વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટૂથપિક

         શનિવારની રાતના સાડા નવ થયા હતા. પી.એસ.આઈ. ધર્મેન્દ્ર ઘરે જવા નીકળવાના જ હતા ત્યાં એમની સામેના ટેબલ પરનો ટેલીફોન રણકવા લાગ્યો. કંટાળા સાથે એમણે રિસીવર ઉપાડયું અને વાત કરી. 
         "ઠીક છે અમે આવીએ છીએ. પણ ત્યાં સુધી લાશને કોઈને પકડવા નહીં દેતો." એમ કહી એમણે રિસીવર ક્રેડલ પર મૂક્યું અને તેઓ એકશન મોડમાં આવી ગયા. એમણે ટેબલ પરથી બુલેટની ચાવી હાથમાં લીધી અને હેડ કોન્સ્ટેબલ તરફ જોતા કહ્યું, "જયેશ, ચાલ સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ પર જવાનું છે."
         "પણ સાહેબ, બહાર વરસાદ પડી રહ્યો છે."
         પી.એસ.આઈ.ધર્મેન્દ્રએ ચાવી ટેબલ પર પડતી મૂકી અને પોલીસવાનના ડ્રાઈવરને બૂમ પાડી, "બંસીલાલ, ગાડી ચાલુ કરો."
         પછી એક કોન્સ્ટેબલને સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ પર શબવાહિની મોકલવાની સૂચના આપી તેઓ બે કોન્સ્ટેબલ સાથે વાનમાં ગોઠવાયા.  
         જયેશે પૂછ્યું, "શાનો કેસ છે સાહેબ ?"
         "એક રિક્ષાવાળાનો ફોન હતો. વરસાદને લીધે એ સ્પેશિયલ સવારી લઈને જતો હતો. યુવતીએ કહ્યા મુજબ એ સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ પાસે રિક્ષા લઈને ગયો. રિક્ષા ઊભી રહ્યા છતાં યુવતી ન ઊતરી એટલે એણે પાછળ ફરીને જોયું તો યુવતી ઊંધેલી હતી. તેથી એણે બૂમ પાડી છતાં એ ન ઊઠી. પછી એણે યુવતીને ઢંઢોળી જોઈ તો એ મરી ગઈ હતી."
         "સાહેબ, એ આકસ્મિક મૃત્યુ હશે કે પછી ખૂન ?"
         "આજકાલ યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થવાના ઘણા કિસ્સા બને છે એટલે કંઈ કહી ન શકાય. છતાં લાશ જોયા પછી ખબર પડે."
         દસ મિનિટ પછી એમની ગાડી સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષના મેઈન ગેટ પાસે ઊભી રહી. પી.એસ.આઈ.ધર્મેન્દ્ર રેઈનકોટ પહેરીને નીચે ઊતર્યા. એમણે જોયું કે મેઈન ગેટની સામે રિક્ષા ઊભી હતી અને એનાથી થોડે દૂર પાંચ-છ જણ છત્રી પકડીને ઊભા હતા.
         પી.એસ.આઈ.ધર્મેન્દ્રએ મોબાઈલની બેટરી ચાલુ કરી લાશનું નિરીક્ષણ કર્યું. યુવતીના મ્હોંની આસપાસ ફીણ હતું એ જોઈ હેડ કોન્સ્ટેબલ જયેશે કહ્યું, "સાહેબ, આને કોઈએ ઝેર આપ્યું છે અથવા એને ઝેરી સાપે દંશ માર્યો હશે એવું લાગે છે."
         "શબવાહિની આવે એટલે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દો." એવી જયેશને સૂચના આપ્યા પછી પી.એસ.આઈ. મેઈન ગેટ તરફ ગયા એટલે યુવતીના માતાપિતા એમની પાસે આવ્યા. 
         યુવતીના પિતાએ કહ્યું, "સાહેબ, મારું નામ અશોક છે અને આ અમારી દીકરી બેલા છે."
         "તો એ કયાં ગઈ હતી ?"
         યુવતીની માતા ચાંદનીબેને સાડીના પાલવથી આંસુ લુછતાં કહ્યું, "એ એની સહેલી દિપીકાની જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી."
         "કયાં હતી એ પાર્ટી ?"
         "રેલ્વે સ્ટેશન પાસે હોટેલ રાજ છે ત્યાં." અશોકભાઈએ જવાબ આપ્યો.
         પાછળ ઊભેલા લોકોમાંથી એક જણે આગળ આવતાં કહ્યું, "સાહેબ, હું વિપુલ. આ રિક્ષા મારી જ છે અને આ બેનને મેં હોટલ રાજ પાસેથી જ બેસાડયા હતા."
         "રિક્ષા અહીં ઊભી રહી એ પછી તેં રિક્ષામાંથી સાપ નીકળતા જોયો હતો ?"
         "ના, નથી જોયો સાહેબ."
         "લાશ લેવાય જાય પછી જોઈ લેજે."
         "હા સાહેબ, પણ પછી હું રિક્ષા લઈ જઈ શકું ને ?"
         "પણ તારો નંબર લખાવતો જજે અને જરૂર પડે તો પોલીસ સ્ટેશન આવવું પડશે."
         "આવી જઈશ સાહેબ."
         "અશોકભાઈ, તમારી છોકરીનું પાકીટ અમે તપાસ માટે લઈ જઈએ છીએ. કાલે સાંજે પોલીસ સ્ટેશન આવીને લઈ જજો."
                              *****
         પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું લખ્યું હતું કે યુવતીનું મૃત્યુ કાળોતરા(કોમન ક્રેટ) સાપના ઝેરથી થયું હતું. પણ શરીર પર કોઈ જગ્યાએ સાપના દંશનું નિશાન જોવા મળ્યું ન હતું. એ વાંચીને પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ રિપોર્ટ ટેબલ ઉપર મૂકયો અને ડૉક્ટરને ફોન કર્યો.
         "ડૉક્ટર સાહેબ, કાળોતરાનું ઝેર કેટલા સમયમાં અસર કરે છે ?"
         "દંશ લાગ્યા પછી વીસથી પચ્ચીસ મિનિટમાં મૃત્યુ થઈ જાય છે."
          "ઓહ ! અને એના લક્ષણો શું હોય છે ?"
         "મ્હોંમાંથી લાળ પડે, પેટમાં અસહ્ય દુઃખાવો થાય, લોહી ગંઠાવા લાગે અને શ્વાસ લેવામાં તકલીફ થાય." 
         "તો તો આજુબાજુમાં જે હોય તેને ખબર પડે જ ને ?"
         "ના, કાળોતરાનું ન્યુરોટોક્સિક ઝેર મગજના કોષો ઉપર તરત અસર કરે છે. એક તરફ લોહી ગંઠાવાને કારણે મગજને લોહી નથી મળતું અને મગજના કોષો નષ્ટ થવાને લીધે દર્દીને ઊંઘ આવી જાય છે. પછી ઊંઘમાં જ એનું મૃત્યુ થઈ જાય છે."
         "પણ રિપોર્ટમાં એવું લખ્યું છે કે યુવતીના શરીર ઉપર સાપના દંશનું નિશાન જોવા મળ્યું નથી."
         "કદાચ સાપે માથાના ભાગે દંશ માર્યો હોય એવું બની શકે. વાળને લીધે એ દંશ ન દેખાયો હોય અથવા કોઈએ એને ઝેર આપ્યું હોય એવુંય બને."
         "હા, એવું બની શકે." એમ કહી એમણે ફોન કટ કર્યો. પછી પેલી યુવતીના પર્સની ચેઈન ખોલીને પર્સ ઊંધું કર્યું. એ સાથે ત્રણેક હેર પીન, બે જેપીન, એક કાંસકો, બે જાતની લિપસ્ટિક, એક ટૂથપિક બોક્સ અને એક મોબાઈલ ટેબલ પર પડયા. પી.એસ.આઈ.એ મોબાઈલ હાથમાં લઈ ચાલુ કરી જોયો પણ એ લોક હતો. તેથી એમણે એક કોન્સ્ટેબલને ફોનનો લોક ખોલાવવા મોકલ્યો. 
         જયેશે કહ્યું, "સાહેબ, મને લાગે છે કે રિક્ષામાં સાપ ભરાય ગયો હશે અને એણે જ પેલી છોકરીને દંશ માર્યો હશે.
         "બની શકે. છતાં તપાસ તો કરવી પડશે. કદાચ કોઈએ ઝેર આપ્યું હોય તો ?" એમ કહી પી.એસ.આઈ. ધર્મેન્દ્ર આંખ બંધ કરીને વિચારવા લાગ્યા.
         એટલામાં એક કોન્સ્ટેબલ ત્યાં આવ્યો અને ટેબલ પરના ટૂથપિક બોક્સમાંથી એક ટૂથપિક લઈને દાંત ખોતરવા લાગ્યો. પછી બોલ્યો, "હાશ, હવે સારું લાગ્યું. નાસ્તો કર્યો ત્યારથી હેરાન થતો હતો."
         કોન્સ્ટેબલ બોલ્યો એટલે ધર્મેન્દ્રએ આંખ ખોલી. કોન્સ્ટેબલના હાથમાં ટૂથપિક જોઈ તેઓ મનોમન બોલ્યા, "તપાસ માટે આવેલ વસ્તુનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ એ આ લોકો કયારે સમજશે, કંઈ ગરબડ ન થાય તો સારું ?"
         પણ કોન્સ્ટેબલના શરીરમાં ગરબડ થવાનું ચાલુ થઈ ગયું હતું. થોડી વારમાં એના મ્હોંમાંથી લાળ પડવાનું અને એના પેટમાં ચૂંક આવવાની ચાલુ થઈ ગઈ. એ લક્ષણો જોઈ પી.એસ.આઈ. ધર્મેન્દ્ર એને તરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને એમણે ડૉક્ટરને એન્ટી વેનમ આપવા કહ્યું. પછી એમણે જયેશને ટૂથપિક બોક્સની ફોરેન્સીક તપાસ કરવા મોકલ્યો.
                               *****
         ત્રણ વાગે અશોકભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પૂછ્યું, "સાહેબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું ?"
         "મૃત્યુ ઝેરને લીધે થયું છે. કોઈએ ઝેર આપ્યું હોય એવું લાગે છે અને એ માટે હું તમારી જ રાહ જોતો હતો."
         "મારી દીકરી પત્રકાર હતી એટલે એના ઘણાં દુશ્મન હોય શકે."
         "તમને કોઈના પર શક છે ?"
         "ના શક તો નથી. પણ થોડા દિવસ પહેલાં બેલાએ વસીમ નામના બુટલેગરનો દારૂ પકડાવેલો એટલે એણે ધમકી આપેલી."
         "શું ધમકી આપેલી ?"
         "તારા લીધે બીજી વાર મારું નુકસાન થશે તો એનું પરિણામ સારું નહીં આવે."
         "અને બેલાની પર્સમાં ટૂથપિક બોક્સ હતું તો એ એણે તમારા માટે લીધું હતું કે ?"
         "ના, એના દાંત વાંકાચૂંકા હતા એટલે એ ટૂથપિક વાપરતી હતી."
         "અને આશુતોષ કોણ છે, બેલાએ મોબાઈલ પરથી છેલ્લે એની જોડે જ વાત કરેલી."
         "એની સાથે બેલાના લગ્ન થવાના હતા. એ આર્યુવેદ દવાની દુકાન ચલાવે છે. બેલા એની દુકાનેથી જ ટૂથપિક બોક્સ લેતી હતી."
         "ઠીક છે, એની પણ મુલાકાત લઈ લઈશું."
         "હવે હું બેલાનો મોબાઈલ લઈ જાઉં કે ?"
         "હા, લઈ જાઓ, પણ એમાંથી કશું ડિલેટ ન કરતા."
         અશોકભાઈ ગયા અને જયેશ ફોરેન્સીક રિપોર્ટ લઈને આવ્યો. રિપોર્ટ વાંચી પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ કહ્યું, "જયેશ, દરેક ટૂથપિક પર સાપનું ઝેર લગાડેલું હતું."
                                   *****
         પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ ખીસ્સામાંથી ગુલાબી રંગનું ટૂથપિક બોક્સ કાઢીને આશુતોષને બતાવતા પૂછ્યું, "આ બોક્સ તેં જ બેલાને આપેલું કે ?"
         આશુતોષે બોક્સ હાથમાં લઈને જોયું પછી તે બોલ્યો, "પણ આ બોક્સ મેં આપેલું તે નથી." 
         પછી આશુતોષે એક ખાનામાંથી ટૂથપિક બોક્સ કાઢીને પી.એસ.આઈ. ધર્મેન્દ્રને આપ્યું. એ બોક્સ ગુલાબી રંગનું જ હતું. પણ એનો રંગ ઘાટો હતો અને બેલાના પાકીટમાંથી મળેલું બોક્સ આછા ગુલાબી રંગનું હતું. એ જોઈ ધર્મેન્દ્રએ પૂછ્યું, "તને કોઈના પર શક છે."
         "શક તો નથી પણ કાલે સીરાજે બેલાને ધમકી આપેલી."
         "આ સીરાજ કોણ છે ?"
         "એ વસીમ બુટલેગરનો છોકરો છે અને એ અમારી જોડે જ ભણતો હતો."
         "છેલ્લે બેલાએ તારી જોડે જ વાત કરેલી તો તમારી વચ્ચે શું વાત થઈ હતી ?"
         "સીરાજ વિશે જ વાત થઈ હતી. સીરાજે એને જબરદસ્તી કરીને ગાડીમાં બેસાડી હતી અને પછી ધમકી આપી હતી કે તારે જીવતા રહેવું હોય તો અમારા ધંધાની આડે ન આવતી."
         "તારી પાસે એ સીરાજનો નંબર છે ?"
         "ના, એનો નંબર નથી."
         "ઠીક છે, એ તો હું શોધી લઈશ."
         પછી પી.એસ.આઈ. ધર્મેન્દ્ર દિપીકાના ઘરે ગયા. દિપીકાએ પણ સીરાજની ધમકીની વાત કહી. 
         "એ સિવાય કોઈ ધ્યાનમાં લેવા જેવી વાત છે."
         "હા બેલા ગભરાય ગઈ હતી એટલે સીરાજની ગાડીમાં એનું પર્સ ભૂલી ગઈ હતી. જે સીરાજનો માણસ આપવા આવ્યો હતો."
         "મતલબ સીરાજ પાસે પર્સમાંથી ટૂથપિક બોક્સ બદલવાનો સમય અને મોકો હતો. આ ખૂબ જ અગત્યની વાત છે."
         "પણ બેલા ટૂથપિક વાપરતી હતી એ સીરાજને ખબર હોય એવું મને લાગતું નથી."
         "એ તો એની ઊલટતપાસ કરીશ એટલે ખબર પડી જશે. પણ હોટલ રાજ પસંદ કરવાનું કોઈ કારણ છે કે પછી બીજી બાજુ જગ્યા ન મળેલી ?"
         "હોટલ રાજમાં કેશીયર તરીકે કામ કરનાર દિપક અમારો પડોશી છે. એણે બીલમાં રાહત કરી આપવાનું કહેલું એટલે અમે ત્યાં ગયા હતા."
         પછી પી.એસ.આઈ. ધર્મેન્દ્ર હોટલ રાજ તરફ ગયા. રસ્તામાં એમણે જયેશને સીરાજનો નંબર શોધીને એને પોલીસ સ્ટેશન બોલાવવાની સૂચના આપી.
         હોટલ રાજમાં નીચે રેસ્ટોરન્ટ હતી અને ઉપર રૂમ હતા. ધર્મેન્દ્રએ ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. પણ એમાં એમને કંઈ ધ્યાનમાં લેવા જેવી બાબત જોવા ન મળી. પછી એમણે શહેરમાં જે બે-ત્રણ જણ સાપ પકડતા હતા એમની પૂછપરછ કરી. પણ એ લોકો ઝેરી સાપ પકડાય તો એનું ઝેર કાઢતા ન હતા. ધર્મેન્દ્રએ એમ ધારેલું કે ઝેરનો સોર્સ મળે તો ખૂની સુધી પહોંચી શકાય. પણ એમાં એમને સફળતા ન મળી.
                                *****
         સીરાજે સાંજે સાત વાગે પોલીસ સ્ટેશન પહોંચીને પૂછ્યું, "બોલો ઈન્સ્પેક્ટર સાહેબ, મને શું કરવા બોલાવ્યો છે ?"
         "બેલાના ખૂન કેસમાં તારી પૂછપરછ કરવાની છે."
         "બેલાનું ખૂન થઈ ગયું ? ચાલો બલા ટળી."
         "વધારે ખુશ થવાની જરૂર નથી. અમને તારી પર શક છે."
         "સાહેબ, એ પત્રકારે ઘણા જોડે માથાપચ્ચી કરેલી એટલે કોઈએ એને પતાવી દીધી હશે."
         "પણ તારા સિવાય કોઈએ એને ઘમકી ન આપેલી એટલે તું જ શકમંદ છે અને છેલ્લે તું જ એની સાથે હતો."
         "મતલબ કાલે રાતે જ એનું ખૂન થઈ ગયું."
         "હા એટલે કાલે શું થયું હતું તે સાચેસાચું કહી દે નહીં તો મારે તને રિમાન્ડ પર લેવો પડશે."
         "સાહેબ, બેલાએ અમારું નુકસાન કરેલું એટલે હું એના ઉપર ધુંધવાયેલો હતો જ અને કાલે મેં એને સીટી બસ સ્ટેન્ડ પર ઊભેલી જોઈ એટલે મારા માણસો મોકલીને એને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી. પછી મેં એને પૈસાની ઓફર કરી પણ એ ન માની એટલે મેં એને ધમકી આપી હતી. પછી એને હોટલ રાજ પાસે ઊતારીને હું જતો રહ્યો હતો."
         "હવે હું કહું છે તે સાંભળ. બેલાનું મૃત્યું ઝેરવાળી ટૂથપિકથી દાંત ખોતરવાથી થયું છે. બેલા તારી ગાડીમાં એનું પર્સ ભૂલી ગઈ હતી એટલે તેં એના પર્સમાંનું ટૂથપિક બોક્સ બદલીને ઝેરવાળું ટૂથપિક બોકસ મૂકી દીધું હતું. આ વાત સાચી છે ને ?"
         એ સાંભળી સીરાજ હસવા લાગ્યો. પછી બોલ્યો, "સાહેબ, તમે વાર્તા સારી બનાવી કાઢો છો. પહેલી વાત એ કે બેલા ટૂથપિક વાપરે છે એ મને ખબર જ ન હતી અને મને કાલે બેલા મળશે એવું પણ હું કયાં જાણતો હતો ?"
         "તેં પહેલેથી બધી તપાસ કરી લીધી હશે અને બેલા પર્સ ભૂલી ગઈ એટલે તેં મોકાનો લાભ લઈ લીધો."
         "મારે એને મારવી હોત તો બોક્સ બદલવા જેવી માથાકૂટમાં પડવાની જરૂર જ ન હતી. મારા માણસો જ કાલે એને પતાવી દેતે. હું તો ખાલી એને ડરાવવા માંગતો હતો."
         "સારું તું જઈ શકે છે. પણ તું શકમંદમાં તો રહેશે જ."
         પછી સીરાજ ગયો એટલે હેડ કોન્સ્ટેબલ જયેશે કહ્યું, "ભલે એ ના પાડે પણ ટૂથપિક બોક્સ એણે જ બદલ્યું જ હશે."
         "પણ આપણી પાસે એનો કોઈ પુરાવો નથી અને નવાઈની વાત એ છે કે ટૂથપિક બોક્સ પર બેલા સિવાય બીજા કોઈના ફિંગર પ્રિન્ટ પણ નથી."
         "સાહેબ, રાજ હોટલની સામે એકસીસ બેંકનું એટીએમ છે. એના કેમેરામાં સીરાજની ગાડી દેખાય જ હશે."
         "હા, જો કેમેરો ચાલુ હોય તો જરૂર દેખાય હશે. કાલે તું જઈને એની પ્રિન્ટ કઢાવી લાવજે. જેથી એણે પર્સ કયારે મોકલાવ્યું એના પરથી ખ્યાલ આવી જશે."
         બીજા દિવસે એ પ્રિન્ટ જોયા પછી એમને નિરાશા જ સાંપડી. સીરાજની ગાડી ઊભી રહી પછી એ વરસાદમાં ભીના થયેલા બેક વ્યુ મિરર અને ફ્રન્ટ વ્યુ મિરર સાફ કરતો જોવા મળ્યો હતો. પછી તરત પાછળથી એક જણ બહાર નીકળ્યો અને હોટલ તરફ ગયો. એટલે સીરાજે ટૂથપિક બોક્સ બદલ્યું હોય એવી શકયતા નહીંવત લાગતી હતી. 
         "હવે શું કરીશું સાહેબ ?"
         "આજકાલ યુવાનોને મોબાઈલમાં સેલ્ફી લેવાનો શોખ હોય છે. તો હવે ડિનર પાર્ટીમાં બેલાના જે મિત્રો હતા એમણે પાડેલી સેલ્ફી ચેક કરી જોઈએ."
         પછી જયેશે દિપીકાને ફોન કર્યો અને પાર્ટીમાં આવેલ દરેક મિત્રને પોલીસ સ્ટેશને આવવાની જાણ કરવા કહ્યું. જયેશે બેલાના પપ્પાને પણ બેલાનો મોબાઈલ લઈને આવવા કહી દીધું.
         લગ્ન પછી દિપીકાનો પહેલો જન્મદિવસ હતો એટલે એણે પતિ વીરેન્દ્રને કહીને એક નાનકડી ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દિપીકાની પાંચ સહેલી સેજલ, જીજ્ઞા, આરતી, બેલા અને ગાયત્રી તેમજ વીરેન્દ્રના ત્રણ મિત્રો સતીષ, વિમલ અને અલ્પેશ આવ્યા હતા.
         પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ બધાના ફોનમાં સેલ્ફી ચેક કરી અને કેટલીક પૂછપરછ કરી એમને રવાના કર્યા.
         બધા ગયા બાદ જયેશે પૂછ્યું, "સાહેબ, કોઈ કડી મળી ?"
         "બેલા સૌથી છેલ્લે બેઠી હતી અને એણે એનું પર્સ ખુરશી સાથે ભેરવ્યું હતું. જેની પટ્ટી ઘણાં ફોટામાં જોવા મળી. પણ એક ફોટામાં એ પર્સની પટ્ટી ખુરશી પર દેખાતી ન હતી અને બેલાની સહેલીઓના કહ્યા મુજબ બેલાએ જમ્યા પછી જ પર્સ હાથમાં લીધું હતું."
         "મતલબ હોટલમાં જ કોઈએ પર્સ લઈને ટૂથપિક બોક્સ બદલ્યું હતું."
         "હા અને એ જાણવા માટે ફરીથી રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ જોવા પડશે."
                                *****
         સીસીટીવી ફૂટેજ ઝુમ કરીને જોયા પછી ખબર પડી કે બેલાનું પર્સ થોડી વાર માટે ગાયબ થયું હતું. બેલા જે ખુરશીમાં બેઠી હતી એની પાછળ એક પડદો હતો અને એ પડદા પાછળથી કોઈએ બેલાનું પર્સ લીધું હતું. 
         પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ રેસ્ટોરન્ટના માલિક ઉપેન્દ્રને પૂછ્યું, "એ પડદાની પાછળ શું છે ?"
         "પડદાની પાછળ સ્ટોર રૂમ છે. રસોડાનો સામાન ત્યાં મૂકીએ છીએ."
         "તો દરવાજાને બદલે ત્યાં પડદો કેમ લગાવ્યો છે ?"
         "પહેલાં ખાવાનું સર્વ કરવા માટે વેઈટર એ જગ્યાએથી આવ-જા કરતાં હતા. પછી કાઉન્ટર બનાવી દીધું એટલે ત્યાં પડદો લગાવીને એ તરફ ટેબલ ખુરશી મૂકી દીધાં."
         "હવે એ સ્ટોર રૂમમાં જવાનો રસ્તો કયાંથી છે ?"
         "રસોડામાંથી જઈ શકાય."
         "એ સિવાય બીજો કોઈ રસ્તો છે ?"
         "બહારથી આવી શકાય એવો એક દરવાજો છે, જયાંથી અમે સામાન સ્ટોર રૂમમાં લાવીએ છીએ. પણ એ દરવાજો અંદરથી બંધ રાખીએ છીએ."
         "એ દરવાજો કઈ તરફ ખુલે છે ?"
         "રેસ્ટોરન્ટની જમણી સાઈડમાં પાર્કિંગ છે એ તરફ દરવાજો ખુલે છે."
         પછી પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ સ્ટોર રૂમનું નિરીક્ષણ કર્યું. પડદાની આજુબાજુની જગ્યાએ એમણે ઝીણવટભરી તપાસ કરી તો ત્યાં એમને એક નાનું બટન મળ્યું. જે એમણે ખીસ્સામાં મૂકી દીધું. પછી એમણે રસોઈયા અને એના સાથીદારોની પૂછપરછ કરી. જોકે શનિવારની રાતે આઠથી નવના ગાળામાં કોઈ સ્ટોર રૂમ તરફ ગયું ન હતું. 
         હવે એ તો સ્પષ્ટ થઈ ગયું હતું કે સ્ટોર રૂમમાંથી જ કોઈએ ટૂથપિક બોક્સ બદલ્યું હતું. પણ એ કોણ હતું એ જાણવા પી.એસ.આઈ.ધર્મેન્દ્રએ બીજા દિવસે રસોડાના સ્ટાફને વારાફરતી પોલીસ સ્ટેશને બોલાવીને કડક પૂછપરછ કરી. પણ એમને કોઈ કડી ન મળી. કોઈએ પૈસાની લાલચે એ કામ કર્યું હોય એમ વિચારી દરેકના બેંક એકાઉન્ટ અને ખરીદી વિશે પણ એમણે તપાસ કરી. જોકે પરિણામ શૂન્ય આવ્યું. 
         પછી પી.એસ.આઈ. ધર્મેન્દ્ર એટીએમવાળી ફૂટેજ જોવા લાગ્યા. બેલા રેસ્ટોરન્ટની બહાર નીકળી પછી શું થયું તે તેઓ જોવા માંગતા હતા. ફૂટેજ લાંબી હતી એટલે એમણે ફાસ્ટ ફોરવર્ડ કર્યું. એ દરમિયાન એમની નજર એક વ્યકિત પર પડી જે પાર્કિંગ તરફથી ચાલતો રોડ તરફ આવી રહ્યો હતો. એ જોઈ એમણે રિવર્સ કરીને ફરીથી ફૂટેજ જોઈ. 
         એમાં એમણે જોયું કે એક વ્યકિત રેસ્ટોરન્ટમાંથી નીકળી પાર્કિંગ તરફ ગયો. પછી ત્યાંથી રસ્તા તરફ આવ્યો અને ડાબી તરફ ગયો. પંદરેક મિનિટ બાદ એ પાછો આવ્યો અને ફરીથી પાર્કિંગ તરફ ગયો. પછી પાછો રેસ્ટોરન્ટમાં જતો રહ્યો. પણ એનો ચહેરો છત્રી નીચે ઢંકાયેલો હતો એટલે વિડીયો ઝુમ કરવા છતાં પી.એસ.આઈ. ધર્મેન્દ્ર ચહેરો જોઈ ન શક્યા. જોકે એના હાથમાં રહેલી સાપ પકડવાની સ્ટીક તેઓ ઓળખી ગયા. 
         તેથી રેસ્ટોરન્ટમાં સાપ પકડવાનું કામ કરનાર કોણ છે એ જાણવા એમણે રેસ્ટોરન્ટના માલિકને ફોન કર્યો. નામ જાણ્યા પછી એમણે એ વ્યકિત વિશે બધી તપાસ કરી અને બીજા દિવસે સાપ પકડવાના બ્હાને એને પોલીસ સ્ટેશને બોલાવ્યો.
         એ વ્યકિત દિપક હતો. એણે આવતાની સાથે પૂછ્યું, "કયાં છે સાપ ?"
         "દિપક, સાપ તો જતો રહ્યો. પણ તું બેસ, તારી જોડે થોડીક વાત કરવાની છે."
         "હા સાહેબ બોલો." દિપકે ખુરશીમાં ગોઠવાતા કહ્યું.
         "તું હોટલમાં કેટલા સમયથી કામ કરે છે ?"
         "લગભગ એક વર્ષ જેવું થયું."
         "અને સાપ પકડવાનું કામ કયારથી કરે છે ?"
         "હું દસમામા આવ્યો ત્યારથી સાપ પકડું છું. પણ અમારી સોસાયટી સિવાય બીજે કયાંય જતો ન હતો. નોકરીએ લાગ્યા પછી આજુબાજુની હોટલમાં જ સાપ પકડવા જાઉં છું."
         "અને એક દિવસ તેં કાળોતરાનું ઝેર કાઢીને મૂકી રાખ્યું અને મોકો મળતા બેલાની ટૂથપિક પર લગાવી દીધું."
         એ સાંભળી દિપક ચોંકી ગયો. એણે પૂછ્યું, "એ વાતનો તમારી પાસે શું પુરાવો છે ?"
         "પુરાવા તરીકે છે તારા શર્ટનું બટન અને રસોડામાંનો એક કારીગર, જેણે તને સ્ટોર રૂમમાંથી બહાર નીકળતા જોયો હતો."
         "પણ હું તો પાર્કિંગ તરફના દરવાજાથી..." આટલું બોલ્યા પછી દિપકને ખ્યાલ આવ્યો કે એનાથી ભૂલ થઈ ગઈ છે એટલે એ અટકી ગયો.
         "સાચી વાત મ્હોંમાં આવી જ જાય છે. હવે એ પણ કહી દે કે તેં બેલાને શું કામ અને કેવી રીતે મારી હતી ?"
         છતાં દિપક ચૂપ જ રહ્યો એટલે પી.એસ.આઈ. ધર્મેન્દ્રએ એને એક થપ્પડ મારી અને કહ્યું, "બોલે છે કે પછી વધારે માર ખાવાનો વિચાર છે ?"
         પણ થપ્પડ પડતા જ દિપકે બોલવાનું ચાલુ કરી દીધું, "હું પણ સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષમાં જ રહેતો હતો. એ સમયે મેં બેલાને પ્રપોઝ કરેલું. પણ હું ખાસ દેખાવડો ન હતો એટલે એણે મને ના પાડી. હું નોકરીએ લાગ્યો પછી મેં એને લગ્ન વિશે પૂછ્યું. એ વખતે એણે મારા દેખાવની ઠેકડી ઉડાવી. તેથી મેં બીજી બાજુ મકાન લીધું તો મારી પડોશી દિપીકા એની સહેલી નીકળી. એક વાર અમારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અમે ભેગા થયા ત્યાં એણે મારી પાછી મજાક ઉડાવી એટલે મેં એને મારવાનું નક્કી કર્યું."
         "અને એ પ્લાનિંગ કેવી રીતે કર્યું ?"
         "દિપીકાએ ડિનર પાર્ટીની વાત કરી એટલે મેં ટૂથપિકમાં ઝેર લગાવીને બેલાને મારવાનું પ્લાનિંગ કર્યું. એ મુજબ મેં પડદા પાસેનું ટેબલ બુક કર્યું. જેથી એના પર્સમાંથી ટૂથપિક બોક્સ બદલી શકાય. એવો મોકો ન મળે તો એ કાઉન્ટર પાસે આવે ત્યારે ઝેરવાળી ટૂથપિક આપવાનું વિચારેલું. પણ બધું મારા ઘાર્યા મુજબ જ થયું. વળી, અઠવાડિયા પહેલાં જ મને કાળોતરાનું ઝેર મળી ગયું અને એ દિવસે બાજુની હોટલમાં સાપ જોવા મળ્યો એટલે બહાર નીકળવાનો મોકો પણ મળી ગયો. પછી પહેલેથી ખુલ્લા રાખેલા પાર્કિંગ તરફના દરવાજામાંથી હું સ્ટોર રૂમમાં ગયો અને બેલાના પર્સમાંથી મેં ટૂથપિક બોક્સ બદલી દીધું. પણ ઉતાવળમાં પાછા વળતી વખતે નજીકમાં મૂકેલી એક રેકમાં શર્ટ ભેરવાઈ ગયો અને એને લીધે બટન નીકળી ગયું તે મને ખબર ન પડી."
         "માણસ ગમે તેટલો ચાલાક હોય પણ એનાથી કોઈને કોઈ ભૂલ થઈ જ જાય છે."
                            *****

         સમાપ્ત 
         
         
         
         

         
         

         
         


         
         
         


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ