વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પતિ, પત્ની ઔર વો

               શીર્ષક: પતિ, પત્ની ઔર વો

             "અરે, આજ તો કડક કલકત્તી મરુન સાડીમાં જામે છે ને કાંઈ.. એમાંય લલાટે મોટો ચાંદલો. પુરી બંગાળણ લાગે છે." હાથમાં ચાનો કપ પકડતા હું બોલ્યો.

"કેમ, સવારે ધ્યાન નહોતું પડ્યું! આખી ઓફિસે વખાણ કર્યા. પણ તમે નજર અંદાજ કર્યું."

પોતાનાં ચાનાં કપમાંથી ચાની ચુસ્કી લેતાં  હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં તર્જની બોલી. 

"સવારે મેડમ જરા ઉતાવળમાં હતાં. આમાં જરા નિરાંત જોઈએ. તારી ઓફિસની ઉતાવળમાં હું અડફેટમાં આવું એના કરતા સાંજ તો આપણી જ છે ને. તું આજે તો..."

"બહું રોમેન્ટિક કંઈ આજે!"

"હા, કેમ નહીં? આ સૂરજ અને સંધ્યા. સંધિકાળ. આ ઢળતો પ્રકાશ. તારા ગાલ પર પડતી ગુલાબની ઝાંય. તારાં હોઠની પાંદડીઓને સ્પર્શી 'ચા' જ્યારે  તારી સુરાહીદાર ગરદનમાંથી સરકે છે ત્યારે  સુરાનું કામ કરે છે."

"બસ...બસ... દેવદાસ. ઢળતી ઉંમરનો તો વિચાર કરો."

"પ્રેમને ઉંમર સાથે શું લેવાદેવા! અને હું નહીં તો કોણ થશે દેવદાસ? આ મધુમાલતીની વેલી જો. ફૂલોની સુગંધથી વાતાવરણ તરબતર છે." સુંદર સ્મિત સાથે મેં તેનો  હાથ દબાવ્યો. 

કુદરતની ભવ્યતાને નિહાળતા અને સ્પર્શના સ્પંદનોમાં સ્વર્ગીય સ્નેહને  માણતાં તે મઘમઘતાં મોગરા જેવું મલકાઈ.

આમેય તર્જનીની સાડીની પસંદગી અને પહેરવાની લઢણ તેને ટોળામાં જુદી તો તારી જ દેતી. મને પણ તેનું સાડી પરિધાન ખૂબ ગમતું.

           આંગણામાં આવેલા હીંચકા પર બેસી ચા પીતા પીતા અમારા સંવાદો ઢળતી સાંજને અર્ધ્ય પીવડાવતા. આ અમારો નિત્યક્રમ. હું કંદર્પ દેસાઈ ઘરેથી જ વેપાર કરતો. જ્યારે તર્જની કંદર્પ દેસાઈ, સરકારી નોકરી કરતી. પુત્ર આલાપ અને પુત્રી આયુષી અમેરિકામાં ભણવા ગયાં. તેમનાં અવકાશને ભરવા હું હંમેશા પ્રયત્નશીલ રહેતો. 

બંને સાંજે  હીંચકાને હળું હળું હલાવતાં અને આખા દિવસની ઝરમરને મસ્તીથી મમળાવતાં. તે રોજ નોકરી પર થયેલાં પ્રસંગોનો અહેવાલ આપતી અને હું વાત સાંભળતાં સાંભળતાં પ્રશંસાનાં પુષ્પોનો તેની પર વરસાદ કરતો. એકાંત અને અધૂરા સપનાંઓ પૂરાં કરવાની ખેવના સાથે અમે હીંચકાને ઠેસ મારતાં. દિવસભરનો ભાર કે અભાવ આ વાતાવરણથી હળવો થઈ જતો.

        ત્યાં બા અચાનક પથારીવશ થયાં. બાની સંભાળ માટે હેમાબેનને રાખેલાં. હેમાબેન સવારે આવી જતાં. સાંજે તર્જનીનાં આવ્યા પછી ઘેર જતાં. હેમાબેનનાં કામમાં કોઈ કહેવા પણું રહેતું નહીં પણ તેમની એક આદત તર્જનીને અકળાવી નાંખતી. તે ખાવાનું ઘેર લઈ જતાં.

          "હેમાબેન ગયાં?" મેં તેને પૂછ્યું. જોકે એ પ્રશ્ન પૂછ્યા પછી મને ખ્યાલ આવ્યો કે એ મારી ભૂલ હતી. અજાણતાં પણ હેમાબેન સદાય અમારાં પ્રેમાલાપમાં સંધિછેદકનું જ કામ જ કરતાં.

"હા, ચા બનાવીને નીકળ્યાં. હું એની જ વાત તમને કરતી હતી." વાતનું સુકાન સંભાળતાં તે બોલી. 

હું બોલતા તો બોલી ગયો પણ હવે પસ્તાયો.

બંનેની મીઠી ગપસપમાં  હેમાબેન ક્યાં આવીને ટપક્યાં! આખે આખો રોમાંચ રવ રવમાંથી ટપકતાં ટપકતાં ધરતી ઉપર સરકી ગયો. જાણે ગરમ ચામાં અચાનક બરફનો ટુકડો પડ્યો. 

મેં વાતને આગળ વધતી અટકાવવા તર્જનીને કપડાં બદલી હીંચકા પર આવવા આમંત્રણ આપ્યું. કારણ એ જ કે મારે હજું સ્વર્ગમાંથી વાસ્તવિકતામાં આવવું ન હતું. તે કપડાં બદલી હીંચકે આવી. હજી તેનાં મનમાં હળવાશ કરતાં હેમાનું સામ્રાજ્ય વધારે લાગતું હતું. 

તેણે ટહૂકો કર્યો, "આ હેમાબેન, રોજ ઘેર કંઈનું કંઈ લઈ જ જાય છે."

 "એટલે."

 "એટલે પૂરા માંગણ. બેન, આ લઈ જાઉં? પેલું લઈ જાઉં?

બાની સરસ સંભાળ રાખે છે એટલે હું કંઈ બોલતી નથી. બાકી..."

"તારે ના પાડી દેવાની."

"અરે, નાનાને પૂછીને લઈ જાય છે."

"તો તું શું કામ ચિંતા કરે છે!"

"નાનો તો નાનો જ છે. તેણે હજું દુનિયા જોઈ નથી. આજકાલ નાનામાં નાની વસ્તુ પણ પચાસ રૂપિયાથી ઓછી ના આવે."

"જવા દે. ખાલી ખાવાનું જ લઈ જાય છે ને. આપવાથી ખૂટે નહીં. તું મારા પ્રણયપ્રચૂર મનમાં ભંગાર વાતથી ભંગાણ કાં પાડે? પ્રિયે, તું ઉદ્વેગ છોડ. તું ઊગતી ચંદ્રકળાને જોઈ શાતા મેળવ." મેં ફરીથી પ્રણય બાણ છોડ્યું.

"પ્રિયે, મને તો તિમિરમાં કોઈ ચંદ્રકળા દેખાતી નથી!" પ્રણય પ્રચૂર એવા મને તેણે વળતો જવાબ આપી જ દીધો.

"ચંદ્રિકા તો બાજુમાં જ છે. તે વધુ ને વધુ દૈદિપ્યમાન  થઈ રહી છે." આટલું કહી હું તેની તરફ ઝૂક્યો. હળવા અંધકારના ઓજસમાં બંને ઓગળવા લાગ્યાં.

       બીજે દિવસે સંધ્યા ટાણે હાથમાં ચા સાથે બગીચામાં તે પ્રવેશતી હતી ત્યારે સામેથી ઠંડી હવાની લહેરખી આવે છે કે આંધી તે હજુ કળાતું ન હતું. સિલ્કની સાડીનો પાલવ હવામાં લહેરાયો. તેણે આજે જાંબુડી સિલ્કની સાડી પહેરી હતી. તેની અંદરનાં ગુલાબી ચકરડાઓએ  મારાં હૃદયમાં ચક્રવાત સર્જ્યો. તેમાંય આજે કેડે બાંધેલા ઘુઘરીવાળા ઝૂડામાંથી ઉદ્દભવતા છમ..છમ.. છાંદસ આવર્તનોએ તેની લયબદ્ધ ચાલને વધુ માદક બનાવી હતી. નજીક આવતાં જ તેનાં ઢીલાં અંબોડામાં બાંધેલી મોગરાની વેણીની માદક સુગંધે મારા મનને  જ્વલંત બનાવી દીધું. ચાના કપને અધર પર અર્પણ કરતાં  પહેલાં મને થયું કે આલિંગનની ઓઢણી તેને ઊઠાડી જ દઉં. પણ તે પહેલાં જ મારા હાથમાં ચાનો કપ પકડાવી તે હીંચકા ઉપર ધબ દઈને  બિરાજમાન થઈ. જાણે ચાની વરાળ ઉપર ઠંડો વરસાદ વરસ્યો. 

"નાનકાને કહો હેમાને બહુ ચડાવે નહીં."

જવાબ આપવા બંધાયેલા મેં કહ્યું,"એ નાનકો તારો લાડકો દિયર છે. તુંજ કહેને."

"હા, પણ અમુક બાબતોમાં જીદ્દી છે. મેં કહ્યું કે હેમા રોજ કંઈનું કંઈ ખાવાનું લઈ જાય છે. તો કહે કે લઈ જવા દોને. ઘણીવાર તે સવારે ખાતી નથી અને પેક કરી દે છે. અન્નદાન મહાદાન."આવું કહી મારી વાત ઉડાડી દીધી.

"પણ તે રોજ કંઈક નું કંઈક કોનાં માટે લઈ જાય?"

 "અરે, તેને બે બાળકો છે ને. તેનાં માટે."

 "તો લઈ જવા દેને. આપણને શું વાંધો છે?"

 "અરે, સવારે આપણે તેને આખું ભાણું જમવાનું આપીએ. બપોરે ચા, નાસ્તો..સાંજના માટે આપણે બંધાયેલા નથી. તમને ખબર છે અત્યારે એક આખું ભાણું એટલે રૂ.૭૦ ઓછા માં ઓછા.. તેને ધરવ નથી. ખાવાની વસ્તુઓ પર નજર બગાડે તે સારું નહીં."

"લઈ જાય છે તો સારુ. આપણે રાતે વાળુવાળીને વધ્યું ઘટ્યું આપવાની કડાકૂટમાં નિરાંત."

 "વધ્યું ઘટ્યું!  આ તો તાજું પણ લઈ જાય છે. આપણે શું કરવું તે આપણે નક્કી કરવાનું. રોજ રોજ ના ચાલે. તમે અહીં હીંચકે ઝૂલો છો તો શું ધ્યાન રાખો છો? તેનાં હાથમાં રોજ ડબ્બા કે ખોખા જોતાં નથી!"

"હું તો તારામાં જ રમમાણ છું. ડાફોળિયાં મારવાની મને આદત જ નથી." 

પછી વાત બદલતા મેં કહ્યું, "અરે, આજે આ હરિયાળી લહેર. તેમાં આ વાસંતી પવન. ચારે બાજુ ફૂલોનો આસવ...મને વિહ્વળ  બનાવે છે. હેમાની હતપ્રભ વાતો લઈ તું મારા બેચેન મનને બેધ્યાન કરવાં શા માટે પ્રયત્નશીલ છે?"

 "તમને બસ રોમાન્સ જ સુઝે છે! ઘરનું વિચારો."

 "તમને સ્ત્રીઓને ઘરની ચાર દીવાલો જ દેખાય છે! તું ઘરની બહાર નીકળ અને આ વસંતમાં વિહરવાનું વિચાર."

 "કવિરાજ, હવે તમે વાસ્તવિકતામાં આવો."

"આ સાંજનો અડધો કલાક એ આપણું ધબકતું અને ધડકતું જીવન છે. તેમાં મને આ ત્રીજી વ્યક્તિની ઘૂસણખોરી બિલકુલ પસંદ નથી. આ સુંદર મજાની સાડીનાં વખાણ કરવા જતો હતો ત્યાં તુ બહારવટે ચઢી. તારી ઓફિસમાં આજે આ કાર્તિકી કૌતૂક જેવી સાડીનાં ચોક્કસ વખાણ થયા હશે. અને તેમાંય આ પૂનમનાં ચંદ્ર જેવો  મોટો ચાંદલો. વાહ, શું કહેવું..."

 "સુંદર લાગે છે?"

 "સુંદર નહીં અતિ સુંદર લાગે છે. આજે મારી પ્રીત હીંચકાની સાથે સાથે હેલે ચડી છે. તે આલિંગનમાં ઓગળવા માંગે છે... આજે તો આપણાં અસ્તિત્વને એકાકાર કરવા મથતા મને તે હેમાની વાત છેડીને  અછાંદસ ગઝલ જેવો બનાવી દીધો!"

 "બહુ વેવલા...હવે ઉંમર થઈ."

 "ઉંમર સાથે જો હું પ્રેમ નહીં કરું તો તું જ કહીશ કે વૈરાગ્ય  લીધું છે? તમે તો સાવ સાધુડા. મારી સામે જોતાં જ નથી."

તે ખંજન પાડતાં હસી  અને મારા ખભે ઝુકી. તેની બંધ આંખો પણ નશો ચઢાવતી હતી. મારી નશીલી આંખો તેનાં પર અમીછાંટણા કરતી હતી.

           

           હું તેના આગમનની  રાહ જોતો હોઉં. તે આવીને બેસે ખરી પણ તેની  આંખો ઘરનાં ઝાંપા તરફ તંકાયેલી હોય. વળી હેમાનાં થેલામાં ડોકિયાં પણ કરતી હોય. આ અમારાં સમી સાંજનાં સરવાળા. આમ જુઓ તો ઢળતી સાંજ, હીંચકો અને અમે. બીજું શું જોઈએ? પણ આમ જુઓ તો દરેકની આંખો કંઈક જુદું જ જોતી હોય. હમણાં હમણાં તો રોજ પ્રેમ ત્રિકોણ સર્જાતો હતો! પતિ, પત્ની ઔર વો...સામાન્ય રીતે તો આ "વો" એ પત્નીની સૌતન હોય. અહીં તો આ "વો" મારી સૌતન બની જતી હતી!

     શનિવારે રોજ કરતા તે મોડી હતી. ચંદ્ર પણ તેનું દર્શન કરવા માટે વિરહી બન્યો હતો. આજે જામનગરી બાંધણીમાં તે જોબનવંતી કાનમાં ઝુલતાં કર્ણફૂલો સાથે ઝડપભેર પ્રવેશી. એનાં ગાલ પર સ્નેહથી સ્પર્શ કરતાં એ કર્ણફૂલો મારાં મનમાં ઈષાનો પ્રવેશ કરાવતાં હતાં. જ્યારે બીજી બાજુ ભારેલો અગ્નિ ભભૂકતો હતો. એક મુખડું હસતું હસતું વિદાય થતું હતું. સાથે સાથે ઝાંપામાંથી લાડુનો ડબ્બો પણ વિદાય થઇ રહ્યો હતો.

"બા, લાડુ ..લાડુ.. કરતા હતાં. મેં ચોખ્ખા ઘીનાં બનાવડાવ્યા. આ જુઓ ડબ્બો ઉપડ્યો!"

આજે મારાથી પણ ના રહેવાયું અને નાનકાને બોલાવ્યો.

"આ, હેમા લાડું તને પૂછીને લઈ ગઈ?"

"હા, બાએ તો ખાલી ચાખ્યો જ. આટલાં બધાં તે આ ઉંમરે થોડા ખાવાં ના! બપોરે જમવામાં હેમાબેને ના ખાધો. સાંજે ઘરે લઈ જઈશ તેવું કહેતા હતાં. ભાભી ઘણાં બધાં વધ્યાં છે. થોડા ઓફિસમાં લઈ જજો."આટલું કહી નાનકો છટક્યો. આજે અમારા  બે  વચ્ચે ફક્ત હીંચકાનું કિચૂડ.. કિચૂડ.. સંભળાતું રહ્યું. હીંચકામાં ઊંજણ પૂરવું પડશે. તે બબડી. 

      મારું રોજ હીંચકા પર બિરાજવુ. યાને કે જૂઈનાં મંડપ ઉપર બિરાજમાન થવા આતુર ભમરો. ગરવી ગુજરાતણનું હીંચકા પર બેસી બીજે ધ્યાન કેન્દ્રિત કરવું. મારી સર્જનાત્મકતાને નકારાત્મકતામાં નવડાવવામાં નિપુણ મારી અર્ધાંગિની.  મને ન ગમતાં સવાલોની ઝડી. તેની પૈસા બચાવવાની પ્રવૃત્તિ. મારી જતું કરવાની વૃત્તિ. આ અમારી રોજનીશી. અનેક પ્રયત્નો છતાં અમારા વાયુમંડળમાં હેમાં નામનું વાવાઝોડું હસતાં હસતાં પ્રવેશી જ જતું. મારો સંધ્યા સાથે પાંગરતો  પ્રેમ ધીરેધીરે લજામણીના છોડની જેમ સંકોચાઈ જતો. 

        શનિવારની સાંજે ખુશખુશાલ થઇને લાલ ચટક ચંદેરી સાડી સાથે તે હીંચકે બિરાજમાન થઈ. મેં મૌન જ રાખ્યું. મારે આજે મારાં ઉત્સાહનો ઉત્સવ ઊજવવો જ ન હતો.  હેમા ચાની ટ્રેમાં બે કપ લઇને પ્રવેશી.  તે સ્મિત આપી પાછી જતી રહી. ત્યાં ફોન રણક્યો. અમેરિકાથી આલાપ. તે ખુશખુશાલ થઇને બોલી, "હેપી બર્થ ડે". પછી મારા તરફ  મોબાઈલને ફેરવ્યો.

 મેં પણ વર્ષગાંઠની શુભેચ્છાઓ આપી.

"અહો, હીંચકે ઝુલો છો. કેટલું રોમેન્ટિક!"

વાતને કાપતાં તે બોલી, "આજે તારી વર્ષગાંઠ નિમિત્તે "પિત્ઝા હટ"માંથી  

પિત્ઝાના બોક્સ બનાવી હું ગરીબોનાં ઝૂંપડામાં બાળકોને આપી આવી." 

"વાઉ, આ વખત મિઠાઈને બદલે પિત્ઝા!"

 "હા, હવે  બાળકોને મિઠાઈ કરતાં પિત્ઝા વધુ પસંદ છે. તેથી બદલાવ કર્યો."

"મને તારાં બદલાયેલા વિચાર  ગમ્યાં. આજે હું તને જ યાદ કરતો હતો. તું ઓફિસની કોઈપણ પાર્ટીમાં ખાતી નહીં. તને જે સમોસા કે કચોરી મળે તે તું મારા માટે  ઘરે લઈ આવતી. યાદ છે ને?"

 "અરે, કેક પણ.."

 "હા, તારાં ભાગની કેકનો ટુકડો પણ તું બોક્સમાં મારા માટે  લાવતી. હું આતુરતાથી રોજ રાહ  જોઉં કે તું મારા માટે શું લાવે છે? ભલે એક જ સમોસુ કે એક જ કેકનો ટુકડો હોય. પણ જ્યારે હું બોક્સ ખોલું  ત્યારે ખુબ રોમાંચિત થઈ જતો. તું હમેશા કંઈક ને કંઈક તો લાવતી જ. ઓફિસમાંથી કે બજારમાંથી. લવ યુ મંમા. યુ આર ગ્રેટ. આજે અહીં ઢગલો કેક ખાવા મળે છે પણ પેલા ટુકડાં જેવી મજા નથી."

 "માનાં ગળે બાળકને ખવડાવ્યા વિના કોળિયો ઉતરે?"

"મા તે મા.. ખાતાં પહેલાં બાળકનો જ વિચાર કરે." મેં સાદ પૂરાવ્યો.

 "હવે ઓફિસમાં પાર્ટી થાય છે. પણ હું  ઘરે કંઈ જ લાવતી નથી. કોના માટે લાવું?" તેની આંખોનાં ખૂણા સજળ થયાં. મેં ફોન મારા હાથમાં લઈ લીધો. 

"મારાં માટે તો કંઈ જ લાવતી  નથી." મેં ફરિયાદ કરી.

 તે હસી પડી. પછી બોલી, "તમે ફોન ઉપર વાત ચાલુ રાખો. ઓવનમાં પિત્ઝા  ગરમ કરીને લાવું. આજે હીંચકે જ જમીશું."

 તે પિત્ઝા લઈને આવી.

 આલાપે પૂછ્યું, "કયું ટોપીંગ છે?"

 "ટોમેટો, કેપ્સીકમ અને મશરૂમ"

 ચીલી ફ્લેક્સ છાંટતાં તેની દૃષ્ટિ હેમા તરફ ગઈ. તે બાજુમાં આવીને ઊભી રહી ગઇ હતી.

"બાબાભાઈ છે ને? હેપી બર્થ ડે." 

આલાપે થેન્ક્યુ કહીં મને પૂછ્યું, "હેમાબેનને તેમનાં છોકરાઓ માટે પિત્ઝા આપ્યાં?" 

હેમાબેને જ વળતો જવાબ આપ્યો કે આજે સવારે તમારી વરસગાંઠ હતી એટલે બાએ ભગવાનને થાળ ધર્યો હતો. બાએ બહુ આગ્રહ કર્યો તેથી હું સવારે જમી છું. શીરો, પુરી, દાળ, ભાત અને શાક. આ બીજી વાર થશે. મારાથી ના લેવાય.

"અરે, એમાં  એક વાર ને બે વાર ના હોય. પિત્ઝા તો છોકરાઓને ભાવે. તમારાં બાળકો માટે છે. લઈ જવા પડશે."

તર્જની પુત્રની ઈચ્છાને માન આપી અંદરથી પિત્ઝાનું બોક્સ લઈ આવી. હેમાબેન બોક્સ લઈ વિદાય થયાં. 

તે પિત્ઝાનો ટુકડો મોઢામાં મુકવા જ જતી હતી અને તેની દ્રષ્ટિ ઝાંપો  ખોલતી હેમા ઉપર પડી. હેમાએ ઝાંપો બંધ કર્યો. તર્જની અને તેની નજર મળી. તારામૈત્રક સર્જાયું. હેમા હસી. તર્જનીનાં હોઠોની પાંખડીઓ પણ આજે ખીલી હતી. તે દૂર દૂર પહોંચી ગયેલી હેમાની પીઠને ઊંડા વિચાર સાથે તાકતી રહી.

આલાપે પૂછ્યું, "શું જુઓ છો?"

"મા..."નિશબ્દતાને તોડતી તે બોલી.

        બીજે દિવસે ગોલ્ડન યલો શિફોનની સાડી અને બ્લેક સ્લીવલેસ બ્લાઉઝમાં તેને ઝાપામાંથી હસતાં હસતાં પ્રવેશતી મેં જોઈ. આજે તો મને એવું લાગ્યું કે જાણે ઋતુ બદલાઈ ગઈ! હું કંઈ પૂછું તે પહેલાં તેણે  હેમાબેનને બૂમ પાડી.

હેમાબેન બે કપ ફુદીનાવાળી ચા સાથે પ્રવેશ્યા. તર્જનીએ તેમને એક બોક્સ આપ્યું. 

"આમાં જમવાનું છે. ઓફિસમાં આજે કિશોરભાઈની ફેરવેલ પાર્ટી હતી. તેમણે જમણવાર રાખ્યો હતો પણ હું જમવા રોકાઈ નહીં. આ મારા ભાગનું લેતી આવી. ખાસ તમારાં બાળકો માટે."

હેમાબેને તે બોક્સ લઈ લીધું. તેમની મુંગી આંખો ઘણું બધું કહી ગઈ. બંને વચ્ચે ધીરે-ધીરે તાલમેલ થતો જોઈ હું પણ ખૂબ આનંદિત થઈ ગયો.

તેણે ધીરે રહીને બીજું બોક્સ કાઢ્યું. તેમાં જલેબી  હતી. વાતાવરણમાં ચોખ્ખા ઘીની સુગંધ પ્રસરી ગઈ. જલેબી પહેલેથી મને ખૂબ પ્રિય. તે બોલી, "તમે ફરિયાદ કરો છો ને કે તમારા માટે કશું નથી લાવતી. મોં ખોલો." મારું મોં ખુલતા જ તેણે જલેબીનો ટુકડો મારા મોઢામાં મૂકી દીધો. સ્વાદિષ્ટ કેસર જલેબીએ મને આનંદિત કરી દીધો. 

સાડીનો પાલવ હવાથી લહેરાયો. મેં ધીરેથી મારો હાથ તેના હાથ ઉપર મૂકી દીધો. આજે કંઈ પણ બોલ્યા વિના તેણે તેનું માથું મારા ખભા પર ઢાળી દીધું. અમે બંને એકબીજામાં ખોવાઈ ગયાં. આકાશમાં ધીરે ધીરે ચાંદની ખીલતી ગઈ. અને અમે પણ...

આજે હવા  હિંલોળે ચડી હતી કે અમારી પ્રીત? અમુક સવાલોના ક્યાં જવાબ હોય છે! એમાંય મને તો સવાલ જવાબ કરવામાં રસ જ નહીં. બસ, હું અને મારી પ્રિયે. બીજું જોઈએ પણ શું? 

       સંધિકાળમાં વૃક્ષ ઉપરથી સંધિપત્ર સરક્યું. સ્વર્ગીય સંધિસ્વર રેલાયો. તેનાં તથા હેમાનાં સરખાં સમીકરણો આજથી સર્જાયા. આ નવા સૂર્યોદયથી હું પણ સ્વર્ગીય સ્નેહમાં ડૂબી ગયો.


----------------૦૦૦




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ