વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમુ

                   અમુ

        

વિષય : ૧ કપોળકલ્પિત

 

 

 ઈશરોમાં એકદમ ઉત્સાહ છવાઈ ગયો હતો. ચંદ્રાયન-1 ચંદ્ર ઉપર જવા માટે તૈયાર હતું. આસ્થા ખૂબ ખુશ હતી. આ વખત તે પણ ચંદ્રાયન-1માં ચંદ્ર ઉપર જવાની હતી. નાનપણથી તેને ચાંદામામા બહુ ગમતાં. મમ્મી, તેને ચાંદામામાની વાતો કરતી ત્યારે તે કહેતી કે હું એકવાર તો ચાંદામામાને મળવાં જરૂર જઈશ. મમ્મી પણ હસતી હસતી કહેતી કે તારું તો મોસાળ છે. મામાને ઘેર તો ગમે ત્યારે જવાય. 

તેને પૂનમનો ચંદ્ર તો ખૂબ ગમતો. મોટેભાગે અગાસી પર બેસી તે તેને જોયાં કરતી. માને બતાવતી. "જો મમ્મી, ચાંદામામાની ઝૂંપડી.‌"

મમ્મી કહેતી, "ત્યાં મામા મામીનો પરિવાર રહે છે."

 

       આસ્થા ભણવામાં ખૂબ હોશિયાર. તેમાંય વિજ્ઞાન વિષય તેને ખૂબ ગમતો. તેને અવકાશગંગા, તારા, ગ્રહો વગેરેમાં ખૂબ રસ પડતો. તેનાં મમ્મી પપ્પાએ તેનાં ભણવાના રૂમમાં આખી આકાશગંગા બનાવીને લટકાવી હતી. રાત્રે અંધારામાં  તે બધાં ગ્રહો ચમકતાં. અને તે સપનાંઓમાં ખોવાઈ જતી. તેણે વૈજ્ઞાનિક બનવા માટે ખૂબ મહેનત કરી. તેની મહેનત રંગ લાવી. ભૌતિક શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર બંને વિષયમાં તેણે ડિગ્રી મેળવી. વૈજ્ઞાનિક તરીકે તેને ઈસરોમાં નોકરી પણ મળી ગઈ.  ડર નામનો શબ્દ તેની ડીક્ષનરીમાં જ ન હતો. તેને અવકાશયાનમાં જવું હતું.

      જોકે જ્યારથી તે વૈજ્ઞાનિક થઈ ત્યાંથી તે ખૂબ વ્યસ્ત રહેવા માંડી. પણ શરદપૂનમના  દિવસે તો તે ધાબાં પર અચૂક જતી. જોકે હવે તો તે ચંદ્ર વિષે ઘણું બધું સમજી ગઈ હતી.  તેમાંય આ વખત તેને ચંદ્રયાનમાં જવાનો મોકો મળ્યો તેથી તેની એક ઈચ્છા તો પૂરી થઈ ગઈ તેનો તેને ગર્વ હતો. 

        એ દિવસ પણ આવી ગયો. તે યાનમાં જવાં માટે હરિકોટા પણ પહોંચી ગઈ. તેનું ચંદ્રયાન 1 ચંદ્ર પર ઉતર્યું. ચંદ્ર ઉપર પગ મૂકનારી તે પ્રથમ મહિલા બની. ભારતનો તિરંગો પણ ત્યાં લહેરાયો. ચાંદામામાને તેણે મનથી પ્રણામ કર્યા. મોસાળ છોડવું તેને ગમતું ન હતું. તેને ત્યાં રોકાવું હતું. પણ તે શક્ય પણ ન હતું. છેવટે ચંદ્રયાન 1 પૃથ્વી પર પાછું આવ્યું. સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરવાને કારણે આખાં દેશમાં ખુશીનો માહોલ હતો. તેણે તો ભારતનું નામ રોશન કર્યું હતું. 

      ઘરે આવી તે તેનાં દીકરા અમનને વળગી પડી. તે ખૂબ ખુશ હતી. 

"મમ્મી, મારે પણ ચાંદામામા પાસે જવું છે." તે જીદે ભરાયો. તેણે તેને સમજાવ્યું કે મોટાં થયા પછી ચોક્કસ જજે. ચંદ્રયાનની સફળતા પછી તેને લાંબુ વેકેશન મળ્યું. પણ લોકો તેને મળવાં માંગતાં હતાં.

લોકો ચંદ્ર વિષે જાણવાં માંગતા હતાં. તેને સીમલાથી કોન્ફરન્સ માટે આમંત્રણ મળ્યું. ખાસ કરીને શાળાનાં બાળકોને  તેનાં  અનુભવો જાણવાંમાં ખૂબ રસ હતો. તેણે પરિવાર સાથે જવાનું નક્કી કર્યું.     

       સીમલા જવાની તૈયારી થઈ ગઈ. તેને ચંદ્રયાનમાં પહેર્યો હતો તે પોશાક પણ સાથે લઈ જવાનો હતો. ત્યાં પહેરીને બધાંને બતાવવાનો હતો. ત્યાં ઘણાં બધાં વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો હાજર રહેવાના હતાં. સીમલાની કોન્ફરન્સમાં તેનાં અનુભવનું વર્ણન કરવા તે ખૂબ ઉત્સુક હતી. ત્યાં તેને ચંદ્ર ઉપર શું જોયું, શું કર્યું, શું અનુભવ્યું વગેરે વાત કરવાની હતી.

        સીમલામાં ઊંચા પર્વત ઉપર એક સરસ હોટલમાં તેઓ ઉતર્યા. અમનને તો ખૂબ મઝા પડી ગઈ. તે ખૂબ ખુશ હતો. ઘણાં વખતે તેને મમ્મી પપ્પા જોડે સાથે રહેવા મળ્યું હતું. તેઓ ખૂબ ફર્યા.  ઘણીવાર અમન, એવું કહેતો કે મારે ભાઈ કે બેન હોય તો કેવી મઝા પડી જાય. પપ્પા મમ્મી એકબીજાની સામું જોતાં અને હસી પડતાં. 

        છેલ્લાં દિવસે આસ્થા કોન્ફરન્સમાં પોતાનો સામાન લઈને પહોંચી. ત્યાં તે તૈયાર થઈ. તૈયાર થતાં તેણે જોયું કે તેના અવકાશના કપડાં પર કંઈક ચોંટેલું હતું. તે ચમકી. નાનાં જંતુ જેવું કંઈ હતું. તેણે ઉખાડીને કચરા ટોપલીમાં નાંખી દીધું. સમગ્ર હોલમાં તેનાં આવવાથી તાળીઓનો ગડગડાટ થયો. ઘણાં લોકોએ તેની સાથે સવાલ જવાબ કર્યા. વિદ્યાર્થીઓને પ્રેરણા મળી. એક સ્ત્રી તરીકે તેણે ખૂબ હિંમતપૂર્વકનું કામ કર્યું હતું. તેને ઘણાં માન સન્માન મળ્યાં. તેણે વધુમાં જણાવ્યું કે મહેનત કરવાથી જ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. વિજ્ઞાનની મદદથી દૂર દેખાતાં ચાંદામામાને મળવાં જઈ શકાય છે તેવું કહી તેણે સભાનું સમાપન કર્યું.

       એક સંતોષના સ્મિત સાથે તે ડ્રેસ રૂમમાં  પાછી આવી. અચાનક તેને વિચાર આવ્યો કે પેલું જંતુ ક્યાં ગયું? તેણે કચરા ટોપલીમાં જોયું. તે તો ત્યાં જ હતું. તેને મનમાં સળવળાટ થયો. આ જંતુ અવકાશના કપડાં સાથે.. ચંદ્ર પરથી તો નહીં આવ્યું હોય ને? તેને આશ્ચર્ય પણ થયું. તેણે હળવેથી તેને લઈ પાછું પોતાની બેગમાં ગોઠવ્યું. 

       ઘેરે આવી તેણે તેને ટ્રેમાં ગોઠવ્યું. ખૂબ ઝીણવટથી જોયું. તેને ઈંડા જેવી ત્રાંસી બે મોટી આંખો હતી. છ પગ હતાં. માથા ઉપર ટોપી જેવું હતું. એકદમ સફેદ રંગનું હતું. તેણે તેને સ્પર્શ કર્યો. તે હલ્યું. તે આસ્થાની સામે જોઈ રહ્યું! તેનાં આનંદનો પાર ના રહ્યો. તેણે સમગ્ર પરિવારને એકત્રિત કર્યો. અમન તો આ જોઈને રાજીના રેડ થઈ ગયો. તેણે આસ્થાને કહ્યું કે મને તો નાનો... પાછો વિચારમાં પડી ગયો કે આ બેન છે કે ભાઈ છે? આસ્થાએ કહ્યું, આ તારો ભાઈ પણ નથી અને બેન પણ નથી. આ તારું મિત્ર. પછી તેણે તેની ટોપી પર હાથ ફેરવ્યો. ટોપી છત્રીની જેમ ઊંધી ખુલી ગઈ. નીચે છ પગ અને ઉપર ઊંધી છત્રી. તે આગળ પાછળ ચાલવા માંડ્યું. અમન જે બાજુ તાળી પાડે તે બાજું તે દોડતું દોડતું જાય. અને આસ્થા તેનાં માથા પર હાથ ફેરવે તો તેની છત્રી ખુલે. આસ્થાએ મ્યુઝિક મૂક્યું. તે નાચવા માંડ્યું. આસ્થા સમજી ગઈ હતી કે આ ચંદ્ર પરથી જ સાથે આવ્યું લાગે છે. નવો જીવ. પરગ્રહવાસી જેવું જ ને! એલીયન કહી શકાય. તેનું નામ તેમણે "અમુ" રાખ્યું. અમનનો મિત્ર, અમુ.  અમન તેની સાથે રોજ રમવા માંડ્યો. પણ તે ફરિયાદ કરતો કે આ બોલતું કેમ નથી? અમુ, સાંભળી શકતું હોય તો પણ બોલતું ન હતું! કોઈ અવાજ તે કરતું જ નહીં! કે પછી તેમને સંભળાતું નહોતું! 

        તેની પાસે પાણી અને ખાવાનું મૂકવામાં આવતું પણ તે કંઈ ખાતું પીતું નહીં. અઠવાડિયામાં તે થોડું નબળું પડી ગયું. શ્યામ પણ પડી ગયું. આસ્થાએ થોડું વિચારીને તેને એક નાના પાંજરામાં જ્યાં તડકો આવતો હોય ત્યાં મૂક્યું. તેનો કાળો રંગ ફરી પાછો ધોળો થઈ ગયો. હવે તેની જગ્યા નક્કી થઈ ગઈ કે તેને તડકામાં રાખવું. આને સૂર્યપ્રકાશ જોઈએ તે વાત નક્કી થઈ ગઈ. હવે અમન, ભાઈ બહેનની માંગણી કરતો નહીં. દરરોજ સ્કૂલેથી આવીને "અમુ" જોડે જ રમતો. ઘણીવાર રાત્રે અમુ બારીમાંથી આકાશમાં ચાંદામામાને જોયાં કરતું. ત્યારે આસ્થાને થતું કે તેને તેનું ઘર યાદ આવતું લાગે છે. પણ હવે તેને પાછું કેવી રીતે મોકલવું? 

       તેને ઘણી વાર મનમાં દુઃખ પણ થતું કે આ ચંદ્રનું રહેવાશી છે. તેને પૃથ્વી પર રાખવું યોગ્ય પણ નથી. છતાં પણ અમનની ઈચ્છાને કારણે તે કંઈ જ કરી શકતી ન હતી.

એકવાર અમને જ પૂછ્યું કે મમ્મી, "આ અમુના મમ્મી પપ્પા ક્યાં છે? તેની મમ્મી તેને યાદ નહીં કરતી હોય?" હવે આસ્થા કંઈ જવાબ આપી શકે તેમ ન હતી. તેણે કોઈને જણાવ્યું પણ ન હતું કે તે ચંદ્ર પરથી આવ્યું છે. તે જ્યારે અમુનાં માથા પર હાથ ફેરવતી ત્યારે તેને અંદરથી ખૂબ દુઃખ થતું કે આની મા કેટલી દુઃખી હશે.. એકવાર તો તેણે વિચાર્યું કે તે ઈસરોમાં જઈને પાછું આપી દે. પણ પાછો વિચાર આવ્યો કે ત્યાં તેની પર પ્રયોગો થશે અને તે દુઃખી થઈ જશે. તેને કાયમની જેલ પણ થઈ જશે. કોઈ તેને મુક્ત તો નહીં જ કરે.

       તે આકાશમાં ચાંદામામા સામું જોતી અને દિલથી માફી માંગતી. તેનાંથી અજાણતા ભૂલ થઈ હતી. તેને કોઈ રસ્તો પણ સુઝતો ન હતો. અમન તેનાં ભાઈબંધોને ઘેર લાવતો અને અમુને બતાવતો. દિવસે દિવસે ઘણાં લોકો તેને જોવા આવવા માંડ્યા. તે તો પ્રદર્શનનું સાધન બની ગયો! જોકે જ્યારે તે બાળકો જોતું ત્યારે તે ખૂબ ખુશ લાગતું. 

         એકવાર આસ્થાએ અમનને પૂછ્યું કે તને ભાઈ ગમે કે બેન? અમને ચોખ્ખું કહી દીધું કે ભાઈ પણ નહીં અને બેન પણ નહીં. મને "અમુ" જ ગમે. આસ્થાને નવાઈ લાગી. 

        હવે આસ્થાને પસ્તાવો થતો હતો. પોતે મા થઈને નાનકડાં અમુને પિંજરામાં પૂરી દીધું! તેનાં પરિવારથી છૂટું પાડી દીધું! હવે શું કરવું? હવે ઈસરોમાં આ બાબતની જાણ કરે તો તેની બદનામી થાય.

ઈસરોમાં તો ચંદ્રયાન 2 ની તૈયારીઓ થવા માંડી હતી. આ વખતે આસ્થાનો જ‌ ફરી વારો હતો. આ છેલ્લી વાર યાનમાં માનવીને મોકલવાનું નક્કી થયું. ભવિષ્યમાં માનવી વિના જ યાન મોકલાશે તેવો નિર્ણય લેવાયો. અસ્થાએ ભગવાનનો પાડ માન્યો કે તેને જવાનો મોકો મળ્યો. તેને આ નાનકડા જીવને ત્યાં પહોંચાડવો તો હતો જ. જોકે ઘણીવાર તેને વિચાર આવતો કે ખરેખર, અમુ તેની જોડે ચંદ્ર પરથી સાથે આવ્યું છે? કે કોઈ પૃથ્વી પરનું જંતુ છે? આ પણ મોટી સમસ્યા હતી. જો પૃથ્વી પરનું હોય તો તેને ચંદ્ર પર છોડે તો મરી જાય.  છતાં તેણે મનથી મક્કમ રહીને નક્કી કર્યું કે જોડે તો લઈ જ જવું છે. આમે તેને સાત દિવસ ત્યારે રહેવાનું હતું. અમુ તો કંઈ ખાતું પીતું ન હતું.

       તેણે અમનને સમજાવ્યું કે અમુનો પરિવાર તેને શોધે છે. તું ખોવાઈ જાય તો મને કેવું થાય? તે પણ ખોવાયું છે. તેને તેનાં પરિવાર પાસે જવું હશે. તે બોલી શકતું નથી. વળી તે પ્રદર્શનની વસ્તુ પણ નથી.  આપણે તેને ફરી ચંદ્ર પર પહોંચાડવું પડે. અમન તૈયાર થયો. આ બાજુ ચંદ્રયાન 2 ઉપડવાની તારીખ નક્કી થઈ ગઈ. સમગ્ર પરિવારે છેલ્લી વાર અમુને  ખૂબ પ્રેમથી હાથ ફેરવ્યો. તેની વિદાય વખતે સમગ્ર પરિવાર ખૂબ રડ્યો. પણ બધાંને આનંદ હતો કે તે તેનાં પરિવારને મળશે.

આસ્થાએ ચંદ્રયાન 2ના પોશાકના ખિસ્સામાં અમુને ગોઠવી દીધું. ચંદ્રયાન ચંદ્ર પર પહોંચ્યું. તેણે તેને સાચવીને બહાર કાઢ્યું. ધીમે રહીને ચંદ્રની ધરતી પર મૂકી દીધું. અમુ પોતાની ધરતીને ઓળખી ગયું હોય તેવું તેને લાગ્યું. તેણે ફરીથી પોતાની જાતે છત્રી ખોલી. તેણે નૃત્ય કર્યું.  આસ્થાને એવું લાગ્યું કે તે આવજો કરે છે! આસ્થાને આશ્ચર્ય અને આનંદ બંને થયાં. તેને સાત દિવસ ચંદ્ર પર રહેવાનું હતું. બીજે દિવસે તેને અમુ દેખાયું નહીં. તેને થોડી ચિંતા થઈ કે તે પાછું ક્યાં ખોવાઈ ગયું? પછી પાછું વિચાર્યું કે તે તેનાં પરિવાર પાસે પહોંચી ગયું લાગે છે. હજુ તો તે વિચાર કરતી હતી ત્યાં તેણે દૂર કંઈક સળવળાટ જોયો. કંઈક સીધી લીટી જેવું લાગ્યું. ધીરે ધીરે તે નજીક આવતું હતું. તેણે નજર ત્યાં જ રાખી. થોડીવાર પછી તેણે એક ટોળકી જોઈ. અરે, સૌથી આગળ અમુ! તેની પાછળ આખો સમૂહ. બધાંએ પોતાની છત્રી જાતે જ ખોલી. જાણે ચંદ્ર પર કમળ ખીલ્યાં હોય તેવું લાગ્યું. તે સમજી ગઈ કે આ બધાં આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમને તેમનું ખોવાયેલું બાળક મળી ગયું. આખો જંતુ સમુદાય ખુશ ખુશાલ લાગ્યો. તે ભાવવિભોર થઈ ગઈ. તેણે પણ માથું ઝુકાવ્યું. કંઈ જ બોલ્યા વિના ઘણી બધી વાતચીત થઈ ગઈ. બંને પક્ષ આનંદમાં હતાં.

આસ્થા તેનું કાર્ય પૂર્ણ કરીને પાછી ધરતી પર આવી.

      થોડાં સમય પછી તેનાં પરિવારમાં એક નાનકડી બાળકીનો જન્મ થયો. તેમણે તેનું નામ 'અમુ' પાડ્યું. ઘણીવાર સમગ્ર પરિવાર અગાસી પર જઈને ચંદ્રની સામે જોઈને હાથ હલાવે છે. અમુ પણ ત્યાંથી પોતાની છત્રી ખોલીને તેમને જોઈને નૃત્ય કરતું હશે જ તેવી તેમને ખાતરી છે.

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ