વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘોંઘાટ ભરી ખામોશી

વિષય -3 રહસ્ય રોમાંચ

**

પોષ મહિનાની ગાત્રો થીજાવી દેતી કાતિલ ઠંડીના સામ્રાજ્ય સામે કાળી અંધારી રાતે પણ ઘૂંટણીયા ટેકવી દીધા હોય એમ મથુરા જંક્શન રેલ્વે સ્ટેશનનો સમગ્ર વિસ્તાર સુન્ન થઈ ગયો હતો. પ્લેટફોર્મ પરના છૂટાછવાયા ચાના સ્ટોલ પર કર્કશ અવાજે ધમધમતા પ્રાઇમસ એ ઠંડાગાર વાતાવરણમાં ગરમાટો લાવવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા હતા. દિવસ આખો 'ચાય.. ચાય... પેશિયલ ચાય..'ની બૂમો પાડીને થાકેલા ફેરિયાઓ પણ ચાની કીટલી કોરાણે મૂકીને સ્ટેશનના બાંકડે ઠુંઠવાઈને ટૂંટિયું વાળીને થોડીવાર માટે જપી ગયા હતા. પ્લેટફોર્મ પર અટવાતા એકલદોકલ રખડું કૂતરાઓ પણ હૂંફની શોધમાં ખૂણેખાંચરે લપાઈ ગયા હતા.

બરાબર રાતના ત્રણ વાગીને દસ મિનિટે ઠંડીથી કોકડું વળી ગયેલા એ રેલ્વે સ્ટેશનને હચમચાવીને ઉઠાડવાનો પ્રયાસ કરતી હોય એમ બાંદ્રાથી ઉપડીને જમ્મુ કટરા તરફ જતી સ્વરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર એક પર આવીને હાંફતી ઉભી રહી. માઈક ઉપર ટ્રેન આવ્યાના કર્કશ અવાજે થયેલા એનાઉન્સમેન્ટને કારણે વાતાવરણમાં થોડી ચેતના આવી. થોડા ઘણા યાત્રીઓ પ્લેટફોર્મ પર ઉતર્યા અને ધીમા પગલે બહાર છવાયેલા ગાઢ ધુમ્મસમાં ઓગળી ગયા. થોડીવાર સુધી ફરી 'ચાય... ચાય...'નો શોરબકોર ઉઠ્યો અને એકાદ બે મિનિટમાં શમી પણ ગયો. સ્લીપિંગ અને એસી કોચમાં મુસાફરી કરતાં નિશાચર પ્રાણી જેવા અમુક માણસો હાથ પગ છૂટા કરવા ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને પ્લેટફોર્મ પર એક નાનકડી લટાર મારીને ફરી પાછા ટ્રેનમાં ચઢી ગયા.

બરાબર ત્રણ વાગીને પંદર મિનિટે થોડો થાક ખાઈને ફરી એકવાર ચોમેર ફેલાયેલા સન્નાટા, અંધકાર અને કાતિલ ઠંડીની સામે રણશીંગુ ફૂંકતી હોય એમ ટ્રેનના તીણા વ્હીસલનો અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. એક હલકા ધક્કા સાથે ટ્રેન ઉપડી અને થોડી જ ક્ષણોમાં પ્લેટફોર્મ ઓળંગી ગઈ. ટ્રેન જેમ જેમ આગળ વધતી ગઈ એમ ટ્રેક પર બીછાવેલા પાટાઓમાં કંપન પણ વધતું ગયું. બીજી પંદરેક મિનિટમાં ટ્રેન ફરી એની લયમાં આવી ગઈ હતી. એન્જીન પર લગાવેલી મસમોટી હેડલાઈટની મદદથી આજુબાજુ ફેલાયેલા ઘટ્ટ અંધકારને ચીરતી ટ્રેન તેજ રફ્તારથી આગળ વધી રહી હતી. બે એન્જીન ડ્રાઈવરોને ભરોસે ટ્રેનમાં બેઠેલા હજારો મુસાફરો ફરી એકવાર ગાઢ નિંદ્રામાં સરી પડ્યા.

થોડીવાર થઈ હશે અને ટ્રેનના સ્લીપિંગ કોચના એસ 3 ડબ્બાના એક કંપાર્ટમેન્ટમાં સહેજ હલચલ થઈ. એક આકૃતિ ઉભી થઈ અને કોમન ટોયલેટના પેસેજ તરફ આગળ વધી. એ જ સમયની રાહ જોતી હોય એમ એ કંપાર્ટમેન્ટને બરાબર લાગીને આવેલા બાજુના કંપાર્ટમેન્ટમાં પણ સળવળાટ થયો. બીજા કંપાર્ટમેન્ટમાંથી પણ એક આકૃતિ ઉભી થઈ અને પહેલી આકૃતિને અનુસરતી કોમન ટોયલેટ પાસે પહોંચી. ક્ષણાર્ધમાં બંને આકૃતિઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક આકૃતિ ટોયલેટ પાસેના દરવાજામાંથી ટ્રેનની બહાર ફંગોળાઈને સામેના ટ્રેક પર પડી. ટ્રેનની બહાર ફંગોળાયેલી આકૃતિના મોઢામાંથી નીકળેલી મરણચીસ ટ્રેનની ધમધમાટીમાં રૂંધાઈ ગઈ. બીજી જ પળે સામેના ટ્રેક પર આવેલી ધસમસતી ટ્રેન એ આકૃતિને માથું, ધડ અને પગ એમ ત્રણ ભાગમાં વિભાજીત કરતી આગળ વધી ગઈ.

**

"સાહેબ, ટ્રેક પરથી એક લાશ મળી છે." કેબિનને નોક કર્યા વગર જ અડધીયા દરવાજાને ધડ દઈને ધક્કો મારીને અંદર ધસી આવેલો કોન્સ્ટેબલ વિક્રમ બોલી ઉઠ્યો.

મને વિક્રમનું આવું વર્તન સહેજ ખૂંચ્યું. એની આમ અચાનક હાજરીની અવગણના કરતો હું મારાં ચાના કપમાંથી ઉઠી રહેલી ધૂમ્રસેરને કાચની બારીમાંથી ગળાઈને આવી રહેલા સવારના કુમળા તડકામાં ઓગળતી જોઈ રહ્યો. થોડીવાર સુધી ઓઈલિંગ થયા વગરના અડધીયા દરવાજાનો ઉઘાડબંધ થવાનો 'ચૂં... ચૂં...' અવાજ કેબિનમાં ઘુમરાઈ રહ્યો.

"સોરી, સાહેબ. મેં તમને ડિસ્ટર્બ......" પોતાના જ વર્તનથી એ સહેજ ઝંખવાયો.

"અરે.. નહીં.. નહીં વિક્રમ, બોલ શું થયું.?" ચાના કપમાંથી ઉઠી રહેલી એ ધૂમ્રસેરને હલકી ફૂંક મારી વિખેરી નાખતા હું બોલ્યો.

"સાહેબ, મથુરા સબ સ્ટેશન A પાસે ટ્રેક પરથી એક લાશ મળી છે."

"કોઈ ઓળખ...?"

"હા સાહેબ, કોઈ માણસની બોડી છે. પેન્ટમાંથી પર્સ અને એક મોબાઈલ મળ્યો છે. પણ મોબાઈલનો કચ્ચરઘાણ વળી ગયો છે. પર્સમાંથી એક આઈ કાર્ડ મળ્યું છે. એના પર નામ કાંતિભાઈ ચૌધરી બતાવે છે."

"રહેઠાણ...?"

"સાહેબ.., સુરત."

"અને કોઈ બોડીનો કબ્જો લેવા આવ્યું છે કે પછી બિનવારસી..?"

"સાહેબ, હજુ સુધી તો કોઈ આવ્યું નથી. પણ માલગાડી એના પરથી ફરી વળી હોય એવું લાગે છે. બોડીના ચીંથરા ઉડી ગયા છે. એ છતાં કપડાં પરથી કોઈ સારા ઘરનો હોય એવું લાગે છે. કદાચ સુસાઇડ કેસ હોય શકે.. કે પછી... અકસ્માત.."

"ચાલો જોઈ લઈએ." મેં ચાનો કપ હાથમાં લઈને ઝડપથી બે ત્રણ ચૂસકી મારીને બાકીનો અધૂરો કપ ટેબલ પર હડસેલી દીધો.

ચોકીની બહાર આવી જઈને અમે ઝડપથી જીપમાં ગોઠવાયા. શિયાળાનો બાળસૂર્ય હજુ ક્ષિતિજ પર ડોકાઈ રહ્યો હતો. સવારના સાડા સાતની કુમળી ધૂપે આજુબાજુ છવાયેલા ધુમ્મસ પર પોતાનું આધિપત્ય સ્થાપવામાં આંશિક સફળતા મેળવી હતી. અમારી જીપ ચાલુ થવાથી ઉઠેલા ધુમાડાના ગોટેગોટાએ ધુમ્મસમાં ભળી જઈને વાતાવરણને ઓર ધુમ્મીલ બનાવી દીધું.

થોડીવાર પછી અમે ઘટના સ્થળે હતા. વિક્રમની વાત સાચી હતી. બોડી ટ્રેન નીચે ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. શરીરના વેરવિખેર થયેલા અંગોને સ્ટ્રેચર પર નાખીને ઉપર સફેદ કપડું ઓઢાડી દેવામાં આવ્યું હતું. હું એ કપડું ખસેડીને બગડી ગયેલી મારી ખુશનુમા સવારને વધુ બગાડવા દેવા માંગતો નહોતો.

"વિક્રમ, પંચનામાની કાર્યવાહી પૂરી કરી દો અને આઈ કાર્ડ પર લખેલા નંબર પર કોન્ટેક્ટ કરી જુઓ અને નજીકનાં સ્ટેશનો પર પણ જાણ કરી દો. કોઈ કબ્જો લેવા તો ઠીક, નહીં તો પી.એમ. કરાવીને બાકીની ફોર્માલિટી પૂરી કરી દઈશું." મેં ફરી જીપમાં બેસતા જરૂરી સૂચનાઓ આપી.

રેગ્યુલર કામો પતાવીને બપોરે હું પેન્ડિંગ કેસોની ફાઈલ તપાસી રહ્યો હતો ત્યાં જ કેબિનની બહાર કોલાહલ મચી ગયો.

"સાહેબ..." આ વખતે વિક્રમે કેબિન નોક કરીને અંદર આવ્યો. "કાંતિભાઈ ચૌધરીના ઘરવાળા આવ્યા છે બોડીનો કબ્જો લેવા."

"હા, મોકલી આપ."

બીજી જ મિનિટે બે પાંત્રીસથી ચાલીસની ઉંમરની આધેડ સ્ત્રીઓ, દસથી બાર વર્ષના બે છોકરાઓ અને એક સોળ સત્તર વર્ષની સુંદર દેખાવડી છોકરી કેબિનમાં આવ્યા. બંને સ્ત્રીઓની ઉંમરમાં લગભગ ચારથી પાંચ વર્ષનો તફાવત લાગતો હતો. જે સ્ત્રી મોટી ઉંમરની હતી એ હિબકા ભરીને રડી રહી હતી. મને ખ્યાલ આવી ગયો કે એ સ્ત્રી જ મરનાર કાંતિભાઈની પત્ની હોવી જોઈએ. મેં બધાને સામે ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. બંને સ્ત્રીઓ મારી સામે મુકેલી ખાલી ખુરશીમાં બેઠી. જયારે છોકરાઓ એમની બાજુમાં ઉભા રહ્યા.

"તમે... કાંતિભાઈના પત્ની છો..?" મેં પેલી રડી રહેલી સ્ત્રીની સામે જોઈને પૂછ્યું.

એણે જવાબ આપ્યા વગર જ રડતા રડતા હકારમાં ગરદન હલાવી.

"શું તમને ખ્યાલ છે કે રાતે ટ્રેનમાં તમારા પતિ સાથે શું થયું હતું.? ટ્રેનમાં કોઈની સાથે ઝઘડો કે મારામારી...?"

આ વખતે એણે નકારમાં ગરદન હલાવી.

"એમને ડ્રિન્ક કરવાની આદત..?"

એણે ફરી નકારમાં ગરદન હલાવી.

"તો પછી આમ ટ્રેનમાંથી કઇરીતે પડી ગયા...?"

"સા...હેબ.... મ..મા...રા... પ...પ..તિ....ને.... ઉ..ઉ...ઉ.. ઘ.... માં.... ચ્ચ...ચા...લ...વા..વા..."

એ સ્ત્રી હિબકા ભરીને રડતી જ જતી હતી. મને એની વાતમાં લેશ માત્ર સમજ નહીં પડી. મેં એને થોડી સ્વસ્થ કરવા ટેબલ પર પડેલું પાણીનું ગ્લાસ એની સામે ધર્યું. એણે પાણીના એક બે ઘૂંટ ભરી શાંત થવાનો પ્રયત્ન કર્યો. પણ છતાં મને લાગ્યું કે એ સ્ત્રી પતિના મૃત્યુના ભારે આઘાતમાં હતી. એટલે મેં એને પૂછવાનું માંડી વાળીને એની બાજુમાં બેઠેલી સ્ત્રી સામે પ્રશ્ન સૂચક નજરે જોયું.

"સાહેબ, અમે સુરતના છીએ અને વૈષ્ણોદેવી દર્શન કરવા માટે નીકળ્યા હતા." બાજુમાં બેઠેલી સ્ત્રી કંઈક સ્વસ્થ જણાતી હતી.

"હં... આપનું નામ..?"

"સાહેબ, હું કામિની અને આ મારાં જેઠાણી કોમલબેન."

"ઓકે.."

"અમે સુરતમાં સાથે જ સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને સુરતથી જ અમે ટ્રેનમાં બેસીને વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા. અમને સ્લીપિંગના એસ 3 ડબ્બામાં રિઝર્વેશન મળ્યું હતું. પણ અમને એક જ કંપાર્ટમેન્ટમાં સીટ મળી નહોતી. અમારી સીટ બાજુ બાજુના કંપાર્ટમેન્ટમાં હતી. ટ્રેન સુરતથી ઉપડી અને રાત પડી ત્યાં સુધી બધું બરાબર હતું. પણ રાત પડી પછી અમે અમારી બાજુના કંપાર્ટમેન્ટમાં આવેલી સીટ પર સુવા જતા રહ્યા."

"અમે એટલે...?" મેં વચ્ચે જ કામિનીબેનને રોક્યા.

"હું, આ મારી છોકરી વાણી." કામિનીબેને છોકરી તરફ હાથ બતાવ્યો. "અને સાથે મારાં જેઠાણીના બંને છોકરાઓ દિવ્ય અને તર્જ પણ રમતા રમતા અમારી સાથે સુવા આવ્યા હતા."

"અને તમારા પતિ...?" મેં ઉત્સુકતાથી પૂછ્યું.

"સાહેબ...., મારાં પતિ તો ઘણા વર્ષો પહેલા જ... " કામિનીબેન થોડા અચકાયા.

"ઓહ...!" ક્ષણાર્ધ માટે કેબિનમાં શાંતિ ફેલાઈ ગઈ.

"તમારા પતિનું શું નામ.. હતું..?" મૌન તોડતા મેં પૂછ્યું.

"જી, ચિંતન."

"હં.... ત્યાર પછી શું થયું..?"

"સાહેબ, બારેક વાગ્યાં સુધી અમે બધા જાગતા હતા. પછી બધા સુઈ ગયા. પણ વહેલી સવારે જયારે આંખ ખુલી ત્યારે મારાં જેઠાણી મને રડતા રડતા ઢંઢોળીને ઉઠાડી રહ્યા હતા. મેં પૂછ્યું કે શું થયું..? તો કહે કે એમના પતિ એટલે કે મારાં જેઠ કાંતિભાઈ ટ્રેનમાંથી ગાયબ હતા."

"ત્યારે કેટલા વાગ્યાં હતા..?"

"ત્યારે લગભગ સવારના સાડા પાંચ થયા હતા." કામિનીબેન થોડું વિચારીને બોલ્યા. "અને હા..., મેં બારીમાંથી ડોકિયું કરીને જોયું તો ટ્રેન દિલ્હી સ્ટેશને આવીને ઉભી હતી. મારાં જેઠાણી ખૂબ રડી રહ્યા હતા. મારાં જેઠજીનો ફોન પણ સ્વીચઓફ આવતો હતો. શું કરવું.. શું ન કરવું..? મને કંઈ સમજ પડતી નહોતી. અમે દિલ્હી સ્ટેશન પર જ ઉતરી પડ્યા. ત્યાં સ્ટેશન પર ઓફિસમાં જાણ કરી. બે ત્રણ કલાક અહીંતહીં ભટકવામાં જ નીકળી ગયા. અમે દિલ્હી રેલ્વે સ્ટેશન પર છોકરાઓ સાથે રઝળી રહ્યા હતા. ત્યાં જ સાડા આઠ વાગે સ્ટેશન માસ્તરે બોલાવીને કહ્યું કે.... મથુરા પાસે... ટ્રેક પરથી... એમની.... લાશ..."

કામિનીબેન બોલતા અટકી ગયા અને માંડ માંડ ચૂપ થયેલા એમના જેઠાણી કોમલબેન ફરીથી રડવા લાગ્યા.

"અચ્છા... તો કાંતિભાઈને કોઈ ટેન્શન કે એવું કંઈ..?"

"ના. આમ તો એવું કોઈ ટેન્શન... જેવું નહોતું." કામિનીબેન એકવાર કોમલબેનની સામે જોઈને બોલ્યા.

"જુઓ, જે રીતે કાંતિભાઈનું મૃત્યુ થયું છે એ રીતે જોઈએ તો લાગે છે એમણે ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી છે." મેં ફક્ત અડસટ્ટો લગાવવાના આશયથી પૂછ્યું. પણ ત્યાં તો કોમલબેન ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

સા...હેબ.... મારાં.... પતિ...એ... આત્મ..હ..ત્યા... નથી... કરી..."

"પણ જે રીતે એમનું મૃત્યુ થયું છે એ જોતા તો એમણે આત્મહત્યા...."

"મેં.... કહ્યું... ને.... એમણે... આત્મહત્યા.... નથી... કરી..." હું વાક્ય પૂરું કરું એ પહેલા જ કોમલબેન લગભગ ચિલ્લાઈને બોલ્યા.

"તો પછી... આમ.. ટ્રેનમાંથી કેવીરીતે પડી ગયા...?" મારી ભ્રમરો તંગ થઈ.

"સાહેબ, એક્ચ્યુલી એમનું મોત બિમારીને કારણે થયું છે." કામિનીબેન ફોડ પાડતા હોય એમ બોલ્યા.

"બિમારી... કેવી બિમારી...?"

"કાંતિભાઈને એટલે કે મારાં જેઠને ઊંઘમાં ચાલવાની બિમારી હતી."

"હેં..? વ્હોટ..?" હવે આઘાત લાગવાનો વારો મારો હતો.

"હા સાહેબ."

"અરે, પણ એવું કંઈ થોડું હોય. એ ઊંઘમાં પણ ક્યાં ચાલે છે એનું તો એમને ભાન હોય જ ને." મેં દલીલ કરી.

"નહીં સાહેબ, તેઓ રાતે ઊંઘમાં ગમે ત્યાં નીકળી પડતા હતા. સુરતમાં પણ અડધી રાતે બે વાર એમના એક્સીડેન્ટ થતા બચ્યા હતા."

"મતલબ કે તેઓ અડધી રાતે ઊંઘમાં જ ઉઠ્યા અને ચાલતા ચાલતા ચાલુ ટ્રેનમાંથી પડી ગયા..! હાઉ ઇઝ ઈટ પોસિબલ..?" હજુ પણ મારું મન એ વાત માનવા તૈયાર નહોતું.

"હા સાહેબ, હું પહેલા પણ તમને એ જ કહેવાની કોશિશ કરી રહી હતી. પણ તમે સમજ્યા નહીં." બાજુમાં બેઠેલા કોમલબેન સાડીના છેડાથી આંસુ લૂછતાં બોલ્યા. "ઘણા સમયથી એમની દવા પણ ચાલતી હતી. પણ..." કોમલબેનની લૂછેલી આંખો ફરી ભરાઈ આવી.

મારાં મગજમાં ભારે ગડમથલ ચાલી. હવે આગળ શું પૂછવું હું એની અવઢવમાં હતો. અનાયાસે જ મારું ધ્યાન બાળકો પર પડ્યું.

"અને આ બાળકો...?" પહેલા ઓળખ આપી હોવા છતાં કંઈક વધુ જાણવા મળે એ આશયથી મેં પૂછ્યું.

"આ બે છોકરાઓ દિવ્ય અને તર્જ મારાં જેઠાણીના છે અને આ છોકરી મારી છે." કામિનીબેન બોલ્યા.

"પણ તમારા જેઠાણીના બંને છોકરાઓ તો તમારી છોકરી કરતાં ઉંમરમાં ઘણા નાના લાગે છે." મેં કામિનીબેન સામે જોઈને નવાઈથી પૂછ્યું.

"હા સાહેબ, મારાં જેઠાણીને સહેજ મોટી ઉંમરે છોકરાઓ થયા હતા." કામિનીબેને ચોખવટ કરી.

"અચ્છા...,અને આ છોકરી... શું નામ કહ્યું તમે એનું..?"

"વાણી.." કામિનીબેન જરા તિરસ્કારથી છોકરી તરફ જોઈને બોલ્યા. જે મારી અનુભવી આંખોથી છૂપું ન રહ્યું.

"ઓહ અચ્છા... વાણી.." હું વાણીની નિર્દોષ આંખોમાં જોઈ રહ્યો.

જયારે વાણી મારી કેબિનમાં દાખલ થઈ ત્યારે પહેલી જ નજરે મને એ સુંદર છોકરી બહુ માસુમ અને નિર્દોષ લાગી હતી. ખબર નહીં કેમ પણ આવી પરાણે વ્હાલી લાગે એવી એ છોકરીની સામે જોઈને એની મા કામિનીબેનને તિરસ્કાર કેમ છૂટ્યો હશે એ હું સમજી શક્યો નહીં. બરાબર એ જ સમયે વાણીના માસુમ ચહેરા પરની એક અજબ ઉદાસીને પણ હું અનુભવી રહ્યો.

આખરે એ કુટુંબમાં કંઈક તો અજૂગતું ચાલી રહ્યું હતું અને એ રહસ્ય શું હશે એ વાત મારાં દિમાગમાં ઘુમરાઈ રહી.

"એની વે, હવે મારી વાત ધ્યાનથી સાંભળો." એક ગરમ ઉચ્છવાસ બહાર કાઢતા હું બોલ્યો. "કાંતિભાઈની બોડીને પી.એમ. માટે મોકલવી પડશે. એનો રિપોર્ટ આવી જાય એટલે તમને બોડીનો કબ્જો સોંપી દઈશું."

"જી સાહેબ." કામિનીબેન અને કોમલબેને મારી સામે હાથ જોડ્યા.

બધા મારી કેબિનમાંથી બહાર નીકળવા ઉઠ્યા. કોમલબેનનું રડવું ફરી ચાલુ થયું. કામિનીબેન એમને આશ્વાસન આપી રહ્યા અને હું ફરી માસુમ વાણીને કેબિનની બહાર જતા જોઈ રહ્યો.

બીજે દિવસે સવારે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી ગયો. પણ એમાં ખાસ કશું શંકાસ્પદ નહોતું. એવી કોઈ ઇજા પણ કાંતિભાઈને થઈ નહોતી. હા, રીપોર્ટમાં કાંતિભાઈ ઊંઘમાં ચાલવાની બિમારીની દવા લેતા હોવાનું ખુલ્યું. મેં એ બાબતે પી.એમ.ના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી જોઈ. પણ મને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. મેં ફરી એકવાર ઘટના સ્થળે જઈને ત્યાં બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પણ ત્યાંથી પણ કોઈ પુરાવો નહીં મળ્યો. ટ્રેનનો એસ 3 નો ડબ્બો કે જ્યાંથી કાંતિભાઈ પડી ગયા હતા એ પણ પુરો ફેંદી નાખ્યો. પણ ક્યાંય કશું હાથ ન લાગ્યું. આખી ઘટના મધરાતે સાડા ત્રણથી ચાર વાગ્યા વચ્ચે બની હતી અને ત્યારે ટ્રેનમાં બધા ઘસઘસાટ સૂતેલા હતા. જેથી નજરે જોનાર કોઈ સાક્ષી પણ નહોતો. આખરે કાંતિભાઈનો મૃતદેહ એમના પરીવારને સોંપીને અને અકસ્માત મોતનો કેસ નોંધીને અમે ફાઈલ બંધ કરી દીધી.

ધીમે ધીમે સમયનું ચક્ર ફરવા લાગ્યું. હવે એ કેસ મારાં માટે ફક્ત એક કિસ્સો બનીને રહી ગયો હતો. આવા ઘણા કિસ્સાઓ મેં મારી કારકિર્દીમાં જોયા હતા કે જેનું પૂર્ણવિરામ કોઈ એવા વણાંક પર આવી જાય કે જ્યાંથી કોઈ ચોક્કસ નિર્ણય પર આવવું શક્ય ન હોય અને પુરાવાઓ અને સાક્ષીઓના અભાવે અકસ્માત ગણાવીને એની ફાઈલ અભરાઈએ ચઢાવી દેવાઈ હોય. આવા કેસમાં વધુ પડતા લાગણીશીલ બન્યા કરતાં પ્રોફેશનલ બનવું જ હીતકારી સાબિત થતું હોય છે.

એ વાતને લગભગ પાંચ વર્ષ જેવો સમય વીતી ગયો હશે. એ દરમિયાન મારી બદલી સુરત થઈ. ખ્વાહિશો અને જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધતી જિંદગી સરસ રીતે આગળ વધી રહી હતી. એ કેસ પણ મારાં સ્મૃતિપટ પરથી સાવ જ ભૂંસાઈ ગયો હતો. પણ એક દિવસ આરોગ્યની ટીમ સાથે એક સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.તાન્યાના ક્લિનિક પર છાપો મારવા મારે સાથે જવાનું થયું. ડૉ.તાન્યાએ કરેલા ગેરકાયદેસર કામોને ઉઘાડા પાડવા માટે અમે એના ક્લિનિકના પેપર્સ ચેક કરી રહ્યા હતા. ત્યારે એક લોક કરેલા ડ્રોવરમાં છુપાવવામાં આવેલું એક જર્જરીત રજીસ્ટર મને મળી આવ્યું. એ રજીસ્ટર ઉઘાડીને હું ઝીણવટપૂર્વક તપાસી રહ્યો હતો. રજીસ્ટરમાં અમુક નામો અને એની સામે મોબાઈલ નંબર લખ્યા હતા. રજીસ્ટર ઘણું જૂનું હતું અને એના પાના પીળા પડી ગયેલા હતા. અમુક નામ ન ઉકેલાઈ એવા અક્ષરોએ લખાયેલા હતા. હું એ નામ ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે નામ ઉકેલવા ઝીણી થયેલી મારી આંખો એક નામ વાંચીને અચાનક જ પહોળી થઈ ગઈ..!

"વાણી ચિંતનકુમાર ચૌધરી.."

રજીસ્ટર બાજુએ મૂકીને મેં દિમાગ કસ્યુ. આંખો બંધ કરીને અને માથું પકડીને થોડીવાર સુધી બેઠા પછી મારાં મગજમાં ચમકારો થયો. મારી નજર સમક્ષ એ માસુમ ચહેરો તરવરી ઉઠ્યો. આટલી માસુમ છોકરીનું નામ આવા લિસ્ટમાં..?! મને શંકા ઉપજી. મેં ફરી રજીસ્ટર હાથમાં ઉઠાવ્યું અને નામની સામે લખેલો મોબાઈલ નંબર મારાં ફોનમાં ટાઈપ કરીને પછી સેવ કર્યો. મેં વોટ્સએપ ખોલીને એ નંબરનો પ્રોફાઈલ ફોટો ચેક કર્યો તો મારો અંદાજો સાચો પડ્યો. આ એ જ વાણી હતી જે મથુરા પોલીસ સ્ટેશનમાં મળી હતી. આજથી પાંચ વર્ષ પહેલા જોયેલી સોળ વર્ષની માસુમ છોકરી આજે એક પરિપક્વ યુવતી લાગી રહી હતી. એના પ્રોફાઈલમાં એની સાથે બીજી પણ એક છોકરીનો ફોટો હતો. કદાચ એ એની કોઈ ફ્રેન્ડ હોવી જોઈએ.

મેં તરત જ એ નંબર ડાયલ કર્યો. રીંગ વાગતી રહી. પણ કોઈ ઊંચકતું નહોતું. મેં ફરી બે ત્રણવાર પ્રયત્ન કરી જોયો. પણ નો રીપ્લાય.!

સામેથી ફોન આવશે એમ માની મેં થોડી રાહ જોવાનું વિચાર્યું. પણ ફોન આવવાને બદલે થોડી જ ક્ષણોમાં મારાં મોબાઈલમાં નોટિફિકેશન વાગ્યું. મેં જોયું તો એનો જ વોટ્સએપ મેસેજ હતો.

"આપ કોણ..?"

મારાં પ્રોફાઈલમાં સત્યમેવ જયતેની સિંહાકૃતિનો ફોટો હતો એટલે એ કદાચ મને ઓળખી ન શકી. મેં તરત જ ટાઈપ કર્યું.

"હેલો વાણી, આઈ એમ ઇન્સ્પેક્ટર તન્મય ચૌહાણ. ડૂ યુ નો ડૉ.તાન્યા.?"

મેં મેસેજ મોકલીને રજીસ્ટરના એ પાનાનો ફોટો પાડીને મોકલ્યો જેની ઉપર વાણીનું નામ અને નંબર લખ્યો હતો.

મારો મેસેજ એણે તરત જ વાંચ્યો. મને ખબર જ હતી કે મારો મેસેજ જોઈને એને જબરદસ્ત ઝાટકો લાગ્યો હશે. કદાચ એના હાથ અને શ્વાસ બંને થંભી ગયા હશે. હું થોડી ક્ષણો એના જવાબની રાહ જોઈ રહ્યો. જોકે થોડીવાર પછી એનો રીપ્લાય આવ્યો.

"સર, તમે સુરતમાં છો.?"

"હા.."

"સર, જો શક્ય હોય તો તમે મને પોલીસ સ્ટેશન સિવાયની કોઈ અન્ય જગ્યાએ મળી શકશો..?"

મેં થોડું વિચારીને લખ્યું.

"સ્નેહ મિલન ગાર્ડન, સાંજે ચાર વાગે."

"ઓકે, થેન્કયુ સર."

બીજે દિવસે સાંજે ચાર વાગે હું ગાર્ડન પહોંચ્યો ત્યારે વાણી મારી રાહ જોતી ઉભી હતી. એની સાથે બીજી પણ એક છોકરી ઉભી હતી. હું તરત એ છોકરીને પણ ઓળખી ગયો. આ એ જ છોકરી હતી જેનો ફોટો વાણીએ પોતાના વોટ્સએપ પ્રોફાઈલમાં રાખ્યો હતો. હું બંનેની નજીક ગયો.

"સર, હું હેલી. વાણીની ફ્રેન્ડ." વાણીની બાજુમાં ઉભેલી છોકરીએ જાતે જ પોતાની ઓળખાણ આપી.

મેં એની સામે જોઈ સ્માઈલ કર્યું.

"બોલ વાણી, શું વાત કરવી છે..?" મેં વાણીની સામે જોઈને પૂછ્યું.

પણ એ તો નજર નીચી કરીને ઉભી હતી.

"સા...હેબ..."

મેં પૂછ્યું વાણીને હતું પણ જવાબ હેલી આપી રહી હતી.

“હા.. બોલ, હેલી.” મેં ગુસ્સા પર કાબુ રાખતા હેલી તરફ જોઇને કહ્યું.

"સા...હેબ..., ડૉ.તાન્યાને ત્યાંથી... મળેલા રજી..સ્ટરનું એ પાનું... મળશે..?" હેલી થોથવાતી જીભે બોલી.

"સાહેબ..., તમે... કહો... એ...ટલા પૈસા...." એ બોલતા અટકી ગઈ.

હું બંનેની સામે તીખી નજરે જોઈ રહ્યો. મને ખબર જ હતી કે મને આ પ્રકારની ઓફર કરવામાં આવશે જ. પણ આજે હું પણ મક્કમ હતો.

"મારે પૈસા નહીં... સત્ય જાણવું છે."

હેલી પણ નીચું જોઈ ગઈ. થોડીવાર માટે ત્યાં ભારેખમ શાંતિ જળવાઈ રહી.

"જો તમે સચ્ચાઈ નહીં બતાવો તો હું મારી કાર્યવાહી આગળ વધારીશ." આખરે મારે મારી સત્તાની તાકાત બતાવવી પડી.

"કારણકે વાણી પ્રેગનેંટ હતી અને એનું એબોર્શન કરાવવું જરૂરી હતું." હેલી ઉતાવળે બોલી ગઈ.

મેં એક ઊંડો શ્વાસ લીધો.

"એવું જ કંઈક થયું હોય તો જ વાણીનું નામ એ રજીસ્ટરમાં હોય એ તો મને પણ ખબર છે. પણ મને પહેલેથી સરખી વાત કરો." મેં કડક અવાજે કહ્યું.

હેલીએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને પછી કમને બોલવાની શરૂઆત કરી.

"સાહેબ, વાણી મારી નાનપણની સખી છે. મારું અવારનવાર એના ઘરે જવાનું થતું. એના મમ્મી કામિનીબેન બહુ જૂનવાણી વિચારોના હતા. વાણી જયારે જન્મી એના થોડા જ દિવસોમાં વાણીના પપ્પા ગુજરી ગયા. ત્યારથી જ એની મમ્મી વાણીને અપશુકનિયાળ માનતી. વાણીના પગલે જ એના પપ્પાનું મોત થયું એમ તેઓ માનતા. વાણીના પિતાનું મૃત્યુ થવાથી સંયુક્ત કુટુંબમાં ઘર ચલાવવાની બધી જવાબદારી હવે એના કાકા કાંતિભાઈ પર આવી પડી. જેથી વાણીની મમ્મીએ ઓશિયાળુ જીવન જીવવું પડતું. એ કારણે પણ વાણીને એની મમ્મી અભાગણી માનતી." હેલી શ્વાસ લેવા રોકાઈ.

"સમય જતો ગયો. વાણી મોટી થઈ. એની જુવાની ફૂટી. એ પહેલેથી જ ઘણી ખુબસુરત દેખાતી હતી. તેર વર્ષની ઉંમરે જ એનું જોબન છલકાઈ રહ્યું હતું. એ સમયે એના કાકાની ગંદી નજર વાણી પર પડી. વાણીના કાકા વારે વારે એને એકાંતમાં બોલાવતા, એના શરીરે હાથ ફેરવીને ફાયદો ઉઠાવતા. એવું પણ નહોતું કે આ વાતની એની મમ્મીને ખબર નહોતી. પણ પતિ ન હોવાથી એમનો દબાયેલો હાથ અને પહેલેથી જ વાણી પ્રત્યે ઓરમાયા વર્તનને કારણે એ વાતથી એની મમ્મી જાણી જોઈને આંખ આડા કાન કરતી. એને કારણે કાકાની એ વૃત્તિને ઓર વેગ મળ્યો. ઘરમાં કોઈ ન હોય ત્યારે એણે કાકાને તાબે થવું પડતું અને આવું એકવાર નહીં અનેકવાર થયું. બંધ ઘરમાં એ મજબૂર છોકરીની ચીસ ચાર દીવાલો વચ્ચે ગુંગળાઈ જતી અને પછી એક દિવસ...." હેલી હાંફી રહી હતી. શબ્દો એના ગળામાંથી બહાર આવવા ઝઝૂમી રહ્યા હતા.

"પછી એક દિવસ અચાનક વાણી મારી પાસે આવી. વાણીને ઉલટીઓ થતી હતી. હું એને ડૉ.તાન્યા પાસે લઈ ગઈ. ડૉ.તાન્યાએ તો પૈસા લઈને એની તકલીફ દૂર કરી દીધી. પણ વાણી એ વાત ભૂલી નહોતી. વાણીના મગજ પર તો ખૂન સવાર થયું હતું. એ કોઈપણ ભોગે પોતાના કાકા પાસે આ વાતનો બદલો લેવો હતો. એ મોકાની તલાશમાં હતી. પણ રાહ જોવામાં ત્રણ વર્ષ નીકળી ગયા."

"આખરે વાણીએ એક યોજના ઘડી કાઢી. એણે બદલો લેવા ફાયદો ઉઠાવ્યો કાંતિભાઈની ઊંઘમાં ચાલવાની બિમારીનો.! વાણીએ નક્કી કર્યું કે કાકા જયારે રાતમાં ઊંઘમાં ચાલવા લાગે ત્યારે જ એમનો ખેલ ખતમ કરી દેવો. જેથી આખી વાત અકસ્માત કેસમાં ખપી જાય. સુરતમાં વાણીએ બે વખત કાંતિભાઈને મારવાનો પ્રયત્ન કરી જોયો. પણ એ સફળ ન થઈ. પણ પછી આખરે એણે પોતાની યોજનાને આખરી અંજામ આપ્યો એ ટ્રેનમાં.! વૈષ્ણોદેવી જતી એ ટ્રેન જયારે અડધી રાતે મથુરાથી આગળ વધી ત્યારે બધા સૂતેલા હતા. પણ ત્યારે ખરેખર કાંતિભાઈ ઊંઘમાં નહોતા ચાલતા. એ પેશાબ કરવા કોમન ટોયલેટ તરફ આગળ વધ્યા કે બરાબર મોકો જોઈને વાણીએ એ રાક્ષસને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો. બધું જ સમુંસુતરું પાર પડી ગયું હતું. પણ ડૉ.તાન્યાને ત્યાંનું એ રજીસ્ટર...."

હેલીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું ફાટી આંખે વાણીની સામે જોઈ રહ્યો હતો. આટલી માસુમ દેખાતી છોકરી પાછળ આટલી મોટી કહાની..! હું સ્તબ્ધ હતો. મારે શું બોલવું મને કંઈ સમજ નહોતી પડતી. મેં વાણીની સામે જોયું.

"વાણી, આ ઘટના જયારે બની ત્યારે મથુરા પોલીસ સ્ટેશનમાં પણ મને કહી હોત તો હું તારા માટે કંઈક કરી શક્યો હોત." મેં વાણીને આશ્વાસન આપવાની કોશિશ કરી.

પણ વાણી તો હજુ નીચું જોઈને રડી રહી હતી.

“વાણી, જે થયું એમાં તારી કોઈ ભૂલ નહોતી. એટલે એમાં આટલી શરમ અનુભવવાની જરૂર નથી. તું મારી સામે જોઇને જવાબ આપી શકે છે.” હું હજુ એને આઘાતમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યો હતો.

“સાહેબ, એ તમને જવાબ નહી આપી શકે.” હેલી બોલી ઉઠી.

"પણ કેમ..?" મેં આશ્ચર્યથી પૂછ્યું.

"કારણકે એ જન્મથી જ મૂંગી બહેરી છે.."

"હેં..!?" મારી આંખે અંધારા આવી ગયા. થોડીવાર સુધી મારાં કાનમાં હેલીના શબ્દો પડઘાઈ રહ્યા. મને હજુ હેલીની વાત પર વિશ્વાસ ન પડતો હોય એમ હું એની સામે જોઈ રહ્યો.

"હા સાહેબ, એનું ફક્ત નામ જ વાણી છે. બાકી એ તો જન્મથી જ મૂક બધીર છે અને અત્યારે એ એની મમ્મીથી અલગ થઈને મારી સાથે રહે છે. તમારે હવે જે ન્યાય કરવો હોય એ તમારા હાથમાં છે."

ઓહ ગોડ....., એક મૂંગી બહેરી છોકરી પર આટલો બધો અત્યાચાર..! હું આઘાતથી ત્યાં જ ગાર્ડનના બાંકડા પર ફ્સડાઈ પડ્યો.

હવે મને સમજાયું કે મથુરા પોલીસ સ્ટેશનમાં વાણી આટલી ઉદાસ કેમ હતી...?, વાણી મારો ફોન કેમ નહોતી ઉઠાવતી.?, એની જગ્યાએ હેલી કેમ વાત કરતી હતી?, એ કેમ મારાં સવાલોનો જવાબ નહોતી આપતી..?

હું નતમસ્તક હતો. મને મારી જાત પર શરમ ઉપજી. એક મૂક બધીર છોકરી સમય આવ્યે જગદંબાનું રૂપ ધારણ કરીને કાંતિભાઈ જેવા અસુરોનો નાશ કરી શકતી હોય તો એને સાંત્વના આપવાવાળો હું કોણ...?

હું ઝડપથી ઉઠ્યો અને પોલીસ સ્ટેશન પહોંચ્યો. મારાં મોબાઈલમાંથી વાણીનો નંબર અને એની સાથે થયેલી ચેટ ડીલીટ કરી અને પછી ડૉ.તાન્યાના ક્લિનિક પરથી જપ્ત થયેલા રજીસ્ટરમાંથી વાણીના નામવાળું એ પાનું ફાડીને સળગાવી નાખ્યું. ભડકે બળતા એ કાગળમાં મને વાણીનો નિર્દોષ, માસુમ અને હસતો ચહેરો દેખાઈ રહ્યો.

સમાપ્ત.

વિશ્વ મહિલા દિવસે નારી શક્તિને સમર્પિત.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ