વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એકસો આઠ

*એકસો આઠ*

        *(આગંતુકની નાનકડી વાર્તા)*


*આજે નોકરીએ પહોંચવામાં મોડું થયું હોવાથી સંતોષે પોતાની મોટરસાઈકલ ભગાવી. શહેરના ટ્રાફિકની વચ્ચે સંતોષ ભયજનક સ્પીડથી બાઈક ચલાવતો તે નોકરીના સ્થળે જઈ રહ્યો હતો. ઘરની જવાબદારીઓ, નોકરીએ પહોચવાનું ટેન્શન, પત્ની સાથેના ઝગડા...જેવા વિચારો એકસાથે મનમાં ચાલી રહ્યા હતા. આ વિચારોમાં જ તેણે ઓછા ટ્રાફિક વાળા એક વિસ્તારમાં રસ્તો ક્રોસ કરી રહેલા એક માજીને હડફેટે લીધા. માજી રોડ પર પટકાયા. પળભર તો સંતોષે ઊભા રહેવાનું વિચાર્યું, બાદમાં તેણે જોયું કે હજી કોઈનું ધ્યાન આ અકસ્માત પર નથી પડ્યું, તેણે બાઈક ભગાવી.*

*વ્યુમીરરમાં જોયું કે કોઈએ પીછો નથી કર્યો. માજી હજી રસ્તા પર પડેલા જ હતા, કદાચ બેભાન થઈ ગયા હતા.*

   *સંતોષ પોતાની જોબ પ્લેસ પર પહોચ્યો, તેણે બાઈક પાર્ક કર્યું. બાદમાં ખૂબ ઝડપથી વહીવટી વિભાગમાં જઈને પોતાની હાજરી નોંધાવી. હવે તેને ' હાશ ' થઈ.*

    *તે સમયસર પહોંચી ગયો હતો. બાદમાં.. કારકુન પાસેથી તેણે એક ચાવી લીધી, બહાર આવીને કચેરીના ચોગાનમાં પડેલી ૧૦૮ મોબાઈલવાનની ડ્રાઈવર સીટ પર તે ગોઠવાયો.*

      *કંટ્રોલ રૂમ પરથી તેને કોઈ અકસ્માત સ્થળે જવા આદેશ મળ્યો, સ્થળની માહિતીથી તેને ખ્યાલ આવી ગયો કે તેણે ક્યાં જવાનું છે. ૧૦૮માં પોતાની સાથે મેડિકલ ઓફિસરને લઈને તે અકસ્માત સ્થળ પર પહોંચ્યો.  રસ્તા પર પડેલા માજીની આસપાસ લોકોનું ટોળું જમા થયું હતું. માજી બેભાન અવસ્થામાં પડેલા હતા, તેમના એક હાથમાં માળા હતી, પ્રભુધ્યાનમાં રસ્તો ક્રોસ કરી રહેલા તેઓ કોઈની લાપરવાહીને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. મેડિકલ ઓફિસરે માજીને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યા.*

         *મોઢામાં રહેલા તમાકુવાળા મસાલાની ગંદી પિચકારી મારતા સંતોષ બેફિકરાઈથી બોલ્યો, "માજીના સગાને કહો કે શબવાહિની બોલાવે. અમને ખોટી કરશો અને અમે અન્ય સ્થળે સમયસર નહિ પહોંચીએ તો કોઈ બિચારું સમયસર ટ્રીટમેન્ટ નહિ મળવાનાં કારણથી આ માજીની જેમ મરી જશે...!"*


*- અનિરૂદ્ધ "આગંતુક"*

  *૦૯૩૨૮૯૪૭૭૪૧*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ