વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિહંગા

રૂની પૂણી જેવા, સફેદ-દુધિયા અને મખમલી વાદળોથી ઘેરાયેલું વિમાન ઘરેરાટી કરતું વાદળોની બહાર નીકળીને આગળની દિશામાં વેગ પકડતું થયું. ધીમે ધીમે એ ઊંચે ને ઊંચે જતું હતું. પાયલોટ સીટ પર બેઠેલી પાયલોટ ડ્રેસમાં સજ્જ એકવીસ વર્ષીય યુવતીની ભૂરી આંખો ચમકી, એના મુખ પર એકાએક સ્મિત રેલાય આવ્યું 'ને સાથે ગાલો પરના ખંજન ઉપસી આવ્યા. એને લાગ્યું કે આજે એણે ધરતીથી આકાશ વચ્ચેનું અંતર કાપી લીધું! આ ખુશી ખુદ સાથે જ સેલિબ્રેટ કરવા માટે કાંડા પર ત્રોફાવેલા 'પ્લેન'ના ટેટૂને એણે ચૂમી લીધું. 

 

એને હજારો ફૂટ ઊંચા આકાશમાંથી નીચે તરફ ડોકિયું કર્યું. અસંખ્ય ઇમારતો તથા કરોડો-અબજો માનવ વસાહત વચ્ચે પણ એને વિમાનની બારીમાંથી જાણે પોતાનું વતન ને પોતાનું ઘર દેખાયું. એ ઘર, એ ઘરના સભ્યો કે જેને છોડી એ આટલી ઊંચાઈ પર આવી. એને મનમાં થયું, કાશ... ઘરના બધા સભ્યો પણ એની સાથે વિમાનની આ સફરમાં હોત. એ લોકો પણ વાદળોની આ દુનિયામાં આવી શકે ને એને પાયલોટ તરીકે નિહાળી શકે!

 

એની સામે ઘરના સભ્યોની એક 'ફ્રેમ' ઉપસી આવી. એમાં પહેલો જ ચહેરો એના પપ્પાનો હતો. પરિવારના સૌથી નજીકના સંબંધમાં મોખરે આવે તો એ એના પિતા હતા. એ પોતાની દરેક વાત એના પપ્પા સામે સરળતાથી મૂકી શકતી. ને સામે પક્ષે એના પિતા પણ એની દરેક વાત પૂરી કરવા મથતા. આ એવા પિતા હતા કે જે પોતાની દીકરી માટે પોતાના જ પિતા સાથે પણ લડી લેતા. 

 

એના પપ્પા યાદ આવતાની સાથે જ એ પોતાનું નામ મનમાં બોલી. 'વિહંગા'ને એનું નામ અતિપ્રિય હતું. એના મમ્મીએ એકવાર એને કહેલું, "વિહંગા તારું આવું સુંદર નામ તારા ફઈબાએ નહીં પણ તારા પપ્પાએ રાખ્યું છે." આ ક્ષણે વિહંગાને થયું, એના પિતાએ એને આપેલું 'વિહંગા' નામ પોતે સાર્થક કરી બતાવ્યું.

 

આકાશમાં છૂટાછવાયા ગોઠવાયેલા વાદળોની જેમ એને એના બાળપણના છૂટાછવાયા એના પપ્પાએ કહેલા અમુક પ્રસંગો યાદ આવ્યા. એ ચાલતા શીખી ન હતી ત્યારથી લઈને અત્યાર સુધી એનો વિમાન પ્રત્યેનો પ્રેમ બરકરાર હતો, એવું એના પપ્પા કહેતા.

 

એ નાની હતી ત્યારે જ્યારે પણ અકારણ રડતી. ત્યારે એને ચૂપ કરવા ઘરના લોકો જુદાં-જુદાં નુસખાઓ કરતા. પણ એ શાંત ન થતી. ક્યારેક આવા સમયે અચાનક જ આકાશમાંથી પ્લેન નીકળતું તો એનો અવાજ સાંભળી વિહંગા ખિલખિલાટ કરવા લાગતી. ત્યારે ઘરના લોકોને અચરજ થતું. નાના બાળકો વિમાનનો અવાજ સાંભળી રડતા હોય જ્યારે વિહંગા એનાથી તદ્દન વિરુદ્ધ!

 

જેમ જેમ એ મોટી થતી ગઈ એમ એમ કાગળમાંથી વિમાન બનાવી ઉડાવતી. જ્યારે પણ વિમાનનો અવાજ સંભળાય ત્યારે એ કોઈપણ કામ પડતું મૂકી વિમાન જોવા દોડતી ને જ્યાં સુધી એ દેખાતું બંધ ન થાય ત્યાં સુધી એને જોયા કરતી.  

 

એ જ્યારે પણ કોઈ મેળામાં કે રમકડાંની દુકાન પર જતી તો વિમાન ખરીદવા માટે જીદ કરતી. એની પાસે પ્લાસ્ટિક, કચક, કાચ, માટી, થર્મોકોલ વગેરેના બનેલા જુદી- જુદી સાઈઝના અસંખ્ય વિમાનો હતા. 

 

એણે અત્યારે પાયલોટ ચેમ્બરમાંથી આજુબાજુ નજર ફેરવી. પાછળ મુસાફરી કરતા અસંખ્ય લોકોને જોયા. એને પોતાના પર ગર્વ થઈ આવ્યો. એને લાગ્યું કે, 'એને પોતાના રમકડાંવાળા નિર્જીવ પ્લેનમાં પ્રાણ પૂરીને જાણે જીવંત કરી બતાવ્યું!' પરંતુ ઘડીભરમાં જ એના મુખ પર જાણે નિરાશાનો લસરકો ફરી વળ્યો. નીચેથી ઉપર સુધીની આ મુસાફરીમાં કોઈ અધવચ્ચે એના પગ ખેંચતું હતું એ વિહંગાને ખૂંચતું. 

 

એની સામે એના દાદાજીનો ચહેરો આવી ગયો. ઘરમાં બધા એને બાપુજી કહીને બોલાવતા. બધા બાળકોના દાદાની જેમ વિહંગાના દાદા પણ એને ખૂબ વ્હાલ કરતા. વિહંગાને પણ એના દાદાનું વાત્સલ્ય ગમતું. પણ એને એના દાદાજીની એક વાત ન ગમતી! તેઓ પક્ષીઓને પાંજરામાં પૂરીને રાખતા. પક્ષીઓ પાળવાનો એમનો વર્ષો જૂનો શોખ હતો. 

 

વિહંગાની ઘરે એના દાદાએ પાળેલા બે પોપટ હતા. જે હંમેશા પાંજરામાં જ પૂરાયેલા રહેતા. વિહંગા ઘણીવાર એના દાદાને કહેતી, "દાદા પોપટને બહાર કાઢો ને. એને ખુલ્લા આકાશમાં ઊડવા દો ને." આ સાંભળી એના દાદા ગુસ્સે થઈ જતા. 'ને એટલે જ વિહંગાને એને દાદા ન ગમતા.   

 

છેલ્લા એક વર્ષથી તાલીમી પાયલોટ તરીકે અંદાજીત સો કલાક ઉડ્ડયન કરી આજે સ્વતંત્ર પાયલોટ તરીકેનો એનો પહેલો દિવસ હોવાથી જ્યારથી પ્લેન 'ટેક ઑફ' કર્યું ત્યારથી એનો પરિવાર યાદ આવતો હતો. એને વિચાર્યું, પ્લેન 'લૅન્ડ' થશે કે તરત ઘરે ફોન કરી એની ખુશી વ્યક્ત કરશે. 

 

એ પાયલોટ તરીકેની પોતાની ફરજ પર લાગી ગઈ. બીજી તરફ વિહંગાના વતનમાં એના ઘરે બાપુજી ગુસ્સામાં લાલચોળ થતા હતા. પાંજરામાં રહેલા બે પોપટમાંથી એક પોપટ ઊડી ગયો હતો. રસોડામાં કામ કરતી વિહંગાની મમ્મી પર એના દાદા ત્રાટુકયા. આટલા વર્ષોથી આ બે પોપટને પાંજરામાં રાખું છું. આજે હાજર ન હતો ત્યાં એક પોપટે પાંજરું છોડી દીધું. તમારાથી બે પોપટ પણ નહીં સંભાળી શકાય! 

 

એવામાં વિહંગાના પપ્પા ઘરમાં પ્રવેશ્યા. પિતાને પોતાની પત્ની પર ગુસ્સો ઠાલવતા જોઈને એ બોલ્યા, જુઓ બાપુજી કોઈપણ પક્ષીને પાંખ આવે એટલે એ ઉડાન ભરવા ઈચ્છે જ. ને ઊડવું એ એમનો અધિકાર છે. એ ચાહે ત્યારે ને ચાહે ત્યાં ઊડી શકે...

 

"તું શા માટે આવું કહે છે એ હું સમજું છું મારા દીકરા." કટાક્ષ કરતા બાપુજીએ વિહંગાના પિતાને વળતો જવાબ આપ્યો.

 

"તે તો ખુદ તારા પોપટને ઊડવા મોકલ્યો છે. પણ હું તો મનોમન એ જ પ્રાર્થના કરું છું કે ઊડતા ઊડતા તારા એ પોપટને એવો અનુભવ થાય કે એને જાતે જ આ પાંજરામાં પાછું ફરવું પડે." વિહંગા જ્યારથી પાયલોટ તરીકેની તાલીમ લેવા ગઈ હતી ત્યારથી દાદાજીના મનમાં જે વાત ચાલતી હતી એ હોઠો પર આવી અટકી.

 

વિહંગાની નાની બેન રૂમના દરવાજે ઊભી ઊભી આ બધું સાંભળી રહી હતી. દાદાજીને ગુસ્સામાં જોઈને એને હાથમાં રહેલું પ્લાસ્ટિકનું ઇન્જેક્શન અને ગળામાં પહેરેલું ટેથોસ્કોપ ઉતારી ફટાફટ 'ડૉકટર સેટ' પૅક કરી પોતાના ડ્રોઅરમાં મૂકી દીધો. ને રસોડામાં જઈને એની મમ્મી પાસે બેસી ગઈ.

 

બાપુજી જે બોલીને ગયા હતા એ સાંભળી વિહંગાના પપ્પાને ગુસ્સો આવતા એને બંને હાથની મુઠ્ઠીઓ કડક રીતે ભીંસી દીધી. આ સિવાય એની પાસે કોઈ રસ્તો ન હતો. એને મનોમન વિહંગાની ચિંતા થઈ આવી.

 

વિમાન ધીમે ધીમે આગળ વધતાની સાથે ઊંચાઈ પર જતું હતું. છેલ્લા એક વર્ષથી તાલીમ પાયલોટ તરીકે હોવા છતાં એનો રોમાંચ અકબંધ હતો. જ્યારે પણ કોઈ હિલ સ્ટેશન કે ખીણ જેવા પ્રદેશો પરથી વિમાન પસાર થતું ત્યારે અનાયસે જ એની આંખો એ સૌંદર્ય જોવા લલચાતી. પરંતુ આજે એ આ સૌંદર્યને માણે એ પહેલાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. રૂની પૂણી માફક લાગતા સફેદ વાદળો કાળા ડિબાંગ બની ચુક્યા હતા. પવનનો વેગ એકાએક વધ્યો હતો. વિમાનનું બેલેન્સ ખોરવાતું હતું. એક તરફ નમેલા વિમાનને કંટ્રોલ કરવા વિહંગા મથતી હતી. ત્યાં જ રડાર કન્ટ્રોલરે સિગ્નલ આપ્યું. એ રડાર કન્ટ્રોલર તરફથી મળતી સૂચનાઓ ફૉલો કરતી હતી. 

 

એક વર્ષની તાલીમમાં એને જે ધગશથી કામ લીધું હતું એને યાદ કરી અત્યારે એ રડાર કન્ટ્રોલરની સૂચના મુજબ કાર્ય કરવા મથતી હતી. પરંતુ ખરાબ વતાવરણને લીધે વાદળો વચ્ચે બધું ધૂંધળું દેખાતું હતું. બે જ સેકન્ડમાં સામેથી કોઈ વિમાન વિહંગાના વિમાન સાથે અથડાયું ને રડાર કંટ્રોલર સાથેનો એનો સંપર્ક તૂટ્યો. વિસ્ફોટક આગ પછી વિમાનનું નામોનિશાન ભૂંસાય ગયું. નીચે રડાર કન્ટ્રોલર ઑફિસમાં સન્નાટો છવાઈ ગયો ને ઉપર વાદળો ધૂમાડાના ગોટાથી વીંટળાય ગયા.

 

થોડી જ કલાકોમાં પ્લેન દુર્ઘટનાના સમાચાર ચારેબાજુ ફેલાય ગયા. વિહંગાના મમ્મીએ આ ન્યુઝ ટી.વી. પર જોયા. એ સાથે જ ચીસ પાડી ઉઠ્યા. રૂમમાં કામ કરતા વિહંગાના પિતા બહાર દોડી આવ્યા. આખા ઘરમાં અફરાતફરી મચી ગઇ. વિહંગાના પિતા ત્યાં જ ફસડાઈ પડ્યા. થોડીવારમાં તો ઘરમાં ભીડમાં જમા થઇ ગઇ. વિહંગાના પિતા કશું જ વિચાર્યા વગર તુરંત ઘટનાસ્થળે જવા રવાના થયા. 

 

બજારમાં ગયેલા વિહંગાના દાદા ઘર ભણી આવ્યા. લોકો પાસેથી આ ઘટના વિશે જાણતા વિહંગાના દાદાજી ઢીલા પડી ગયા. એને મનોમન પોતાના પર ગુસ્સો આવતો હતો. એના વિચારો પર એને એકાએક ઘૃણા થઈ આવી. એ બબડી પડ્યાં, "ક્યાંક આ મારી પ્રાર્થનાને લીધે તો..." મન બીજી તરફ વાળતા એ બોલ્યા, હે પ્રભુ! અમારી વિહંગા સુરક્ષિત હોય.

 

આ બાજુ જેની સુરક્ષા માટે પ્રાર્થના થતી હતી એનું તો ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આંખોમાં સ્વપ્ન ભરીને ઉડવા નીકળેલી વિહંગાની પાંખો કુદરતે કાપી નાખી!

 

બે દિવસ બાદ…

 

વિહંગાના પિતા એની યુવાન દીકરીની લાશ લઈને ઘરે આવ્યા. એ ચોધાર આંસુએ રડતા હતા. વિહંગાના દાદા જ્યાં ઊભા હતા ત્યાં મૃતક વિહંગાને મૂકી એટલું જ બોલી શક્યા, લો તમે એવું ઇચ્છતા હતા ને કે મારો પોપટ ફરી આ પાંજરામાં આવી જાય... એ આવી ગયો... એ પણ પાંખો કપાવીને... આટલું કહેતાની સાથે એ હિબકે ચઢ્યા. 

 

આ સાંભળીને હંમેશા ગુસ્સામાં રહેતા વિહંગાના દાદાજી પણ દળ દળ આંસું પાડી રડવા લાગ્યા. એને આંગણામાં રમતી વિહંગા યાદ આવી. એ વિહંગાને ખૂબ લાડ લડાવતા. પણ જ્યારે વિહંગા પાયલોટ બનવાની વાત કરતી ત્યારે એ ગુસ્સે થઈ જતા. વિહંગા પ્લેન રમતી હોય તો એ ફેંકી દેતા અને કહેતાં, છોકરીઓને વિમાનથી રમીને શું કરવું? હવે પછી ક્યારેય આવા રમકડાં ન લેતી. હું તને રસોડા સેટ અપાવીશ તું એનાથી 'રસોઈ-રસોઈ' અને 'ઘર-ઘર' રમજે. એને આવા વિચાર કરવા બદલ અત્યારે પસ્તાવો થઈ રહ્યો હતો. એને એ જ ઘડીએ પશ્ચાત્તાપ કરવા માટે વિહંગાની નાની બહેનને પાસે બોલાવી અને કહ્યું, "પાંજરામાં જે એક પોપટ બચ્યો છે એને પાંજરું ખોલી ઊડાવી મૂક.

 

એને પાંજરામાં રહેલા પોપટને ઊડવા આદેશ કર્યો. ફરી એના દાદા પાસે આવીને બોલી, દાદા દાદા હવે હું ડૉકટર સેટથી રમું? હંમેશા નનૈયો ભણતા એના દાદાએ આજે એના માથા પર વ્હાલપૂર્વક હાથ ફેરવતા કહ્યું. હા, બેટા રમ. તારે જોઈએ તો હું બીજો ડૉકટર સેટ અપાવીશ.

 

વિહંગાની બેન વિહંગ માફક ઊડતી ઊડતી 'ડૉકટર' બનવા ચાલી ગઈ…

 

//સમાપ્ત//

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ