વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ માણસ...!

સમીરે સિગારેટ સળગાવી, આ ચોથી સિગારેટ હતી. આજે કોર્ટમાં રજા હતી, એટલે જવાની ઉતાવળ નહોતી. પણ અત્યારે જે કેસ એના હાથમાં હતો, અને એણે જે રીતની ગણતરી માંડી હતી એ સાચી પડતી હોય એવું લાગી રહ્યું હતું. એ વિચારે સમીરનો ચહેરો હસુ હસુ થઈ રહ્યો હતો.

"યૉર ઑનર ભારતનું ન્યાયતંત્ર ગરીબ- તવંગર, માલિક -નોકરના ભેદથી પર છે. ન્યાયની દેવીએ આ બધાથી પર રહીને ન્યાય તોળવા જ આંખ પર પટ્ટી લગાવી છે. જોઈતા પુરાવા છે મારી પાસે અને બાકીના ફોટૉસ પણ આવી જશે. કોર્ટમાં આપવામાં આવેલી સફાઈ અને દલીલોના આધારે એ ચોક્કસપણે કહી શકાય કે, ડી. કે. રાય, ડી કે ઇન્ડસ્ટ્રીઝના માલિકનો દીકરો રોહિત, હોળીની સાંજે શહેરમાં જ હતો અને એણે જ તહોમતદાર શ્રુતિ પર બળાત્કાર કર્યો અને પછી એને રહેંસી...."

સમીરે એટલી હોશિયારી અને તર્કસંગત દલીલોથી એ કેસ લડ્યો હતો કે, સામેવાળાનો વકીલ તત ફફ થઈ ગયો હતો. સામેવાળો ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો છોકરો હતો એટલે એણેય શહેરનો નામાંકિત વકીલ રોક્યો હતો. 

''ધ કોર્ટ ઇઝ એડજર્ન ફોર ધ ડે..." બાકીના પુરાવાઓ એકઠા કરીને લાવવાની તાકીદ સાથે જજે ચુકાદા માટેની તારીખ પાડી હતી.

ચોથી સિગારેટ પૂરી થતા આદતવશ એણે ફ્લોર પર ફેંકી. પણ તરત કશુંક વિચારીને ઉપાડીને એશ ટ્રેમાં નાખી. કાલે સવિતા રૂમ સાફ કરવા આવી હતી એટલે આજે નહીં આવે. પોતે વિચારી રહ્યો હતો એવું કંઈક જો થાય તો..! રૂમ થોડો સાફ તો રાખવો પડે.

દસ બાય બારના રૂમમાં એકબાજુ રાઇટિંગ ટેબલ, ટેબલ પર થોડા અસ્તવ્યત કાગળિયા, પેન સ્ટેન્ડ અને ટેબલ લેમ્પ રહેતા. ટેબલની સામે એક ખુરશી તથા બાજુમાં એક ઇઝી ચેર અને એક સેન્ટરપીસ પર એશ ટ્રે તથા ન્યુઝપેપરના ઢગલા સાથે પાના પર ચાના કપના કુંડાળા સુકાઈ ગયા હોય એવા મેગેઝિન્સ પણ ત્યાં પડ્યા રહેતા. રાઇટિંગ ટેબલની ડાબી બાજુ બુક-રેકમાં ઢગલો પુસ્તકો હતા, થોડા વકીલાતના અને ન્યાયશાસ્ત્રના થોથાંના જૂના પીળા પડી ગયેલા દાગવાળા પાના એકબીજા સાથે ચોંટી ગયા હતા, જેથી ખ્યાલ આવતો હતો કે વર્ષોથી કોઈએ એને હાથ નથી લગાડ્યો. તે સિવાય લોન્ડ્રિ બાસ્કેટ, ડસ્ટબીન પણ પડ્યા રહેતા જેનો સમીર ભાગ્યે જ ઉપયોગ કરતો. બ્રિટિશરોના જમાનાના શ્રેષ્ઠ ચુકાદા જેવી એકાદ પેઇન્ટિંગ અને કી સ્ટેન્ડ દિવાલ પર ટાંગેલા હતા. રંગના પોપડા વચ્ચેની જગ્યામાંથી દિવાલ પોતાની સાથે કદીક ન્યાય થશે એ આશાએ તાકી રહેતી. પણ આવા ભૂખડીબારસ રૂમ પર એક રૂપિયોય ખર્ચ કરવાનું સમીરનું મન નહોતું. 

રૂમમાં એક મોટી બારી હતી, સ્લાઈડીંગ કાચવાળી. જેને એ દેશી ફ્રેન્ચ વિન્ડો કહેતો. હંમેશા એ બારી પર ધૂળનું આવરણ રહેતું. બારીના બાલ્કની તરફ પડતા ભાગમાં બેય ખૂણે એક એક ફ્લાવાર વાઝ હતો, જેમાં આર્ટિફિશીયલ મની પ્લાન્ટ રાખેલા. બારી પાસે એક નાનકડું પ્લેટફોર્મ, જેના પર ચા અને ગરમ પાણી થઈ શકે એટલો સામાન અને એક ગેસ સ્ટવ રહેતો. સામેની બાજુ બેડ અને બે જૂના લાકડાના કબાટ જેમાં કપડા અને બીજી જરૂરી વસ્તુઓ રાખી શકાય. ત્યાંથી બહારની બાજુ પડતી ગેલેરીમાં ટોયલેટ, બાથરૂમ હતા.

રૂમની ખાડા પાડી ગયેલી લાદી પર ઠેર ઠેર ચાના દાગ, સિગારેટના ઠૂઠા પડ્યા રહેતા. પણ સમીરને એની પરવા નહોતી. એકાંતરે રૂમ સાફ કરવા આવતી સવિતા, સિગારેટ એશ ટ્રેને બદલે જમીન પર નાખવા બદલ અને ક્યારેક લાદી પર જ દાબીને બુઝાવવા બદલ થોડો બબડાટ કરતી. પણ સમીર એને કદી ગણકારતો નહીં. સમીરને પોતાને ખાસ એવી ચોખ્ખાઈની પડી નહોતી.

હા, પણ પેલો માણસ તદ્દન કચકચીયો હતો. પેલો, જે એની સાથે જ રૂમમાં રહેતો. સમીરને એ બહુ ગમતો નહીં એટલે એ એનુંય ખાસ માનતો નહીં, પણ એને છોડીને જઈ શકાય એમ પણ તો નહોતું. જો કે એટલું સારું હતું કે એ રોજ ન આવતો અહીં. છતાં આવે ત્યારે સમીર પર રીતસર હુકમો છોડતો જાણે..

"આ કપડાં નાહીને બાથરૂમમાં નહીં રાખવા, લોન્ડ્રિ બાસ્કેટમાં નાખ ચાલ.."

"ફૂડ પાર્સલમાંથી ફૂડ ખાઈ લીધા પછી એલ્યુમિનિયમ ફોઈલ, પ્લાસ્ટિક બેગ પ્લેટફોર્મ પર એમજ મૂકી દેવાની? ડસ્ટબીન શેના માટે છે?"

સમીર ચિડાતો.. સાલ્લો મારો બાપ હોય એમ જાણે!

બાપ તો.. હા યાર! બાબા પણ ગામડે બેઠા બેઠા આવી જ સલાહો આપતાં.

હું નહીં આ સાલો એમનો દીકરો હોય એમ લાગતું. ચોખ્ખાઈ... નિયમિતતા... ઈમાનદારી... ન્યાય.. તંબૂરો..!! એમાને એમાં તો બાબા ગામડાના બે રૂમના ઘરમાં જ રહી ગયા. અને આય સાલો એમજ મરવાનો. પણ હું નહીં, મારે કરોડો કમાવવા છે. એની હાઉ, એટ એની કોસ્ટ. પણ તોય સમીરને ક્યારેક પેલાની વાત ધરાર માનવી જ પડતી. એ પૂરી કોશિશ કરતો કે ન જ માને, તોય.. તોય..

કદીક સમીર એ માણસથી બિલકુલ અલગ થઈ જવાનું વિચારતો પણ હજુ એ સમય નહોતો પાક્યો. આ રૂમ પણ તો એના વિશ્વાસે જ મળેલો હતો. એની ઈમાનદારી, સલૂકાઈને લીધે સમીરને થોડા ઘણાં કેસ મળતા. જો કે, એ નાના નાના કેસીસમાં બ્રેડ બટર સિવાય ખાસ કંઈ વળતું નહીં. કરોડો કમાઈ શકે એવા કોઈ કેસના કેશમાં એને રસ હતો એ માટે પણ પહેલા શાખ તો જમાવવી જ પડે!

આ કેસ કદાચ એ જ મોકો હતો જેની સમીર રાહ જોઈ રહ્યો હતો. અને એટલે જ એણે મામૂલી ફી લઈને પણ ગરીબ છોકરી શ્રુતિનો કેસ હાથમાં લીધો અને ખૂબ ચગાવ્યો, સોશિયલ મીડિયા, ન્યુઝ પેપર, નારી મોરચા અને કેસ જીતવાની પૂરી કોશિશ કરી, જે અલમોસ્ટ સફળ રહી. પણ ખરો દાવ તો હવે રમવાનો હતો. જો, સમીરે જે ધાર્યું હતું એવું થાય તો...અને થશે જ એવી સમીરને ખાત્રી હતી.

સમીર પોતાની જાતને તૈયાર કરતો. કરોડોના સપના અને વૈભવી લાઈફ સ્ટાઇલની હવા મગજમાં ભરાતી, બરાબર ત્યારેજ પેલો માણસ આવીને એમાં પંચર પાડી જતો.

રૂમની દિવાલ પર બુક-રેકની બરાબર સામે એક આદમ કદનો અરીસો હતો. રૂમના રાચ-રચીલામાં એજ કદાચ એવી વસ્તુ હતી જે સમીરને ગમતી. અરીસાની ફ્રેમ કોતરણીવાળી હતી. પાંચ ફૂટ અગિયાર ઇંચનો કસરતી બાંધો ધરાવતો અઠ્ઠાવીસ વરસનો સમીર જયારે એ અરીસામાં જોઈને વાળ ઓળે કે સન સ્ક્રીન લોશન લગાડે ત્યારે એને પોતાને થતું કે 'યાર! ક્યાં હું આ વકીલાત કરવા માંડ્યો! કોઈ ફિલ્મ કે સિરિયલમાં કામ કરી શકું એવી પર્સનાલિટી તો છે જ. જલ્દી જ એક સેલિબ્રિટી જેટલું કમાઈ લેવાય.'

એ જયારે પેલાને આવું બધું કહેતો ત્યારે પેલો વળી કોઈ સુફિયાણી સલાહ મોઢા પર મારતો જેમ કે, "સમયથી પહેલા અને કિસ્મતથી વધારે કોઈને કદી... એટસેટ્રા..એટસેટ્રા..બૂલશીટ..!!" સમીર કાન પર હાથ દાબી દેતો.

ન્યાશાસ્ત્રના થોથાં પર ચીતરેલી ન્યાયની દેવીને સમીર કદીક તાકીને જોઈ રહેતો. આંખે પટ્ટી અને હાથમાં ત્રાજવું, કોર્ટમાં પોતે જ કરેલી દલીલ યાદ આવતા એને હસવું આવ્યુ. એવું જ કંઈક એ માણસ પણ કહેતો કે,

 "ન્યાય તોળતી વખતે કોઈ પક્ષપાત આંખે ન વળગે અને નિષ્પક્ષ ન્યાય થાય માટે ન્યાયની દેવીએ આંખે પટ્ટી લગાવી છે."

ત્યારે સમીર ખડખડાટ હસી પડતો. કહેતો, "બેવકૂફ, વેદિયો છો તું અને તારું અર્થઘટન બેય."

આંખે પટ્ટીનું સમીરનું અર્થઘટન જુદું હતું,

"આંખ હોવા છતાં આંખે પટ્ટી! ગાંધારી જેમ જ તો, પુત્રો આંખ સામે ખોટું કરતાં રહ્યા પણ ગાંધારીની આંખોએ ક્યાં જોયું? જેટલું જોવું હોય એટલું જ જોવું બાકી તો આંખે પટ્ટી..સગવડીયો ધર્મ, હા હા હા. ફેર લેડી જસ્ટીસ, ફક ધ બ્લાઇન્ડનેસ.. બિયોન્ડ ધ બેરિયર્સ જોવું હોય તો આંખેથી પટ્ટી ઉતારવી પડે, જે તારા જેવાની સમજથી બહાર છે."

જયારે પેલાની વાતો સહન ન થાય ત્યારે એ "ગેટ લોસ્ટ..!" જોરથી ચિલ્લાતો અને પેલો ચુપચાપ ત્યાંથી જતો રહેતો. પરંતુ એની આંખોમાં કશુંક એવું હતું જે સમીર ખમી ન શકતો. અને એટલે જ એનાથી આંખ મેળવવાનું ટાળતો. એને થતું એય આંખો પર પટ્ટી બાંધી દે, એટલિસ્ટ પેલો આવે ત્યારે.

પણ આજે એ માણસ એકદમ ખુશ લાગતો હતો. એણે સમીરને શાબાશી પણ આપી. "ગ્રેટ ડીડ બડી! મેં જોયું હતું કોર્ટમાં કે પેલી શ્રુતિનો ગરીબ બાપ તારી પાસે પાસે આવીને તારો ઉપકાર માનતો રડી પડ્યો હતો. મામૂલી ફી લઈને પણ તે જે ઈમાનદારી અને શિદ્દત્તથી કેસ લડ્યો, પુરાવા માટે જે મહેનત કરી, કરી રહ્યો છે. આઈ એમ પ્રાઉડ ઑફ યુ. આ ઈમાનદારી, આ કામ પ્રત્યેની ધગશ તને ...."

''ઓહહ.. ઉફ્ફ.. પ્લીઇઇઇઝ ચૂપ. ઈમાનદારી પર કોઈ નિબંધ નહીં. એ છોકરીનો બાપ! ઇમોશનલ ફૂલ.. એ શું કહેતો હતો મને ખબર જ નથી. મારી નજર ડી.કે. પર હતી. મેં એના ચહેરા પર જે વાચ્યું એ સાચું હશે તો..."

"તો..?! "

અને જાણે એ 'તો' ના પડઘારૂપે ડોરબેલ વાગી. સમીરે આઈ ગ્લાસમાંથી જોયું, એના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. વિજયનું, પોતાની આબાદ ગણતરીનું, નફિકરુ હાસ્ય... એણે બે-ચારવાર ઘંટડીઓ વાગવા દીધી. પેલા માણસને ફટાફટ ત્યાંથી હટવાનું કહ્યું, પછી દરવાજો ખોલ્યો.

"તમે?!" સાચે જ આશ્ચર્ય થયું હોય એમ સમીર બોલ્યો.

''ઓહ! કમ'ઑન સમીર દેસાઈ. કોર્ટમાં તમારી આંખોએ આપેલા આમંત્રણથી જ હું આવ્યો છું. એમાં નવાઈ શું?" દરવાજા પર ઊભેલો ડી. કે. બોલ્યો.

"જી!" સમીરે અજાણ્યા હોવાનો ડોળ કરતાં ડી. કે.ને રૂમની અંદર આવકાર્યો.

ખુરશી પર બેઠક લેતા ડી.કે.એ એક બ્રિફકેસ સેન્ટરપીસ પર મૂકીને ખોલી. "ફોર્માલિટીનો સમય નથી, આના બદલે રોહિતના એ દિવસના વ્હેરઅબાઉટ્સના પુરાવાઓ અને એ ફોટોગ્રાફસ મને આપી દો.." ડી. કે. સીધું જ બોલ્યો.

બ્રિફકેસની ગુલાબી નોટો જોઈને સમીર અંદરથી પાણી પાણી થઈ ગયો. પણ આટલો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જલ્દી હાથમાં ન આવે. આટલા રૂપિયા તો સમીર એનો કેસ લડ્યો હોત તો ફીસ તરીકે પણ મળ્યા હોત..!

"તમે ખરીદશો મને?" સમીર વધારે મોણ નાખતા બોલ્યો.

"વેલ, જે કંઈ વેચાતું હોય, એ બધું ખરીદવાની તાકાત છે મારી." ડી. કે. બોલ્યો.

"પણ કિંમત..?" બેફિકરાઈથી ખભા ઉલાળતો રેકના પાછળના ભાગે પુસ્તકો પાસે જઈને ઊભા રહેતા હસીને સમીર બોલ્યો. પૂઠા પર ન્યાયની દેવીના ચિત્રવાળું એ પુસ્તક ઉપાડીને એણે એની ઉપરની ધૂળ રજોટી. એની અને ડી. કે.ની વચ્ચે ધૂળની હલકું આવરણ આવી ગયું. ન્યાયની દેવીનું ચિત્ર ચોખ્ખું દેખાયું.

ઊભા થઈને હાથથી એ ધૂળ હટાવતા ડી. કે.એ કહ્યું, "આ માત્ર એના વ્હેર અબાઉટસના પુરાવા મને સોંપવા બદલ, ફોટો-ગ્રાફ્સ માટે એક બીજી બેગ અને..." બોલતા ડીકે ઊંધો ફરીને દરવાજા તરફ ગયો.

"અને.."

"નોઓઓ..સમીર તું આવું ન કરી શકે. શું કરી રહ્યો છે તું આ? પુરાવા વેચે છે?"

સમીર ચિડાયો. પેલો કચકચીયો વળી આવી ગયો! અને રેકની બીજી તરફ ઊભો ધીરેથી ડબકા મુકતો હતો.

"અબે યાર.. શીઇઇઇઇઇ ચૂપ મર!" સમીરે એને ચૂપ કરાવ્યો, અને પોતે દરવાજા તરફ ગયો.

"અને..?!" ડી. કે.એ અધૂરા છોડેલા વાકયને ઉપાડી લેતા સમીરે પ્રશ્નાર્થ ફેંક્યો.

"શ્રુતિનો કેસ હારી ગયેલ મિ.સમીર દેસાઈ લાખોના પગાર સાથે ડી. કે. ઇન્ડસ્ટ્રીઝની દેશની બધી જ બ્રાંચના હેડ લીગલ અડવાઇઝર. જો ઈચ્છા હોય તો પુરાવાઓ આપીને બીજી બેગ લઈ જજો." ડી. કે. ત્યાંથી નીકળી ગયો.

દરવાજો બંધ કરીને સમીર ઈઝી ચેર પર બેઠો, સિગારેટ સળગાવી. ઊંડો કશ લઈને છોડ્યો, રૂમમાં ધુમાડો ભરાઈ ગયો. એણે બારી ખોલી. આથમતો સૂર્ય અજવાળું ખાઈ જતો હોય એવું લાગ્યું. એ સૂટકેસ તરફ જોઈ રહ્યો. ઢગલો રૂપિયા, આલીશાન લાઈફ સ્ટાઈલ...એના ચહેરા પર સ્મિત આવ્યું એણે સૂટકેસ લેવા હાથ લંબાવ્યો.

"ફેંક આ સૂટકેસને દૂર.." પેલાએ ગુસ્સે થઈને કહ્યું.

સમીર થડકી ગયો, ક્ષણભર માટે હાથ હટી ગયો એનો.

"હવે કંઈ બોલીશ નહીં તું, આવો મોકો વરસોમાં એકાદ આવે, કાલે હું પુરાવાઓ ડી. કે. આપી આવીશ પછી લાઈફ સેટ." થોડી કડક મુખમુદ્રા સાથે સમીર બોલ્યો.

"પણ.."

"પણ બણ કંઈ નહીં..." સમીરે સૂટકેસ સંભાળીને કબાટમાં મૂકી દીધી.

પેલો કંઈ બોલે કે દલીલો કરે અને વળી એ દલીલના જવાબ આપવા પડે પહેલા સમીર કાન પર તકિયો દબાવીને પલંગ પર ઊંધમુંધ ઊંઘી ગયો.

***

'તુમ દિલ સે અગર પૂછોગે, વો ખુશ રહેના હી ચાહે.. જબ સચ્ચે મન સે માંગો તો મિલ જાતી હૈ રાહે... '

ત્રીજીવાર રિંગ વાગી ત્યારે સમીરની આંખ ઉઘડી. એણે થોડા કંટાળા સાથે  હાથ લાંબાવીને ફોન ઉપાડ્યો. ત્યાં રિંગ પૂરી થઈ ગઈ. ગામડેથી બાબાના ત્રણ મિસ્ડ કોલ હતા. સમીરે સુતા સુતા જ ડાયલ કર્યું..બાબાના કોલર ટ્યુનમાં તૈતિરીય ઉપનિષદનો મંત્ર સુમધુર સ્વરોમાં સમીરના કાને પડ્યો.

   ओम्  सत्यं वद, धर्मंम्  चर, स्वाध्यायान्मा प्रमदः ।

   ओम्  सत्यं वद, धर्मंम्  चर, स्वाध्यायान्मा प्रमदः ।

સમીર ફડાકથી પથારીમાં બેઠો થઈ ગયો.

"જય શ્રી કૃષ્ણ બેટા..." ફોન ઉપાડીને બાબા બોલ્યા

"જય શ્રી કૃષ્ણ બાબા.."

"તારા કેસ વિશે છાપામાં વાચ્યું, ખૂબ સારું લાગ્યું. આમજ ઈમાનદારી અને નૈતિકતાથી ખૂબ પ્રગતિ કરો દીકરા..." બાબા બોલતા રહ્યા. સમીર સ્તબ્ધ થઈ ગયો.

આવું જ કંઈક એ માણસ પણ બોલતો હતો. ફોન મુકાઈ ગયા પછીયે એ થોડીવાર જડવત બેઠો રહ્યો. પછી માથું ઝાટકીને ઊભો થયો. ફટાફટ ફ્રેશ થઈને એણે કબાટમાંથી પુરાવાઓનું કવર કાઢ્યું. જેમ બને એમ એ, એ કવર જલ્દીથી ડી. કે.ને પહોંચાડવા માંગતો હતો. રખેને પેલો માણસ ફરી આવી જાય અને..

એ ફટાફટ તૈયાર થવા લાગ્યો. ત્યાં જ... 

"ના સમીર, તું એવું નહીં કરે..આઈ સેઇડ નો." ખરડાને કાયદો બનાવતો હોય એવો, એ માણસનો અવાજ રૂમમાં ગુંજ્યો.

"પુરાવાના કવર નહીં. આ હરામના પૈસાની બ્રિફકેસ ડી.કે.ના માથા પર મારી આવ..."

સારા કામમાં અપશુકન થયું હોય એમ સમીર ચિડાયો.

"અરે તારી તો..! તું કોણ મને રોકવાવાળો? હું જઈશ. એટલે જ તો હું કેસ લડ્યો.. મારે રૂપિયા જોઈએ છે. આવા દસ બાય બારના રૂમમાં જિંદગી..."

"અને પેલી છોકરીની જિંદગી, જિંદગી નહોતી? એના બાપે તારા પર ભરોસો કર્યો એનુ શું? લોકો તને આ કેસનો હીરો માને છે, તારી મહેનતને બિરદાવે છે એ લોકોના વિશ્વાસનું શું? અને સૌથી મોટી વાત ન્યાયનું શું?.." પેલાએ થોડા ઉંચા અવાજમાં કહ્યું.

"એ મરી ગયેલ છોકરી હવે પાછી તો આવશે નહીં! એતો મેં કેસને હાઈપ આપવા આવું કર્યું. મોટા બાપના દીકરાની ઈજ્જત મોટી, જિંદગીની કિંમત મોટી, એ ઈજ્જત બચાવવાની રકમ પણ મોટી... અને લોકોનું શું છે? એમની નજરમાં હું હીરો જ રહીશ. એ લોકો ચાર દિવસ ગાશે..'યે અંધા કાનૂન હૈ...' પછી રાત ગઈ, વાત ગઈ.. બધા પોતાના રસ્તે અને મારી લાઈફ સેટ..." સમીર થોડું વિકૃત કહી શકાય એવું હસ્યો.."વેરી ઇઝી, ફેર લેડી જસ્ટીસ, ફક ધ..."

"સ્ટોપ ઈટ સમીર, એ અર્થઘટન એટલું સહેલું નથી જેટલું તું બોલે છે, એટલું સસ્તુંય નથી જેટલું તું મૂલવે છે.." પેલો ગુસ્સે થઈ ગયો હોય એવું લાગતું'તું.

"ફેર ધ ગોડેસ જસ્ટિસ, બી ફેર ટુ ડેવિનિટી. આંખ હોવા છતાં આંધળા બનીને રહેવુ, દર્દ મહેસુસ થતું હોવા છતાં ચહેરા પર પીડાની રેખા ન લાવવી અને નિરપેક્ષ રહેવુ બહુ અઘરું છે. સહેલું તો આ છે જે તું કરે છે. પણ, આ તારા સંસ્કાર નથી. તુ તારી જડોથી, તારી જમીનથી અલગ ફાંટો પકડી રહ્યો છે. આગળનો રસ્તો નહીં મળે તને. આ પૈસા, આ કમાણીનું સુખ તુ નહીં માણી શકે...સત્યમ વદતિ, ધર્મમ ચરતિ.."

"બસ બસ...! તું બાબા જેવું જ બોલે છે." કાન પર હાથ દાબતા સમીર બોલ્યો, હવે એનુ મગજ ફાટ ફાટ થતું હતું. ''મારે જેમ કરવું છે એમજ કરીશ, મારા સપના, મારી મહત્વકાંક્ષાઓ વચ્ચે હવે તું નહીં આવે. હું તને ખતમ જ કરી નાખીશ. કાં તું રહીશ,કાં હું... "

એ માણસ ખડખડાટ હસ્યો. "એકઝેટલી સમીર. બેમાંથી એક જ રહીશું. પણ રહીશ તો હું જ." આંખમાં આત્મવિશ્વાસની ચમક સાથે એ બોલ્યો.

કંઈક વધારે જ અકળાઈ ગયો સમીર. એનો શ્વાસ ફુલવા લાગ્યો. ગુસ્સામાં બારી પર પડેલો ફ્લાવર વાઝ ઉપાડ્યો અને જોરથી પેલા સામે માર્યો....

ખણણણ... ખણ..એ આદમ કદનો અરીસો તૂટ્યો.

હાંફતો સમીર બે હાથ વચ્ચે માથું દબાવીને જમીન પર બેસી ગયો. એની આંખમાંથી આંસુનું ટીપું ખરી પડ્યું. થોડીવારે ખભા પર કોઈનો વાત્સલ્યમય, સાંત્વનામય હાથ પડતા એ ઉભો થયો.

એ માણસ અરીસામાંથી નીકળીને એની સામે હસતો ઊભો હતો. ધીરેકથી એ બિલકુલ નજીક આવીને સમીરમાં સમાઈ ગયો. અને છુટ્ટા મોઢે રડી પડ્યો સમીર! થોડીવાર પછી મોઢું ધોઈ તૈયાર થઈને એ ડી.કે.ને મળવા નીકળી પડ્યો, પૈસા ભરેલી બ્રિફકેસ લઈને.

*************

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ