વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભયમુક્ત પ્રેમ

© ભયમુક્ત પ્રેમ

 

       આઘાત અને આશ્ચર્યની રેખાઓ એના મુખ પર લીંપાઈ ગઈ હતી. આંસુનો જથ્થો સૂકાઈ ગયો હોય એમ આંખો કોરીધાકોર થઈ ગઈ હતી. કલાકો સુધી તો એણે એકલા બડબડ કર્યા કર્યું, ‘નિશા, મેં તને શું ઓછું આપ્યું? મેં તને આવી નહોતી ધારી નિશા! તેં મને દગો આપ્યો નિશા!’ પરંતુ નિશાની સન્મુખ જતા એ તદ્દન શાંત થઈ જતો. મારવાની વાત તો દૂર, હવે તો મહેણાં ટોણા મારવાથી પણ એ બચી રહ્યો હતો. આ વેળા તો એ નિસર્ગને મારવા પણ ન ગયો. ઉલ્ટું નિશા સામેથી અકળાઈ ઊઠી, કહેતી – “કંઈક તો કહો, ગુસ્સો આવતો હોય તો મારો મને, પણ આમ તદ્દન ચૂપ ન થઈ જાવ.” છતા એણે ગજબનો સંયમ કેળવ્યો હતો અથવા એનો ગુસ્સો જ મરી ચૂક્યો હતો, જેમાં ભારોભાર પ્રેમ પણ છલકાતો હતો! ગુસ્સો અને પ્રેમ એનામાં ઠાંસી ઠાંસીને ભર્યા હતા, એની પ્રકૃતિ સાથે એ બંને વણાયેલા હતા અને બંનેએ સાથે જ વિદાય લઈ લીધી હતી! આશરે મહિના પહેલાની એ ઘટનાએ એના સરળ અને શાંત જીવનમાં આંધી ફૂંકી દીધી હતી. 

 

***

 

     એ રાત્રે એ પ્રથમ વાર રડ્યો હતો, દિલ ખોલીને રડ્યો છતા આંસુ ખૂટતા નહોતા. પ્રથમ તો એને વિશ્વાસ જ બેસતો ન હતો કે નિશા પણ આવું કરી શકે છે? એક થપ્પડ મારી હતી એણે બસ અને નિશા ધ્રૂજી ગઈ હતી. “આજે પણ મને ખબર ન પડી હોત કે તું મારી પીઠમાં છરો ભોંકી રહી છે! કઈ ઓછપ વર્તાઈ તને મારા પ્રેમમાં?” એ બોલ્યો હતો અને નિશાની આંખો સમક્ષ વીતેલા પંદર વર્ષના સુખમય લગ્નજીવનની આહ્લાદક ક્ષણો કોઈ ચલચિત્રની માફક ઉભરી આવી. નિશાનું મૌન એનાથી ન સહેવાયું, એણે હલાવી નાંખી એ નાજુક માનુનીને, “બોલ, શું અધૂરપ વર્તાઈ તને મારા તરફથી?”

 

       “કોઈ નહીં, સંયોગ કોઈ કમી નથી વર્તાઈ, કંઈ પણ ઓછું નથી પડ્યું. યાદ છે તને, એક વાર તેં મને તમાચો માર્યો હતો? એનું કારણ હતું, મેં નિનાદને માર્યો હતો. પરંતુ એને મારવાના કારણ પાછળના કારણો જાણવાની તેં કોશિશ જ ન કરી! તને લાગ્યું કે મેં એને વિના કારણે માર્યો, પણ ના.. એ મને બહુ હેરાન કરતો હતો અને હું એ સમયે મેન્ટલી બહુ ડિસ્ટર્બ હતી. યુ નોવ, એ મારો પિરિયડનો સમયગાળો હતો અને એ ટાઈમમાં દરેક સ્ત્રી મેન્ટલી ડિસ્ટર્બ જ હોય, પણ નિનાદની સામે તમાચો મારીને તેં મને હલકી પાડી દીધી અને હું વધુ સ્ટ્રેસ અનુભવવા લાગી!” એ રડતા રડતા એકશ્વાસે બોલી રહી અને સંયોગ મોઢું વકાસીને એને જોઈ રહ્યો. છતા એને પોતાની ભૂલ સમજમાં ન આવી. 

 

      “એને મારો નંબર તેં જ આપ્યો હતો, સંયોગ.” 

 

      “હા, તો? કોઈનો પણ ફોન કે મેસેજ તારી પર આવશે તો તું એની સાથે ચાલુ થઈ જશે? તું એટલી હલકી કક્ષાની છે? આઈ સ્વેર, મેં તને આવી તો ધારી જ ન હતી, શેમ ઓન યુ!”

 

      “પ્લીઝ મને માફ કરી દે, પણ હું એ વખતે ભયંકર તણાવમાં હતી અને ગુસ્સામાં પણ! અને એ જ સમયે એનો મેસેજ આવ્યો. મેં સામાન એની પાસે મંગાવ્યો હતો, એની પૃચ્છા માટે એણે મેસેજ કર્યો હતો પરંતુ મેં કંઈક વિચિત્ર જવાબ આપ્યો અને એ કારણે એને કંઈક શંકા થઈ. એણે ફોન કર્યો અને મારી તબિયત વિશે પૂછવા લાગ્યો, બાય ગોડ.. એ એક નબળી ક્ષણ હતી. મારી પ્રોબ્લેમ સમજનાર મારી પાસે કોઈ હતું નહીં, સો મેં એને મારો વેલવિશર માનિ લીધો! હું વહી ગઈ, ભાવનાઓમાં વહી ગઈ, સોરી સંયોગ સોરી, પ્લીઝ મને માફ કરી દે. આ પહેલી અને છેલ્લી વાર, પ્લીઝ!” 

 

      “શું શું કર્યું હતે તમે બંનેએ?” નિશાની કાકલૂદીથી થોડો પીગળેલો સંયોગ આગળ વાત કરવા તૈયાર થયો. 

 

      “કંઈ નહીં, ફક્ત એક વાર અહીં એકાંતમાં મળ્યા હતા, એ મારી નજીક આવ્યો પણ અચાનક મને તારો વિચાર આવી ગયો અને હું દૂર હટી ગઈ અને એને બહાર જવાનું કહી કિચનમાં ભાગી ગઈ!” નિશા ગભરાઈને અટકતી અટકતી માંડ આટલું બોલી શકી. 

 

      “બસ? કેટલો નજીક આવ્યો હતો એ? ક્યાં ક્યાં હાથ લગાડ્યો હતો? અહીં? અહીં તો આંગળી ફેરવી જ હશે ને એણે? હા પણ, તું બધી કબૂલાત થોડી કરશે, કેમ?” સંયોગ ફિક્કું હસ્યો. વાર્તાલાપ અહીં અટકી ગયો હતો પરંતુ વાત પૂરી થઈ નહોતી! એ પછીના પંદર-વીસ દિવસ સુધી સંયોગ ચાલતા-ફરતા, ઊઠતા-બેસતા નિશાને મહેણાં માર્યા કરતો. અને એ મહેણાં ફક્ત નિશાને તકલીફ આપવા કે ટોર્ચર કરવા માટે મારતો ન હતો, એ પોતે માનસિક આઘાત પામ્યો લાગતો હતો. નિશાનાં શબ્દોમાં એ મેન્ટલી ડિસ્ટર્બ્ડ હતો અને નિશા એની આ હાલત સારી રીતે સમજતી હતી. 

 

     જોકે વીસેક દિવસ પછી એનામાં થોડો બદલાવ આવવા લાગ્યો. ત્યારે પણ ક્યારેક એની જીભથી કટુ વાક્યો સરી પડતા, પરંતુ હવે એ બહુ સારી રીતે વર્તાવ કરતો અને નિશા પર અઢળક પ્રેમ વરસાવતો થયો, ઈવન પહેલાંથી પણ વધુ. ક્યારેક એ કહેતો પણ ખરો કે ‘દરેક સ્ત્રી અને પુરૂષે લગ્ન પછી એકાદ લફરૂં કરવું જ જોઈએ, તો જ એને જીવનસાથીનો પ્રેમ વધુ મળે!’ નિશા ખિસિયાણી પડીને હસતી, એને સમજાતું નહીં કે આ વાક્યમાં જે ખરેખર એ બોલે છે એ જ કહેવા માંગે છે અથવા ટોન્ટ મારે છે! નિશા વારંવાર સોરી કહીને એના દિલમાં ફરીથી જગ્યા બનાવી ચૂકી હતી. એણે ઘણી વાર પ્રોમિસ કર્યું કે એ હવે નિસર્ગ સાથે ક્યારેય વાત નહીં કરે અને જો એનો મેસેજ આવશે તો એ સંયોગને જાણ કરશે. જોકે હવે સંયોગને પૂરેપૂરો વિશ્વાસ હતો કે નિશા હવે ક્યારેય એને છેહ નહીં આપશે અને નિસર્ગને તો બે વાર એણે  બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, અને એ નાદાન છોકરો બહુ ગભરાઈ ગયો હતો એટલે એના તરફથી કંઈ થવાની શક્યતા નહિવત હતી. 

***

 

        “લો વળી આવી ગઈ મેડમ માયા, નવા આશિકે ન સંઘરી તે ફરી જૂનાને માથે પડી!” સહ કર્મચારી વિપુલના અવાજે સંયોગનું ધ્યાન ખેંચ્યું. એણે વિપુલની આંખ જ્યાં ચોંટી હતી, એ દિશામાં દૃષ્ટિ કરી. નકારમાં ગરદન હલાવી એણે વિપુલને ટોક્યો, “તું પણ શું યાર, એની પાછળ પડ્યો છો? એ ગમે તે કરતી હોય, આપણા બાપના કેટલા ટકા?”

 

         “લે, તો તને આખી વાતની ખબર જ નથી, એમ ને? મેડમ પોતાનાથી દસ વર્ષ નાના પાડોશનાં છોકરા સાથે ભાગી ગયા હતાં, પંદર દિવસ મેગા સીટી બેંગ્લોરમાં  જલસા કરીને આવ્યા અને આવીને વિનુ બોચિયાની માફી માંગી લીધી, અને નવાઈની વાત એ છે કે વિનુભાઈ બોચિયાએ એને માફી આપી દીધી, ઉપરથી નવું એક્ટીવા પણ લઈ આપ્યું! એક નંબરનો બબૂચક.” વિપુલ એક પ્રખર પત્રકારની જેમ ન્યૂઝ સંભળાવી રહ્યો. 

 

          “હશે યાર, આપણને શું? કદાચ એ વિનુને એમ હશે કે એના પ્રેમથી એ સુધરી જાય!” સંયોગ અંતરની પીડા દબાવીને બોલ્યો. 

 

          “લો કર લો બાત! પ્રેમથી જો એ સુધરી ગઈ હોત તો પહેલી વારમાં જ કામ થઈ ગયું હોત! બોસ, આ તો ત્રીજી વાર ભાગી ગઈ! ઈનશોર્ટ આને તો ભાગવાની પ્રેક્ટિસ પડી ગઈ છે અને ટેવ પણ! તેં પેલી કહેવત નથી સાંભળી? પડેલી આદત નનામીએ જ જાય. જે એક વાર ઉલ્ટા રસ્તે ચડ્યું, એ ક્યારેય સીધા રસ્તે ન આવી શકે! લખી રાખ મારા બોલ, આ ચોથી વાર પણ ભાગશે!” વિપુલે કોઈ ભવિષ્યવેત્તાની અદાથી બોલીને કોલર ઊંચા કર્યા. પરંતુ સામા પક્ષે સંયોગના હ્રદયમાં કોહરામ મચી ચૂક્યો હતો! માયાની વાત ક્યાંય હવામાં છૂ થઈ ગઈ અને વિપુલનું વાક્ય ‘પડેલી આદત નનામીએ જ જાય’ સંયોગના મગજમાં હથોડાની જેમ ઠોકાતું રહ્યું. કલાકમાં તો એનું માથું ફાટી જવા લાગ્યું. ઓફિસમાં બેસવું ભારે પડી ગયું. અંતે બોસ પાસે રજા લઈ એ ઘરે જવા રવાના થયો. બાઈકના સેલની સ્વીચ દબાવતા પણ મગજ એ જ દિશામાં ફરતું રહ્યું અને થોડીવારમાં એની બાઈક આપોઆપ એક મોબાઈલ શોપ પર ઊભી રહી ગઈ. 

 

      આધાર કાર્ડ બતાવી એણે એક સીમ કાર્ડ ખરીદ્યું અને મોબાઈલના સેકન્ડ સીમમાં ઈન્સ્ટોલ કર્યું. ફોનનું સેટિંગ્સ દબાવી એણે ડ્યુઅલ એપ્સ ખોલી એમાં વોટસએપ ઈનેબલ કર્યું.  સેકન્ડ વોટસએપમાં નવો નંબર નાંખી ઓ.ટી.પી. વેરીફાઈ કર્યો અને સીમ કાર્ડ કાઢી નાંખ્યું. નિસર્ગના ફેસબુક વોટસએપના પ્રોફાઈલ ફોટોને ખોલી ડાઉનલોડ કર્યો અને એ નવા વોટસએપના પ્રોફાઈલમાં ચીપકાવી દીધો. નિસર્ગના સ્ટેટસને પણ કોપી કરી નવા વોટસએપમાં પેસ્ટ કર્યું અને નિશાનો નંબર શોધી મેસેજ કર્યો, “હાઈ..”

 

       એ પોતે પણ આશ્ચર્ય અનુભવી રહ્યો કે ‘ક્યાં બે કલાક સુધી એક ફાઈલ ક્લિયર ન કરી શકનાર સંયોગ અને ક્યાં એક માસ્ટરની અદાથી ફટાફટ નિર્ણયો લેનાર આ સંયોગ? જાણે એ કોઈ કથપૂતળી છે અને કોઈ અદ્શ્ય શક્તિ એની પાસે આ બધું કરાવી રહી છે!’ 

 

        પાંચેક મિનિટ પછી મેસેજ બ્લિન્ક થયો, “હલો..” એ સાથે સંયોગના વિશ્વાસનો પ્રથમ પાયો ડગમગી ગયો. એક પળ માટે એને થયું કે ’આ બધું જ છોડીને કશે દૂર ભાગી જાઉં! નથી કરવી મારે કોઈ પરિક્ષા. થોડા સમય પછી ફરી આવીશ તો પણ નિશા મારા માટે રાહ જોતી હશે!’ ત્યાં જ વધુ એક મેસેજ બ્લિન્ક થયો, “શું થયું? સંયોગે માર્યો હતો, એ ભૂલી ગયો કે શું? ????

 

      “એક થપ્પડમાં શું યાદ રાખવાનું? એવો તો બહુ માર ખાધો છે અને માર્યા પણ ઘણા છે લોકોને! ???? આ તો તારા કારણે એને જવા દીધો નહિતર લાલ-પીળો કરી નાંખ્યો હોત! ????

 

      “ઓહ્હો, એમ વાત છે? પણ મને તો સંયોગે એમ કહ્યું હતું કે એણે તને બહુ માર્યો!????” વાતવાતમાં ઈમોજી વાપરવા ટેવાયેલી નિશા આ વાતમાં ગૂંચવાઈ! ‘તો શું સંયોગે જૂઠું કહ્યું હતું? મારી સામે ફક્ત પોતાની બડાશ હાંકતો હતો કે શું?’

 

        “ફેંકતો હશે એ, છોડ એ બધું, તને કંઈ વધુ મારી તો નથી ને?” એક-એક મેસેજની આપ-લે પછી સંયોગના હ્રદયના ધબકારા વધતા જતા હતા. 

 

        “ના ફક્ત એક તમાચો, પણ એ બહુ રડ્યો હતો. મારાથી એ જોવાતું નથી અને મેં એને પ્રોમિસ આપ્યું છે કે હું તારી સાથે વાત નહીં કરીશ. પ્લીઝ મને મેસેજ ન કરીશ, બાય.” નિશા ઓફલાઈન થઈ ગઈ. નિશા ફૂલ માર્કથી પાસ થઈ હતી. સંયોગને નાચવાનું મન થઈ ગયું. ભરચક રોડ પર માંડ એણે પોતાના પર કંટ્રોલ કર્યો. અચાનક એને વિચાર આવ્યો કે અંતે કંઈક લખવું જોઈએ, જેથી નિસર્ગે જ મેસેજ કર્યો હતો એમ લાગે! અને એણે લખ્યું, “અરે એવા પ્રોમિસ તો તૂટવા માટે જ કરવાના હોય, પાળવા માટે નહીં જાનેમન! રાત્રે સંયોગ બહાર જાય પછી મેસેજ કરજે, હું રાહ જોઈશ. લવ યુ.” અને સેકન્ડ વોટસએપને અંદરના ફોલ્ડરમાં સંતાડી એણે ઓફિસ તરફ બાઈક ભગાવી. જોતજોતમાં એણે ડઝનબંધ ફાઈલો ક્લિયર કરી નાંખી. બોસ પણ આશ્ચર્યથી એને જોતા જ રહી ગયા. 

 

         સાંજે ઘરે જઈને એ ઘણા વહાલથી નિશાને ભેટ્યો, જોકે નિશાને એની કોઈ નવાઈ ન લાગી કારણ કે છેલ્લા દસ-બાર દિવસથી એ આ જ રીતે નિશા પર પ્રેમ વરસાવતો હતો. પરંતુ નિશાની કમનસીબી કે એ સંયોગના આજના પ્રેમમાં આવેલી ભરતી અને એના કારણને પારખી ન શકી! હળવો શાવર લઈ સંયોગે દિવસભરના થાકને પાણીમાં વહાવી નાંખ્યો. આજની ખુશીનાં પ્રમાણમાં થાક પણ એને નહિવત લાગ્યો હતો, એક અનિચ્છનીય ઘટનાને કારણે જોજનો દૂર થઈ ગયેલી પ્રાણપ્યારી જીવનસંગીની જે એને ફરી મળી હતી. જમી પરવારી એ કલાક ચાલવા માટે બહાર નીકળવા જતો હતો ત્યાં નિશા બોલી ઊઠી, “ચાલવા જાય છે? ક્યારે આવશે?”

 

         એક ધક્કો લાગ્યો સંયોગને. રોજનું વાક્ય ‘જલ્દી આવજે’ ‘ક્યારે આવશે?’માં રૂપાંતર પામ્યું, એના આશ્ચર્યમિશ્રિત આઘાત સાથે બપોરનો વોટસએપનો પોતાનો મેસેજ સંયોગની આંખ સમક્ષ તરવરી ઊઠ્યો! એને લાગ્યું, નિશા જાણે ચાહતી ન હોય કે એ જલ્દી ન આવે! ન ચાહવા છતા પણ નિશાની ફરી બેવફાઈની આશંકાથી એ ધ્રૂજી ઊઠ્યો. 

 

***

 

         ચાલવાને બદલે સંયોગે બાગના એક બાંકડે બેઠક લીધી. દસેક મિનિટ રાહ જોઈ પરંતુ નિશા તરફથી કોઈ મેસેજ ન આવ્યો. એ થોડો રાજી થયો છતા ‘ક્યારે આવશો?’ની પૃચ્છાથી મનમાં ઊગેલો શકનો કીડો શાંત ન થયો. એણે મેસેજ ટાઈપ કર્યો અને આંખ બંધ કરીને પ્રાર્થના કરતા કરતા સેન્ડ કરી દીધો, “હાઈ બેબ્સ.”

 

          વળતી સેકંડે મેસેજ સીન થયો, અને પળવારમાં જ જવાબ આવ્યો, “હલો, તું જમ્યો?” છનનન… કરતું કશુંક સંયોગના છાતીમાં તૂટી ગયું, એ હતું એનું વિશ્વાસના અતિરેકથી ભર્યું હ્રદય! નિશાએ પ્રોમિસ તોડ્યું તો તોડ્યું, ઉલ્ટું એ નિસર્ગના મેસેજની રાહ જોઈ રહી હતી. નહિતર આ સમયે એ નિનાદને સૂવડાવતા પોતે પણ એક ઝપકી મારી લેતી હતી. એક ક્ષણ માટે સંયોગને આ રમત બંધ કરી દેવાનો વિચાર આવ્યો, પરંતુ બીજી ક્ષણે એણે પોતાના ધેર્યની અને નિશાની હદ ચકાસવાનો નિર્ણય લીધો. 

 

        “હા, ધરાઈને જમ્યો બપોરે તારી સાથે વાત થઈ હતી ને એના પ્રતાપે! ???? 

 

        “પ્લીઝ, એવી બધી વાતો ન કર. તને સંયોગથી બીક નથી લાગતી?”

 

        “અરે, એમાં શું ગભરાવાનું? એ તો એક નબરનો બેવકૂફ છે. આ મારો નવો નંબર ફક્ત તારા માટે લીધો છે. તારી કોઈ સખીનાં નામથી સ્ટોર કરી લે. અને સંયોગથી બીવાનું છોડ, તું મને પ્રેમ કરે છે કે નહીં?” સંયોગે છેલ્લો દાવ રમી લેવાનું નક્કી કર્યું! થોડીવાર સુધી કોઈ જવાબ ન આપ્યો. સંયોગે બે-ત્રણ હાથ હલાવતા ઈમોજી મોકલ્યા. જોકે જવાબ ન આવ્યો તેથી અંદરખાને એ ખુશ થયો પરંતુ એની એ ખુશી ક્ષણવાર માટે જ ટકી! 

 

       “શું બેબાકળો થઈ ગયો છે? નિનાદ ઊઠી ગયો હતો, એટલે વાર લાગી. વેલ, નંબર તો હું અત્યારે સ્ટોર કરી શકું એમ નથી, પછી વિચારીશ.”

 

       “ઓકે, પણ તું મને અત્યારે પણ પ્રેમ તો કરે જ છે ને?” વર્ચ્યુઅલ નિસર્ગ બનેલા સંયોગે પીછો ન છોડ્યો. 

 

       જવાબમાં પ્રથમ ???? ઈમોજી આવ્યું અને તરત મેસેજ આવ્યો, “સૂઈ જા અને મને પણ સૂવા દે, સંયોગ આવતો જ હશે.” હવે સંયોગનો સંયમ હદ વટાવી ચૂક્યો હતો, વધુ મેસેજ કરવાની એની તાકાત બચી નહોતી. નિશાએ પ્રેમનો એકરાર ન કર્યો એનો થોડો રાજીપો હતો પરંતુ ‘તને બીક નથી લાગતી?’ ‘અત્યારે નંબર સ્ટોર કરી શકું તેમ નથી.’ જેવા મેસેજ બાગથી ઘર સુધીના રસ્તામાં એના મગજમાં ધણની માફક ઠોકાતા રહ્યા. ‘તો નિશા મને પ્રેમ નથી કરતી, મારાથી ગભરાય છે. અને એ ભયને કારણે એ નિસર્ગને નજીક આવવા નથી દેતી!’ કોઈ અર્ધપાગલની જેમ લવારા કરતો પાંચ મિનિટમાં એ ઘરે પહોંચ્યો ત્યાં સુધી આંખોથી અગણિત આંસુ વહી ચૂક્યા હતા. એણે બેલ પણ વગાડી અને દરવાજો પણ ઠોકીને હલાવી મૂક્યો. નિશાએ ઊંઘરેટી આંખોથી દરવાજો ખોલ્યો. 

 

      એનું આ નાટક જોઈ સંયોગનો પિત્તો ગયો, છતા એણે અવાજ પર કાબૂ જાળવ્યો, “ચાલ, તારી બેગ પેક કર, તું મારાથી ગભરાય છે ને? તો તારે ગભરાઈને અહીં રહેવાની કોઈ જરૂર નથી. જ્યાં તને પ્રેમ મળે ત્યાં જ તારે હોવું જોઈએ, અહીં નહીં! હું નિસર્ગ સાથે વાત કરી લઈશ, એ તારી સાથે ફેરા ફરી લેશે અને તને ખૂબ ખુશ રાખશે. અને એ જો તને હેરાન કરે તો મને કહેજે, હું એના હાડકાં ખોખરા કરી નાંખીશ.” નિશાને બોલવાનો મોકો આપ્યા વિના એ સડસડાટ બોલી ગયો. નિશા ગભરાઈને એને જોઈ રહી. 

 

        “પણ સંયોગ થયું શું? હું ફક્ત તને જ પ્રેમ કરું છું. નિસર્ગને તો મેં ક્યારનો ભૂલાવી દીધો છે!” 

 

સટ્ટાક.. કરતો અવાજ ગૂંજી ઊઠ્યો. “આ જૂઠું બોલી એનું ફળ છે, પ્રોમિસ તોડ્યું અને બેવફાઈ કરી એનું નથી!” એનો ચહેરો ગુસ્સાથી ભભૂકી ઊઠ્યો હતો, “એ હું જ હતો, જે નિસર્ગ બની અડધા કલાકથી તારી સાથે પ્રેમાલાપ કરતો હતો!”

 

       “પણ મેં ના જ તો કહ્યું એને, આઇ મીન તને!” નિશાએ લૂલો બચાવ કર્યો. 

 

       “હા, તેં ના જ કહ્યું કારણ કે તું મારાથી બીવે છે, એટલે તો તેં એનો નંબર સ્ટોર ન કર્યો, નહીં?” ફરી તેજ ધાર એના લહેજામાં આવી ગઈ, “હવે તુ અહીંથી નીકળે છે કે હું તને ધક્કો મારીને બહાર કાઢું?”

 

        “ના, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. સોરી સાડી સત્તર વાર સોરી, પણ પ્લીઝ મને અહીંથી જવાનું ન કહીશ!” એણે પણ હઠ પકડી. 

 

       “ઓહ, ચોરી ઉપર સે સીનાજોરી! ચાલ નીકળ મારા ઘર અને દિલમાંથી તો તું નીકળી જ ગઈ છે.” સંયોગ માનવાનો નથી એમ માની લઈ નિશા એના પગમાં પડી ગઈ, હવે સંયોગે સંયમ ગુમાવ્યો, “સાલી નાટક કરે છે, નોટંકીબાજ!” કહી એ આડેધડ નિશાને મારવા લાગ્યો. ઓછું હતું તો પેન્ટમાંથી પટો કાઢી એનાથી ફટકારી. નિશાનું મોં, માથું, બરડો બધે સોળ ઊઠવા લાગ્યા. આ ધમાચકડીમાં નિનાદ ઊઠીને રડવા લાગ્યો. 

 

        “ડેડુ, મમ્મીને નઈં માલો, નઈં માલો.” નિનાદની દરમિયાનગીરીથી સંયોગનો ક્રોધ શાંત થયો. એ સોફા પર ફસડાઈ પડ્યો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો, નિશા તો પહેલાંથી રડી જ રહી હતી. સાથે નિનાદ પણ જોડાયો. કલાક પહેલાં હસતું રમતું ઘર સ્મશાન જેવું બની ગયું. 

 

***

 

          “નિશા, મને મારી ભૂલ સમજાઈ છે. હું તને પ્રેમ કરું છું પણ તને કોઈને પ્રેમ કરતા રોકી શકતો નથી. પરંતુ મારો પૌરૂષ અહમ્ તને કોઈ બીજા સાથે જોઈ શકતો નથી. મેં તને મારી છે, એક જંગલી પ્રાણીની જેમ મારી છે, એ માટે મને માફ કરજે. મને વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે કે તું સાચા હ્રદયથી મને પ્રેમ કરવા લાગશે. હું એ દિવસની રાહ જોઈશ.”

 

        “એ દિવસ આવી ગયો સંયોગ, હેપ્પી એનિવર્સરી એન્ડ હેપ્પી વેલેન્ટાઈન ડે, હા, હું કબૂલ કરું છું કે મને નિસર્ગ ગમતો હતો પણ આજે મને તારાથી વધુ પ્રિય કોઈ નથી અને કંઈ નથી. અને હું તારાથી ડરતી પણ નથી.” આંસુ બંનેની આંખોમાં હતો અને ભારોભાર પ્રેમ પણ! 

 

@સોલી ફિટર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ