વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ન્યાયાધીશનો ન્યાય

ન્યાયાધીશનો ન્યાય.



સરકારી પ્રશાસન નોકરીઓની જવાબદારીઓ ખૂબ જ વિકટ હોય છે. આમાં કામમાં અત્યંત ચોકસાઈ તો રાખવી જ પડે સાથે સાથે ગમે તેટલા ઊંચા હોદ્દા ઉપર આરૂઢ સાહેબોની સમયાંતરે, વારંવાર શહેર બદલી પણ થતી જ હોય છે. જેના કારણે એક ઠેકાણે માંડ ઠરીઠામ થયા હોય ત્યાં તદ્દન અજાણ્યા શહેરમાં, તદ્દન અજાણી સંસ્કૃતિ સાથે અલગ અલગ બોલી, અલગ અલગ રીવાજ તથા અલગ જ વાતાવરણમાં ગોઠવાઈ જવુ પડે. આ ભૂમિકા આમ લોકોને સહજ જણાય પણ એની વ્યથા ભોગવનાર ભાગ્યશાળીને જ ખબર હોય છે.


ફોજદારી તથા ગુનેગારી ન્યાયાલયના આદરણીય ન્યાયાધીશ એવા મનોહરલાલ માથુર સાહેબની ઉંમર અઠ્ઠાવન દિવાળી માણી ચૂકી હતી. આ ન્યાયાધીશ સાહેબના આયુષ્યની અંતિમ બદલી કોશીયાબાદ નામના ક્ષેત્રફળના હિસાબે ખૂબ મોટા અને વસ્તીના હિસાબે સાવ નાનકડા શહેરમાં થઈ હતી.


માથુર સાહેબ પોતાની વગ તથા હોદ્દાનો ઉપયોગ કરી એમની આ અંતિમ બદલી રોકી શકવાની વિનંતી કરવા હકદાર હોવા છતાં એમણે આખી જિંદગી સરકારી આદેશોને આધીન રહી વ્યતીત કરી હતી એ જ પ્રમાણે આ સરકારી આદેશને પણ ચૂપચાપ માથે ચડાવ્યો અને કોશીયાબાદ આવી ગયા. એમની પચીસ વર્ષની યુવાન પુત્રી, તૃષ્ણા જૂની દિલ્હી ખાતે દીવાની અદાલતમાં ન્યાયાલય કારકુનની સરકારી નોકરી કરતી હતી. એટલે મનોહર માથુર સાહેબની ધર્મપત્ની મમતા માથુર એમની પુત્રી સાથે નવી દિલ્હી ખાતે જ રહેતી હતી.


તૃષ્ણા, હોદ્દાની દ્રષ્ટિએ એક મોટા બાપનું એકમાત્ર સંતાન હતી. 'ચા કરતાં કિટલી ગરમ' એ ધોરણે એ પોતાના પિતાની સરકારી પદવીનો દબદબો સંપૂર્ણ રીતે ભોગવતી હતી. એ દીવાની કોર્ટમાં પણ પખવાડિયામાં એક વખતના ધોરણે હાજરી પત્રક પર પંદર દિવસની સહી કરવા જ જતી હતી પણ કોઈ કામ કરતી નહીં. કોઈક વાર તો મહિને દાડે એક વખત જ સહી કરવા જતી હતી. આ સંસારમાં વિવિધ લોકોનો જીવનમંત્ર વિવિધ હોય છે.


એનો સાથી કર્મચારી માખણલાલ તિવારી એના કામ ખુશી ખુશી પતાવી દેતો. એ બંનેના ભાગે આવતું સહિયારું કામ પણ મર્યાદિત હોવાથી માખણલાલને વધારે કષ્ટ થાય એમ નહોતુ. જોકે હકીકત એ હતી કે ન્યાયાલય કચેરીના કામ કરવા માટે મળતા 'ચા-પાણી', જેને સામાન્ય લોકો લાંચ કહે છે, એની પર માખણલાલ તિવારીજીનો એકહથ્થું અધિકાર હતો. આમ બંનેનું કામ થઈ જતાં અન્ય કોઈ પણ કર્મચારીને, તૃષ્ણા માથુરની સતત ગેરહાજરીથી કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવવાની જરૂર પડતી નહીં. સામે તૃષ્ણા માથુરને નવી દિલ્હીથી જૂની દિલ્હીના ધક્કા ખાવાને બદલે આરામથી મળતા પગારમાં જ રસ હતો. આમ સૌ કોઈ પોતપોતાની રીતે પોતાનો સ્વાર્થ પરાયણતા સાથે સંતુષ્ટ હતાં.


એની માતા મમતા માથુર, એ એના પિતા કરતાં તેર વર્ષ નાની હોઈ હજી પિસ્તાળીસ વર્ષની જ હતી. એમના લગ્ન સમયે બાળ વિવાહ કાયદાનો અમલ કડક રીતે પાલન થતો નહોતો. એ બંને માં દિકરી ઉપરાંત એમનો ત્રીસ વર્ષથી જૂનો અને વફાદાર ધરનોકર માંગીલાલ માધોજી પણ ઘરના સદસ્ય તરીકે એમની સાથે જ રહેતો હતો. 


મનોહર માથુરના વિવિધ સરકારી તંત્ર સ્થળાંતર દરમ્યાન મમતા એના પતિની સમયાંતરે મુલાકાત જરૂર લેતી પણ પોતાનું રહેઠાણ બદલતી નહીં. આમ એ પોતાના ઘર, પોતાની પુત્રીના ઉછેર તથા પતિના સહવાસ વચ્ચે સતત સંતુલન જાળવી રાખતી. એમની જિંદગીઓ આ વ્યવસ્થા પ્રમાણે વ્યતીત થઈ રહી હતી. જોકે આ કોશીયાબાદ ખાતે નામદાર ન્યાયાધીશ સાહેબની આખરી બદલી હતી. હવે તેઓ આ કોશીયાબાદની ફોજદારી તથા ગુનેગારી ન્યાયાલયના આદરણીય ન્યાયાધીશ તરીકે સેવાનિવૃત થવાના હોવાથી ત્યારબાદ માથુર પરિવાર નવી દિલ્હી સ્થિત એમના સ્વગૃહે સાથે રહેવાનો હતો. વળી તૃષ્ણા માથુરને લગ્ન કરવાની ઇચ્છા ના હોવાથી એની સમજાવટ કરી, કોઈ સંસ્કારી પણ બેરોજગાર યુવાનને ઘરજમાઈ બનાવી લેવાના મનસુબા મનોહર માથુર સાહેબ ઘડી ચૂક્યા હતા.


કોશીયાબાદ ફોજદારી તથા ગુનેગારી ન્યાયાલયના આદરણીય ન્યાયાધીશ તરીકે જવાબદારી સ્વીકારવા સાથે એમને સરકારી તંત્ર તરફથી એક વિશાળકાય કમ્પાઉન્ડ ધરાવતો બે મજલી બંગલો, એક આઠ કલાકની ફરજ બજાવતો ઘરનોકર વિનોદ તથા દિવસે એના કાર શોફર તરીકે તથા રાત્રે ચોકિયાત તરીકે ફરજ બજાવતા એક માણસની સગવડ પૂરી પાડવામાં આવી હતી. આ શોફર કમ વોચમેન, લલિત સાહેબના બંગલા સામે જ પીતાના ઘરમાં રહેતો હોવાથી રાતે સાહેબ સૂઈ જાય પછી બંગલાના દરવાજે તાળા લગાવી પોતાના ઘરે જઈ સૂઈ જતો અને સવારે સાહેબ જાગી જાય એ પહેલાં હાજર થઈ જતો. સરકારી ચોપડે કોઈ ભૂતિયા ચોકીદાર નોંધાયેલ હતો. અને એ ભૂતિયા ચોકીદારના બેન્ક ખાતામાં આ શોફર કમ વોચમેન લલિત બીજો ક્રમાંકનો ખાતા ધારક હતો.


લલિતને ખબર હતી કે આ ઘરડા એકલ દોકલ સાહેબ થાકીને સૂઈ ગયા બાદ વહેલી સવારે ઊઠી જાય એવી કોઈ શક્યતા નહોતી. એની પહેલાંના જજ સાહેબ પણ રિટાયર થવા જ કોશીયાબાદ આવ્યા હતા. એ સમયથી એ આ પ્રકારે સાહેબની 'ટુ ઇન વન' સેવા કરી લેતો હતો. એ રોજ બપોરે સાહેબની કારમાં જ એર કન્ડિશન ચાલુ રાખી નિરાંતની નિંદર માણી લેતો હતો.


મનોહર માથુર સાહેબને પણ આ વાતની જાણ હતી. એમણે પણ અહીંનો શિરસ્તો નિભાવી, આંખ આડા કાન કરી, આ રીતની વ્યવસ્થાની સગવડ સાચવી લેતા હતા. અને અસામાન્ય સંજોગો માટે એમણે લલિતનો મોબાઈલ નંબર સાચવી રાખેલો જેથી એને બે મિનિટમાં પોતાના બંગલા પર બોલાવી શકાય.


મનોહર માથુર સાહેબના સરકારી નિવાસસ્થાનના પછવાડે અનેક જૂના અને કદાવર વૃક્ષો હતા. આમાંના એક વિશાળકાય પીપળાની વધેલી મજબૂત ડાળીઓ એમના પ્રથમ મજલાના બાથરૂમની બારીના કાચ સાથે સતત અથડાતી હતી. એમણે ઘરનોકર વિનોદને કઠીયારા બોલાવી એ વિશાળકાય પીપળાને ઉખાડી દેવા આદેશ આપ્યો. વિનોદ મૂંઝવણમાં મૂકાઈ ગયો, "સાહેબ, હું એ તરફની ડાળખીઓ કપાવી દઈશ."


ન્યાયાધીશ સાહેબે શાંતિ જાળવી ફરી આદેશ આપ્યો, "વિનોદ, મારા હુકમ મુજબ કામ કર. આ પીપળા ખૂબ ઝડપથી પાછા વધી જાય. વળી આવા ઘેઘૂર પીપળાના વૃક્ષ પર ભૂતડા વસતા હોવાથી એવા વૃક્ષ ઘરની આટલી નજીક રખાય નહીં. તું આખેઆખો પીપળો જ કઢાવી નાખ. હું દિલ્હીથી ખાસ વિવિધ રંગી ગુલાબના રોપા મંગાવી એ જગ્યાએ ગુલાબનો બગીચો બનાવી દઈશ." 


બીજા જ દિવસે પીપળાનું નિકંદન નીકળી ગયું. એ કઠીયારાઓ એક વિશાળકાય પીપળાના પાર્થિવ દેહને એક ટ્રકમાં ભરી લઈ ગયા. એના પાંદળાઓ પણ હાંડી બળતણ તરીકે કામ આવે માટે ભેગા કરીને લઈ ગયા. સાંજે સાહેબ ઘરે આવીને સીધા એ વિશાળકાય વૃક્ષના ખાલીપાને લીધે થયેલ વિશાળ ખાડાનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા.


વિનોદે સાહેબની ખુશાલીનો અનુભવ કર્યો. એણે પૂછી લીધુ, "સાહેબ, ખાડો ભરાવીને સમતલ કરાવી દઇએ?" મનોહર સાહેબ સહમત ના થયા, "હમણાં રહેવા દે. આવતા અઠવાડીયે મારી દિકરી મને મળવા આવે છે. એ દિલ્હીથી વિવિધ રંગી ગુલાબના ખાસ રોપાઓ લઈને આવવાની છે તો તું એ રોપાઓ માટે લાલ માટી મંગાવી રાખ. હું ત્યાં ગુલાબનો બગીચો લગાવી દઈશ એટલે હાલમાં આ ખાડો એમ જ રહેવા દે. મને માળી કામ આવડે છે અને ગમે પણ છે. તું ફક્ત એ નાનકડા બગીચાના રોપા માટે ફળદ્રુપ એવી સરસ લાલ માટી અને થોડી શેકેલી ઈંટ મંગાવી, તૈયાર રાખ."


વિનોદ આ સાંભળીને હળવો થયો. એના મનમાં એમ કે સાહેબ બાગકામ મજૂરી એની પાસે જ કરાવશે પણ સાહેબ આ કામ જાતે કરવા તૈયાર થઈ ગયા હોવાથી એણે હાશકારો અનુભવ્યો. એણે બીજા જ દિવસે લાલ માટી સાથે થોડી ઈંટ મંગાવી એ ખાડા પાસે ઢગલો કરાવી દીધી. સાથે સાથે બંગલાના સ્ટોર રૂમમાંથી માળી કામ માટે આવશ્યક ઓજારો કાઢી એ લાલ માટીના ઢગલા પાસે ગોઠવી દીધા. એ હવે રાહત અનુભવી રહ્યો હતો.


થોડા દિવસ બાદ તૃષ્ણા માથુર એના પિતાને મળવા આવી ત્યારે વિવિધ રંગના ગુલાબના રોપાઓ લેતી આવી હતી. એના આવવા સાથે જ સુમસામ બંગલામાં કલશોર છવાઈ ગયો. એ દિવસે એકલવાયા પિતાએ એની પુત્રી સાથે ઘણી વાતો કરી. પણ પોતાની ફરજ ચૂક્યા વગર ન્યાયાલયના સમયે એ કારમાં લલિત સાથે નીકળી ગયા. 


સમય પસાર કરવા તૃષ્ણા માથુરે બંગલાના દરેક ઓરડા તથા ધાબા ઉપરાંત વિશાળ કમ્પાઉન્ડનું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને પીપળાના વૃક્ષની જડમૂળથી બાદબાકીને લીધે તૈયાર થયેલ ખાડો, બાજુમાં લાલ માટી તથા ઈંટનો ઢગલો નિહાળ્યો. એ વખતે વિનોદ એની સાથે જ હતો. વિનોદ એને ત્યાં વસતા અલગ અલગ વૃક્ષો તથા છોડ વિશે રસપ્રદ માહિતી આપવા સાથે જ હતો. 


તેઓ જ્યારે એ પીપળાના વૃક્ષના ખાડા તથા બાજુમાં લાલ માટીનો ઢગલા પાસે આવ્યા ત્યારે વિનોદ એને જાણ કરી દીધી કે એણે સાથે લાવેલ વિવિધ રંગી ગુલાબના રોપાઓની અહીં રોપાઈ એક સરસ મજાનું ગુલાબ બાગ બની જશે, તો એ આનંદિત થઈ ગઈ હતી. એ સાંજે એના પિતા આવ્યા તો વરસાદ પણ સાથે લેતા આવ્યા. વરસાદની એ રાત, શ્રાવણ માસ તથા ઓગસ્ટ મહિનાના સંગમની રાત હતી.


એ રાત્રે ભયંકર તોફાન સાથે બારેમેઘ ખાંગા થઈ કોશીયાબાદ પર તૂટી પડ્યા. સાંબેલધાર વરસાદ, વાદળોના સમૂહની ગજબના ગડગડાટ સાથે, વિજળીના લપકારાઓ સાથે, વાતાવરણ ભેંંકાર થઈ ગયુ હતું. કાજળ કાળી રાત, ગોરંભાયલા ઘનધોર મેષ સમાન વાદળાઓના આક્રમણ સાથે એ સમયે અધૂરામાં પૂરું, વિધૃત પુરવઠા સેવા પણ ખંડિત થઈ ગઈ હતી. એ રાત્રીએ એવો મુસળધાર વરસાદ થયો જાણે હવે પ્રલય નજીક જ હશે.


પણ કુદરતની કરામતને કોણ પારખી શકે…! મળસકું થતા સુધી તોફાની બારકસ વર્ષા રાણી સાવ શાંત થઈ ગઈ હોવાથી રવિ મહારાજે સમયસર પોતાની હાજરી નોંધાવી. એ પરોઢિયું જુએ એને કલ્પના પણ ન આવે કે આગલી રાત કેવી ગોઝારી રીતે પસાર થઈ હશે! વિનોદના ઘરમાં પાણીની આવક થઈ હોવાથી એ થોડો મોડો આવશે એવો કોલ કરી એણે સાહેબને જાણ કરી દીધી હતી. જોકે લલિત સમયસર હાજર થઈ ગયો હતો એટલે ન્યાયાધીશ સાહેબ રાબેતા મુજબ ન્યાયાલય જવા રવાના થઈ ગયા હતા. 


વિનોદ કામ પર આવતી વખતે સાહેબના બંગલાની ચાવીઓ યાદ કરીને લઈ આવ્યો હતો. જોકે રસ્તામાં એને યાદ આવ્યું કે તૃષ્ણા મેડમ તો હશે જ ઘરમાં એટલે ચાવીઓ તદ્દન નિરોપયોગી સાબિત થશે. જોકે એને ચિંતા હતી કે એ લાલ માટીનો ઢગલો પાણીમાં પલળીને વહી ગયો હશે તો નવી મંગાવવી પડશે. આવા વિચાર કરતાં એ સાહેબના બંગલે પહોંચ્યો ત્યારે ત્યાં એનું સ્વાગત તૃષ્ણા મેડમને બદલે તાળા મેડમે કર્યું. 


વિનોદ ચમક્યો, 'આ મેડમ આજે સાહેબ સાથે ન્યાયાલય ગઈ હશે…!' એ તાળુ ખોલવાને બદલે બંગલાની પાછળ તરફ દોડ્યો.


ત્યાં પહોંચી એ ફરી એક વખત ચમક્યો. એ લાલ માટીનો ઢગલો તો ખાડામાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ એમાં મેડમે લાવેલા ગુલાબના રોપાઓ રોપાઈ ગયા હતા. વળી એ માટી વહી જાય નહીં એ રીતે એની આસપાસ ઈંટોનું કૂંડાળું વ્યવસ્થિત રીતે દબાવીને પાળી સાથે ગુલાબ બાગ તૈયાર હતો. એ મનમાં બબડ્યો, 'આ ડોસલાની ડાગળી ચસકી ગઈ હોય એમ લાગે છે. આવી ભયાનક રાતમાં, આવા ભયંકર વરસાદી તોફાનમાં, આવા ભયજનક માહોલમાં એણે ગુલાબના રોપા એકલે હાથે કેવી રીતે રોપી દીધા હશે…!'


એ દિવસે સાંજે વિનોદ, મનોહર સાહેબની, ખાસ કરીને તૃષ્ણા મેડમની એક અધીરાઈ સાથે વાટ જોવા લાગ્યો. રોજના નિર્ધારીત સમયે સાહેબની કાર આવી પહોંચી. કાર બંગલાના દરવાજા પાસે ઊભી રાખી લલિત ઉતર્યો અને દોડીને પાછળનો દરવાજો ખોલી અદબથી ઊભો રહ્યો. કારમાંથી ન્યાયાધીશ મનોહર સાહેબ વટથી ઉતર્યા. અને એ સાથે દરવાજો બંધ કરી લલિત કારને ઝાંપા પાસે બનાવેલ કારશેડ નીચે કાર પાર્ક કરી બહાર ચાલવા લાગ્યો. વિનોદ આશ્ચર્યજનક ચહેરા સાથે તૃષ્ણા મેડમના કારમાંથી ઉતરવાની રાહ જોઈ હતો.


માથુર સાહેબે એની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું તો એ સાહેબ પાસે આવ્યો. એણે જરા ખચકાટ સાથે અધૂરો સવાલ કર્યો, "સાહેબ, મેડમ…?"


સાહેબ મરકી ઊઠ્યો, "મેડમને રાતે જ એક ફોન આવ્યો હતો. એક અર્જન્ટ કામ આવી જતાં એ વહેલી સવારે ઘરે પાછી જવા નીકળી ગઈ. પણ તારે મેડમનું શું કામ છે?"


એણે પોતાના બીજા કુતુહલ બાબત પણ ફરી અડધિયો પ્રશ્ન કરી લીધો, "સાહેબ, આવી વરસાદી રાતે આ બગીચો, તમે…?"


સાહેબ હસી પડ્યો, "હા, એ લાલ માટી વરસાદ વહાવીને લઈ જાય એ પહેલાં જ ખાડો પૂરી, રોપા વાવીને ઈંટની વાડ કરી દીધી. મને માળી કામની ફાવટ છે. હવે પાણી પાઈશ કે હજી કોઈ સવાલ જવાબ બાકી છે?"


વિનોદ ક્ષોભ અનુભવવા લાગ્યો. એ હાથ જોડી બોલ્યો, "સોરી, સાહેબ." અને સાહેબ કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં જ પાણી લેવા ત્યાંથી રસોઈઘર તરફ જતો રહ્યો. આમ આ વાત પર પરદો પડી ગયો. 


તૃષ્ણા મેડમના દિલ્હી જવાના બરાબર બે  અઠવાડીયા બાદ મનોહર માથુર સાહેબના ધર્મપત્ની મમતા માથુર કોશીયાબાદ આવી પહોંચ્યા. એમના ધરે પહોંચ્યા બાદ તરત જ પતિ પત્ની વચ્ચે એક મોટો ઝઘડો થયો. જોકે આ ઝઘડાનો એકમાત્ર સાક્ષી વિનોદ હતો. એમના બંગલાની આડોશ પાડોશના ઘરો એમના મોટા કમ્પાઉન્ડને લીધે પ્રમાણમાં ખાસા દૂર હતા. વળી દિવસની વહેલી સવારનો સમય હતો એટલે ઝઘડાનો અવાજ ત્યાં સુધી પહોંચી શકે એમ પણ નહોતો. જોકે નિર્ધારીત ફરજ સમયે હાજર થયેલા વિનોદને અંદાજ આવી ગયો કે મોટી મેડમ સાહેબ સાથે રહેવા માટે નહીં પણ લડવા માટે આવ્યાં હશે. એ આ વખતે સાહેબની વ્યક્તિગત જિંદગીમાં ચંચુપાત કરવાને બદલે ચૂપચાપ ચા ઉકાળવા લાગ્યો. થોડીવારમાં જ લલિતના આવી જવા સાથે ન્યાયાધીશ મનોહર માથુર સાહેબ પોતાની ફરજ ચૂક્યા વગર ન્યાયાલય તરફ રવાના થઈ ગયા અને ઝઘડો અપૂર્ણ રહી જવા પામ્યો.


એ દિવસે એણે એના માલિકોના અંગત મામલા વિશે પૂછપરછ હાથ ધર્યા વગર જ મોટી મેડમ એટલે મમતા માથુરના આગમનનું કારણ જાણવા કલ્પનાના ઘોડા દોડાવવાનું પસંદ કર્યુ. એણે નાની મેડમ તૃષ્ણા માથુરની જેમ જ મોટી મેડમ પણ બંગલાના દરેકે દરેક ઓરડા, લોબી, પેસેજ તથા ધાબા ઉપરાંત વિશાળ કમ્પાઉન્ડનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી. આ વખતે પણ વિનોદ એની સાથે જ હતો. વિનોદ એને ત્યાં વસતા અલગ અલગ વૃક્ષો તથા છોડ વિશે રસપ્રદ માહિતી આપવા સાથે ગયો હતો. એ બંગલાની લગોલગ બનાવેલ સુંદર, નયનરમ્ય, વિવિધ રંગી ગુલાબના ઉદ્યાન પાસે રોકાઈ. વિનોદ આ ગુલાબ ગાર્ડન વિશે એને માહિતગાર કરી રહ્યો હતો. એણે જણાવ્યુ કે આ વિવિધ રંગી ગુલાબના રોપાઓ નાની મેડમ ખાસ દિલ્હીથી લાવી હતી અને સાહેબે એક અંધારી, તોફાની અને જળપ્રલય કહી શકાય એવી એ વરસાદની રાતે આ ગુલાબના બગીચાનું સર્જન કર્યુ હતું. 


મમતા માથુર બબડી, 'તદ્દન ભેજાગેબ, ઉંધ ખોપરી તથા ચસકેલ મગજનો માણસ છે, આ.' એ શું બડબડાટ કરી ગઈ એ વાત વિનોદને સમજાઈ નહીં પણ એણે બે ત્રણ વાતની ચૂપચાપ નોંધ લીધી. 


એક, મમતા માથુર એના સાહેબની ઉંમરની સરખામણીમાં ખૂબ યુવાન અને અતિશય સુંદર લલના હતી. બે, મોટી મેડમના માથુર સાહેબ સાથેના સંસાર વ્યવહાર સંબંધમાં સારાસારી કે મનમેળ અથવા સતત ઝઘડા કરતાં પતિ પત્નીઓ વચ્ચે પણ હોય એવા તાલમેલનો સદંતર અભાવ જણાતો હતો. ત્રણ, એ સાહેબને મળવા નહીં પણ કોઈ ખાસ મકસદ સાથે અહીં આવી હતી.


એ હવે બંગલાના કમ્પાઉન્ડની પાળીની બહાર તરફની જગ્યાઓનું અવલોકન કરવા ઝાંપો ખોલીને બહાર નીકળી. આ વખતે પણ વિનોદ સતત એની સાથે જ હતો. એ ચારે તરફ ફરી વળી પણ એને સંતોષ થાય એવી કોઈ ઇશારત હાથ લાગી નહોતી રહી એવી પ્રતીતિ વિનોદ કરી રહ્યો હતો.


સાંજે મનોહર માથુરના ઘરે આવ્યા બાદ ફરી એક વખત એ બંને વચ્ચે ચડભડ થઈ. સાંજે વિનોદના જવા બાદ એમની જીભાજોડી ચાલુ જ હતી. સતત ત્રણ દિવસના કંકાસ બાદ મમતા માથુર કોશીયાબાદ પોલીસ મુખ્યાલય પર પહોંચી ગઈ હતી. 


એણે મનોહર માથુર, ન્યાયાધીશ, ફોજદારી તથા ગુનેગારી ન્યાયાલય, કોશીયાબાદ, વિરુદ્ધ પોતાની પુત્રી કુમારી તૃષ્ણા મનોહર માથુરનું અપહરણ કરી, હત્યા કરી, હત્યાના પૂરાવાઓ નષ્ટ કરવાની સાથે મૃતદેહ ગાયબ કરવાની એમ વિવિધ ફરિયાદ સંગઠીત કરી એક એફ. આઇ. આર. નોંધાવવા અરજી કરી. પણ પોલીસ અધિકારીઓ કોઈ પણ પ્રકારના પૂરાવા વગર એક ન્યાયાધીશ સાહેબ સામે ફરિયાદ દાખલ કરવા તૈયાર ના થાય એ ખૂબ જ સામાન્ય બાબત હતી. એણે ઘણાં ધમપછાડા કર્યા પણ પોલીસ ટસની મસ ના થઈ. તદુપરાંત એની આ હરકતની માહિતી મનોહર માથુર સાહેબ પાસે પહોંચાડી દેવામાં આવી. એ રાત્રી એ બંનેએ કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર અબોલા સાથે કાઢી લીધી અને બીજા દિવસે સવારે મમતા માથુર કોશીયાબાદ છોડી નવી દિલ્હી જવા નીકળી ગઈ. 


એણે નવેસરથી એના પતિ મનોહર માથુર, ન્યાયાધીશ, ફોજદારી તથા ગુનેગારી ન્યાયાલય, કોશીયાબાદ, વિરુદ્ધ પોતાની પુત્રી કુમારી તૃષ્ણા મનોહર માથુરનું અપહરણ કરી, હત્યા કરી, હત્યાના પૂરાવાઓ નષ્ટ કરવાની સાથે મૃતદેહ ગાયબ કરવાના ચાર એકત્રિત ગુનાઓ હેઠળ એક એફ. આઇ. આર. નોંધાવવા દિલ્હી પોલીસને અરજી કરી. પણ અહીંના પોલીસ અધિકારીઓ સુધ્ધાં કોઈ પણ પ્રકારના પૂરાવા વગર એક ન્યાયાધીશ સાહેબ સામે ફરિયાદ દાખલ કરવા તૈયાર ના થયા. છેવટે એણે દિલ્હી રાજ્ય સરકાર પ્રશાસનના ગૃહપ્રધાનના કાર્યાલય પર પહોંચી પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સહ અનાસક્તિ વિશે હોબાળો મચાવી દીધો. તરત એ ઘટનાએ તહેલકો મચાવી દીધો. બ્રેકિંગ ન્યૂઝ માટે ટળવળતા અખબારી આલમ માટે આંકડે મધ જેવો ઘાટ ઘડાઈ ગયો. 


બીજા દિવસના સમાચાર પત્રોમાં આ ખબર વિવિધ મથાળાં હેઠળ છપાઈ, છવાઈ ગઈ હતી;


  • ન્યાયાધીશનો ન્યાય કોણ કરશે?

  • ન્યાય તોળતા ન્યાયાધીશનો ન્યાય થવો જ જોઈએ.

  • વાડ ચીભડાં ગળે એવો કળિયુગ.

  • ન્યાયનો રક્ષક ભક્ષક બની ગયો?

  • ન્યાયાધીશ આરોપીના કઠેડામાં?

  • હત્યારાઓને સજા આપનાર પોતે જ હત્યારો?

  • ન્યાયના દેવતાની આડમાં દૈત્ય?

  • અસુર બાપ એ પણ ન્યાયાધીશ!


આવા સમાચાર વાંચી નાગરિકો પણ બેબાકળા થવા લાગ્યાં. એક ગુનેગાર ન્યાયાધીશની ધરપકડ માટે અનેક એન. જી. ઓ. મેદાનમાં આવી ગયા. જનમત આક્રોશ બની ગયો. એ ક્રોધાગ્નિ અરણ્યના દાવાનળ સમાન શાપિત સાબિત થઈ રહ્યો હતો. છેવટે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી ત્યારે કોશીયાબાદ પોલીસ મુખ્યાલય તરફથી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી.


ન્યાયાધીશ મનોહર માથુર સાહેબ એકદમ સ્વસ્થ તથા તટસ્થ રહીને નિષ્પક્ષપાતી વલણ અખત્યાર કરી દરેક તપાસને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. એના બયાન અનુસાર એમની દિકરી તૃષ્ણા માથુર એને મળવા સાત ઑગસ્ટના સવારે કોશીયાબાદ આવી હતી. એ ફક્ત એક રાત એની સાથે રોકાઈ હતી. એને અચાનક કોઈ કામ યાદ આવી જતાં એ આઠ ઑગસ્ટની વહેલી સવારે પાછી પણ જતી રહી હતી. એ ત્યાંથી પાછી દિલ્હી ગઈ કે બીજે કશે, એ બાબતમાં એમની વચ્ચે કોઈ સ્પષ્ટ વાત થઈ નહોતી.


ત્યારબાદ, બાવીસ ઑગસ્ટના એની પત્ની મમતા માથુરે કોશીયાબાદ આવીને એને જાણ કરી કે એમની પુત્રી તૃષ્ણા માથુર કોશીયાબાદ આવી ત્યારથી એનો મોબાઈલ ફોન સંપર્ક ક્ષેત્રથી બહાર જ હતો. એ પંદર ઑગસ્ટના દિવસ પહેલાં એની દીવાની અદાલતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે હાજર રહેવાની હતી પણ એ પહોંચી જ નહીં. એટલે એની માતા સીધી કોશીયાબાદ આવી ગઈ અને એની પર પગ માથા વગરના આરોપ કરવા લાગી હતી. તૃષ્ણા એની પણ દીકરી હતી અને એને પણ એટલી જ ચિંતા જ હતી.


દિલ્હી પોલીસ તરફથી ખાસ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ માટે કોશીયાબાદ મોકલવામાં આવી પણ એમણે પણ ન્યાયાધીશ મનોહર માથુર સાહેબનું શબ્દશ: બયાન નોંધી પાછી ગઈ. બીજી તરફ જનતા ઉગ્ર બની, ગુનેગાર ન્યાયાધીશ સાહેબને છાવરતી પોલીસ પર માછલાં ધોવાંની એક પણ તક છોડતી નહોતી. ચોતરફથી દબાણ વધી રહ્યું હતું પણ પોલીસ પાસે એક માતા પોતાની પુત્રીના કાલ્પનિક અપહરણ અને કાલ્પનિક ખૂન (સબળ પૂરાવા વગર) માટે પોતાના પતિ અને એની એ જ પુત્રીના પિતા સામેની ફરિયાદ સિવાય અન્ય કોઈ હાથવગું સબબ નહોતું. કોકડું પેચીદું બની ગૂંચવાઈ ગયુ હતું.


ન્યાયાધીશ સાહેબ પોતાના રોજિંદા કામકાજ પ્રત્યે સમર્પિત રીતે કામકાજ કરતા હતા. હવે એમના નિવૃતિ કાળના અંતિમ ત્રણ માહ બચ્યા હતાં. જોકે એમની પચીસ વર્ષની યુવાન પુત્રી, તૃષ્ણા જે જૂની દિલ્હી ખાતે દીવાની અદાલતમાં ન્યાયાલય કારકુન હતી એની ભાળ મળતી નહોતી. પોલીસ વિભાગના ઇન્ડિયન પિનલ કોડ અનુસાર કોઈ વ્યક્તિ ગાયબ થઈ જાય અને એની લાશ અથવા એના મૃતદેહનો કોઈ મહત્વનો ભાગ મળે નહીં તો એને સાત વર્ષ સુધી મૃત ઘોષીત કરી શકાય નહીં. ટૂંકમાં સાત વર્ષ સુધી એના જીવિત મળવાની અથવા પાછાં ફરવાની રાહ જોવી જ પડે. આમ કુલ સાત વર્ષ સુધી એ વ્યક્તિને ખોવાયેલ રજીસ્ટ્રરમાં નોંધાઈ, ગોંધાઈ રહેવું આવશ્યક હોય છે.


એક દિવસ મનોહર માથુર સાહેબના આશ્ચર્ય વચ્ચે એમની પત્ની મમતા માથુર ફરી કોશીયાબાદ આવી. આ વખતે એમનો વફાદાર ધરનોકર માંગીલાલ માધોજી પણ ઘરના સદસ્ય તરીકે એની સાથે જ આવ્યો હતો. એ બંને ન્યાયાધીશ સાહેબ સાથે રહેવા લાગ્યા. જોકે આશ્ચર્યજનક બાબત એ હતી કે આ વખતે મમતા માથુર અહીં ઝઘડો કરવા નહોતી આવી. એનો વ્યવહાર એના પતિ સાથે મમતાળુ બની રહ્યો હતો. 


મનોહર માથુર સાહેબને સમજતા વાર ના લાગી કે એમની પુત્રી તૃષ્ણા, એની જિંદગીની તૃષ્ણા તૃપ્ત કરવા હાજર નહોતી એટલે એ પોતાની સાથે મમતાળુ બની રહી હતી. ભરયુવાનીમાં, જ્યારે એને પોતાની પત્નીના સંગાથની અત્યંત ઉત્કૃષ્ટ આવશ્યકતા હતી, એ વખતે પણ પોતાની પત્ની એની સાથે ક્યારેય આ રીતે રહી નહોતી. એ મહેમાનની જેમ આવી, મહેમાનની જેમ રહી, મહેમાનની જેમ જતી રહેતી. કદાચ પુત્રીનો, ના કામ ના દામ, એવા ધોરણે પગાર બંધ થઈ જવાથી એ અહીં એના ઉચ્ચ પગાર તથા મસમોટા પેન્શનની લાલચમાં પતિ સાથે સંબંધ સુધારવા આવી હતી.


એ દંપતી મનોહર માથુર સાહેબના શયનખંડમાં તો એમનો વિશ્વાસુ ઘરનોકર માંગીલાલ માધોજી, મહેમાન શયનખંડમાં રાત્રી મુકામ કરતાં હતાં. એ ભલે બંગલામાં મહેમાન તરીકે રહેતો પણ એની વિનોદ સાથે દોસ્તી જામી ગઈ હતી. વિનોદને પૂરા પગાર સાથે મફતમાં એક સહાયક મળી ગયો હતો જે એનું સિત્તેર ટકા કામ કરી આપતો હતો. જોકે મનોહર માથુર સાહેબને આ શયન વ્યવસ્થા ખૂબ ગમી ગઈ હતી. એમને ખાંડણી દસ્તાની રમત રમવાની અકલ્પ્ય સંધી પ્રાપ્ત થઈ ગઈ હતી. વળી સામો પક્ષ પણ આ વાતનો જરાય અણગમો વ્યક્ત ન કરતો હોવાથી એમની બેંતાલીસ કિલોમીટર લાંબી મેરેથોન દોડ એના અંતિમ ત્રીસ મીટર દરમ્યાન આનંદ પ્રાપ્તીનો બેજોડ અનુભવ કરી રહી હતી. એમની ઘણી બધી ફરિયાદો દૂર થઈ ગઈ હતી.


એક રાત્રીએ તૃપ્તીના ઓડકાર ખાતા માથુર સાહેબને મમતાએ અચાનક તૃષ્ણા વિશે પ્રશ્ન કર્યો, "માથુરજી, મને કોશીયાબાદ એટલું ગમવા લાગ્યું છે કે આપના નિવૃત થયા બાદ પણ આ બંગલો ખાલી કરી જવાનું નહીં જ ગમે. ઈશ્વર જાણે કોણ જાણે કેમ પણ તૃષ્ણા અહીંથી અચાનક ક્યાં જતી રહી હશે?"


માથુર સાહેબે એકદમ ઉત્સાહિત થઈ જવાબ આપ્યો, "એ તો ગુલાબના રોપાઓ આપી જતી રહી પણ એના ગુલાબનો બાગ હજી પણ સુગંધ ફેલાવે છે." આ વાત મમતાની છાતી સોંસરવી ઊતરી ગઈ હતી. માંગીલાલ પણ ત્યાં જ અટકતો હતો કે તૃષ્ણા હાજર હોવા છતાં ફક્ત લાલ માટી વહી જતી બચાવવા આ માણસ તોફાનમાં માળી કામ કેવી રીતે કરી શકે…!


બીજા દિવસે મનોહર માથુર સાહેબના ન્યાયાલય ગયા બાદ એમનો વિશ્વાસુ ઘરનોકર માંગીલાલ માધોજી કોશીયાબાદ પોલીસને તેડી લાવી એમની હાજરીમાં એ સુગંધીદાર ગુલાબના બગીચાને ખોદવા લાગ્યો. એની આંખોમાંથી અશ્રુધારા સતત વહેતી હતી. થોડુ ઉંડે જતાં કોહવાઈ ગયેલા મૃતદેહની દુર્ગંધ ફેલાવા લાગી. એ સાંજે મનોહર માથુર સાહેબ ઘરે આવ્યા તો પોલીસ અધિકારીઓ એમની રાહ જોઈને બેઠા હતા.


ન્યાયાધીશ મનોહર માથુર સાહેબ એકદમ સ્વસ્થ અને શાંત રહીને તૃષ્ણા માથુર સાહેબે તૃષ્ણા માથુરની હત્યા કરી એનો મૃતદેહ પીપળાના વૃક્ષના ખાડામાં દાટી ઉપર એના દ્વારા લાવેલ ગુલાબનો બગીચો બનાવવાનો અપરાધ કબૂલી લીધો, "વરસાદની એ રાત…"


એમને એમની જ અદાલતમાં આરોપી બનાવી કેસ ચાલ્યો. એમના પોતાના ન્યાયાલયે એક ન્યાયાધીશનો ન્યાય કરતાં ચૌદ વર્ષની અકઠોર જેલની સજા ફરમાવી. આ સમગ્ર ઘટના સમાચાર મીડિયા તથા સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહી. જોકે સ્થાન ભ્રષ્ટ ન્યાયાધીશ સાહેબે પોતાની પુત્રીની હત્યા કરવાનું કારણ ક્યારેય કોઈને જણાવ્યુ નહીં. હકીકત એના સિવાય ફક્ત મમતા માથુર અને માંગીલાલ માધોજી જ જાણતા હતાં.


સત્ય બાબત એ હતી કે કિશોરી મમતા એક મુગ્ધ પણ ખૂબ ગરીબ ઘરની કન્યા હતી. એ એના પાડોશી યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી. એને એ પાડોશી યુવક સાથે સંબંધ પણ હતા. એ પાડોશી યુવક તદ્દન અભણ અને નીચલા વર્ગનો હોવાથી એ કોઈ ગૌરવાન્વિત કામકાજ કરી શકે એમ નહોતો. એટલે એમણે એક યોજના બનાવી. એ મુજબ સુંદર મમતા માટે કોઈ આધેડ વયના સરકારી કર્મચારીનું માંગુ આવે તો સ્વીકારી લેવાનું નક્કી કરવામાં આવેલ.


એમની ગણતરીને સાચી ઠેરવી શકાય એમ વકીલાત કરતાં કરતાં સરકારી વકીલ બની ચૂકેલ મનોહર માથુરનું માંગુ મમતા માટે આવતાં એ પોતાની ઉંમર કરતાં લગભગ બમણી ઉંમરના મનોહર સાથે જલસા કરવા ખાતર પરણી ગઈ. એ સમયે એ અબુધ અને માસુમ હોવાથી એના આવા ઇરાદાપૂર્વકના ષડયંત્ર વિશે કોઈને પણ શક થયો નહીં. એ એને તનથી તો પરણી હતી પણ મનથી ક્યારેય એની પત્ની બની શકી નહીં.


અપરાધી મનોહર માથુરે એ વાત ક્યારેય કોઈને જણાવી નહીં કે લગ્ન બાદ એની નાદાન ઉંમરની પત્નીએ એનો મનથી પતિ તરીકે સ્વીકાર કર્યો જ નહીં. એ એની સાથે હોય ત્યારે પોતાનો પત્ની ધર્મ નીભાવતી પણ ક્યાંક કાંઈક ખૂટતું હતું.


વરસાદની એ રાત, તૃષ્ણાની એ અંતિમ રાત, એક નવો વળાંક લઈને આવી. થોડા દિવસ પહેલાં જ ન્યાયાધીશ મનોહર માથુર સાહેબનો મમતા સાથે ફોન કોલ પર મોટો ઝઘડો થયો હતો. એ સમયે આવેશમાં આવી જઈ મમતાએ એની સામે એક અકબંધ રહસ્ય છતું કરી દીધું હતું.


મનોહર માથુર લગ્નના થોડા વર્ષ બાદથી જાણતો હતો કે મમતા લગ્ન પૂર્વના એના પ્રેમીની યોજના અંતર્ગત એને પરણી હતી એટલે એને સંપૂર્ણ રીતે વરી નહોતી. પણ એ દિવસે મમતાએ એને જણાવી દિધું કે એનો પૂર્વ પ્રેમી એટલે એમનો વિશ્વાસુ ઘરનોકર માંગીલાલ માધોજી જ હતો. એ એની પ્રેમિકાના ઘરમાં ઘરનોકર તરીકે સમાઈને એની શેઠાણીને એની ઘરવાળી તરીકે બેરોકટોક માણતો હતો. આ વાત એક પતિના અભિમાનને એક અસહ્ય ઠેસ પહોંચાડી ગઈ. એના નાક નીચે એની પત્નીને કોઈ વર્ષોથી રાખે છે અને એને એની જાણ સુધ્ધાં ના થઈ! એની પત્નીએ એને દૂર રાખ્યો એ વાત એ સહન કરી ગયો પણ એની પત્ની આવા અકલ્પ્ય માધ્યમથી પોતાને છેતરી રહી હતી એ વાત સહન કરવી એના માટે અશક્ય હતી. 


એ ક્રોધિત થઈ એની વ્યભિચારિણી પત્નીને ગાળો આપવા લાગ્યો. એ ફોનના સામે છેડેથી અટ્ટહાસ્ય કરી રહી હતી. એ ગાળો આપીને થાક્યો એટલે એને ઉશ્કેરવા મમતાએ એની ઉપર વજ્રાઘાત કરી દીધો, "હજી સાંભળ, ડોસલા. આ તૃષ્ણાનો બાપ પણ માંગીલાલ જ છે. સાંભળે છે?" અને સામે છેડે ફોન મૂકાઈ ગયો. એના કાળજાનો ટૂકડો એવી તૃષ્ણા એની નફરતનો ભોગ બની ગઈ. એના કોશીયાબાદ આવવા પહેલાં એના પિતાએ પીપળો કઢાવી એના માટે કબર ખોદાવી, એને દાટવા માટી મંગાવી રાખી હતી. 


આમ છતાં પણ એનો માંહ્યલો એ નિર્દોષની હત્યા કરવા તૈયાર નહોતો થતો. પોતાના કાળજાના કટકાનું કાસળ કાઢવા ક્રોધિત થવા જેટલો કઠોર એ નહોતો. પણ વરસાદની એ રાત કયામતની રાત બની ગઈ હતી. એને ડર લાગ્યો કે મોકો અને માટી બંને વહી જશે તો તક હાથથી છટકી ના જવી જોઈએ. પોતાના ઘરના વ્યભિચારી વ્યક્તિઓને સજા આપવા આ એક જ રસ્તો હતો.


વરસાદની એ રાતે માથુર સાહેબે શરદીથી બચવા તૃષ્ણાને કફ સીરપ પીવા આપ્યુ. એ સીરપમાં એણે એક ગુનેગાર પાસેથી મેળવેલ હળાહળ ઝેર મિશ્રણ કરેલું હતું. બસ…


એનું માળીકામનું જ્ઞાન કામ આવી ગયું. અઢવઢ સાથે કરેલ હત્યા એને અપાર સંતોષ આપી ગઈ. એ જેલમાં પણ અત્યંત પ્રસન્ન હતો જ્યારે મમતા તથા માંગીલાલ સમાજમાં રહીને દોષિત જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. પોતાના ગુનેગારોને સજા આપી એણે અનોખી રીતે કર્યો, ન્યાયાધીશનો ન્યાય.


(સમાપ્ત.)


(કથાબીજ: આવા સમાચાર વાંચ્યા હોય એવું ધ્યાનમાં છે. જો એ સાચા હોય તો આ કથાને સત્યઘટના આધારિત કલ્પનાના રંગો ઉમેરી કાલ્પનિક નામ, સ્થળ અને ઘટનાઓ સાથે વણેલી રચના તરીકે માણવા લિનંતી. આભાર.)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ