વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અબોલ શબ્દ

અબોલ શબ્દ


"આઓ રામ", કહીને રામનું સ્વાગત પોતે ઊઠીને કર્યું.

"કંઇ કામ હતું? આપે આટલી મોડી રાત્રે મળવાનો સંદેશ મોકલ્યો." રામ અંદર પ્રવેશ કરતા કરતા બોલ્યા.

મંથરાએ રામની સામે વિચિત્ર નજરે જોયું કારણ તેણે રાણી કૈકઇએ રામને આપવા માટે જે ભોજપત્ર આપેલ તેના પર લખેલો સંદેશ વાંચ્યો હતો. એમાં તો એક કવિતા લખેલી હતી અને "અહી આવો" એવું કંઈ લખેલું હતું નહી અને સિવાય પોતાની મારફત રાણીએ કોઈ  શાબ્દિક સંદેશ પણ મોકલ્યો નહતો..તો રામ ક્યાં સંદેશની વાત કરે છે? એ તેણીને સમજાતું નહતું.

"આવો, અમારે આપની સાથે બહુજ મહત્વની વાત કરવી છે, એકાંત માં!" કૈકઇ નાં સ્વરમાં થોડી ચિંતાનો અણસાર વર્તાતો હતો.પણ રાણીએ "એકાંત" શબ્દ એટલો ભાર દઈને બોલ્યો હતો કે મંથરા સમજીને પોતેજ કક્ષની બહાર નીકળી ગઈ.

મંથરા ગયા પછી રામે કહ્યું, "બોલો માતાશ્રી,શું આજ્ઞા છે? હવે આ કક્ષમાં આપણા બે સિવાય કોઈજ નથી." રાણી કૈકઈ રામની પાસે આવ્યા,તેમનો હાથ પકડીને નજીક બેસવા કહ્યું.

"પુત્ર!" રાણી કંઇક કહેવા માગતા હતા પણ જીભ સાથ નહોતી આપતી અને આંખો તો..જાણે દવવિંદુઓથી લબાલબ ભરાયેલું કમળજ!

રામ એમની વ્યથા સમજી ગયા.

"માતાશ્રી, આપ આપને જે કહેવું છે તે અમને સ્પષ્ટ અને નિઃસંકોચ કહી શકો છો, આજ પહેલીવાર જ તમને અમારી સાથે બોલવામાં આટલી મૂંઝવણ અનુભવતા જોઉં છું. આપણી વચ્ચે આટલી ઔપચારિકતા....કેમ માં?..શું બોલવું છે..નિઃસંકોચ બોલો ને."

કૈકઈ એ કહ્યું,"આપ કાલે સવારે અયોધ્યા નરેશ બનવાના છો."

"એ તો કાલે જોઈશું માં" રામે  તોફાની સ્મિત સાથે કહ્યું,"તમારી ચિંતા નું કારણ જણાવશો માતાશ્રી." રામના વેણ સાંભળીને કૈકઈ રામની સામે જોઇજ રહી.

"ખરેખર એકદમ સાદો છે..પણ મનની વાત તરત સમજી જાય છે." રાણીનો ડળમળતો વિશ્વાસ પાછો આવી રહ્યો. રાણી ફરી રામ ની વિશ્વસનીય માં બની ગઈ.

"જુઓ રામ, હું હવે કે કહેવા કાંઈ રહી છું તે ધ્યાનથી સાંભળી લો. કાલે તમારો રાજ્યાભિષેક છે. એટલે તમારે અયોધ્યા અને આપણા રાજ્યની ભૌગોલિક અને રાજનૈતિક પરિસ્થિતિ સમજવું અતિ આવશ્યક છે." 

"હા પણ અત્યારે? મધરાતે?"

"હા અત્યારેજ! કારણ મને પણ હમણાં થોડીવાર પહેલાંજ આ માહિતી મળી છે. જે આપણા ઈશ્વાકુ વંશ નાં અસ્તિત્વ માટે અતિ મહત્વની છે. પણ એ બધું કહીશ પણ પહેલા કહો કે તમને કોઈએ અહી આવતા જોયા નથી ને,સિવાય કે મંથરા?"

"નાં જી. તમે લખેલ કવિતા,

અંધારી યામિનીમાં ચંદ્ર પડ્યો એકલો 

રવિ તો કાલની સવાર માટે સજ્યો


નક્કી આવાશેને આ સવાર સોનેરી

આપશેને કોઈ સાથ મને અનેરી


ચંદ્ર ને અતિપ્રિય એકાંત આ લાગે

ચાંદની બનીને તું એકલીજ મળજે !


આપે મોકલાવેલ કાવ્ય રૂપી સંદેશ માં તમે એકલા આવવાની જે સૂચના મોકલી હતી તે અમે સમજી ગયા માતા શ્રી. "

"તો સાંભળો.. સદ્ય પરિસ્થિતિ પ્રમાણે આર્યવ્રત ની સ્થિતિ દિવસે દિવસ ખરાબ થતી જાય છે. દક્ષિણ દિશામાંથી કેટલાક દ્રવિડ લોકો આપણા આર્યપ્રફેશ તરફ કૂચ કરી રહ્યા છે. એ બધાંનો એક પ્રમુખ છે ,જેનું નામ છે રાવણ!. એ લંકાધિપતી છે અને એની નજર સંપૂર્ણ ભારત ઉપર છે. એટલેજ એના લોકો દક્ષિણ ભારત ના કેટલાક વિસ્તારોમાં પગપસારો કરવા ત્યાં અવારનવાર આક્રમણ કરતા હોય છે.ક્યારેક ક્યારેક તે વિંધ્યાચલ સુધી પણ આવી જાય છે.વિંધ્યાચલ ની તળેટીમાં જે ઋષિઓ મુનિઓ તપ કરે છે એમને એ લોકો ત્રાસ આપે છેજેથી કરીને એ લોકો પોતાનું શોધકાર્ય થંભાવી દઈ,કા તો તેમની શરણાગતિ સ્વીકારે અથવા તે જગ્યા છોડી દે અને ઓલા દ્રવિડ લોકો એ જમીન પર કબજો કરી શકે."

"પણ એમને એનાથી શું લાભ થશે?" રામે કહ્યું.

"એકવાર અરવલ્લી પ્રદેશ હસ્તક આવે પછી અયોધ્યા આવવું સહેલું થઈ જશે..બીજું અરવલ્લી થી અયોધ્યા સુધીના માર્ગ માં આવતા ભુપ્રદેશોના અનેક રાજાઓએ પણ તેમના રક્ષણ માટે અયોધ્યા નરેશને વિનંતી કરી છે , એટલે હવે આપણેજ કઈક સૂત્રો હલાવવા પડશે."

હું ચોક્કસ આપીશ તેમને રક્ષણ!"દૃઢભાવે રામ બોલ્યા.

"રામ એ દેખાય છે એટલું સહેલું નથી મારા પુત્ર! રાવણ અને તેના માણસો અલગ અલગ શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યામાં પારંગત છે. એટલુજ નહિ તો મને મળેલી માહિતી પ્રમાણે તે અને તેના માણસો ને માયાવી રૂપ લેતા પણ આવડે છે અને એટલું ઓછું હોય એમ એની પાસે આર્થિક સમૃદ્ધિ પણ ઘણી છે સાંભળ્યું છે કે તેની પાસે એક વિમાન પણ છે."

"તો"

"મારા જાસૂસો મોકલીને મે ઘણી માહિતી મેળવી છે,અને માહિતી પ્રમાણે આપની પાસેના શસ્ત્રો અને સાધનોથી આપણે આ યુદ્ધ જીતવું અશક્યજ છે. મને મળેલી માહિતી પ્રમાણે તેમનો વિચાર આગામી અધી ત્રણ વર્ષમાં વિંધ્યાચલ સુધી ભૂખંડ જીતી આગામી પાંચેક વરસમાં તેઓ ચિત્રકૂટ અને પછી સંપૂર્ણ ભારત જીતવાનો મનસૂબો ધરાવે છે."

"તો આને નાથવાનો કઈ ઉપાય?" રામે કૈકઈ નાં કુનેહ પૂર્વક આગમચેતીનાં કરેલા કાર્યો પર ગર્વ કરતા પૂછ્યું.

"યુદ્ધ એક માત્ર ઉપાય!"

"અમે તૈયાર છીએ!"

"અમે જાણીએ છીએ કે તમે હંમેશાં જ તૈયાર હો છો,પણ આ માત્ર સૈન્ય બળે લઢી શકાય એવું યુદ્ધ નથી."

"તો?" 

"આ યુદ્ધ માત્ર શસ્ત્રો થી નહી પણ શાસ્ત્ર,નીતિ અને બૌદ્ધિક રીતે સહનશીલતા થી લઢવું પડશે રામ. આપણો દુશ્મન આપણા કરતાં ઘણો બળવાન છે એટલે આવા દુશ્મન સાથે યુદ્ધ લડવામાં સેના પ્રમુખ બહુજ શાંત અને સમજુ હોવો જોઈએ, ઉતાવળો નેતા નહીં ચાલે. ગમેતેવી વિકટ પરિસ્થિતિ માં પણ એના નિર્ણયો સમતોલ હોય એવોજ પ્રમુખ આ યુદ્ધ જીતાડી શકશે."

"અમે આ ક્ષણેજ તૈયાર છીએ યુદ્ધ ભૂમિ માં પ્રયત્ન કરવા." રામે ઘૂંટણે બેસી માં નો આશીર્વાદ લેવા માથું નમાવ્યું.

"અવશ્ય..પણ આપણે એ લોકો અહી આવે એની રાહ નથી જોવાની.. આપણે જવાનું તેમની ભૂમિ પર. આના બે લાભ છે એક તો જીતીશું તો એ ભૂભાગ આપણો થશે. બીજું યુદ્ધ જ્યાં લડાય ત્યાં તારાજી સરજે છે એટલે એમની ભૂમિપર તારાજી સર્જાશે જેથી એમની હાની વધારે થશે."

"એટલે આપણે લંકપર હુમલો કરવાનો એમ ને?"

"હા એમજ પણ સીધોજ નહીં, એ પહેલા તમારે કેટલીક બાબતો શીખવી પડશે..."

"એ વળી શી?"

"એક તો આ બધું નિયોજનબધ્ધ થવું જોઈએ, જેથી આપણા દુશ્મન ચેતી નહી જાય."

"હા બરાબર દુશ્મન જેટલો બેસાવધ એટલી જલ્દી એની પરાજય થાય."

"તો હવે સાંભળો અમારું નિયોજન..વિચારપૂર્વક ગ્રહણ કરજો.

તમને લંકા સુધી પોહચાડવામાં તમને મારા માણસો મદદ કરશે. અને હા, તમને સમયે સમયે જરૂરી એવી મદદ પણ અમો પોહચાડીશું.અમારી નજર હશેજ તમારા પર એટલે કઈ સંકટ આવે તો તમે એકલા નહી હો.

"અવશ્ય માતા શ્રી"

" તમારે આવતી કાલે સવારે જ અહીથી પ્રસ્થાન કરવું પડશે.સર્વપ્રથમ તમે શ્રુંગવેરપુર માં ઋષિ શ્રુંગ અને તેમના પત્નિ એટલે કે તમારી ભગીનીને મળજો.

"અમારી ભગિની?"

શ્રુંગવેરપુરમાં રાજા નિષાદ નું રાજ્ય છે, એમનો વિશ્વાસ સંપાદન કરીને આપે મહર્ષિ ભારદ્વાજ દ્વારા બનાવેલ પ્રયાગનગર માં જવાનું છે,જ્યાં મહર્ષિ ભારદ્વાજ તમને કઈક વિશેષ શસ્ત્ર જ્ઞાન અને અનેક આયુર્વેદ નાં મર્મ શીખવાડશે. અને હા એજ આશ્રમ માં તમને અભિયાંત્રિકીનાં કઈક તંત્રો પણ જાણવા મળશે કે તમને આગળ જતા સાગર પાર કરવામાં મદદરૂપ થશે.એટલે આ બધું બહુજ ધ્યાનથી સમજજો."

રામને ધ્યાનથી જોઈ એમનું ધ્યાન પોતાની વાતો પરજ છે એ સમજી રાણીએ આગળનો પૈતરો વર્ણવાનો શરૂ કર્યું.

"એના પછી આપે ચિત્રકૂટ તરફ પ્રસ્થાન કરવું ત્યાં તમને મહર્ષિ અત્રિ મળશે. મહર્ષિ અત્રિ નું  ખગોળ શાસ્ત્ર નું જ્ઞાન ગજબ છે.ચંદ્ર ની ઉત્પત્તિ એ તેમની શોધ છે. એમના પત્ની અનુસુયા પણ વિદુષી અને બહુજ પ્રકાંડ પંડિત છે,કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પણ તેમનાથી અભિભૂત થઈ નતમસ્તક છે. એટલે બને ત્યાં સુધી એ વિદુષીનું હ્રુદય જીતીને આગળ વધજો જેથી જરૂર પડ્યે તે અને તેના દ્વારા દેવતાઓ પણ તમને મદદ કરશે જ."

"જી માતાશ્રી,સમજી ગયા અમે."

"પછી તમારે દંડકારણ્ય માં જવું પડશે જ્યાં તમને ગોદાવરી કાંઠે મહર્ષિ શરભંગ મળશે. એ મુનિવર ને દક્ષિણ ભુભાગ ની સમૂળગી માહિતી છે. તમે ત્યાં પોહચાશો ત્યાં સુધી એ પુરા વિસ્તાર ની નાનામાં નાની વિગતો એકત્ર કરી રાખે એવું અમે તેમને કહેવડાવી દીધું છે. આજ અરણ્ય માં તમને ત્યાંના અનેક આદિવાસી લોકો પણ મળશે જેમના એક પ્રમુખ છે જટાયુ. આપણે એ લોકોના રક્ષણ માટે તત્પર છીએ એ વાત તેમની ગળે ઉતારવાની તમારી જીમ્મેદારી છે રામ! પછી પંચવટી થઈને ઋશ્યમુખ પર્વત પોહચજો. જ્યાં તમને મોતભાઈથી ડરીને રહેતા સુગ્રીવ મળશે . તે મહાવીર છે પણ વાલી એટલે કે તેમના મોટા ભાઇના  અતિક્રમણ ને લીધે ભયભીત થઈને નિરાશ થઈ ગયા છે. તમારે એનું મનોબળ વધારવું છે અને એમનું રાજ્ય કિષ્કિંધા પાછુ અપાવવાનું જેથી કરીને એમની સેના પછી યુદ્ધ માં તમને મદદ કરે. બીજું કે એમના એક પરમ મિત્ર અને મંત્રી છે હનુમાન.  એ અતિશય બુદ્ધિમાન અને ચપળ છે. સિવાય એમને પણ રાક્ષસો ની જેમ ઉડવાની વિદ્યા અવગત છે જે તમને કેમ આવે એવી છે.

હજુ આગળ જતાં તમને મહર્ષિ અગત્સ્ય અને તેમના શિષ્ય સુતિક્ષ્ણ મળશે. મહર્ષિ રસાયણ વિદ્યાના જાણકાર છે અને તમને યુદ્ધમાં કામ આવે એવા રસાયણો વિશે જ્ઞાન આપશે."

"પરંતુ માતા આ બધું કરવામાં આઠ થી દસ વર્ષનો સમયગાળો નીકળી જશે. કારણ કોઈ પણ વિષયમાં પારંગત થવું હોય તો ત્રણ થી ચાર વર્ષ તો લાગેજ!"

"બરાબર કહું..પણ એ દરમ્યાન અને અહીંનું ધ્યાન રાખીશું. પણ એકવાર આ લંકેશ મારી પરવારે એટલે આપણું સંકટ હંમેશ માટે હતું રહેશે."

"આપ જે ઠીક સમજતા હો તેજ કરીશું. છેવટે આપ રાજનીતિમાં અને નિયોજન કરવામાં અમારાથી લાખ દરજ્જે સારા છો."

"હા એક બાકી રહી ગયું, યુદ્ધ જીત્યા પછી રાવણના કુટુંબના કોઈનેજ ત્યાંની રાજસત્તા આપીને પાછા અયોધ્યા આવી જજો..તમારા વગર આ અયોધ્યા નિષ્પ્રાણ થઈ જશે"

"ઠીક છે એમજ થશે"

"હજુ બોલવાનું પૂરું નથી થયું. તમારા જવાનું આયોજન કરવું પડશે."

"અમે આવતી કાલે સવારે જ કોઈને કહ્યા વગર નીકળી જઈશું."

"નાં તેમ કરવાથી શું થશે? મહારાજ દશરથ કોઈકને મોકલશે તમને શોધવા અને પાછુ આવવું પડશે તમારે."

"તો?"

"અમે એનો પણ વિચાર કર્યો છે, કાલે મળસ્કે અમે મહારાજ પાસે અમારા વિલંબિત પડેલા બે વરદાન માંગીશું, જેમાં તમારો દસ વરસનો વનવાસ અને બીજામાં ભરત માટે રાજગાદી. જેથી કરીને બધાયને એમ લાગશે કે તમે એકલા પડી ગયા છો અયોધ્યાથી તમને કોઈપણ જાતની મદદ નથી મળતી. આમ કરવાથી તમારા પર કોઈ સંકટ નહી આવે અને કોઈ તમારા આ પ્રયોજન વિશે શંકા પણ નહી લે."

"પણ દસ વરસ માં નાં થયું તો,તમે પંદર વર્ષ માંગો"

"નાં એ બહુજ થશે ,તમને ખબર છે તમારા વગર રહેવું એમને કેટલું અઘરું છે. ચૌદ માગીશ"

"પરંતુ માતા,આ બધું કરશો તો તમારી પ્રતિષ્ઠા ને બહુજ હાની પહોંચશે.લોકો સાવકી માંને ગાળો આપશે."

"કહેવા દો રામ..મારા માટે અયોધ્યા નું હિત સર્વોપરી છે. અને હું આ બધી ખોટી માન્યતાઓમાં માનતી પણ નથી તમને ખબર છેજ."

"હા પણ પિતાશ્રી?"

"મને ખબર છે એ તો મારું મોઢું પણ નહિ જોવે પછી. પણ માતૃભૂમિ માટે કઈક તો સહન કરવું રહ્યું."

"ધન્ય છો આપ માતા. માતૃભૂમિ પ્રથમ..આજ સંસ્કાર આપે અમારામાં પણ કેળવ્યા છે."

રામને કૈકઈ નાં શયન કક્ષ તરફ જોતા સીતાએ પણ જોયા હતા અને કાલની થનારી રાજરાણી એટલી બેસાવધ નજ હોય શકે.એટલેજ રામની પાછળ પાછળ આવેલી સીતાએ બધુજ સાંભળ્યું હતું અને એ પણ અબોલપણે સજ્જ થઈ ગઈ આ માતૃ ભૂમિ નાં યુદ્ધમાં એક આહુતિ બનવા.

ઘણા વર્ષો પછી રાવણ બારણે ભિક્ષા લેવા આવ્યો ત્યારે મનોમન સીતાએ રામને યાદ કરી કહ્યું,"સ્વામી તમે નાં કહ્યું હોય તોય આજે મારી સાથ આપુ છું,કશુજ કહ્યા વગર.અબોલ શબ્દોથી."

© અનલા બાપટ











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ