વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભ્રમણાનું મોત..

"વાહહહહ......બ્યુટિફૂલ.....લુકિંગ ટૂ મચ બ્યુટિફૂલ..આજે લગ્ન ભલે તારી ભાણી વિનીનાં હોય પણ બંને પક્ષની બધી સ્ત્રીઓ કરતાં, અરે કદાચ વિની કરતાં પણ તું...." અલય આગળ બોલે તે પહેલાં જ આસ્થા તેનો હાથ ખેંચી બોલી, "અરે, ચાલો હવે મોડું થઈ જશે. વિની પાર્લરેથી આવતી જ હશે. મને નહીં જૂએ તો તેને નહીં ગમે." 


અલય તો મોહિની પામેલ અવસ્થામાં જ આસ્થા પાછળ ઢસડાયો. હોટલ ફર્ન ઇનમાં રૂમ નંબર 303માંથી બંને બહાર નીકળ્યાં ત્યાં સામે જ તેને લેવા દીકરો તન્મય અને દીકરી જૂહી આવતાં હતાં. બંનેએ માને કાયમ સુંદર તો જોઈ હતી પણ આજે તો આસ્થા ખરેખર કોઈ પટરાણી હોય તેવી લાગી રહી હતી. ઘાટા મરૂન રંગની સાડી પર અલયે મઢાવેલી સોનાનાં ઘરેણાંથી ભરચક સોહામણી આસ્થા પરથી કોઈની નજર  હટતી ન હતી. મિતભાષી તન્મયની આંખોએ માનાં વખાણ કરી લીધાં તો બટકબોલી જૂહી તો બોલી જ પડી,"મમા...તને જોઈ આજે લોકો ડેડની ઈર્ષ્યા કરશે હો...એ પાક્કું!"


"હા...સારું..સારું..ચાલો હવે વિની રાહ જોતી હશે." આસ્થાએ વાત ટૂંકાવી. 


ધામધૂમથી વિનીનાં લગ્નનો પ્રસંગ પૂર્ણ કરી સૌ ઘરે આવ્યાં. સાદી છતાં સુંદર દેખાતી, ઉંમરને જાણે પાછળ ઠેલી હોય તેવી આસ્થા અમુક પ્રસંગોમાં ખાસ તૈયાર થાય ત્યારે તેની રોનક વધી જતી. અલયને આસ્થા દરેક વખતે સરસ લાગે તે વાતનું ખાસ્સું મહત્ત્વ હતું તે  આસ્થાથી છાનું ન્હોતું. કદાચ એટલે જ તે પોતાના દેખાવ બાબતે વધારે સજાગ રહેતી.  


સંયુક્ત પરિવારનાં દરેક સભ્યની રોજિંદી જિંદગીનું અભિન્ન અંગ હતી આસ્થા!અલયનાં મમ્મી-પપ્પા, કુટુંબીઓ, સંતાનો અરે, સગાં-સંબંધીઓ તેમજ મિત્ર-મંડળ દરેક લોકો માટે આસ્થા કોઈ ને કોઈ રીતે અનિવાર્ય હતી!


"આસ્થા મહેરબાની કરી મારા ઓફિસે જવાનાં સમયે તારો રોવા-ધોવાનો પ્રોગ્રામ બંધ રાખવો. હું જાવ  પછીની આઠ-દસ કલાક એ જ તો કરવાનું તારે!" આસ્થાનાં હૃદયને છેક સુધી વીંધતા શબ્દો તેને વિનીનાં લગ્ન વખતની પોતાની સુંદરતા પરની અલયની વાતોની યાદ અપાવી દીધી. તે બેડરૂમનાં ખૂણામાં રાખેલી પોતાની અલાયદી શેટીમાંથી સખત નબળાઈને લીધે માંડ વોશરૂમ સુધી પહોંચતી. આસ્થા જે આદમકદનાં અરીસામાં પોતાને જોઈ હરખાતી તેનો હવે કરવો પડતો સામનો તેને પીડાની પરાકાષ્ટાએ લઈ જતો. માંડ શેટી સુધી પહોંચીને ધબ કરતી ફસડાઈ ગઈ. ફરી એ જ ભૂતકાળે તેને ભરડામાં લીધી. 


વિનીનાં કાકાજીનાં અમેરિકા રહેતા દીકરાને જૂહી ગમી ગઈ. છ મહિનામાં તો તે વિહાન સાથે અમેરિકા ઊડી ગઈ. જે એનું નાનપણથી સેવેલું  સપનું હતું. તન્મય માસ્ટર્સ કરવા જર્મની ગયો. આસ્થાને જાણે થોડું પોતાના માટે જીવવા ઢળતી સંધ્યાએ સમય મળ્યો. 


"કેમ આજે આટલી ઉદાસ છો? માએ કશું કહ્યું ફરી!" અલયે ટિફિન પેક કરતી આસ્થાને પૂછ્યું.


"ના...ખાસ કંઈ નહીં. માથું દુખે છે." કહી તેણે  વાત ટાળી દીધી. અલયનાં ગયાં પછી આસ્થા ફરી બેડરૂમમાં ગઈ. દરવાજો લોક કરી પોતાને જાતે તપાસી. હા...આ તો એવી જ ગાંઠ છે, જે મેં અખબારમાં આવેલી કૉલમમાં વાંચેલી. આસ્થાને અંદર સુધી એક શેરડો પડી ગયો. ક્યાંક મને..! ગાંઠની પીડા હજુ થાય તે પહેલાં મનની અંદર કેટલીય વેદનાઓ એક સામટી ગૂંથાવા લાગી. રોગની ભયાવહતા કે ઈલાજનાં વિચારને બદલે આસ્થાને પોતાની કુરૂપતાનાં કમકમા આવી ગયાં. 


અલયને કશું કહ્યું નહીં. પોતે નાનપણની સહેલી અંજુને ફોન કર્યો. જે તેની મમ્મીનાં ઘર પાસે રહેતી અને મુંબઈથી એક મહિના માટે આવેલી. કેન્સર હોસ્પિટલનાં પગથિયાં ચઢતાં તેને પગ પર મણ-મણનાં પથ્થરનો ભાર લાગ્યો હતો. આખરે પોતે જે સ્વ-પરિક્ષણમાં અનુભવ્યું તે સાચું ઠર્યું. પોતે સ્તન-કેન્સરનાં ત્રીજા તબક્કે ઊભી હતી. આગળની સારવાર વિષે, ભયસ્થાન વિષે અને 'તમારા પતિ સાથે નથી આવ્યાં?' ની તમામ વાતો આસ્થાનાં પીડાથી બધિર કાન સુધી જાણે પહોંચી ન્હોતી શકતી તેમ તે જડવત્ બેઠી રહી. અંજુએ ત્યારે બધું સંભાળી લીધું પણ પછી ખુદને ન સંભાળી શકી. 


બહાર નીકળી ડોક્ટરની હાજરીમાં આંખો પર બાંધેલ બંધની પાળ તૂટી ગઈ. અંજુ રડી, એટલે કે આસ્થાની બચવાની શક્યતા ઓછી હતી. આસ્થા રડી એટલે કે મોત તો તેનાં સમયે આવીને ઊભશે પણ ત્યાં સુધીની જિંદગી? કિમોથેરપી, રેડિયેશન સારવાર, ઓપરેશનથી એ અંગ દૂર કરવું... આ બધા વિચારોથી તેની ભીતર ભયનું લખલખું ફરી વળ્યું. અંજુએ ખોખલું આશ્વાસન આપ્યું પણ તે આસ્થાને હતું કે ખુદ ને એ સમજાતું ન્હોતું!


એ પછીનો સમયગાળો જિંદગીભરની ખુશીઓને ભ્રમણા સાબિત કરતો રહ્યો. એક પછી એક સંબંધોનાં ચહેરા પરથી એમ નકાબ ઉતરી રહ્યાં હતાં જાણે ઓપરેશન પછી કિમોની આડઅસર રૂપે આસ્થાની રેશમીવાળની લટો ઊતરતી હતી. નિસ્તેજ ચહેરો જોવાની હિંમતનો અભાવ હોય એમ હવે જૂહી અને તન્મયનાં શરૂઆતમાં વીક એન્ડમાં આવતાં વીડિયો કોલ નહીંવત્ થયાં હતાં. 


"એક અઠવાડિયા માટે ટ્રેનિંગમાં જાવ છું." પોતાની બેગ પેક કરતાં એક દિવસ અલયે કહ્યું. જાણે સામે નજર મેળવવાથી આસ્થાની નિસ્તેજ આંખોનાં તેજથી બળી જવાનો હોય એમ કહીને અલય ચાલતો થયો. આસ્થાનાં કાન તરસી રહ્યાં કે 'દવા બરાબર લે જે' એમ પણ કહે પણ એવું ન થયું. અલયનાં ભરાતાં ડગલાં સાથે આસ્થાએ પણ અવહેલનાથી જાણે મોત તરફ પગલાં માંડ્યા.


"આસ્થા"..."આસી"..."મમા".."મોમ".."ભાભી"નાં સંબોધનથી થતાં પોકારો હવે બંધ હતાં. રસોઈ અને અન્ય કામો માટે બાઈની વ્યવસ્થા થઈ ગઈ હતી. આસ્થા નામક મશીન પરથી સૌની આસ્થા હવે ઓછી થઈ ગઈ હતી. બાર કિલો વજન ઓછું થયું તે સાથે મન પર બાર મણનું વજન વધી ગયું. શરીર દવાઓનો સ્વીકાર ન્હોતું કરતું કેમકે આસ્થાની જીજીવિષા ખતમ થઈ ગઈ હતી. 


અલય ગયાં તે દિવસે જાણે તેને અવગણનાનો તાપ ઓછો થતાં શરીર અને મનની બળતરામાં રાહત થઈ હતી! તેને શ્રાવણનો સોમવાર યાદ આવ્યો. એમ થયું કે આજે તો હિંમત કરી શિવાલય જઈ આવું. મરતાં પહેલાં એકવાર તો..!


"વીણા માસી, મને એક રિક્ષાની વ્યવસ્થા કરી આપો ને! શિવાલય સુધી જવું છે." આસ્થાએ બાઈને કહ્યું.

"પણ બેટા, તમારી તબિયત..હું આવું સાથે?"

"ના, મેં દવા લીધી છે. સારું છે. આમ પણ મમ્મી-પપ્પા ચાર દિવસ મોટાભાઈની ઘરે છે. 'એ' પણ નથી. તમે ઘર સંભાળો, હું કલાકમાં આવી જઈશ."


શ્વાસને આટલું બોલતાં પણ થાક લાગ્યો પણ મનમાં એક ઉત્સાહ હતો એકલતાને એકાંતમાં તબદિલ કરી ઘણાં વખતે થોડું સુકૂન મેળવી જીવવાનો! વીણામાસીએ જતા-આવતાની રિક્ષા બાંધી દીધી. આસ્થાએ લીલી બાંધણી પહેરી. માથા પર દુપટ્ટો વીટીને જાણે રોગની વેદનાને ઢાંકી દીધી.


પંદર મિનિટ પછી તે શિવાલયની સામે હતી. જાણે પરદેશથી દીકરી માવતર આવી હોય તેમ થનગનતી હતી. શિવ મિલન સુધી પહોંચવા માટે હજુ પાંચ પગથિયાં ચડવાનાં હતાં. આસ્થા ધીમા ડગ ભરતી ત્યાં એક ઓટલા પર બેસી ગઈ. ચડતી વખતે ચક્કર આવશે તો? શિથિલ થઈ ગયેલી શક્તિઓ ઉપર ન ચડવા મન પર દબાણ કરતી હતી. તેની આંખો તગતગી ને બંધ થઈ ગઈ. એક આંસુ સર્યું પણ હિંમત કરી ઊભી થઈ. પગથારની થાંભલીનો ટેકો કર્યો. ડગમગતાં પગને આસ્થાએ દર્શનની લાલચ આપી બે પગથિયાં  આગળ ધકેલ્યાં પણ ત્રીજા પગથિયે પગે સમતોલન રાખવાની ના પાડી દીધી. તો પણ તે પડી નહીં! 

"આસુ, તું!" તેને જે બે મજબૂત હાથનો આધાર મળ્યો હતો તેની નજરોમાં અચરજ અંજાઈ ગયું.


આ નામથી તો પોતાને એક જ માણસ બોલાવતો, તુષાર. આસ્થાએ તેની સામે જોયું. પચીસ વર્ષે માંડ ઓળખાયો. એ તો એવો જ હતો. રાખોડી આંખોમાં અગણિત સપનાં સાથે લઈ ફરતો તુષાર! પણ હવે પોતાની નજર પણ કમજોર હતી. માથેથી દુપટ્ટો સરી ગયો. માંડ પિન અપ કરેલી સાડીનો પાલવ પણ દગો દઈ ગયો ને આસ્થાની આંખોમાંથી શરમજનક સ્થિતિએ નીકળી ગયેલી દગાબાજ બુંદોની ખારાશથી તુષારનો સક્ષમ હાથ પણ આછી ધ્રુજારી પછી ચચરી ગયો. કશું બોલ્યા વગર તે આસ્થાને મંદિરનાં ગર્ભગૃહ સુધી લઈ ગયો. તેને પોતે સાથે લાવેલ દૂધ, બિલ્વ પત્ર, ચંદન, ગંગાજલથી શિવ પૂજા કરાવી. તુષારની હૂંફમાં એક અજબ શક્તિનો સંચાર થયો હોય તેમ આસ્થા સ્વપ્નવત્ બધુ કરતી રહી. તુષારની આંખોમાં આસ્થા વિષાદની રેખાઓ અંકાયેલ જોઈ શકતી હતી. 


"આસુ, તને એક વાત કહું? તું અને તારું હૃદય બંને એટલાં  ખૂબસુરત છે કે તારી સાથે જેનાં લગ્ન થશે તે પુરુષની કિસ્મતની સૌ અદેખાઈ કરશે હો." તુષારે કોલેજેથી પાછાં ફરતાં છેલ્લા દિવસે બસમાં આસ્થાને કહેલું. તુષારની લાગણીઓ ન સમજે એટલી નાદાન તો આસ્થા ન હતી પણ પરનાતનાં છોકરા સાથે પોતાના લગ્ન કરાવવાને બદલે ભાઈ પોતાને કે એ છોકરાને મારી નાખે તેમ હતો. 


"આસુ, ચાલ થોડીવાર બેસીએ અહીં તને વાંધો ન હોય તો." તેણે હાથ લંબાવ્યો. આસ્થાએ કદીક એ લંબાવેલ હાથનો સાથ મજબૂરીમાં નહોતો સ્વીકાર્યો. આજે કોઈની પત્ની હતી પણ મજબૂરીમાં જ એ હાથનો સાથ સ્વીકારી લીધો.


તુષારનાં આધારે શરીરને જાણે ઉર્જા મળી ગઈ હોય તેમ ઝડપથી એક ખૂણામાં ગઈ. તેણે આસ્થાને થાંભલાનાં ટેકે બેસાડી. તુષારની આંખોમાં અઢળક સવાલો હતાં પણ જીભ કશું બોલવા તૈયાર ન હતી. કેમકે તેનાં જવાબો સ્વીકારતા તેનું મન ડરતું હતું. 


"આસુ, આ શું હાલત કરી છે તે તારી?" બોલતા જ તુષારને ગળે ડૂમો બાઝ્યો. 


"તુષાર, મેં નહીં મારી તકદીરે! ખબર નહીં હવે મારી પાસે કેટલો સમય બચ્યો છે પણ જે બચ્યો છે તેમાં મારું મન ઠલવવાની એક અદમ્ય ઝંખના હતી. આજે આ શિવાલયમાં હું મારા એ સવાલ શિવને પૂછવાની હતી પણ તે કદાચ ડરી ગયાં હશે એટલે તને મોકલી દીધો." આસ્થાને હવે વધુ બોલીને પણ થાક લાગતો હતો. તુષાર તેના માટે પાણી ભરવા ગયો. મંદિરનાં વોટર કૂલરમાંથી એક ગ્લાસ ભરી તેણે આસ્થાને આપ્યું. 

"તારી તબિયત મને જરાય સારી નથી લાગતી આસુ, પ્લીઝ તું ચાલ. હું તને ઘરે કે ડોક્ટર પાસે.." તુષારનો અવાજ ભારેખમ બન્યો. આસ્થાનું ભારેખમ હૃદય હળવાં થવાની મથામણમાં શબ્દો શોધી રહ્યું. 


"તુષાર, આજે મને રોકીશ નહીં. બાળક જન્મે તે સાથે બંધમુઠ્ઠીમાં આયુષ્ય રેખા લઈને જન્મે છે. જિંદગીભર દોડતાં, ભાગતા કે હાંફી જતાં માણસનો અંતિમ પડાવ મૃત્યુ નામનું સત્ય છે. આ કોણ નથી જાણતું? તેમ છતાં શા માટે માણસ પોતાની ભ્રાંતિની જાળમાંથી બહાર નહીં આવી શકતો હોય? જે સંબંધને તે શ્વાસ ગણે તે જ સંબંધ તેનાં વજૂદને કેમ રૂંધી નાખતો હશે? મને મારા મોતનો ડર નથી. કદાચ હવે આજે રાતે આવે તો.." 

"આસુ, ચૂપ થઈ જા. પ્લીઝ!"

"નહીં તુષાર,  મેં આ આઠ મહિનામાં જિંદગીની એ કુરૂપતાને જોઈ લીધી, અનુભવી લીધી કે મારી ભીતર જીવતી ભ્રમણાનું મોત થઈ ગયું. આસ્થા તો અરીસાની નજરમાંથી ઊતરી ગઈ ત્યારથી જ જાણે મરી ગઈ હતી પણ મને ઊંડે-ઊંડે એક અપેક્ષા હતી કે જેમનું જીવન મેં મહેંકાવ્યું તે મારા મૃત્યુ સુધીની સફર સરળ તો બનાવે! શું મારું એક અંગ ઓછું થયું તો મારું સ્ત્રીત્વ પણ ચાલ્યું ગયું? શું મારા રેશમી વાળ ખરી ગયાં તો મારી સુંદરતા સાથે મારું અસ્તિત્વ પણ આથમી ગયું? મારું કોઈ અંગ કેન્સરગ્રસ્ત બન્યું તો મારી અંદર વહેતું મમતાનું ઝરણ પણ સૂકાઈ ગયું એમ માની લેવાનું? મારું મુલ્ય માત્ર મારા દેખાવ થકી?" આસ્થાની આંખો દરિયો બની. તુષારે તેને રડી લેવા દીધી. પછી તેની માથે હાથ ફેરવી કહ્યું, "ખૂબ પ્રેમ કરું છું તને આસુ, ખુદથી પણ વધારે. આજે પણ. આ સ્વરૂપે પણ. મેં લગ્ન નથી કર્યાં. ચાલ તું, બચેલી જિંદગીને સાથે જીવી યાદગાર બનાવી દઈએ."


આસ્થાનાં ચહેરા પર અચાનક સ્મિત પથરાઈ ગયું. આંખો ચમકી ઊઠી. તે બોલી,"તુષાર,  તે મને આટલી પવિત્ર રીતે ચાહી તે જોઈ મારો તમામ વલવલાટ શાંત થઈ ગયો. મને કોઈ માત્ર શરીરથી નહીં પણ મારા મનને ઉત્કટતાથી ચાહી શકે છે તે સુકૂન આપી તે મારા મોતને પણ ઉત્સવ બનાવી દીધું. આ આપણી અંતિમ મુલાકાત છે. મારા આ સુકૂનનાં સ્મરણોને મારે જીવંત રાખવા છે. હું તે મારા સ્ત્રીત્વને આપેલાં આ સન્માનને કદી મરવા નહીં દઉં." એક અદ્દભૂત શક્તિનાં બળે આસ્થા ધીમા છતાં મક્કમ ડગલાં ભરતી પાંચે પગથિયાં ઉતરી ગઈ! રિક્ષામાં બેસી અદ્રશ્ય થતી આસ્થાને તુષાર ધૂંધળી નજરોમાં ભરી રહ્યો. 


તે રાતે આસ્થા નવોઢાની જેમ તૈયાર થઈ. વીણામાસી હૉલમાં સૂતા હતાં. 

"આસ્થાબેન, ઉંઘની ગોળીઓ તમારા માટે હિતાવહ નથી પણ જો બે રાત સતત ઉંઘ ન આવે તો તે પણ સારું નહીં. માટે આ એક ટેબલેટ અનિવાર્ય હોય ત્યારે લેવી." ડોક્ટરનાં શબ્દો યાદ કરતી આસ્થાનાં ચહેરે ફરી એક સ્મિત ફરી વળ્યું. તેણે બોટલ ખોલી. એક ગ્લાસ પાણીમાં બધી ગોળીઓ ઓગાળી દીધી. પછી એક શ્વાસે આખો પ્યાલો ગટગટાવી સુકૂન સાથે સૂઈ ગઈ!


જાગૃતિ, 'ઝંખના મીરાં'...

 




 



    







  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ