વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અઢી અક્ષરનાં બે કલાક

અઢી અક્ષરનાં બે કલાક 

લગ્નનાં બીજા દિવસે જ ઉઠવામાં મોડું થઈ ગયું. સવારના સાત વાગી ગયા હતા. પડખામાં રાજ સંતોષભરી નિંદર માણી રહ્યો હતો. ડર અને સંકોચ સાથે ફટાફટ ઉઠીને સ્નાન માટે જતાં જતાં મીરા વિચારવા લાગી, "ડ્રેસ પહેરું કે સાડી? સાડી જ યોગ્ય રહેશે." અને મીરા સ્નાન પતાવી તૈયાર થઈ અરીસા સામે બેસી ખુદને નીરખી રહી.

છૂટાછવાયા ટંકાયેલ બાદલાથી સજાવેલ આછા ગુલાબી રંગની બાંધણીમાં મીરા શોભી રહી હતી. પહોળા કપાળ પર લાલ ચાંદલો, સેંથીમાં સિંદૂર અને હળવા મેકઅપમાં સુંદર ચહેરો વધુ નીખરી રહ્યો હતો.પોતાને એકીટશે તાકી રહેલા રાજને અરીસામાં જોઈ એની આંખો શરમથી ઢળી ગઈ.

"આમ જ તાક્યા કરશો કે નાહીને તૈયાર પણ થશો? મમ્મી,પપ્પા, મહેમાનો આપણી રાહ જોતા હશે.હું નીચે જાઉં છું તમે પણ જલ્દી તૈયાર થઈને આવી જજો." મીરાની ટકોર સાંભળી કમને રાજ ન્હાવા ગયો અને મીરાનું મન કાલે લગ્ન સમયે હાજર મહેમાનોની વેધક અને સવાલી નજરોની અવઢવમાં ફરી ગૂંગળામણ અનુભવવા લાગ્યું.

"એય,નવેલી તેરા રાજ આયેલા હૈ.કબ સે તેરે ઈંતજાર મેં સુખ કે કાંટા હોયે જા રહા હૈ ઔર તું ઈધર મજે સે સો રહી હૈ!" બારણે પડતાં ટકોરાનાં કર્કશ અવાજથી એ સફાળી બેઠી થઈ ગઈ. નિંદ્રામાં હતી કે તંદ્રામાં? એ વિચારી રહી.પરસેવે રેબઝેબ ચહેરા પરથી પ્રસરતાં પ્રસ્વેદ બિંદુઓમાં તેના હોઠ અને ગરદન વધુ કામુક લાગી રહ્યાં હતાં. દુપટ્ટો સરખો કરી એણે બારણું ખોલ્યું,"ઉનકો તુરંત મેરે પાસ ભેજના ચાહીયે થા, ઈતના ઈંતજાર કાયકુ કરવાયા? જલ્દી ભેજ....". "આય હાયે.... ક્યા આશિકી હૈ!" એક મજાકિયા અંદાજમાં આંખ મિચકારીને એ સ્રી જતી રહી.

હાથ મોઢું ધોઈને ચહેરાનો મેકઅપ દૂર કરી નવેલી રાજની રાહ જોવા લાગી. રાજને મારી સાદગી જ પસંદ છે એ વિચારથી એનો ચહેરો મલકાઈ ઊઠ્યો. "હું નવેલી....,હંમેશા નાવીન્ય અને તાજગી આપતું સુંદરતાની બજારનું ઉપનામ. નાનપણથી જ ગણિકાની શિક્ષા આપનાર મારા જન્મદાતા આ બજારમાં મને માનભર્યુ નામ આપનાર હતો રાજ. હા,મીરા નામ આપ્યું હતું એણે...કૃષ્ણને પ્રિય એવી મીરા.મારા માટે રાજ કૃષ્ણથી જરાય ઓછો ન હતો."

દોસ્તોની બળજબરીથી આ બજારમાં અનાયાસે આવી ચડેલો રાજ જ્યારે પહેલીવાર મળ્યો ત્યારે તેનો અસ્તવ્યસ્ત દીદાર દુઃખી હોવાની ચાડી ખાતો હતો.પ્રેમલગ્ન બાદ હનીમુનથી પરત આવતા એક એક્સીડન્ટમાં પત્નિને ગુમાવવાથી હતાશ થયેલા રાજને સહારો મળે એ આશયથી એના મિત્રો આ બદનામ બજારમાં લઈ આવ્યા હતા. તે રાત જિંદગીની યાદગાર ક્ષણો હતી બંને માટે. એ નિઃશબ્દ રાતમાં માણેલો પ્રેમાળ સ્પર્શ એકબીજા માટે અનંતનો સથવારો બન્યો હતો.એમ કહી શકું કે કદાચ એ રાત પછી જિંદગીમાં આવી પળ ન આવી હોત તો એનો નવેલીને જરાય અફસોસ ન હોત. આખી રાત રાજ નવેલીના ખોળામાં માથુ રાખીને સૂઈ રહ્યો અને તે એના વાળમાં આંગળીઓ પસવારતી રહી. પત્નીનાં મૃત્યુ પછી પહેલીવાર રાજ નિરાંતની નિંદર માણી શક્યો.બીજી તરફ રોજ હવસનાં પુજારી દ્વારા ચુંથાતા શરીરની વેદનાથી પણ વધુ વિંધાતા મનને એ રાતે જે શાતા મળી હતી એ નવેલી માટે અકથ્ય હતી.એક રાતનો એ સહવાસ પછીતો રોજિંદો બની ગયો.રોજ બે કલાક એ નવેલી સાથે પસાર કરવા લાગ્યો.નવેલીનાં ખોળામાં એને પરમ શાંતિનો અહેસાસ થતો.રાજ પત્નીનાં દુઃખમાંથી બહાર આવી ખુશ રહેવા લાગ્યો.

બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પરંતુ રાજની કાલની માંગણીથી એ વિહવળતાં અનુભવી રહી હતી. એક ગણિકા માટે કોઈની પત્નિ બની સમાજમાં સન્માનીય સ્થાન પામવું એનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે! પરંતુ નવેલીને સ્વાર્થી બનવું મંજુર ન હતું. પોતે તો સન્માન પામશે પણ રાજને સમાજનો જે તિરસ્કાર સહન કરવો પડશે એનું શું? ઉપરથી સપનામાં એજ પરિસ્થિતિનો સામનો કરવામાં અસમર્થ રહેલી મીરાથી એ વધુ ડરી ગઈ હતી. રાજને કેવી રીતે સમજાવવો એ વિશે એ વિચારવા લાગી.

"બાવીસ કલાકની રાહ જોયા પછી એક મિનિટ પણ તારો વિરહ મારા માટે અસહ્ય હોય છે એ જાણવા છતાં આજે ઈંતજારનું દર્દ આપવાનું કોઈ ખાસ કારણ?" ઓરડીમાં પ્રવેશતાની સાથે જ રાજે વેધક સવાલ કર્યો.

"તમારી કાલની માંગણી પછી હું આખી રાત સૂઈ ન શકી. કલ્પનાઓને  વાસ્તવિકતાએ પોતના સંકજામાં કેદ કરી લીધી  હતી.થાકેલી આંખોમાં ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ના પડી." નવેલીએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું.

"તને ખબર છે?, સ્પર્શ ક્યાંક તો વસ્તુ બનાવે અથવા લાગણીનો સંચાર કરે. આપણી પહેલી મુલાકાતની એ રાતને યાદ કર. તારા સ્પર્શે મારી મુરઝાયેલ લાગણીઓને પોષણ આપી જીવંત કરી હતી.અને તેં જે મહેસૂસ કર્યું હતું એ જણાવવા તારી પાસે આજે પણ શબ્દો નથી.શું આપણે બંને એવી અસંખ્ય પળોને જિંદગીભર માણવાના હકદાર નથી?" આશ્ચર્ય મિશ્રિત સવાલથી નવેલીને પોતાની માંગણી માટે સહમત કરવા રાજે ફરી પ્રયાસ કર્યો.

"હા, સાચુ કહો છો રાજ. દુનિયાના સ્પર્શે મને વસ્તુ બનાવી દીધી હતી. પેલી પૌરાણિક વાર્તા ખબર છે? જેમાં એક રાજા તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કરે છે અને વરદાન માંગે છે કે હું જેને સ્પર્શુ એ સોનું બની જાય. ભગવાને તો તથાસ્તુ કહી વરદાન આપી દીધું. રાજા પણ દુનિયામાં સૌથી ધનવાન બની જશે એ ખુશીમાં નાચી ઊઠ્યો. જ્યાં જ્યાં એ સ્પર્શે બધું સોનું થઈ જાય. પરંતુ જ્યારે એ ભૂલથી તેની દીકરીને સ્પર્શ કરી બેસે છે અને એ સોનાની મૂરત બની જાય છે ત્યારે એની પાસે પસ્તાવા સિવાય કંઈ જ નથી રહેતું. રાજાની લાલચે જીવતી જાગતી લાગણીને વસ્તુમાં પરિવર્તિત કરી દીધી હતી. મારા કેસમાં રાજાના સ્પર્શે મને વસ્તુમાંથી જીવંત બનાવી લાગણીથી તરબોળ કરી દીધી."

" આ રાજા તને એના મહેલમાં લઈ જવા ઈચ્છે છે.નગરરૂપી સમાજમાં માનભર્યુ સ્થાન આપવા માંગે છે. તો સંદેહ કેમ ? તને મારા પર,મારા પ્રેમ પર શ્રધ્ધા નથી?"  

"શ્રધ્ધાના નામ પર તો લોકો જિંદગી જીવી જાય છે રાજ! પણ,દિલ અને દિમાગમાંથી સંદેહને કેવી રીતે દૂર કરું?"

"તને મારા પર સંદેહ છે? શ્રધ્ધા નથી?"

"રાજ, સંદેહ અને શ્રધ્ધા એકબીજાના પર્યાય છે. સંદેહની પૂર્તિ થાય તો શ્રધ્ધા પાક્કી થાય, અને મારા સંદેહની ક્યારેય પૂર્તિ નહિ થાય.તમારા પર શ્રધ્ધા છે પરંતુ સમાજ પર સંદેહ.આ સભ્ય સમાજમાં તમારું માનભર્યું સ્થાન છે અને મારા સાથથી એ ડગી જવાની શક્યતાઓને નકારી ન શકાય. ભલે સભ્ય સમાજ બદનામ ગલીમાં માનભેર આવતો હોય પણ બદનામ ગલીની સ્ત્રી સભ્ય સમાજમાં પ્રવેશી ન શકે.એકાદ અપવાદ હોઈ શકે પણ સન્માન પૂર્વક ન જ જીવી શકે."

"તું એ બધીજ ચિંતા છોડ.ફક્ત આપણા વિશે વિચાર. આપણે ગમેતેવી કપરી પરિસ્થિતિ હશે એનો સામનો સાથે મળીને કરીશું."

" સહેલું નથી. આખરે તો સમાજમાં એના નિયમો મુજબ જ જીવવું પડે છે.મને વધુ કોઈ ચાહ નથી ,કોઈ અપેક્ષાઓ નથી.રોજની આપણી મુલાકાત એ શાશ્વત પળથી ઓછી નથી.આપી શકો તો તમારી મરજીથી તમારા હૃદયફલકની અનંતતા આપો. એથી વિશેષ કોઈ આશ નથી. વચન આપો કે આ બે કલાક પર મારા સિવાય કોઈનો હક નહિ હોય ,તમારો પણ નહિ."

જ્ઞાન અને સમજથી દોરવાયેલા ,પ્રેમથી પરોવાયેલા રાજ પાસે વચન આપ્યા વગર બીજો કોઈ રસ્તો હતો નહિ. નવેલીની તાર્કીક દલીલોથી રાજને એટલું તો સમજાઈ ગયુ કે સમાજને અસ્વીકાર્ય એવું આ લગ્નજીવન અધવચ્ચે જ દમ તોડી દેશે તો જિંદગી વધુ કપરી લાગશે. રાજ પોતાની મીરાને જીવનભર પ્રેમનાં બે કલાક આપવાનું વચન આપી વ્યથિત હૃદયે સભ્ય સમાજ તરફ ચાલી નીકળ્યો.બંને "મળેલાં જીવ" દરરોજનાં એ પોતીકા અઢી અક્ષરનાં બે કલાકની રાહ જોવામાં બાકીના ૨૨ કલાક વધુ જોશ અને ખુશીથી પસાર કરવા લાગ્યાં.  

છાયા ચૌહાણ

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ