વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમફળ

પ્રેમફળ 

 

"હેપ્પી વેલેન્ટાઈન ડે, વાહ તારા ગાલ હવે સારા ભરાયા છે. પકડવાની મજા આવે  છે." દર વખતની જેમ આવીને એ ગાલ ખેંચી વ્હાલ કરી ગયો. મલકાઈ, ઘડીક હાથ અટકી ગયા.

 

"દાઝવાની વાસ આવે છે, એકસરખું હલાવ નહીં તો મહેમાનોને બળેલી દાળની વેઢમી ખવડાવવી પડશે", બહારથી સાસુનો અવાજ આવતાં જ ચોંકી હું. સાચે જ ચોંટવાની શરૂઆત થઇ ગઈ હતી. મેં નીચેથી ચીમળાઈ ગયેલી લાલ દાળ ઉપર કરી. ઝડપભેર ફરતા તવેથા સાથે વિચારો પણ ઉથલપાથલ થઇ ગયા.     

 

"આટલી માયકાંગલી રહીશ તો આગળ કામ કેમ કરીશ અને પરણશે કોણ તને?" મને  રોજ કોઈને કોઈ ટોકતું. બસ આમ હું મારો આત્મવિશ્વાસ ખોતી જતી હતી. ભણવામાં અવ્વલ છતાં મારી હોશિયારી ફક્ત પાઠ્યપુસ્તકમાં સમાઈ જતી. જાહેર કાર્યક્રમ કે હરીફાઈમાં ભાગ લેવાની મારી હિંમત  ક્યારેય ન થઇ. 

 

ઘરમાં અતિ શિસ્તમાં ગૂંગળાઈ જવાય એવું વાતાવરણ. પપ્પાના ધાકના કારણે  ઊંચે અવાજે બોલાય જ નહીં. તેમાં પાછી હું છોકરી અને ભાઈ-બહેનોમાં મોટી!  એટલે "તારે સમજી જવાનું" ના રટણમાં મારા અરમાનોનો ભોગ મેં હસતા હસતા આપી દીધો.  નાના ભાઈ-બહેનોની સંભાળ લેતાં તેમની મા બની જતી ત્યારે મને વીંટળાતા નાનકાઓને જોઈને થતું મને બધા કેટલો પ્રેમ કરે છે!

 

"હવે થોડી સારી દેખાય છે. પણ સાચવજે હ કોઈ કુંડાળામાં પગ ન પડી જાય." બધા કહેવા લાગ્યા. હું સાંભળીને  શરમાઈ જતી.

 

યુવાનીની વસંત પાંગરતા અંગેઅંગ ખીલી ઉઠ્યા. શરીર ભરાતા વાન બદલાયો. ફુગ્ગામાં હવા ભરાય તો તેના પરનું ચિત્ર બરાબર દેખાય તેમ મારુ અંગ ભરાતાં દેહના આકારો ઉભરવા માંડ્યાં. યુવાનીએ મારા મન પર પણ કબજો જમાવ્યો.  સ્વપ્નનાં રાજકુમાર વિશે વિચાર આવવા માંડ્યા. ભણવા પરથી ધ્યાન થોડું બીજે ખસ્યું. મને એક નવયુવાન ગમવા માંડ્યો. હું સમજી 'મને પ્રેમ થઈ ગયો છે!' 

 

"તું શરમાય છે એ મને બહુ ગમે છે. તારું રૂપ દિલોદિમાગ પરથી હટતું નથી." મારો રાજકુમાર કહેતો ત્યારે શરમથી મારી આંખો ઢળતી ,વાન ઓર ખીલી ઉઠતો. બહુ થોડાં જ સમયમાં રાજકુમાર પર સમાજનો થોડો તાપ વધ્યો ને  ઝાકળની જેમ ઉડી ગયો. 

 

"તારી જ ભૂલ હતી. આવા છોકરાનો તો કંઈ ભરોસો થાય?" સાંત્વના આપવાની વાત તો ઠીક, મારો વાંક ગણી મને આરોપી બનાવી દેવામાં આવી.  

 

બે વર્ષ પછી ભાભીના સગામાં એક લગ્નમાં જવાનું થયું. ત્યાં ભાભીનાં ભાઈ રોહિતની નજરમાં હું વસી ગઈ. રોહિતે મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા ઘરમાં વ્યક્ત  કરી. 'સાટુપાટુમાં બે ઘર બળે.' બંને ઘરમાં વિરોઘ થયો. મારા આગળના રાજકુમારની છાયા રોહિતમાં દેખાતી હતી. ખબર નહીં કેમ રોહિત પાછળ એટલી ખેંચાતી ગઈ કે મા-બાપની નારાજગી વહોરી મેં ભાભીના ઘરમાં પ્રવેશ કરી લીધો.  

 

"દુનિયા ગમે તે કહે આપણે સુખી દાંપત્યની મિસાલ બનીશું। અરે શિવ-પાર્વતીને પણ ઈર્ષ્યા આવે એવું જીવન જીવીશું." વચનની આપલે થઇ. મેં અને રોહિતે પ્રોમિસ ડે ઉજવ્યો.

 

"જે પોતાના મા-બાપની નથી થઈ તે કોની થશે?" સાસરે આવ્યા પછી વારેઘડી આ  વાત સાંભળવા મળતી.  

 

હવે મને ખબર પડી કે ઘર માંડવા માટે પતિના પ્રેમની સાથે ઘરના બધાનો પ્રેમ જીતવો  જરૂરી છે. સાસુનો અણગમો આંખે વળગે તેવો હતો. સસરાએ ઘરની વાતમાં રસ લેવાનું મુનાસિબ  ન માન્યુ. મન મનાવ્યું થોડા દિવસોમાં બધું થાળે પડી જશે. આખો દિવસ ઘરકામ કરવાની ટેવ નહીં ઉપરથી કોઈની લાગણીની હકદાર નહીં. રાત્રે માત્ર પતિની સાથે વાત થઇ શકતી.  તન-મનથી હું થાકી જતી. 

 

મહેમાનોનું ઘર એટલે  મહિનામાં બહુ થોડા દિવસ પતિ સાથ વાત કરવાનો મોકો મળે. કદાચ ઉદ્દેશથી!

 

"જો સાંભળ,  તારે ત્યાં ત્રણ  વર્ષ સુધી બાળક ન આવવું જોઈએ. હજી તારી જેઠાણીને ત્યાં પારણું નથી બંધાયું. તેને ત્યાં કંઈ આવે પછી જ વિચારજે." સાસુના મુખેથી વાત સાંભળી હું ડરી ગઈ. 

 

મને બાળકનો ડર લાગવા માંડ્યો. "નથી જોઈતું બાળક મને, મારું  જ ઠેકાણું નથી ત્યાં બીજા જીવને ક્યાં?" વિચારતા મારી આંખમાં પાણી આવી જતાં.

 

કરમ પીટે... એક સવારે જીવ બહુ મમળાવવા લાગ્યો. બાથરૂમમાં જઈ ઉલ્ટી કરી આવી ત્યારે સારું લાગ્યું. સાસુનું કેલેન્ડર તરફ ધ્યાન ગયું. હું  ડરી ગઈ. હવે શું?

 

"ના પાડી હતી. કોણ જાણે શું ઉતાવળ. પોતાના તો ઠેકાણાં છે નહીં ને."

 

બીજે દિવસે સવારે ઉઠી તો નવાઈ લાગી  મારા પહેલા સાસુજી ઉઠીને રસોડામાં કંઈક કરી રહ્યા હતા.

 

"આ ઉકાળો પી લે પહેલા."

 

"શેની દવા લેવાની છે આજે મારે?  મને કંઈ નથી થયું." મરીનો ઉકાળો પીવાઈ ગયો. એટલો તીખો હતો કે આખા પેટમાં ઝાળ બળી ગઈ. આખો દિવસ ઘરમાં કૂચકૂચ ચાલી, મને ન સમજાયું, શું છે? 

એમ કરતાં સાત દિવસ ઉકાળો પીધો પણ સાસુને જે કરવું  હતું તે ન થયું.

 

"પપૈયું લાવજે આજે." સાસુએ રોહિતને ઓર્ડર કર્યો. સાત દિવસ વળી પપૈયું ખાધું. પણ સાસુને સંતોષ ન થયો. 

 

"લે પેટ પર આ બાંધી લે." કરી મોટા કટકામાં કંઈક બાંધીને આપ્યું. ચાર દિવસ ચાલ્યું.  સાસુના કહેવાથી કંઈ થોડું થઇ જાય? ન થયું.

 

એક સવારે હું ઉઠી ત્યારે  ખાટલા પાસે પેપરમાં આવેલી જાહેરાત પડેલી જોઈ . 'ફક્ત પાંચસોમાં ગર્ભપાત'

 

"પહેલું છે. ન કઢાવાય. પાછળથી મૂશ્કેલી આવે. તું જે ખાય છે તે ખવડાવજે. જે તે એનું નસીબ લઈને આવે છે." બાપડા ડોક્ટરને શું ખબર? હું દવાખાનેથી પાછી એમ જ આવી.

 

ઘરે આવી તો મેં કોઈ મોટો ગૂનો કર્યો હોય એવું  વર્તન થવા લાગ્યું પણ હું તો પેટના વધતા ભાર તરફ ખેંચવા લાગી. દિવસમાં કેટલીયે વાર પેટ પર હાથ ફેરવતાં ધન્યતા અનુભવતી.

 

 "આ ગર્ભનો નાશ કરવા માટે કેટલુંયે થયું છે, એને કોઈ નૂકશાન તો નહીં થયું હોય ને?" વિચારતા મને પરસેવો વળી જતો. કોઈ કહે સારું વિચારીયે, સારું ગ્રહણ કરીયે તો બાળક શ્રેષ્ઠ આવે. હું ખુશ રહેવા લાગી.  મને નાનપણથી વિજ્ઞાનનું ઘેલું. એટલે નજર સમક્ષ આઇન્સ્ટાઇનનો ફોટો રાખ્યો કે જેથી મારુ બાળક તેના જેવું બને! 

 

સમય જતા એક સવારે બારીએથી મંદ મંદ વહેતી પવનની લહેરખી સાથે, સૂર્યના કુમળા તડકાના આશીર્વાદ  લઈ મેં મારા કાળજાના કટકાના વધામણાં કર્યા. દીકરાએ આંખ ખોલી સંબંધની સ્વીકૃતિ આપી. અમે પ્રપોઝ ડે ઉજવાયો.

 

અણગમતા બાળક પર કોઈ સ્નેહ કેમ વરસાવે? પણ મારા માટે મારું  બાળક સર્વસ્વ. જીવવાનો એકમાત્ર આધાર. બાળઉછેરમાં એવી ખોવાઈ કે  હું દુનિયા ભૂલી ગઈ. નાની નાની વાતોની કાળજી લેતી ત્યારે તેને બધા વેવલાવેડા કહેતા. સમય અને શક્તિ મારા દીકરાના ચરણે ધરી દીધા.  

 

હું  જ દબાયેલી તો બાળકને મુક્ત વાતાવરણ ક્યાંથી મળે? 

 

"મારી સાથે જે પણ અન્યાય થયો તે મેં સહન કરી લીધો પણ દીકરાની સાથે એવું થવાનું હોય તો મારે આ ઘરમાં નથી રહેવું." જયારે મેં એક દિવસ માથું ઉચક્યું ત્યારે બધા અવાક બની ગયા.  આગળ હું કઈ ન કરી શકી. મારા દીકરાને થતા અન્યાય જોઈ ચુપચાપ બાથરૂમમાં જઈને રડી લેતી.

 

દીકરાને કોઈ વસ્તુની ટેવ ન પડે તેની મેં કાળજી રાખી પણ એક દિવસ કેડબરી જોતા દીકરાએ જીદ પકડી. બધા તરફથી ઠપકો સાંભળી હું રડી. 'બાળક છે ક્યારેક તો જીદ કરે ને?' બીજી દિવસે ચોકલેટ લાવી,  ખવડાવી ત્યારે મા-દીકરાએ ચોકલેટ ડે ઉજવ્યો. 

 

"ભણતરનો દુનિયામાં કોઈ વિકલ્પ નથી" એવું દીકરાને હું કાયમ સમજાવતી. 

 

"આપણે તો નહીં ભણીયે તો પણ ચાલશે. ગામમાં કોઈ નાનું કામ તો મળી જ જશે ને!" દીકરા માટે  મજાકમાં વડીલોના મોઢેથી સાંભળેલા શબ્દોથી મારુ હૃદય ચિરાઈ ગયું. તે દિવસે મે ચોટલી બાંધી કે 'આખા કુટુંબમાં મારો દીકરો સૌથી વધુ ભણ્યો હશે.'  બધી જવાબદારી સામે લડતા થાકી જતી ત્યારે હું દીકરાને ભેટીને રડી લેતી. બદલામાં દીકરો બચીઓથી નવડાવી દેતો. યાદ છે એ હગ ડેઝ અને કિસ ડેઝ.

 

"કેવો જુલમ કર્યો બેટા મેં, ભણવાના દબાણમાં  તને બાળપણ પૂરું માણવા ન દીધું." હજી રડી લઉં છું હું કેટલીયે વાર યાદ કરીને.

 

તું કુટુંબમાં  સૌથી વધારે ભણ્યો ખરો હ અને સૌથી વધારે કમાતો પણ થયો! 

 

"મમ્મી વેઢમી બહાર નથી મળતી? રસોઈ માટે કોઈને કેમ નથી બોલાવતી? બેસ મારી બાજુમાં, તારે હવે કઈ નથી કરવાનું." હાથ ખેંચી દીકરાએ મને પરાણે સોફા પર બેસાડી. 

 

તેના હાથની હૂંફના તાપથી હું પીગળવા માંડી. આંખે પલકારો મારતા રેલાતો પ્રેમ ગાલે આવી પહોંચ્યો.

 

હજી કંઈ કહું તે પહેલા તો "લવ યુ મા". એનાં ખડખડાટ હાસ્યથી ગભરાઈ મારી બધી ફરિયાદો ભાગી ગઈ.  મેં એને માથે હાથ મૂકયો, મને "લવ યુ યુ ટુ" કહેવાની જરૂર ન જણાઈ

 

આ અમારા મા-દીકરાની પ્રેમકહાની! પ્રેમબીજનું ફળ અગણિત પ્રેમફળ જ હોય!    

 

વંદના વાણી






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ