વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘમંડ

વિષય: ૧ કપોળકલ્પીત

 

           ધોધમાર વરસાદની આડે છુપાતો કોઈ વ્યક્તિ જંગલમાં ઝાડીઓને વીંધતો આગળ વધી રહ્યો હતો. એના પગ ઉપરથી નીતરતા પાણીમાં લોહીનો રંગ ભળી ગયો હતો. ઝાડી ઝાંખરા અને કાંટાના ઉઝરડાથી વહેતુ થયેલું લોહી એને ધ્યાનમાં આવતું ન હતું. કેમ કે એ મગ્ન હતો. એના મસ્તિષ્કમાં એક જ વાત હતી. અર્જુન જેમ એ નિશાન સાધીને બેઠો હતો. એ લક્ષ્ય સિદ્ધ કરવા માટેની આ દોટ હતી. એને વિશ્વાસ હતો કે એ સફળ થશે.

          વરસાદની આડમાં તમરા છુપાઈ ગયા હતા નહિ તો ચોક્કસ ભયાનક દ્રશ્ય ઉભું થાય. કિન્તુ તમરાની જગ્યા ગરજતા વાદળોએ લીધી હતી. કડાકા અને ભડાકાની વચ્ચે નિડરતાથી એ આગળ વધી રહ્યો હતો. ઝાડીમાં અટવાઈને અટહાસ્ય કરતો પવન એને ડરાવવાની કોશિશ કરી રહ્યો હતો. વારેવારે વીજળી એના ચહેરાના ભાવ વાંચવા માટે ટપકી જતી પરંતુ ઉદાસ થઈને તરત જ પાછી વળી જતી. એની આંખોમાં ડર ન હતો. એના પગમાં થાક ન હતો. એના ચહેરા ઉપર ઉદાસી ન હતી. એની રહસ્ય ભરેલી નજર વારંવાર પાછળ ફરીને જોયા કરતી હતી. એના હાથ સતત ઝાડીને વીંઝતા આગળ રસ્તો કરી રહ્યા હતા. સતત વાગતી વરસાદી બુંદોએ એની આંખોને લાલ કરી દીધી હતી. ચહેરા ઉપર આડી ફાટેલી વનસ્પતિના ઉઝરડા સાફ દેખાય રહ્યા હતા.

            ખભ્ભે લટકાવેલી બેગમાંથી એણે ખંડેર હવેલી જેવો જૂનો લેમીનેશન કરેલો નકશો કાઢ્યો. વીજળીના ઇન્તજારમાં એણે એક નજર આકાશ તરફ કરી. વાદળો પણ જાણે એની ઈચ્છા સમજી ગયા હોય એમ એમણે તરત જ સહાયતા માટે વીજળી મોકલી અને એણે નકશા ઉપર બાજ નજર ફેરવી.

            'બસ હવે દૂર નથી.' - સ્વગત ઉચ્ચારીને એના ભીના હોઠનો જરાક વિસ્તાર કર્યો. એના ચહેરા ઉપર પ્રસન્નતા વ્યાપી ગઈ. એના હોઠનું સ્મિત એની આંખમાં વિસ્તરી ગયું. હોઠ ઉપર નીતરી આવેલી પાણીની બુંદને એણે ફૂંક મારીને ઉડાવી. એ કદાચ ખુશ હતો. એને કદાચ કોઈની તલાશ હતી. એ કંઈક શોધી રહ્યો હતો. એની શોધ અને એની આ લાંબી વિકટ સફરનો અંત હાથવેંતમાં હતો. એને વિશ્વાસ હતો કે એ સફળ થશે જ. હવાને જાણે ઈશારો કરતો હોય એમ એણે આંગળી વડે ઈશારો કર્યો અને આગળ જતાં ડાબી બાજુ ફંટાતા માર્ગ તરફ નિસર્ગે એના કદમ વાળ્યાં. હા, એનું નામ નિસર્ગ હતું. વર્ષોની મહેનત બાદ એને એક જાદુઈ પથ્થર વિશે ભાળ મળી હતી. એ માટે એણે લાઈબ્રેરી આખી ફંફોળી નાખી હતી. કેટલાય જુના અને જાદુઈ બાવાની ઝોળીઓ ખંખેરી નાખી હતી. આખરે એક પૌઢ બાવાની ઝોળીમાંથી એને એક નકશો અને ધાકધમકી આપ્યા બાદ જગ્યા મળી હતી.

           એ જગ્યા તરફ એ એકલો ચાલી રહ્યો હતો. પગમાં થતી અસહ્ય પીડાને એ શરૂઆતથી અવગણતો આવ્યો હતો. બાવા પાસે જગ્યાની ફક્ત જાણ જ થઈ હતી. બીજી કોઈ માહિતી મળે એ પહેલા બાવાએ આખરી શ્વાસ લઈ લીધો હતો. કદાચ નિસર્ગ એથી વધુ જાણવા માંગતો નહિ હોય. પરંતુ નિસર્ગને અફસોસ ન હતો. એ પથ્થર હાથમાં આવતા જ એ દુનિયાનો શહેનશાહ બની જવાનો હતો. જે કોઈ વસ્તુને એ પથ્થરનો સ્પર્શ કરાવતા જ એ સોનુ બની જવાની હતી. નિર્જીવ પૂતળામાં પણ પ્રાણ ફૂંકવાની એ પથ્થર તાકાત ધરાવતો હતો. ઈચ્છા પૂરતી કરવાની એનામાં શક્તિ હતી. એમ કહો કે વૈભવ અને અમરત્વ એના હાથમાં આવી જવાનું હતું.

આખરે ભયાનક વાતાવરણમાં જંગલને ચીરતો એ પોતાની મંઝીલની બહુ જ નજીક હતો. આગળ જતાં વળી પાછો રસ્તો એક નહિ સાત રસ્તામાં વહેંચાતો હતો. નિસર્ગની આંખો આશ્ચર્યથી પહોળી થઇ. કઈ તરફ જવું એ મૂંઝવણમાં એ હોઠ ઉપર આંગળી રાખી વિચાર મગ્ન હતો ત્યાં જ આકાશમાં એક ગજબ કડાકો થયો. નિસર્ગના રોમ રોમ કંપી ગયા. અનાયાસ એની નજર આકાશ તરફ ગઈ. કોઈ અટહાસ્ય કરતી નવ યૌવના માફક વરસાદ વરસી રહ્યો હતો. વાદળોએ આજ તાંડવઃ આદર્યું હતું. સુસવાટા મારતા પવનમાં દિશાઓનો ભય સ્પષ્ટ મહેસુસ કરી શકાતો હતો.

          પરંતુ ભયથી ધ્રુજીને પાછા ફરવાનો આ સમય ન હતો. આ સમય આગળ વધવાનો હતો. જેટલો રસ્તો સફળતા માટે કાપવાનો ન હતો એથી વધારે અધવચ્ચેથી પાછા ફરવા માટે કાપવાનો હતો. નિસર્ગ કાચા કાળજાનો ન હતો. નિષ્ફળતામાંથી સફળતાની ચાવી મેળવતા એને આવડતું હતું. આ દિવસ માટે એણે વર્ષોની મહેનત કરી હતી. સામ, દામ, દંડ, ભેદ કોઈપણ રીતે એ પોતાના ખ્વાબને સાકાર કરવા માંગતો હતો. એ ખ્વાબ એની આંગળીના ટેરવે બેઠું હતું.

            સાત રસ્તાની મૂંઝવણમાં કોઈ એક રસ્તા ઉપર આંખ ઠેરવવાની હતી જે એને એના ખ્વાબ સુધી લઈ જવાનો હતો. નિસર્ગ જેમ જેમ વિચારતો એમ વાતાવરણ વધુ ભયાનક બનતું જતું હતું. પરંતુ એના મનમાં જરાય ભય ન હતો. અવાવરું પવન એના કાળજાને ધ્રુજાવવાની કોશિશ કરતો પરંતુ વીજળીની તાકાતથી એ પવનના મારને રોકી રાખતો હતો. કોઈ રસ્તો સ્પષ્ટ ન થતા એને ફરીથી નકશાનો સહારો લીધો.

અને આખરે એની નજર ચોથા નંબરના રસ્તા ઉપર ઠરી. પ્રથમ કદમ એ રસ્તે માંડતા જ જાણે પૃથ્વીએ કંપારી અનુભવી હોય એવો અહેસાસ થયો. કોઈપણ જાતના અવરોધ કે ધક્કા વગર નિસર્ગ લથડી ગયો. એણે પાછા ફરીને જોયું તો કોઈ હતું નહીં. કુદરતના આ રૌન્દ્ર સ્વરૂપને જોઈને નિસર્ગને એની સફળતા નજર સામે જ દેખાવા લાગી. થોડા આગળ જતા ધીમે ધીમે વાતાવરણ સામાન્ય થવા લાગ્યું. આકાશમાંથી ગરજતા વાદળો શાંત થવા લાગ્યા. પવન ક્યાંક છુપાઈને ભરાય રહ્યો હોય એવું લાગ્યું.

            આગળ જતાં જ નકશા મુજબ એક મોટો પથ્થર આવ્યો. આજુ બાજુમાં બીજા સાત મહાકાય વૃક્ષોની રખેવાળી હતી. નકશામાં પણ આ મુજબની સ્થિતિ દર્શાવેલી હતી. આખરે નકશાના કહેવા મુજબ નિસર્ગે ચોથા નંબરના વૃક્ષને - મહાકાય વૃક્ષને હોય એટલી તાકાતથી ધક્કો માર્યો. એ સાથે જ પથ્થરની મોટી શીલા આપો આપ ખસી ગઈ. એક તેજ પુંજના આગમન સાથે સોનાથી પણ ઉજળો અને ચકચકિત પથ્થર એની આંખો સામે હવામાં તરી રહ્યો. એ સાથે જ નિસર્ગની આંખો પણ ચમકવા લાગી. વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. ધીમે ધીમે નિસર્ગ એ પથ્થર તરફ આગળ વધ્યો. પથ્થરને સ્પર્શ કરતા જ શાંત થયેલા વાતાવરણમાં ફરીથી તાંડવઃ ઉદ્દભવ્યું.

 

* * *

 

           થોડા જ મહિના લાગ્યા. આજ નિસર્ગ પાસે વૈભવમાં ગણી શકાય એવી તમામ ચીજ હતી. આલીશાન બંગલામાં એ રાજાશાહી ભોગવતો હતો. કેટલીએ મિલો, ફેક્ટરીનો એ માલિક હતો. પાષાણની મૂર્તિઓમાં પ્રાણ પુરીને એ વિલાશી જીવન ભોગવતો હતો. એની દુનિયાનો એ રાજા હતો. જે ઈચ્છા થાય એની પૂરતી એ કરી શકતો. જે સ્વપ્ન જુએ એ આંખના પલકારમાં પૂરું થતું. આજ એના હાથમાં અમરત્વ હતું. એને કોઈનો ભય ન હતો. જે ધાર્યું હોય એ કરીને જ જંપતો. વચમાં કઈ પણ આવે, કોઈપણ આવે કોઈને ખબર ન પડે એમ એના રસ્તામાંથી દૂર કરી દેતો. એની પાસે એટલી દોલત હતી કે સાત પેઢી બેઠા બેઠા ખાઈ શકે. એમ કહો કે દુનિયા એની મુઠીમાં હતી. એની આંખોમાં દોલતનો નશો હતો. ઘમંડ હતો.

 

             "નિસર્ગ, આ બધું છોડી દે. તારી પાસે શું નથી? તું ઈચ્છે એ કરી શકે છે. તું માંગે એ તને મળે છે. આમ વૈભવ અને ચામડાને ચૂંથવામાં જિંદગી નથી." - અવિનાશે રડતી અર્ધનગ્ન આસ્થાની દયા ખાતા કહ્યું.

           "દોસ્ત, આ વૈભવ મેળવવા માટે મેં અથાગ મહેનત કરી છે. હું ભગવાન પથ્થરમાંથી બન્યો છું. કંઈ રીતે છોડું. તને ખબર છે ને કે હું ધારું એ કરી શકું છું. હું આ પૃથ્વી ઉપરનો ભગવાન છું. તારે જોવું છે? જો બતાવું."

          અવિનાશને પોતાના ઘમંડનો પરચો બતાવતા નિસર્ગે પથ્થરમાંથી ઇન્સાન બનાવેલી આસ્થાને ફરીથી પથ્થર બનાવી દીધી. રાક્ષકની માફક એનું હાસ્ય એના વિશાળ શયનખંડમાં ગુંજવા લાગ્યું. અવિનાશને એ હાસ્યમાંથી ધમંડની બૂ આવી. એક ડર સાથે એ ત્યાંથી દૂર ખસી ગયો. એ જાણતો હતો નિસર્ગ કોઈનું માનવાનો નથી. છતાં પણ એણે એક મિત્ર તરીકે સાચો રસ્તો અને સાચા રસ્તે તાકાતને વાપરવા માટે સમજણ આપી હતી. પરંતુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સંપત્તિ જો સાચા રસ્તે ભેગી કરી હોય તો ચોક્કસ એ સદબુદ્ધિ આપે છે નહીં તો એ પાપાચાર તરફ ઇન્સાનને ખેંચી જાય છે.

વિલાશી જીવને મિત્રની સલાહ સાથે મિત્રની આંખમાં આવેલા આંસુની ભીનાશ મહેસુસ ના થઇ. કદાચ એની આંખોમાં રહેલા નશાના લીધે એ જોવા માંગતો નહિ હોય. નિસર્ગે અભિમાનથી પથ્થર બની ગયેલી આસ્થાના માથે હાથ ફેરવ્યો. એની આંખ પાસે થીજી ગયેલું આંસુ એને દેખાયું અને નિસર્ગ ફરીથી એ આંસુની મજાકમાં હસ્યો.

          બે હાથ પહોળા કરીને ખુદને ભગવાન સાથે તોલતો નિસર્ગ આજ દુનિયાને પોતાની મુઠ્ઠીમાં સમજતો હતો. એ ભૂલી ગયો હતો કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એક ઊંડા શ્વાસ સાથે એણે પાતાની આંખોમાંથી ઘમંડને રૂમમાં પ્રસરાવી દીધો.

 

*

 

            "નિસર્ગ લે ટિફિન લાવ્યો છું. જમી લે." - અવિનાશે બૂમ મારી.

          પતરાના બાંધેલા છાપરામાં જ્યાં છતના પણ ઠેકાણાં નથી એવા દોરડાથી લટકાવી રાખેલા દરવાજાને ધીમે ધીમે ખસેડી હાડપિંજર જેવા શરીર સાથે નિસર્ગ બહાર આવ્યો. નિસર્ગને જોઈને અવિનાશની આંખો ભરાય ગઈ. એનું દુઃખ એનાથી જોઈ શકાતું ન હતું. ઊંડી ઉતરી ગયેલી આંખોની રોશની પણ ઝાંખી થઈ ગઈ હતી. નિસર્ગે અવિનાશ સાથે આંખ મિલાવ્યા વગર જ ટિફિન લીધું.

           જીવનના તમામ શાન -ઓ - શૌકત પળમાં લુપ્ત થઈ ગયા. નિસર્ગને જે પથ્થરની તલાશ હતી એ પથ્થરની ભાળ મળતા જ એણે એ બાવાને મારી નાખ્યો હતો. પથ્થર તો મળી ગયો પણ એને વાપરવાની શરત એ બાવાના આખરી શ્વાસ સાથે વિલીન થઈ ગઈ.

           શરત મુતાબિક જેમ જેમ તમે ઇચ્છાઓની પૂરતી કરો એમ એમ પથ્થર નાનો થતો જતો હતો. જ્યારે આખરી ખ્વાહિશ પુરી થાય અને પથ્થર પૂરો થાય ત્યારે સર્વસ્વ ફના થઈ જશે એ એની શરત હતી. જે નિસર્ગને ખબર ન હતી. એ મદાઅંધ જાણ્યા જોયા વગર પથ્થરની અસરથી બેફામ જીવતો જતો હતો. જાણે એ દુનિયાનો રાજા હોય એમ જીવનને ભોગવવામાં અને પાપ આચરવામાં કોઈ જ કસર રાખી ન હતી.

           દોલતના નશામાં અંધ બનીને દુનિયાને જીતવા નીકળ્યો હતો અને અત્યારે એણે પોતાની જિંદગી ગુમાવી દીધી હતી. એ ખુદ ભગવાન પાસે એના પાપનું પ્રાયશ્ચિત રૂપે મોત માંગી રહ્યો હતો પરંતુ એટલા પાપ કર્યા હતા કે એને માંગવાથી મોત પણ મળતું ન હતું. ભૂખ, પ્યાસ અને એકલતા એને કોરી ખાતી હતી.

           "દોસ્ત, તને શક્તિ મળી પણ તું એનો સદ ઉપયોગ ના કરી શક્યો. તારો જીવ એ ચમત્કારીત પથ્થરે નથી લીધો. તારો જીવ તે જ લીધો છે. તારા ઘમંડે તને માર્યો છે. તું આંધળો થઈ ગયો હતો. તને કોઈનો ડર ન હતો. મારાથી તારી આ હાલત જોઈ શકાતી નથી." - અવિનાશની આંખોની ધાર છૂટી.

           "હમ..." - નિસર્ગથી માંડ એક શબ્દ બોલી શકાયો. એની આંખોનો દરિયો પણ સુકાય ગયો હતો. નિસર્ગ નીચી આંખે જ પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરી રહ્યો.

 

           જમતા જમતા ત્યાં જ નિસર્ગ ઢળી પડ્યો. હાથમાં રહેલો. કોળિયો પણ મોઢા સુધી પહોંચ્યો નહિ. ખુલ્લી આંખો સ્થિર થઈ ગઈ. અવિનાશ પોક મૂકીને મિત્રની વિદાય ઉપર રડી રહ્યો.

 

*

 

           "ચાલ, ઘરે જઈશું હવે?" - અવિનાશે કહ્યું.

           "પણ હું... ફરીથી... તારી સામે. એકદમ તાજો માજો!' - નિસર્ગે આશ્ચર્ય ભરી આંખે ખુદને નિહાળતા અવિનાશને પૂછ્યું.

           "હા દોસ્ત. ચમત્કાર થયો ને? તારી પાસે રહેલા પથ્થરમાંથી મેં થોડોક ચોરીછુપીથી લઈ લોધો હતો. હું ચાહતો તો કદાચ મારી બીજી કોઈ ઈચ્છા પૂરી કરી શકતો હતો. ભગવાને તારા પાપનું પ્રાયશ્ચિત માનીને તને મૃત્યુ દંડ આપ્યો. અને મેં તારા જ ચમત્કારથી તને ચમત્કારીત જીવન આપ્યું. હવે આ નવી જિંદગી છે. વિચારી લે જે કઈ રીતે જીવવી. ફરી કોઈ અવિનાશ તારી મદદે નહિ આવે."

 

           નિસર્ગની આંખમાં ઉપકાર સહ ખારા પાણીનો દરિયો ઉભરાયો. નિઃશબ્દ જોડેલા હાથ અવિનાશનો આભાર માની રહ્યા. અવિનાશે એ હાથને છુટા પાડીને નિસર્ગને બાથ ભીડી લીધી. મિત્રતાના આ પ્રગાઢ મિલનને જોવા હવા બે ઘડી શું અટકી કે આંસુથી ભીંજાય ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ