વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરફર વાદળી


   એક હતી વાદળી. ધોળી-ધોળી વાદળી. આકાશમાં ફરતી વાદળી. તેનું નામ ફરફર વાદળી. ફરફરને પણ એક બહેનપણી હતી. બહેનપણીનું નામ પીનીપરી હતું. પીનીપરી પણ આકાશમાં રહેતી. 
   બન્ને સાથે રહે. આકાશમાં સાથે ઊડે. રાત્રે સાથે જ સૂઈ જાય. આમ કરતા ચોમાસું આવ્યું.  
ફરફર બોલી : "સાંભળ પીનીપરી ! ધરતી પર મારું કામ પડ્યું છે. ધરતી પર પાણી સુકાય ગયું છે. ધરતીને મારી મદદની જરુર છે. અમે બધી બહેનો ધરતી પર જઈએ છીએ. વરસતા-વરસતા જઈએ છીએ. નદી તળાવ છલકાવવાં જઈએ છીએ. ઉનાળો આવશે, સૂરજદાદા અમને મદદ કરશે. હું ફરી તારી પાસે આવી જઈશ."
પીનીપરી: "ભલે ખુશી-ખુશી જા! હું તારી વાટ જોઈશ. જલ્દી આવી જજે,!"
       ફરફર તો ચાલી. 
    "હું તો ચાલી !
    ટપ્ ટપ્ ટપાક્ ચાલી!
    રાતે અંધારે ચાલી!
     દિવસે આજવાળે ચાલી!
     વીજળીનાં ચમકારે ચાલી!"
           ટપ્ ટપ્ કરતી એક તળાવમાં આવી ગઈ. તળાવ આનંદમાં આવી ગયું. તળાવ તો છલકાય ગયું. તેણે તો માછલીઓને, કાચબાઓને બોલાવ્યાં. દેડકાભાઈ ડ્રાંઉં-ડ્રાંઉં કરતા આવ્યાં. બગલાભાઈ અને બતકબેન પણ આવ્યાં. બધાં આનંદ મંગલથી રહેવા લાગ્યાં. ગામનાં લોકો પાણી ભરવા પણ આવવાં લાગ્યાં, પછી તો એક માછીમાર પણ આવ્યો. તેણે જોયું, "આ તળાવમાં તો ઘણી..બધી.. માછલીઓ છે. જાળ પાથરી દઉં. પાછલીઓ પકડાશે. તેને બજારમાં વેંચી દઈશ. મને ઘણાં..બધ્ધાં.." રૂપિયા મળશે. " માછીમારે તો રાત્રે જાળ પાથરી. તેમાં મોનું માછલી ફસાઈ ગઈ. તે રડવા લાગી. બધી માછલીઓને જાળથી દૂર રહેવા સમજાવવા લાગી. ફરફર વાદળી જાગતી હતી. તેણે આ જોયું. 'મોનું માછલી પકડાઈ ગઈ છે. તેને મારે મદદ કરવી જોઈએ! કેવી રીતે મદદ કરું?' ફરફરને તો પીનીપરી યાદ આવી. 'પીનીપરી પાસે જાદુઈ છડી છે. જાદુઈ છડીથી પીનીપરી તેને છોડાવી લેશે'
ફરફર: "પીનીપરી ! ઓ પીનીપરી!" 
.        ફરફર તળાવમાં ઓગળેલી હતી. તેથી તેનો અવાજ પીનીપરી સુધી પહોંચ્યો નહીં. ડ્રાઉં દેડકો જાગતો હતો. કાંઠે રહેતા ઉકા ઉંદરને બોલાવી લાવ્યો. ઉકા ઉંદરે  જાળ કાપી નાખી. મોનું માછલી છુટી ગઈ. મોનુ માછલીએ ફરફર વાદળી, ડ્રાંઉં દેડકો અને ઉકા ઉંદરનો આભાર માન્યો. "તમારી બધાંની મદદ મળી. મારો જીવ બચી ગયો." 
ફરી બધાં તળાવમાં હળી-મળી રહેવા લાગ્યાં. ઉનાળો આવ્યો. ફરફર વાદળી ફરી આકાશમાં રહેવા આવી ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ