વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બોનસ કલાકનુ

કાલે કીટી પાર્ટીમાં અમે સખીઓ મળી હતી. જાત જાતની વાતો કરતા હતા. દરેક જણને સમય ઓછો પડતો હતો. અમે ત્રણ જણ ગૃહિણી છીએ તો બીજી ચાર સખીઓ સર્વિસ કરે છે. બધાની એક જ વાત. બધી દોડાદોડ. ઘર બાળકો બધું સાચવવા, સંભાળવા માટે સમય ઓછો પડે છે‌. જાત પર તો ધ્યાન જ નથી અપાતુ‌‌. અગર એક કલાક ઈશ્વર વધારે આપે તો આપણા પર ખર્ચી શકીએ.
 કોઈને જાતને શણગારવી હતી અર્થાત્ કસરત, બ્યુટી પાર્લર વગેરે શોખ પુરા કરવા હતા. કોઈને પોતાનો વાંચન શોખ કેળવવો હતો. એક સખીને ગાવાનું ખૂબ ગમતુ . તેને ક્લાસ કરવા હતા. તો કોઈને પેઇન્ટિંગ કરવું હતું.
 એક સખીને  તો બસ ફરવું જ હતુ.દરેકને જુદાજુદા શોખ પૂરા કરવા હતા. હું સાંભળી રહી. 
 પાર્ટી પછી પત્યા પછી ઘરે આવી સોફા પર આડી પડી. વિચારી રહી, આ સંસારની  જવાબદારી. ૨૪ કલાક કામ કરીએ તો પણ ઓછા પડે છે. પરિવાર સાથે  બેસવાનો સમય જ નથી રહેતો. વિચારી રહી કલાક વધુ મળે તો શું કરવું?
 અચાનક આખા રૂમમાં અજવાળું પથરાઈ ગયુ‌. માતાજી સામે પ્રગટ થયા.' ચાલ બેટા તને રોજનો એક કલાક વધારે આપું છું આ ૨૫માં કલાકમાં તને જે ઈચ્છા હોય તે કર.'
 હું તો ખુશ થઈ ગઈ. કલ્પનાઓ કરવા લાગી. મારે શું કરવું? મને લેખનનો  અને બધા સાથે ગપાટા  મારવાનો  શોખ છે.
 ઓચિંતુ જ મનમાં અજવાળું થયું. ૨૪ કલાકના મારા સમયપત્રકમાં ભાગદોડ કરીને હું બધું જ કરું છું. ઓફિસની મારી જવાબદારી, ભાગદોડ કરી ગૃહિણી તરીકે પતિ અને બાળકોને સંભાળવાના. તેમનું સમય પત્રક સાચવવાનું  બધું ફટાફટ ઘડિયાળ ના કાંટે કરવું પડે છે. મિનિટ મિનિટના હિસાબે ભાગમભાગ થાય છે‌‌. મારા  શોખ પૂરા કરવા પણ વચ્ચેથી સમય કાઢી લઉં છું.
 અગર એક કલાક વધારે મળે તો બસ મારા તથા પરિવારના દરેક કામ થોડા આરામથી  કરૂ. સમય સાચવવાના સ્ટ્રેસને બદલે હસતી રહીને દરેકને સંભાળી શકુ અને તો મારા એ અભિગમથી પરિવારજનોની સવારની શરૂઆત બૂમાબુમના બદલે  શાંતિભર્યા  વાતાવરણમાં થાય. પરિવારજનો પણ ખુશ રહી શકે. મારા  વાંચન શોખ ને કદાચ અત્યાર જેટલો જ સમય ફાળવી શકુ. પણ જીવન તાણમુક્ત અને શાંતિ ભર્યું જીવી શકાય. 
૨૫મો કલાક મળે તો તેને બાકીના ૨૪ કલાકમાં વિભાજીત કરી દરેક કામને શાંતિથી સલુકાઈથી કરીને જાતને, મારા મનને આરામ આપુ અને બધું કરીને પણ સમય બચે તો હિંચકા પર  ઝુલતા ઝુલતા આરામ કરૂ.  
૨૫મો કલાક બોનસ ગણાય.બોનસના રૂપિયા આસાયેશ માટે જ વાપરીએ. જલસા માટે જ વાપરીએ તે રીતે આ પચીસમા કલાક ને હું આરામ ભર્યા જીવન માટે  વાપરુ.
 માતાજી હસી પડ્યા. દીકરા સમય કરતા વધુ જરૂર  તને ટેન્શનમુક્ત કામ કરવાની આદત કેળવવાની છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ