વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મશ્લાઘા કે વેદના

 

કલા બે બિલ્ડિંગ છોડીને રહેતી સખી ટીનાને ત્યાં ગઈ.દરવાજો ખુલ્લો હતો. ટીના ફોન પર વાત કરતી હતી. પોતાનું નામ સાંભળી  કલા થંભી ગઈ‌.ટીના બોલતી હતી, "કાલે કલા કેટલી *આત્મશ્લાઘા* કરતી હતી‌. તું હું દક્ષા રમા અને કલા આપણે પાંચે સખીઓ. નાનપણથી સાથે મોટા થયા‌. હું ઓફીસમાં એકાઉન્ટન્ટ, તું હોસ્પિટલમાં નર્સ, દક્ષા એક મલ્ટીનેશનલ કંપનીમાં તો રમા એક બ્યુટીશીયન. કલા જુનવાણી ઘરમાં પરણી અને ફક્ત ગૃહિણી બની રહી.આપણે અલકમલકની વાતો કરતા હતા.મેળવેલ અનુભવને યાદ કરી હસતા હતા.  અચાનક તેણી નાનપણની પોતાની સિદ્ધિ જણાવવા લાગી. શાળામાં હંમેશા પ્રથમ નંબર લાવતી‌. પોતે ગામમાં ઉછરેલી‌.  ગામમાંથી કોલેજ જનાર તે પ્રથમ છોકરી હતી. સમાજમાં સાડી છોડીને ચૂડીદાર પહેરનાર તે પહેલી સ્ત્રી હતી વગેરે વગેરે. તેના સંજોગોથી ઘરમાં બેસીને ગૃહિણી બની‌. આજે 60 ની ઉંમરે બે ચાર વાર્તાઓ લખે છે. ઠીક. આપણને આ બધી વાતની ખબર છે. ખોટી હોશિયારી મારવાની શી જરૂર છે?"
કલા સુન્ થઈ ગઈ. જ્યારે બધી સખીઓ મળીને પોતાના ક્ષેત્રની વાત કરે તેને લઘુતા અનુભવાતી. તેથી ગઈકાલે તે સખીઓને નાનપણની વાતો જણાવી ખુદને આશ્વસ્ત કરવા માગતી હતી.પોતાના સંજોગો વર્ણવી,પોતાની કોઈ વાત યાદ કરી થોડી સાંત્વના મેળવવા ઈચ્છતી હતી.સખીઓએ તેને આત્મશ્લાઘા માની? ખરે જ તે આત્મશ્લાઘા ગણાય કે જીવનભર પીડતી કોઈ વેદના?
મનમાં હતું બાળપણથી મને જાણનાર સખીઓ મારી ભાવનાઓને સમજશે. મનમાં ધરબાયેલી, ના ફળેલી ઈચ્છાઓને સહાનુભૂતિ અને પ્રેમભરી નજરથી જોશે.
જુની *પરંપરામાં* જીવનાર સ્વજનોએ મારેલ  *ઘા* વિષે કહેલ મારી વ્યથાને સમજશે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ