વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આપણે ક્યાં આવી ગયા?

આપણે વિકાસના નામે એટલા બધા વિકસિત થઇ ગયા કે આપણા પેલા જૂના જે મૂલ્યો હતા એ ભૂલી ગયા કાં તો એની સાથે આપણે બાંધછોડ કરી બેઠા છીએ. અત્યારે પેરેન્ટિગ પર બોલી શકે એવા એટલા બધા વક્તા વધી રહ્યા છે ત્યારે એક વિચાર વિચારવા પર આપણને મજબુર કરે છે કે એવું તો શું થ‌ઈ ગયું છેલ્લા અમુક વર્ષોમાં, એવો તો કેટલો વિકાસ કરી લીધો આપણે કે બાળ‌ઉછેર પર લોકોને સત્રો લેવા પડે છે. હાલના તબક્કે પણ આપણી આસપાસ કેટલાંય એવા યુગલો હશે જેમની વચ્ચે મનમેળ નહિ હોય, જેમનું લગ્ન જીવન તૂટેલું કે ક્ષતિગ્રસ્ત હોવા છતાં તેઓ સાથે હશે, હવે જરા વિચારીએ આવા યુગલના સંતાન કેવા હશે? 

એક માતાપિતા તરીકે જ્યારે સંતાન પાસેથી આપણી અપેક્ષાઓ વધી જાય છે ત્યારે બાળ ઉછેર પર કોઈ વક્તાને કાર્યક્રમ ગોઠવવા પડે છે. બા-દાદાના સમયમાં જ્યારે બધા સંપીને રહેતા ત્યારે એકબીજાની સૂઝ કે સમજણના કારણે બાળકનો ઉછેર શ્રેષ્ઠ રીતે થતો, પછી જેમ જેમ પરીવાર નોખા પડતાં ગયા અને માતાપિતા બંને નોકરી કરતા થઈ ગયા, આધુનિકતા દરેક ક્ષેત્રની સાથે આપણા વિચારોમાં પ્રવેશી ગઈ અને વ્યસ્તતાના નામે જ્યારે આપણે બાળકનું બેબી સિટિંગ કરાવા લાગ્યા ત્યારે બાળ ઉછેર પર કાર્યક્રમો કરવાની જરૂરિયાત ઉભી થઇ. આપણે એ ભૂલી ગયા કે પૈસા આપીને જે બેબી સિટિગ કરાવીએ છીએ એ આપણા બાળકમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન નહિ કરી શકે. શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન માટે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એને એવું વાતાવરણ પૂરું પાડવું પડશે અને સાથે સાથે આપણને જેવું બાળક જોઈતું હશે એવું વાતાવરણ ઊભું કરવું પડશે અને એમાં રહેવું પડશે, પણ આપણે એ ચૂકી જ‌ઈએ છીએ ત્યારે બાળકનો ઉછેર કેવી રીતે કરવો એના પર વક્તવ્યો રાખવાની જરૂર પડે છે. 

આપણે આપણી સફળતાની પરિભાષા અને પ્રેરક વક્તાઓ દ્વારા અપાતી સફળતાની પરિભાષામાં એટલા બધા અંજાઇ જ‌ઈએ છીએ કે આપણે સફળતા સિવાય બીજું કશું જ વિચારી નથી શકતા પણ સફળતાથી ઉપર જો કંઈ છે તો એ નિષ્ફળતા છે, કારણ કે દરેક સફળતા નિષ્ફળતા પછી જ મળે છે પણ કરુણતા એ છે કે આપણે નિષ્ફળતાને ભૂલી જ‌ઈએ છીએ અને ફક્ત સફળતાને મગજમાં ઠસોઠસ ભરી રાખીએ છીએ, આપણે આપણા બાળકોને નિષ્ફળતા સામે કેવી રીતે ટકી શકાય એ શીખવાડવાનું ભૂલી ગયા ત્યારે આ બાળ ઉછેર કેન્દ્ર કે એના કાર્યક્રમ ગોઠવવાની જરૂર પડી. ખરેખર તો આપણે બાળ ઉછેર મોડો કરીએ છીએ, બાળ ઉછેર માનાં ગર્ભમાંથી જ શરૂ થઈ જવો જોઈએ પણ આપણે એના લાલન-પાલન અને ભરણ-પોષણ અને સંસ્કારને બાળ ઉછેર કહીએ છીએ પણ હકીકતમાં તો સંસ્કાર આપવાનું કામ માનાં ગર્ભમાંથી શરૂ થઈ જાય છે. અત્યારે આધુનિક સમયમાં, મોબાઈલ યુગમાં ગર્ભાવસ્થા દરમિયાન જેમણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કર્યો હોય તો એને ગર્ભમાંથી જ કેવા સંસ્કાર મળે અને ત્યાં એનો ઉછેર કેવો થાય? પછી આપણે બાળ ઉછેર કે વાલીપણા(Parenting) પર કાર્યક્રમોનું આયોજન કરીએ તો એનો કોઈ અર્થ રહે ખરો? 

પરિવાર કોને કહેવાય? પરિવાર શાથી બને છે? બા-દાદા અને દીકરો-વહુ હોય તો પરિવાર બની જાય છે? આટલા લોકો એક જ ઘરમાં રહેતા હોય તો પણ ઘરના વડીલ એવું કહેતા હોય છે કે ઈશ્વર શેર-માટીની ખોટ પૂરી કરી દે તો એમનો આભાર! દીકરાને ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી દે તો એમનો આભાર! આ બધાનો મતલબ શું થયો? સંતાન હોવાથી જ પરિવાર સંપન્ન થાય છે! જે ઘરમાં પારણું નથી બંધાતું એ પરિવાર, પરિવારની પરિભાષામાં આવતા થોડુંક રહી જાય છે. જે સંતાન પ્રાપ્તિ માટે આપણે પથ્થર એટલા દેવની પૂજા કરીએ છીએ તો પછી એ સંતાન આવતા પછી આપણને પેરેન્ટિંગ સેશન્સની જરૂર કેમ પડે છે? બાળક અને માતા-પિતા વચ્ચે પારસ્પરિક સંબંધ છે અને તેમ છતા આપણે એ સમજી નથી શકતા કે એક યુગલ તરીકે સંબંધમાં જો તકરાર કે મનભેદ હશે અને આપણા સંતાનોની હાજરીમાં લડીશું-ઝઘડીશુ તો એની અસર એમના માનસપટ પર પડે છે અને ધીરે ધીરે ક્યારે આપણે એમની નફરતનું કારણ બની જ‌ઈએ છીએ એ આપણને ખબર નથી રહેતી. આપણા બાળકોને સ્વસ્થ બાળપણ ન મળવા કે આપવા બદલ ક્યાંક આપણે તો જવાબદાર નથી ને એ જોવું અવશ્ય રહ્યું. સંતાનોની હાજરીમાં જે રીતે આપણે વર્તન કે વ્યવહાર કરીશું એની અસર પણ સંતાનના માનસ પર પડે છે અને ઘરનું વાતાવરણ જોતા, અવલોકન કરતાં અને રહેતા એનામાં ચોક્કસ પ્રકારની માનસિકતા વિકસે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ