વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગર્વથી કહો હું ગુજરાતી

માતૃભાષાની ગરિમા

“ગર્વથી કહો હું ગુજરાતી”

આપણે કેટલાં નસીબદાર છીએ કે ભારત જેવા દેશમાં આપણો જન્મ થયો. આપણાં અલગ અલગ પ્રાંતનાં લોકોની સંસ્કૃતિ, વેશભૂષા અને ભાતીગળ પ્રજાની ભાતીગળ માતૃભાષા પછી તે ગમે તે હોય. સંસ્કૃત, મરાઠી, હિન્દી, બંગાળી કે પછી ગુજરાતી. પોતાની માતૃભાષાનું જ્ઞાન દરેક મનુષ્યને હોવું જરૂરી છે પણ અફસોસ આપણે આપણી માતૃભાષાની ગરિમા જાળવી જ નથી શકતા અને એટલે જ આજે સવાલ એના અસ્તિત્વનો છે જો આપણી માતૃભાષા આપણી માતા હોય તો બીજી બધી ભાષાઓ આપણી માસીઓ છે. અફસોસ તો એ વાતનો છે કે આપણે અંગ્રેજીના ગુલામ થઈને બેઠાં છે. માન્યું કે આધુનિક યુગમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હોવું એક અનિવાર્ય અંગ બની ગયું છે પણ આ પરપ્રાંતીય ભાષાની પકડ એટલી તો મજબૂત થઈ ગઈ છે કે આપણી જ માતૃભાષાનું અસ્તિત્વ નેસ્તોનાબૂત થવાની કતાર પર આવી ગયું છે.

દોસ્તો અહીંયાં મને એક સવાલ પૂછવાનું મન થાય છે કે જાપાન, ચીન, જર્મની જેવા દેશો જો પોતાની માતૃભાષાની આમન્યા જાળવતા હોય તો આપણે કેમ નહીં? હમણાં હમણાં આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણી માતૃભાષાની ગરિમા જાળવીને વિદેશમાં પણ હિન્દીમાં ભાષણ આપીને સભા ગજવી મૂકી છે એટલું જ નહીં દેશનાં અલગ અલગ પ્રાંતમાં જઈને એમની ભાષામાં ભાષણ કરીને આ ગજકેસરીએ દરેક હિંદુસ્તાનીના હ્રદયમાં જગ્યા મેળવી લીધી છે. જો મોદીજી આપણી માતૃભાષાની ગરિમા જાળવી શકતા હોય તો આપણને તો આપણી માતૃભાષા પર ગર્વ હોવો જ જોઈએ. અને સૌથી વધુ તો ગુજરાતી હોવાનો પણ લેવો જોઈએ કારણ આપણાં દેશનાં વડાપ્રધાન પણ ગુજરાતી જ છે.

દોસ્તો આપણી માતૃભાષાની હાલત હાલના શાશ્વત યુગમાં તો વધારે કફોડી છે, કારણ બે અલગ અલગ માતૃભાષા ધરાવતાં સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે સૌથી દયનીય સ્થિતિ એમનાં બાળકોની થાય છે. કારણ આ વર્ણસંકર બાળકોને ખબર જ હોતી નથી કે એમની માતૃભાષા કઈ? આટલું ઓછું હોય એમ આપણે એને અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ. જરા વિચારીને તો જુઓ સાહેબ કે આ બાળમાનસ પર કેટલી ભાષા શીખવાનો ભાર હશે? પરિણામ સ્વરૂપ આવું બાળક એકપણ ભાષામાં પોતાનું પ્રભુત્વ ધરાવી શકતું નથી અને અંગ્રેજી તરફ વળીને માત્ર અંગ્રેજીમાં જ વાત કરતું થઈ જાય છે. આમાં વાંક પણ આપણો છે આજે બાળગીતોની જગ્યા અંગ્રેજી પોએટ્રિએ(poetry) લઈ લીધી છે અને વૅકેશનમાં મામાનાં ઘરની મઝાને બદલે આપણે આપણાં બાળકોને સમર કેમ્પમાં(summer camp) મૂકતાં થઈ ગયા છીએ પરિણામે સંબંધોની આત્મીયતાનો અંત આવી ગયો છે. આપણાં દેશને ગાંધીજીએ અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત કર્યો પણ અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી આપણે જાતે જ મુક્ત થવું પડશે સાહેબ.

આજે મને મારા ગુજરાતી હોવાનો ખૂબ જ ગર્વ છે અને એટલે જ અહીં હું કહીશ કે,

“લંડન જઈશ, અમેરિકા જઈશ,

દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ,

બધાં ‘હલો હલો’ કહેશે પણ હું તો ‘કેમ છો?’ કહીશ.

‘કેમ છો?’માં પ્રેમ છે, ‘આવજો’માં ભાવ છે.

ગુજરાતી છું, ગુજરાતી રહીશ,

બધાં ‘હલો હલો’ કહેશે પણ હું તો ‘કેમ છો?’ કહીશ."

(અજ્ઞાત )

દોસ્તો ખરેખર આપણી આ ગુજરાતી ભાષાની ગરિમા તો જુઓ આપણે જતાંને પણ ‘bye’ નહીં પણ ‘આવજો’ કહીએ છીએ. ગુજરાતી એટલે,

ગુ = ગૂચવી નાખે એવાં

જ = જબ્બર ભેજાવાળાં

રા = રાજ કરે બધાં પર

તી = તીરંદાજ

ખરેખર દોસ્તો આપણી આ માતૃભાષામાં જે શબ્દોરૂપી ભંડોળ છે એનું જ્ઞાન આપણે જ આપણાં બાળકોને આપવું રહ્યું. આપણી આ માતૃભાષાની તાકાત જ છે કે આપણને અનેક મહાન લેખકો અને કવિઓ મળ્યાં. એમણે પણ પોતાની માતૃભાષામાં જ બધાં પુસ્તકો લખ્યાં, જો તેઓ અંગ્રેજી ભાષામાં લખવા જાત તો કદાચિત એની સુંદરતા નષ્ટ થઈ ગઈ હોત.

દોસ્તો મેં ઘણીવાર જોયું છે કે બે સમાન બોલી બોલનારા મિત્રો જ્યારે મળે છે ત્યારે તેઓ પોતાની માતૃભાષામાં જ વાતચીત કરતાં હોય છે માત્ર આપણે ગુજરાતીઓને જ પોતાની માતૃભાષામાં વાત કરવાની શરમ આવે છે. આપણે આપણી માતૃભાષાની આમન્યા જાળવ્યાં વગર અંગ્રેજીને જ આપણું સ્ટેટસ બનાવી દીધું છે.

દોસ્તો સૌથી મોટું ગૌરવ તો એ વાતનું હોવું જોઈએ કે આપણા મહાત્મા ગાંધી પણ ગુજરાતી જ હતાં અને દુનિયાભરમાં ગાજેલું સ્ટેચ્યું ઑફ યુનિટીવાળા સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી જ હતાં. ચાલો દોસ્તો આપણે આપણી માતૃભાષાનાં અસ્તિત્વને બચાવવાં માટે એક સંકલ્પ કરીએ કે આપણે આપણાં બાળકોને આપણી માતૃભાષા લખતાં અને વાંચતાં જરૂર શીખવશું અને બને ત્યાં સુધી ગુજરાતી ભાષાનો પ્રયોગ જ આપણાં રોજિંદા જીવનમાં કરશું. કદાચિત તો જ આપણે આપણી માતૃભાષાને બચાવી શકીશું....

જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ