વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નોનવેજીટેરિયન

વિષય -2 બીભત્સ અને ક્રૂર

**

રાતના અઢી વાગ્યાના અંધકારે ચોમેર ફેલાયેલા સન્નાટા સાથે ગાઢ મિત્રતા કરી લીધી હોય એમ એ સમગ્ર વિસ્તારમાં રાત ખુદ પોતાની જ ભયાનકતાથી થરથરી રહી હતી. પણ અચાનક જ એ મિત્રતાનો ભંગ કરતી હોય એવી એક તીણી ચીસ વાતાવરણમાં ગુંજી ઉઠી. પછીની થોડી ક્ષણો સુધી કોઈ યુવતીનો અતિશય દર્દથી કણસવાનો અવાજ ચારે તરફ પ્રસરેલી ખામોશીને પજવતો રહ્યો અને પછી ફરી એકવાર અંધકાર અને સન્નાટાએ એકબીજાનો સંગાથ સાધીને એ અમાસી રાતને ઘટ્ટ કાળા રંગથી ગુંગળાવી નાખી....!

થોડી મિનિટો પછી એ ભયાનક સન્નાટાને ફરી માત આપતા હોય એવા માચીસની સળીના ઘસરકાના ધીમા અવાજે અંધકારથી હાંફી ગયેલી એ રાતને રાહત આપી અને ત્યાં દીવાસળીની જ્યોતનું ઝાંખુ અજવાળું પથરાયું.

દીવાસળીની નાનકડી જ્યોતની મદદથી તન્મયે સગડી પેટાવી. સગડીની હાલકડોલક થતી જ્યોતની સાથે એ આખો વિસ્તાર પણ જાણે નાચવા માંડ્યો. સગડીની લાલ કેસરી રંગની જ્યોતના પ્રકાશમાં તન્મયને પોતાની નજીક જ તાન્યાનું નિષ્પ્રાણ થઈને ચમકી રહેલુ ગૌર બદન દ્રશ્યમાન થયું. તન્મય સપાટ નજરે તાન્યાના બેજાન શરીરને જોઈ રહ્યો. તાન્યા તો તરફડીને ક્યારનીય શાંત થઈ ચૂકી હતી અને એના કપાયેલા ગળામાંથી વહી ગયેલા રક્તએ પણ હવે ઘાટો કાળો રંગ ધારણ કરી લીધો હતો. પણ એણે પહેરેલા ટૂંકા સ્કર્ટમાંથી દેખાઈ રહેલા એના સાથળ પ્રદેશને જોઈને તન્મયની આંખો ચમકી ગઈ. સગડીની લબકારા મારતી જ્યોતમાં તાન્યાની ચમકતી લીસી મુલાયમ અને માંસલ જાંઘ જોઈને તન્મયની જીભ અનાયાસે જ પોતાના સૂકા હોઠો પર ફરી વળી.

બીજી જ પળે એ ઉઠ્યો અને ગળું કાપવા વાપરેલો તેજ છરો ઉઠાવ્યો અને તાન્યાની જાંઘ પર ફેરવી દીધો. જાંઘમાંથી રક્તની ધારાઓ નીકળી. તન્મયે તાન્યાની જાંઘના સ્નાયુમાંથી માંસનો એક મોટો ટુકડો કાપી લીધો અને પછી એ નજીકમાં પાર્ક કરેલી કારમાંથી જરૂરી સામાન લઈ આવ્યો. એ સામાનમાંથી એક ડીશ કાઢીને એમાં એ લોહી નીતરતો માંસનો ટુકડો મૂકીને એના નાના નાના ટુકડા કરી દીધા. પછી એ ટુકડાઓને એક પછી એક બારબેક્યુ સ્ટીકમાં ખોસી દીધા અને પછી એ સ્ટીકને સળગી રહેલી સગડીની જ્યોત ઉપર રાખી દીધી.

થોડી જ ક્ષણોમાં કાચું માંસ શેકાવાની તીવ્ર કડવી તૂરી વાસ વાતાવરણમાં ભળવા લાગી. સ્ટીકને ગોળ ગોળ ફેરવીને તન્મયે એ કાચું માંસ શેકાવા દીધું. લગભગ દસેક મિનિટ પછી તન્મયનું બારબેક્યુ ડિનર તૈયાર હતું. એણે સ્ટીકને સગડી પરથી ઉતારી અને શેકાઈને બ્રાઉનીસ રંગના થઈ ગયેલા માંસ ઉપર જરૂરી મસાલા ભભરાવી મહિનાઓથી જમ્યા વગરના ભૂખ્યાડાંસની જેમ નિર્દયતાથી માંસનું એક બટકું ભર્યું. પણ બટકું ભર્યા પછી કંઈક ભૂલાઈ ગયું હોય એવા અસંતોષથી એણે સહેજ મોઢું બગાડ્યું. એ આંખો ઝીણી કરીને કંઈક વિચારવા લાગ્યો.

"ઓહ...! મેયોનીઝ તો રહી જ ગયું..!" અચાનક જ એના હોઠ ફફડ્યા.

એ ઝડપથી ઉઠ્યો અને કારમાંથી મેયોનીઝનું પેકેટ લઈ આવ્યો. શેકાયેલા માંસના ટુકડા ઉપર એણે મેયોનીઝ લગાવ્યું અને ફરી એકવાર એ જ જંગલીયતથી બીજું બટકું ભર્યું. આ બટકું ભર્યા પછી એની આંખોમાં થોડો સંતોષ છવાયો. એ છતાં હજુ કંઈક ખૂટતું હોય એમ એની નજરો આજુબાજુ ભટકીને કશુંક શોધવા લાગી.

આખરે એ ભટકતી નજર ફરી એકવાર તાન્યાના નિશ્ચચેતન થયેલા શરીર પર આવીને થંભી. એણે ફરી છરો હાથમાં લીધો. જમવામાં વારંવાર પડતા વિઘ્નો અને ફરી એકવાર ઉભા થવાની અકળામણ એના મોઢા ઉપર સ્પષ્ટ રીતે ઉભરી આવી. છતાં કમને એ ઉભો થયો અને હાથમાં રહેલો છરો એક જ ઝટકામાં તાન્યાના પેટમાં ઉતાર્યો અને બીજી જ ક્ષણે ગોળ ફેરવીને જોરથી બહાર ખેંચી નાખ્યો. છરા અને લોહીની સાથે તાન્યાના પેટમાંથી બધા આંતરડા પણ બહાર આવી ગયા. આ વખતે પેટમાંથી વછૂટેલા ગરમ તાજા લોહીના ફુવારામાંથી તન્મયે એક વાટકી ભરી લીધી.

એક બાઈટ તાજું શેકાયેલું માંસ અને એક ઘૂંટડો ગરમ તાજું લોહી..! વાહ.. હવે મજા આવી..! જાણે હવે અસલી રંગ જામ્યો હોય એમ એના ચહેરા પર રોનક આવી ગઈ.

થોડીવાર પછી પેટપૂજા કરીને ધરાઈ ગયો હોય એમ એક મોટો ઓડકાર ખાઈને તન્મય ઉભો થયો. પણ ઓડકારના અવાજનો એ પડઘો આખો સુમસાન વિસ્તાર પોતે જ ગળી ગયો હોય એમ ક્ષણાર્ધમાં ત્યાં ફરી સન્નાટો છવાઈ ગયો. પછી તન્મયે નજીક જ મુકેલી કુહાડી હાથમાં લીધી અને બાજુમાં એક ખાડો ખોદ્યો. વેરણછેરણ થયેલા તાન્યાના શરીરના બાકી બચેલા અવશેષોને એણે ખાડામાં નાખ્યા અને પછી કારની ડીકીમાંથી એસિડ ભરેલી મોટી બોટલ કાઢીને એ આખી બોટલ ખાડામાં ઠાલવી દીધી.

તરત જ તાન્યાની મખમલી ચામડી બાળતો હોય એવો શ્શ...... નો હળવો અવાજ ઉઠ્યો અને ફરી એકવાર કાચું માંસ બળવાની તીખી કડવી વાસ વાતાવરણમાં ભળી ગઈ. તાન્યાના અવશેષો સંપૂર્ણ નષ્ટ થઈ ગયાની ખાતરી થયા બાદ એણે ખાડો ફરી પુરી દીધો.

આખુ કામ સફળતાથી પાર પડ્યું હોય અને પોતે પણ સંપૂર્ણ તૃપ્ત થઈ ગયો હોય એમ તન્મયે બંને હાથ ઊંચા કરીને આળસ ખંખેરી અને પછી એણે મોટેથી કરેલા અટ્ટહાસ્યથી સૂની રાત ફરી એકવાર થથરી ઉઠી...!

***

"વાણીના કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચિકન લોલીપોપ બનાવવાની એકદમ આસાન રેસીપી. આ રીતે ફક્ત અડધો કલાકમાં જ ચિકન લોલીપોપ તૈયાર થઈ જાય છે અને આ રીતે બનતા ચિકન લોલીપોપ સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે..."

"લાગે છે.. હવે આ વાણીનું કંઈક કરવું જ પડશે.." સવારથી છઠ્ઠી વખત યુ ટ્યુબ પર વાણીની એકની એક રેસીપીનો વીડિયો જોઈ રહેલો તન્મય મનમાં બબડ્યો.

ત્યાં જ ઘરનો ડોરબેલ રણકી ઉઠ્યો. તન્મયે ઝડપથી યુ ટ્યુબ બંધ કરીને દરવાજો ખોલ્યો.

"આવી ગયા આખી રાત બહાર રખડી રખડીને..? હવે સવાર પડી એટલે મારી અને ઘરની યાદ આવી..?" દરવાજો ખોલતા જ માહી વરસી પડી.

"એવું નથી જાનુ.. કામ હોય તો જવું તો પડે જ ને.."

"હું હવે કંટાળી ગઈ છું તમારી આ પ્રેસની નોકરીથી. મને એ સમજ નથી પડતી કે એવું તો કેવું રિપોર્ટિંગ આવી જાય કે થોડા થોડા દિવસો પછી રાતે જ ઘરની બહાર જવું પડે. અને જો એવા જ કામ આવતા હોય તો દિવસે પણ કામ પર જ રહો ને. ઘરે આવો છો જ શું કામ..?" માહીનો ગુસ્સો હજુ કાબુ બહારનો હતો.

"નોકરી છે માહી. કરવું પડે. મને કોઈ શોખ નથી થતો આખી આખી રાત બહાર રખડવાનો. ચાલ હવે હું બહુ થાકી ગયો છું. મને એક કપ મસાલેદાર ચા પીવડાવ."

"બસ, મારાં માટે આ જ એક કામ રહી ગયું છે... મારાં માટે એક કપ ચા બનાવી દે..." માહી આંખો નચવીને ચાળા પાડતા બોલી. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ એણે આંખો ઝીણી કરી. "અને બાય ધ વે, ગઈકાલે રાતે તમે શું જમ્યા એ જરા કહેવાની કૃપા કરશો..?"

"હું... શું...? હું... બ... બ. બા.. બા..." તન્મયની જીભના લોચા વળી ગયા.

"બકરીની જેમ બેં... બેં.. શું કરો છો..? સીધો જવાબ આપો ને શું જમ્યા..?" માહી અકળાઈ ઉઠી.

"બા.. બા.. બારબેક્યુ..." તન્મય હિંમતથી બોલી ગયો.

"ઓહો... અચ્છા... બારબેક્યુ..! વાહ કહેવી પડે તમારી મજબૂરી..!  આખી રાત બહાર રખડવાનું અને જમવામાં પણ બારબેક્યુ...? નોકરી હોય તો આવી. મારે અહીંયા ઘરમાં શાક રોટલા ઠુંસવાના અને તમે બહાર જલસા પાર્ટી." માહી છણકો કરતાં બોલી.

"માહી પ્લીઝ, નાની વાતનું વતેસર નહીં કર." તન્મય કરગર્યો.

"કરીશ.. જરૂર કરીશ. જાવ આજે તમને ચા પણ નહીં મળે..." માહી રસોડામાં જતા જતા બોલી.

તન્મયની આંખોમાં ખૂન્ન્સ ઉતરી આવ્યું. એણે માહી સાથે તો કોઈ ઝઘડો નહીં કર્યો. પણ એણે ગુસ્સામાં ફરી એકવાર યુ ટ્યુબ ખોલ્યું અને વાણીની ચિકન લોલીપોપની રેસીપીના કોમેન્ટ બોક્સમાં લખી દીધું.

"આઈ લાઈક યોર રેસીપી વેરી મચ. આઈ એમ જર્નાલિસ્ટ એન્ડ આઈ વોન્ટ ટુ ટેક યોર ઇન્ટરવ્યૂ."

**

આજે વાણીની ખુશીનો પાર નહોતો. પોતે બનાવેલી રેસીપીનો વીડિયો એટલો બધો પ્રખ્યાત થયો હતો કે એક પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા તૈયાર થઈ ગયો હતો. એણે તરત જ રીપ્લાયમાં ઘરનું એડ્રેસ અને પોતાનો ફોન નંબર સેન્ડ કરી દીધો.

બીજે દિવસે સાંજે તન્મય વાણીના ઘરે બેસીને એનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો.

"અચ્છા... તો મીસ વાણી, તમે કેટલા સમયથી રેસીપીના વીડિયો બનાવી રહ્યા છો..?"

"હું છેલ્લા ત્રણ વર્ષથી યુ ટ્યુબ પર રેસીપીના વીડિયો અપલોડ કરું છું."

"તમારો ઇન્ટરવ્યૂ ન્યુઝપેપરમાં છપાવા જઈ રહ્યો છે તો અત્યારે તમને કેવું મહેસુસ થાય છે..?"

"સ્વાભાવિક છે મને ખૂબ જ ખુશી થાય છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને આવો મોકો પણ મળશે. આ મોકો આપવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું."

"યુ આર મોસ્ટ વેલકમ વાણી. હવે બસ એક આખરી સવાલ."

"જી શ્યોર."

"તમે તમારી યુ ટ્યુબ ચેનલ પર ફક્ત નોનવેજ ડીશની રેસીપીના વીડિયો શેર કરો છો કે પછી વેજ - નોનવેજ બંને..?"

"જી હું ફક્ત નોનવેજ ડીશના વીડિયો બનાવું છું. કેમકે નોનવેજ મને બેહદ પસંદ છે. આઈ લવ નોનવેજ. આઈ એમ હાર્ડકોર નોનવેજીટેરિયન..."

"વેરી નાઇસ વાણી... અને..."

"અને હા... નોનવેજમાં પણ મને વધુ પસંદ છે સી ફૂડ.! આઈ લવ ક્રેબ, લોબસ્ટર, કેટફીશ... એન્ડ ઓલ ધેટ સી ફૂડ આઈટમ."

તન્મય બોલે એ પહેલા જ વાણી વચ્ચે બોલી પડી. તન્મયની આંખોમાં ક્ષણાર્ધ માટે અગન જ્વાળાઓ ઉઠી. પણ વાણીને એનો ખ્યાલ ન આવી જાય એનું ધ્યાન રાખતા તન્મયે તરત જ પોતાની જાત પર કાબુ મેળવી લીધો.

**

બીજે દિવસના ન્યુઝપેપરની એક કોલમમાં પોતાનું નામ, રેસીપી અને ઇન્ટરવ્યૂ વાંચીને વાણી ઝૂમી ઉઠી. ખબર નહીં કેમ પણ અજાણતા જ એને તન્મય ગમવા લાગ્યો હતો. એણે પહેલા તન્મયને ફોન કરીને પોતાનો ઇન્ટરવ્યૂ ન્યુઝપેપરમાં છાપવા માટે આભાર માન્યો અને પછી એના જ વિચારોમાં ખોવાઈ ગઈ. ઘણા વર્ષો પછી દિલમાં આવા તરંગો ઉઠ્યા હતા. પોતે ડિવોર્સ લીધા પછી જાણે દિલે ધડકવાનું જ બંધ કરી દીધું હતું. પણ તન્મયને મળ્યા પછી એ ફરી એકવાર પોતાની ટીનએજમાં પહોંચી ગઈ હતી.

એણે તન્મયને વોટ્સએપ પર ગુડમોર્નિંગ અને ગુડનાઈટના મેસેજ કરીને વાત કરવાની શરૂઆત કરી. ધીમે રહીને તન્મયે પણ એને રીપ્લાય કરવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી તેઓએ બહાર મળવાનું શરૂ કર્યું. ક્યારેક કોફી શોપમાં, ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક ગાર્ડનમાં તેઓ મળતા રહ્યા.

વાત વાતમાં એકવાર તન્મયે વાણીને કહ્યું હતું કે મારી પત્ની માહી બહુ ઝઘડાળું છે. વારે વારે અમારા વચ્ચે ઝઘડો થાય છે. જયારે વાણી ડિવોર્સી હતી. એકલી રહેતી હતી. એને પણ હૂંફની જરૂર હતી. બસ, આ વાતને લઈને બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા. બંને એકબીજાને પામી લેવા તડપી રહ્યા. બંનેને કોઈ એક મોકાની શોધ હતી. ક્યારે મોકો મળે અને એકબીજાની નજીક આવી જાય.

અને એક દિવસ...
તન્મયનો વાણી પર ફોન આવ્યો. માહી પાંચ દિવસ એના પિયર રહેવા ગઈ છે. ઘરે હું એકલો છું.

ઘણા સમયથી પોતાની અંદર કંઈક ખૂટી રહ્યું હોય અને આજે અચાનક જ મળી જવાનું હોય એમ વાણી આજે ખુશ હતી. વધારે વિચાર કર્યા વગર સાંજ પડ્યે વાણી તન્મયના ઘરે પહોંચી ગઈ. તન્મય એકલો જ હતો. બંને સાથે જમ્યા અને પછી બેડરૂમમાં આવી ગયા. બંને એક બેડ પર બેઠા હતા. વાતો કરતાં કરતાં બંને એકબીજાની નજીક ક્યારે આવી ગયા એની એમને ખબર જ ન પડી. બંનેના હાથમાં હાથ હતા અને શ્વાસો ગરમ હતા. શરીરો એકબીજામાં ઓગળી જવા તત્પર હતા. બસ, હવે એકબીજામાં સમાઈ જવાનું જ બાકી હતું.

બંને અત્યંત ઉત્તેજિત અવસ્થાએ પહોંચી ગયા હતા. બરાબર એ જ સમયે તન્મય ઉઠ્યો અને બાજુના રૂમમાંથી જાડું દોરડું લઈ આવ્યો. વાણીને લાગ્યું કે તન્મય કંઈ અલગ જ રીતે આ રાતની ઉજવણી કરવા માંગે છે. એ મારકણી આંખોથી તન્મયને જોઈ રહી. તન્મયે ધક્કો મારીને વાણીને બેડ પર સુવડાવી દીધી. પછી ઘૂંટણભેર એની છાતી પર ચઢી બેઠો અને એના હાથ પલંગના હાથા સાથે બાંધવા લાગ્યો.

"તન્મય, આ શું કરે છે...? મને હાથમાં વાગે છે.." વાણી માદક સ્વરમાં બોલી.

"વાણી મારી જાન..., આજે તને એવું સુખ આપીશ કે એવું તે પહેલા ક્યારેય મહેસુસ નહીં કર્યું હોય." તન્મય દોરડું બાંધતા બાંધતા વાણીના ગળાને ચુમી રહ્યો.

"પણ આ દોરડું તે કંઈક વધારે જ કસીને બાંધ્યું છે. મને હાથમાં દુઃખે છે." વાણીના હાથની નસો લાલ થઈ રહી હતી.

"થોડું દુઃખે ને પછી જ વધારે મજા આવે." તન્મય લુચ્ચુ હસ્યો.

"અચ્છા..., તને બહુ અનુભવ લાગે છે." વાણી એકદમ ઉત્તેજિત થઈ ગઈ હતી.

"અનુભવ છે એટલે તો કહું છું. હવે તું જો હું તારી સાથે શું કરું છું...?"

તન્મયે વાણીને હોઠ, ગાલ, ગળા અને છાતીના ભાગે ચુંબનોથી નવડાવી દીધી. પછી એ ઉભો થયો. પણ વાણી હવે થોભવા તૈયાર નહોતી.

"આમ મને અધૂરી છોડીને ક્યાં જાય છે..? વાણી રીતસરની તડપી રહી હતી.

"શ..શ..." તન્મયે નાક પર એક આંગળી મૂકીને બીજા હાથથી 'હમણાં આવું છું' એવો ઈશારો કર્યો.

થોડી જ વારમાં તન્મય રસોડામાંથી એક ધારદાર છરો લઈ આવ્યો અને વાણીની હડપચી પર મૂકી દીધો.

"આ શું કરે છે..?" વાણી થોડી ગભરાઈ ગઈ.

તન્મય વાંકુ હસ્યો.

"તું ગર્વથી કહે છે ને કે હું નોનવેજીટેરિયન છું. તને ચિકન બહુ ભાવે છે, તને સી ફૂડ ભાવે છે. પણ હું તારાથી પણ વધારે હાર્ડકોર નોનવેજીટેરિયન છું."

"અચ્છા... તું એવું તો શું ખાય છે...?" વાણી મસ્તીના મૂડમાં બોલી.

"હું... હું તો આખે આખો માણસ ખાઉં છું."

તન્મયે મોટેથી અટ્ટહાસ્ય કરતાં કહ્યું અને સાથે જ હાથમાં રહેલા છરાની પકડ મજબૂત કરી. તરત જ છરાની તેજ ધાર વાણીની હડપચીમાં ખૂંપી ગઈ અને લોહીની ધાર નીકળી ગઈ.

"આહ..." વાણી દર્દથી ચિત્કારી ઉઠી અને તન્મયને પગથી હડસેલીને દૂર ધકેલી દીધો.

"તન્મય..., જો મને લોહી નીકળી ગયું. તને કંઈ ભાન પડે છે કે તું શું કરે છે..? આર યુ ક્રેઝી...?" વાણી દોરડામાં બાંધેલા પોતાના હાથ છોડવાનો પ્રયત્ન કરતાં બોલી.

"યસ, આઈ એમ ક્રેઝી." તન્મયે અચાનક જ મોટો ઘાંટો પાડ્યો.

વાણી અચરજથી તન્મયને જોઈ રહી.

"તારા જેવા સ્વાર્થી લોકોને લીધે ક્રેઝી થવું પડે છે."

"કેમ શું થયું તન્મય..? આર યુ ઓકે..?" તન્મયના વર્તનમાં એકદમ આવેલા બદલાવથી વાણી હેરાન હતી.

"નો, આઈ એમ નોટ ઓકે. તને આટલું વાગ્યું તો તારા મોઢામાંથી રાડ નીકળી ગઈ અને તું જે નોનવેજ ખાય છે એ મરઘાં બકરાઓને તો જીવતા કાપી નાખવામાં આવે છે. એમના પર શું વીતતું હશે એ ક્યારે પણ વિચાર્યું છે..?"

તન્મયની વાત પર વાણી એકદમ અસ્વસ્થ થઈ ગઈ.

"તન્મય, હું એક માણસ છું અને તું મારી સરખામણી એક ઢોરની સાથે કરે છે..?" વાણીના અવાજમાં મક્કમતા આવી ગઈ.

"કેમ.. પ્રાણીઓને જીવ નથી હોતો..? એમને દર્દ નથી થતું..?"

"દર્દ થતું હશે. પણ મને નોનવેજ ભાવે છે અને હું ખાઉં છું. તો પછી..."

"તો પછી... એ નિર્દોષ પ્રાણીને આપણા જીભના ચટાકાને લીધે મારી નાખવાનું...?"

વાણી અનુત્તર હતી. તન્મયે બોલવાનું ચાલુ રાખ્યું.

"તને ખબર છે આજથી ત્રણ વર્ષ પહેલા મેં એક સસલું પાળેલું. એ મને જીવથી પણ વ્હાલું હતું. મેં એનું નામ સોનુ રાખેલું. એક દિવસ સોનુ ખોવાઈ ગયું." તન્મય આટલું બોલતા જ જાણે હાંફી ગયો. એનો શ્વાસ રૂંધાયો. એ થોડું અટક્યો અને પછી થૂંક ગળાની નીચે ઉતારીને એ બોલ્યો.

"બે દિવસ પછી એ મળ્યું પણ કચરાપેટીમાંથી મરેલી હાલતમાં. એની આંખો, માથું, પેટ, પગ બધા જ અંગો વેરવિખેર હાલતમાં હતા. કોઈ હરામી એને કાપીને ખાઈ ગયું હતું." તન્મયની આંખો લાલઘુમ થઈ ગઈ.

પણ પછી એણે સ્વસ્થ થવા ખોંખારો ખાધો અને બોલ્યો.

"એ દિવસ પહેલા હું પ્યોર વેજીટેરિયન હતો. પણ એ દિવસ પછી હું નોનવેજીટેરિયન બની ગયો. માનવભક્ષી નોનવેજીટેરિયન."

તન્મયે ફરી એકવાર અટ્ટહાસ્ય કર્યું. તન્મયે જાણી જોઈને પોતાના વાળ વિખેરી નાખ્યા અને કોઈ જંગલી જેવું વર્તન કરવા લાગ્યો. વાણી ભયથી ફફડી રહી હતી. એ દોરડાથી બંધાયેલા પોતાના હાથ છોડાવવા ધમપછાડા કરી રહી હતી. 

થોડા સમય પહેલાનું બેડરૂમનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. જ્યાં પહેલા માદક સિસકારા સંભળાઈ રહ્યા હતા ત્યાં હવે ઘાંટાઘાંટના અવાજ સંભળાઈ રહ્યા હતા.

વાણીને ખ્યાલ આવી ગયો હતો કે પોતે એક મોટી મુસીબતમાં ફસાઈ ચૂકી હતી અને કદાચ એમાંથી બચવાનો કોઈ રસ્તો એને દેખાતો નહોતો. એ રડતા રડતા બોલી.

"તન્મય, પ્લીઝ મને છોડી દે. મેં તારું શું બગાડ્યું છે..?"

"બગાડ્યું તો સોનુએ પણ કોઈનું નહોતું. એ છતાં એ નિર્દોષને વગર વાંકે સજા મળી ગઈ ને.! ખરેખર તો તે અને તારા જેવા સ્વાર્થી લોકોએ મારું નહીં પણ આ નિર્દોષ પ્રાણીઓનું ઘણું બધું બગાડ્યું છે. તે ચિકન લોલીપોપનો વીડિયો બનાવવા કેટલા ચિકનનું કત્લેઆમ કર્યું હશે એનો તને અંદાજ છે..? નોનવેજ ખાવા માટે લોકો કંઈ કેટલીય મરઘીઓ અને બકરીઓનો ભોગ લેતા હશે. એમની પર શું વીતતું હશે એનો કોઈ ખ્યાલ પણ છે તને..?"

"હું... સમજી.... ગઈ છું... તન્મય. મારાથી... બહુ મોટી... ભૂલ થઈ ગઈ. મને માફ... કરી દે.. પ્લીઝ..." વાણી થોથવાતી જીભે પોતાના જીવની ભીખ માંગી રહી હતી.

પણ તન્મય વાણીની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. એ ફરી એકવાર ઘૂંટણભેર વાણીની છાતી પર ચઢી બેઠો.

"તને ખબર છે તારાથી પહેલા મને તાન્યા મળેલી. મેં તાન્યાના શું હાલહવાલ કરેલા એ જાણવું છે..?"

વાણી આંખો ફાડીને તન્મયની સામે જોઈ રહી.

"તાન્યાને લેગપીસ બહુ ભાવતા હતા. મેં એના જ પગમાંથી લેગપીસ બનાવીને.... હા... હા... હા..." તન્મયનું વિકૃત હાસ્ય બેડરૂમમાં ચારે બાજુ ફેલાઈ ગયું.

વાણી ડરથી ધ્રુજી ઉઠી.

"અને તને.... તને તો સી ફૂડ બહુ ભાવે છે ને..! તું બધાને વીડિયો બનાવીને શીખવે છે ને સી ફૂડ બનાવતા. જો આજે હું તને શીખવું છું કે સી ફૂડ કઇરીતે બનાવે છે."

વાણી હજુ કંઈ  વિચારે એ પહેલા જ તન્મયે છરાથી એના બંને પગ પર પ્રહાર કરી દીધો.. વાણીથી મરણચીસ નીકળી ગઈ. એના પગ લોહીલુહાણ થઈ ગયા. હવે વાણી ચાલી શકવા પણ સક્ષમ નહોતી.

"તો દોસ્તો, આજે આપણે શીખીશું ક્રેબ બનાવતા. આ રીતે બનતા ક્રેબ ખૂબ જ ટેસ્ટી હોય છે."

તન્મયના મગજ પર શેતાન હાવી થઈ ગયો હોય એમ એ ઝનૂનથી બોલી રહ્યો હતો.

"આપણે સૌ પ્રથમ તો જીવતા ક્રેબને ઉકળતા પાણીમાં બાફી દઈશું."

પગમાં થતી અતિશય પીડાથી તરફડી રહેલી વાણીને તન્મય ઊંચકીને બાથરૂમમાં લઈ ગયો અને બાથટબમાં સુવડાવી દીધી. પછી એ રસોડામાં ગયો અને થોડા સમય પહેલેથી જ ચૂલા પર ઉકળવા મૂકેલું પાણીનું તપેલું લાવીને વાણી પર ઠાલવી દીધું. ગરમીથી ખદબદ થતું પાણી શરીર પર પડતા જ વાણી તરફડી ઉઠી. અસહ્ય પીડાને કારણે એના મોંમાંથી ચીસ પણ નીકળતી નહોતી. એની જીવતી ચામડી અને અંદરનું માંસ બળી રહ્યું હતું. કોઈ તરફડી રહેલી માછલીને જોઈ રહ્યો હોય એમ વાણીને તરફડતી જોઈને તન્મયને વિકૃત આનંદ આવી રહ્યો હતો. એ ઝુકીને વાણીના મોં પાસે ગયો.

"બરાબર છે ને વાણી.. આ રીતે જ ક્રેબ બનાવાય ને...!" આટલું બોલીને તન્મયે મોટેથી અટ્ટહાસ્ય કર્યું.

અતિશય ગરમ પાણીને કારણે વાણીની સુંવાળી ચામડી અને અંદરના અંગો પણ બળી ગયા. થોડી જ વારમાં બળીને લાલ થઈ ગયેલી એની ચામડીમાંથી માંસના લોચા બહાર આવવા લાગ્યા અને એના શરીરના અંદરના ભાગો પણ બળવા લાગ્યા. અસહ્ય દર્દને કારણે ગણતરીની મિનિટોમાં જ વાણી તરફડીને શાંત થઈ ગઈ. પછી તન્મયે વાણીને બાથટબમાંથી બહાર કાઢી અને પછી મોબાઈલ પર યુ ટ્યુબ ચાલુ કરીને ક્રેબ બનાવવાની રેસીપી જોવા લાગ્યો. જે રીતે મોબાઈલમાં ક્રેબ બનાવી રહ્યા હતા એ જ રીતે એ વાણીના શરીરને કાપતો રહ્યો અને પછી એના શરીરના પણ એ જ હાલ થયા જે તાન્યાના શરીરના થયા હતા.

પેટ ભરાઈ ગયા પછી તન્મયે વાણીના શરીરના બાકી બચેલા અંગોને એક સૂટકેસમાં ભર્યા અને એ સૂટકેસને કારની ડીકીમાં મૂકીને એને નદીમાં પધરાવી દીધી.

**

"સુઝીના કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ભેજાફ્રાય બનાવવાની રેસીપી. આ રીતે બનતું ભેજાફ્રાય ખૂબ જ ટેસ્ટી હોય છે...."

"લાગે છે... આ સુઝીનું કંઈક કરવું પડશે..." તન્મય મનોમન બબડ્યો....










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ