વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું, એ અને છ વર્ષ

                  

આંખોના પડદે છેલ્લા છ વર્ષ હવાની જેમ પસાર થઈ ગયા. સાલું સમજાયું નહીં કે શું થયું? હજુ હમણાં જ તો આપણે મળ્યા હતા. હમણાં એટલે હમણાં જ. તને યાદ નથી શું? હું તો એવું કહું છું કે આ થોડા દિવસો પહેલાની, અરે થોડી ક્ષણો પહેલાની જ વાત છે.
               

હું અત્યારે અસ્ત થતા જતા સૂર્યના ગગનમાં પથરાયેલા કેસરિયા રંગમાં આપણાં જીવનના પ્રસંગો ચિત્રપટ માફક સગી આંખે જોઈ રહ્યો છું. તું કદાચ મારી જેમ જો અગાસી ઉપર હું તારી ગેરહાજરીમાં એકલતાને તારી યાદોથી માણી રહ્યો છું એ રીતે મારી ગેરહાજરીને સ્વચ્છ આકાશમાં નજરથી મારી છબી બનાવીને અનુભવ કરતી હશે તો તને પણ મારા જેવું જ લાગશે. મારા જેવો જ અનુભવ થશે. પરંતુ અફસોસ...
                

ચાલ તારું છોડ. કેમ કે વાત અત્યારે મારી છે. હા, પહેલા 'મારું' 'તારું' 'આપણું' થયું. અને હવે 'આપણાં'માંથી પાછું 'મારું' 'તારું' થઈ ગયું. અફસોસ છે છતાં મને ફરિયાદ નથી. કેમ કે જ્યાં પ્યાર હોય છે ત્યાં ફરિયાદ નથી હોતી. પ્યારમાં તો 'ફરિયાદ' શબ્દને પણ 'ફરી' 'યાદ'ના સંદર્ભમાં લેવામાં આવે છે. અને આ ભેદ હર કોઈની સમજણમાં નથી આવતો. એ તો જે અનુભવે એ જ સમજે. કિનારે બેસીને ફક્ત પાણીની ઠંડક જ મહેસુસ કરી શકાય છે. ઠંડક સાથે ગહેરાઈ માપવી હોય તો ડૂબકી લગાવી પડે. તે ફક્ત પગ ભીના કરીને સંતોષ માની લીધો. અને મેં ડૂબકી લગાવી.
                 

તું તરી ગઈ. હું ડૂબી ગયો. પરંતુ મેં ગહેરાઈ માપી અને તે ફક્ત પાણીની ઠંડક. સાચું કહું તો હું ડૂબીને પણ તરી ગયો છું. અને તું તરીને પણ ડૂબી ગઈ છે. મને અનુભવ થયો અને તને અહેસાસ. અહેસાસ ફક્ત રોમાંચ છે. અનુભવ એ જિંદગી. અહેસાસ વિસરાય પરંતુ અનુભવ નહિ. હજુ સમય છે. તે આજ જોઈ છે. કાલ ક્યાં જોઈ છે? હું નથી ઇચ્છતો કે કાલ તારી સાથે કંઈ અઘટિત થાય. પરંતુ જો એવું થાય તો ચોક્કસ તને પ્રથમ મારી યાદ આવશે. કેમ કે મેં જેટલો પ્રેમ તને કર્યો છે એટલો તને કોઈ નહિ કરી શકે.
                  

મને અફસોસ નથી કે તારી આંખો મારી આંખો સાથે અથડાઈ. મને હજુ યાદ છે. કદાચ તારી આંખો ઉપર આપણી યાદોનો પડદો પડી ગયો હશે. પરંતુ હજુ હું એ ક્ષણોને ચાવું છું. માણું છું. અનુભવું છું. સૌથી વિશેષ જીવું છું. હું એ યાદોને જીવીશ. યાદો સાથે જીવીશ. પરંતુ હું મારી સાથે અન્યાય નહિ કરું. હું સમજુ છું અને જાણું છું કે પ્યાર અધૂરો જ હોય છે. પણ અફસોસ એ રહેશે કે પૂરો થઈ શકતો હતો છતાં પૂરો ન થઈ શક્યો.
                  

તે કે મેં. હું કોઈનો દોષ નથી દેતો. શું કામ આપું? ભગવાન કહે છે કે કિસ્મત તો એણે લખીને જ મોકલી છે. તો પછી અફસોસ શું કામ. પરંતુ....
                

આંખો આંખોમાં થતી વાત જ્યારે શબ્દોમાં આકાર લઈ રહી ત્યારે દુનિયા કેટલી હસીન લાગતી હતી? તારી આંખોમાં કેટલા સપના હતા? મારા હૃદયમાં કેટલી લાગણી હતી? અગાસીએ કઠોડા ઉપર બેઠા બેઠા પ્યાર ભરી વાતો સાથે આપણે અસ્ત થતા સૂરજને પણ થોડી વાર થોભી જવાની ફરજ પાડી હતી. વિદ્યુતના તાર ઉપર બેઠેલા બે કબુતરો પણ આપણા વચ્ચે થતી પ્યારની ગુટરગુ જોઈને કદાચ શરમાતા હશે. આવી રોમાંચિત સંધ્યાની સાક્ષીએ શરૂ થયેલી આપણી પ્યારની સફર આજ એક નાના અવરોધ આવતા બે રસ્તામાં ફંટાઈ જતા નદીના વહેણ માફક ફંટાઈ ગઈ.
                  

ગઈ કાલ અને આજની વચ્ચે વીતેલા છ વર્ષની કિતાબને તું હથેળીમાં ખોલીને બેસ તો તને સમજાશે કે આપણે એક જીવન જીવી ગયા. એ જીવન ફક્ત આપણું હતું. આપણી ઈચ્છા મુજબનું હતું. જેને આપણે સજાવ્યું હતું. આપણાં ખ્વાબોની રોશનીથી ચમકાવ્યું હતું. શું તું એ બધું ભૂલી ગઈ?
                 

આમ તો કેટલાય પ્રસંગો છે જે ભૂલી શકાય એવા નથી પણ ચાલ એક જ પ્રસંગ તને યાદ કરાવું. તારી એક્ઝામ હતી. મારે તને લેવા આવવાની હતી. મારા મિત્રની ગાડી માંગીને હું આવ્યો હતો. બ્લોક કાચ, આપણે બે અને એક જ ડેરી મિલ્ક. સાચું કહેજે ચોકલેટનો ટેસ્ટ લીધો હતો કે હોઠનો? અરે આમ શરમ આવશે તો જવાબ કેમ મળશે? જવા દે એ વખતનો અહેસાસ હજુ મારા હોઠ ઉપર જ છે. જવાબ હું મારા હોઠ ઉપર જીભ ફેરવીને મેળવી લઈશ.
                   

રાતોની રાતો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટિંગ કરીને વિતાવી છે. આપણી વચ્ચે એવું શું હતું જે એકબીજાથી અજાણ હતું. ના સંકોચ હતો ના શરમ. ના કોઈ ભેદભાવ. બે શરીર હોવા છતાં એક જાન હતા. તારી આંખો ખુલતી તો મને લાગતું મારી સવાર થઈ છે. મારું હૃદય ધબકતું તો મને લાગતું કે તું મને યાદ કરે છે. અને એ યાદની સાક્ષી રૂપે મારા મોબાઈલમાં તારો મેસેજ આવ્યો જ હોય.
               

મન તારું નામ લેતા ધરાતું નહિ. સતત તારા નામનું રટણ હૃદયમાં રહ્યા કરતું. મારા હૃદય ઉપર હાથ અને કાન રાખીને તે પણ તારા ગુંજતા નામનો અનુભવ કર્યો છે. ભૂલી ગઈ તું? તું આ બધું આટલી જલ્દી કઈ રીતે ભૂલી શકે?
                  

મને તો એ જ વાત સમજમાં નથી આવતી કે એક ક્ષણ પણ મારા વગર ના રહી શકતી તું આજ મને જીવનભર માટે મુકવા તૈયાર થઈ ગઈ. શું કમી હતી કે શું ખૂબી હતી એની તો વાત જ નથી કરવી. કેમ કે સંબંધ બંનેએ રાખ્યો હતો. નિભાવ્યો હતો. આપણે સગીર છીએ. કોઈ ધાકધમકીથી આપણે જોડાયા ન હતા. છતાં પણ...
                   

હા, ક્યારેક અંધકાર જીવનમાં છવાય જાય છે. પરંતુ એનો મતલબ એવો તો નથી કે ક્યારેય પૂનમનો ચાંદ નહિ ખીલે. અમાષે ઓસરી જતા સાગરના નીર પણ પૂનમના કિનારાના પગ પખળવા દોડતા આવે છે. તું બસ એટલું ના સમજી. કદાચ હું માનું છું કે તારે સમજવું જ નથી. સમાજની મોટી મોટી વાતો, દેખાદેખી અને સ્ટેટ્સ તને મારાથી દૂર લઈ ગયું.
             

એમ તો મારી પાસે પણ શું નહોતું? તારા બધા સપના મેં મારી આંખે જોયા હતા. તારા શબ્દોને સાકાર કરવા હું કાયમ તત્પર રહેતો હતો. તારા આંસુને પણ મેં મારી હથેળીમાં ઝીલ્યા છે. યાદ છે તને? પરીક્ષાની ચિંતામાં આંખોથી વરસતા આંસુ મેં હથેળીમાં ઝીલ્યા હતા. તો શું હું તને જિંદગીભર નહોતો સાચવી શકવાનો?
                  

ખેર, અફસોસ આજ મને છે એટલો કાલ ભગવાન ના કરે પણ તને થશે. જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી એ વ્યક્તિને ક્યારેય ન છોડવી જોઈએ જે તમને જીવથી પણ વધારે પ્રેમ કરે. તમે જેને પ્રેમ કરો છો એ કદાચ તમને દગો આપી શકે પરંતુ જે તમને પ્રેમ કરે છે એ ક્યારેય તમને દગો નહિ આપે. કદાચ તું આ વાક્યને સમજી જ નથી. મારું શું છે. આજ તને યાદ કરીને રાતોના ઉજાગરા વેઠું છું. આંસુ વહાવીને ઓશિકાને હેરાન કરું છું. પરંતુ અંતે આ આદત બની જશે. કોઠે પડી જશે. સમહ જતા દિલના ઘા પુરાઈ જશે. પરંતુ તું...
                

તે કદાચ મને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો. નહિ તો આજ ખાલી સ્ટેટ્સ અને મોભાના લોભે તું મારાથી દૂર જવાનો વિચાર ક્યારેય ના કરતી. પ્યારમાં તો લોકો કોયલાને પણ હીરો સમજે છે. તે હીરાને કોયલામાં ખપાવી દીધો. મારે તને કંઈ વધારે નતજી કહેવું. જે છ વર્ષ આપણે સાથે વિતાવ્યા એની એક એક યાદ તો તને અહીં નહીં જ કહી શકું પરંતુ એ બહાને તને એ ક્ષણોની યાદ અપાવવી હતી. તું મારા માટે નથી તડપતી. પરંતુ હું તારા માટે તડપુ છું. તને મારી તરસ નથી કિન્તુ મને તારી તરસ છે. અને રહેશે. છતાં રસ નહિ રહે. હું એવું નથી કહેતો તારા વગર જિંદગી નહિ રહે. જિંદગી તો રહેશે પરંતુ જીવન નહિ રહેવા. તારી જેમ હું ઓન મારા હૃદય સાથે સમાધાન કરી લઈશ. પરંતુ તે જેમ માટી સાથે અન્યાય કર્યો એમ હું બીજા કોઈ સાથે અન્યાય નહિ કરું. બસ તું એટલું વિચાર જે કે, 'જો સંબંધ છોડવો જ હતો તો અત્યાર સુધી સાથે કેમ હતા...?'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ