વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોગરાની સુગંધ

ચાર વર્ષ પહેલાં સચિવાલય માંથી હેડ ક્લાર્ક તરીકે નિવૃત્તિ પામેલા મહેશભાઈ, નિવૃત્તિ પછી પોતાના વતન ઉપલેટા આવી ગયા પણ દીકરો વિનય અને વહુ સુમેધા તેમના બે છોકરાઓ સાથે હજુ અમદાવાદ જ હતા. 
વિનય ત્યાંની કોઈ મોટી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો. 
દીકરી કૃતિને પણ હવે પરણાવીને ત્રણ વરસ થઈ ગયાં હતા. તે તેના પતિ અને નાના બાબા સાથે નવસારી તેણીના સાસરે હતી.
ખરેખર તો હવેજ મહેશભાઈ અને કૃપાબેનને એકબીજામાટે સમય મળતો હતો, કારણ એની પહેલા તેઓ બે બેડરૂમનાં નાનાશા ફ્લેટમાં બા અને છોકરાઓ સાથે રહેતા.
મૂળે સ્વભાવે થોડા સંકોચી બે જણાંના ઘરમાં પ્રત્યેક મહેમાનનું સ્વાગત પણ હૃદયપૂર્વક થતું.. આ બધામાં એ બે જણ એક બીજાને તો બહુજ ઓછો ટાઈમ આપી શકતા..
એટલે મહેશભાઈ એ નિવૃત્તિ પછી પોતાના વતન જઈ રહેવાનું નક્કી કરેલું, જેથી છોકરા વહુને પણ તેમનો અંગત સમય આપી શકાય. 
જે સમય પોતે નથી માણી શક્યા, એ સમય છોકરાઓને પૂરેપૂરો માણવા મળે અને પોતાની જેમ એનો વસવસો ન કરવો પડે.
મહેશ ભાઈ અને કૃપા બેન ઉપલેટા આવી ગયા. ખેતી સંભાળવી અને નાનું મોટું સામાજિક કાર્ય કરવું એજ હવે બેઉનું કામ હતું.
અને અચાનક કોરોના આવી ગયો. 
લોક ડાઉનનાં ભણકારા સાંભળતાજ દીકરા વહુએ જબરદસ્તી તેમને અમદાવાદ બોલાવી લીધા.
અને છેલ્લા છ એક મહિનાથી તે અહીંજ અટવાઈ ગયા. 
તેમને છોકરાની જિંદગીમાં આવી રીતે રહેવું નહતું પણ.. છોકરો તેમને ગામડે મોકલવા તૈયાર જ નહતો થતો.
"બેટા હવે અમે જઈએ ગામડે?" એક સવારે જ પાછુ એમણે દિકરાને પૂછ્યું હતું.
"પપ્પા આ ઉંમરે શું કરવા એકલા રહેવા માંગો છો? તમે કઈ થાય તો લોકો મને શું કહેશે.?" દિકરો બોલ્યો.
"અરે ગામડાની તાજી હવા ,નદીનું પાણી બધું યાદ આવે છે તારા પપ્પાને" મમ્મીએ પપ્પાની વકીલ બની દિકરાને સમજાવ્યો.
"એ તો પપ્પા તમને અહીંયા પણ અપાવું" દિકરો બોલ્યો. અને પછી પાછો વળીને એની પત્નીને બોલ્યો, "આ રવિવારે આપણે પિકનિક જવાનું છે, નદી કાંઠે."
છોકરાઓ અને વહુ પણ ખુશ થઈ ગયા. છોકરાઓ તો ત્યાં શું શું લઈ જવાનું, ગેમ્સ ક્યાં લઈ જવાના એ બધાનું નિયોજન કરવા લાગ્યા અને વહુએ સાસુ સાથે મળીને નાસ્તામાં શું શું લેવું તે પણ નક્કી કરી લીધું.
બધાયનો ઉત્સાહ જોઈને મહેશભાઈ પણ ખુશ થઈ ગયા અને તેમણે જવાની હા પાડી દીધી.
નક્કી કરેલો દિવસ એટલે રવિવારનો સૂર્યોદય થયો.. ઘરમાં બધાજ આજ વિશેષ આનંદમાં હતા અને કામ પણ ઉતાવળે પતાવતા હતા.
રવિવારે મહેશભાઈ સવારનાં વહેલા ઊઠીને મંદિરે જવા નીકળી ગયા, જેથી કરીને એમનો રોજનો નિયમ ન તૂટે.
કૃપાબેન પણ પરવારી ચૂક્યા હતા.
વહુ ઢીંગલીને નવડાવી ધોવડવી તૈયાર કરતી હતી. વિનય પણ દાઢી કરતો હતો. ત્યાજ બહારથી એક અવાજ સંભળાણો, "અલ્યા વિનય જલ્દી બાર આવ, તારા પપ્પા રસ્તાપર પડી ગયા હતા, હું એમને લઇ આવ્યો છું.."
વિનય રેઝર મૂકીને ઘરની બહાર દોટ મૂકી.
ઘરમાંથી બધાજ બહાર આવી ગયા હતા.
જ્યાં શેરીમાના એક ભાઈ મહેશભાઈને પકડીને ઊભા હતા. મહેશભાઈનાં હાથમાં મંદિર પાસેથી લીધેલ ફૂલો હતા.
"પપ્પા શું થયું,.. તમે કેમ કરતા પડી ગયા?" ઉતાવળે વિનયે પૂછ્યું.
"અરે, બહુ કઈ નહિ, આ નાનો અમથો ખાડો હતો ત્યાજ.. બસ મચકાણો છે ભાઈ પણ બહુ કઈ નથી થયું.તું ચિંતા ના કર." થોડા દર્દ સાથે મહેશભાઈ બોલ્યા.
વિનયે તરત એમને ટેકો આપી ઘરમાં લીધા. વહુએ તેમના હાથમાંથી ફૂલો લીધા અને ભગવાન પાસે મૂકી આવી.
"મોગરાની બહુ સરસ સુગંધ આવે છે," વહુ ફૂલ મૂકતા બોલી.
પણ આ જોઈને છોકરાઓ નિરાશ થઈ ગયા કે હવે પિકનિક કેન્સલ થઈ જશે. 
બધાયના મોં પડી ગયા હતા, એ મહેશભાઈની અનુભવી નજરે નોંધી લીધું અને તેમણે વિનય ને કહ્યું, "જો વિનય, મારા પગને આજે આરામ કરીશ એટલે સારું થશે.. એટલે હું નહી આવી શકું પણ તું છોકરાઓ સાથે પિકનિક જઈ આવ. એ લોકો જવાનું પ્લાનિંગ કરવામાં કેટલા આનંદમાં હતા તો હવે મારે લીધે બિચારાઓને ઘરે બેસવું પડે તો મને બહુજ દુઃખ થશે."
"પણ પપ્પા તમને કઈ જરૂર પડે તો?" વિનયે તેમનો પ્રસ્તાવ નકારતો હોય એમ પ્રતિપ્રશ્ન કર્યો.
"તો એક કામ કર તારી મમ્મી ને અહીંયા મૂકતો જા. મારી સંભાળ લેવા એ હશે એટલે તારે ચિંતા કરવાની જરૂર નહીં." મહેશભાઈ બોલ્યા એમ તરત કૃપાબેને કહ્યું, "હું પણ એજ કહેવાની હતી, છોકરાઓ અને વહુને પણ ઘણા દિવસથી લોકડાઉનને લીધે બહાર ફરવા નથી મળ્યું તો તમે આજનો દિવસ જઈ આવો. આમ પણ પૂજા પણ હજુ બાકી છે"
છેવટે બહુ સમજાવ્યા પછી વિનય તેના પરિવાર સાથે પિકનીકપર જવા નીકળ્યો.
પંદરેક મિનિટ પછી તેની કાર હાઇવે પર લાગી હશે.. ત્યાં મહેશભાઈ પલંગપરથી ઉઠ્યા, આવીને રસોડામાં કામ કરતી તેમની પત્ની કૃપાબેનને પીઠ પાછળથી પકડીને એમના કાનમાં બોલ્યા, "હું પડી ગયો એ સાંભળીને પણ તું મારી નજીક નાં આવી જોવા કે મને ક્યાં વાગ્યું છે , કેટલું વાગ્યું છે?"
"હું કઈ તમને આજથી નથી ઓળખતી,અને ખબરજ હતી કે તમે નાટકજ કરો છો." સીધા થઈ મહેશભાઇની આંખોમાં આંખ પરોવીને કૃપાબેન નટખટ રીતે બોલ્યા.
"ચાલો બાંધો હવે એ વેણી મારા વાળમાં"કહીને કૃપાબેન પાછા વળી ગયા.
"હેં.. તને કેવી રીતે ખબર પડી?" મહેશભાઈને પોતાનું નાટક પકડી પાડતી પત્નીની ચતુરાઈ પર બહુજ પ્રેમ ઉભરાણું. એમણે ખીસામાં રાખેલી મોગરાની વેણી કાઢીને કૃપાબેનનાં વાળમાં પ્રેમથી બાંધી.
"એમાં શું, જ્યારે તમે ઘરમાં આવ્યા ત્યારે મોગરાના સુંગધથી ઘર મહેકતું હતું. ત્યારેજ હું સમજી ગઈ હતી કે મારો પચ્ચીસ વરસ પહેલાનો પતિ પાછો આવ્યો છે. યાદ છે બે બેડરૂમ નાં ઘરમાં તમને જ્યારે મારી સાથે કઈક ક્ષણો એકાંતમાં કાઢવાની ઈચ્છા થતી ત્યારે તમે આજ રીતે મોગરો લઈને આવતા."
"યાદ છે ને , બધુંજ યાદ છે, પણ એના પછી શું થતું એ તને યાદ છે કે નહી?" હવે મહેશભાઈ ફૂલ રોમેન્ટિક મૂડમાં આવી ગયા હતા અને કૃપાબેન શરમથી ગુલાબી બનીને મહેશભાઈનાં આલિંગનમાં સમાઈ ગયા.
"છેલ્લા કેટલાય દિવસથી જબરદસ્તી આ બા દાદા બનીને સંયમિત વ્યવહાર કરવો પડે છે, વિનય સમજતોજ નથી કે આપણે ભલે ઉંમર વધી પણ આપણા બેઉ વચ્ચે પ્રેમ તો એજ રહેવાનું ને? અને ક્યારેક તો શરીર પણ માગણી કરેજ ને?" મહેશભાઈ બેડરૂમમાં કૃપા બેનના કાનમાં કહી રહ્યા હતા. 
"હાસ્તો વળી.. મને પણ કેટલીય વાર થતું કે તમને.." કૃપાબેનને મહેશભાઈ એ પૂરું વાક્ય બોલવાજ ન દીધી, એ પહેલાંજ અધર અને નજરથી બધુજ બોલાઈ ગયું સમજાઈ ગયું.
ઓલી બાજુ રોડ પર ગાડી હંકારતો વિનય વહુને કહી રહ્યો હતો, "હું પપ્પા મમ્મી ને આવતી કાલે જ ગામડે મૂકી આવીશ."
વહુ આશ્ચર્યમાં હતી આટલા દિવસ નાં પડતો પતિ અચાનક કેમ બદલાઈ ગયો.
પણ વિનય મનમાં કહેતો હતો, "પપ્પા મોગરાની સુંગધ નો અર્થ હું નાનપણથીજ સમજી ગયો છું.."

©® અનલા બાપટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ