વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મીઠાશ સંબધની..!

" ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો

   હમ ભી તૈયાર ચલો.. હો.. હો.. હો.."


રેડિયો પર આ સુંદર ગીત વાગી રહ્યું હતું ને રમા કામ કરતાં કરતાં, મઘુર અવાજે એની સાથે ગાઈ રહી હતી. એણે નીરજ સામે આડી નજરે જોયું. એ હજુ પણ બેગમાંથી કાઢેલાં પેપરોમાં માથું નાખીને, નાની નાની વાતો ઝીણવટથી વાંચી રહયો હતો. રમાએ મોં મચકોડયું ને ફરી કામમાં લાગી ગઈ. 


આ પહેલાં તો.. એ જેવું ગીત ગાતી, કે નીરજ તરત એને પ્યારથી પોતાની બાહોમાં જકડી લેતો અને વહાલથી ચુંબનોનો એનાં ગાલ પર વરસાદ કરી દેતો. મેકઅપ વગર જ રમાનાં ગાલ એકદમ શરમથી લાલ લાલ થઈ જતાં. 

' બસ હવે શું તમે પણ.. છોડો ને..' 

હજુ એ ખુલી આંખે જોઈ રહેલા સ્વપ્નને ધક્કો મારે ત્યાં જ...


" મેં સહી કરી દીધી છે, હવે તું પણ તારી કરી દે.."

નીરજે ડાયવોર્સ પેપર રમાને આપતા કહ્યું.

નીરજનો ગુસ્સાવાળો અવાજ કાને પડતાં જ, રમા ભૂતકાળની એ લહેરાતી સરિતામાંથી અત્યારનાં નીરસ ને ઉદાસ સમયમાં સરકી પડી.

" હા કરીશ જ, શાંતિ થાય મને પણ, આમાંથી છુટકારો તો થશે.." 

મોં બગાડી, ગુસ્સો કરી, સહી કરતી એ રસોડામાં ગઈ.. પણ ભીની આંખે.


રમાએ ઘણી કોશિશ કરી કે બધું સરખું થઈ જાય. પણ નીરજ વાતે વાતે પોતાનો અહમ વચ્ચે લઈ આવતો અને ઝઘડો કરી વાત કરવાનું ને સાંભળવાનું જ બંધ કરી દેતો. અને વાતવાતમાં રમાને ઉતારી પાડતો ને એનું અપમાન કર્યાં કરતો. છેવટે બંને એ આટલાં વર્ષોનાં સાથ ને અલગ કરવાનું નકકી કરી લીધું. કેમ કે, હવે એક છત નીચે યંત્રવત રહેવું રમાને પણ મંજૂર ના હતું. હવે તેનાં સ્વમાનનો પણ પ્રશ્ન હતો. 


તે મનમાં બબડી,

'એક સ્ત્રી પ્રેમ, સ્નેહ ને સન્માનની તરસી હોય છે, શું એનાં સમર્પણ સામે એ એટલું પણ ના પામી શકે..? નીરજ, તારો અહમ શું તારા પ્રેમ સામે હારી ના શકે..? હરાવી દે ને, મારી માટે..'


રમાની નજર સામે ફરી એ અતીતનું દ્રશ્ય સર્જાઈ રહ્યું, જ્યાં નીરજ એનાં સાથ માટે કોઈપણ હદ વટાવી જવા તૈયાર હતો. 


કોલેજમાં રમાનો એ પહેલો વેલેન્ટાઈન દિવસ હતો. બધી છોકરીઓ પાસે લગભગ એક કે એથી વધુ ગુલાબનાં ફૂલ હતાં, પણ રમાની પાસે હજુ સુધી એક પણ ફૂલ ના હતું. જો કે સવારથી એ એક જ વાતનું રટણ કરતી હતી, 

'મને જો કોઈએ ફૂલ આપવાની કોશિશ કરી ને તો જો જે એની ખૈર નથી, ઢીબી જ મારીશ એને..' 

પણ હવે એનાં દિલનાં પતંગિયા જુદાં જ તરફડિયા મારી રહ્યાં હતાં. હવે એને થતું હતું કે, કોઈ એક ફૂલ તો એની પાસે આવે. એણે કેટલીય વખત પોતાનાં રૂપાળાં મુખડાંને મોબાઈલમાં સેલ્ફી મોડ ઉપર કરીને નિહાળ્યું,  

'આટલી સુંદર તો દેખાય છે, તું રમાડી.. તો પણ.. એક ફૂલ નહીં..?' 

કહી એણે મોં મચકોડ્યું..


અચાનક એક બાળક એને ગુલાબનું સુંદર ફૂલ આપી ગયું, ને એ હરખાઈ ગઈ.. અરે ખીલી જ ઉઠી જાણે.. 

એની બહેનપણીઓ પણ બોલી ઉઠી,

'ઓહો રમા કોણ છે જે તને..' 

ને હજુ એ લોકો આગળ કઈ બોલે ત્યાં જ બીજું ફૂલ બીજું બાળક... 

ને એમ જ એક પછી એક લાલ ગુલાબનો ઢગલો થઈ ગયો રમાનાં હાથમાં. 

પણ કોણ મોકલાવી રહ્યું છે, એ વાતથી જ એ અનજાન હતી. ગુલાબ આપવા આવતાં છોકરાઓને પૂછવાનો પ્રયત્ન કરે તો એ બત્રીસી દેખાડી ભાગી જતાં..

હવે તો એ પણ બેતાબ હતી કે, આ ફૂલ મોકલવાવાળું છે કોણ..?


એ ઊભી થઈ ચાલવા જાય છે ત્યાં જ, તેનાં પગ આગળ લીલીછમ લોન પર ફૂલોની પાંદડીઓથી એક સુંદર રસ્તો બનાવેલો દેખાયો. ને ત્યાં જ એનાં સામે છેડે એક છોકરો ઊંધો ઊભો રહી, હાથમાં વાયોલિન સાથે દેખાઈ રહ્યો હતો, માથે કાઉબોય જેવી ટોપી પહેરીને. એનાં શ્વાસ જોર જોરથી ચાલવા લાગ્યાં કે પછી દોડવા લાગ્યા, કદાચ એ પોતે જ પોતાના શ્વાસ સાંભળી શકે એટલાં જોરથી. 

એણે પોતાનાં દિલ પર હાથ મૂક્યો.. જોર જોરથી ધડકી રહ્યું હતું. એની અણિયાળી આંખોની ચમક ઓર તેજ ને છતાં શર્મીલી દેખાઈ રહી હતી. એની બહેનપણીઓ અને બીજાં છોકરાઓ જાણે બધી વાતથી વાકેફ હોય તેમ, એ ગુલાબનાં પથની આસપાસ ગોઠવાઈને તાલીઓ પાડવા લાગ્યાં.


" પહેલાં પહેલાં પ્યાર હૈ, પહેલી પહેલી બાર હૈ,

   જાનકે ભી અંજાના, કૈસા મેરા યાર હૈ..."


વાયોલિન વગાડતાં એ ઊંધા ઊભેલા છોકરાએ ગીત શરૂ કર્યું, ને અચાનક જ વરસાદ શરૂ થયો.. જાણે તેનાં ગીતની સાથે ધૂન મિલાવતો હોય ને.. હા, એમ જ.. કે પછી એનાં પ્રેમની સાબિતી આપી રહ્યો હોય જાણે.. 


બધાંએ રમાને આગળ જવા હાથથી ઈશારો કર્યો ને એ સુંદર પથ પર આગળ ચાલી, કે પછી દિલથી બેવસ થઈ ખેંચાઈ.. જાણે ધક ધક કરતું દિલ રમાને ત્યાં ખેંચી રહ્યું હોય ને. અડધે પહોંચી એનાં પગ અટકી ગયાં, પેલાંની વધુ નજીક જતાં દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે, કયાંક એટેક ના આવી જાય.. 

'હે ભગવાન આ શું થઈ રહ્યું છે મને..' 

રમા પોતાનાં વાળની લટને સરખી કરતાં મનમાં જ બબડી.


કઈ વિચારે ત્યાં જ એ છોકરો ફર્યો રમા તરફ઼. બંનેની નજર એક થઈ, ધ્રુજી રહેલાં હોઠ ઘણું કહેવા ઈચ્છતા હોવા છતાં, જાણે એકબીજા સાથે બીડાઈ ગયાં હતાં. અરે આ તો એ જ..


રમાને યાદ આવ્યું, કોલેજનાં પહેલાં જ દિવસે, પહેલું પગથિયું ચઢતાં જ રમાને ઠેસ લાગી હતી ને એકદમ જ એનો હાથ પકડી એક યુવાને એને પડી જતાં બચાવી લીધી હતી. ત્યારે પ્રથમ વખત એ નજર એકમેક સાથે અથડાઈ હતી, આછું સ્મિત ને ધ્રુજતું થેન્ક્યું.. એ યુવાન આજે આ રીતે.. ને રમાનાં મુખ પર ફરી એ નટખટ સ્મિત પલભર માટે ફરકી ગયું.


એ છોકરો ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો રમાની. વરસાદનાં લીધે બધાં પલળી ગયાં હતાં. રમાનો આછો પીળાં રંગનો ડ્રેસ ને એમાંથી છલકાતું એનું યૌવન, જાણે પેલો છોકરો નજરોથી જ પી ને દિલમાં સમાવી રહ્યો હતો. શરમથી રમાની નજરો ઝૂકી ગઈ ને પગ તો જાણે ધ્રુજતા, ત્યાં જ ખોડાઈ ગયાં હતાં, કે જમીન સાથે ચોંટી ગયા હતાં.. ખબર નહીં શું થઈ રહ્યું હતું, એ ખુદ રમા જ સમજી નહોતી શકતી.


અચાનક એ સાવ નજીક આવી ગયો હતો, બંનેનાં શ્વાસ એકબીજાને અથડાય એટલો નજીક.  એણે રમાનો હાથ પકડ્યો ને બીજાં હાથે એનો ચહેરો ઊંચો કર્યો.. અહા.. ને બંનેની નજરો જાણે એકબીજામાં સમાઈ ગઈ.. હોઠ ધ્રુજી રહ્યાં હતાં.. હૈયામાં હૈયું ખોવાઈ રહ્યું હતું, ધીમે ધીમે રમાનો હાથ એ સ્નેહથી દબાવી રહ્યો હતો ને રમાનું આખું બદન અનેક ઝણઝણાટીઓથી કંઈક અલગ જ અનુભવ કરી રહ્યું હતું. 


પેલાંએ ઘૂંટણ પર બેસી, 

'આઈ લવ યુ રમા.. વીલ યુ બી માય વેલેન્ટાઈન..' પૂછ્યું..

ખબર નહી શરમથી કે શું જવાબ આપું એનો ખ્યાલ જ ના આવ્યો રમાને અને એ દોડતી રીતસર ભાગી ત્યાંથી..


પણ એ પછીનાં ત્રણ ચાર કલાક તો રમાએ જેમ તેમ હોસ્ટેલનાં રૂમમાં લટાર મારી મારી નીકાળ્યાં.. ને અચાનક રૂમને તાળું મારી એનાં પગ ફરી કોલેજ તરફ જવા આકર્ષિત થયાં.. કંઈ કેટલાય વિચારોનાં વમળની ગોઠવણી કરતી રમા કોલેજ પ્રાંગણનાં પાછળનાં ભાગે પહોંચી, કે રીતસર દોરાઈ એ તરફ.. એનાં આશ્ચર્ય વચ્ચે એ યુવાન એટલે કે, નીરજ હજુ પણ હાથમાં ગુલાબ લઈ જાણે 'રમા આવશે જ..' એવાં વિશ્ર્વાસ સાથે ત્યાં બેઠો હતો. 

એ એકદમ જ દોડી એને વળગી પડી. 'યેસ યેસ..' કહેતી.. ને ત્યાં હાજર મિત્રોએ તાળીઓનાં ગડગડાટથી વાતાવરણને ગજવી મૂક્યું. 


સારું થયું ત્યારે કોલેજ બંધ હતી નહીતો ખબર નહીં બધાંની શું હાલત થાત..? ને ત્યાં જ ઘડીક થંભી ગયેલો વરસાદ ફરી ધોધમાર વરસી પડયો, જાણે તે પણ તાળીઓ પાડી બંનેનાં પ્રેમને વધાવી રહ્યો હોય.

ને એ પછી પાંચ દિવસ સુધી નીરજને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તાવ, શરદી, ઘૂંટણમાં દુખાવો ને છતાં એ કહેતો હતો.. 

'અરે આ તો કંઈ નથી મારી જાન.. બસ તું મારી થઈ ગઈ ને, બીજું બધું સહી લઈશ..' 


કેટલો ફરક છે એ નીરજ અને અત્યારનાં આ નીરજમાં.. ઘરની મૂંગી દીવાલો મારી ભાવનાઓ અને આંસુઓથી વાકેફ છે પણ આ નીરજ..? એને ફક્ત એનાં કામની જ પરવા છે. હું ક્યા સ્થાને છું એનાં જીવનમાં, કે પછી એ સ્થાન એની અનેક આકાંક્ષાઓની રેત નીચે દટાઈ ગયું છે..?!


અચાનક બહાર વાદળોનાં ટોળાંએ એકઠાં થઈ ઘોર અંધકાર કરી દીધો. ને જોરજોરથી ગડગડાટ અને વીજળીનાં ચમકારા સાથે વરસાદે આગમન કર્યું.  ગાજીને ધોધમાર વરસી રહેલાં એ વરસાદે મને ભૂતકાળની એ મીઠી નિંદ્રામાંથી વર્તમાનની લપસણી પર સરકાવી દીધી. 

છમ.. છમ.. છબાકાં મારતી વાંછટો અને સાથે મસ્ત ઠંડો લહેરાતો વાયરો વાતાવરણને વધુ માદક બનાવી રહ્યો હતો. જાણે એ બધાં અમને બંનેને મળાવવા કોઈ પ્લાન કરીને આવ્યાં હોય તેમ, ઘડીમાં જ ધડબડાટી કરી મૂકી.


" અરે બાપરે, બધાં કપડાં પલળી જશે.. હે ભગવાન.. ઓ વર્ષારાણી ખમી જા ઘડીક બાપ્પા.."

રમા બબડતી અચાનક ઉપર ટેરેસ તરફ રીતસર ભાગી.

ખબર નહીં કેમ પણ, નીરજનાં પગ પણ અનાયાસે જ ઉપર તરફ દોરાયા, કે પછી બેજાન પણ ઘણો સંઘરો કરી ચૂકેલી મૂંગી દીવાલોએ જ એને ધક્કો માર્યો.. રમાની પાછળ જવા માટે.


રમા કપડાં લેતાં લેતાં આખી પલળી ગઈ હતી. એની પીળાં રંગની સિફોન સાડી અને ખુલ્લાં લાંબા વાળને કપડાં લેતાં લેતાં, એ બદમાશ વરસાદે સંપૂર્ણપણે ભીંજવી દીધાં હતાં. એની કાજલ આંજેલી અણિયારી આંખો અને ભીની પાંપણો પર લટકી રહેલી એ વરસાદની બુંદો અજબ કાતિલાના લાગી રહી હતી. એ સાદી સાડીમાં પણ રમાની સુંદરતા કોઈને પણ ઘાયલ કરી દેવા માટે બેતાબ હતી. એ કપડાં લઈ ભાગતી પાછી અંદર આવવા જતી જ હતી, પણ ત્યાં જ બહાર આવવાં દોડતાં નીરજને ભટકાઈ અને બસ.. 

બંને ધડામ કરતાં એક્બીજા પર પડ્યા. 


વર્ષારાણી પોતાનું કાર્ય કરી મલકાઈ રહ્યાં હતાં. ને આ બાજુ આ બંને પણ..

નજરો મળી, હોઠ ધ્રુજ્યાં, શ્વાસોની ગરમાહટ ને વરસાદી બુંદોની ભીની ખુશ્બુ ને હવાની એ મીઠી ધીમી આહટ..!


ને બસ.. 

બંને એકબીજાની બાહોમાં ક્યાંય સુધી એમ જ ભીંજાતા રહ્યા.


ભીની આંખે, ભીનાં હૃદયે ને ભીંજાયેલા શ્વાસે !


નીરજે રમાને ઊંચકી અને નીચે આવ્યો. એનાં કપાળે વહાલથી એક ચુંબન કર્યું. એની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. એ માફી માંગવા જાય એ પહેલાં જ રમા સમજી ગઈ ને એનાં હોઠ પર પોતાનાં હોઠ મૂકી દીધાં. 


નિરવ શાંતિ અને છતાં છલોછલ પ્રેમ પ્રસરતો આખા ઘરને મહેંકાવી ગયો.

થોડીવાર પછી રમા શરમાતી, પ્રેમથી નીરજને કરિશ્માઈ નજરે જોતી, ભજિયાં અને ચા બનાવવાં રસોડામાં દોડી ગઈ.


ને અહીં નીરજે વકીલને ફૉન કર્યો, 

'વકીલસાહેબ, ડાયવોર્સ કેન્સલ ..'

કહી એણે ડાયવોર્સ પેપરને ફાડી ડસ્ટબીનમાં ઘા કર્યો.


આ બાજુ રમા ભજિયાં તળતાં હરખાઈ રહી હતી. પાછળથી નીરજે આવી એક ભીનું, પ્યારું આલિંગન આપી દીધું. બંને એ સાથે મળી ચા અને ભજિયાં બનાવ્યાં અને  બાલ્કનીમાં બેસી પ્રેમથી ખાધાં, કે ખવડાવ્યાં.. એકબીજાને..! 


ત્યાં જ મસ્તીખોર વર્ષારાણી પણ હરખઘેલા થઈ મનમૂકીને વરસ્યાં, અને વાતાવરણ વધુ મનમોહક બની ગયું. હોઈ શકે હજુ કયાંક કોઈ આવાં જ નીરજ રમાનું મિલન કરાવવાનો બીજો પ્લાન હોય.. એ લોકોનો..!


" ચલો તુમકો લેકર ચલે, હમ ઉન ફિઝાઓ મેં,

  જહાં મીઠા નશા હૈ, તારો કી છાંવ મેં..."


રેડિયો પર ગીત વાગી રહ્યું હતું.. ને બંને હૈયા એકબીજામાં ઓતપ્રોત થઈ ખોવાઈ ગયાં હતાં.. ઓલી જલેબી હોય ને.. મીઠી મીઠી.. હા બસ એમ જ..!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ