વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હે, રામ!


૧લી ઓકટોબર, રાત્રિના ૧૨  વાગ્યાના સમયે દૂરથી શહેરની સાંકડી ગલીઓમાંથી એક પોતડીવાળો, સુકલકડી ડોસો, બાપ જેમ દીકરાની સામે અપેક્ષાભરી નજરે જોતો હોય તેમ ઝીણી નજરે શહેરને તાકતો-તાકતો , લાકડીના ટેકે, ધીરે-ધીરે સુરજ ઉગવાની દિશા તરફ આગળ વધી રહ્યો હતો. તેને હજુ ઘણી લાંબી મજલ કાપવાની હતી એ તે સારી પેઠે જાણતો હતો.


        સવારના સાડા ચાર થતા જ આજે શહેર ધમધમવા લાગ્યું. બધાં નેતાઓના ઘરે ફૂલ-હાર, ખાદીનો નવો છતાં સળવાળો ડ્રેસ, ટોપી તથા પોતડી આવી ચૂક્યાં હતાં. બધાને પોતાની આજની કાર્યસૂચિ મળી ગઈ હતી.તેમણે બોલવાના ભાષણોને તેમના સુસેક્રેટરીઓ આખરી ઓપ આપી રહ્યાં હતાં. ઇન્ટરનેશનલ સાબુથી સ્નાન કર્યા બાદ સુગંધી શરીર પર નવા આવરણની જેમ ખાદી ચડી રહી હતી. પેલો ડોસો બધાં નેતાઓને ઘરે કંઈક સંદેશ આપવા લાકડી લઈને હોંશભેર ગયો. પણ .....બધેથી તેને હડધૂત કરીને કાઢી મુકવામાં આવ્યો.


           આ બાજુ ગાંધીજીના તમામ પૂતળાઓને આજે જ સાફ કરવામાં આવ્યાં હતાં. સૂતરની આંટી અને ફૂલોની માળાની ઘૂંટી વચ્ચે ગાંધીજીના પૂતળાઓ દીપી રહ્યાં હતાં. એવામાં એક પૂર્વનિયોજિત સરઘસ આવી પહોંચ્યું. " ગાંધીજી અમર રહો", " બાપુની જય હો" જેવા સૂત્રોચ્ચાર સાથોસાથ તેમની યંત્રવત ચાલ સાથે આગળ વધી રહ્યું હતું.મોટાભાગની આંખો ઘડિયાળના કાંટા પર રમી રહી હતી. રાષ્ટ્રગીતનો જે ઢાળ છે તેના કરતા વધુ ઝડપથી અને ઓછાં ઝનૂનથી તે ગવાઈ રહ્યું હતું. પેલો ડોસો ધક્કામુક્કી વચ્ચે માંડ-માંડ પોતાનું સંતુલન જાળવીને ઉભો હતો. આંખમાંથી અશ્રુઓ વહી રહ્યાં હતા. તેને જોવાનો અને જોઈ જવાય તો તે લૂછવાના સમયના અભાવે તેને રડતો મૂકી દેવામાં આવ્યો. 


       આ શહેરની શાળાઓ કે જેના વર્ગખંડોમાં દેશનું ભાવિ ઘડાતું હોય છે ત્યાં ઉતાવળે પગલે ડોસો હરખાતો-હરખાતો પહોંચ્યો . " આજે તો શેનીક રજા છે", એક વ્યક્તિના મોઢેથી સાંભળીને ડોસાની લાકડી પડી ગઈ. 


         આખા શહેરમાં તે નિસાસા નાખતો ફરી વળ્યો. હવે તેને ઘર યાદ આવ્યું હતું. 


       મ્યુઝીયમ્સમાં, આશ્રમોમાં અને કીર્તિમંદિરમાં ગાંધીજીની સાચવીને રાખેલી વસ્તુઓ સાચવવા રાખેલા પગારદાર માણસો સાફસફાઈ કરી રહ્યાં હતાં. કેટલાક નેતાઓના આ તકે સફાઈ કરતાં ફોટોગ્રાફસ કચકડે કંડારાઈ રહ્યાં હતાં. ડોસો અંદર જાય એ પહેલાં ઉપરથી કોઈકે તેના પર કચરાનો સુંડલો ઠલવ્યો અને પછી તેને એવા વેશે અંદર ના જવા દેવામાં આવ્યો.


      રાજઘાટ પર " વૈષ્ણવ જન તો તેને રે કહીએનું રિમિક્સ વાગી રહ્યું હતું. ગાંધીજીની આત્માને શાંતિ મળે તેવી વાતો, વચનો , પ્રવચનો થઈ રહ્યાં છે. મોબાઇલ્સ ગાંધી સંદેશથી ઉભરાઈ રહ્યાં હતાં. પેલો ડોસાને ગૂંગળામણ થઈ રહી હતી. ગાંધીજીના કપાળે તિલક કરવામાં આવી રહ્યું હતું. પેલા ડોસાને ધક્કા લાગતા તેના કપાળે ઘા પડયો. તે ઘામાંથી લોહી દડદડ વહી રહ્યું હતું  ગાંધીજીના પૂતળાને ખાદીની ઉપરણીઓ પહેરવાઈ રહી હતી. ભીડમાં પેલા ડોસાના કપડાં અને કાળજું ચિરાઈ રહ્યાં હતાં. અંદરની તરફથી ધક્કો લાગતા ડોસો બહાર તરફ પડ્યો અને મોઢામાંથી નીકળી ગયું- હે! રામ!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ