વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કટિંગ ચા..!

ढलती जाए रात, कह ले दिल की बात

शम्मा परवाने का न होगा फिर साथ

ढलती जाये रात..


જેને નજરોનાં જામમાં ભરી જીવનભર પોતાની દિશા બનાવવા તે માંગતો હતો, તેનો મોબાઈલ રણક્યો.. ને એ પણ ઓહો હો..! આટલાં સુંદર ગીતનાં રણકાર સાથે.


મુખડું મલકાયું, 

મનડું છલકાયું 

ને 

દલડું લહેરાયું..! 


એક ક્ષણ માટે એને થયું કે આજે તો તેને દિલની વાત કહી જ દઉં.. 

ત્યાં જ એક ઝાટકા સાથે બ્રેક વાગી અને બસ ઊભી રહી.. 

ના છૂટકે પણ રોજની જેમ એને પોતાની એ સ્વપ્નસુંદરી કરતા પહેલાં ઊતરી જવું પડ્યું.


"ક્યા કરે જનાબ.. પાપી પેટ કા સવાલ હૈ. લેકિન અપુન જલ્દી હી દિલ કી બાત કરેગા જાનેમન.." મનમાં બબડતો તેણીને નિહાળતો એ નીચે ઉતર્યો અને ઓફિસ તરફ ચાલ્યો. મનની અંદરનાં એક છુપાં ખૂણામાં સપનાં સેવતો.


રોજનું આ થનગનતું રૂટિન હતું કલ્પનું.

કલ્પેન નામ એનું, પણ બધાં એને કલ્પ જ કહેતાં. લગભગ 40 નો થઈ ચૂક્યો હતો, પણ જનાબ એકલાં જ જિંદગીની મોજ માણવા લગ્ન ના કરવાની કસમ ખાઈ ચૂક્યાં હતાં. ને એટલે જ હવે સગા અને દોસ્તોએ પણ એ વાતને સ્વીકારી લઈ તેને છોકરીઓ બતાવવાનું બંધ કરી દીધું હતું.

હા, પણ હમણાંથી આ નવું જ રૂટિન શરૂ થયું હતું જનાબનું. 


એકવાર જયારે બસમાં એ ભીડમાં ઊભો હતો, ને એકદમ બ્રેક વાગી. અને એની નજર સામેની સીટ પર બેઠેલી વ્યક્તિ પર પડી હતી.. એની માસૂમ, કાજલ લગાવેલી માંજરી આંખોમાં એ ક્યારે ડૂબી ગયો એનો એને ખ્યાલ જ ના આવ્યો.

બસ એ પછી તો રોજ એ માસૂમ આંખો અને એ સુંદર ભોળા ચહેરા પર છલકતું એ પ્યારું સ્મિત, એને 25 વર્ષનાં નવયુવાન જેવી ઊર્જા બક્ષી રહ્યું હતું.

એક મહિના સુધી રોજ એ વિચારતો કે એ વાત કરશે જ પણ, ખડુસ બૉસનો ચહેરો સામે આવતાં જ એ રોજની જેમ પોતાનાં સ્ટોપ પર ઊતરી જતો. 

હવે તો એ સુંદરી પણ જાણે એની સામે જોઈ પ્યારું સ્મિત આપતી, એવું એને લાગતું. કે પછી એ ભ્રમ હોઈ શકે.. પણ એની ખુશી માટે એટલું કાફી હતું. 


******


રાત્રે ખીચડી કૂકરમાં મૂકી એણે એફએમ રેડિયો ચાલુ કર્યો, ને ફરી એ જ ગીત સંભળાતા દિલનાં દરવાજે મીઠાં ટકોરા રણકી ઉઠ્યા..


नींद के बस में खोई खोई, कुल दुनिया है सोयी सोयी

ऐसे में भी जाग रहा है, हम तुम जैसा कोई कोई

क्या हसीं है तारों की बारात

ढलती जाये रात..


વાહ વાહ શું સુંદર અને પ્યારી વાત સમાઈ છે આ ગીતમાં.. એકલો એકલો જ બબડ્યો ને મનમાં કંઈક નક્કી કર્યું. ત્યાં જ RJ યશ્વીએ પોતાની વાતને કહેવાની શરૂ કરી..


કહેવા વલખાં મારે મનડું 

પણ, 

જ્યાં મળ્યા હોય નયન

ને વિંધાણું હોય આ દલડું

ત્યાં,

શબ્દોની તો હોવાની જ અછત..!

કેમ ખરું કહ્યું ને દોસ્તો..?


આવું તો કંઈ કેટલીય વખત થતું હશે, કોઈ વાત દિલની બહાર નીકળવા તરસતી હોય છતાં કોઈને કોઈ કારણસર ત્યાં જ અટકી જાય અથવા તો આપણે તેને બળજબરીથી આંખો કાઢી કે થોડું કાલું વાલું કરી બેસાડી દઈએ, ને એ પણ મોં મચકોડી આપણી સાથે કીટ્ટા કરી વર્ષો સુઘી એમ જ રિસાઈને બેસી રહે ને ઘણીવાર આપણી સાથે જ એ પણ છેવટે એક નિ:સાસા સાથે દમ તોડી દે.

કેમ આટલી વિહ્વવળતા, આટલી બેતાબી, આટલી તડપ હોવાં છતાં ઘણીવાર અમૂક વાતો, અમૂક શબ્દોને આપણે ના ઈચ્છવા છતાં કબરમાં સુવડાવી દઈએ છીએ..?! જવાબ બધાં પાસે હોય જ છે, ને છતાં આપવા કોઈ તૈયાર નહી હોય.. કેમ કે, જો આપી દઈએ તો એ કબરમાં દટાયેલાં શબ્દો અહીં ત્યાં માથું મારી કોઈ ને કોઈ રીતે તો બહાર નીકળી જ જાય, ખરું ને..?


'ઓહો આ મધથી મીઠો રૂડો અવાજ તમારો યશ્વી .. કોણ ફીદા ના થઈ જાય તમારાં પર કહો જોઈએ..? પણ હા, પ્રેમ તો મને એ બસ વાળી સુંદરી પર જ થઈ ગયો છે હોં, તો..' 

કહી આંખ મારી હસતો એકલો એકલો ડાંસ કરવાં લાગ્યો એ.


ત્યાં જ RJ યશ્વીએ બીજું ગીત વગાડ્યું..


रात अकेली है बुझ गए दिये 

आके मेरे पास कानों में मेरे 

जो भी चाहे कहिये … जो भी चाहे कहिये


ને ફરી એ મઘુર કંઠે નીતરતાં શબ્દો હવા સંગ લહેરાયા..


એનાં મૌનમાં પણ શબ્દોનાં પૂરની 

ખણક છે,

એનાં સ્મિતમાં પણ મઘુર સૂરની 

રણક છે..!


મૌનનો સહારો ને આંખોની ભાષા કેટલાં સુંદર રાઝ છુપાવીને ડુસકાં ખાયા કરે છે. અમૂક એ રીતે જીવતાં શીખી જાય છે, ને એ અંધકારમાં પણ સ્મિતનો દીવો પ્રજ્વલિત રાખે છે. તો અમૂક થાકી હારી ઉદાસીનાં પડછાયામાં ખુદને ગરકાવ કરી દે છે. જીવવાનું તો સત્યની સાથે છે, બાકી બધું તો મૃગજળ છે, છલાવો છે. તો બસ, જે મનની ભીતર લાગણીઓનો સૈલાબ ઉછળકૂદ કરતો હોય ને, તેને થોડું મોકળું મેદાન આપી જ દો.. પછી જુવો સંબધ કોઈપણ હોય, સ્કોર બોર્ડ પર સતત આનંદનાં અંક વધતાં જ રહેશે ને ઉદાસીને એ ક્યાંય પાછળ ધક્કો મારી દેશે, એ વાત નક્કી હો.. ચલો હવે કાલે ફરી મળીશું આ જ સમય પર.. તો સાંભળતા રહો અને આનંદિત રહો..


'ઓહો હો યશ્વી, એકદમ સત્ય કહ્યું આપે. સાચે તમે તો આશિકનાં દિલની વાતને પારખી લીધી.  સાચ્ચે આજે તો હું કહી જ દઈશ હૉ પાક્કું.. '


**********


તૈયાર થઈ એ નીકળ્યો બસ સ્ટેન્ડ તરફ. હાથમાં ગુલાબનાં ગુચ્છા સાથે એ ચડ્યો બસમાં. એની સુંદરી આજે પણ એ જ પ્યારા સ્મિત સાથે ત્યાં બેઠી હતી. આજે ઓફિસ ના જઈ પોતાનાં દિલની વાત કરવાનું તેણે નકકી કર્યું હતું, એટલે એ પોતાનાં સ્ટોપ પર ના ઊતર્યો અને સુંદરીના ઉતરવાની રાહ જોતો મનમાં તૈયારી કરતો હરખાતો રહ્યો, તો ક્યારેક નર્વસ થતો રહ્યો. સુંદરી ઊભી થઈ એવો જ તે પણ ભાગીને એ સ્ટોપ પર ઊતરી ગયો ને તેણીનાં  આવવાની રાહ જોવા લાગ્યો. જેવી તે ઊતરી એવો જ તે ગુલાબ સાથે એની પાસે દોડ્યો.. 

" હું તમને અનહદ પ્રેમ... "

ને બસ એનાં શબ્દો ત્યાં જ અધુરા રહી હવામાં ઓગળી ગયા જાણે..

'મને ખ્યાલ હોત તમે જોઈ જ નથી શકતાં તો હું પ્રેમ જ ના કરત.. ને પણ આ ઉંમરે..'

એ બબડ્યો ને ગુલાબ દૂર ફેંકી ત્યાં થી જવા પાછળ ફર્યો..


અચાનક જોરથી એક ટ્રકની બ્રેકનો અવાજ સંભળાયો.. 

ને એને કોઈએ પકડી પાછળ ખેંચ્યો.

બે સેકન્ડ માટે જાણે એ બધિર થઈ ગયો.

એને ટ્રક સાથે અથડાતાં કોઈએ બચાવ્યો હતો. ટ્રક ડ્રાઇવર અને અન્ય લોકો એને ખીજાઈ રહ્યાં હતાં. 

" એ ભાઈ, દેખાતું નથી..? તેમણે ના બચાવ્યો હોત તો હમણાં રામ રમી ગયા હોત તારા.." 

વગેરે.. વગેરે..

માફી માંગતા એ પાછળ ફર્યો આભાર માનવા, જેણે તેનો જીવ બચાવ્યો હતો..

શરમથી એનાં શબ્દો બહાર આવવાં તૈયાર ના હતાં.. કેમ કે, એની સ્વપ્ન સુંદરી એ જ તેને ખેંચીને તેનો જીવ બચાવ્યો હતો. તેણે માફી માંગતા કહ્યું..

" હું આંખો હોવાં છતાં જોઈ ના શક્યો ને આપ તો.."

તેણે ફક્ત એટલું જ કહ્યું, 

" પ્રભુ ખુબ દયાળુ છે, આંખો નથી આપી પણ સાંભળવાની શકિત અદ્ભૂત આપી છે, બસ આપના જેવાં લોકોમાં થોડી સમજવાની શક્તિ.."

" મને માફ કરો પ્લીઝ.." 

એ એટલું જ કહી શક્યો..


' અરે RJ યશ્વી .. એક સેલ્ફી plz દીદી..' 

કહી અમુક બાળકો એ સુંદરી પાસે દોડ્યા..

'હા કેમ નહીં..'

કહીં એણે ફરી પોતાનું સ્મિત લહેરાવ્યું, અને પોતાના રેડિયો સ્ટેશન તરફ અદબથી ચાલી.


એ સુંદરી જેનાં અવાજ પર હું ફીદા હતો તે RJ યશ્વી જ હતી. 

પણ હું પાગલ બધું ગુમાવી ચુક્યો હતો.

હિંમત ભેગી કરી મેં પાછળ થી બુમ પાડી..

" સુંદરી યશ્વી .. plz એક કટિંગ ચા.. મારી સાથે સાંજે.. આપ આવશો, તો હું સમજીશ આપે મને માફ કર્યો.."

તૂટતાં શબ્દો સાથે હું આટલું જ બોલી શક્યો.

તેણે થોભીને હસતાં કહ્યું,

" જી કલ્પ.." 

ખુશ થતો હું વિચારી રહ્યો, એને મારું નામ કઈ રીતે ખબર..? વિચારોની નૈયામાં ગડથોલિયા ખાતો, સાંજ થવાની રાહ જોતો ત્યાં બાંકડા પર જ બેસી રહ્યો હું..!


ને એમ જ રોજ સાંજે કટિંગ ચા પીવાનો અમારો નિયમ થઈ ગયો. અમે ખૂબ જ સારા દોસ્ત બની ચૂક્યા હતાં. યશ્વી તો ચાની લારી પર રોજ સમયસર પહોંચી જતી પણ ઘણાં સમયથી કલ્પ દેખાતો જ ના હતો. 


*********


"ઓપરેશન સફળ રહ્યું હો યશ્વી તમારું, ચલો હવે ધીમે ધીમે આંખો ખોલો.."

" પણ ડોક્ટર સાહેબ, મને આંખો દાન કરનારનું નામ તો આપો.. હું એ નામથી પ્રાર્થના તો કરું.. જાણું છું તેઓ આ દુનિયામાં નથી. એમની શાંતિ માટે હું.."

" માફ કરજો યશ્વી પણ તેઓની એ આખરી ઈચ્છા હતી કે આપને નામ ના જણાવીએ.."

" અરે ડોકટર.. કંઈ નહીં ચલો, પ્રભુ તેઓનાં દિવ્ય આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.. તેઓ જ્યાં પણ હોય ખુશ રહે.."

કહી યશ્વી એ આંખો ખોલી..

હવે તે આ સુંદર દુનિયા એ દાનવીર વ્યક્તિનાં કારણે જોઈ શકતી હતી.

તેણે ડોક્ટર અને સ્ટાફનો ખૂબ જ આભાર માન્યો, અને અનાયાસે જ તેનાં પગ કટિંગ ચાની લારી પાસે દોરાયા, એ આશાએ કે કદાચ આજે કલ્પને તે જોઈ શકે.. આજે તે બેતાબીથી કલ્પની રાહ જોઈ રહી હતી. તે જોવા માંગતી હતી કે તેની કલ્પનાનો કલ્પ અને હકીકતનાં કલ્પમાં સામ્યતા છે કે નહી..?!


***********


આજે એક વર્ષ થઈ ગયું, છતાં રોજ યશ્વી એ જ બાંકડે બેસી બે કટિંગ ચા મંગાવે છે, સુનાં માર્ગ પર રાહ જોતી બેચેન આંખો સાથે, ધીમે ધીમે ચા પીતી જાય છે ને બીજી ચા ધીમે ધીમે મલાઈની છારી જામી ઠરતી જાય છે, ને સાથે એને બૂમો પાડી કહેવાની કોશિશ પણ કરે છે, 

" યશ્વી કલ્પ હવે નહીં આવે, તું રાહ ના જોઈશ.."

પણ યશ્વીએ જાણીને કાનનાં દરવાજા બંધ કરી દીધાં છે કે, પછી આવું કંઈ જ સાંભળવા જ નથી માંગતી એ..


" આજે પેલાં એક્સિડન્ટને એક વર્ષ થઈ ગયું ને ભોલાભાઈ.."

એક માણસે ચાવાળા ભાઈને ઉદ્દેશીને કહ્યું.

" હા ભાઈ, એ ભાઈ તો મારે ત્યાં કાયમ આવતાં કટિંગ ચા પીવા.. "

" તમે કોની વાત કરો છો..?"

કટિંગ ચા શબ્દ સાંભળતા જ યશ્વી બોલી ઊઠી.

" તમારી સાથે પેલાં ભાઈ આવતાં ને બેન એમની.. કેમ તમને ખ્યાલ નથી કશો..?"

ને એ દિવસનાં એક્સિડન્ટની વાત ભોલાભાઈએ કરી.


બસ, યશ્વીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. એ સમજી ગઈ હતી કે એને આંખો દાન કરનાર વ્યક્તિ કોણ હતું.

હવે એ પોતાનાં કલ્પનાની દુનિયામાં કલ્પ સાથે ઢેર સારી વાતો કરતાં રોજ કટિંગ ચા પીવે છે.

કટિંગ ચાનાં બે કપ આજે પણ આવે છે, પણ હવે બંને ખાલી હોય છે. 

યશ્વી બંને કપમાંથી ઘૂંટ ભરી ખાલી કપ ડસ્ટબીનમાં નાંખી જાણે કલ્પનો હાથ પકડી નીકળી પડે છે, પોતાનાં ઘરની એ સુની ગલીમાં, રંગીન શમણાં નયનમાં સજાવતી..! 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ