને કંઈ પણ બોલશો તો એ ખોટું લગાવી બેસેશે. તમે બધા જાઓ હું વિનોદચંદ્રને સમજાવવાની કોશિશ કરું છું.” મેં સુધાભાભી તરફ જોઇને કહ્યું, “ભાભી, કશું થયું નથી. તમે આમ રડીને વાતાવરણ તંગ બનાવશો નહીં. એક કામ કરો તમે જઈને અમારા માટે ગરમાગરમ ચા બનાવી લાવો.”

      સુધાભાભી અપલક નજરે વિનોદચંદ્રને જોઈ રહ્યા.

      “ભાભી, હું ખાતરી આપું છું કે વિનોદ આજ પછી આત્મહત્યાનો ખ્યાલ દિમાગમાંથી કાઢી નાખશે.”

      “પણ...”

      “પણ બણ કશું નહીં. તમે બધા હું કહું છું તેમ કરો.”

      મારી વાત સાંભળીને ત્યાં ભેગું થયેલું ટોળું વિખરાઈ ગયું. હું વિનોદચંદ્રની પડખે બેસતા બોલ્યો, “વિનોદ, જીંદગી એ ઈશ્વરે આપેલ મહામુલું વરદાન છે. જીવનના ઉતારચઢાવથી આમ નાસીપાસ થવું ન જોઈએ. જેમ સુખ હંમેશ સાથે રહેતું નથી તેમ દુઃખ પણ સદાય માટે ટકતું નથી.”

      “તારી વાત સાચી છે પરંતુ દુઃખ સામું ઝાઝું ટકી શકાતું નથી તેનું શું?”

      “વિનોદ, આવી બાલીશ વાતો કરીશ નહીં. ભૂલીશ નહીં કે બધા તને ઘણું ચાહે છે.”

      “મારી સામું આવી વાહિયાત વાતો કરીને તું મારું મગજ ફેરવીશ નહીં.”

      “પણ મેં એવું તો શું કહ્યું?”

      “તારા કહેવા પ્રમાણે જો મને બધા ચાહતા હોત ને તો આજે મારી આવી હાલત થઇ જ નહોત. હું મુસીબતમાં હતો ત્યારે મને ચાહનારા ક્યાં ગાયબ થઇ ગયા હતા? અરે! કોઈએ તો મદદ માટે આગળ આવીને હાથ લંબાવો જોઈતો હતો. પરંતુ ના... મને તકલીફમાં જોઇને પણ જેમનું કલેજું પીગળ્યું નહીં એવા પાષણ હ્રદયના માનવીઓની હું શું કામ ફિકર કરું?”

      વિનોદચંદ્રની આંખમાં ફેલાયેલો વિષાદ મને વિચલિત કરી ગયો. મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, “આજે સવારે અગિયાર વાગે તું શું કરે છે?”

      “કેમ?”

      “હું તને એવા મહાનુભાવ જોડે મળાવવા માંગુ છું કે જે કપરી પરિસ્થિતિ સામે ઝઝૂમી પ્રગતિના શિખરે પહોંચ્યા. મુસીબતોનો પહાડ સામે હતો પરંતુ તેઓ ડગ્યા નહીં. જીવનમાં આવતા પડકારો સામે ઘૂંટણ ટેકવાને બદલે સામી છાતીએ લડીને સમાજમાં ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું.”

      “હું કોઈને મળવા માંગતો નથી.”

      “એકવાર મળી તો જો.”

      વિનોદચંદ્ર મારી સામું ટગર ટગર જોઈ રહ્યો. તેની આંખમાંથી અશ્રુઓની ધારા અવરિતપણે વહી રહી હતી. તેના અંતરમનને આમ રડતા જોઈ હું વિહવળ થઇ ગયો. મેં મારી મનોભાવના પર નિયંત્રણ રાખતા કહ્યું, “આપણે બહાર ફરવા જઈશું તો તારું મન પણ જરા હળવું થઇ જશે.”

      આખરે વિનોદચંદ્રે મારી વાત માની લીધી. થોડીવારમાં અમે તેની કારમાં બેસીને મંઝીલ તરફ રવાના થઇ ગયા. અહીં કહેવું જરૂરી છે કે તેના આર્થિક ભારણ પર વધુ બોજો ન થાય એ સારું મેં તેની કારમાં મારા ખર્ચે પેટ્રોલ ભરાવ્યું હતું.

      માર્ગ સરળતાથી કપાય એ હેતુથી મેં કહ્યું, “વિનોદ, કોઈક સારું ગીત વગાડને.”

      વિનોદચંદ્રએ ટેપના બટન પર આંગળી દબાવતા તેનું મનપસંદ ગીત શરૂ થયું...

“તુજસે નારાઝ નહીં જીંદગી, હેરાન હું મેં..

ઓ પરેશાન હું મેં...

જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સંભાલને હોંગે.”

      મેં મુસ્કરાઈને બટન દબાવ્યું. એ સાથે ગીત વાગતું બંધ થયું. હવે થોડા ખાંખાખોળા કરતા મને મારું મનપસંદ ગીત મળી આવ્યું. મેં ઉત્સાહથી કારટેપ પરનું બટન દબાવતા કારમાં ગીતના બોલ રણકી ઊઠ્યા...

“દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા.

જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા.”

      વિનોદચંદ્રએ અકળાઈને કારટેપનું બટન બંધ કર્યું અને નવું ગીત વગાડ્યું.

“યહ દુનિયા... યહ મહેફિલ... મેરે કામ કી નહીં... મેરે કામ કી નહીં...”

      હું પણ જાણે જિદ્દે ચઢ્યો હોવું તેમ એ ગીત બંધ કરી બીજું ચાલુ કર્યું.

“હસતે હસતે કટ જાયે રસ્તે.. જીંદગી યુ હી ચલતી રહે.”

      વિનોદચંદ્રે દુઃખી વદને કહ્યું, “તું કેમ મને હેરાન કરી રહ્યો છું?”

      “વિનોદ, આવા રોતલ ગીતો સાંભળીને તું ખુદ તારી જાતને હેરાન કરી રહ્યો છું. ખરેખર જોવા જઈએ તો આવા ગીતો સાંભળી સાંભળીને જ તારી આવી અવદશા થઇ ગઈ છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો નેગેટીવ વાતો અને લોકોથી હંમેશ દૂર રહેવું જોઈએ. ગીતોની પસંદગી પણ આપણે એવી કરવી જોઈએ કે જેનાથી આપણું હૈયું પ્રફુલ્લિત થાય અને જીવન પ્રત્યે લગાવ ઉત્પન્ન થાય.”

      “તારે જે સાંભળવું હોય તે સાંભળ પરંતુ ગીતોથી જીવન પર કશો પ્રભાવ પડે તે વાત મારા ગળે ઊતરતી નથી.”

      કાર તેની ગતિએ ચાલી રહી.

      મેં માર્ગ તરફ જોઇને કહ્યું, “હવે કારને ડાબી તરફ વળાવ.”

      “મને સમજાતું નથી કે આખરે આપણે કોને મળવા જઈ રહ્યા છીએ!”

      “માધ્યમિક સ્કુલના શિક્ષકને”

      “એક શિક્ષકને મળવા! તેને મળવાથી શો ફાયદો?”

      “મારા ખ્યાલથી તેમને જીવનમાં કરેલો સંઘર્ષ તને જીવન જીવવાની નવી રાહ ચીંધશે.”

      “એમ? એ શિક્ષકના જીવનમાં એવું તો શું અનોખું છે?”

      “તું એમને મળીશ તો જાતે જ જાણી જઈશ.”

      “સાચું કહું તો માધ્યમિક સ્કુલના શિક્ષક બની જવું એ કંઈ મોટી વાત નથી.”

      વિનોદચંદ્રની વાત સાંભળી હું સહેજ હસ્યો.

      “આમાં હસવા જેવું શું છે?”

      “વિનોદ, આપણે જયારે જીવનમાં સઘર્ષ કરીને કંઈક મેળવીએ ત્યારે નાની અમથી વાત પણ અમુલ્ય બની જતી હોય છે. હું તને જે શિક્ષક જોડે ભેટ કરાવવા માંગું છું. તેઓની નાનપણમાં આર્થિક સ્થિતિ મધ્યમ હતી. તેમને દિનેશ નામના એક મોટાભાઈ હતા પરંતુ તેઓ પણ તેમની જેમ જ લાચાર અને નિ:સહાય હતા. આવામાં આ બંને ભાઈઓને સંભાળવાની જવાબદારી તેમનાથી મોટી બે બહેનોના શિરે આવી હતી. બંને બહેનો બખૂબી રીતે તેમની જવાબદારી નિભાવી રહ્યા હતા પરંતુ એ શિક્ષકને કોઈ પર બોજો બનીને જીવવું હરગીજ મંજુર નહોતું. તેઓ એક એવા અડગ મનના માનવી હતા કે જાત મહેનતથી આગળ વધવા માંગતા હતા. આ માટે તેઓએ હતાશ થયા વગર ખૂબ મહેનત કરી અને અંતે તેમાં સફળતા પણ મેળવી. આજે શિક્ષકની જવાબદારી નિભાવવાની સાથોસાથ તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સમાજની ઉત્કૃષ્ઠ સેવા કરી રહ્યા છે.”

      “નસીબ સારા હોય તો કોઇપણ આગળ વધી શકે છે.”

      “નસીબ પર કમજોર હ્રદયના માનવી અવલંબન રાખે છે. જો એમ હોય તો હું જે શિક્ષકની વાત કરી રહ્યો છું તેઓ તો...”

      મારી વાત પૂરી થાય તે પહેલા શાળાની વિશાળ બિલ્ડીગ દેખાઈ. મેં મારી વાત પર વિરામ લગાવતા કહ્યું, “વિનોદ, સામે જે દેખાય છે તે ગેટમાં કારને વળાવી દે.”

      અમારી કાર શાળાના વૈભવી ઈમારતમાં પ્રવેશી ગઈ. જોકે શાળાના બોર્ડ પર વિનોદચંદ્રની નજર પડી ન હોવાથી મારી વાતનો મર્મ તે કળી શક્યો નહીં.

      કારમાંથી ઊતરીને અમે શાળાની ઓફીસ તરફ જવા રવાના થયા. અમને આમ જતા જોઈ ગેટ પર ઊભેલા ચોકીદારે પૂછ્યું, “કોને મળવું છે?”  

      “નવા લગા છો.”

      “તમને મતલબ?”

      મેં જવાબમાં વીઝીટીંગ કાર્ડ કાઢીને ચોકીદારના હાથમાં મુકતા કહ્યું, “આ શિક્ષક મારા મિત્ર છે. અમારે તેમને મળવું છે.”

      ચોકીદારે ખુરશી પરથી ઊભા થતા કહ્યું, “સાહેબ હમણાં ઓફિસમાં છે. ચાલો હું તમને ત્યાં લઇ જઉં છું.”

      “જનરલ સેક્રેટરી સાહેબ અમને મળશે?”

      “તમે તેમની એપોઇમેન્ટ લીધી છે?”

      મેં નકારમાં માથું હલાવ્યું.

      “તો મુશ્કેલ છે.”

      આમ બોલી ચોકીદાર ઓફીસ તરફ ચાલવા લાગ્યો. મેં તેની પાછળ પગ ઉપાડતા કહ્યું, “વિનોદ, આ સ્કુલના જનરલ સેક્રેટરીને તારે એકવાર મળવું જોઈએ. હું કંઈક ગોઠવણ કરું છું. જો તારા નસીબ સારા હશે તો તેઓની સાથે પણ તારી મુલાકાત થઇ જશે.”

      “જનરલ સેક્રેટરીને મળવાનો તારો આગ્રહ મને સમજાતો નથી.”

      “દોસ્ત, આ શાળાના જનરલ સેક્રેટરીએ જીવન પ્રત્યે રૂચી ઉદભવે તેવી અતુલનીય પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમની આત્મકથા સમી એ પુસ્તકોનું તું વાંચન કરીશને તો નસીબને દોષ આપવાનું ભૂલી જઈશ.”

      મેં શાળાના પ્રાંગણમાં નજર ફેરવી પરંતુ શાળાના તાસ ચાલુ હોવાથી વિનોદચંદ્રને દેખાડવા માટે કોઈ વિદ્યાર્થી નજરે પડ્યો નહીં.

      ચોકીદારે અમને ઓફિસની બહાર ઊભા રહેવાનું કહી પોતે અંદર ગયો. હું ધબકતા હ્રદયે તેના બહાર આવવાની રાહ જોઈ રહ્યો હતો. વિનોદચંદ્રને પ્રેરણા આપવા માટે આજે એ શિક્ષકનું મળવું ખૂબ જરૂરી હતું.

      વિનોદચંદ્રે થોડા વિસ્મયથી પૂછ્યું, “આખરે તું મને આ શિક્ષક પાસે જ કેમ લઇ આવ્યો?”

      “કારણ શિક્ષક જ એવા વ્યક્તિ હોય છે જે કોઈ વ્યક્તિને અંધારામાંથી પ્રકાશ તરફ લઇ જાય છે. વળી આ શિક્ષકનું વ્યક્તિત્વ જ એવું છે કે જેમને જોતા આપણું અંતરમન દિવ્યતાથી ભરાઈ જાય.”

      ચોકીદારે બહાર આવીને કહ્યું, “સાહેબે તમને અંદર બોલાવ્યા છે.”

      અમે બંને એકસાથે ઓફિસમાં પ્રવેશ્યા.

      “વિનોદ, હું જે શિક્ષકની વાત કરી રહ્યો હતો તે આ છે. શ્રી હસમુખભાઈ ગીરધરભાઈ ધોરડા.”

      વિનોદચંદ્ર ક્ષણ માટે સ્તબ્ધ થઇ ગયો.

      આંખે કાળા ચશ્માં હોવા છતાંયે પ્રસન્નતાથી છવાયેલા હસમુખભાઈના ચહેરાને જોઈ વિનોદચંદ્ર હેબતાઈને બોલ્યો, “આ... આ... તો...”

      “યસ, હસમુખભાઈ અને તેમના ભાઈ દિનેશભાઈ જન્મે પ્રજ્ઞાચક્ષુ છે. પણ તેઓએ આ બાબતે ઈશ્વરને ક્યારેય ફરિયાદ કરી નહીં. જીવનમાં ફેલાયેલા અંધકારને દોષ આપવા કરતા; તેમના જીવનદીપ થકી સંસારમાં પ્રકાશ રેલાવવાનું કાર્ય તેઓને ઉત્તમ લાગ્યું. હસમુખભાઈની પત્ની કીર્તિદા પણ પ્રજ્ઞાચક્ષુ હોવાની સાથે કાબિલ શિક્ષિકા છે. આપણે ભાવનગરની જે મહારાજા કૃષ્ણવર્મા અંધ સ્કુલની ઓફિસમાં ઊભા છીએ તેમાં ભણતા પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓના જીવનને પ્રકાશમય બનાવવાની ફરજ તેઓ ઉત્કૃષ્ઠ રીતે ભજવી રહ્યા છે.”

      વિનોદચંદ્ર આભા બનીને હસમુખભાઈની પ્રસન્ન મુખાકૃતિને નિહાળી રહ્યો.

      ઓચિંતામાં હસમુખભાઈના મોબાઈલમાં મેસેજ ટોન વાગતા તેઓએ ટેબલ પર મુકેલો મોબાઈલ ઊઠાવ્યો અને સ્ક્રીન રીડરની મદદથી આવેલ મેસેજ શબ્દશઃ સાંભળી ગયા.

      આ જોઈ મેં કહ્યું, “હસમુખભાઈ, કોઇપણ બાધા વગર મોબાઈલની સર્વે એપ્લીકેશન્સનો ઉપયોગ કરી જાણે છે.”

      “આ તો અધભુત કહેવાય.”

      મેં હસમુખભાઈ સામે જોઇને કહ્યું, “મારે મારા આ મિત્રની આપણા જનરલ સેક્રેટરીશ્રી લાભુભાઈ સોનાણી સાથે મુલાકાત કરાવવાની હતી. પરંતુ અમારી પાસે એપોઇન્ટમેન્ટ નથી.”

      “અરે! શું સાહેબ, આમ બોલી તમે અમને કેમ શરમમાં નાખો છો? ચાલો હું તમને લાભુભાઈની ઓફિસમાં લઈ જઉં છું.”

      “તેઓ અમને મળવા રાજી થશે?”

      “કેવી વાત કરો છો સાહેબ? બે દિવસ પહેલા જ તેઓએ તમારી વાત કાઢી હતી. તમે પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ માટે જે કર્યું છે તે ખરેખર બેમિસાલ અને અજોડ કાર્ય છે.”

      હસમુખભાઈ તેમની જગ્યાએથી ઊભા થયા. આ જોઈ વિનોદચંદ્ર તેમને મદદ કરવાની આશાએ આગળ વધવા જતો જ હતો ત્યાં મેં તેનો હાથ પકડી લેતા કહ્યું, “હસમુખભાઈને કોઈની મદદ લેવાનું નહીં પરંતુ કોઈને મદદરૂપ થવાનું વધુ પસંદ છે.”

      આ સાંભળીને વિનોદચંદ્ર પોતાની જાત પર શરમ અનુભવી રહ્યો.   

      હસમુખભાઈએ ઝડપથી ઓફિસની બહાર નીકળતા કહ્યું, “ચાલો મારી સાથે...”

      વિનોદચંદ્ર અવાચક બનીને હસમુખભાઈ પાછળ દોરવાઈ રહ્યો. થોડીવારમાં અમે જનરલ સેક્રેટરી સાહેબશ્રીની ઓફીસ સામે આવીને ઊભા રહ્યા. હસમુખભાઈએ બારણું ખોલીને કહ્યું, “સાહેબ, અમે અંદર આવીએ?”

      “અરે! આવો... આવો... હસમુખભાઈ.”

      ઓફિસની અંદર પ્રવેશતાની સાથે હું બોલ્યો, “વિનોદ, હું જે જનરલ સેક્રેટરીની વાત કરી રહ્યો હતો તે આ છે. શ્રી લાભુભાઈ સોનાણી. તેઓએ પાંચ વર્ષની ઉંમરે ટાઈફોડને કારણે પોતાની આંખો ગુમાવી હતી.”

      મારી વાત સાંભળીને લાભુભાઈ હસીને બોલ્યા, “સાહેબ, ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે. ટાઈફોઈડમાં મારી આંખ બચી ગઇ હોત તો હું આજે નાનો-મોટો હીરાનો વેપારી હોત. તે સિવાય આજે જેવું કર્યું છે તેવું જીવનમાં વિશેષ કંઈ કરી શકયો ન હોત.”

      મેં વિનોદચંદ્રની સામું જોઇને કહ્યું, “જોયું? લાભુભાઈને પ્રજ્ઞાચક્ષુઓના ગાંધીજી અમસ્તાં કહેતા નથી. અડગ મનના આ માનવી તારી જેમ મુસીબતોની સામે કદીયે વિચલિત થયા નથી. ઈ.સ. ૨૦૧૩માં તેઓ મેંનન્જાઈટસ નામની જીવલેણ બીમારીનો ભોગ બન્યા હતા. જેના કારણે શરીરમાં તેમના લગભગ અડધા અંગો સાવ નિર્જીવ બની ગયા હતા. તેમની આ બીમારી અડધા વર્ષથી પણ વધારે સમય સુધી ચાલી હતી. પણ તેઓ હિંમત હાર્યા નહીં. બીમારી સામે ઝઝૂમી તેઓ ફરી પાછા બેઠા થયા અને ત્યાર પછીનું સમગ્ર જીવન વિકલાંગોનાં ઉત્કર્ષ માટે જીવવાનો દઢ સંક૯પ કર્યો.”

      વિનોદચંદ્ર ફાટી આંખે લાભુભાઈની પાછળની દીવાલે મુકેલા એવોર્ડો અને ચંદ્રકોને નિહાળી રહ્યો.

      આ જોઈ મેં કહ્યું, “લાભુભાઈને નાનપણથી રમતગમતનો શોખ હતો. આગળ જતા તેઓએ રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિ૯લા શાખાનાં નેતૃત્વ હેઠળ બ્લાઈન્ડ કિકેટને પ્રોત્સાહિત કરવા ઇ.સ. ૧૯૯પમાં રાજયસ્તરીય ‘ગુજરાત કપ બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ’નું સફળ આયોજન તેમના વડપણ નીચે કર્યું. આ ઉપરાંત જિ૯લાસ્તરની નાની-મોટી સ્પર્ધાઓનું તેઓ સમયાંતરે આયોજન કરતા રહયા. તેઓએ વર્ષ ૨૦૧૩માં ખેલ મહાકુંભ અંતર્ગત સ્ટેટ લેવલે ટુર્નામેન્ટમાં સફળ આયોજનનું નેતૃત્વ કર્યું હતું. વધુમાં, તેઓ ગુજરાત નેત્રહીન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-ગુજરાતનાં વાઈસ પ્રેસિડેન્ટ પણ છે.

      આ સિવાય તેઓએ અઢળક સેવાકાર્યો કર્યા છે. શિક્ષણ યોજનામાં ૧રપ૦ શિક્ષકોને જયારે દોઢથી પોણા બે વર્ષ સુધી પગારથી વંચિત રાખવામાં આવ્યા હતા ત્યારે લાભુભાઈ તેમની વહારે આવ્યા હતા. તેઓની દરમિયાનગીરીથી પગારભથ્થાંની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી. આમ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાંયે તેઓએ સેવાના અગણિત કાર્યો કર્યા છે. ત્રણ દાયકાથી કરેલા તેમના સેવાકાર્યોને લીધે તેમને અનેકો સન્માન અને એવોર્ડ પણ મળ્યા છે. જોકે આ તો તેમના કાર્યોની નાનકડી ઝલક છે. ટૂંકમાં તારી જેમ હતાશ થઇ બેસી જવાને બદલે લાભુભાઈએ સમાજને પગભર કરવામાં તેમની શક્તિ વાપરી છે.”

      લાભુભાઈએ અણગમો દેખાડતા કહ્યું, “મારા મતે સેવાકાર્યોના ગુણગાન ગાવાને બદલે આગળ વધીને સાક્ષાત તે કરવામાં આનંદ છે.”

      મેં વિનોદચંદ્રની આજની ઘટનાને સંક્ષિપ્તમાં જણાવતા કહ્યું, “માફ કરો સાહેબ, પરંતુ તમારા બંનેના જીવન સફરથી પ્રેરણા લઈને મારો મિત્ર જીવનને પ્રેમ કરતો થાય એ માટે જ હું તેને અહીં લઇ આવ્યો છું.”

      વાતની ગંભીરતા જાણી જતા લાભુભાઈ બોલ્યા, “વિનોદભાઈ, આપણે ઈશ્વર પાસે એ માંગીએ છીએ કે જે આપણને સારું લાગે છે. પરંતુ ઈશ્વર આપણને તે જ આપતો હોય છે કે જે આપણા માટે સારું હોય છે. તમને ધંધામાં ખોટ ગઈ પરંતુ ઈશ્વરે તમારા હાથપગ તો સલામત રાખ્યા છે ને?”

      વિનોદચંદ્રે બે હાથ જોડીને કહ્યું, “સાહેબ, આજ પછી હું આત્મહત્યાનો વિચાર કદીયે મનમાં લાવીશ નહીં. તમારા અને હસમુખભાઈના જીવનથી મને જીવન જીવવાની નવી રાહ મળી છે.”

      લાભુભાઈએ કહ્યું, “ખૂબ સરસ. જીવનમાં ઘણા આગળ વધો અને ખૂબ સેવાકાર્યો કરો.”

      અમે ત્યાંથી નીકળવાની તૈયારી કરતા જ હતા ત્યાં લાભુભાઈએ કહ્યું, “એક મિનિટ...”

      મેં વળીને પૂછ્યું, “શું થયું સાહેબ?”

      “તમે વિનોદભાઈને પ્રેરણા અપાવવા છેક અહીં સુધી લઇ આવવાને બદલે તેમને તમારા જીવનનું જ દ્રષ્ટાંત કેમ આપ્યું નહીં?”

      “હું કંઈ સમજ્યો નહીં.”

      “બેસો... હું તમને સમજાવું.”

      અમે બંને ફરી પાછા ખુરશી પર બેઠા.

      લાભુભાઈએ સસ્મિત વદને કહ્યું, “વિનોદભાઈ, સામાન્ય રીતે જોવા જઈએ તો રીટાયર થયા બાદ કોઈપણ વ્યક્તિ હતાશાના અંધકારમાં ધકેલાઈ જતો હોય છે. પરંતુ તમારા મિત્રની બાબતમાં એવું નથી. તેઓ અમારા જ્ઞાન જ્યોત વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈને પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે અવરિત સેવા આપતા રહ્યા છે. તેઓ વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક પરિયોજનાના પ્રણેતા બન્યા અને અથાગ પરિશ્રમ કરી ૪૦ જેટલા પુસ્તકો પોતાના અવાજમાં ધ્વનિમુદ્રિત કરી પ્રજ્ઞાચક્ષુ અને નિરક્ષર સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે. તેમણે ૨૬૦૦ જેટલી ફાઈલો વિકિમીડિયા કોમન્સ પર ચડાવી છે. વળી ગુજરાતી વિકીસ્રોત પર ૧૪૦૦૦થી વધુ ઍડિટ્સ કર્યા છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સાહિત્યની ગંગામાં નિર્વિઘ્ન ડૂબકી લગાવી શકે એ ઉમદા હેતુથી તેઓએ અઢળક સાહિત્યનો ખજાનો તેમના અવાજે ધ્વનિમુદ્રિત કર્યો છે.”

      હસમુખભાઈએ ખીસ્સામાંથી મોબાઈલ કાઢતા કહ્યું, “તમે આવ્યા ત્યારે તમારા આ મિત્રે ધ્વનીમુદ્રિત કરેલ રા'ગંગાજળિયોને હું માણી રહ્યો હતો. અમારા પ્રજ્ઞાચક્ષુઓ માટે તમામ સાહિત્ય બ્રેઇલ લિપિમાં તૈયાર કરવું શક્ય નથી. આવામાં આમનું આ કાર્ય અમારા માટે આશીર્વાદ સમું બની રહ્યું છે.”

      મેં ધીમા સ્વરે કહ્યું, “અરે! એ તો મારી ફરજ હતી.”

      હસમુખભાઈએ કંઈક વિચારીને કહ્યું, “વિનોદભાઈ, તમે આજે પૂછ્યું હતું ને કે શું જીવવું જરૂરી છે?”

      વિનોદચંદ્ર નીચું જોઈ ગયા.

      “તમારા પુછેલા આ પ્રશ્નનો જવાબ હું તમને આપું છું. હા, જીવવું ખૂબ જરૂરી છે. આપણા જીવન થકી બીજાના જીવનને જીવવા લાયક બનાવવા જીવવું જરૂરી છે. આપણી સાથે બીજાની તકલીફોને દૂર કરવા માટે જીવવું જરૂરી છે. આપણું જીવન બીજા માટે પ્રેરણાદાયક બની રહે એ માટે સંઘર્ષ કરીને પણ જીવવું જરૂરી છે. બીજાના જીવનમાં છવાયેલા અંધકારને હટાવવા તમારા મિત્રની જેમ પોતે સળગી અજવાસ ફેલાવવા જીવવું જરૂરી છે. તમે જયારે પણ જીવન પ્રત્યે ઉદાસીનતા અનુભવો ત્યારે તમારા મિત્રના આ ઉત્સાહી અવાજને જરૂરથી સાંભળજો.”

      હસમુખભાઈએ મોબાઈલમાં પ્લેનું બટન દબાવી દેતા ઓફિસમાં સ્વર રણકી ઊઠ્યો, “આપ સૌને મોડર્ન ભટ્ટના પ્રેમ ભર્યા નમસ્કાર...”

*****

      મિત્રો, આજે હું મોડર્ન ભટ્ટ તમારી સાથે નથી પરંતુ તેનું દુઃખ માનવાને બદલે તમારે આગળ વધવું જોઈએ. તમે મને ખૂબ ચાહો છો એ જાણી મને સારું લાગ્યું. પરંતુ જે દિવસે તમે કોઈ નબળા વર્ગને મદદરૂપ થશો તે દિવસે મારો આત્મા ઘણો પ્રસન્ન થશે. અશ્રુ વહેવડાવવાને બદલે તમે સેવાની અવરિત ગંગા વહેવડાવશો એ મારા મન સાચી શ્રધાંજલિ હશે. મને મારા અવસાન બદલ રતીભરનું પણ દુઃખ નથી કારણ હું જાણું છું કે મારા અધૂરા રહી ગયેલા સ્વપ્નને તમે સાકાર કરશો. અંતે માત્ર એટલું કહીશ કે વિનોદચંદ્રની જેમ હિંમત હારી પાણીમાં બેસી જવાને બદલે દુ:ખો આગળ સામી છાતીએ લડીને ઉન્નત મસ્તકે જીવવું જરૂરી છે. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ