વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોડર્ન કાગડો

1.  મોડર્ન કાગડો

       તરસ્યા કાગડાની વાર્તા તો ઘણી જૂની છે. એ વાર્તા તમે વાંચી કે સાંભળી જરૂર હશે, પણ આ વાર્તામાં ફરક છે. આ વાર્તા આધુનિક યુગના  મોડર્ન કાગડાની છે. તો જોઇએ આપણા  મોડર્ન કાગડાની કમાલ... 

          એક હતો કાગડો. તે એના મિત્રને મળવા દૂર એક ગામમાં જતો હતો. રસ્તામાં એક શહેર આવ્યું. અને કાગડાને બરાબરની તરસ લાગી. હવે.! કરવું શું ?  તે ઊડતાં ઊડતા એક બગીચા પાસે આવ્યો. બગીચામાં તેણે એક કૂંજો પડેલો જોયો. એ કૂંજામાં જોયું તો અંદર થોડુ જ પાણી હતું.  ચાંચ પાણી સુધી પહોંચે એટલું પાણી એમા નહોતું.  

       કાગડાએ આજુબાજુ નજર કરી. પથ્થર તો પડ્યા જ હતા,. પણ આ તો મોડર્ન કાગડો.  જૂના જમાનાના કાગડાની જેમ પથરા નાખીને પાણી પીવુ પડે. એવી ધીરજ આ મોડર્ન કાગડામાં નહોતી. તેથી તેણે સરળ ઉપાય અજમાવવાનું વિચાર્યું. તે પાણી પીવા માટે બાગમાં આમ-તેમ ચક્કર મારવા માંડ્યો. ત્યાં તો એણે (સ્ટ્રો) પીણાં પીવાની સળી જોઇ. પળવારમાં સ્ટ્રો ચાંચમા ઉંચકી લીધી.  કૂંજામાં સ્ટ્રો નાંખવા માટે અંદર જોયું. કૂંજો ખુલ્લો હોવાથી એમાં પાણી ખૂબ જ ગંદુ હતું. કાગડો વિચારમાં પડી ગયો. કે આવું ગંદુ પાણી તો જરાય ન પીવાય, પીવાય જાય તો બીમાર પડી જવાય.

    કાગડાએ આમ-તેમ નજર દોડાવી. નજીક્માં ઘટાદાર ઝાડનાં છાંયામાં એક કુટુંબ પિકનિક કરવા માટે બેઠું હતું.  ત્યાં થોડે દૂર એક પાણીની બોટલ પડી હતી. કાગડો એ બોટલ પાસે ગયો. બોટલમાં તીણી ને અણિયાળી ચાંચથી નાનું કાણું પાડ્યું. તો ઠંડા પાણીની ધાર વહેવા માંડી.  આ રીતે કાગડાએ ધરાઇને ઠંડુ પાણી પીધું. વળી, આનંદથી કા... કા... કા... કરતો એક ઝાડની ડાળી ઉપર જઇને બેઠો.

    ત્યાર પછી એણે વિચાર્યું કે, પાણી તો પીધું પણ  હવે કંઇ નાસ્તાનો મેળ પડે તો સારું. કારણ કે, મિત્રને ત્યાં પહોંચવા હજુ ઘણું અંતર કાપવું પડે તેમ હતું.  એ બગીચામાં નાનું એવું પ્રાણીસંગ્રહાલય પણ હતું. ત્યાં વાંદરા પાસે નાનકડો છોકરો હાથમાં પૂરી લઇને વાંદરાને બતાવીને ચાળા પાડતો પૂરી ખાતો હતો.

     કાગડાની નજર પૂરી ખાતા છોકરા ઉપર પડી. કાગડાએ છોકરાના હાથમાંથી પૂરી પડાવી અને એક પાંજરાની દિવાલ ઉપર જઇને આરામથી બેઠો.  એ પાંજરામાં એક  શિયાળ સૂતું હતું.  તે કાગડાની

 

પાંખોના ફ્ફડાટથી જાગ્યું. અને પડ્યા પડ્યા જ સહેજ આંખો ખોલીને જોયું. તો દિવાલ ઉપર ચાંચમાં પૂરી સાથે કાગડો બેઠો હતો.

   પૂરી જોઇને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. શિયાળે યુક્તિ કરીને પૂરી પડાવવાનું વિચાર્યું. શિયાળ બેઠું થયું. અને કાગડાને સંબોધીને તેનાં વખાણ કરવા લાગ્યું, તમે બહુ સારા સંગીતકાર છો. તમારા સંગીતના સૂરની માંગ દેશ-વિદેશમાં થવા લાગી છે. તેથી એકાદ સૂર અહિં પણ રેલાવો. અને આખા પ્રાણીસંગ્રહાલયને સંગીતના આનંદમાં તરબોળ કરી દો.

       ખૂબ ખૂબ વખાણ સાંભળ્યા પછી કાગડાએ પૂરી ચાંચમાંથી કાઢી પગથી પકડી.

       કાગડાએ શિયાળને કહ્યું, બોલો...! શિયાળભાઇ, કયું સંગીત સાંભળવું છે ? તમે કહો તો શાસ્ત્રીય, ડિસ્કો કે પછી પોપ સંગીત સંભળાવું.

      આટલું કહીને કાગડાએ શરૂ કર્યું, જુઠ બોલે કૌવા કાટે... કાલે કૌવે સે ડરીયો...

      આ સાંભળીને તરત શિયાળ બોલ્યું, ‘બસ... બસ.., આ ગીત બહુ જૂનું છે, અત્યારનું કોઇ નવું સંભળાવો.

        તો કાગડો કહે, ‘હા, મને ખબર છે. તારી પૂરી ખાવાની વાત પણ બહુ જૂની છે. સૌએ વાંચી અને સાંભળી છે.

        આટલું કહીને કાગડો ફરીથી બોલ્યો, કાલા કૌવા કાટ ખાયેગા... સચ... બોલ...  કાલા કૌવા કાટ ખાયેગા...      

                                                                  -વિજય ગરાસિયા. 

 

[દિવ્ય ભાસ્કરમાં તા. 22 ઓગસ્ટ 2015. બાળ ભાસ્કર પૂર્તિમાં પહેલા પાંના પર છ્પાયેલી વાર્તા]        

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ