વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદની રાતે

        રાતના સમયે આસમાનમાં વીજળી વારેઘડીએ ચમકીને ધોધમાર વરસાદના એંધાણ આપી રહી હતી. ઈંધણા એકઠા કરવા જતાં માર્ગ ભૂલેલ આદિવાસી દંપતિ તેજ પવનના સપાટાથી બચવા સામે દેખાઈ રહેલી ગુફામાં ઝડપથી પ્રવેશી ગયું. અહીં આવવા માટે કરવા પડેલા પરિશ્રમને લીધે તેઓ ખરાબ રીતે હાંફી રહ્યા હતા. જોકે મેઘની બુંદો ધરતી પર પડતાં ઠંડી આકરી થઈ પડશે આ વિચારે પતિ જીવલો થાક ભૂલીને ગુફાની અંદર પડેલી સૂકી ડાળખીઓ શોધવાના કામે લાગી ગયો અને તેની પત્ની જીવલી સૂકું ઘાસ એકઠું કરીને તેની ઢગલી બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. ઈંધણા વીણવામાં વ્યસ્ત આ દંપતીની નજર ઓચિંતામાં ખીણની પેલી તરફ આવેલી મીરાંચિકાની ગુફા તરફ જતાં તેઓના પગ નીચેની ધરતી સરકી ગઈ.

        અંધકારથી ટેવાઇ ગયેલી તેઓની આંખોએ જોયું કે કાળો કોટ પહેરલ એક આધેડ વ્યક્તિ ટૉર્ચના ઝાંખા પ્રકાશમાં મીરાંચિકાની શ્રાપિત ગુફાની દિશામાં આગળ વધી રહ્યો હતો. જીવલાના ધ્યાનમાં આવ્યું કે આ તે જ આધેડ હતો કે જે બે દિવસ પહેલાં તેની પાસે મીરાંચિકાના તાજ વિષે પૂછપરછ કરી રહ્યો હતો. જોકે મીરાંચિકાની ગુફા શ્રાપિત હોવાથી ત્યાં નહીં જવાની પોતે તાકીદ આપ્યા હોવા છતાં એ જક્કી આધેડને અહીં ખાંખાંખોળા કરતાં જોઈ જીવલાને રોષમિશ્રિત આશ્ચર્ય થઈ રહ્યું. જો તે વ્યક્તિ મીરાંચિકાની ગુફામાં પ્રવેશી જશે તો વર્ષો જૂનો શ્રાપ ફરીથી જાગૃત થઈ જશે.

        અને પછી...

        આગળના પરિણામ વિષે વિચારતા જ જીવલા અને જીવલીના છાતીના પાટિયા બેસી ગયા. તેઓએ ઘબરાઈને આધેડને રોકવા બૂમ લગાવી પરંતુ વાદળોના ગડગડાટમાં તેમની પોકાર ત્યાંજ દબાઈ ગઈ. ‘મૃત્યુના મુખ સમી મીરાંચિકાની ગુફા તરફ આગળ વધી રહેલ આધેડને રોકવો કેવી રીતે?” આ અવગઢમાં બંનેજણા હતા ત્યાં ગાજવીજ સાથે સાંબલેધાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો. વરસાદની થપાટથી બચવા બંને જણા હવે ગુફાની અંદર દબાઈને આધેડને ત્યાંથી પાછા ફરવાની પોકાર આપી રહ્યા. પરંતુ એ નોખા માટીનો માનવી પોતાની ધૂનમાંજ આગળ વધી રહ્યો હતો. વરસાદના ઠંડા પાણીમાં શરીર ભીંજાવાને કારણે તેની કાયા થથરી રહી હતી. ચહેરા પર સરી આવતી પાણીની ધારા તેની દ્રષ્ટિને બાધારૂપ બની રહી હતી. પરંતુ આધેડને જાણે કશાની ફિકર ન હોય તેમ ચહેરા પર આવેલી પાણીની બુંદોને હાથ વડે લૂછી મંજિલ તરફ આગળ વધી રહ્યો હતો.

        ખીણની આ તરફ જીવલો અને જીવલી આગળ શું બને છે તે જોવા શ્વાસ થંભીને ઊભા રહ્યા. દૂરથી જ મીરાંચિકાની ગુફા દેખાઈ આવતાં આધેડ આનંદવિભોર થઈને દોડવા લાગ્યો. પરંતુ હજુ તે ગુફાના મુખ સુધી પહોંચ્યો જ હતો ત્યાં જીવલા અને જીવલીને જે વાતનો ડર હતો તે જ થયું. ઉત્સાહથી પગ ઉપાડી રહેલો આધેડ અચાનક છાતી પર હાથ દબાવીને પોતાની જગ્યાએ બેસી ગયો. બીજી જ ક્ષણે તીવ્ર પીડાને કારણે તે જમીન પર ફસડાઈને તરફડીયા ખાવા લાગ્યો. તેની આવી હાલત જોઈને જીવલો અને જીવલી બેબાકળા બનીને મદદની ગુહાર લગાવી રહ્યા પરંતુ નિર્જન એ વસાહતમાં તેઓની વિનવણીઓને કોણ સાંભળે?

        ભોંય પર તરફડી રહેલા આધેડની નજર જીવલા પર પડતાં તેણે હાથ વડે ઈશારો કર્યો. આ જોઈ જીવલો સહેજ ચમકી ગયો! કારણ તેણે કરેલો ઈશારો તેઓની આદિવાસી પ્રજાની સાંકેતિક ભાષા હતી. આધેડ દ્વારા કરવામાં આવતાં સંકેતને ઉકેલવાની કોશિશ કરી રહેતાં જીવલો મોટેથી બોલ્યો, “મારુ મૃત્યુ કુદરતી નથી પરંતુ મારી હત્યા કરવામાં આવી છે. મારા...”

        અશક્તિને કારણે આધેડનો હાથ ભોંય પર ઢળી પડ્યો. જીવલાએ ખીણની ચોમેર નજર ફેરવી જોઈ પરંતુ દૂરદૂર સુધી તેને કોઈ નજરે ચડ્યું નહીં! જો આધેડ સાથે કોઈ હાજર નહોતું ત્યારે તેની હત્યા કોઈ કેવી રીતે કરી શકે છે?”

        ઇશારા કરવા માટે અસમર્થ બનેલો આધેડ આંગળી વડે ખોતરીને જમીન પર કશુંક લખવાનો પ્રયત્ન કરી રહ્યો.

        “અજી, આમ અહીં ઊભા શું છો?”

        “જીવલી, સાંકેતિક ભાષામાં એ વ્યક્તિએ કોઇકે તેની હત્યા કરી હોવાનો મને સંદેશ આપ્યો છે.”

        તરફડિયાં ખાઈ રહેલ આધેડનો દેહ હવે નિસ્તેજ બની ગયો હતો.

        આ જોઈ જીવલી ઘબરાઈને બોલી, “તેનું કહેવું સાચું જ છે.”

        “મતલબ તું જાણે છે કે તેની હત્યા કોણે કરી છે?”

        “હા.”

        “કોણે?”

        “મિસરની રાણી મીરાંચિકાએ.”

        આ સાંભળી જીવલો સમગ્ર દેહે ધ્રુજી ઊઠયો.

        જીવલી આગળ બોલી રહી, “આ વ્યક્તિની મૃત્યુ મીરાંચિકાના શ્રાપને કારણે થઈ છે. જો આપણે પણ અહીં ઊભા રહીશું તો નક્કી તેના શ્રાપનો ભોગ બની જઈશું.”

        હવે ત્યાં એક ક્ષણ પણ રોકાવવામાં જીવનું જોખમ છે આ વાત ધ્યાનમાં આવતાં બંને જણા વરસાદની ફિકર છોડી ત્યાંથી નાસી છૂટયા.

ખીણની પેલી તરફ આધેડનો મૃતદેહ વરસાદમાં ભીંજાઇ રહ્યો. જાણે હત્યારાનો સાથી બની ગયો હોય તેમ આધેડના અંતિમવેળાએ લખેલા સંદેશની સાથે બીજા જરૂરી સબૂતને મિટાવવાના કામે વરસાદ પૂરજોશમાં લાગી ગયો હતો. અને આ વાતની મૂક સાક્ષી હતી; વરસાદની એ રાત...

******

                બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવા છતાંયે ખ્યાતનામ ડિટેક્ટિવ હરિપ્રશની ઓફિસનું વાતાવરણ ગરમાઈ રહ્યું હતું. તેમની સમક્ષ શહેરના પ્રખ્યાત એન્ટિક વસ્તુઓના વ્યાપારી જગમોહનનો એકનોએક દીકરો વ્યોમ અશ્રુભીની આંખે બેઠો હતો. વ્યોમની પડખે બેઠેલા તેના સસુર માધવનાથ સાંત્વનારૂપે વારેઘડીએ તેની પીઠ પર હાથ ફેરવી લેતા હતા. તોફાની બનેલા પવનના ઝાપટાઓથી બારીઓ ખખડી ઊઠતાં સેક્રેટરી વૈભવિ પોતાની જગ્યાએથી ઊઠી અને બારી વાસતા બોલી, “હરિપ્રશ સર, વરસાદની એ રાત આખા શહેરમાં ચર્ચાનો વિષય છે. સહુનું કહેવું છે કે મિસરની રાણી મીરાંચિકાનો તાજ શોધવા નીકળેલા શ્રી જગમોહન તેના શ્રાપનો ભોગ બન્યા છે.”

        “મીરાંચિકાના શ્રાપ વિષે સાંભળ્યું છે ત્યારથી મારે તેની વાર્તા સાંભળવાની તાલાવેલી લાગી છે.”

        “સર, એ વાર્તા નહીં પણ સત્ય હકીકત છે.”

        જાણે વૈભવિની વાતમાં હામી ભરતા હોય તેમ આસમાનમાં વાદળો ગરજી ઊઠયા.

        “જો હકીકત છે તો પછી મિસરની રાણીની કબર અહીંના જંગલોમાં કેવી રીતે આવી?”

        “સર, આ તે સમયની વાત છે જ્યારે ભારત દેશ પર બ્રિટનની રાણીનું શાસન હતું. તે કાળે આપણાં ક્રાંતિકારીઓ અંગ્રેજોની લૂંટફાટ કરી આપણાં દેશની સ્વદેશી વસ્તુઓ વિદેશમાં જતી અટકાવતાં હતા. ક્રાંતિકારીઓનું આવું જ એક સંગઠન નાના બળદેવની આગેવાની હેઠળ અંગ્રેજોની ટ્રેન લૂંટતા અને ત્યારબાદ લૂંટનો સામાન જંગલમાં આવેલી ગુફામાં જઈને છુપાવી દેતા. હવે ઇ.સ. 1930માં તેઓએ અજાણતામાં એક એવી ટ્રેન લૂંટી કે જેમાં બ્રિટિશ સરકારની સંશોધન ટીમ ઈજિપ્તમાંથી મળી આવેલી મીરાંચિકાની કબરને કોઈક સુરક્ષિત સ્થાને લઈ જતી હતી. નાના બળદેવને જ્યારે પોતાની ભૂલ વિષે જાણ થઈ ત્યારે તેઓએ કેટલાક વિશ્વાસુ સાથીઓની મદદથી મીરાંચિકાની કબરને ગુફાની અંદર આવેલા ગુપ્ત સ્થાને સંતાડી દીધી.”

        “પાછળથી એ ગુપ્ત સ્થાન વિષે બીજા ક્રાંતિકારીઓને જાણ થઈ જ હશે ને?”

        “ના.”

        “કેમ?”

        “લોકવાયકા પ્રમાણે મીરાંચિકાની કબરને નજરોનજર જોનારો આજદિન સુધી જીવતો બચ્યો નથી. આથી જ નાના બળદેવની સાથે તેઓનું સમગ્ર સંગઠન જંગલમાં જ મૃત્યુ પામી હરહંમેશ માટે ખોવાઈ ગયું.”

        “તારા કહેવાનો મતલબ જગમોહનજીનું મૃત્યુ મીરાંચિકાના શ્રાપને લીધે થયું છે?”

        “આ બધી નરી બકવાસ છે.” વ્યોમે ટેબલ પર મુઠ્ઠી પછાડતા કહ્યું, “મારા પિતાજી કોઈ શ્રાપનો ભોગ બન્યા નથી. મને સંપૂર્ણપણે ખાતરી છે કે તેમની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને નજરોનજર જોનાર આદિવાસી દંપતિને મારા પિતાજીએ પોતાની હત્યા થઈ હોવાનો સ્પષ્ટપણે સંદેશ આપ્યો હતો.”

        “મિસ્ટર વ્યોમ, તમે જે આદિવાસી દંપતિની વાત કરી રહ્યા છો તેઓ તાડીના વ્યસની છે. નશાની હાલતમાં આપેલી જુબાનીનું કોઈ મહત્વ હોતું નથી.”

        “આખરે મારા પિતાજીની હત્યા થઈ છે એમ માનવા તમે તૈયાર કેમ નથી?”

        “કારણ પોલીસની તપાસ કે પછી જગમોહનજીના પોસ્ટમાર્ટમ રિપોટમાં તેમની હત્યા થઈ હોય તેવા એકપણ ચિન્હ દેખાઈ આવ્યા નથી.”

        સેક્રેટરી વૈભવિએ કંઈક વિચારીને કહ્યું, “મિસ્ટર વ્યોમ, આદિવાસી દંપતિએ આખી ઘટના નજરોનજર જોઈ ત્યારે તેઓ તમારા પિતાજીની વ્હારે કેમ ન આવ્યા?”

        “કારણ તેઓ ખીણની પેલી તરફ આવેલી ગુફામાં હતા જ્યાંથી તેઓ ઘટનાને સ્પષ્ટપણે જોઈ તો શકતા હતાં પરંતુ ઘટનાસ્થળે પહોંચવું તેમના માટે અશક્ય હતું.”

        “મિસ્ટર વ્યોમ, તમને આ અજુગતું લાગી રહ્યું નથી?”

        “શું?”

        “અંધકાર અને ધોધમાર વરસાદની અડચણ વચ્ચે આદિવાસી દંપતિ આખી ઘટનાને સ્પષ્ટપણે કેવી રીતે જોઈ શક્યા?”

        ડિટેક્ટિવ હરિપ્રશે શાંતિથી કહ્યું, “વૈભવિ, આપણે શહેરી લોકો કોઈપણ પ્રવૃતિ માટે વિવિધ ડિવાઇસ પર આધાર રાખીએ છીએ. ખેરખર જોવા જતાં આ સુવિધાઓ જ આપણાં માટે દુવિધાઓ ખડી કરી દીધી છે. હવે જોને... આંતરીયાળ જંગલની અંદર કોઈપણ સુખસુવિધા વગર જીવતા આદિવાસીઓ દરેક કામ જાતે કરતાં હોવાથી તેઓની શારીરિક ઇન્દ્રિયો ખૂબ જ સચેત થઈ જાય છે. બસ આજ કારણે તેઓને પ્રકૃતિની કોઈ બાબત નડતરરૂપ બનતી નથી.”

        “પરંતુ જગમોહનજીની બાબતમાં શું? તેઓ સાંકેતિક ભાષામાં આદિવાસી દંપતી સાથે વાતચીત કેવી રીતે કરી શક્યા?”

        ક્યારના ચૂપ બેઠેલા માધવનાથજીએ કહ્યું, “કારણ એન્ટિક વસ્તુઓના શોધમાં જગમોહનજી જે દુર્ગમ જગ્યાઓએ જવાના હોય તેના વિષે ગહન અધ્યયન કરી રાખતા.”

        “આપ વ્યોમના સસુર છોને?”

        “હા.”

        “મેં સાંભળ્યું છે કે તમારી દીકરી માધવીએ દોઢ વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી.”

        માધવનાથજી ચૂપ રહ્યા.

        “એક પિતા તરીકે આ વાતનો તમને વ્યોમ અને તેના પરિવારજનો પર ગુસ્સો તો ઘણો આવ્યો હશે.”

        “જરાયે નહીં. મારા દીકરીની નાદાનીથી હું કોઈના પર શું કામ રોષે ભરાવું?”

        “મતલબ?”

        વ્યોમ રૂંધાયેલા સ્વરે બોલ્યો, “જી... મારુ અને માધવીનું લગ્નજીવન ઘણે સુખેથી ચાલતું હતું. પરંતુ દોઢ વર્ષ પહેલાં અમારા સુખી સંસારને જાણે કોઇની નજર લાગી ગઈ હોય તેમ એક નાનકડી તકરારથી રિસાઈને માધવીએ આપઘાત કરી લીધો હતો.”

        માધવનાથ આંખમાં આવેલા અશ્રુને લૂંછતાં બોલ્યા, “માધવીનો જિદી સ્વભાવ તેના માટે આમ પ્રાણઘાતક સાબિત થશે આ વાત મેં સ્વપ્નમાં પણ વિચારી નહોતી.”

        હરિપ્રશે વાત બદલવા કહ્યું, “માધવજી, તમે પણ જગમોહનજી જોડે પ્રાચીન વસ્તુઓની શોધમાં જતાં જ હશો ને?”

        “ના... મારા સસુરજીને પહેલેથીજ એન્ટિક વસ્તુઓમાં કોઈ રસ નથી.”

        માધવજીએ શાંત સ્વરે કહ્યું, “દુનિયામાં નવીનવી શોધખોળ થતી રહે છે ત્યારે જૂની વસ્તુઓને વળગી રહેવાની ઘેલછા મને હાસ્યાસ્પદ લાગે છે.”

        “મતલબ તમારા અને જગમોહનજીના વિચારોમાં મતભેદ હતા.”

        “હા પરંતુ આ કારણે અમારા વચ્ચે ક્યારે મનભેદ થયો નહીં.”

        “મારા પિતાજીનું કામ જ તેમની હત્યાનું કારણ બની ગયું છે.”

        “મિસ્ટર વ્યોમ, આ વાત તમે આટલા વિશ્વાસપૂર્વક કેવી રીતે કહી શકો છો?” ડિટેક્ટિવ હરિપ્રશે ટેબલ પર મૂકેલી પોલીસ રીપોટની ફાઈલના પૃષ્ઠોને ફેરવતા કહ્યું,

        “કારણ... મારા પિતાજીની સફળતા પર ઈર્ષા કરનારા ઘણા હતા.”

        હરિપ્રશે ફાઇલમાં જોતાં કહ્યું, “પોસ્ટમાર્ટમ રિપોટમાં તેઓના શરીર પરથી કોઈ ઇજાનું ચિન્હ મળી આવ્યું નથી. તમે ન જાણતા હોવ તો જાણી લો કે કેટલીકવાર સોય વડે ગળાની નસ પર નાનકડું પંકચર કરીને સામેવાળાની હત્યા કરી દેવામાં આવે છે. આવા કિસ્સામાં એ નાનકડું છિદ્ર પણ પોસ્ટપોર્ટમ રિપોટમાં ઉઘાડું પડી જતું હોય છે. જોકે તમારા પિતાજીના પોસ્ટમાર્ટમ રીપોટમાં આવું કશું જ નથી.”

        કંઈક વિચારીને વૈભવિએ કહ્યું, “સૌથી મુસીબતની વાત એ છે કે મુશળધાર વરસાદને કારણે ઘટનાસ્થળ પરના તમામ સબુત ધોવાઈ ગયા છે. પોલીસના કહેવા પ્રમાણે તમારા પિતાજીએ મરતા પહેલાં જમીન પર કશુંક લખ્યું હતું પરંતુ વરસાદના પાણીમાં તે પણ ધોવાઈ ગયું છે. વળી પોલીસને ઘટનાસ્થળેથી ખુદ જગમોહનજીના પગલાંના નિશાન મળી આવ્યા નથી ત્યારે હત્યારાના પગલાંની તો વાત જ કયાં કરવી?”

        “ગમે તે હોય પરંતુ મારી અંતરાત્મા કહી રહી છે કે મારા પિતાજીનું મૃત્યુ સ્વભાવિક નથી. જરૂર તેમના કોઈક દુશ્મને તેમનું કાસળ કાઢ્યું છે.”

        “કોણ છે એ?”

        “કોઈ એક હોય તો નામ બતાવું.”

        “કોઈ એકનું તો બતાવો.”

        “પ્રવીણલાલ.”

        “ઓહ! એના પર શંકા જવાનું કોઈ કારણ?”

        “પ્રવીણલાલ સ્વભાવે ખૂબ જ લુચ્ચો અને મતલબી છે. વર્ષો પહેલાં પ્રાચીન વસ્તુઓના બજારમાં તેનું એકહથ્થુ શાસન હતું. પરંતુ મારા પિતાજીના આવતાની સાથે તેનો ધંધો ચોપટ થઈ ગયો હતો. તેઓની બેનમૂન અને દુર્લભ ચીજવસ્તુઓ સામે પ્રવીણલાલની વસ્તુઓ કોડીઓના ભાવે વેચાવા લાગી હતી. ”

        આ સાંભળી હરિપ્રશ હસી પડ્યો.

        “આમાં હસવા જેવુ શું છે?”

        “મિસ્ટર વ્યોમ, આ કેસના બહાને તમે તમારા સૌથી મોટા હરિફ એવા પ્રવીણલાલને માર્ગમાંથી હટાવવાની ફિરાકમાં તો નથી ને?”

        “એવું જરાયે નથી.”

        “તો પછી શું છે? રીપોટ પ્રમાણે તમારા પિતાજીનું મૃત્યુ કુદરતી છે. વળી આખરી ઘડીએ તેમની સાથે કોઈ નહોતું આ વાત તમે પણ જાણો છો. આમ છતાં તમે તમારા પિતાજીની કુદરતી મૃત્યુને હત્યામાં ખપાવવા માંગો છો તેનો મારે શું અર્થ સમજવો?”

        “ડિટેક્ટિવ, તમે જો આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશો તો જરૂર કોઈક રહસ્ય તમારા હાથ લાગશે. મારા પિતાજી શરીરે ચુસ્ત તંદુરસ્ત અને નીડર હતા. આવા વ્યક્તિનું અચાનક મરી જવું તમને અજુગતું નથી લાગતું? શું કોઇની મૃત્યુ થાય તેવા સંજોગોને ઊભા કરવાને હત્યા ન કહેવાય?”

        “મિસ્ટર વ્યોમ, તમારી બધી વાત સાચી પરંતુ હું પણ શું કરું? સબુતોના અભાવે હું તપાસને આગળ કેવી રીતે વધારી શકું?”

        “જંગલની એ ગમાર પોલીસે અણઘડ રીતે તપાસ કરીને કેસની ફાઇલ બંધ કરી દીધી હોવાથી જ હું ખૂબ આશા લઈને તમારી પાસે આવ્યો છું.” વ્યોમે ગળગળા સ્વરે આગળ કહ્યું, “કૃપા કરીને મારા પિતાજીના હત્યારાને સજા અપાવો.”

        “મિસ્ટર વ્યોમ, ઠીક છે. હું આ કેસની તપાસ કરવા તૈયાર છું. જો તમારા પિતાજીની ખરેખર હત્યા થઈ હશે તો હત્યારો જલ્દી જ પોલીસની ગિરફતમાં હશે.”

        “થેંક્યું ડિટેક્ટિવજી. તમે આમ કહી મારા માથાનો અડધો બોજ હળવો કરી દીધો છે.” આમ કહી વ્યોમ અને માધવનાથ પોતાની જગ્યાએથી ઊઠયા અને ઓફિસની બહાર નીકળી ગયા.

        “વૈભવિ.”

        “યસ સર.”

        “કાલે સવારે આઠ વાગે આપણે મીરાંચિકાની ગુફા તરફ જવા રવાના થઈ જઈશું. આખરે મને પણ ખબર પડે કે હકીકતમાં એ રાતે શું થયું હતું.”

******

        બીજા દિવસે લાંબી મુસાફરી કરીને તેઓ મોડી સાંજ સુધીમાં મીરાંચિકાની ગુફા પાસે પહોંચી ગયા. અહીં મચ્છરોનો ઘણો ત્રાસ હતો. ડિટેક્ટિવ હરિપ્રશ અને સેક્રેટરી વૈભવિને આવીને હજુ માંડ પાંચ મિનિટ વીતી નહોતી ત્યાં તેઓના માથા પર મચ્છરોનું ઝુંડ બણબણવા લાગ્યું હતું. ડિટેક્ટિવ હરિપ્રશે ચોમેર નજર ફેરવતા તેઓને ખીણને પેલે પાર આવેલી બીજી ગુફા દેખાઈ આવી.

        “સર, મિસ્ટર વ્યોમનું કહેવું તદન સાચું હતું. એ ગુફા ભલે નજીક દેખાતી હોય પરંતુ વચ્ચે આવેલી ખીણને પાર કરી અહીં આવવું લગભગ અશક્ય છે.”

        હરિપ્રશે આસપાસનું નિરીક્ષણ ચાલુ રાખતા કહ્યું, “વૈભવિ, આપણને કોઈક એવો વ્યક્તિ જોઈએ જે અહીં વસતા આદિવાસીઓની અને આપણી ભાષાને સમજતો હોય.”

        “સર, દિનશોન નામનો એક આદિવાસી શહેરમાં મજદૂરી કરવા જતો આવતો હોવાથી આપણાં બંનેની ભાષાને ખૂબ સારી રીતે જાણે છે. તે સામેથી આપણને આ કેસમાં તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. મેં ઘરેથી નીકળવા પહેલાં તેને કોલ કર્યો હતો બસ થોડીવારમાં તે અહીં આવી પહોંચશે.”

        માથા પર ભમી રહેલા મચ્છરોના ઝુંડને હાથ વડે હટાવવાનો નિરર્થક પ્રયત્ન કરતાં ડિટેક્ટિવ હરિપ્રશે કહ્યું, “ખૂબ સરસ.”

        “સર, મને સો ટકા ખાતરી છે કે જગમોહનજીનું મૃત્યુ કુદરતી રીતે થયું છે.” વૈભવિ પણ માથા પર ભમી રહેલા મચ્છરોના ત્રાસથી પરેશાન હતી.

        “વૈભવિ, તું કદાચ જાણતી નથી પરંતુ વ્યોમ સાથેની મુલાકાત પહેલા મેં જગમોહનજી વિષે જરૂરી માહિતિ કઢાવી લીધી હતી. જગમોહનજીના ધંધામાં અનેકો હરીફ હોવાને લીધે તેમના દુશ્મનોની લિસ્ટ ઘણી લાંબી છે. એ જોતાં જ મને મનમાં શંકા થઈ હતી કે જરૂર તેમના મૃત્યુ પાછળ કોઈક ભેદ રહ્યો છે.”

        “તો પછી તમે વ્યોમને એવું કેમ કહ્યું કે તમને જગમોહનજીની મૃત્યુ કુદરતી લાગી રહી છે?”

        “વૈભવિ, સામેવાળાના મનની વાત કઢાવવાની હોય ત્યારે આપણાં મનની વાત તેને જણાવવા ન દેવું ઘણું અગત્યનું છે. ખેર, આપણે હવે આ જગ્યાનું નિરીક્ષણ કરીને કોઈક કામની વાત હાથ લાગે તેવો પ્રયત્ન કરવો જોઈએ.”

        તેઓ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જ રહ્યા હતા ત્યાં ડિટેક્ટિવ હરિપ્રશના કાન પર એક ભારે ભરખમ અવાજ અફળાયો, “નમસ્કાર સહોબ.”

        હરિપ્રશ આવેલ આંગતુંકના કસાયેલા દેહને આશ્ચર્યથી જોઈ રહ્યો. તેની નવાઈ વચ્ચે મચ્છરોનું ઝુંડ આગતુંકને જરાયે પરેશાન કરી રહ્યું નહોતું.

        વૈભવિએ કહ્યું, “સર, આ દિનશોન છે જે આપણને દુભાષીયાની ગરજ સારશે.”

        “દિનશોન, આ મચ્છરો ફક્ત અમારા માથા પર જે કેમ ભમી રહ્યા છે?”

        “સહોબ, અમે જંગલમાં રહેતા હોવાથી આ મચ્છરા અમારા મિત્રો બની ગયા છે.”

        “વાહ! તારી તો મજા છે. આ હિસાબે શહેરના મચ્છરો સાથે પણ તારી સારી એવી દોસ્તી થઈ ગઈ હશે.”

        ડિટેક્ટિવ હરિપ્રશની વાત સાંભળી દિનશોન હસી પડ્યો.

        “શહેરમાં શું કરે છે?”

        “સહોબ, ત્યાં હું છૂટક મજદૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવું છું.”

        “તારી જેમ બીજા આદિવાસીઓ શહેરમાં રૂપિયા કમાવવા કેમ જતાં નથી?”

        “સહોબ, તેઓ બધા જંગલ છોડીને બીજે કશે જવા રાજી નથી.”

        “એમ કેમ?”

        “તેમના કુળદેવતાનો એ આદેશ છે.”

        “તો તું તેમનો આદેશ કેમ માનતો નથી?”

        “સહોબ, હકીકતમાં અહીં રહેતા આદિવાસીઓને વર્ષો પહેલા હું જંગલના એક ખૂણે લાવારિસ હાલતમાં પડેલો મળી આવ્યો હતો.”

        આસમાનમાંથી ઝરમર વરસાદ શરૂ થઈ જવાને કારણે મચ્છરોનો કહર ધીમેધીમે ઓસરી રહ્યો હતો. ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી લીધા બાદ હરિપ્રશે નિરાશ વદને કહ્યું, “વરસાદને કારણે અહીં કોઈપણ સબૂત સાબૂત બચ્યા નથી. વળી પોલીસે જે તસવીરો પાડી હતી તેમાં પણ કોઈ ખાસ માહિતિ હાથ લાગી નથી.”

        “હવે આપણે શું કરીશું?”

        “જ્યારે સર્વશક્તિમાન કુદરત જ દુર્જનના પડખે જઈને બેઠી હોય ત્યારે આપણે પામર મનુષ્યો શું કરી શકવાના? છતાંયે અંતિમ પ્રયાસરૂપે આપણે એક વાત કરી શકીએ છીએ.”

        “શું?”

        થોડેક દૂર દેખાઈ રહેલી મીરાંચિકાની ગુફા તરફ આંગળી ચીંધતા ડિટેક્ટિવ હરિપ્રશે કહ્યું, “તેમાં પ્રવેશ.”

        હરિપ્રશની વાત સાંભળીને દિનશોન સર્વાંગે ધ્રુજી ઊઠયો, “સહોબ, તમારા મગજ તો ઠેકાણે છે? આ ગુફામાં પ્રવેશ કરનારા આજદિન સુધી જીવતા બચ્યા નથી.”

        “દિનશોન, કોઈપણ વાતને સમજવા તેના જડ સુધી પહોંચવું અત્યંત જરૂરી હોય છે. જગમોહનની મૃત્યુ જે મીરાંચિકાના શ્રાપને લીધે થઈ છે તેની કબર હકીકતમાં ગુફાની અંદર છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી છે.”

        “સહોબ, એ શ્રાપિત રાણીની કબર આ ગુફામાં છે. આ વાત સાંભળી સાંભળીને અમે નાનાથી મોટા થયા છીએ.”

        “આપણે નાનપણથી જે વાત સાંભળીને મોટા થયા હોઈએ તે જરૂરી નથી કે હંમેશા સાચી જ હોય. તેં કે બીજા કોઈપણ આદિવાસીએ આ ગુફામાં મીરાંચિકાની કબરને પ્રત્યક્ષ જોઈ છે?”

        દિનશોન નીચું જોઈ ગયો.

        “દિનશોન, માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી લેવું એ નરી મૂર્ખતા છે.”

        “સરની વાત સાચી છે. જગમોહનજીના મૃત્યુનું રહસ્ય જાણવા ગુફામાં મીરાંચિકાની કબર ખરેખર છે કે નહીં તે જાણવું અત્યંત જરૂરી છે.”

        ડિટેક્ટિવ હરિપ્રશે કહ્યું, “તમે બંને અહીં જ ઊભા રહો. હું અબઘડી ગુફાની મુલાકાત લઈને પાછો આવું છું.”

        “સહોબ, ગુફાની અંદરથી આજ સુધી કોઈ જીવિત પાછું આવ્યું નથી.”

        આસમાનમાં વીજળી ચમકી ઊઠી.

        હરિપ્રશે મલકાઈને કહ્યું, “એ એટલા માટે કારણ આજદિન સુધી કોઈએ મીરાંચિકાની ગુફામાં જવાની હિંમત જ કરી નથી.”

        દિનશોન અને વૈભવિ ધબકતે હૈયે હરિપ્રશને ગુફાની અંદર જતો જોઈ રહ્યા.

******

        ઘણો સમય થઈ ગયો હોવા છતાંયે ડિટેક્ટિવ હરિપ્રશ જ્યારે ગુફામાંથી પાછા આવ્યા નહીં ત્યારે વૈભવિ ચિંતાતુર થઈ ગઈ.

        “સર, હજુસુધી પાછા કેમ આવ્યા નથી?”

        “મેં તો પહેલા જ ચેતવણી આપી હતી કે મીરાંચિકાની આ ગુફા જીવિત વ્યક્તિઓને ભરખી જવા માટે કુખ્યાત છે.”

        આસમાનમાંથી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો.

        “મોમસાબ, આપણે હવે અહીંથી જલ્દી જ ખસી જવું જોઈએ. ગુફાની અંદર જઈને સહોબે મીરાંચિકાના શ્રાપને જાગૃત કરી દીધો છે. હવે આજની રાત જંગલ માટે પાછી કયામતની રાત હશે.”

        “પણ હું સરને લીધા વગર પાછી નહીં જાઉ.” વૈભવિ આમ કહીને ગુફા તરફ ડગ ભરવા લાગી. આ જોઈ દિનશોને તેનો હાથ પકડી લેતા કહ્યું, “મોમસાબ, ગુફાની અંદર જવાની મૂર્ખામી કરશો નહીં.”

        “પણ સર...”

        “મેં પહેલા જ કહ્યું હતું કે આ ગુફામાં એકવાર ગયા બાદ કોઈ પાછું આવ્યું નથી.”

        વૈભવિ આ સાંભળી હતાશાથી ફસડી પડી, “આ... આ... શું થઈ ગયું? ના... ના... મારા સરને કશું થયું નહીં હોય. તેઓ જરૂર પાછા ફરશે.”

        “જો તેમને પાછા ફરવું જ હોત તો ક્યારના પાછા આવી ગયા હોત. મોમસાબ, મારી વાત માનો તો તમે પણ ઝટ આ જગ્યા છોડીને શહેરમાં પાછા જતાં રહો.”

        “ના...” વૈભવિએ મક્કમતાથી પોતાની જગ્યાએથી ઊભા થતાં કહ્યું, “ગુફામાંથી બહાર નીકળ્યા બાદ સર સીધા વસ્તી તરફ જ આવશે. આથી મારે ત્યાં હાજર રહેવું ખૂબ જ જરૂરી છે.”

        “પણ વસ્તીમાં આવીને તમે શું કરશો?”

        “આ કેસ બાબતમાં ત્યાંના લોકોની પૂછપરછ.”

        ગુફાના મુખ તરફ એક આસભરી નજરે જોઈ રહેલી વૈભવિને દિનશોને કહ્યું, “તમે ચિંતા કરશો નહીં. હું હમણાં જ ફોન કરીને મારા બે વફાદાર માણસોને સહોબની તલાશ કરવાની સૂચના આપી દઉ છું.” આમ કહી દિનશોને ખિસ્સામાંથી ફોન કાઢીને નંબર ડાયલ કરવા લાગ્યો. દિનશોને તેના સાથીઓને ફોન કર્યા બાદ વૈભવિને કહ્યું, “મોમસાબ, હવે તો અહીંથી ચાલો. જો સહોબ જીવતા હશે તો મારા માણસો તેમને સહીસલામત વસ્તીમાં લઈ આવશે.”

        આ સાંભળી વૈભવિએ રાહતનો શ્વાસ લીધો. હવે બંને જણા વસ્તીની દિશામાં ઝડપભેર ચાલી રહ્યા. ઉપર આસમાનમાં વાદળોનું અને નીચે ધરતી પર વૈભવિના મસ્તિષ્કમાં વિચારોનું તોફાન જામ્યું હતું. થોડીવારમાં જ તેઓ વસ્તીમાં આવી પહોંચ્યા. વૈભવિએ ત્યાં આવેલી ઝુંપડીને જોતાં કહ્યું, “તે દિવસે ઘટનાસ્થળે હાજર જીવલો અને જીવલી કંઇ ઝૂંપડીમાં રહે છે?”

        દિનશોને એક ઝૂંપડી તરફ આંગળી ચીંધતા વૈભવિ તરત તેમાં પ્રવેશી ગઈ. વૈભવિને આમ ઓચિંતી આવેલી જોઈ અંદર બેઠેલા જીવલો અને જીવલી છળી ઊઠયા. જીવલો તેના હાથમાં પકડી રાખેલી પોલી છડીને એકતરફ મૂકતાં પોતાની જગ્યાએથી ઊઠયો. તે વૈભવિને કશું પૂછવા જતો હતો ત્યાં દિનશોને અંદર આવીને તેમની ભાષામાં કહ્યું, “તમારે ડરવાની જરાયે જરૂર નથી. મોમસાબ તમારી પાસે એ દિવસની ઘટના વિષે પૂછતાછ કરવા આવ્યા છે.”

        વૈભવિ અને આદિવાસીઓ વચ્ચે સરળતાથી વાતચીત થાય એ માટે દિનશોન દુભાષીયાની ભૂમિકા ખૂબ સરસ રીતે બજાવી રહ્યો. વૈભવિને એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે આદિવાસીઓ દિનશોનના અવાજમાંજ તેની સાથે વાતચીત કરી રહ્યા હતાં.

        “જગમોહનજીનું મૃત્યુ થયું તે સમયે તમે જંગલમાં શું કરવા ગયા હતા?”

        “મોમસાબ, અમે જંગલમાં ઈંધણા લેવા ગયા હતા પરંતુ ઓચિંતામાં વરસાદ શરૂ થઈ જતાં અમે ગુફાની અંદર દોડી ગયા હતા.”

        “તમે એ વરસાદની રાતે જે કાંઇ જોયું તે વિસ્તૃતમાં બતાવો.”

        જીવલો અને જીવલીએ નજરોનજર જોયેલી અગાઉની આખી ઘટના વર્ણવી ગયા. સામે છેડે દિનશોન પણ તેમના કથનનું ઝડપથી ભાષાંતર કરી રહ્યો. વ્યોમે કહી સંભળાવેલી ઘટના સાથે બંનેની વાતો મળતી આવ્યાની ખાતરી થઈ જતાં વૈભવિએ પૂછ્યું, “ગુફામાંથી ભાગ્યા બાદ તમે શું કર્યું?”

        “ગુફામાંથી ભાગીને અમે સીધા અમારી વસ્તીમાં આવી ગયા. અહીં આવીને અમે સહુને તે ઘટના વિષે જણાવ્યું. બીજા દિવસે જ્યારે પેટ્રોલિંગ કરવા પોલીસવેન આવી ત્યારે અમારા મુખિયાએ પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરાવી દીધા.”

        “પરંતુ તમે તો માર્ગ ભૂલ્યા હતા ને?”

        “હા પણ મીરાંચિકાની ગુફા જોઈને અમને અમારો માર્ગ યાદ આવી ગયો હતો.”

        “પોલીસ ઘટનાસ્થળે મુલાકાત લેવા ગઈ હતી ત્યારે તમે તેમની સાથે ગયા હતા?”

        “ના.” કંઈક વિચારીને જીવલો બોલ્યો. “હા, પણ મુખિયા પોલીસ સાથે ઘટનાસ્થળે જરૂર ગયા હતા.”

        વૈભવિએ દિનશોન તરફ જોઈને કહ્યું, “મારે મુખિયાને મળવું છે.”

        “ચાલો હું તમને તેઓના નિવાયસ્થાને લઈ જાઉ છું.”

        ઓચિંતી વૈભવિની નજર જીવલાની પડખે મૂકેલી પોલી છડી પર જતાં તે બોલી, “આ શું છે?”

        જીવલો સ્તબ્ધ બનીને પોતાની જગ્યાએ ઊભો રહ્યો. આ જોઈ દિનશોને કહ્યું, “મોમસાબ, આ છડીની મદદથી આ લોકો શિકાર કરે છે.”

        “પરંતુ એ કેવી રીતે?”

        “જીવલા, મોમસાબને તારા છડીની કરામત દેખાડ.”

        જીવલાએ મનેકમને પોતાની છડી ઊઠાવી અને બાજુમાં મૂકેલી ડબ્બીમાંથી એક કાંટો કાઢી છડીના આગળના પોલાણમાં મૂક્યો. હવે બીજી તરફથી જોરથી ફૂંક મારતા કાંટો બંદૂકની ગોળીની જેમ છૂટયો.”

        “વાહ! પરંતુ આટલા નાના કાંટાથી કોઈ પ્રાણી કેવી રીતે મરી શકે છે?”

        “મોમસાબ, પ્રાણી આ કાંટાને લીધે નહીં પરંતુ તેના પર લાગેલા ઝેરને લીધે મરે છે.”

        “ઓહ! પરંતુ આવા ઝેરથી શિકાર કરેલા પ્રાણીને આરોગવાથી આ લોકોને કોઈ હાનિ થતી નથી?”

        “મોમસાબ, આ આદિવાસીઓ ખાસ પ્રકારનું ઝેર બનાવી જાણે છે. તેઓએ બનાવેલું ઝેર પ્રાણીના શરીરમાં પ્રવેશ્યાના થોડા સમય બાદ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. પરિણામે શિકારને આરોગવાથી તેઓને કોઈ નુકસાન થતું નથી.”

        આસમાનમાં વાદળોના ગડગડાટ સાથે વૈભવિના મસ્તિષ્કમાં ચમકારો થયો. તેણે આંખના ભવા તંગ કરતાં કહ્યું, “દિનશોન, આ કાંટાનો મારો કેટલી દૂર સુધી જઇ શકે છે? ”

        “મોમસાબ, તમે જો પૂરી તાકાતથી ફૂંક મારો તો તેમાંથી નીકળેલો કાંટો ઘણા લાંબા અંતર સુધી જઇ શકે છે.”

        “મીરાંચિકાની ગુફાથી સામેની ખીણ સુધી તે પહોંચી શકે છે?”

        “આરામથી. બરાબરને જીવલા?”         ઓચિંતામાં દિનશોનના મગજમાં પણ ઝબકારો થયો, “ઓહ! આ તો મેં વિચાર્યું જ નહોતું. જીવલા તું ગુફા પાસે ઊભો હતો ત્યારે તારી પાસે આ છડી હતી?”

        જીવલી વિફરેલા વાઘણ જેવી આગળ આવીને કંઈક બોલી.

        વૈભવિએ પૂછ્યું, “દિનશોન, આ શું કહે છે?”

        “તેણે કહ્યું કે... દિનશોન, તું આ કેવી વાતો કરી રહ્યો છું? તું તો જાણે જ છે કે ઈંધણા વીણવા જતી વખતે કોઈ આદિવાસી પોતાની સાથે છડી લઈ જતું નથી.”

        “મતલબ અહીં રહેતા દરેક આદિવાસી પાસે આવી છડી છે?”

        “હાસ્તો... આ છડી વગર આમનું ગુજરાન થવું મુશ્કેલ છે.”

        જીવલો આગળ આવીને બે હાથ જોડીને બોલ્યો, “મોમસાબ, જો અમે એ ભલા માનુસની હત્યા કરી હોત તો ગામમાં આવીને બધાને તે વિષે જાણ શું કામ કરી હોત? વળી ખીણની પેલી તરફના વ્યક્તિની હત્યા કરવામાં અમને શો ફાયદો? જો તમને મારો વિશ્વાસ ન હોય તો તમે આ અંગે મુખિયાને પૂછી શકો છો.”

        “કદાચ તમારી વાત સાચી છે. કારણ જો આ કાંટો ફૂંકીને તમે જગમોહનજીની હત્યા કરી હોત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના વડે પડેલા છિદ્રનો ઉલ્લેખ જરૂરથી હોત. તેમ છતાં હું મારી તપાસ પૂર્ણ કરું નહીં ત્યાં સુધી તમે બંને આ જંગલ છોડીને બીજે કશે જતાં નહીં.”

        “મોમસાબ, અમે આજીવન કષ્ટો સહ્યા પણ આ જંગલ છોડ્યું નહીં ત્યારે હવે તેને શું છોડવાના.”

        વૈભવિ ધોધમાર વરસાદમાં પલળતી મુખિયાના ઝુંપડી પાસે આવી પહોંચી. તેને આમ અચાનક સામે જોઈને મુખિયા સફાળા ઊભા થતાં બોલ્યો, “જયો... જયો...”

        “મુખિયા, તમને બેસવા માટે કહી રહ્યો છે.”

        “તેને કહો કે મારા સર પેલી ગુફામાં ફસાયા છે એવામાં મારી પાસે બેસવાનો જરાયે સમય નથી.”

         દિનશોને વૈભવિની વાત મુખિયાને સમજાવ્યા બાદ કહ્યું, “એ દિવસે પોલીસે તપાસ દરમિયાન શું કહ્યું તે મોમસાબ જાણવા માંગે છે.”

        મુખિયા માથું ખંજવાળતા તેની ભાષામાં જે બોલ્યો તેનો ઝડપથી અનુવાદ કરતાં દિનશોને કહ્યું, “પોલીસ તપાસ દરમિયાન હું તેમની સાથે હતો એ વાત સાચી પરંતુ તેઓએ કાગળિયાંઓમાં શું લખ્યું તે અંગે હું અજાણ છું. તમને આ વિષે ખુદ પોલીસ જ વિગતવાર માહિતિ આપી શકે છે.”

        “તો મારે હમણાં જ પોલીસને મળવું છે.”

        “વરસાદ રોકાઈ જતાં જ આપણે પોલીસસ્ટેશન જવા ઊપડી જઈશું.”

        “મારી પાસે આટલો સમય નથી. હું હમણાં જ પોલીસસ્ટેશન જવા માંગુ છું.”

        દિનશોને મુખિયા સાથે વાતચીત કર્યા બાદ કહ્યું, “મોમસાબ, મુખિયા કહે છે કે તે જંગલની હદની બહાર જઇ શકતો નથી. તેથી તે તમારી સાથે પોલીસસ્ટેશનમાં આવી શકશે નહીં.”

        “પરંતુ મુખિયા પોલીસસ્ટેશનમાં આપણને પહોંચાડવાની વ્યવસ્થા તો કરી શકે છે ને?”

        દિનશોને વૈભવિની વાત મુખિયા આગળ કરતાં તેણે હકારમાં માથું હલાવતા કહ્યું, “માલો, સારી ચાથે.”

        “આ શું બોલ્યો?”

        “ચાલો, મારી સાથે.”

        મુખિયા બંનેને લઈને એક તબેલા પાસે આવ્યો. અને એક દિશામાં આંગળી ચીંધતા બોલ્યો, “ચા આલશે.”

        છતવાળી બળદગાડીને આમ પોતાની સામે ખડી જોઈને વૈભવિના મુખમાંથી અનાયાસે નીકળી ગયું, “દોડશે.”

        વૈભવિએ હકાર આપતાની સાથે મુખિયા ઝડપથી બળદગાડીની આગળ સવાર થઈને વૈભવિ અને દિનશોનને અંદર બેસવાનો ઈશારો કર્યો. બંનેજણાના બેસી જવાની સાથે જ મુખિયાએ બળદગાડી હંકારી મૂકી. વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો હતો પરંતુ બળદગાડીને બાંબુ અને ઘાસથી બરાબર ઢાંકેલી હોવાથી વૈભવિના શરીરને પાણીની બુંદ સરખી સ્પર્શી રહી નહોતી. થોડીવાર સુધી બળદગાડી ચાલ્યા બાદ અચાનક એક જગ્યાએ ઊભી રહી ગઈ.

        વૈભવિએ આશ્ચર્યથી દિનશોન તરફ જોતા તે બોલ્યો, “મોમસાબ, જંગલ અહીં પૂરું થઈ જતું હોવાને કારણે મુખિયા આપણી સાથે નહીં આવે. હવે અહીંથી આગળની મુસાફરી આપણને પગપાળા જ કરવી પડશે. જોકે તમે ચિંતા કરશો નહીં. પોલીસ સ્ટેશન અહીંથી થોડેક જ દૂર છે.”

        બળદગાડીમાંથી નીચે ઊતરીને વૈભવિએ મુખિયાનો આભાર માન્યો અને દિનશોનની પાછળ પાછળ પોલીસસ્ટેશન જવા તેણે પોતાના પગ ઊપાડ્યા. લગભગ પંદરેક મિનિટ ચાલ્યા બાદ તેઓને પોલીસસ્ટેશન નજરે પડ્યું. વરસાદમાં પલળવાને કારણે વૈભવિને છીંકો આવવાની શરૂ થઈ ગઈ હતી. પરંતુ હાલ પોતાની તબિયત કરતાં તેને ડિટેક્ટિવ હરિપ્રશની વધુ ફિકર હતી. શું ખરેખર મીરાંચિકાની ગુફા તેમને ભરખી ગઈ હશે? આ વિચાર માત્રથી તેના રૂવાડા ઊભા થઈ જતાં હતા.

        વૈભવિ પોલીસસ્ટેશનના પગથિયાં ચઢીને અંદર ગઈ ત્યાં ઇન્સ્પેકટરની ખુરશી સામે બેઠેલા વ્યક્તિને જોઈને તેના આશ્ચર્યની સીમા ન રહી.

        “સર, તમે અહીંયા?”

        ખુરશી પર બેઠેલા હરિપ્રશે અવાજની દિશામાં વળીને કહ્યું, “હા, અને તે પણ સહીસલામત. જોયું દિનશોન... તારી મીરાંચિકા મારો વાળે ઉખાડી શકી નહીં.”

        વૈભવિ સામે આવેલા બાંકડા પર બેસતા બોલી, “મતલબ, મીરાંચિકાની કહાની ખોટી હતી?”

        “હા પણ અને નહીં પણ.”

        ઇન્સ્પેકટરે સહેજ વિસ્મયથી કહ્યું, “મતલબ હું કઇ સમજ્યો નહીં.”

        “હું બધુ વિગતે સમજાવું છું. પરંતુ એ પહેલા આ બંનેને ટુવાલની વ્યવસ્થા કરી આપો.”

        ડિટેક્ટિવ હરિપ્રશની વાત સાંભળીને એક હવલદાર ઝડપથી ટુવાલ લઈ આવ્યો.

        “હા તો ડિટેક્ટિવ તમે શું કહેતા હતા.”

        “ઇન્સ્પેકટર, શું તમે જાણો છો કે અહીં જંગલમાં રહેતા આદિવાસી હકીકતમાં કોણ છે?”

        ઇન્સપેટકરે નકારમાં ગરદન હલાવી.

        “આ બધા નાના બળદેવ અને તેમના સાથી ક્રાંતિકારીઓના વંશજો છે. દરઅસલ બ્રિટિશ હૂકુમતના સંશોધનકર્તાઓની ટ્રેન લૂંટી છે આ વાત નાના બળદેવના ધ્યાનમાં આવતાં તેઓ જાણી ગયા હતાં કે હવે બ્રિટિશરો તેઓને જીવતાં નહીં છોડે. આથી તેઓએ તેમના સઘળા ક્રાંતિકારી મિત્રોને જંગલની હદ છોડીને બહાર જવાની સાફ મનાઈ ફરમાવી દીધી અને સાથે લૂંટના સામાનની હિફાજત માટે મીરાંચિકાના શ્રાપની અફવા ફેલાવી દીધી. હવે તેઓ બધા જંગલમાં રહીને જ પોતાનું જીવનબસર કરતાં રહ્યા. આ વાતને વર્ષો વીતી ગયા. પીઢીઓ બદલાઈ ગઈ પરંતુ એક વાત બદલાઈ નહીં; અને તે હતી નાના બળદેવની આજ્ઞા! આજે વર્ષો બાદ પણ ક્રાંતિકારીઓના એ વંશજો જંગલ છોડીને કશે જતાં નથી અને ગુફામાં પગ મૂકતાં પણ ઘબરાય છે. જોકે આ વાતનો લાભ લઈ કેટલાક લુટારાઓ સમયાંતરે ગુફાના બીજા દ્વારથી પ્રવેશીને ખજાનાની લૂંટફાટ કરતાં રહ્યા. હવે ત્યાં લાકડાની કોફિન અને હાડપિંજર જેવો નકામો સામાન જ બચ્યો છે.”

        “પરંતુ લૂંટારાઓને ગુફામાં રહેલા ખજાના વિષે માહિતિ કોણે આપી હશે?”

        “આવું એ જ કરી શકે છે જે આ જંગલની હદ છોડીને બહારી દુનિયામાં ભળતો હોય અને તેની સાથે જેને કુળદેવતાના આદેશનો જરા સરખો ડર નહોય. કેમ દિનશોન?”

        દિનશોન આ સાંભળીને ઘબરાઈ ગયો.

        “જગમોહનજી જ્યારે મીરાંચિકાના તાજની શોધમાં મીરાંચિકાની ગુફામાં જવા માંગે છે આ વાતની જાણ દિનશોનને થઈ ત્યારે તે ઘણો ઘબરાઈ ગયો. તેણે વિચાર્યું કે જો જંગલમાં વસતા ક્રાંતિકારીઓના વંશજોને મીરાંચિકાની ગુફાના અંદર થયેલા ખજાનાની લૂંટફાટ વિષે માહિતિ મળશે તો તેના જીવને જોખમ ખડો થશે. આથીજ તે કોઈક રીતે જગમોહનજીને રોકવા માંગતો હતો. જોકે આ માટે તેણે એક એવો ઉપાય શોધ્યો કે જેથી જગમોહન ગુફામાં જતાં અટકી જાય અને મીરાંચિકાના શ્રાપની યથાર્થતા પણ સચવાઈ રહે.”

        દિનશોન પોલીસસ્ટેશનમાંથી ભાગવાનો પ્રયત્ન કરવા જતો જ હતો ત્યાં બે હવલદારે તેને પકડી લીધો.

        ડિટેક્ટિવ હરિપ્રશે કહ્યું, “દિલશોન, તેં ફોન કરીને મારી હત્યા કરવા માટે તારા લુંટેરા દોસ્તોને મોકલ્યા તો ખરા પરંતુ તેઓ આવે તે પહેલાં જ હું ગુફામાંથી બહાર નીકળી ગયો હતો.”

        ઇન્સપેક્ટરે તાડૂકીને કહ્યું, “આ હરામખોરને જેલના સળિયા પાછળ ધકેલી દો.”

        દિનશોનને હથકડી પહેરાવી બંને હવલદારો લઈ ગયા બાદ ડિટેક્ટિવ હરિપ્રશે કહ્યું, “વૈભવિ, દરઅસલ ગુફાની અંદર પ્રવેશ્યાની બીજી જ મિનિટે મને સમગ્ર મામલો સમજાઈ ગયો હતો. પરંતુ હું ત્યાંજ છુપાઈને તમારા બંનેની વસ્તીમાં જવાની રાહ જોઈ રહ્યો. કારણ મને શરૂથી જ શંકા હતી કે આ સમગ્ર પ્રપંચ પાછળ દિનશોનનો જ હાથ છે.”

        “પરંતુ સર, તમને દિનશોન પર શંકા કેવી રીતે ગઈ?”

        “તને યાદ છે? દિલશોનને મેં જ્યારે તેના માથા પર મચ્છરોનું ઝુંડ કેમ ફરકતું નથી આ અંગે પૂછ્યું હતું ત્યારે તેણે મને ઉડાઉ જવાબ આપ્યો હતો. બસ તે જ ઘડીએ હું તેના ચાલાક સ્વભાવને ઓળખી ગયો હતો. હવે જરૂરત હતી મારે દિનશોન વિષે સઘન તપાસ લગાવવાની. જે માટે મેં ગુફામાંથી બહાર નીકળીને તમારા બંનેનો પીછો કર્યો. તું જ્યારે જીવલો અને જીવલીની પૂછપરછ કરી રહી હતી ત્યારે તેઓએ તેમની ભાષામાં તને ત્રણવાર કહ્યું હતું કે, “આ અંગે તમે દિનશોનને કેમ પૂછતાં નથી? કારણ જગમોહનજીની હત્યા થઈ તે દા’ડાની આખી સવારે દિનશોન જ જગમોહનજીની સાથે હતો.” પરંતુ ભાષાંતર કરતી વેળાએ દિનશોન ત્રણેવાર આ આખી વાતને સિફતથી ઉડાવી ગયો હતો. બસ પછી શું? મારી શંકા હવે વધુ મજબૂત થઈ ગઈ.”

        “સર, તમને આ આદિવાસીઓની ભાષા પણ આવડે છે?”

“વૈભવિ, ખરેખર જોવા જઈએ તો તેઓ આપણી જ ભાષા બોલે છે. પરંતુ લાંબા સમય સુધી આપણી સાથેનો સંપર્ક તૂટી જવાને કારણે તેઓના શબ્દોમાં ઊલટફેર થવાની સાથે થોડોક અપભ્રંશ ભળવાથી આપણને એક નવીજ ભાષાનો ભાસ થાય છે. જેમકે જય હો... જય હો...ની જગ્યાએ મુખિયાએ જયો જયો શબ્દનો પ્રયોગ કરો હતો.”

        “પરંતુ હજુપણ એક સવાલ જેમનો તેમ છે?”

        “કયો?”

        ”જગમોહનજી સાથે દિનશોન ઉપસ્થિત નહોતો ત્યારે તેણે તેમની હત્યા કરી કેવી રીતે?”

        “દરઅસલ આ વાત મારા માટે પણ રહસ્ય હતી. પરંતુ જીવલાને ફસાવવાના ચક્કરમાં ખુદ દિનશોને તેની યુક્તિ ઉઘાડી પાડી દીધી.”

        “એ કેવી રીતે?”

        “અહીંના આદિવાસીઓના માથા પર મચ્છરોનું ઝુંડ ફરકતું નથી. જાણે છે કેમ? કારણ તેઓ તેમના માથા પર એક ખાસ પ્રકારનું તેલ લગાવે છે. જગમોહનજીએ જ્યારે મચ્છરોના ત્રાસ વિષે દિનશોનને જણાવ્યું ત્યારે તેણે એ ખાસ પ્રકારનું તેલ તેઓને માથા પર લગાવવા માટે આપ્યું. પરંતુ એ પહેલાં તેણે કાંટા પર લગાવવામાં આવતું ઝેર તેલમાં ભેળવી દીધું. દિનશોને વિચારેલું કે ગુફાની અંદરની ગરમીને કારણે છૂટેલા પરસેવાના રેલા વાટે ઝેરી રસાયણ જગમોહનજીના શરીરમાં જતાં તેઓ ત્યાંજ મૃત્યુ પામશે અને કોઈને તેઓની લાશની ભાળ પણ મળે નહીં. પૂર્વે આ ઝેરનો ઉપયોગ અંગ્રેજો આપણાં ક્રાંતિકારીઓનું સિફતપૂર્વક કાસળ કાઢવા માટે કરતાં હતા. આ ઝેર એટલું પાવરફૂલ હોય છે કે તેની થોડીક બુંદો વ્યક્તિનું હાર્ટફેલ કરીને તેનો ઘડીમાં ખેલ ખલાસ કરી શકે છે. વળી વ્યકિતના મૃત્યુ બાદ ઝેર પાણીમાં રૂપાંતરિત થઈ જવાને લીધે પોસ્ટમાર્ટમ રિપોટમાં પણ પકડાતું નથી. જોકે દિનશોનના કમનસીબે જગમોહનજી ગુફાના દ્વાર સુધી પહોંચ્યા ત્યાંજ મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો અને તેની આખી બાજી બગડી ગઈ.”

        “સર, એક વાત પૂછું?”

        “શું?”

        “તમને કેવી રીતે ખબર પડી કે દિનશોને માથાના તેલમાં જ ઝેર ભેળવ્યું હશે?”

        “વૈભવિ, કોઇકે સાચું જ કહ્યું છે કે રમતને જાણવા માટે રમતના મેદાનમાં ઊતરવું ખૂબજ જરૂરી છે. દરઅસલ જીવલા સાથેની વાતચીત સાંભળીને મને એ દુર્લભ ઝેર વિષે માહિતિ તો મળી પરંતુ મારા મસ્તિષ્કમાં હજુપણ એક સવાલ રમતો હતો કે આખરે જગમોહનજી સાથે દિનશોન નહોતો ત્યારે તેણે ઝેર કેવી રીતે આપ્યું હશે? તમે મુખિયાના ઘરે ગયા ત્યારે હું આજ વિચારોમાં પોલીસસ્ટેશન તરફ આવવા નીકળી ગયો હતો. હવે માર્ગમાં વરસાદના ઠંડા પાણીમાં શરીર ભીંજાવાને કારણે મારી કાયા થથરવા લાગી હતી. ચહેરા પર સરી આવતી પાણીની ધારા મારા દ્રષ્ટિને બાધારૂપ બની રહી હતી. માર્ગને સ્પષ્ટપણે જોવા મેં ચહેરા પર આવેલી પાણીની બુંદોને હાથ વડે લૂછતાં કેટલુંક પાણી મારા હોઠો પર પડ્યું અને મારા દિમાગની બત્તી ખૂલી ગઈ.”

        “સર! યુ આર અ જિનિયસ.”

        “એક વાત કહું?”

        “શું?”

        “હું કદીયે દુર્જનને સાથ આપતી નથી આ વાત મર્મથી મને સમજાવનાર એ કુદરત હકીકતમાં જિનિયસ છે. ખરેખર મને ખૂબ સરસ બોધ મળ્યો આ વરસાદની રાતે...”

(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ