વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જડબાતોડ - તાબડતોબ

વિષય -1 કપોળકલ્પિત

**

"હેં...! આ ઉંમરે દૂધિયા દાંત...!"

વાણીની વાત સાંભળ્યા પછી થોડું ચોંકીને ત્યાં ઉભેલા બધાના મોંમાંથી અનાયાસે આ એક જ ઉદ્દગાર નીકળી ગયો. પણ પછી નાનકડી સુઝીનું તો છોડો પણ બા બાપુજી પણ ખી... ખી... ખી... કરતાં હસી પડ્યા.

"અચ્છા..., તો તમને લોકોને આ મજાક લાગે છે..?" 

બે દાંત પડી ગયા પછીનો એક તરફથી વાંકો થઈ ગયેલો ચહેરો વધુ બેડોળ ન લાગે એ રીતે તન્મય ડાબી બાજુના ગાલ અને દાઢીના ભાગને હાથથી ઢાંકી દેતા બોલ્યો. પણ જેમ લાખ પ્રયત્નો પછી પણ સત્ય છુપાવી શકાતું નથી એમ હાથ ઢાંક્યા પછી પણ તરડાયેલો ચહેરો તન્મયની બદસૂરતીની ચાડી ખાઈ રહ્યો હતો.

"અને.. વાણી.., બોલતા પહેલા તું કંઈ વિચારી લેતી હોય તો..?" તન્મય વાણીની સામું જોઈને ગુસ્સાથી બોલ્યો.

જોકે રોજ બોલાઈ જતા આ એકના એક વાક્યની વાણીની ઉપર હંમેશની જેમ જ કોઈ અસર થઈ નહોતી.

"તન્મય, એમાં મારો શો વાંક..? દૂધિયા દાંત કોઈપણ જાતના દુઃખ દર્દ વગર આ રીતે જ પડે એટલે મેં કીધું. યાદ છે સુઝી નાની હતી ત્યારે એના પણ આ જ રીતે ત્રણ દિવસમાં ત્રણ દાંત પડી ગયા હતા." વાણીએ બચાવ પક્ષના વકીલની જેમ પુરાવા સાથેની દલીલ પેશ કરી.

"પણ ત્યારે સુઝી કેટલા વર્ફની હતી..?"

"નવ વર્ષ."

"અને અત્યારે હું કેટલા વર્ફનો છું....?"

તૂટી ગયેલા દાંતને લીધે બોલતી વખતે હવા ગલોફામાં ભરાઈ રહેવાને બદલે મોઢાની બહાર ફેંકાઈ જતી હતી. એટલે 'વર્ષ'ની જગ્યાએ તન્મયથી 'વર્ફ' બોલાઈ જતું હતું. પહેલીવાર તો નાનકડી સુઝી કંઈ સમજી નહીં શકી પણ બીજીવાર પણ 'વર્ફ' સાંભળીને એ મોઢા પર હાથ દબાવીને હસી પડી.

"બત્રીસ વર્ષ." વાણી પણ પોતાના હોઠો દબાવીને માંડ હસવું રોકતા બોલી.

"તો ફું બત્રીફ વર્ફે મને દૂધિયા દાંત ફૂટે.?"

આ વખતે બા બાપુજી સહિત બધા ફરી એકવાર ખડખડાટ હસી પડ્યા.

"તમને લોકોને હજુ પણ મજાક લાગે છે ને..! કંઈ નહીં. એ તો જેની પર વીતે એ જ ફમજે."

તન્મયનો ગુસ્સો જોઈને વાણીએ પરાણે મોઢું ગંભીર કર્યું.

"સોરી.. બાબા, હવે નહીં હસીએ.. બસ. પણ હવે આપણે શું કરીશું એ બોલ...?"

"હં... તો હવે ફું કરીફું..?" તન્મય પણ વિચારમાં પડ્યો.

"એક કામ કરીએ, કાલે સવારે કોઈ સારા ડેન્ટિસ્ટને બતાવી દઈએ. બરાબર...?"

"હં..." તન્મયે જવાબ આપવાને બદલે ફક્ત હોંકારો ભરીને પોતાની પણ ડેન્ટિસ્ટને બતાવી આવવાની ઈચ્છા દર્શાવી.

**

"બોલો, શું થાય છે..?" ડૉ. અંગારીયાએ તન્મયને કેબિનમાં આવકારતા કહ્યું.

"ફાહેબ.., પરમ દિવફે.... ફવારે.."

ડૉ.અંગારીયાએ ધ્યાનથી તન્મયની વાત સમજવાની કોશિશ કરી પણ તન્મયને જ લાગ્યું કે પોતાની આ 'સ' 'ફ' વાળી ભાષા ડૉક્ટરને નહીં સમજાય એટલે બોલવાનું બંધ કરીને એ વાણી તરફ ફર્યો.

"વાણી, તું જ કહેને ડૉક્ટર ફાહેબને. "

"ઓકે.. તન્મય" વાણીએ બાજી સંભાળી.

"બન્યું એવું ડૉક્ટર સાહેબ.. કે પરમ દિવસે સવારે જયારે તન્મય ઉઠ્યો ત્યારે એની ડહાપણની દાઢ હલતી હતી. ના તો એને કોઈ મૂઢમાર વાગ્યો હતો કે ન તો કોઈ દુખાવો થતો હતો. બસ, એની મેળે જ દાઢ હલતી થઈ ગઈ અને સાંજે સાત વાગ્યે તો એ હલતી દાઢ પડી પણ ગઈ.!"

"હં..પછી...?"

"પછી ગઈકાલે સવારે ઉઠ્યા ત્યારે એ પડી ગયેલી દાઢની બરાબર બાજુની દાઢ હલતી હતી. ના કોઈ દુઃખ કે દર્દ વગર એ પણ સાંજે સાત વાગે પડી ગઈ અને આજે સવારે એની બાજુનો દાંત પણ હલવો શરૂ થઈ ગયો છે."


"ઓકે... ચિંતા નહીં કરો, હું દવા લખી આપું છું એ ચાલુ કરો. બે ત્રણ દિવસમાં સારુ થઈ જશે." ડોકટરે એક લેટરપેડ કાઢીને એની પર દવાનું લિસ્ટ ચીતરી માર્યું.

ફાહેબ, કેટલા રૂપિયા..?" તન્મય ચેર પરથી ઉઠતા બોલ્યો.

"બારસો."

"બારફો... રૂપિયા..?! બહુ વધારે નથી લાગતા.?" તન્મય શાકભાજી માર્કેટમાં આવ્યો હોય એમ બોલ્યો.

"ભાઈ, મોઢામાં દાંત પણ વધારે જ હોય છે ને..!" ડોકટરે પણ સામું ચોપડાવ્યું.

"એટલે જો તમે જો હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોત તો બહુ ઓછા રૂપિયા લેત નહીં..?" વાણીએ વચ્ચે જ ટાપસી પુરાવી. "કેમકે હાર્ટ તો આખા શરીરમાં એક જ હોય ને.!"

ડૉ.અંગારીયાની આંખોમાં અંગાર આવી ગયા.

"ફોરી ફોરી... ડૉક્ટર ફાહેબ..." ડૉક્ટર કેબિનમાંથી બંનેને તગેડી મૂકે એ પહેલા જ તન્મય બોલી ઉઠ્યો. "એને તો આમ જ મજાક કરવાની આદત છે."

"વાણી.., બોલતા પહેલા તું કંઈ વિચારી લેતી હોય તો..?" વાણીને ખુરશી પરથી ઘસડી લેતા તન્મય બોલ્યો.

**

ડૉ.અંગારીયાની દવા બે દિવસ લેવા છતાં તન્મયને કોઈ ફેર ન પડ્યો. ઉલટું એ બે દિવસમાં તન્મયના બીજા બે દાંત પડી ગયા. એટલે ડૉ.અંગારીયાનું સ્થાન ડૉ.વખારિયાએ લીધું. ડૉ.વખારિયાએ એમના વખાર જેવા મોટા પેટ પર હાથ ફેરવીને કહ્યું કે આટલી નાની ઉંમરે આમ તો કોઈ માણસ બોખું થઈ જાય એવું મેં સાંભળ્યું નથી. પણ એ છતાં જો બધા દાંત પડી જાય તો આપણી પાસે ચોકઠાંની વ્યવસ્થા છે જ ને....!

ચોકઠાંનું નામ સાંભળીને જ પોતાના હલતા દાંતની સાથે તન્મય પણ આખેઆખો હલી ગયો.

ડૉ. વખારિયાને છોડીને બંને ડૉ.રૂપારેલિયા પાસે ગયા. પણ ન તો એમના રૂપના કોઈ ઠેકાણા હતા અને ન તો એમને ત્યાં દર્દીઓની કોઈ રેલ હતી..!

આખરે કંટાળેલી વાણીએ તો એકવાર ડૉક્ટરને પૂછી પણ લીધું કે સાહેબ, તન્મયને કંઈ વળગાડ જેવું તો...?

પછી શું...? તન્મયે ફરી એકવાર વાણીને ખુરશી પરથી ઘસડી કાઢી.

"વાણી.., બોલતા પહેલા તું કંઈ.....?"

**

બધા ડૉક્ટરની દવાઓ બેઅસર સાબિત થઈ હતી. અંગારીયાનું સ્થાન વખારિયાએ અને વખારિયાનું સ્થાન રૂપારેલિયાએ લીધું. પણ પરીણામ શૂન્ય જ હતું. બીજા ત્રણ દિવસમાં તન્મયનું નીચલું જડબું માલ વગરના ખાલી ગોડાઉન જેવું થઈ ગયું.

તન્મયે હવે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. ઘરે ખબર કાઢવા આવનાર સંબંધીઓનો મેળાવડો જામતો હતો. કેટલાક બની બેઠેલા ડોકટરો ઘરેલુ નુસખાઓ અને ઊંટવૈદું જણાવતા હતા. કેટલાક નુસખાઓનો તન્મયે પ્રયોગ પણ કરી જોયો હતો. પણ કોઈ પરીણામ મળતું નહોતું. હવે તો ચહેરો ન દેખાય એ કારણથી તન્મયે માસ્ક પહેરી લીધું હતું. એ છતાં એના મોઢાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું હોય એમ સંબંધીઓ વારે વારે એને માસ્ક હટાવવાનું કહીને એનો ચહેરો જોઈ લેતા હતા અને એ બધાની વચ્ચે બફાટ કરતી વાણી માટે અચૂક એ વાક્ય બોલાઈ જતું હતું...

"વાણી.., બોલતા પહેલા તું કંઈ....?"

**

તન્મયની નીચેની તિજોરી વેરવિખેર થયા પછી હવે ઉપરના જડબાનો વારો આવ્યો. એક પછી એક ઉપરના દાંત પણ પડવા લાગ્યા. કોઈ ડૉક્ટરની દવા કામ કરતી નહોતી. સંબંધીઓએ સૂચવેલા ઘરેલુ નુસખાઓ પણ સરેઆમ નિષ્ફળ નીવડ્યા હતા. હવે બધા ડરથી ફફડી રહ્યા હતા. બધાના મનમાં એક જ પ્રશ્ન રમી રહ્યો હતો... હવે શું થશે..? તન્મય બોખો થઈ જશે..? તન્મયે આજીવન ચોકઠાં પહેરવા પડશે..?

પણ એક દિવસ એ લાખો નિરાશામાં એક આશાનું કિરણ દેખાયું હોય એમ બાપુજીને એક નામ યાદ આવ્યું... વિકાસ..!

"તન્મય, આપણે ગામથી વિકાસને બોલાવીએ તો કેવું..?"

પણ ભૂતકાળમાં વિકાસે કરેલા કારનામા નજર સામે તરી આવતા તન્મય ફફડી ઉઠ્યો.

"નહીં બાપુજી.., વિકાફ નહીં... કોઈ કાળે નહીં."

"અરે ગાંડા, એ બહુ હોંશિયાર છે અને ઉપરથી તારો લંગોટિયો પણ છે. એ કોઈને કોઈ રસ્તો જરૂર કાઢી આપશે."

"લંગોટિયો છે એટલે જ તો ના કહું છું. હું એને નખફીખ ઓળખું છું. એ મારાં દાંત તો ફારા નહીં કરફે પણ બીજું ફારું હોયને એ પણ ખરાબ કરી નાખફે."

તન્મયે વિકાસને નહીં બોલાવવા ચીસાચીસ કરી મૂકી. પણ બાપુજીએ એનું કંઈ સાંભળ્યા વગર ગામડે વિકાસને ફોન જોડ્યો.

**

બીજે દિવસે સવારે તન્મય ડાચું પહોળું કરીને બેઠો હતો અને બાપુજી એના મોઢામાં પ્રકાશ જાય એ રીતે મોબાઈલની ટોર્ચ ધરીને બાજુમાં ઉભા હતા. જયારે વિકાસ આંખો ઝીણી કરીને એ અધખુલા ગોખલામાં ગરદન વાંકીચૂકી કરીને ફાંફા મારી રહ્યો હતો.

લગભગ દસેક મિનિટ નિરીક્ષણ કર્યા પછી કોઈ રોકેટ સાયન્સ વિશે વિચારી રહ્યો હોય એમ વિકાસ પાંચ મિનિટ સુધી ઊંચે જોઈ રહ્યો અને પછી કોઈ ડિટેક્ટિવની અદામાં એ તન્મયની એકદમ નજીક આવ્યો અને ધીમેથી બોલ્યો.

"29મી ફેબ્રુઆરીએ તું ક્યાં ગયો હતો..?"

"29મી ફેબ્રુઆરીને દાંત ફાથે ફું લેવાદેવા...?" તન્મયના ચહેરા પર અણગમો ઉતરી આવ્યો.

"તને પૂછું એટલો જવાબ આપને." ડૉક્ટરને પણ બાજુએ મૂકી દે એવા એટીટ્યુડ સાથે વિકાસ બોલ્યો.

"હું તો 29મી ફેબ્રુઆરીએ અહીંયા જ હતો..!"

"તન્મય, બરાબર યાદ કર." વિકાસ ભારપૂર્વક બોલ્યો.

તન્મયે માથું ખજવાળ્યું. તન્મયની સાથે બીજા બધાએ પણ મગજ કસ્યુ. આજે વીસમી માર્ચ હતી. વીસ દિવસ પહેલાની વાત બધા યાદ કરી રહ્યા. ત્યાં જ અચાનક વાણીને યાદ આવ્યું.

"પોરબંદર..., હા એ દિવસોમાં તન્મય પોરબંદર હતો."

"હા, હા, બરાબર... યાદ આવ્યું. હું બિઝનેફના કામથી પોરબંદર ગયો હતો." તન્મયે પણ હામી ભરાવી.

પોરબંદર નામ સાંભળતા જ કોઈ જેકપોટ હાથ લાગ્યો હોય એમ વિકાસ ઉછળી પડ્યો અને એ ચપટી વગાડીને બોલ્યો.
"યસ્સ..., હવે પકડાયું..."

"શું પકડાયું..?" બધા એકસાથે બોલી ઉઠ્યા.

"જડબાતોડ જાંબુ."

"હેં... જડબાતોડ જાંબુ..!?" નામ સાંભળીને જ બધાનું જડબું બે ઇંચ પહોળું થઈ ગયું.

"હા, જડબાતોડ જાંબુ. પોરબંદર જતા રસ્તામાં એક ગામ આવે છે.. જાવર. એ ગામના પાદરે એક જાંબુનું ઝાડ આવેલું છે...."

"એટલે એ ઝાડના જાંબુ ખાઈ એના દાંત તૂટી જાય.. એમ...?" બાપુજી વચ્ચે જ કૂદી પડ્યા.

"અરે કાકા, મારી પૂરી વાત તો સાંભળો." વિકાસ અકળાયો.

"હં.. બોલ." બાપુજી સહેજ ટાઢા પડ્યા.

"આમ તો એ ઝાડ નોર્મલ જ છે." વિકાસે આગળ ચલાવ્યું. "પણ ચાર વર્ષમાં ફક્ત એકવાર એટલે કે 29મી ફેબ્રુઆરી લીપ યરની રાતે જો કોઈ એ જડબાતોડ ઝાડનું જાંબુ ખાઈને એનો ઠળિયો એના નજીક આવેલા કૂવામાં ફેંકી દે તો ચોથે દિવસથી એના દાંત પડવા માંડે એવી લોકવાયકા છે."

"એ વિકાફ, તું આમ કંઈપણ ફેંકાફેંકી નહીં કર." તન્મયનો બાટલો ફાટ્યો હોય એમ એ વિકાસને મારવા ઉભો થઈ ગયો. બધાએ એને પકડી લીધો. "બાપુજી, મેં તમને ના પાડેલી ને વિકાફને બોલાવવાની." એ બરાડ્યો.

"તું જરા શાંતિ રાખ, તન્મય." બાપુજી તન્મયને શાંત પાડતા બોલ્યા. પછી તેઓ વિકાસની સામે જોઈને બોલ્યા. "એ વિકાસ, આવું તો કંઈ હોતું હશે..? શું કંઈપણ બકવાસ કરે છે, ગાંડો થયો છે કે શું..?"

"આમ પણ વિકાસ તો કેટલાય વર્ષોથી ગાંડો થયો છે.!" વાણી ફરી વચ્ચે બોલી પડી. 

"વાણી.., બોલતા પહેલા તું કંઈ.....?"

તન્મય પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ વિકાસ ચિલ્લાયો.

"ઓ કાકા..., હું કંઈ એલફેલ નથી બોલી રહ્યો. તમને એવું લાગતું હોય તો તમે તન્મયને જ પૂછી લો, 29 ફેબ્રુઆરીની રાત્રે એણે જાંબુ ખાધું હતું કે નહીં.?"

હવે બધા તન્મય સામે જોઈ રહ્યા. તન્મય નીચું જોઈ ગયો.

"જોયું કાકા જોયું. હું ખોટું નહોતો બોલતો." વિકાસે ઉત્સાહમાં આવીને તાળી પાડી.

"તન્મય, તે સાચે જ જાંબુ ખાધું હતું...?"

"મને ફું ખબર બાપુજી...? પોરબંદરથી આવતી વખતે ટપરી પર ચા પીવા કાર ઉભી રાખેલી. ત્યાં નીચે રફ્તા પર એક જાંબુ પડેલું દેખાયેલું. મેં ધોઈને ખાધું. પણ પછી ઠળિયો નાખવા કોઈ કચરાપેટી નહીં મળી. એટલે ઠળિયાને નજીકનાં અવાવરું કૂવામાં નાખી દીધો."

"અલ્યા ગધેડા, રસ્તા પર પડેલું જાંબુ ખાધા વગરનો જ મરી જતો હતો..!" બાપુજી ઉશ્કેરાયા. "ખાધું તો ખાધું.. પાછો ઠળિયો પણ કૂવામાં જ નાખ્યો..! અને એ બધું 29 ફેબ્રુઆરીએ જ....! હે ભગવાન..., સત્યાનાશ થઈ ગયું..."

"તમે અકળાઈ નહીં જાવ. જરા શાંતિ રાખો." પહેલીવાર બાએ પોતાનું મોં ખોલ્યું અને બાપુજીને ઠંડા પાડવા પ્રયત્ન કર્યો.

"વિકાસ, આનો કોઈ ઈલાજ તો હશે ને.." તેઓ વિકાસ તરફ જોઈને બોલ્યા.

"ઈલાજ...?, ઈલાજમાં તો એવું કહેવાય છે કે આવતી 29 ફેબ્રુઆરીએ ફરી એ જડબાતોડ ઝાડનું જાંબુ ખાઈને એનો ઠળિયો એ જ કૂવામાં નાખે તો જ તન્મયના દાંત પાછા આવે."

"હાય હાય, એટલે ચાર વર્ષ સુધી મારો તન્મય બોખો..!" વાણીએ છાતી ફૂટી.

"વહુ, તું પણ જરા શાંત થઈ જા." બાએ વાણીને પણ શાંત કરવાની કોશિશ કરી.

"વિકાસ, આવું કંઈ થોડું હોય..? એ સિવાય પણ બીજો કોઈ ઈલાજ તો હશે ને.? તું કોઈને ફોન કરીને પૂછી જો. કદાચ કોઈને આ વિશે કંઈ ખ્યાલ હોય."

વિકાસે પોતાની સીધી ગરદનને વધુ સીધી કરી અને ફરી એકવાર રોકેટ સાયન્સ વિશે વિચારતો હોય એમ આંખો ઝીણી કરી. પછી બધાથી દૂર જઈને બે ત્રણ ફોન લગાવ્યા અને પછી ખુશ થતો થતો બધાની નજીક આવ્યો.

"શું થયું...? મળી ગયો ઈલાજ..?" બધા એકસાથે બોલી ઉઠ્યા.

"તાબડતોબ તરોફો..."

"તાબડતોબ તરોફો..!? હવે એ શું છે..?" બધા કોરસમાં બોલી ઉઠ્યા.

"તન્મયે તાબડતોબ તરોફો પીવો પડશે." વિકાસ બોલ્યો.

"વાણી..., ઝડપથી તન્મય માટે નાકેથી તરોફો મંગાવી લો." બાપુજી ઉતાવળે બોલ્યા.

"હા બાપુજી.." વાણી હરખઘેલી થઈને ઉભી થઈ ગઈ.

"અરે થોભો ભાભી...., આમ ઉતાવળ ન કરો. તાબડતોબ એટલે તમે માનો છો એ તાબડતોબ નહીં." વિકાસે બધાને અટકાવ્યા.

"તો... કેવું તાબડતોબ.?"

"જુઓ, હવે કોઈ વચ્ચે નહીં બોલતું અને હું કહું છું એ ધ્યાનથી સાંભળજો." વિકાસે બોલવું શરૂ કર્યું. "જેમ દેશના પશ્ચિમ છેડે આપણા ગુજરાતમાં પોરબંદર પાસે જડબાતોડ જાંબુનું ઝાડ છે. એ જ રીતે દેશના પૂર્વ છેડે આસામમાં મયંગ નામના ગામમાં તાબડતોબ તરોફાનું ઝાડ આવેલું છે."

"વિકાફ, આફામમાં તો બધા પર્વતો છે. પર્વત પર નારિયેળનું ઝાડ કઇરીતે મળે..?" તન્મય વચ્ચે જ બોલી પડ્યો.

"તન્મય, મેં ના પાડી હતી ને વચ્ચે બોલવાની...? હવે હું આગળ નહીં કહું. જા, ચાર વર્ષ બોખો રહેજે." વિકાસ ગરમ થઈ ગયો.

"અરે વિકાસ બેટા, તું એનું નહીં સાંભળ અને આગળ બોલ." બાએ આજે બધાને ઠંડા પાડવાનું કામ જ હાથ પર લીધું હતું.

"હં... તો પહેલા આપણે પોરબંદર પાસેના જાવર ગામે જઈને કૂવામાં ઉતરીને એ જાંબુનો ઠળિયો કાઢવો પડશે જે તન્મયે ફેંક્યો હતો. એ ઠળિયા પર અમુક વિધિ કર્યા પછી આસામમાં મયંગ જઈને એ તાબડતોબ તરોફાના ઝાડ પરથી તરોફો પાડીને એમાં એ ઠળિયો નાખીને એ તરોફાનું પાણી પીવું પડશે. ત્યારે જઈને તન્મયના દાંત પાછા આવશે."

"ઓહોહો..." આસામનું નામ સાંભળીને જ બધાને ચક્કર આવી ગયા.

"અને એ પણ પહેલા દાંત તૂટ્યાને બરાબર બત્રીસમાં દિવસે જ એટલે કે મોંમાં ફક્ત છેલ્લો દાંત બચ્યો હોય એ દિવસે જ તાબડતોબ તરોફો પીવો પડે." વિકાસે વધુ ઉમેર્યું.

"નહીં તો..?"

"નહીં તો શું થાય એ મને નથી ખબર. પણ જો આ વિધિ કરવામાં આપણે નિષ્ફ્ળ ગયા તો આના પછી આવતી 29 ફેબ્રુઆરીએ એટલે કે 2028ની 29મી ફેબ્રુઆરીએ જડબાતોડ જાંબુ ખાવાથી પણ તન્મયના દાંત પાછા નહીં આવે."

"મને તો બધા ટાઢાપોરના ગપ્પા લાગે છે. હું કફે જવાનો નથી." તન્મય પોતાનું ફુલેલું મોં વધુ ફુલાવીને બોલ્યો.

થોડીવાર સુધી બાપુજી તન્મયની સામે જોઈ રહ્યા. પછી તેઓ ઉઠીને વિકાસની પાસે ગયા. એમની અંદર 'બાબુભૈયા'નો આત્મા ઘુસી ગયો હોય એમ એમણે વિકાસને એક લાફો ઠોકી દીધો અને પછી તન્મયને પૂછ્યું.

"તારી પાસે બીજો કોઈ રસ્તો છે..?"

તન્મયે નકારમાં ડોકું ધુણાવ્યું. એટલે પછી એમણે વિકાસની સામે જોયું.

"પોરબંદર જવા માટે ક્યારે નીકળવાનું છે..?"

**
તન્મયનો પહેલો દાંત તૂટ્યાને બરાબર એકત્રીસમે દિવસે ઇનોવા તેજ રફતારથી પોરબંદર તરફ ભાગી રહી હતી. તન્મયના મોઢામાં હવે સસલાના હોય એવા ઉપરના અને સૌથી આગળના બે જ દાંત બચ્યા હતા. એમાંથી પણ આજે સાંજ સુધીમાં એક દાંત વિદાય લઈ લેવાનો હતો.

લગાતાર આઠ કલાક કાર ચલાવ્યા પછી આખરે તેઓ પોરબંદર પાસે જાવર ગામ પહોંચ્યા. ત્યાં તેમને જડબાતોડ જાંબુનું ઝાડ શોધવામાં ખાસ મુશ્કેલી નહીં પડી. એ ઝાડની નજીક જ સાવ અવાવરું કૂવો હતો.

"અહીંયા આપણે મજૂર શોધવો પડશે." કારમાંથી ઉતરતા બાપુજી બોલ્યા.

"કેમ..?" વિકાસે ગરદન ઊંચી કરી.

"કેમ શું..? કૂવામાં ઉતારવા..."

"એ તો જેના દાંત પડ્યા હોય એણે જ કૂવામાં ઉતરીને ઠળિયો શોધવો પડે."

"એની...મા....ને..." બધાના મોં પર સુરતી આવતા આવતા રહી ગઈ.

"એટલે આફામ જઈને નારિયેળના ઝાડ પર પણ મારે જ ચઢવાનું છે..?" તન્મયે એક સ્ટેપ આગળનો વિચાર કરી દીધો.

"અફકોર્સ..."

"ફાલા વિકાફ, આ બધું કર્યા પછી પણ જો મારાં દાંત નહીં આવ્યા ને તો હું તારા દાંત તોડી નાખીફ.."

તન્મયને ગુસ્સો તો બહુ આવ્યો. પણ એ બિચારા પાસે તો અત્યારે કચકચાવવા માટે દાંત પણ નહોતા.

એની વે, કમર પર દુપટ્ટો બાંધીને તન્મયને કૂવામાં ઉતાર્યો અને આટલા દિવસથી કૂવામાં પડેલા જાંબુના ઠળિયાને કોઈ અમૂલ્ય હીરાની જેમ શોધી કાઢવામાં આવ્યો.

"આ ઠળિયા પર વિધિ કરીને પછી આપણે ફ્લાઇટ પકડીને આસામ જઈશું. હવે વચ્ચે બોલ્યા વગર બધા મારી વાત ધ્યાનથી સાંભળજો."

બધા ધ્યાનથી વિકાસને સાંભળી રહ્યા.

"પહેલા તો આપણે આ ઠળિયાને કૂવા નજીકની સૂકી માટીમાં રગડોળી નાખીશું અને પછી આપણે એને ભીના પાણીથી સાફ કરીશું. પછી...."

"ભીનું પાણી..!? એ કેવું હોય..? પાણી તો ભીનું જ હોય ને..!" વાણી વચ્ચે જ બોલી પડી.

"ઉફ્ફ..." બધા તીખી નજરે વાણી તરફ જોઈ રહ્યા. બધાને હતું કે હમણાં વિકાસ વચ્ચે બોલ્યાનું બહાનું બતાવી ગુસ્સે થઈ ઉભો થઈ જશે. તન્મય પણ વાણી માટે હંમેશા બોલાતું પેટન્ટ વાક્ય બોલવા જ જતો હતો. પણ વિકાસ તો વાણી તરફ અહોભાવથી જોઈ રહ્યો હતો.

"વાહ... ભાભી.. વાહ..! કહેવું પડે. તમે તો મારી ભૂલ પકડી પાડી. પાણી તો ભીનું જ હોય ને..! બસ, એક તમે જ છો જે મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યા છો."

આખી લાઈફમાં પહેલીવાર પાણી પર પોતાના જ્ઞાનની પ્રશંસા સાંભળીને વાણી ખુદ પાણી પાણી થઈ ગઈ. વાણીનું બધાએ ત્રણ તાળી પાડીને અભિવાદન કર્યું.

પછી વિકાસે પોતાની વાત આગળ ચલાવી.

"હં... તો પાણીથી ધોઈને સાફ થયેલા જાંબુના ઠળિયાની કંકુ અને ચોખાથી પૂજા કર્યા બાદ એને આપણે આસામ લઈ જઈને ત્યાં તાબડતોબ તરોફામાં નાખીને એ તરોફાનું બધું પાણી તન્મયે પી જવાનું રહેશે. પણ યાદ રહે કે તરોફો પીતી વખતે તન્મયનો આખરી દાંત એના મોઢામાં હોવો જ જોઈએ."

**

સાંજના સાત વાગી ચુક્યા હતા. હવે તન્મયના મોઢામાં સમ ખાવા પૂરતો એક આખરી દાંત બચ્યો હતો. આસામ પહોંચવા માટે બધા જામનગર એરપોર્ટ પહોંચ્યા. રાત્રે બાર વાગ્યાની ગૌહાટીની ફ્લાઇટ હતી અને ગૌહાટીથી મયંગ ગામ કારમાં પહોંચતા બીજો દોઢ કલાકનો સમય થતો હતો. બધું જ વેલ પ્લાન્ડ અને સમયસર ચાલી રહ્યું હતું. બધા ખુશ હતા. તન્મયના ચહેરા પર હવે હાશ હતી.

પણ ત્યાં જ માઈક પર જાહેરાત થઈ.

"ગૌહાટી જતી ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે બારથી પંદર કલાક મોડી છે."

બહુ જોરમાં લાગી હોય અને બાથરૂમના દરવાજા પર જ મોટી ગરોળી બેઠી હોય ત્યારે હોય એવી જ હાલત તન્મયની થઈ ગઈ.

હવે શું કરવું..? બાય રોડ જવાની કોશિશ કરે તો વધુ મોડું થાય એમ હતું. ફ્લાઇટની રાહ જોયા વિના છૂટકો નહોતો. બધાએ એરપોર્ટ પર ઉજાગરે રાત વીતાવવાનો વારો આવ્યો.

**

સવારે ઉઠ્યા ત્યારે તન્મયનો આખરી દાંત પણ હલતો થઈ ગયો હતો. માઈક પરથી આખરી જાહેરાત થઈ ચૂકી હતી. ફ્લાઇટ બપોરે અઢી વાગે ઉપડવાની હતી. બધાના મનમાં એક જ પ્રશ્ન રમી રહ્યો હતો. સાંજે સાત વાગ્યાં પહેલા મયંગ પહોંચાશે કે નહીં..? જો સાત વાગ્યાં પછી મયંગ પહોંચે તો તન્મયના મોઢાનો આખરી દાંત પણ પડી જાય અને પછી ત્યાં પહોંચવાનો કોઈ મતલબ રહેતો નહોતો. બધા વીલે મોઢે અઢી વાગ્યા સુધી એરપોર્ટ પર બેસી રહ્યા.

ખેર, આખરે અઢી વાગે ફ્લાઇટ ઉપડી. જે બરાબર પાંચ વાગે ગૌહાટી લેન્ડ થઈ. ત્યાંથી તાબડતોબ ટેક્ષી કરાવીને તાબડતોબ તરોફા પાસે પહોંચવાનું હતું. હજુ બીજો દોઢ કલાકનો રસ્તો હતો. મતલબ કે કાર સમયસર પહોંચાડે તો સાડા છ વાગે મયંગ પહોંચી જવાય.

પણ દુકાળમાં અધિક માસની જેમ રસ્તામાં ટ્રાફિકજામ હતો. બધાનો જીવ તાળવે ચોંટી ગયો. મહામહેનતે ટ્રાફિકમાંથી બહાર તો નીકળ્યા. પણ ટ્રાફિકમાંથી રસ્તો કાઢતા બીજી પંદર મિનિટ બગડી ગઈ. માંડ પોણા સાત વાગે મયંગ પહોંચ્યા. પહાડી વિસ્તારનું એકમાત્ર તાબડતોબ ઝાડ તરત જ મળી ગયું.

સાત વાગવામાં બરાબર બે મિનિટની વાર હતી. તન્મયે તરોફો કાપવાનો છરો હાથમાં લીધો, પૂજા કરેલો જાંબુનો ઠળિયો શર્ટના ખિસ્સામાં મુક્યો અને કોઈ સુપરહીરોની માફક એ ઝાડ પર ચઢ્યો. ઝાડ પરથી તરોફો તોડ્યો, કાપ્યો અને અંદર જાંબુનો ઠળિયો નાખ્યો.

પણ... પણ... પણ જેવો એણે તરોફો મોઢે માંડ્યો કે તરત જ હલીને સાવ ઢીલો થયેલો આગળનો એનો દાંત પાણીના નજીવા ધક્કાથી છૂટો પડી ગયો અને અજાણતા જ તન્મય તરોફાના પાણી સાથે એ દાંત ગળી ગયો.

હવે...? તન્મય ગભરાયો. એ ઝડપથી ઝાડ પરથી નીચે ઉતર્યો અને બધાને એ વાત કહી.

"ખબર નહીં કાલ સવાર કેવી પડશે..? પણ જે થાય એ ભોગવવા તૈયાર રહેજે." વિકાસે માથું કૂટ્યું.

તન્મય પણ હવે જે થવાનું એ થાય એમ વિચારીને ભગવાનનું નામ લઈને રાતે સુઈ ગયો. બીજે દિવસે સવારે ઉઠ્યો ત્યારે એ ખુશીથી પાગલ થઈ ગયો. એના મોઢામાં બત્રીસે બત્રીસ દાંત અડીખમ ઉભા હતા. રાતે તરોફો પીતા પહેલા તો આખરી દાંત તૂટી ગયો હતો. છતાં બધા દાંત સહીસલામત પાછા આવી ગયા..! એને ભારે નવાઈ લાગી. હશે, એણે વધુ વિચાર્યા વગર તરત જ વિકાસને ફોન લગાવ્યો.

"હેલો વિકાસ, સોરી યાર, મેં તારા પર બહુ અવિશ્વાસ કર્યો. મને માફ કરી દે. જો આજે તારા કારણે મારાં બધા દાંત પાછા આવી ગયા."

તન્મય ઉત્સાહમાં બોલી ગયો. પણ સામેથી વિકાસનો રોતલ અવાજ આવ્યો.

"યાર, એક પ્રોબ્લેમ થયો છે."

"શું...?"

"ઉઠ્યો ત્યારથી નીચેની ડહાપણની દાઢ હલે છે....."




સમાપ્ત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ