વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મું ભીમો...

 

વિજળીનાં લાંબા લાંબા શેરડા અને વાદળોના ગડગડાટ વચ્ચે ફોન ગરજી ઉઠ્યો અને ઝોકાં ખાતા હવાલદાર ગાયતુંડેની આંખ એકદમ ખૂલી ગઈ. તેણે મોટું બગાસું ખાધું અને આખા ખૂલેલા મોં સામે ચપટી વગાડી. પછી પોતાની જગ્યાએથી ઉઠી ટેલિફોન સુધી પહોંચ્યો, ત્યાં સુધીમાં તો ફોન પાછો શાંત થઈ ગયો. ખભા ઉલાળી તે ફરી પોતાની જગ્યાએ પહોંચ્યો ત્યાં ફરી ટેલિફોનની રીંગ વાગી. આ વખતે ઉતાવળ રાખી તેણે રીસિવર ઉપાડી લીધું.

"હેલો..., કાલાચૌકી પુલિસ સ્ટેશન... મી હવાલદાર ગાયતુંડે બોલતોય."

સામેથી ગભરાયેલા સ્વરમાં જે વાત સાંભળવા મળી, એના કારણે ગાયતુંડેની ઊંઘ સંપૂર્ણ પણે ઉડી ગઈ. તેણે ફટાફટ એડ્રેસ લખી, થોડી વારમાં જ ત્યાં પહોંચવાની ખાતરી આપી કોલ કટ કર્યો અને તરતજ ઇન્સ્પેક્ટર પટેલને ફોન જોડ્યો.

"હેલો, સર, ફેમસ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ મિ. રાઘવેન્દ્ર કમિટેડ સ્યુસાઇડ."

"વ્હોટ?"

ઈં. પટેલને પોતાના કાન પર ભરોસો ન બેઠો. તેમણે ફરી પૂછ્યું, "આર યુ શ્યોર?"

"યસ સર. હમણાં જ તેમના ચોકીદારનો ફોન આવ્યો હતો."

"ઓકે. તમે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચો. હું ડાયરેક્ટ ત્યાંજ પહોંચું છું."

"યસ સર. જયહિંદ સર."

"જય હિંદ."

ગાયતુંડે એક્શનમાં આવી ગયો.

"સાવંત, ગોડબોલે, પાટીલ..."

ગાયતુંડેનો અવાજ સાંભળી બધા મેઇન ઓફિસમાં ભેગા થઈ ગયા. ગાયતુંડેએ બધી વાત કરી અને સાવંત સાથે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયો. જીપનું સ્ટીયરીંગ સાવંતે સંભાળ્યું અને મારમાર કરતા રાઘવેન્દ્રના બંગલે પહોંચ્યા. શહેરની બહાર, ઘણી બધી નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હતી. એ બંને જીપમાંથી ઉતર્યા ત્યાંજ ઈં. પટેલ પણ બાઇક પર આવી પહોંચ્યા. પોલીસ ટીમને આવેલી જોઇ ચોકીદાર દોડતો સામે આવ્યો. તે એકદમ ગભરાયેલો હતો.

"સાયેબ, મું ભીમો. મુંએ જ તમુંને ફોન કર્યો હતો."

માથે આંટાળી પાઘડી, વળ ચડાવેલી મૂંછ, કરડો ચહેરો, સફેદ ખમીસ અને સફેદ ધોતી સાથે હાથમાં કડીયાળી ડાંગ... પહેલી નજરે ભરવાડ જેવો દેખાતો ભીમો પોતાને રાઘવેન્દ્રના ચોકીદાર તરીકે ઓળખાવતો હતો.

"ઠીક છે... ઠીક છે... શું થયું? ક્યા છે લાશ?"

"લાશ? કુંની લાશ?"

ઈં. પટેલનું મગજ ગરમ થઈ ગયું.

"આવા ધોધમાર વરસાદમાં અડધી રાત્રે ત્રણ વાગ્યે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તું એમ કહે છે કે તારા શેઠ રાઘવેન્દ્રએ સ્યુસાઇડ કર્યો છે, અને પાછો પૂછે છે કે કોની લાશ?"

ઈં. પટેલે લાલ આંખ સાથે, દાંત ભીંચીને ભીમાને કહ્યું.

"ના, ના, સાયેબ... મુંએ તો એવું કીધું'તું કે મારા સાયેબ રાઘવેન્દ્ર, પેલું શું કીધું તમે... હા, શુશાડ કરવાના ઓહે..."

"શું? સ્યુસાઇડ હવે કરવાના છે? અને તમને એવું કેમ લાગે છે?"

ગાયતુંડે અને સાવંત પોતાની લાઠી પર પક્કડ મજબૂત કરી અકળામણ સાથે આ બધો વાર્તાલાપ જોઇ રહ્યા હતા. બસ, પટેલ સર એક ઈશારો કરે એટલી વાર... એક તો જીપમાં આવવાને કારણે એ બંનેએ રેઈનકોટ પહેર્યો નહોતો, અને અત્યારે વરસતા વરસાદમાં તેમની હાલત માટે પોતે જ મનોમન પોતાની ઉપર ગુસ્સે થઈ રહ્યા હતા. અને એટલે જ આવા વાતાવરણમાં આવા સમયે આવી રીતે મજાક કરનારને લાઠીએ લાઠીએ ઝૂડી નાંખવાનું ઝનૂન એ બંનેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. ઈં. પટેલ આ સારી રીતે સમજતા હતા. એટલે જ ભીમા સાથેની વાતનો દોર તેમણે પોતાના હાથમાં રાખ્યો હતો.

"હા, સાયેબ."

ભીમો એકદમ નજીક આવી કાનમાં બોલતો હોય એમ બોલ્યો,

"આજે બંગલો ભેંકાર હોવે. શેઠાણી બા પિયર ગયા ઓહે અન બોન બા ને ભઇ સાયેબ કોલેજની પીકનીક મોં... શેઠ સાયેબ આજ એકલા ઓહે... અમાસની કાળી રાત ઓહે...અત્તારે કાળ ચોઘડિયુ.. અને જો... કૂતરા બી રડતા ઓહે... નક્કી આજ સાયેબ શુશાડ કરવાના..."

ઈં. પટેલને આ માણસ ભેજાગેપ લાગ્યો. કાંડાઘડિયાળમાં સવાચારનો સમય જોઇને તેમણે ગાયતુંડે અને સાવંત સામે જોયું. પછી જીપમાં બેસવાનો ઈશારો કરી પોતે બાઇક તરફ ગયા. વળી કંઇક વિચારી પાછા ભીમા પાસે ગયા અને કહ્યું,

"ચાલ, એકવાર તારા સાહેબને મળી લઇએ... અને સ્યુસાઇડ કરવાની ના પણ પાડી દઇએ..."

ભીમાની આંખમાં ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો, છતાં તે આગળ વધ્યો. મેઇનગેટ પાસે આવી ડોરબેલ વગાડી. 'રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ '... મીઠા અવાજે ભજન ગૂંજી ઉઠયું. ડોરબેલનો અવાજ બંધ થતા ફરી શાંતિ છવાઇ ગઈ. થોડી વાર સુધી કોઈ હલચલ ન થતાં ફરી ડોરબેલની સ્વીચ દબાવી... 'મેરે તો ગિરધર ગોપાળ, દુસરા ન કોઈ... ' ફરી એક કર્ણપ્રિય અવાજ વાતાવરણમાં ગૂંજીને શમી ગયો. હવે ઈં. પટેલની સિક્સ્થ સેન્સ કશુંક અજુગતું થયું હોવાની ચાડી પૂરતી હતી.

ઈં. પટેલનો ઇશારો થતાં ગાયતુંડે અને સાવંતે ભેગા મળી દરવાજો તોડી નાંખ્યો. અંદર જતા જોયું તો વિશાળ ડ્રોઇંગ રૂમ હતો. લાલ રંગની ડીમલાઇટને કારણે બધું સ્પષ્ટ જોઈ શકાતું હતું. ઈં. પટેલની ચકોર નજર આખા બંગલાનું બારીકાઈથી નીરિક્ષણ કરી રહી.

મેઇનગેટ ખૂલતા જ વિશાળ ડ્રોઇંગ રૂમ, મેઇનગેટની બરાબર સામે ડ્રોઇંગરૂમ પૂરો થાય એટલે ડાઇનિંગ એરિયા અને ત્યારબાદ રસોડું, ડ્રોઇંગરૂમમાં જમણા હાથ પર એક દરવાજો પડતો હતો,જે બંધ હતો... એ દરવાજાની બાજુમાંથી એક સીડી ઉપરની તરફ જતી હતી. એ સીડીની આખી દિવાલ સોફ્ટબોર્ડથી કવર કરેલી હતી અને તેનાં પર રાઘવેન્દ્ર અને તેના પરિવારની હેપ્પી મોમેન્ટ્સની તસ્વીરો લગાડેલી હતી.

ઈં. પટેલે પોતાનો ભીનો રેઈનકોટ ત્યાં મેઈનગેટ પાસે જ મૂકી પ્રશ્નાર્થ નજરે પાણીથી નીતરતા ભીમા સામે જોયું એટલે તેણે સીડી તરફ ઇશારો કર્યો. આગળ ભીમો અને પાછળ ત્રણેય પોલીસકર્મીઓ... ભીના ભીના ભીમાની પાછળ ભીંજાયેલા ગાયતુંડે અને સાવંત અને છેલ્લે ઈં. પટેલ, બધા ઉપર તરફ ગયા. ઈં.પટેલે નોંધ્યું કે ડ્રોઇંગ રૂમની છત હતી જ નહી. ડ્રોઇંગ રૂમ જેટલો ભાગ છોડી બાકીના ભાગમાં ત્રણ રૂમ હતા. જ્યારે એક મોટું કલાત્મક ઝુમ્મર ડ્રોઇંગ રૂમના ભાગે લટકતું હતું. ભીમાએ ઇશારો કરી જણાવ્યુ,

"આ પહેલો રૂમ તે બોનબાનો... પેલો છેલ્લો રૂમ ભઇ સાયેબનો... અન આ વસમાં (વચમાં) રીયો ઈ શેઠ સાયેબનો..."

ઈં. પટેલે આંખથી જ ઇશારો કર્યો એટલે સાવંતે વચલા રૂમનું બારણું ખટખટાવ્યું... પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી. એટલે ફરી બંને જણ દરવાજો તોડવાની મુદ્રામાં આવી ગયા. ઈં. પટેલે તેમને રોકી દરવાજાનું હેન્ડલ ફેરવ્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે દરવાજો ખૂલી ગયો!

સામે બેડ પર એક આધેડ વયની વ્યક્તિ પડખું ફરીને સૂતી હતી. એ લોકો માત્ર તેની પીઠ જોઇ શકતા હતા. અંદર પ્રવેશતાં જ બધાએ એસીની કૃત્રિમ ઠંડક અનુભવી. ઈં. પટેલ સિવાયના ત્રણેય સ્હેજ ધ્રુજી ગયા. હજુ પણ એ વ્યક્તિમાં કોઈ સળવળાટ દેખાતો નહોતો. ગાયતુંડે અને સાવંત ધીમી ગતિએ સાવચેતી પૂર્વક બેડ પાસે ગયા અને એ વ્યક્તિને સીધી કરી. તેનો ચહેરો નજરે પડતાં જ ભીમાએ પોક મૂકી...

"સાયેબ... આ હું થઈ ગ્યુ? ઓ સાયેબ..."

રાઘવેન્દ્રની આંખ ખુલી ગઈ. અડધી રાત્રે આ રીતે પોતાના બેડરૂમમાં આટલા બધા જણ, વર્દીવાળા, અને એ પણ પાણીથી રસ્કાબોળ - ને જોઈ તે ડઘાઈ ગયો. એકવાર તો આંખ ખોલીને તેણે પાછી બંધ કરી દીધી. ફરી આંખ ખોલી. ના, આ સપનુ તો નહોતું જ. તેણે કાનમાં ભરાવેલા ઇયરફોન બહાર કાઢ્યા એ સાથે જ તેમા ઉંચા સ્વરે વાગી રહેલુ ગીત 'આઇ એમ ઇન લવ વીથ ધ શેપ ઓફ યુ' બાકી બધાને પણ સંભળાયું. તેણે ગુસ્સાથી બધાની સામે જોયું. તેની નજર ફરતી ફરતી ઈં. પટેલ પર સ્થિર થઈ અને તે ગુસ્સાથી તાડુકી ઉઠયો.

"વ્હોટ ઇઝ ઓલ ધીઝ શીટ્, ઇન્સ્પેક્ટર? અત્યારે અડધી રાત્રે આમ ચોરની જેમ મારા ઘરમાં ઘુસીને શું કરી રહ્યા છો? અને તમે અંદર આવ્યા કેવી રીતે?"

" રીલેક્ષ મિ. રાઘવેન્દ્ર. વી વર જસ્ટ ડુઇંગ અવર ડ્યુટી."

ઈં. પટેલને થયું કે ક્યાંક કાચું કપાયું છે, એટલે વાત વાળી લેવા તેમણે એકદમ નરમાશથી કહ્યું. પણ રાઘવેન્દ્રનો ગુસ્સો અત્યારે સાતમા આસમાને હતો.

" ડ્યુટી માય ફુટ! અને આવી તે કેવી ડ્યુટી? કોઈ શરીફ માણસના ઘરમાં આમ અડધી રાત્રે..."

"જસ્ટ અ મિનિટ, રાઘવેન્દ્રજી. અમને તો તમારા ચોકીદારનો ફોન આવ્યો હતો કે તમે સ્યુસાઇડ કર્યો છે."

"વ્હોટ રબ્બીશ! સ્યુસાઇડ અને હું? હું શા માટે સ્યુસાઇડ કરૂં? એન્ડ બાય ધ વે, કોણ ચોકીદાર?"

હવે ચોંકવાનો વારો ઈં. પટેલનો હતો. તેમણે હાથ પકડીને પોતાની પાછળ થરથર ધ્રુજતા ભીમાને આગળ કર્યો. તે દયામણું મોં કરી બે હાથ જોડીને ઉભો રહ્યો.

"આ કોણ છે? હું તો નથી ઓળખતો આને."

"ના સાયેબ, એવું બોલો મા..."

ભીમો દોડતો જઇ રાઘવેન્દ્રના પગ પાસે બેસી પડ્યો. તેની આંખમાંથી આંસુ ટપકવાની તૈયારીમાં હતા. પણ રાઘવેન્દ્રએ પગ પાછા ખેંચી લીધા.

"આટલી મોટી સજા નો આપો સાયેબ... તમું ના કીધી તોય બે દનની રજા લીધી... પણ આટલા વરહની નોકરીમોં પેલ્લી વાર રજા જોઇતી'તી, એય ખાલી તૈણ દાડાની... તોય તમું માન્યા નઇ... પશે મું શું કરુ સાયેબ?"

ભીમો એકદમ ગળગળા અવાજે બોલ્યો. ઈં. પટેલ ઘડીકમાં ભીમા સામે તો ઘડીકમાં રાઘવેન્દ્ર સામે જોઇ રહ્યા. ગાયતુંડે અને સાવંતને પણ કશું સમજાતું નહોતું. રાઘવેન્દ્રએ હજી પોતાની વાત પકડી રાખી હતી.

"પણ હું આને ઓળખતો જ નથી. ચોકીદારી તો બહુ દૂરની વાત છે."

આ બધી કશ્મકશમાં જ સવારના છ વાગી ગયા હતા. હવે ઈં. પટેલે કડક વલણ અજમાવી પોલીસ સ્ટાઇલથી પૂછપરછ કરવાનું નક્કી કર્યું.

"ઠીક છે મિ. રાઘવેન્દ્ર, ધેન ટેલ મી, તમારા મિસિસ અને છોકરાઓ અત્યારે ક્યાં છે?"

"વેલ! "

એક સેકન્ડ માટે રાઘવેન્દ્ર થોથવાયો, પણ પછી પૂરા કોન્ફિડન્સ સાથે બોલ્યો,

"એ લોકો વર્લ્ડ ટુર પર ગયા છે."

"એની પ્રૂફ?"

"ઓકે. હું ડાયરેક્ટ એમની સાથે તમારી વાત કરાવી દઉં... પછી કાંઇ? પણ મારી પાસે પ્રૂફ માંગવાનુ કોઈ ખાસ કારણ?"

"વેલ, આ ભીમાનું કહેવું છે કે તમારા મિસિસ એમનાં પિયર ગયા છે અને છોકરાઓ કોલેજની પિકનીકમાં. તમે અત્યારે ઘરમાં સાવ એકલા છો અને તેને ડર છે કે તમે આજે આત્મહત્યા કરવાના છો. તો બહેતર છે કે અમે અમારી રીતે પૂરી ચોક્સાઇ કરી લઇએ. આઇ હોપ કે હવે તમારી તરફથી અમને પૂરતો સહકાર મળી રહેશે."

"અફકોર્સ યસ."

રાઘવેન્દ્રએ થોડા સ્વસ્થ થતા કહ્યુ,

"બટ, હું જરા ફ્રેશ થઈ જાઉં... ઇફ યુ ડોન્ટ માઈન્ડ.."

"હા, બીલકુલ. ટેક યોર ઓન ટાઇમ. વી આર વેઇટિંગ ઓવર હીયર."

રાઘવેન્દ્ર બેડ પરથી ઉભો થયો. હવે સુરજના અજવાળામાં ઈં. પટેલે આખા રૂમનું નિરીક્ષણ કર્યું. ડબલબેડની પાછળ મોટી વિંડો હતી. બેડની બરાબર સામે 42" એલ. ઈ. ડી. સ્ક્રીન હતી. એ સિવાય સામેની દિવાલ પર લાઇનસર કબાટ ના દરવાજા પડતા હતા. અને રૂમના એન્ટ્રન્સની બાજુમાં સોફા અને ટીપોય હતા. રાઘવેન્દ્ર એ ઉભા થઈ એક દરવાજો ખોલ્યો એટલે ભીમો તરતજ બોલ્યો,

"એ નઇ સાયેબ, એની બાજુમાં બાથરૂમ ઓહે..."

બધાજ આશ્ચર્યથી ભીમાને જોઈ રહ્યા. ભીમાએ મુંડી નીચે નમાવી દીધી. રાઘવેન્દ્રએ એક ક્રોધિત નજર તેના પર ફેંકી કબાટનો દરવાજો બંધ કર્યો અને બાજુનો દરવાજો ખોલી અંદર જતો રહ્યો. શંકાના કીડાનો સળવળાટ હવે ખૂબ વધી ગયો હતો. રાઘવેન્દ્ર આવે એટલી વારમાં ઈં. પટેલે ભીમા પાસેથી માહિતી મેળવવાની શરૂઆત કરી.

"હા, તો ભાઇ ભીમા, તમારા શેઠાણીબાનું પિયર ક્યાં?"

"એ તો અમાર બાજુનાં જ સાયેબ. અમું બંને એકજ ગોંમના... ઇમને પૈણાવ્યા તયેં એમના બાપુ સાયેબે મુંને દાયજામાં હારે મોકલ્યો 'તો... એમનું ધ્યાન રાખવા..."

બોલતા બોલતા તેના કાનની બુટ લાલ થઈ ગઈ હતી. તેના ચહેરા પર એક અલગ જ સુરખી ફરી વળી હતી. ઈં. પટેલે મનોમન આ બધું નોંધ્યું. ફરી આગળ પૂછ્યું,

"આ તારા બોન બા અને ભઇ સાયેબ ક્યાં ગયા છે?

"એ તો મું ના જાણુ, સાયેબ. પણ કોલેજની પિકનીકમોં જ્યા છે એટલી ખબર શે મુંને."

"ઠીક છે. અને ક્યારે ગયા?"

"બસ, આ સમજોને, તૈણ દાડા પેલ્લા... તે દાડાથી જ બધી મોંકાણ થઈ ને."

હવે વાત મેઇન પાટે ચડી હોય એવું ઈં. પટેલને લાગ્યું. તેમણે ભીમાને જાતે જ બોલવા દેવાનુ નક્કી કર્યું. ભીમો બોલી રહ્યો હતો એ સાથે જ ઈં. પટેલ રૂમનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. ઉપરાંત ગાયતુંડે અને સાવંતને પણ ઘરની તલાશી લેવાનો ઇશારો કરી દીધો હતો. એ બંને રૂમની બહાર નીકળી ગયા. હવે માત્ર ભીમો અને ઈં. પટેલ રૂમમાં હતા. ભીમો તો પોતાની વાત કહેવામાંજ ખોવાયેલો હતો.

"એમોં ચેવું થ્યું સાયેબ કે બોન બાને કોલેજની પિકનીકમોં જવું'તું ને સાયેબે ના પાડી એટલે ઇવડા ઇ રિહાઇ ગ્યા... તે શેઠાણીબા એ વચલો રસ્તો કાઢ્યો. તેમણે ભઇ સાયેબને હોત હારે મોકલવાનુ નક્કી કર્યું. પછે શેઠાણીબા ક્યે કે આ છોકરાંવ નથ, તો મારેય પિયર જાવું છે. હવે સાયેબને શેઠાણીબા વગર લગીરેય ચાલે નંઈ, તે શેઠાણીબા યે રિહાયા... છેવટ સાયેબે નમતુ મેલ્યું... તે વળી મુંએ ય દાણો દાબી જોયો... શેઠાણીબા જોડે અંઇ આવ્યા પછી મું પાછો ગોંમ ગ્યો જ નંઈ, એટલે મુંએ ય સાયેબ પાસે તૈણ દાડાની રજા માંગી, પણ સાયેબે ના પાડી દીધી. પછે શું? મું ય રિહાયો અન કીધા વના જ જતો રયો... પણ પછે આ અભાગિયો જીવ બૌ બળ્યો તે મું વેલ્લો પાછો આઇ ગ્યો... પણ આંય આવી ને જોયું તો..."

"તો શું?"

ભીમો આગળ બોલે એ પહેલાં બાથરૂમનું બારણું ખૂલ્યું અને રાઘવેન્દ્ર બહાર આવ્યો. હવે તે સીધો સોફા પર બેઠો. એટલી વારમાં ગાયતુંડે અને સાવંત પણ પોતાનુ કામ કરી પાછા આવી ગયા હતા. એ બંને ઈં.પટેલ સાથે બેડ પર બેઠા અને ભીમો બેડ પાસે નીચે ઊભડક બેસી ગયો.

"સો ઇન્સ્પેક્ટર, વ્હોટ વુડ યુ લાઇક ટુ હેવ? સમ ટી ઓર કોફી?"

"નથિંગ... નથિંગ ઓન ડ્યુટી..."

પછી ઘડિયાળમાં નજર કરી ધીમેથી કહ્યું, "હમણાં ડ્યુટી અવર્સ પૂરા થશે પછી ચા ચાલશે." અને એક હળવું હાસ્યનું મોજું ફરી વળ્યું.

"હા, તો બોલો સાહેબ, આટલા વરસાદમાં આમ અડધી રાત્રે કેમ આવવું પડ્યું?"

રાઘવેન્દ્રએ ફરી એ જ સવાલ પૂછ્યો, પણ આ વખતે તે એકદમ સ્વસ્થ હતો અને શાંતિથી વાત કરતો હતો. ઈં. પટેલે પોલીસ સ્ટેશનમાં આવેલા ફોન થી માંડીને બેડરૂમમાં પહોંચવા સુધીની બધી વાત કરી. સાથે જ તેની પાસેથી માહિતી કઢાવવા માટે સવાલ પૂછવાના ચાલુ કર્યા.

"બીજું બધું તો ઠીક પણ ડોરબેલ વગાડી છતાં દરવાજો ખોલ્યો નહી. ઇવન અમે બેડરૂમની અંદર પહોંચી ગયા છતાં તમને કંઈ ખબર ન પડી!"

"અરે સાહેબ, મેં કહ્યું ને કે મારી ફેમિલી વર્લ્ડ ટુર પર ગઈ છે. ચાર દિવસ પહેલાં જ એ લોકો ગયા ટુર પર. મારાથી બિઝનેસને કારણે જઇ શકાય એમ નહોતું. તો, એ લોકો ત્યાં વેકેશન મનાવે છે અને હું અહિંયા. યુ સી, મને મ્યુઝિક બહુ ગમે. એટલે કાનમાં ઇયરફોન ભરાવી એકદમ મોટા અવાજે મ્યુઝિક સાંભળતા સાંભળતા જ સૂઈ ગયો હતો. ઇન્ફેક્ટ, તમે આવ્યા ત્યારે પણ મ્યુઝિક ચાલું જ હતું. એટલે બની શકે કે અડધી રાત્રે ભર ઉંઘમાં અને મ્યુઝિકનાં અવાજમાં મને ડોરબેલ ન સંભળાઈ હોય."

ઈં. પટેલને તેની વાતમાં તથ્ય લાગ્યું. પછી તેણે રાઘવેન્દ્રના પત્ની અને બાળકો સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

"યા, જસ્ટ અ મિનિટ."

રાઘવેન્દ્રએ પોતાનો મોબાઈલ હાથમાં લેતા કહ્યું. અને મોબાઈલ જોઇ નિરાશાથી માથું ધુણાવ્યું

"બેટરી લો થઈ ગઈ હશે. સ્વિચ્ડ ઓફ છે."

"નો પ્રોબ્લેમ. ટેક માય મોબાઈલ."

ઈં. પટેલે કર્ટસી દાખવી, પણ રાઘવેન્દ્રએ ના પાડી સામો શિષ્ટાચાર દર્શાવ્યો.

"નીચે હોલમાં લેન્ડલાઇન ફોન છે. ચાલો એમાંથી જ વાત કરી લઇએ."

આગળ રાઘવેન્દ્ર અને તેની પાછળ બાકી બધા સીડી ઉતરી હોલમાં આવ્યા. સીડી ઉતરતા દિવાલ પરની દરેક તસ્વીર વિશે રાઘવેન્દ્રએ વિસ્તારથી વાત કરી. જાણે એ ક્ષણોને ફરીથી જીવી લીધી!

"હેલો જાનુ, હાઉ આર યુ?"

ઈં. પટેલે નોંધ્યુ કે રાઘવેન્દ્રએ નંબર ડાયલ કરવાને બદલે એક નંબરનું બટન લોંગ પ્રેસ કરી રાખ્યું હતું. એ સમજી શક્યા કે લેન્ડલાઇનનાં એ લેટેસ્ટ મોડેલમાં સ્પીડ ડાયલની ફેસિલીટી છે, જેથી માત્ર એક નંબર દબાવી રાખવાથી ડાયરેક્ટ કોલ લગાવી શકાય. થોડી વાર સુધી જાનુ, સ્વીટી, હની જેવા મધઝરતાં શબ્દોનો ઓવરડોઝ કરી રાઘવેન્દ્રએ મૂળ વાત શરૂ કરી.

"હની, તેં કોઈને ચોકીદાર તરીકે અપોઈન્ટ કર્યો છે?"

સામેથી જે બોલાયું એ સાંભળીને રાઘવેન્દ્રએ ફરી કહ્યું,

"સ્વીટી, આ જ વાત ફરી કહીશ? અહીં ઈં. પટેલ ઇન્ક્વાયરી કરવા આવ્યા છે. પ્લીઝ, એમના ડાઉટ્સ ક્લીયર કરી દે."

એક સ્મિત સાથે રાઘવેન્દ્રએ રિસીવર ઈં. પટેલ સામે લંબાવ્યું.

"હેલો મેડમ. હાઉ આર યુ? વ્હેર આર યુ?"

ઈં. પટેલે ઉપરાઉપરી સવાલ પૂછવા માંડ્યા.

"ઈઝી ઇન્સ્પેક્ટર, ઈઝી. આઇ એમ ફાઈન. અને મારા હસબન્ડ મિ. રાઘવેન્દ્રએ તમને જણાવ્યું જ હશે કે હું ટુર પર છું."

સામે છેડે જાણે કોયલ ટહુકતી હોય એવો મીઠો અવાજ સાંભળીને ઈં. પટેલનું અડધું ટેન્શન તો એમ જ હવા થઈ ગયું. છતાં સંપૂર્ણ ખાતરી માટે તેમણે આગળ પૂછ્યું ,

"યસ. આઇ નો અબાઉટ ટુર. બટ., અત્યારે એક્ઝેક્ટલી તમારૂં લોકેશન જણાવી શકો?"

"પેરિસ. એન્ડ રાઈટ નાઉ, આઇ એમ ઇન અ કેસિનો. એનીથીંગ એલ્સ?"

"નો મેડમ. એક્ચ્યુઅલી, યસ મેડમ. તમારા કીડ્સ? એ બંને ક્યાં છે? એમની સાથે વાત થઇ શકશે?"

"એ બંને પણ મારી સાથે જ છે. આઇ મીન, અત્યારે દેખાતાં નથી. ક્યાંક એન્જોય કરતાં હશે, પણ છે અહીં જ."

"ઓકે મેમ. થેંક્સ અ લોટ."

ઈં. પટેલે રિસીવર ફરી રાઘવેન્દ્ર તરફ લંબાવ્યું.

"એની મોર ડાઉટ્સ?"

રિસીવર પાછું મૂકતા રાઘવેન્દ્રએ ઈં. પટેલને પૂછ્યું.

"યસ."

રાઘવેન્દ્રને શું રિએક્શન આપવું તે સમજાયું નહી, પણ ઈં. પટેલના ચહેરા પર આવેલા હળવા સ્મિતે તેમને હાશકારાનો અનુભવ કરાવ્યો.

"માય ડ્યૂટી અવર્સ આર ઓવર. તો હું વિચારતો હતો કે ચા કોણ બનાવશે? આઇ મીન ઈટ્સ ટુ અર્લી ફોર અ કુક ટુ કમ."

"એ... હેંડો, ગરમ ગરમ ચાનો ટેસડો કરો સાયેબ, ઓંય હવાર હવારમોં કુણ આવે? મું છું ને... એયને હબડકે હબડકે પીવો એવી ચા છે. પીધા પછી મને યાદ નો કરો ઈ વાતમાં માલ નંઈ."

રાઘવેન્દ્ર અને ઈં. પટેલ ફોનમાં વાત કરવા નીચે આવ્યા ત્યારે ભીમો અને એની પાછળ બંને હવાલદાર સીધા રસોડામાં ગયા હતા. ભીમાએ જે કુશળતાથી ચા બનાવી એ જોઇ બંને હવાલદારને એવુંજ લાગ્યું જાણે ભીમો વર્ષોથી અહીંજ રહેતો હોય અને આ ઘરની બધીજ વસ્તુ તેને ખબર હોય. ચા ખાંડનાં ડબ્બા તો ઠીક, એલચીના ભૂકાની ડબ્બી પણ શોધવાની જરૂર ન પડી!

ભીમાને ફરી નજર સામે જોઈ રાઘવેન્દ્રની નજરમાં થોડી તીખાશ ભળી - ન ભળી ત્યાં તો ઈં. પટેલે એક જ ઘુંટમાં આખો કપ પૂરો કરી હળવો ખોંખારો ખાધો. રાઘવેન્દ્રની દ્રષ્ટિ ભીમા પરથી ખસી ફરી ઈં. પટેલ પર સ્થિર થઈ એટલે એકદમ જનરલ વાત કરતા હોય એ રીતે વાત શરૂ કરી.

"આ એરિયા હમણાં હમણાં ઘણો ડેવલપ થઇ ગયો."

"હં? હા. સિટીમાં તો હવે જગ્યા જ ક્યાં બચી છે?"

"હંમ્. ખરી વાત. આટલી મોટી જગ્યા તો સિટીમાં મળવી મુશ્કેલ. બાય ધ વે, હું પણ વિચારૂ છુ આ બાજુ જગ્યા લેવાનું. તમારી જેટલું મોટું તો નહી, પરંતુ સિટી કરતાં થોડુંક મોટું ઘર હોય, આજુબાજુ થોડી ગાર્ડન જેવી જગ્યા હોય, થોડીઘણી એમેનિટીઝ મળે તો અમનેય કાંઈક જીવવા જેવું લાગે. ઈફ યુ ડોન્ટ માઈન્ડ, તમારૂં ઘર બતાવશો?" ઈં. પટેલ સારી રીતે જાણતા હતા કે જે રીતે એમણે ઘરમાં એન્ટ્રી લીધી છે, એ રીતે પોલીસના રૂઆબથી તો ઘરની તલાશી શક્ય જ નહોતી. આથી એમણે વાતને થોડી ફેરવીને પૂછ્યું.

"આમ તો સમજો ને કે તમે આખું ઘર જોઈ જ લીધું છે. અહીં બેઠા બેઠા ફરતી નજર કરો એટલે આખો ગ્રાઉન્ડ ફ્લોર તમારી નજર સામે. અને ફર્સ્ટ ફ્લોર પણ તમે જોઈ જ લીધો. એની પર રહ્યું ટેરેસ. હવે ટેરેસમાં વળી શું જોવાનું?" રાઘવેન્દ્રના ચહેરા પર અંકાયેલા સ્મિતમાં સ્પષ્ટ નકાર દેખાતો હતો. ત્યાં જ ઉભડક બેસી સબડકે સબડકે ચા પીતા ભીમાએ રકાબી નીચે મૂકી વચમાં ડબકું મૂક્યું,"અરે હોય કાંઈ, સાયેબ. હેંડો, મું બતાવુ આખુંય ઘર. અમાર શેઠાણી બાએ ચેટલી મે'નતથી વસાયવું સે હંધુય. આ ઘરની એક એક વસ્તુની વાંહે એટલી વાર્તાયું સે… એટલી વાર્તાયું સે… કે કે'વામાં આખો દન પૂરો થઈ જાય. હેંડો, આ હામેના રૂમથી જ -"

"ના… "

ભીમો પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ રાઘવેન્દ્રએ ગળું ફાટી જાય એવા અવાજે રાડ પાડી. રાઘવેન્દ્રનુ આવું વર્તન ઈં. પટેલના મગજમાં ઘંટી વગાડવા માટે પુરતું હતું. તેમણે બંને હવાલદારને ઈશારો કર્યો. એ ઈશારાને પારખી જઈને ભીમો પણ સડપ કરતો ઉભો થઈ ગયો. ઉભા થતી વખતે ભીમાએ એક નજર રાઘવેન્દ્ર તરફ જોયું, એ સમયે તેના ચહેરા પર કંઈક ગૂઢ ભાવ ક્ષણભર માટે આવીને અદ્રશ્ય થઇ ગયો, પરંતુ ઈં. પટેલે એ બરાબર પકડી પાડ્યો.

સીડીની જમણી બાજુ રહેલા બંધ દરવાજા પાસે સૌથી પહેલાં સાવંત પહોંચ્યો. તેણે દરવાજો ખોલવાની કોશિષ કરી પરંતુ તે ટસ નો મસ ન થયો. સાવંતની દરવાજો ખોલવાની નાકામ કોશિષ જોઈ ભીમો મોટેથી બોલ્યો, "ઈ એમ નો ખૂલે. ઈની હાટું ઓલું જોવે… સું કે'વાય… સાયેબ, તમે ક્યો ને…"

ભીમાની વાત સાંભળી ઈં. પટેલે રાઘવેન્દ્ર તરફ જોયું. ત્યાં હવે ભય સ્પષ્ટ દેખાતો હતો. ઈં. પટેલે હવે અવાજમાં થોડો કડપ ભેળવી કહ્યુ, "વીલ યુ પ્લીઝ, મિ. રાઘવેન્દ્ર?"

"પણ, એમાં સ્માર્ટ લોક લાગેલો છે. મારી પાસે એનો એક્સેસ નથી. ઓન્લી માય મિસિસ કેન ઓપન ધેટ ડોર."

"અચ્છા! અને એ દરવાજા પાછળ એવું શું છે?"

રાઘવેન્દ્રના ચહેરા પર કાળાશ છવાઇ ગઇ. તેની પાસે કોઈ જવાબ ન હતો.

"એ દરવાજા પાછળ મૃતદેહ છે…" એક પૌરૂષી પહાડી અવાજે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. "એ પણ એક નહી, ચાર." વિસ્ફારિત નેત્રો સાથે ચહેરા પર વિસ્મય આંજીને છ આંખોએ એ જોયું જેની એમને કલ્પના પણ ન હતી. રાઘવેન્દ્રએ બે જ ફર્લાંગમાં ભીમા સુધી પહોંચી એનુ ગળું ભીંસમાં લીધું હતું, એ સાથે જ ભીમાના માથે રહેલી પાઘડી નીચે પડી ગઈ હતી. બધાની ધારણા વિરુદ્ધ એ પાઘડી નીચે વ્યવસ્થિત ટ્રીમ કરેલા મીલીટ્રી કટ વાળ હતા. એ સાથે જ અણીયાળી મૂછો નીચે પડી ગઈ હતી અને એક સ્માર્ટ ક્લીન શેવ ચહેરો દ્રષ્ટિગોચર થયો, જે એના પહેરવેશ સાથે બીલકુલ મેળ ખાતો ન હતો. ઈં. પટેલે તરત જ પોતાની સર્વિસ રિવોલ્વર પર હાથ મૂક્યો, પરંતુ ખાલી હોલ્ડર પર પડેલા હાથનાં જ્ઞાનતંતુઓ મગજ સુધી સંદેશો પહોંચાડે એ પહેલા જ ભીમો બોલ્યો, "રહેવા દો પટેલ, તમારી રિવોલ્વર તો ક્યારનીય આણે… "

ગળા પર ભીંસ વધતા તેના આગળના શબ્દો ગળામાં જ અટવાઈ ગયા. ભીમાએ બંને હાથે રાઘવેન્દ્રનું કાંડું પકડી રાખ્યું હતું જેથી તે વધારે ભીંસ ન આપી શકે. તેણે જોયું કે પટેલ કે એના બંને હવાલદારમાંથી કોઈ તેની મદદે આવી નથી રહ્યુ એટલે મોટેથી 'જય શ્રી રામ' બોલી રાઘવેન્દ્રના કાંડા પર જોરથી કરાટેનો ચોપ માર્યો. રાઘવેન્દ્રની પકડ છુટી ગઈ અને હવે ભીમાના હાથે રાઘવેન્દ્રની ગરદન પર પકડ જમાવી દીધી હતી. પરિસ્થિતિએ 180°નો પલટો મારી દીધો હતો. હજુય બંને વચ્ચે ઝપાઝપી ચાલુ જ હતી. રાઘવેન્દ્રએ પણ ભીમાની જેમ ચોપ માર્યો, પરંતુ તેના વારમાં એટલી તાકાત નહોતી. ભીમો તેની પર ભારે પડી રહ્યો હતો.

"સાયેબ, તમીં ખાલી બંધુકના જોરે જ ઇનિસ્પેક્ટર સવ કે સું? નકર હેંડો, થોડી મદદ કરી દ્યો.. " ચાલુ ઝપાઝપીએ જ ભીમાએ ઈં. પટેલની ટીખળ કરતા એને પાનો ચડાવ્યો. ઈં. પટેલ પણ ભીમાએ આપેલા શોકમાંથી બહાર આવ્યા હોય એમ એની મદદ કરવા ગયા. પોતાના સાહેબને જતા જોઈ ગાયતુંડે અને સાવંત પણ મદદે આવ્યા. ચારેયે મળીને રાઘવેન્દ્ર પર કાબુ મેળવી લીધો. અંતે તેને ખુરશી સાથે બાંધી ચારેય હાંફતા બેઠા એટલે લાગલું જ પટેલે પૂછ્યું, "આ બધું શું ચાલી રહ્યું છે? અને તમે કોણ છો?"

"મું ભીમો… નો ઓઈળખ્યો?" અને બાકીના ત્રણેય હક્કા બક્કા ચહેરા જોઇ તે ખડખડાટ હસી પડ્યો. પછી ખમીસનાં ખીસ્સામાંથી પોતાનું આઇ કાર્ડ કાઢી ઈં. પટેલની સામે ધરી દીધું.

"ભરત એમ. સોલંકી. સીબીઆઈ ઓફિસર."

ઈં. પટેલે એક એક અક્ષર છૂટો પાડીને વાંચ્યું. પરંતુ હજુય કંઈ પલ્લે પડ્યું હોય એવું લાગ્યું નહી એટલે ભીમા - ભરતે વિગતો જણાવવાનું શરૂ કર્યું.

"વાત જાણે એમ છે કે મિ. રાઘવેન્દ્રને થ્રેટ કોલ્સ મળી રહ્યા હતા એટલે એમણે ઉપરથી લાગવગ લગાવીને પોતાનો કેસ સીધો સીબીઆઈમાં આપ્યો. એમની પર વોચ રાખતા રાખતા અમને સમજાયું કે કોઈ બીજું પણ વોચ રાખી રહ્યું છે. એટલે ફોર સેફર સાઈડ, એ બીજી પાર્ટીમાં હું અન્ડર કવર ભળી ગયો. જેથી કોઈ ખતરા જેવું હોય તો જાણી શકાય. અને થયું પણ એવું જ. મિ. રાઘવેન્દ્રની કરોડોની સંપત્તિ પર નજર રાખીને એક પાર્ટી બેઠી હતી. એણે પોતાના એક માણસને પ્લાસ્ટીક સર્જરી કરાવી મિ. રાઘવેન્દ્રનો ડુપ્લીકેટ તૈયાર કર્યો. હવે સમય હતો રિપ્લેસમેન્ટનો. જેવી મારા ધ્યાનમાં આ વાત આવી કે યેનકેન પ્રકારે હું પણ એ ટુકડીમાં જોડાયો. સમી સાંજે સાત વાગ્યા પછી આ આખો વિસ્તાર ભેંકાર થઈ જાય છે. બધા મજૂરો પણ બહાર છેક મેઈનરોડની સાઈડે બાંધેલા શેડમાં જતા રહે છે. એટલે એ સમયે અહીં આવવાનું નક્કી કર્યું. બાકી બધા તો જીપ લઈને આવી ગયા, પરંતુ આ કમબખ્ત વરસાદને કારણે હું એમની સાથે ન પહોંચી શક્યો. મેં કોલ કરીને લોકેશન પૂછ્યું તો બે ગલી આગળ મળવાનું કહ્યું, પરંતુ હું ત્યાં પહોંચ્યો ત્યારે એમનો પતો નહોતો. મને લાગ્યું કે હું વહેલો છુ, એટલે થોડી વાર રાહ જોઉં, પણ ના, હું તો મોડો હતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો, સ્ટ્રીટ લાઈટનો અભાવ અને એમાંય એક સરખી વરસાદની ગાજવીજ, છતાંય ઝપાઝપીનો હળવો અવાજ મારા કાને પકડી પાડ્યો. હું તરત જ અહીં આવવા નીકળ્યો, પરંતુ કાદવને કારણે લપસણી થયેલી જમીન નડી ગઈ. એટલો જોરદાર લપસ્યો કે કળ વળવામાં પૂરી પાંચ મિનિટ નિકળી ગઈ. એ પાંચ મિનિટ બહુ મોંઘી પડી. અહીં પહોંચ્યો ત્યાં મેદાન સાફ થઈ ગયું હતું. એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર વરસાદનો ઘોંઘાટ, અને દૂર સરી જતી ધીમી ઘરઘરાટી."

"પણ બહાર તો કોઈ ટાયરના નિશાન નથી!"
ગાયતુંડેએ પોતાનુ ઓબ્ઝર્વેશન જણાવ્યું.

"આ વરસાદ ખાલી બહાર જ પડે છે કે તમારા દિમાગમાં પણ પડે છે? આવા ધોધમાર વરસાદમાં બધું જ ધોવાઈ ગયું હોય ત્યાં ટાયરનાં નિશાન ક્યાંથી ટકે?"

પોતે કંઈક ગજબનો ક્લ્યૂ પકડી પાડ્યો હોય એવા ગુમાનમાં ખીલી ગયેલો ગાયતુંડેનો ચહેરો પાછો ઢીલો પડી ગયો. તેને સમજાતું નહોતું કે ઈં. પટેલ જેવા બાહોશ ઓફિસર આ માણસની બધી વાત આટલી ધીરજથી કેવી રીતે સાંભળી રહ્યા છે?

બોલતા બોલતા જ ભરત પોતાની જગ્યાએથી ઉભો થયો અને પેલા બંધ દરવાજા પાસે જઈને તેનું અવલોકન કરવા માંડ્યો. પરંતુ તેની આટલી વાતથી ઈં. પટેલને સંતોષકારક સમાધાન ન મળ્યું.

"તો પછી આ ભીમાનું નાટક?"

"જે રીતે એ લોકોએ મને દૂર રાખ્યો એ પરથી મને સમજાઈ ગયું કે મારું કવર ક્રેક થઈ ગયું છે. એમને મારી પર શંકા પડી છે. એટલે હવે સામે જવામાં શાણપણ નહોતું. મેં બાર વાગવાની રાહ જોઇ પછી રસોડાના બેકડોરથી એન્ટ્રી લીધી અને આખા ઘરની તપાસ કરી. બધા રૂમ ખાલી હતા. બસ, માસ્ટર બેડરૂમમાં આ બની બેઠેલો રાઘવેન્દ્ર ઉર્ફે બબલુ ઘોરતો હતો. બસ એક આ રૂમ મારાથી ખૂલ્યો નહી. જોકે, મને ખ્યાલ હતો કે આટલા મોટા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટના ઘરમાં એકાદ તો આવો સ્ટ્રૉંગ રૂમ હશે જ, જેનો એક્સેસ માત્ર રાઘવેન્દ્ર પાસે જ રહેતો હશે."

"એન્ડ વાય ડુ યુ થીંક કે રાઘવેન્દ્ર એન્ડ ફેમિલી એ રૂમમાં કેદ છે?" ઈં. પટેલ હજુય અસમંજસમાં હતા.

" સિમ્પલ લોજિક, માય ડિયર ફ્રેન્ડ." ભરતે જમણા હાથની તર્જની લમણાં ઉપર હળવેકથી ઠપકારી."એક તો, એ ગેંગને હું બરાબર સમજુ છુ. એ લોકો રાઘવેન્દ્રની ડેડબોડી સાથે લઈ જવાની ભૂલ ક્યારેય ન કરે. બીજું કે, ઘરનું બીજું કોઈ દેખાતું નથી. મતલબ કે એ લોકોએ આ બબલુ રાઘવેન્દ્રની ઓળખ પકડી પાડી હશે, એટલે એ બધાને પણ… એન્ડ યસ, ઘરમાં જ આટલો અભેદ્ય સ્ટ્રોંગ રૂમ હોય તો કોઈ બહારનું જોખમ શું કામ લે? બીજું કે બબલુ રાઘવેન્દ્રનો ખાલી ચહેરો જ નહી, ફિંગરપ્રીંટ પણ કોપી કરેલા છે, જેથી આગળ જતાં આઇડેન્ટિફિકેશનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. આખરે બધી પ્રોપર્ટી પર હક જમાવવા માટે એ અનિવાર્ય છે."

"સો નાઉ, આ દરવાજો કઈ રીતે ખુલશે? કંઈ સમજાયું?" પટેલ પણ દરવાજાનું નિરિક્ષણ કરી રહ્યા, પરંતુ દરવાજા અને લોકની બનાવટ પલ્લે પડતી નહોતી. "એમાં આપણે સમજવાની શું જરૂર છે? આ છે ને બબલુ રાઘવેન્દ્ર પહેલવાન." ભરતે અધમરી હાલતમાં ખુરશી પર બંધાઈને પડેલા એ શખ્સ તરફ એક ઉપહાસભરી નજર નાંખી.

"ઓય સાંડુ પાંડુ… "
ભરતે મોં વકાસીને માથું ખંજવાળી રહેલા બંને હવાલદારને ભળતાં જ નામે બોલાવ્યા એટલે એ બંને જાણે કરંટ લાગ્યો હોય એમ એકદમ ટટ્ટાર થઈ બોલ્યા,"કોણ સાંડુ પાંડુ? મી ગાયતુંડે આહે."
"આણિ મી સાવંત." ભરત અને પટેલ બંનેના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું.

"હા તો મિ. ગાયતુંડે આણિ મિ. સાવંત, એક કૃપા કરશો? પેલા મમરાના કોથળાને અહીં આ દરવાજા સુધી લઈ આવશો?"

આદેશનું પાલન કરતાં બંને બબલુ રાઘવેન્દ્ર તરફ આગળ વધ્યા. એ સાથે જ સાવંતે કોણી મારી ગાયતુંડેને કાનમાં કહ્યું, "પણ આ આખું ઘર આનું જાણીતું હોય એમ ન લાગ્યું? જોયું નહી રસોડામાં, એકેએક વસ્તુ ક્યાં છે એ એને ખબર હતી. અને ઉપર રૂમમાં બાથરૂમનો દરવાજો… "

એકદમ ધીમા અવાજે થયેલી આ ગુસપુસ પણ ભરતના કાનથી બચી ન શકી. નીચેનો હોઠ અંદર ખેંચી એક તીણી સિસોટી મારી એકદમ અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં તેણે કહ્યું, "સિર્ફ એક નઝર કાફી હૈ પૂરા તામઝામ સમઝને કે લિયે, હમને તો ફિર ભી યહાં તીન ઘંટે ગુઝારે હૈ, હંઈ!"

હવે ઈં. પટેલ બધા આંચકા પચાવી પાછા પોતાના ફોર્મમાં આવી ગયા હતા.

"તમારી બધી થિયરી સમજાઈ, પણ આ ભીમો હજુય ગળે ઉતરતો નથી."

ભરતે એક આઈબ્રો ઉંચી કરી પટેલ સામે જોયું અને પૂછ્યું,"વરસતા વરસાદમાં અડધી રાત્રે ત્રણ વાગ્યે તમને અહીં બોલાવવા હોય તો મારે બીજું શું કહેવું જોઈએ? મેં સિમ્પલી અહીં આવવાનું કહ્યું હોત તો તમે આવત ખરા? અને આ બધી કથા ફોનમાં કેવી રીતે સમજાવત?"

"હંમ્… પણ, એઝ યુ સે, રાઘવેન્દ્ર ખરેખર બનાવટી હોય તો મિસિસ રાઘવેન્દ્ર સાથે થયેલી વાત! અને નીચે ઉતરતી વખતે દરેક ફોટા પાછળની કહાની આખી સંભળાવી તે…. "

"તમે ખરેખર ઇંસ્પેક્ટર જ છો ને? કે પછી આ સાંડુ પાંડુની લેવલમાં જ?"

ઈં. પટેલના ચહેરા પર થયેલો ભાવપલટો વધુ તીવ્ર બને એ પહેલાં જ ભરતે સ્પષ્ટતા આપી,"અરે ભાઈ, તમે મિસિસ રાઘવેન્દ્ર સાથે કેટલામી વાર વાત કરી? તમે ઓળખો છો એમનો અવાજ? અને એ બધા ફોટા પાડ્યા ત્યારે તમે સાથે હાજર હતા? જાણે બધા ફોટાની સ્ટોરી તમને ખબર હોય એમ બોલો છો. હં! કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના… "

ભરતે કરેલો વ્યંગ આકરો લાગ્યો હોય એમ ઈં. પટેલે મોટેથી બૂમ પાડી,"એય સાંડુ પાંડુ… " પછી પોતાની ભૂલ સમજાઈ હોય એમ ફરી બોલ્યા,"ગાયતુંડે, સાવંત, એક ભેંસના પોદળા જેવા ઢીલાઢફ માણસને દસ ડગલાં દૂર લઈ જવામાં કેટલી વાર લાગે?"

દરવાજાથી બસ બે કદમ દૂર બંને હવાલદારને ઈં. પટેલનો આ ઢંગ ન ગમ્યો એટલે એમણે બબલુને ત્યાંજ પડતો મૂકી દીધો. એને ઢળી પડતો જોઈ ભરત અને પટેલ બંને સાથે દોડ્યા અને ટેકો આપી પકડી લીધો. પટેલે એક ગુસ્સાભરી નજરે એ બંને સામે જોયું પરંતુ સામે પક્ષે પણ નારાજગી જ દેખાઈ એટલે મોં ફેરવી ધ્યાન બબલુ પર કેન્દ્રિત કર્યું. બંનેએ ટેકો આપી બબલુને દરવાજા સુધી પહોંચાડ્યો એટલે ભરતે બબલુનો ડાબો હાથ ઉંચો કરી દરવાજાની બાજુની દિવાલે એક ચોક્કસ જગ્યાએ રાખ્યો, એ સાથે જ એક ધીમી બઝર વાગી અને દરવાજાની મધ્યમાં નાનકડી લાલ લાઈટ લબકઝબક થઈ. એ સમયે બબલુનો ચહેરો એ લાઈટ સામે રાખતા આખો ચહેરો સ્કેન થયો અને ખટ્ટ અવાજ સાથે દરવાજો ખૂલી ગયો. સ્હેજ હડસેલો મારી આખો દરવાજો ખોલ્યો તો અંદર બેંકના લોકર જેવી રચના હતી. લાઈનસર ઘણા બધા કબાટ હતા અને દરેક કબાટના મળીને અગણિત નાના મોટા ખાના હતા. પરંતુ ક્યાંય કોઈ ડેડબોડી દેખાયું નહી. વળી, એકેય ખાનું પણ એવડું નહોતું જેમાં આખેઆખો માણસ સમાઈ શકે.

હવે ઈં. પટેલે એક ઉપહાસભરી નજરે ભરત સામે જોયુ, પરંતુ એની નજર તો રૂમની ઈંચેઈંચને માપી રહી હતી. તે ધીમે પગલે આગળ વધ્યો અને છેક સામેની બાજુ છેલ્લા કબાટ પાસે પહોંચ્યો. આ કબાટ બે ભાગમાં વહેંચાયેલો હતો. બસ, તેણે થોડી મહેનત કરી અને સૌથી નીચેના ખાનાની પણ નીચે એક કળ મળી આવી. એ દબાવતા જ અડધો કબાટ થોડો ખસી ગયો અને એક 2*2ની ટાઇલ્સ જેટલી જગ્યા ઉપસી આવી. તેને ખસેડતાં જ નીચે બેઝમેંટમાં જવાનો રસ્તો ખૂલી ગયો. હવે વિજયી સ્મિત આપવાનો ભરતનો વારો હતો. આ સમયે ઈં. પટેલે પણ નજરથી જ ભરતને શાબાશી પાઠવી દીધી.

બેઝમેંટમાં નીચે ઉતરતા જ રાઘવેન્દ્ર સહિત તેનો આખો પરિવાર મળી આવ્યો. કમનસીબે હવે કોઇમાં પ્રાણ બચ્યા ન હતા. ફરી એકવાર ભરત અને પટેલની નજર મળી, પરંતુ આ વખતે બંનેમાં એક સમાન લાગણી હતી.

"ગાયતુંડે, એમ્બ્યુલન્સ બોલાવો." ઇ.પટેલે ફટાફટ પરિસ્થિતિ પોતાના કંટ્રોલમાં લેવા માંડી. "સાવંત, પંચનામું તૈયાર કરો. અને મિ. ભરત, એ ગેંગનો સફાયો કરવા માટે અમને તમારી જરૂર પડશે. હોપ યુ વીલ કો-ઓપરેટ."

ઈં. પટેલે લંબાવેલા દોસ્તીના હાથમાં ભરતે પોતાનો ઉષ્માસભર હાથ મૂકી નવી દોસ્તીના મંડાણ કરી જ દીધા. અને એ દોસ્તી પર મહોર મારતા વાદળોએ જોરદાર ગડેડાટી બોલાવી અને આ બંનેની જોડી ભવિષ્યમાં કેવા કેવા પરાક્રમો કરશે એ જાણવા આતુર વરસાદ પણ વધુ જોશમાં વરસવા માંડ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ