વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસુંદર

વિષય- ૨. બીભત્સ અને ક્રૂર 

 

અસુંદર

 

 

“ઓયે ચિકની આજે કોની સાથે જવાની?”

“ઇસકો તો જલસા હૈ... ઘરાક ઇસકો તૈય નહીં કરતા યે ઘરાક કુ પસંદ કરતી..”

“હા તો તેરેકુ ક્યાં પ્રોબલીમ હૈ? તું બી કર.. તેરેકો કોન રોકી?”

“અરે મેરેકુ તો અભી મિલતા હૈ યેહિચ બહોત હૈ. અબ તો સબ ઢીલા હો ગયા હૈ.....”

“હાહાહાહાહાહા“ બધા જ હસવા લાગ્યા. પણ જેના વિશે વાત થઈ રહી હતી એ શબ્બો ચૂપ હતી, સૂનમૂન હતી.

શબ્બો ૨૦-૨૨વર્ષની નાજુક પણ ભરાવદાર ઉરોજોની સ્વામીની...ગુલાબની પાંખડી જેવા નરમ અધરો અને ભમરાની જેમ એના નીચેના હોઠ ઉપર એક કાળું તલ. જે પણ શબ્બો પાસે આવે તે એના નીચેના હોઠનું કલાકો રસપાન કરે એટલા હદે એના એ તલ પાછળ એના ઘરાકો પાગલ. લો કટ ચોલીમાંથી જે નજારો દેખાય એ તો ભલભલા હિલ સ્ટેશનના લૅન્ડસ્કેપને પણ ફિક્કા પાડી દે. સુંવાળા રેશમી કર્લી વાળ, આંખો અને ચેહરાનો બેલેન્સ મેકઅપ અને ડોકી ઉપરનું શૃંગારિક ટેટુ શબ્બોને બધાથી અલગ તારવી આપતું. બધાથી અલગ એ ચોલીની નીચે ઘાઘરો નહીં પણ લો વેસ્ટ જીન્સ પહેરતી. જીન્સની ઉપર લટકણવાળો બેલ્ટ અને બેલ્ટની થોડે ઉપર નાભિમાં વીંધાયેલી રિંગ; જાણે કામદેવના આશીર્વાદ ના હોય એટલી માદક લાગે. લટક મટક કરીને જ્યારે ચાલે ત્યારે બેલ્ટના એ લટકણ એના નિતંબને વધારે કામુક બનાવી જતા. એમાંયે હાથમાં પહેરેલી બેંગલ્સની ખણખણ જૂની વાઈન જેટલો નશો ના કરાવે તો જ નવાઈ! આ બધું એને અલગ જ નહીં વધારે ઈંદ્રિયજન્ય બનાવતું, અને એટલે જ એના ઘરાકોની લાંબી લાઈન લાગતી.

સૌના ખ્વાબોને તૃપ્ત કરતી શબ્બો પણ અંદરથી તૃપ્ત જ હતી. એ જાણતી હતી પોતે શું છે અને એ જિંદગી બદલવાની નથી તો પછી શું કામ મરી મરીને જીવવું? એવું કરવામાં ના તો કોઈને ખુશ રાખી શકીએ ના જાતે ખુશી માણી શકીએ. એ એનું કામ ખૂબ જ ઇન્જૉય કરતી. જે કામથી એનું જીવનનિર્વાહ આગળ વધી રહ્યું હતું એ કામને એણે ક્યારેય અણગમો નહોતો આપ્યો.

જ્યારે એની સાથે રહેલી કોઈ પણ છોકરીને પોતાના કામ પ્રત્યે ઘૃણા કે નાનમ આવતી ત્યારે એ બધાને સમજાવતી કે શરમ આપણને નહીં એ લોકોને આવવી જોઈએ જે આપણી પાસે આવે છે. પોતાની ભૂખ સંતોષવા આપણા શરીરના ગુલામ બને છે. પરંતુ કોઈ પણ શબ્બો જેટલું બિન્દાસ અને જિંદાદિલ નહોતું બની શકતું. શબ્બો પણ પછી એ બધાને એમના હાલ પર છોડી પોતાની મસ્તીમાં મસ્ત રહેતી.

શબ્બોની એક જ માંગણી હતી કે એ જેને ના પાડે એવા કોઈને પણ શબ્બોના રૂમ સુધી આવવાની પરવાનગી ના મળવી જોઈએ. ગમે તેટલા રૂપિયા આપવા છતાં શબ્બોની જવાની ભોગવવાની તક ના મળવી જોઈએ. જ્યાં સુધી શબ્બોને  મજા આવતી ત્યાં સુધી એ પુરુષને જન્ન્તની સફર મળતી. જેવું શબ્બોનું મન ભરાઈ જાય એવું એ વ્યક્તિને શબ્બોના રૂમમાં એન્ટ્રી બંધ થઈ જતી.

શબ્બોની પસંદગી પણ ઊંચી! મોટાભાગના ઘરાકો સ્માર્ટ અને સ્ટાઇલિશ જ હતા. અપ-ટુ-ડેટ થઈને ફરતા પુરુષો જ એને પસંદ આવતા. ભલે એના પોશાકમાં સાદગી હોય પણ એ લઘરવઘર ના હોવો જોઈએ. શબ્બોની આ પસંદગી મોટાભાગના ઘરાકો જાણતા હતા એટલે શબ્બોને મળવા આવતો દરેક મર્દ વ્યવસ્થિત થઈને જ આવતો.

*******

"અરે શબ્બો! પેલો બે દિવસથી રોજ માથું ખાય છે.. આજે એને મળી લે ને!" શબ્બોના દલાલ શકીલે  અણગમા સાથે શબ્બો સામે દરખાસ્ત મૂકી.

"તેરેકો ઉસકી સિરફ બાત કરકું ઇતની ચીતરી ચડતી તો મૈં કૈસે મિલું રે ઉસકો!" કહી એ હસવા લાગી.

"શબ્બો! એક બાર તો મિલ લે યાર. વો મેરે દિમાગકી...તું એક બાર સંભાલ લે ઉસ  મ@# કો. પ્લીઝ..."

શબ્બોએ આંખો બંધ કરી અણગમો વ્યક્ત કરવા નાક ઉપર ચડાવ્યું અને માત્ર હાથના ઇશારાથી જ સહમતી બતાવી શકીલની પાછળ એ પણ બહારના રૂમમાં આવી.

જેવી એ બહારના રૂમમાં આવી એણે ત્યાં સામે ઊભેલી વ્યક્તિ પર એક નજર નાખી અને તરત જ નજર ફેરવી લીધી. અત્યાર સુધી શબ્બોએ એ વ્યક્તિને માત્ર દૂરથી જ જોયો હતો. આજે પહેલી વખત આટલી નજીકથી જોઈ રહી હતી. એને જોતાવેંત છેક મગજ સુધી ચડેલી ચીતરીને એ છુપાવી ના શકી અને એના શરીરમાંથી અણગમાની એક કંપારી છૂટી ગઈ.

"શકીલ, મારાથી નહીં થાય રે! તું આને ના કહી દે." કહી એ તરત જ રૂમમાંથી બહાર જવા લાગી. ત્યાં જ સામે ઊભેલી વ્યક્તિનો અવાજ એના કર્ણપટલને કંપિત કરી ગયો.

"શબ્બો! તારી સાથે માત્ર થોડા કલાકો વિતાવવા માટે હું અહીં રોજ આવીને કેટલાયે કલાકો તપસ્યા કરું છું. તું એક વાર મને મોકો આપ. હું તને નિરાશ નહીં કરું, એની હું ગેરંટી આપું છું."

 

એ જ ક્ષણે અચાનક એવું કંઈક થયું કે શબ્બો "એક સેકન્ડ માટે પણ તું મને નક્કો ચાલે રે!" કહી ત્યાંથી દોડતી સીધી બાથરૂમમાં જઈને અટકી. બાથરૂમમાંથી આવતા ઉબકાના અવાજ સાંભળી એ વ્યક્તિ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.

*********

એને એ દિવસે પૂર્ણ આશા હતી કે કદાચ શબ્બો 'હા' પાડે પણ જ્યારે ત્યાંથી નિરાશા સાંપડી ત્યારે એ પોતાના આક્રોશને રોકી ના શક્યો. ઘર કહેવા એની પાસે એક નાની ખોલી જ હતી. એ ખોલીની એક દીવાલ પર મોટા કદનો અરીસો આજે એની સામે અટ્ટહાસ્ય કરવા સજ્જ હતો. ધીમા અવાજે બબડાટ કરતાં કરતાં જ એ ખોલીમાં પ્રવેશ્યો.

"આજે તારી સેન્ચ્યૂરીનો દિવસ છે. મુબારક મુબારક." અરીસામાં ઝીલાતા એના પ્રતિબિંબે કહ્યું.

આ સાંભળતા જ પેલી વ્યક્તિને અઢળક ગુસ્સો આવ્યો અને હાથમાં પકડેલા તાળાનો સીધો અરીસા પર ઘા કર્યો. એ સાથે જ એક પ્રતિબિંબમાં જકડાયેલી એની બીભસ્તતા અનેક ટુકડાઓમાં વહેંચાઈને વધી ગઈ.

દરેક ટુકડો જાણે કે એની સામે અટ્ટહાસ્ય કરતો હતો!

"મને નફરત છે તારાથી, તારા નામથી, તારા અંગેઅંગથી...નફરત છે...નફરત!" કહી એ વ્યક્તિ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો હતો. અને આક્રોશ પણ કોની સામે? પોતાની જાત સામે!

"પોતાના પ્રતિબિંબથી આટલી બધી નફરત કોઈ કેવી રીતે કરી શકે?" જાણે કે એક ટુકડામાં રહેલું પ્રતિબિંબ એને પૂછી રહ્યું હતું.

"કેમ ના કરે? પ્રેમ કરવા જેવું કશું તો હોવું જોઈએ ને! એક પણ વ્યકતિ શોધીને આપ કે જેણે મને પ્રેમ કર્યો હોય? આજના સમયમાં સુંદરતાનું જ મહત્વ છે. શરીરની સુંદરતાનું!"

"સુંદરતાનું મહત્વ હોવા છતાં તને તારા નામથી ઘૃણા છે!" બીજા ટુકડામાં ઝીલાતા પ્રતિબિંબે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

"શું તને તારું નામ ગમે છે? સુંદર ત્રિપાઠી. મને તો લાગે કે અર્ધા લોકો મારા નામના કારણે જ મારી મજાક ઊડાવતા હશે! ભગવાને સાડા છ ફૂટની ઊંચાઈ અને મજબૂત બાંધો તો આપ્યો પણ સુંદરતા સાથે મારો દૂર દૂર સુધી કોઈ જ નાતો ના રાખ્યો. નામ સુંદર અને દર્શન ઉંદર જેવા!" કહી સુંદર ત્રિપાઠીએ દાંત કચકચાયા.

"તને કેમ એવું લાગે છે કે તું સુંદર નથી? સુંદરતા તો જોવાવાળાના મનમાં હોવી જોઈએ. અને મારી નજરથી તો તું સુંદર જ છે." ફરી કોઈ ટુકડામાંથી પ્રતિબિંબ બોલી ઉઠ્યું.

"મનની સુંદરતા! માઈ ફૂટ! મનની સુંદરતા પણ ત્યારે જ ઍક્ટિવેટ થાય છે જ્યારે તન સુંદર હોય. તને જોવું છે કે તું કેટલો કદરૂપો છે? તો આવ જો તારું પ્રતિબિંબ મારી આંખોમાં. જો તું દસ સેકંડથી વધારે જોઈ શકે તો મારું નામ બદલી નાખજે." કહી સુંદર ત્રિપાઠીએ એના દેખાવનો પક્ષ લેનાર એના જ પ્રતિબિંબને ચૅલેન્જ આપી.

"અરે? અટકી કેમ ગયો? નથી જોઈ શકતો ને આ ચહેરો? આ શરીર! કદરૂપું કાળી મેશ જેવું શરીર! બ્લોબફીશ કરતા પણ વધારે ચીકણાઈ તારા શરીર પણ જમા થયેલી છે. કદાચ એક તરફ વંકાયેલા તારા આ મોંમાંથી નીકળતી લાળ જ ચીકણાઈ બની તારા શરીર પર જમા થતી હશે! એટલે જ તો તારું એક નામ ‘લાળ ટપકતો નળ’ છે. અવિરત જથ્થાબંધ લાળ તારા મોંના ખૂણેથી વહ્યા જ કરતી હોય છે. તારા આ ગોળાકાર નાકની નીચે આવેલો હોઠનો ભાગ ક્યારેય કોઈ જોઈ શક્યું છે? અને તારે શબ્બો પાસે જવું છે? કિસ ક્યાં કરશે એ? નાકની નીચે છુપાયેલા હોઠ પર? કેવી રીતે? ચાલ કરી પણ લે પરંતુ હોઠ પૂર્ણ તો હોવા જોઈએ ને! ચીકણી ચામડીના એ ગોળાકાર લટકતા નાકની નીચે આવેલા અર્ધકાપાયેલા હોઠ પર લીધેલા ઓગણીશ ટાંકા! અને એ ઓછું હોય એમ જમણા ગાલ પર નાકથી લઈને કાન સુધી વિસ્તરેલો ઊંડો ખાડો તારા કદરૂપા અવતારને વધારે બિહામણો બનાવે છે. જમણી તરફથી કોઈ જોવે તો સીધા જડબા સાથે જ મુલાકાત થાય! એમાંયે એના ઉપરથી પસાર થતી અને ખાડાના કારણે સાધારણ હવામાં લટકતી આ નાની ગાંઠોની લાંબી કતાર! શું આને સુંદરતા કહેવાય? શું આના ઉપર ગર્વ કરવાનું તું મને કહે છે? આના ઉપર?" દુખાવો થતો હોવા છતાં એ જ ગાંઠો પર કર્કશ આંગળીઓ ઘસીને પ્રતિબિંબ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

"પણ..."

"પણ શું? તારી સુંદરતાનો તાજ એવો તારો આ કાન! ભૂલી ગયો તારો સડી ગયેલો એ કાન? જે કાનની ચામડી ઘણીવખત જાતે જ ઉખડીને ગાલના એ ખાડા પર આવીને ચોંટી જાય છે! અને આજે તો હદ થઈ! શબ્બોની સામે જ કાન પરથી ઉખડીને એ તારા ગાલે ચોંટી ગઈ હતી, યાદ છે ને! શબ્બોના ઉબકાનાં અવાજ હજી પણ મારા એ જ સડેલા કાનમાં પડઘાય છે."

ગુસ્સામાં લાલ આંખો હવે પ્રતિબિંબનો તાપ વધુ ખમી શકે એ હાલતમાં જ નહોતી. એનું મોં આટલા બધા શબ્દોનો ભાર સહન કરી શકવાની હાલતમાં જ નહોતું. બે મિનિટના આક્રોશે સુંદરની આખી હથેળી લાળથી ભરી લીધી હતી. એણે એક નફરતભરી દ્રષ્ટિથી અરીસાના ટુકડાઓમાં દેખાતા પોતાના પ્રતિબિંબ તરફ જોયું અને હથેળીમાં ઝીલેલી લાળનો એમના પર પ્રહાર કરી એ ત્યાંથી નીકળી ગયો.

 

*******

હંમેશા ખુશમિજાજ રહેતી શબ્બોને આજે ગુસ્સામાં જોઈ બધા ગભરાઈ ગયા હતા. એના રૂમમાંથી પાંચ સેકંડમાં દસ વખત શકીલના નામની બૂમો બહાર આવીને પડઘાઈ હશે. જે દ્રશ્ય જોઈને શબ્બોને ચીતરી ચડી હતી એ દ્રશ્ય શકીલની આંખોથી ક્યાં છુપાયું હતું? શકીલ સ્વસ્થ થઈને આવે એટલી રાહ જોવી પણ શબ્બો માટે ભરી હતી.

"શકીલ....ક્યાં મરી ગયો કમબક્ત? શ...કી....લ..." ગુસ્સાથી એના ગુલાબી હોઠ થથરતા હતા.

"રુક રી! આને તો દે." કહી શકીલે બૂમ પાડીને જ જવાબ આપ્યો. વાક્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો બુલેટ ટ્રેનની સ્પીડે એ શબ્બોના દરવાજાને હંફાવી હાંફળો ફાંફળો એના રૂમમાં પ્રવેશ્યો.

"શકીલ....આજ પછી આ વ્યક્તિ મને અહીં તો શું આખા એરિયામાં નજર ના આવવો જોઈએ. સમજ્યો?"

"પણ....એરિયામાં આવતા...."

"સાલા હરામી.... @$#!.. જે કરવું હોય એ કર.મી ડોન્ટ કેર.લેકિન યે મુજે વાપિસ દિખા તો એના ગાલ પરથી ચામડી લઈને તારા મોમાં નાખી દઈશ. સમજા કે નહીં મ@#?" શબ્બો શકીલ પર તાડુકી.

કંઈ બોલ્યા વગર શકીલ ત્યાંથી નીકળી ગયો. શકીલના જતાની સાથે જ એણે એની ખાસ મિત્ર રિંકીને બોલાવી. મૂડ સારો કરવા બંનેએ બહાર જઈને એમની ફૅવરિટ ભાજીપાઉં ખાવાનું નક્કી કર્યું.

"અરે શબ્બો! આજ બહોત દિનો કે બાદ યહાં દિખી, બહાર ગઈ થી ક્યાં?" ભાજીપાઉંવાળા અહેમદભાઈએ ઘણા દિવસ પછી શબ્બોને પોતાના ઠેલા પર આવેલી જોઈ પૂછ્યું.

"તમને શું, હું ક્યાં પણ ગઈ હોઉં? તમે યાર મગજની નસ ના ખેંચો. આમ પણ મારો મૂડ સારો નથી અને એ સરસ કરવા જ અહીં આવી છું." પૂછેલા સવાલથી જન્મેલા અણગમાને છુપાવ્યા વગર જ શબ્બોએ જવાબ આપ્યો.

"અરે! ક્યુ ગુસ્સા હોતી હૈ? બૈઠ ઇધર મૈં મસ્ત ચીઝ ડાલકે સ્પેશ્યલ ભાજી બનાતા હું." કહી એણે ટેબલ સાફ કરી શબ્બોને બેસવાનો ઈશારો કર્યો.

"એ હુઈ ના અહેમદવાલી બાત! લગાઓ ચિઝકા ઝોરદાર લટકા ભાજીકી ડીશમેં." કહી શબ્બો રિંકી સાથે ગપ્પા મારવા લાગી.

ત્યાં હાજર અમુક પુરુષની નજરમાં પોતાની સુંદરતાને કેદ થયેલી જોઈ શબ્બોનો મૂડ ધીરે ધીરે સુધારવા લાગ્યો હતો. સુંદર ત્રિપાઠીની મુલાકાતથી અકળાયેલી આંખો ગેલમાં આવી રમતિયાળ થવા લાગી હતી. એની આંખોની મસ્તીની નાની લહેર મોટા મોજામાં ફેરવાય એ પહેલાં તો અહેમદભાઈએ એના ટેબલ પર મસ્ત ચીઝ પાથરેલી ભાજી અને બટરમાં સેકેલા પાઉં મૂક્યા. શબ્બોને થોડા કડક પાઉં જ ગમતા હોવાથી જ્યાં સુધી એની ઉપરનું પળ કડક અને કથ્થાઈ રંગનું ના થાય ત્યાં સુધી એ પાઉંને બટરમાં શેકતા.

"શબ્બોરાની આજ આપકા મૂડ ઠીક કરને કે વાસ્તે યે સ્પેશ્યલ ડીશ." કહીને ભાજીપાઉં સાથે શબ્બોની ફૅવરિટ મીઠાઈ ગુલાબજાંબુની એક પ્લેટ પણ ટેબલ પર ગોઠવી.

"આજે તો જોરથી ભૂખ લાગી છે." કહી રિંકીએ પાઉંનો ટુકડો તોડ્યો. પાઉં આજે થોડા વધારે જ કડક થઈ ગયા હતા જેથી એના ઉપરના પળનો થોડો ભાગ તૂટીને ગુલાબજાંબુની ચાસણીમાં પડ્યો.

એ સાથે જ શબ્બોએ જોરથી આંખો બંધ કરી અને અણગમાથી એનું નાક ચડી ગયું. પાઉંના ટુકડાને ચાસણીમાં પડેલું જોઈ શબ્બોને સુંદરના જેલ જેવા ચીકણા ગાલ પર ચોંટેલી પેલી સડેલી ચામડી યાદ આવી ગઈ. "છી....યક.... હટાઓ ઇસકો..." કહેતા સુધીમાં તો ગુલાબજાંબુને શબ્બોએ ઊલટીથી નવડાવી દીધા.

એ સાંજ પછી સુંદરે ફરી ક્યારેય શબ્બોને પોતાનું મોં ના બતાવ્યું. એની અસુંદરતાએ જે રીતે ઇઝ્ઝતના ચીથરે હાલ કર્યા હતા એ પછી તો એ અરીસા સામે પણ નહોતો જતો.

********

"શકીલ કોઈ ડૉક્ટરને બોલાવી આવ તો જરા. મને ચામડી પર ખૂબ ખંજવાળ આવે છે." હાથ પર ખંજવાળતા જ શબ્બોએ શકીલને આદેશ આપ્યો.

"પણ શબ્બો, આ છેલ્લો ગ્રાહક પતાવી દે.... એ ક્યારનો તારી રાહ જોવે છે." ચોખ્ખી દલાલી ભાષામાં એ બોલ્યો.

"ઠીક છે. ત્યાં સુધી હું એને સ્વર્ગ દેખાડી આવું." એક આંખ મિચકારી શબ્બો એની ચોલીને ઉરોજ દેખાય એ રીતે નીચી કરી ગ્રાહક પાસે ઊભી રહી. શકીલ ડૉક્ટરને લેવા નીકળી ગયો.

શબ્બોના રૂમમાં અત્તરની ખુશ્બુ વચ્ચે બંને વચ્ચે ચુંબનની, શ્વાસની અને દેહની આપ-લે શરૂ થઈ. નિવસ્ત્ર શરીર એકબીજામાં એવા તો વીંટળાયેલા હતા કે આખું વાતાવરણ ઉષ્મામય થઈ ગયું. વચ્ચે વચ્ચે ગ્રાહકને ખબર ના પડે એની કાળજી રાખી શબ્બો શરીર પર આવતી ખંજવાળને પણ ન્યાય આપી દેતી.

કામક્રીડામાં મગ્ન પેલા પુરુષનું શબ્બોના શરીર પર ખંજવાળના લીધે ઉપસેલા ઉઝરડા પર ધ્યાન ના ગયું. એ તો શબ્બોના અંગોને મસળવામાં એવો તલ્લીન હતો કે અત્તરની સુગંધમાં અચાનક ભળેલી એ અસહ્ય બદબુ પણ સૂંઘી ના શક્યો.

પણ શબ્બો એ દુર્ગંધથી અકળાઈ. આજે પહેલી વખત આવી રીતે એનું ધ્યાન વિચલિત થયું હતું તેમછતાં રતિક્રીડાના ચરમસુખની આગળ એ દુર્ગંધે દમ તોડ્યો અને શબ્બોએ એના શરીરને પેલા પુરુષના બાહોપાશમાં સમાવી દીધું. સ્ત્રીનું સમર્પણ હંમેશા પુરુષને ઉત્તેજિત કરતુ હોય છે. એ વ્યક્તિ પણ હવે ઉત્તેજિત હતો. એ શબ્બોના શરીર પર હાથ ફેરવવા લાગ્યો. અને આ શું! એની આખી હથેળી ચીકાશયુક્ત થઈ ગઈ! ભીનાશ અને ચીકાશનો અહેસાસ થતાની સાથે જ એણે એની હથેળી જોઈ અને શબ્બોને જોરથી ધક્કો મારી પોતાનાથી દૂર હડસેલી દીધી. કૂદકો મારીને એ પણ પલંગથી નીચે ઉતરી શબ્બોના કપડાથી હાથ સાફ કરવા લાગ્યો.

શબ્બોના આખા શરીર પણ ઝીણી ફોલ્લીઓ થઈ હતી જેમાંથી પસ જેવું ચીકાશયુક્ત કશું બહાર નીકળી રહ્યું હતું. પેલો ગ્રાહક અને શબ્બો કંઈ વધારે સમજે એ પહેલાં શબ્બોની ચામડી સફેદ થવા લાગી અને નાની ફોલ્લીઓ મોટા ફોલ્લા બની ગઈ. પાણીથી ભરેલા ફુગ્ગા જેવા ફોલ્લા! ફોલ્લા પર નજર પડી ત્યાં સુધીમાં તો અમુક જગ્યાએ થી ચામડી ફાટી ગઈ અને અંદરથી કૂણી ચામડીની ચિકાસ બહાર ડોકાવવા લાગી.

"શબ્બો.... તને આ બધું શું થઈ રહ્યું છે? મને લાગે છે કે તને ડૉક્ટરની જરૂર છે. હું...હું બહાર જઈને ડૉક્ટર બોલાવાવનું કહું છું."

મખમલ જેવી ચામડીમાં અચાનક આવેલા બદલાવને જોઈ ગ્રાહક એટલો તો ડઘાઈ ગયો હતો કે કપડાં પહેરતી વખતે પણ એના હાથ થરથર કાંપતા હતા. જેમતેમ કરીને એણે રૂમમાં જ્યાં ત્યાં પડેલા પોતાના કપડાં ઉપાડ્યા અને પહેર્યા.

કપડાં શોધતા અને પહેરતી વખતે પણ એનું ધ્યાન શબ્બો તરફ જ હતું. નાના ફોલ્લા હવે પરુથી ભરેલા મોટા ઉપસેલા ફોલ્લામાં ફેરવાઈ ગયા હતા. આખા શરીરે બનેલા ફોલ્લાઓમાં જાતે જ ફૂટી રહ્યા હતા અને એમાંથી અત્યંત દુર્ગંધ મારતું પ્રવાહી બહાર આવી રહ્યું હતું.  ફોલ્લા ફૂટવા છતાં એ પ્રવાહી બંધ થવાનું નામ નહોતું લેતું. દિવસો સુધી બ્રેડને બંધ ડબ્બામાં રાખી હોય અને ડબ્બો ખોલો તો જે ખાટી અને કોહવાઈ ગયેલી દુર્ગંધ આવે એવી જ દુર્ગંધ અત્યારે અત્તરને માત આપી આખા ઓરડામાં પ્રસરી ગઈ હતી. એ દુર્ગંધ શબ્બોની ચામડીમાંથી વહેતા પ્રવાહીની જ હતી. જોતજોતામાં તો ફૂટેલા ફોલ્લા પર ફરી ફોલ્લા બની જતા અને એમાંથી દબાણ સાથે પ્રવાહીની પિચકારી નીકળતી. આખા શરીરમાંથી છૂટતી એ પિચકારીએ ના તો બેડ જોયો કે ના ફ્લોર. ના દિવાલને છોડી ના ફર્નિચરને. શબ્બો પીડામાં તડપતી હતી. ચહેરાની ચામડીની પણ આ જ હાલત હતી જેના કારણે અસહ્ય પીડામાં પણ એની સ્વરપેટીમાંથી કંપન નહોતા નીકળી શકતા. એટલામાં જ પરુ જેવા લાગતા એ ચીકણા અને ગંધિત પ્રવાહીની પિચકારી ગભરાહટના કારણે ખુલ્લા રહી ગયેલા પેલા ગ્રાહકના મોમાં ગઈ. એ સાથે જ કડવાહટ અને ચીકાશથી એનું આખું મોં ગંધાઈ ગયું. દરવાજાની સ્ટોપર ખોલી એ સીધો ત્યાંથી ભાગ્યો. એને ગભરાઈને ભાગતો જોઈ રિન્કીને કુતુહલ થયું. થોડી મિનિટોથી ફેલાયેલી અસહ્ય દુર્ગંધના સ્ત્રોત્રને શોધવાનું છોડી એણે શબ્બોના રૂમ તરફ પગ ઉપાડ્યા. રૂમની અંદરનું દ્રશ્ય જોઈ રિન્કીને ચક્કર આવી ગયા.

શબ્બોનું આખું શરીર ચીકણા પ્રવાહીમાં રગદોળાયેલું હતું. ફૂટી ગયેલા ફોલ્લામાંથી હવે લીલા રંગનું લોહી જેવું કશુંક નીકળી રહ્યું હતું. એ સાથે જ જ્યાં જ્યાંથી ચામડી ફાટી ગઈ હતી ત્યાં ત્યાં કથ્થાઈ રંગના ચાઠાવાળી કાળી ચામડી ઉપસી આવી હતી. જોતજોતામાં તો એ ચામડી પણ શરીરથી અનાકર્ષિત હોય એમ છૂટી પાડવા લાગી. પેલા પ્રવાહીના લીધે ચીકણા થયેલા એના શરીર પર ગમે ત્યાં ચોંટવા લાગી.

રિંકીની સાથે બાકીની છોકરીઓનું ટોળું પણ રૂમના દરવાજામાંથી આવતી તાજી હવાને રોકી શબ્બોને જોવા ત્યાં ઊભું રહી ગયું હતું. શબ્બોના રૂમ પાસે ટોળું અને એ ટોળાના હાવભાવ જોઈ શકીલનો જીવ તાળવે ચોંટી ગયો. એ ડૉક્ટર સાથે ફાટફાટ શબ્બોના રૂમ પાસે પહોંચ્યો ત્યારે શબ્બો બેભાન થઈ ગઈ હતી અને એના શરીરમાંથી હજી પણ પેલું લીલું પ્રવાહી નીકળી રહ્યું હતું.

******

"ડૉક્ટર ઇસકો ક્યાં હુઆ હૈ?" સિટી હૉસ્પિટલના ચામડીના રોગ વિભાગના વડા ડૉ. સિંધવને શકીલ પૂછી રહ્યો હતો. સવાલ ડૉક્ટરને પૂછતો હતો પણ એનું ધ્યાન ઢાંકીને રાખેલી શબ્બો પર જ હતું.

ડૉક્ટર શકીલ અને રિન્કીને એમની કૅબિનમાં લઈ ગયા. એમણે સમજાવ્યું કે, "આ એક પ્રકારનું ચામડીનું ઇન્ફેકશન છે કે જેમાં શરીરમાં બૅક્ટેરિયા અને ફંગસ બંનેનો અટૅક થાય. જેના લીધે મ્યૂટેશન એટલું વધી જાય કે ઇન્ફેકશન પ્રવાહી સ્વરૂપે બહાર આવે. આ રોગ બહુ જ વિરલ છે. દસ કરોડે કોઈ એકને થાય. આમ તો ચામડીના રોગ ચેપી હોય છે, પણ આ રોગમાં જો એના બૅક્ટેરિયા અને ફંગસ બંને સાથે તમારા શરીરમાં પ્રવેશે તો જ તમને ચેપ લાગે. શબ્બોને સ્વસ્થ થતા કેટલો સમય લાગશે એ કહેવું અઘરું છે. ઈનફેક્ટ એ સ્વસ્થ થશે કે કેમ! એ પણ હું નથી કહી શકતો. અમે સારવાર તો શરૂ કરી દીધી છે. પ્રાથના કરો કે જલ્દી જ એ સ્વસ્થ થઈ જાય. તમે ઈચ્છો તો થોડા દિવસમાં તમે શબ્બોને તમારી સાથે લઈ જઈ શકો છો."

ચામડીના રોગનો ચેપ કેટલો ઘાતક હોય છે એટલી સમજણ તો આ વ્યવસાયમાં આવ્યા ત્યારથી બધાને ખબર હોવાથી રિંકી અને શકીલ બંને શબ્બોને 'અહીં રાખવી કે સાથે લઈ જવી'ના અસમંજસમાં હતા. બધા સાથે ચર્ચા કરી આ વાતનો નિર્ણય લેવાનું નક્કી કરી, શબ્બોને મળ્યા વગર જ બંને ત્યાંથી નીકળી ગયા.

********

"મને માફ કરજો એ સાંજે મેં તમારું આપમાન કર્યું હતું. તમારા શરીરને જોઈ મને જે ચીતરી ચડી હતી એનું જ ફળ ભગવાને મને આ રોગ થકી આપ્યું છે."

"અરે રે! શબ્બો તું માફી ના માંગ. તારી સાથે સમય વ્યતીત કરવો એ એક માત્ર મારા જીવનનું લક્ષ્ય હતું. કદાચ મારો આક્રોશ ભગવાનથી સહન નહીં થયો હોય કે એણે મને આ મોકો આપ્યો."

શબ્બો કંઈ બોલી ના શકી પણ એની આંખોમાંથી વહેતા નીરે બધું કહી દીધું.

"શબ્બો, ભલે મને તારી સાથે, તારા મખમલી શરીર સાથે સમય વિતાવવો હતો, પણ મારી વાતનો વિશ્વાસ રાખજે હું તારા મન અને તારી આત્માને પણ પામવા ઈચ્છતો હતો."

"પણ હવે આ ચામડી..." કહી શબ્બોએ સડી ગયેલી એની ચામડી પર નજર નાખી અને અપૂર્ણ વાક્યે જ અટકી ગઈ.

"તું જે સ્વરૂપે હશે મને એ સ્વરૂપે તું પસંદ છે. તારી પીડા મારી પીડા છે. તું ચિંતા ના કર હું તારી સારવાર પણ કરીશ અને તને સ્વસ્થ પણ!"

શબ્બો નિરુત્તર રહી એટલે સુંદરે આગળ વધાર્યું.

"ખબર છે, શબ્બો! એ સાંજ પછી હું ખૂબ નિરાશ થઈ ગયો હતો. મેં નક્કી કરી લીધું હતું કે હવે તારી દિશામાં હું એક ડગલું પણ નહીં ભરું. દિલની લાગણીઓથી મજબૂર હું જાતને વધુ ના રોકી શક્યો. તારી મારા પર નજર ના પડે એ રીતે હું ત્યાં ઊભો રહેતો અને તને નિહાળીને પાછો ફરી જતો. દરરોજ તને જોવાની આદત પડી ગઈ હતી પણ જ્યારે ઘણા દિવસો સુધી તું ના દેખાઈ ત્યારે મેં શકીલને તારા વિશે પૂછ્યું. પછી તો શું! ત્યાંથી સીધો હું સિવિલ હૉસ્પિટલ આવ્યો અને તને અહીં લઈ આવ્યો."

"પણ તમે એવું કેમ કર્યું? મારો ચેપ તમને લાગશે તો! એ જ બીકે તો બધાએ... રિંકી....શકીલ...મારા માટે કંઈ પણ કરી શકવાની ડિંગો મારતા મારા....બધાએ મારો....... બસ તમારા સિવાય...કે જેના અસુંદર રૂપની, કદરૂપા શરીરની મેં હંમેશા અવગણના......" બોલતા બોલતા જ શબ્બોને એક ડૂમો ભરાઈ ગયો.

સુંદર શબ્બોની પાસે જઈ એને સાંત્વન આપવા લાગ્યો. ચેપ લાગવાની બીક કયારેય એના દિમાગને દસ્તક આપી નહોતી શકી. સુંદરે શબ્બોના આંસુઓ લૂછ્યાં અને શબ્બોને આલિંગનમાં લઈ લીધી. એ સાથે જ અસુંદર સુંદરની લાગણીનો ચેપ શબ્બોને પણ લાગ્યો અને સુંદરે આપેલું આલિંગન શબ્બોએ પોતાની બાહોંથી મજબૂત કર્યું.

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ