વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આહવતું

વિષય ૩. રહસ્ય-રોમાંચ

 

"આહવતું"

 

"કેટકી અલી એય કેટકી"

 

એક આ ડોશીએ ભારે કરી લગરાકેય નવરી નથ થાવા દેતી "હા મા આવી"

 

કાશીમાં ને ઉમરની સાથે સાથે કાનને પણ ઉંમર લાગી ગઈ હતી એટલે કેટકી નો અવાજ કાશીમાનાં કાન સુધી પહોંચવામાં વાર લાગતી હતી "આ કેટકીય એવી ચ્ય કે કોઈ આહવતું કરતી નથ"

 

'ઓ..હો.. કાનની આ બેરી ગોટાળે મને ચડાવે' "ચ્યમ બોકરા કરે સ હું કાય મરી નથ ગઈ" હાથમાં ટૂંકો ચણીયો પકડીને પગની ઝાંઝરિયુનો ઠુંમ્મક ઠુંમ્મક મધુર અવાજ કરતી કાશીમા પાસે આવી.

 

"મરે તારા દશમન મારું હૈયું હો વરહ જીવે"

 

કાશીમા અલક-મલકની વાતો કેટકીને સંભળાવતી કેટકી કાશીમાના ખોળામાં માથું રાખીને વાતો સાંભળતી હતી.

 

           કાશીમા ને અને એના દિકરા વશરામની દિકરી કેટકીને કોણ જાણે ક્યા ભવનો સંબંધ હશે? એકબીજા વગર ઘડીયેય ન રહી શકે, કાશીમા નો સાદ સાંભળીને કેટકી દોડતી આવતી એક સોળ વર્ષની અને એક એક્સઠ વરસની પણ ઘણીવાર કેટકી મા બની જતી અને કાશીમા દીકરી, વશરામ ઘણીવાર માને કહેતો મા કેટકીને આખો જન્મારો આપડા ઘરે નથી રાખવાની, ત્યારે કાશીમા વ્હાલથી કહેતા હતાં કે, દિકરા તારા કરતાં મે વધારે દિવાળી ભાળી છે અમારી મા દિકરી વચ્ચે તારે ડાપણ વાપરવાની જરૂર નથી ત્યારે કેટકી કાશીમાને વળગી પડતી.

 

          કેટકી છ મહિનાની જ હતી ત્યારે એની મા દેવના દરબારમાં જતી રહી હતી, વશરામ છૂટી મજૂરી કરીને એની ઘરડીમાનું અને કેટકી નું ગુજરાન ચલાવતો હતો, કાશીમાએ તો ઘણીવાર વશરામને સમજાવ્યો દિકરા તારી સામે તારી આખી જિંદગી પડી છે તું બીજું ઘર ગોતી લે પણ વશરામ ન માન્યો અને કાશીમાને કહેતો મા મને તો વહુ મળી જાય પણ કેટકી નું શું?  એને મા ન મળે અંતે વશરામ કેટકી ના સમ દઈને કાશીમાને અટકાવી દેતો.

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

વશરામ મજૂરી કરીને ફળિયામાં ખાટલો ઢાળીને બેઠો બેઠો કાશીમાને યાદ કરવા લાગ્યો.

         એક દિવસ અણધાર્યું કાશીમાને ધર્મરાજાનું તેડું આવ્યું અને કાશીમાએ લાંબુ ગામતરું કર્યું, કાશીમાના છેલ્લા વેણ વશરામને કાળજે વળગ્યાં.

 

"દીકરા કેટકીને ક્યાંક હારું ઠેકાણું જોઈને વળાવી દેજે જોજે હો હમજું તો અવગત્યે ગઈ છે પણ મારા ગયા પછી કેટકી નું કોણ મારી કેટકી મલક જેવી નથી" 

 

કાશીમા ગયા એને બે વરહ થયા પણ કાશીમાના વેણ આજ વશરામને કોરી ખાતા હતા કેટકીને જોઈને વશરામે ઊંડો શ્વાસ લીધો કેટકી પાણીનો લોટો વશરામને આપતાં બોલી.

 

"બાપુ લ્યો પાણી" પાણી દઈને ચુલ્લા તરફ જતાં જતાં બોલી "હું ઉનું પાણી કરું છું પછી પગ ધોઈ દઉં એટલે તમારો થાક ઓગળી જાય"

 

"બટા તુ પાહે આવીને વાતો કરને તોય મારો થાક ઉતરી જાય છે"

 

"તોય બાપુ થોડું હતપ પાણી કરી દઉં ચુલ્લો હળગે જ છે બે કટીકડા મોરતી આવું"

 

દીકરીનું માન રાખવા વશરામે હા પાડી.

કેટકી ગરમ પાણીએથી વશરામના પગ ધોતી જાય અને વાતો કરતી જાય "હે બાપુ તમને મારી વ્યાધિ થાય છે ને!"

 

"અરે દીકરા હું વાત કરસ મને વ્યાધિ અને તારી તુંતો મારો હાવજ છે બટા મને મારા લોય ઉપર વશ્વાસ છે"

 

"બાપુ હૈયા ઉપર પાણો મૂકીને કિયો"

-----------------------------------------------------------------

 

કાશીમા,"હમજુ વશરામ વાટે ઉભો છે મોટું મોટું કામ કર બીજું પડ્યું રે'વા હુ કરી વાળીશ" 

 

હમજું ફટાફટ ઘરનું કામ પતાવીને બોલી,

"એ.. હા મા પણ આ પગમાં આવે ઇતો આઘું પાછું કરવુંને"

 

"ઈ હંધુંય હુ કરી નાખીશ"

 

હમજુ ઉતાવળે ઉતાવળે ઘર બહાર નીકળતાં કાશીમાને ભલામણ કરતા બોલી,"મા શાક કરી નાખ્યું છે અને ખીતીએ છાશની બવણી ટીંગાડી છે બાજરાના રોટલા ઘડીને ભાત લઈ આવજો કામ પડ્યું રે'વા દેજો હાંજે કરી વાળીશ કેટકીને ક્યારેક ક્યારેક હીંચકો નાખતા રે'જો અને હા દૂધ તપેલીમાં ગરમ કરી નાખ્યું છે કેટકી હાટું મીંદડી ધોળી નાખે નય"

 

કાશીમા મનમાં બબડતા બબડતા બોલ્યાં નકરાં આહવતાં છીંધવામાં જ વેળા કાઢશે,"એ હા તમે જાવ" મોટા સાદે કાશીમા બોલ્યા.

 

કેટકી ઘોડિયામાં સુતી છે કાશીમા કામ કરતાં કરતાં કેટકીને હીંચકો નાખતા જતાં અને મનમાં બબડતા હતા 'આ રોયા નરસીને ટેમે ટેમે કામ કરી દેવું પડે છે' 

વળી કાશીમા પોતાનો જવાબ પોતાને જ આપતાં 'કરવુંય પડે નકર ઈમા આપડે હું વળે જેવું કરવી એવું પામવી'

 

વર્ષ સારું હોવાથી વશરામે નરસી પટલની વાડી ભાગવી વાવી હતી,  દિવસ ઉગેને વશરામ અને હમજુ છ મહિનાની કેટકીને કાશીમા આગળ મૂકીને નીકળી જતાં પછી મોડેથી કાશીમા કેટકીને તેડી માથે ભાત લઈને આવતાં હતાં.

 

બાવળો ને ધોળિયો ગાડે જોડીને વશરામે ગાડું તૈયાર કર્યું હમજું અને બે દાડિયાને લઈને વશરામ વાડીયે ઉપડ્યો નરસીની વાડીને શેઢે  ભાભલુભાઈ દરબારની વાડી છે, વાડીએ વાડીના ભાગ્યા કામે ન ચડે એ પેલા તો ભાભલુભાઈ દરબાર એની બાવળી ઘોડી લઈને વાડીએ આવી જતાં હતા. 

નરસીનો નિત્યક્રમ હતો આવીને પેલા એની વાડીના ચારેય શેઢે  આંટો મારવો.

નરસી પટલને અને ભાભલુભાઈ દરબારને શેઢાને કારણે ઘણીવાર તકરાર થતી હતી તેથી નરસી ભાભલુભાઈની સામે નજર પણ કરતો ન હતો. 

ભાભલુભાઈને નવ વાગે ચા પીવાની આદત હતી એટલે ભાભલુભાઈ મોટેથી વશરામને ચા પીવા સાદ કરતા હતા, ભાભળુભાઈનો અવાજ સાંભળીને નરસીના મૂળિયાં બળી જતા પણ શું કરવું ભાભલુભાઈને કાંઈ કહેવાય તો નહીં એટલે જે કે'વુ હોય તે વશરામને કહી દેતો.

 

ભાભલુભાઈ વશરામને ચા પીવા માટે અને નરસીને બળતરા થાય એવી રીતે જોર જોરથી સાદ કરતા હતા,"અલ્યા એય વશરામ હાલ હવે હાલ ચા તિયાર થઈ ગયો છે "

 

વશરામ પણ ચા નું નામ પડે એટલે દાતરડું હેઠું મૂકીને તુરંત નીકળી જતો, નરસી દાઢમાંથી, "વશરામ જા જા ચા તિયાર થઈ ગયો છે"

 

"હા હો નરસીભાઇ દરબાર નો એટલે ચા બોવ હારો બનાવે"

 

"હવે ઈ તારો હગો કાલા નાખીને ચા બનાવે છે ઈને તો પોહાય વાડિયું ઘોડિયું અને બોવ એવુ લાગે તો કોકને બે ધોકાય આંટી લે પણ જો તને બંધાણ થઈ ગયુંને તો ભેળું નય થાય"

 

"ભેળું કરવું નો કરવું ભગવાનનાં હાથમાં છે આપડે કોણ ભેળું કરવા વાળા"

 

"તો ભોગવ મારા હાળા આ નો સુધરે" કહેતો ખંભે કોદાળી લઈને હાલતો થયો.

-----------------------------------------------------------------------

"અરે રે આ કેવો ગજબ થઈ ગયો મારા વશરામ ઉપર તો આભ તૂટી પડ્યો એય વશરામીયા દિકરા તુ ક્યાં ગયો અરે હવે મારા દીકરાને હું શું જવાબ દઈશ હમજુ હમજુ તું આમ છોડીને ક્યાં હાલી નીકળી ભગવાન ભગવાન તારા ખજાને શુ ખોટ પડી અમારા ગરીબ ઘરનો ખજાનો તે લૂંટી લીધો મારા વશરામને કોઈ બોલાવો અરે...રે હુ ગઈઢી બેહી રય ને મારું રતન તુ લૂંટી ગયો ભગવાન ભગવાન તે જરાય વિશાર નો કર્યો અરે આ નાનકડી પારેવડા જેવડી પહુનો તો વિશાર કર" 

શોધાર આસુંડે કાશીમા કલ્પાત કરે છે ફરતી ગામની બાયું આશ્વાન આપે છે પણ કાશીમા કલ્પાત કરી રહ્યા છે નાનકડાં ગામડામાં સોંપો પડી ગયો છે વશરામ તો કપાસનું ગાડું ભરીને બોટાદના યાર્ડમાં ગયો છે. કોઈ મોટર સાયકલ લઈને વશરામને તેડવાં ગયું કાશીમાને મજા નથી એવુ કહીને, ઘરે આવતાં ખબર પડી કે એની જીવનસાથી સુખ અને દુઃખમાં પડછાયો બનીને કાયમ હરમત આપતી હમજુ હવે એની હારે નથી, વશરામને માથે આભ તૂટી પડ્યો.

 

ઉગીને આથમ્યો મારે કરમે કાયમ અંધારું થયું

જવાબ દે હે ઈશ્વર તે અંધાર્યું કેમ આવું ધાર્યું

હે.. દીના નાથ તુ મારા ફળિયામાં આવીને તો

આ નાનકડી દીકરીએ તારું શું બગાડ્યું હશે

હજુ તો એને તારી ભૂમિ ઉપર પગ પણ નથી મુક્યો.

 

ગામના ડોહલીયા આશ્વાસન આપતાં હતા કે, ભાઈ આયા જેમ હારા માણસની જરૂર છે ઈમ ન્યા હારા માણસની જરૂર છે, અરે હમજુ તો મારી દીકરી જેવી હતી કોઈદી' એને કાળું મોઢું નથી કર્યું ઘરમાં હોય નો હોય તોય હંધુંય ભેળું કરી નાખતી ક્યારેય કાશીબોન્ હામેય વડકું નથી કર્યું ગમે તેવું આહવતું હોય એના મોઢે ના નો હોય.

 

કાશીમાનુ રુદન ચાલુ જ હતું અરે મારો રામ વનમાં ગયો હશે કે, મે એને આહવતું સીધ્યું જો મે આહવતું નો સીધ્યું હોત ઈ નો વાડી એ ગઈ હોત નો એને કાળોતરો આભડયો હોત.

 

એક બાજુ કાશીમાનો વલોપાત બીજી બાજુ ઘોડિયામાં સુતેલી કેટકીની ચિછિયારીઓ વશરામને કાળજે વાગતી જાણે કોઈ સાતીમાં ભાલુ ભોંકાતું હોય એવુ લાગતું હતું.

 

----------------------------------------------------------------------

 

આજકાલ કરતાં કેટકી વીસ વર્ષની થઈ ગઈ વશરામને ખબર પણ ન પડી કે તેની દીકરી રમતાં ખેલતાં ક્યારે મોટી થઈ ગઈ પહાડો જેવડાં દુઃખને પણ ઠેબે ચડાવી દે અને બાપની આબરુંને મુઠીમાં રાખતી મા વગરની કેટકી આજ જુવાન થઈ ગઈ છે, વશરામ પોતાની લાડકવાઈ દીકરીનો દાયજો ભેળો કરવા  હતું નહોતું પણ દીકરીને પારકા ઘરે જઈને કોઈ ઓશપ ન રહે એવો દાયજો કર્યો છે પોતાની લાડકોડ થી ઉછરેલી દીકરીની કંકોત્રી દેવા નીકળ્યો છે ભાભલુભાઈ દરબારની ડેલીએ આવ્યો દરબાર હિંડોળા ઉપર બેઠાં હતાં, વશરામને જોતા જ દરબાર હિંડોળા ઉપરથી ઉભા થઈને વશરામ સામે પગલાં ભરવા લાગ્યાં વશરામ દરબારને સામે આવતાં જ તેની આંખોમાં છુપાવેલ દુઃખ ની વેદનાને રોકી ન શક્યો.

 

"અરે વશરામ તું  અને તારી આંખમાં આંસુ ભલામણાં હજુ હુ બેઠો છું" 

વશરામના પગ અટકી ગયા અને ડેલીમાને ડેલીમાં ઢગલો થઈને રડવા લાગ્યો, કારણકે આવડો મોટો માણસ અને કાયમ હારે ચા પીધેલી એને હમજુ ગયા પછી ક્યારેય એકબીજાને ભેટો થયેલો નહીં વશરામના વલોપાતે દરબારની આંખમાં પણ આંસુ પાડી દીધાં.

 

બંનેના હૈયા હલકાં થયા ચા પાણી પીધા પછી વશરામે કંકોત્રી દરબારના હાથમાં આપતાં કહ્યું "દરબાર મારી દીકરીનાં લગન છે"

 

ભાભલુભાઈ "અલ્યા ઢીંગલી એવડી મોટી થઈ ગઈ"

 

"હા દરબાર દીકરીયુંને ક્યાં વધતાં વાર લાગે છે"

 

"હાચું હો દીકરી ઇતો દીકરી કે'વાય વીહ વરહ બાપના ઘરે રમી કૂદીને પારકા ઘરને પોતાનું કરી લે ઈ દીકરી"

 

--------------------------------------------------------------

બળદો ને ઘૂઘરમાળ બાંધ્યા છે સાંકડા મારગમાં ધુળની ડમરી ચડાવતાં ગાડા હાલ્યા આવે છે ઢોલ ધડુંકવા લાગ્યાં જાડેરી જાન વશરામની ડેલીએ આવી ગઈ છે માંડવામાં મીઠાં ગીત ગવાય છે

કન્યા પધરાવો સાવધાન કરીને ગોરબાપા લગ્નનાં મંત્રો બોલી રહ્યાં છે, હાથ એકનો ઘૂંઘટ તાણીને કેટકીને ડાબે જમણે બે બહેનપણીઓ હાથ પકડીને પ્રવેશ કરે છે, ભાભળુભાઈનો એકનોએક દીકરો ધર્મદીપ કેટકીના જવતલ હોમી રહ્યો છે.

 

આ દશ આ દશ પીપળો આ દશ દાદાનાં ખેતર,

પેલી વધામણ મારા દાદાની દીકરી ડાયા થઈ રેજો.

 

દાદા મને દેવું હોય તે દેજો છેટા ની વાટે મારે હાલવું રે,

દાદાએ દીધા ગાયું તણા દાન રે..

દાદાએ દીધા ગાયું તણા દાન.

 

દીકરી વિદાય લઈ રહી છે ત્યારે એનો બાપ મળવા આવે છે છેલ્લા આશિષ દેવા આવે છે ત્યારે એના બાપની વ્હાલી કેટકી બેઉ હાથના આંકડિયા બાપાનાં ગળામાં પરોવી દે છે.

 

"બાપુ મેતો મા નથી ભાળી પણ મા કેવી હોય ઈ મને તમારામાં દેખાણી"

"બસ દીકરી હવે ખમૈયા કર મારી દીકરી"

 કેતકી એના બાપને ભેટીને રડે છે ત્યારે વશરામ કેટકીને હમજાવતા કહે છે"બેટા દીકરી મે તને હંધુંય આપી દીધું છે પણ તને કઈ વાતનું રોણુ આવે છે હજુય મારાથી તને કાય નો દેવાણુ હોય તો કે પણ તુ હવે રડતી બંધ થા"

"બાપુ તમે મને ઘણું આપ્યું"

"તો બેટા આટલું રોવે છે કેમ"

"બાપુ મને એક જ વાતનું રોણું આવે છે"

"હા દીકરા બોલ કઈ વાતનું"

"કે બાપા આવતીકાલનો હુરજ ઉગશેને ઈ હવારનાં મારા બાપના રોટલાં કોણ કરશે"

"બસ દીકરી તુંતો તારા બાપની હિમંત છે બટા"

 

અંતે તો ભાભલુભાઈ દરબારે વશરામને પોતાનો ખંભો આપીને કેટકીને માથે હાથ મૂકી જાનને વિદાય આપી....

 

પૂર્ણ વિરામ...

કિશન એસ.શેલાણા'કાવ્ય'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ