વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂમીની સુંવાળી

 

સુંદરવન જેટલું ગાઢ અને તાજગીથી ભર્યું હતું એટલું જ શાંત અને રમણીય હતું. અહીં ચકલીથી લઈને સિંહ સુધી બધા જ જાનવર હળીમળીને રહેતા હતા એવું કહેવું અતિશયોક્તિ થશે પણ એવું કહી શકાય કે કોઈ કોઈના રસ્તામાં નહોતા આવતા. એક સરસ સિસ્ટમ ગોઠવેલી હતી જેમાં બધા પોતપોતાનું પાત્ર સરસ રીતે નિભાવતા હતા. પર્યાવરણના નિયમ મુજબ આહાર શૃંખલા ચલાવવી જેટલી અનિવાર્ય હતી એટલું જ એકબીજા સાથે ઉદાર દિલથી જીવવું જરૂરી હતું. એટલે જ કદાચ સુંદરવન પોતાનામાં ઘણી જિંદગી લઈને જીવતું હતું તેમજ બધાની જિંદગી સાચવવાની જવાબદારી પણ જાતે જ ઉઠાવી લીધી હતી.

સુંદરવનના એક મેદાન જેવા ભાગમાં લીલું લીલું ઘાસ લહેરાતું હતું. એ ઘાસમાં આજે બીજા પ્રાણીઓની અવેજીમાં એક રૂ જેવું સફેદ અને મખમલ જેવું મુલાયમ સસલું કે જે તરુણ અવસ્થાના પહેલા પગથિયે ઊભું હતું એ વટથી લટાર મારતું હતું. એની આંખોની ચમક માત્ર લીલા ઘાસને કારણે નહોતી, આખી બિરાદરીમાં સૌથી સુંદર અને સ્વસ્થ દેખાવવાની પણ હતી. પોતાના દેખાવ પર એને ખૂબ ગર્વ.

એ તરુણ સસલું એટલે ખેમાલાલ સસલાનું એક માત્ર સંતાન 'રુમી'. રુમી હંમેશા બધાના આકર્ષણનું કારણ બનતો. કોઈ પણ પ્રાણી માટે એની અવગણના કરવી લગભગ અશક્ય હતું. હમણાના થોડા દિવસોથી રુમીના વ્યવહારમાં આવેલો બદલાવ એની ઉંમરના બીજા સસલાંઓમાં ચર્ચાનું કારણ બની ગયો હતો. રુમીને એ વાતથી કોઈ જ ફરક નહોતો પડતો. એ તો એની મસ્તીમાં જ મસ્ત હતો.

'મારા જેવા રૂપાળા છોકરાની આ બધા સાથે તુલના કેવી રીતે શક્ય હોય! તો પણ એ બેવકૂફ લોકો પોતાને મારી સમકક્ષ ગણે છે. ક્યાં હું ને ક્યાં એ લોકો.... ના રૂપનો રૂપિયો મળે કે ના બુદ્ધિની બરકત. ખેર, મારે શું! એ એમનો પ્રોબ્લેમ છે, તો એ લોકો ચિંતા કરશે.'

********

સુંદરવનમાં રુમી એકલો જ આ 'મેં અપના ફેવરેટ હું' વાળી બીમારીથી નહોતો પીડાતો. બીજું પણ કોઈ હતું જેના માટે એનાથી સુંદર આખા સુંદરવનમાં કોઈ નહોતું. એ હતી શર્મિલીબેન ખિસકોલીની તરુણ દીકરી 'સુંવાળી.' એના નામની જેમ જ એની ત્વચા સુંવાળી અને મખમલી હતી. શરીર પરના લીસ્સા વાળ પર એને એટલો જ ગર્વ હતો જેટલો રુમીને પોતાના રૂપ પર. ભૂલથી જો કોઈ ધૂળ ખંખેરી જાય તો આખું આકાશ માથા પર ઉઠાવી લેતી. સુંવાળીની ચાલ પર એની બિરાદરીના જ નહીં બીજી જાતિના પ્રાણીઓ પણ આફરીન હતા.

રુમી જેવા જ વિચારોના ઓછાયા હેઠળ સુંવાળી પણ એ જ ઘાસના મેદાનમાં આવી ચડી જ્યાં રુમીએ પોતાની આગવી સલ્તનત બનાવી હતી. ઘાસના મેદાનમાં બંને પોતાની ધૂનમાં લટાર મારતા હતા. આમ તો અત્યારે સુંવાળી પર કોઈની જ નજર નહોતી તેમ છતાં જાણે કે હજારોની મેદની એને જોવા તલપાપડ હોય એવી અદાથી એ રેમ્પ પર કેટવોક કરતી હોય એમ ચાલતી હતી. ના તો એનું ધ્યાન ઘાસમાં હતું કે ના આજુબાજુમાં.

સુંવાળીના આગમનથી અજાણ રુમી ખુલ્લા મેદાનના લીલા ઘાસ સાથે ગુફ્તગુ કરતો હતો.

"તને ખબર છે કે મારાથી સુંદર આખા સુંદરવનમાં બીજું કોઈ નથી!"

એ સાથે હવાની એક લહેર આવી અને ઘાસને ડોલાવતી ગઈ. રુમીએ એ લચકને ઘાસનો સંવાદ સમજ્યો અને જાણે કે પોતાની વાતમાં હામી ભરી હોય એમ એ લહેરાતા તણખલાઓ સામે ઝીણી આંખ કરી ખુશી વ્યક્ત કરી.

"હવે તમે જ કહો કે એટલા સુંદર વ્યક્તિને ગમે તેવી સસલી ચાલે? મારા માટે તો સ્વર્ગની અપ્સરા જેવી મારાથી પણ મુલાયમ અને મખમલી નાજુક, ગુલાબી મનમોહક સસલી સર્જાઈ હશે."

ફરી હવાની લહેર આવી અને લહેરાતા ઘાસની સાથે સાથે રુમીના મનમાં પણ ગલગલીયા કરતી ગઈ.

"જ્યારે હું અને એ સાથે ચાલતા હોઈશું ત્યારે....." આગળનું વાક્ય ઘાસે જાતે જ સમજી જવાનું હતું. એ અક્કડમાં થોડો ટટ્ટાર થઈને આકાશ સામે જોતા જોતા સ્વર્ગને શોધવા લાગ્યો.

જેની નજર આકાશમાં હોય એને ધરતી પરનું ક્યાં દેખાતું હોય! એટલામાં રુમીને પગ નીચે કશું લિસ્સું લિસ્સું અથડાયું. એ સ્પર્શ એટલો મુલાયમ હતો કે રુમી એની સ્વપ્નસુંદરી કાલ્પનિક સસલીને જાણે કે મહસૂસ કરવા લાગ્યો.

"શું હતું એ? કેટલું મુલાયમ... બિલકુલ મારી સસલી જેવું! ઓ મેરે સપનોકી રાની કબ આયેગી તું....બીત જાયે જિન્દગાની કબ આયેગી તું.....આ ભી જા...આ ભી જા...."અને બીજા કેટલાયે ગીતો ગાઈને રુમી પોતાની સ્વપ્નસુંદરીને વિચારવા લાગ્યો.

******

"ખબર નહીં કોણ બેવકૂફ હતું! આંખો ના આપી હોય તો પોતાના બિલમાંથી બહાર જ કેમ નીકળતા હશે. આ તો સારું છે કે માત્ર મારી પૂંછડી એના પગ નીચે આવી. જો આખેઆખી હું જ આવી ગઈ હોત તો! ના બાપા ના...ભગવાન આવા વિચારોથી પણ મને દૂર રાખો." કહી સુંવાળી મનોમન રુમીને ગાળો અને ભગવાનને આજીજી કરવા લાગી.

એટલામાં એની શાર્પ નજરે મેદાનની કોરે એક મોટા પથ્થર પર પડેલું સફરજન જોઈ લીધું. આમ તો એનામાં 'ઝીરો ફિગર'નું ભૂત સવાર હતું પણ સફરજન એની કમજોરી હતી. જેવી એ પથ્થર પાસે પહોંચી હાથ લંબાવી સફરજન પકડવા જતી જ હતી કે બીજા બે પંજા પણ ત્યાં આવી ચડ્યા.

"આ મારું છે."

"આ આખું જંગલ મારું છે તો એના દરેક ફળ પર મારો હક છે. તો આ સફરજન તારું ક્યાંથી હોય?"

"જો પહેલી વાત તો એ કે આ જંગલ તારા બાપનું..."

"ઓયે.... ખિસકોલી... મારા બાપ પર ના જા...."

"અબે, ખિસકોલી કોને કહે છે? રૂના ઢગલા..."

"તારી આટલી હિંમત?"

"હું તારા જેવા તુચ્છ લોકોને મોઢે નથી લગાવતી."

"મોઢું હોય તો લગાવે ને! મને પણ તારા જેવી ચિબાવળીને મોઢે લગાવવાનો કોઈ શોખ નથી. ચાલ ચાલતીની થા."

જિંદગીમાં પહેલી વખત મળેલા બે જીવ એકબીજા સાથે જાની દુશ્મનની જેમ લડતા હતા. બંનેની અક્કડ ચરમસીમાએ  હતી એટલે બંનેમાંથી કોઈ પણ નમતું ઝોખવાના મૂડમાં નહોતા.

વાત એટલી વણસી ગઈ કે બંને ઝપાઝપી પર આવી ગયા. કદમાં ભલે આસમાન જમીન જેટલો ફરક હોય પણ ઘમંડમાં બંને પહોંચેલી માયા હતા.

બિચારું સફરજન એમની ઝપાઝપીની સૂડીમાં પીસાઈને ટુકડા ટુકડા થઈ ગયું. કાશ! એની જેમ આ બંનેના ઈગો પણ ટુકડામાં વિભાજીત થઈ જાત!

ફરી રસ્તામાં મળશે તો જીવ લઈ લેશે જેવી સાવ વાહિયાત ધમકી આપી બંને જેટલા ટુકડા હાથમાં આવ્યા એ લઈને અલગ અલગ દિશામાં જવા લાગ્યા.

પોતાની સલ્તનત લૂંટાઈ ગઈ હોય એટલી હદે ધૂંવાપૂંવા થઈને બંને આખો દિવસ ફર્યા. બીજા દિવસે પણ સાંજોગવશાત એ બંનેની ફરીથી મુલાકાત થઈ. રુમીને જોઈને સુંવાળીએ એવા દાંત કચકચાયા કે વાત ના પૂછો! તો રુમી ક્યાં પાછો પડે એમ હતો? એના જવાબમાં રુમીએ ઝીણી આંખો કરી દાંત બહાર લાવી બચકું ભરવાની મુદ્રા કરી સુંવાળીને બીવડાવાનો પ્રયત્ન કર્યો.

"હું તો બી ગઈ. હા હા હા..." કહી ડરવાની એક્ટિંગ કરી સુંવાળીએ રુમી સામે મોઢું મચકોડ્યું.

"તને આજે મારાથી કોઈ નહીં બચાવી શકે." સુંવાળીએ કરેલી સળી રુમીને ઉત્તેજિત કરવા પર્યાપ્ત હતી.

આજુબાજુનો કશો વિચાર કર્યા વગર રુમી સુંવાળી પાછળ દોડ્યો. સુંવાળી પણ ક્યાં ઊતરતી કક્ષાની હતી! એણે રુમીને બરાબરનો દોડાવ્યો. પથ્થરની ઉપર, મેદાનમાં, ઝાડની પાછળ, ઝંખડીઓમાં, ડાળીઓ પર; બધે જ રુમીને દોડવી દોડાવીને થકવી નાખ્યો.

દોડી દોડીને થાકી ગયેલા બંને હાંફતા હતા પણ એમનો ઈગો હાંફવાનું નામ જ નહોતો લેતો. 'ટાઈમ પ્લીઝ' કહ્યું હોય એમ બંને એકબીજાની અવગણના કરીને એક ઝાડ નીચે થાક ખાવા લાગ્યા. થોડી જ ક્ષણો વીતી હશે કે એ ઝાડ પરથી એક ફળ નીચે પડ્યું. ભૂખના સકંજામાં સપડાયેલ બંનેએ આજે ફરીથી એકસાથે એ ફળ પર તરાપ મારી. આજે ફરી બંને વચ્ચે અટકી ગયેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું.

"આજે તો આભ ફાટે કે જમીન, આ ફળ તો મારું જ થઈને રહેશે."

"તારી પર તો આમ પણ કાયમ આભ ફાટતું જ હોય છે ને! તમારા પૂર્વજો કેવા આભ ફાટ્યું...આભ ફાટ્યું કરીને ભાગ્યા હતા."

"હવે તે તારી બધી હદ પર કરી લીધી છે. એક શબ્દ પણ વધારે બોલ્યો તો તારી આ મુલાયમ કાયા હતી ના હતી થઈ જશે."

"બહુ જોયા તારા જેવા રૂના ઢગલા."

"ફરી મને રૂનો ઢગલો કહ્યો! હું રૂનો ઢગલો તો તું લસરતી બલા."

કાલની ઘટનાનું આજે પુનરાવર્તન થયું. ફળ ટુકડાઓમાં વિભાજીત થયું અને એ બંનેનો ગુસ્સો અને અક્કડ બંને અભાજીત રહ્યા.

બે દિવસ પહેલાં શરૂ થયેલી લડાઈ અંત તરફ પ્રયાણ કરવાની આનાકાની કરતી હતી. નસીબ કહો કે નિયતિ એ દિવસ પછીથી રોજ જ બંને સાથે ફળ જોતા અને એ ફળ માટે લડતા.

એક બે દિવસ કરીને એ બંનેના વિશ્વયુદ્ધના દસ દિવસ પૂર્ણ થઈ ગયા હતા. દસ દિવસથી માત્ર લડતા ઝગડતા સુંવાળી અને રુમી હજી પણ એ જ તાકાત અને નફરતથી લડતા જે પહેલા દિવસે હતી.

******

ઘણા દિવસ પછી આજે રુમી નદીકિનારે ટહેલવા નીકળ્યો હતો. આજે સવારથી જ એ પ્રફુલ્લિત હતો. ઘરમાં ગાજરની દાવત હતી. એ શાંતિથી એક પથ્થર પર આવીને બેઠો. એટલામાં એની નજર પથ્થરની બાજુમાં પડેલા ફળ પર ગઈ. આમ તો આવી પરિસ્થિતિમાં એ સીધો ફળ પર તરાપ મારે પણ આજે એવું ના થયું. આજે રુમીનું ધ્યાન ફળ પર નહીં પણ આજુબાજુ હતું. જાણે કે  કોઈને શોધતો ના હોય! શોધતો જ હતો ને! ફળ જોતાંની સાથે એ સુંવાળીને શોધવા લાગ્યો. ફળ અને સુંવાળીની જાણે કે એને આદત પડી ગઈ હતી. ઘણા સમય સુધી એણે સુંવાળીની રાહ જોઈ પણ એ ના દેખાઈ. અંતે નિરાશ થઈને એ ફળ લીધા વગર જ ત્યાંથી જતો રહ્યો.

આજે પહેલીવખત રુમીની નજરે ચડેલું ફળ એમનું એમ જ રહી ગયું. એ ઘટના પછી રુમી થોડો ઉદાસ થઈ ગયો. બીજા દિવસે પણ એવું જ થયું. ફળ દેખાયું પણ સુંવાળી ના દેખાઈ. એમ કરતા કરતા ચાર દિવસ વીતી ગયા. થોડા જ દિવસોમાં રુમીને સુંવાળી સાથે ઝગડવાની એટલી આદત પડી ગઈ હતી કે હવે ફળ નહીં પણ સુંવાળીના ઝગડાની તલપ ઉઠવા લાગી.

રુમીએ શક્ય બધી જગ્યાએ સુંવાળીને શોધી જોઈ. ના સુંવાળી મળી કે ના એની સાથે ઝગડવા મળ્યું.

'આ મને શું થઈ રહ્યું છે? સસલી ના વિચારો પર લસરતી બલાના વિચારોએ વર્ચસ્વ લઈ લીધું! હું...જંગલનો સૌથી સુંદર જીવ કોઈને યાદ કરું છું? આ શક્ય જ નથી.....' રુમી પોતાના જ વર્તનથી અચંબિત હતો. એ એકલો એકલો જાત સાથે સંવાદ કરી પોતાના વ્યવહાર માટે તર્ક શોધવા લાગ્યો.

'જો મારું મન એણે જ ઝંખતું હોય તો શું મને એની સાથે.... ના ના.... આવા વિચારો જ કેટલા ડરામણા છે. મને કેવી રીતે એક નાના પ્રાણી સાથે પ્રેમ થઈ જાય? એ શક્ય જ નથી...એ શક્ય જ નથી...' વિચારોને મનમાંથી કાઢવા એણે માથું ધુણાવ્યું.

પણ હવે ના તો વિચારો જતા હતા કે ના લાગણી!

સુંવાળીના વિરહમાં રુમી હવે ઉદાસ રહેવા લાગ્યો. એક દિવસ એ આમ જ એક ઘાસના મેદાનમાં સૂતો હતો ત્યાં એના શરીર પર સુંવાળો સ્પર્શ અનુભવાયો. રુમી તરત એ સ્પર્શને ઓળખી ગયો. રુમીએ સ્પર્શની દિશામાં જોયું તો સુંવાળી ચુપચાપ એની બાજુમાં આવીને બેસી ગઈ હતી. કાયમ શાબ્દિક વાર કરતી સુંવાળીને આજે શાંત જોઈ રુમીને નવાઈ લાગી.

"કેમ આજે લડવું નથી?" હદથી વધારે ખુશ હોવા છતાં સામાન્ય રહીને રુમીએ સુંવાળીને સવાલ કર્યો.

સામેથી કોઈ જ જવાબ ના આવ્યો. થોડી ક્ષણો રાહ જોવા છતાં જ્યારે એ મૌન જ સંભળાતું રહ્યું ત્યારે રુમીએ ફરી પૂછ્યું,

"કેમ તું આટલા દિવસથી દેખાતી નહોતી? કેમ તું ચૂપ થઈ ગઈ છે? કેમ?"

"રુમી, બધા સવાલોના જવાબ નથી હોતા."

"પણ મને મારા સવાલના જવાબ જોઈએ છે. અને તારા પાસેથી જ જોઈએ છે."

"મારી પાસે તને આપવા જવાબ નથી, પણ એક વસ્તુ છે."

રુમીને નવાઈ લાગી કે જે હંમેશા એની પાસેથી વસ્તુ પડાવવા માટે ઝગડતી હતી એ આજે સામેથી એના માટે વસ્તુ લઈને આવી છે!?

સુંવાળીએ હાથ આગળ કર્યો અને હાથમાં પકડેલું સફરજન રુમી તરફ ધર્યું. બંને એકબીજાને ક્યાંય સુધી જોતા રહ્યા. આંખો એમની ભાષામાં ઘણું કહી રહી હતી પણ શબ્દોએ ચુપકીદી ધારણ કરી લીધી.

"તું....તું આ મારા માટે લાવી?"

"હા, તને પસંદ છે ને!"

"તને પણ પસંદ છે.... તેમ છતાં તું કેમ મને આપવા માંગે છે?"

"કારણકે તને એ ખાવું ગમે છે."

"મને તો તારી સાથે લડવું પણ ગમે છે. તેમ છતાં તું લડતી નથી!"

"મને હવે લડવું નથી ગમતું."

"તો શું ગમે છે?"

"મને....હવે.....હવે મને છે ને....એટલે કે મને હવે......આઈ મીન..."

"પ્રેકટીસ નહોતી કરી?"

"કરી હતી ને!"

બંનેને ધ્યાન ના રહ્યું કે ક્યારે મનની વાતો હોઠો સુધી આવી ગઈ. રુમીનો સવાલ અને સુંવાળીનો જવાબ સાંભળી બંને હસવા લાગ્યા.

એ પછી તો પ્રેમનો એકરાર પણ કરવાની જરૂર ના પડી. લડતા ઝગડતા બંનેને એકબીજાની એવી આદત પડી ગઈ હતી કે એ સથવારાની અવેજી પ્રેમની ઋતુ લઈને આવી ગઈ.

અત્યાર સુધી ગરુરમાં ફરતા રુમી અને સુંવાળીના ઈગો પ્રેમની ચાસણીમાં એવા તો ઓગળી ગયા કે જાણે ક્યારેય હતા જ નહીં. કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમની તાકાત બધી તાકાતથી ઉપર છે. પ્રેમની મીઠાશે ઇગોની કડવાહટને મીઠી બનાવી દીધી.

હવે જ્યાં પણ જાય બંને સાથે જ જાય. ફળ પણ એકમાંથી જ ખાય. એટલું નહીં, એકબીજાને પ્રેમથી ખવડાવે પણ! ફળ ખાવા જેટલી ખુશી એ બંનેને બીજા કોઈ કામમાં મળતી નહીં. દિલની સૌથી નજીક જો કશું હતું તો એ સાથે બેસીને એક જ ફળ ખાવાની ક્રિયા હતી.

"ઓ મારા રૂના ઢગલા! આપણે લગ્ન કરીને એવી જગ્યાએ જઈશું કે જ્યાં ફળનો મોટો બગીચો હોય!"

"હા લસરતી બલા, જો પેલી ટેકરી દેખાય ને! ત્યાં એક ફળનો બગીચો છે. તો આપણે ત્યાં જ ઘર બનાવીશું."

એકતરફ જ્યાં ઘર બનાવવાના સ્વપ્ન સેવાતા હતા ત્યાં બીજી તરફ ધીરે ધીરે આખા જંગલમાં એમના પ્રેમની વાત જાહેર થઈ ગઈ.

"શું વાત કરો છો? આપણો રુમી...... સુંવાળી સાથે?"

"હા ભાઈ, કળિયુગ આવ્યો છે. કોઈ દિ’ આવી જોડી જોઈ છે?"

"ભાઈ, આપણા છોકરાઓ પર શું અસર થશે?"

"હા ભાઈ, આવું તો જંગલમાં ના ચલાવી લેવાય!"

જેવી ભાતભાતની વાતો થવા લાગી.

વાતો જંગલના રાજા અને બંનેના પરિવાર સુધી પહોંચી. ના તો સુંવાળીના પરિવારને આ સંબંધ પસંદ હતો કે ના રુમીના.

જાલિમ જમાનાએ પ્રેમમાં લંઘર નાખી દીધું હતું.

બંનેને સમજાવવા સભા ભરાઈ. રુમી અને સુંવાળીને પેશ કરવામાં આવ્યા. બંને પરિવારોએ આ સંબંધ માટે વાંધો ઉઠાવ્યો. રાજા અને પ્રજા બંનેને વાંધો તો હતો જ! જ્યાં પરિવાર પણ પક્ષમાં ના હોય ત્યાં સજા તો મળવાની જ હતી ને!

બંનેને નજરકેદની સજા ફટકારવામાં આવી. વિયોગના દિવસો શરૂ થઈ ગયા.

માત્ર પરિવાર જ નહીં બધા જ એમને નજરકેદ રાખતા. હરવા ફરવાની મનાઈ નહોતી પણ હંમેશા કોઈને કોઈ સાથે હોય જ! કોઈ વાર સુંવાળી સામે મળી જાય તો પણ એની સામે નજર ઊંચી કરીને જોવાની પણ મનાઈ હતી.

જુદાઈના દિવસો એટલા કપરા હતા કે ના રાત નીકળતી કે ના દિવસ ઊતરતો. દિવસો વીતતા ગયા. ધીરે ધીરે બધા આ વાત ભૂલતા ગયા. સુંવાળી અને રુમીએ પણ ધૈર્યથી કામ લીધું. ના કોઈ વિરોધ કર્યો કે ના કોઈ એવું પગલું ભર્યું કે જેથી જંગલમાં બધાને આ વાત ફરીથી યાદ આવે. હવે તો નજરકેદ પણ ઓછી થવા લાગી હતી. તેમ છતાં એ લોકો મળવાનું ટાળતા. બસ કોઈ વાર આંખો આંખોમાં વાત કરી લેતા. જ્યારે બંને પરિવારને લાગ્યું કે હવે પ્રેમની આગ ઓલવાઈ ગઈ ત્યારે બધા નિશ્ચિન્ત થઈ ગયા.

આ પ્રેમી પંખીડા આ જ ક્ષણની રાહ જોતા હતા. જેવું એમને લાગ્યું કે હવે કોઈનું ધ્યાન એમના પર નથી ત્યારે બંનેએ મળવાનું નક્કી કર્યું.

"રુમી, હું તારા વગર કેવી રીતે જીવી છું એ મારું મન જ જાણે છે. દિવસરાત બસ મનમાં તારા નામની જ માળા જપતી રહેતી હતી."

"સુંવાળી, હું પણ એવી જ રીતે જીવતો. તારી યાદો હતી તો જીવાયું. તને યાદ કરી કરીને હું રોજ એક સફરજન ખાતો. પેલી ટેકરીના બગીચા જોઈ તને ખૂબ યાદ કરતો, મારી સુંવાળી."

થોડો સમય વિરહની વેદના પ્રેમાલાપથી ઓછી કર્યા પછી આગળ શું કરવું? એના પર ગંભીર વિચારણા કરવામાં આવી. સુંવાળી જાણતી હતી કે આ જંગલમાં તો એ લોકો એક નહીં થઈ શકે, એટલે એણે રુમી સામે ભાગી જવાનો પ્રસ્તાવ મૂક્યો. રુમીને પણ એ જ યોગ્ય લાગ્યું. બીજા દિવસે પ્લાનિંગ કરવા મળવાનું નક્કી કરી બંને બધાથી નજર છૂપાવતા ઘરે ગયા.

બીજા દિવસે નક્કી થયું કે આજે રાતે બધા ઊંઘતા હોય ત્યારે ચુપચાપ જંગલમાંથી ભાગી જવું. એક સાથે જવામાં કોઈ જોઈ જાય અને પ્લાન નિષ્ફળ થાય એની શક્યતા હતી. સુંવાળીએ એકસાથે નહીં પણ અલગ અલગ ભાગવાનું સૂચન કર્યું. રુમીએ સુંવાળીની વાતનો સહર્ષ સ્વીકાર કરી સીધા ફળોના બગીચામાં મળવાનું નક્કી કર્યું.

"ધ્યાન રાખજે સુંવાળી તારું. તારા વગર હવે આ જીવન તો અર્થહીન છે. રૂપાળી સસલી પણ હવે મારા દિલમાંથી તને કાઢી નહીં શકે."

છૂટા પડતા પહેલાં બંનેએ એકબીજાને પંપાળ્યા. આંખોમાં નવી જિંદગીના સપના સાચવીને બંને છૂટા પડ્યા અને રાતની રાહ જોવા લાગ્યા.

***

રુમીના હ્ર્દયમાં એક નવી જ ચેતનાનું સિંચન થયું હોય એમ એને જગલથી ફળોના બગીચા સુધી આવતા થાક પણ ના લાગ્યો. એ તો ગણતરીના કલાકોમાં ત્યાં પહોંચી ગયો હતો પણ હજી સુંવાળી ક્યાંય દેખાતી નહોતી. એને લાગ્યું કે કદાચ નીકળતા વાર લાગી હશે! રાતની પરોઢ થઈ, પરોઢની સવાર અને હવે તો સવારની બપોર થવા આવી, પણ સુંવાળીનું કોઈ જ નામ નિશાન નહોતું. ખૂબ રાહ જોઈ પણ સુંવાળી ત્યાં ના આવી તે ના જ આવી.

રુમીને લાગ્યું કે કદાચ નીકળતી વખતે પકડાઈ ગઈ હોય! એણે એક વખત જંગલમાં જઈને તાપસ કરવાનું નક્કી કર્યું પણ સાથે એ મૂંઝવણ હતી કે જો એ સમયમાં સુંવાળી અહીં આવી પહોંચે અને રુમીને ના જોવે તો એવું ના સમજી લે કે રુમીએ એને દગો આપ્યો!

અવઢવમાં થોડો સમય વિતાવ્યા પછી રુમીએ જંગલમાં જવાનું નક્કી કર્યું. રસ્તામાં એનું ધ્યાન સુંવાળીને શોધવામાં જ હતું. મનમાં અજંપો હતો, દિલમાં ઉદાસી અને આંખોમાં પાણી. પવન કરતા ઝડપી એને જગલમાં પહોંચવું હતું. એટલામાં એણે એવું કંઈક જોયું કે એના પગ થંભી ગયા, આંસુ થીજી ગયા, ઉદાસી જકડાઈ ગઈ. ફળોની વાડીથી થોડે જ દૂર એક ઝાડ નીચે સુંવાળી કોઈ બીજાની બાહોમાં હતી.

રુમીની તો જાણે જિંદગી જ અટકી ગઈ. એને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ સુંવાળી હતી જેના માટે એણે આખા જંગલ સાથે દુશ્મની કરી હતી!

રુમીને સામે ઊભેલો જોઈ સુંવાળી એની નજીક આવી.

"કેમ પથ્થર થઈ ગયો?"

"સુંવાળી... આ શું છે? તું અહીં? આ કોણ છે તારી સાથે?"

"રુમી, તારા જેટલો બેવકૂફ કોઈ જ નહીં હોય... તે કેવી રીતે વિચારી લીધું કે મારા જેવી બ્યુટીકવીન તારા જેટલા કદના કોઈ સાથે પ્રેમમાં પડે! મેં તો ક્યારનું આ રંગીલા ને દિલ આપી દીધું હતું." એની બાજુમાં ઊભેલા કાંચીડા તરફ જોઈને વિજયી સ્મિત સાથે સુંવાળીએ રુમીને કહ્યું.

" "મારું રંગીલા સાથે જીવવું લગભગ અશક્ય હતું. અમે ભાગી જાત તો પણ પકડાઈ જાત. એટલે મેં તારી સાથે પ્રેમનું નાટક કર્યું. તારી સાથે ભાગી. બધા તને જ ગુનેગાર સમજશે અને તારી શોધખોળ કરશે, જેથી અમે સહીસલામત અહીંથી દૂર જતા રહીશું. મેં તને એવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે કે જો તું જંગલમાં પાછો જઈશ તો પણ તું જ ગુનેગાર અને જો નહીં જાય તો પણ તું જ ગુનેગાર... ઇસે કહેતે હૈ ચિટ ભી મેરી પટ ભી મેરી...." કહી બંને અટ્ટહાસ્ય કરવા લાગ્યા.

"સુંવાળી.....આ શું કહી રહી છે?"

"તને હજી સમજ નથી પડતી? ચોખ્ખે ચોખ્ખું કહેવું પડશે કે મેં તને દગો આપ્યો...મેં તારો યુઝ કર્યો....ચાલ હું જાઉં, તારી પાસે આખી જિંદગી છે આ સમજવા માટે.... અલવિદા રૂના ઢગલા." કહી સુંવાળી રંગીલા સાથે જવા લાગી.

"એક  મિનિટ સુંવાળી...... તે જે કહ્યું એ સાચું હશે, પણ દુનિયામાં પ્રેમથી વધારે કશું તાકાતવર નથી. મને મારા પ્રેમ પર વિશ્વાસ છે કે એક દિવસ એ તને જરૂર મારી પાસે પાછી લાવશે. હું તારી ફળોના એ જ બગીચામાં રાહ જોઈશ....અને તું જરૂરથી પાછી ફરીશ...ભલે ને એ જિંદગીનો છેલો દિવસ હોય, પણ તું પાછી આવીશ જ.....અને સાચું કહું મારી લસરતી બલા, તું જ્યારે પણ પાછી આવીશ હું એક પણ સવાલ નહીં પૂછું અને તને દિલથી સ્વીકારી લઈશ.....આ મારું પાક્કું વચન છે."

રુમીની લાગણીઓને અવગણી સુંવાળી જીવનમાં આગળ વધી ગઈ. એની વિરુદ્ધ દિશામાં રુમી પણ સુંવાળીની જિંદગીભર રાહ જોવા ફળોના બગીચા તરફ જવા લાગ્યો.

******

"રુમી!"

"આવ, સુંવાળી.....મેં કહ્યું હતું ને કે તું એક દિવસ મારી પાસે જરૂરથી આવીશ." સુંવાળીના શરીરની સુગંધ હજી એના મનમાં હતી, જેથી જોયા વગર જ રુમી સુંવાળીને ઓળખી ગયો.

"પણ....મેં એક કાચિંડા પર ભરોસો કરી બહુ મોટી ભૂલ કરી..."

"પણ મેં આવવામાં ઘણું મોડું કર્યું."

"હજી ક્યાં! મોડું તો ત્યારે કહેવાત જ્યારે મારો છેલ્લો શ્વાસ પૂર્ણ થઈ ગયો હોત અને તું આવત. હજી તો પ્રેમ કરવા ઘણી ક્ષણો બાકી છે."

"પણ રૂમી..."

"શશ્શ્શ્શ....મેં તને કહ્યું હતું કે હું કોઈ સવાલ નહીં પૂછું અને તને સ્વીકારી લઈશ. બસ તું હવે જો કાયમ માટે મારી પાસે આવી હોય તો તારું સ્વાગત છે મારી જિંદગીમાં, મારી લસરતી બલા." કહી રુમીએ એમનું પ્રેમરૂપી સફરજન સુંવાળીની સામે ધર્યું.

"તને હજી પણ યાદ છે?"

"યાદ તો હોય જ ને! ભલે બાળકો મને રુમીદાદા કહેતા, પણ બંદા અભી ભી જવાન હૈ." કહી રુમીએ સુંવાળીને એક આંખ મારી. આ ઉંમરે પણ સુંવાળી નવોઢા જેવી શરમાઈ ગઈ.

રુમીએ સુંવાળીને ગળે લગાવી પોતાનો વાયદો નિભાવ્યો. એ જોઈ ફળોના બગીચાની વચ્ચે સફરજન ખાતા એ યુગલને દુનિયાની કાળી નજરથી બચાવવા નિયતિએ કાળા વાદળોરૂપી કાજળ લગાવી આશીર્વાદ આપ્યા.

- સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ