વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાતરા

‘મ’ આખો, ‘મ’ અડધો, ‘મ’ને દીર્ગ ઈની માત્રા,

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

કક્કો, પાડા, બારાખડી; પહેલી મારી ટીચર તું,

ખોટું મારું આખું ભણતર, ગણતર તારા સૌ ખરાં!

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

પિકનિક-પ્રવાસ-રમતો કેટલીય મજા તારા રાજમાં,

ખાટી મીઠી યાદો જાણે કાચી કેરીના કાતરા!

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

પીત્ઝા-સેન્ડવિચ-મંચુરિયન રિસાઈને સ્વદેશ પાછા જાય,

પૂરણપોળી સાથે શોભે તારા હાથના પાતરા!

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

પ્રેમથી ઘી ચોપડેલી રોટલી કેવી યાદ આવતી,

હોસ્ટેલમાં ખાતા જ્યારે સૂકાં સૂકાં ખાખરા!

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

જગત આખું કપટકારી, સહરા માફક તપતપતું,

તું હાથ માથે રાખે ને, હરિત મારી થાય ધરા,

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

મમ્મી, તને નહીં સમજાય! કહેતા ટીનએજના તોફાને,

અરે, વગર કહે જ સમજી જતી, તું આંખોના ઇશારા!

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

તું જાગ્યા નહીં કર મમ્મી, કહેતા ગળે લગાડી ને!

હવે બાળકો લેટ આવે, તો અમે ય કરતાં ઉજાગરા!

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

 

સો વર્ષો માણે તું, આથી ય વધુ ઉમંગથી,

માને મારું ઈશ્વર, તો બસ એને કહું જરા.

મમ્મી તારા ખોળામાં ચાર ધામની જાતરા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ