વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરેન્ટાઈન જોગિંગ


જોગિંગ કરવું સારું. એ પણ જ્યારે ડૉક્ટર દ્વારા સૂચવેલ હોય ત્યારે આનાકાની ન જ હોય. 'ચાલીસ પછી ચાલીશ નહીં.. તો..' જગજાહેર છે. જો ચાલવા બહાર જવાની મનાઈ હોય તો કોરેન્ટાઇન જોગિંગ ?! હેં!!


'લો ભાઈ, આ જૂઓ મારો લેટેસ્ટ વિડિઓ. ચાલીસ મિનિટમાં ચાર કિમી. જોગિંગ કર્યું.' - વોટ્સ એપ સ્ટેટ્સ.

'અલ્યા, તને કોરોનામાં ય ઝપ નથી!' - વ્યુઅર્સ મેસેજ

'અરે, મેં તો એફબી પર આખી વિડિઓ મૂકી છે. તમે ના જોઈ? - વળતો મેસેજ.

'જોઉં હવે.' - ભવાં ઊંચા ચડાવી ને ચશ્મા સાથે રીપ્લાય લખનાર.


ચશ્મા સેટ કરી ફેસબુક ખોલ્યું. નામ શોધીને એ પોસ્ટ શોધી. પોસ્ટ મૂકનારની વિડીઓગ્રાફિ પોતાની પત્ની દ્વારા થયેલ હોય તો પૂછવું જ શું. એમાંય વટ તો પડે જ ને દીકરીએ 'ત્યાંથી' મોકલેલ શૂઝ પહેરીને જોગિંગ સૂટમાં મેઈન ગેટથી લઈને, હિંચકા પાછળથી આર્ટિફિશિયલ લૉનમાં થઈને, બેકયાર્ડ - વોશએરિયા પાર કરી સીધાં કિચન અને ડાઈનિંગ એરિયા વટાવી, લિવિંગ કમ વેઇટિંગ રૂમમાં એક મોટું ચક્કર કાપીને ફરી એજ રૂટ લઈ લીધો બાકીનો હાલ્ફ વે કવર કરવાં. અને હેડિંગ આપેલું 'પોઝિટિવ સ્ટાર્ટ' અને બીજી બાજુ એનર્જી લેવલ, હાર્ટ રેટ, કેલેરી દર્શાવતો ચાર્ટ. વાહ!ખરેખર લોકોને ઇન્સપાયર કરે તેવી પોસ્ટ કહેવાય. નીચે એમની મોટી કોમેન્ટ આવી.


દસ મિનિટ પહેલાં જ પોસ્ટ કરેલ પર પંદર લાઇક્સ ! એમાં ય મહિલાઓની વધુ લાઇક્સ. પત્નીની લાઈક જો કે પહેલી હતી અને વિડિઓ લેનાર પણ તો એ જ હતી ને! અને બીજી લાઈક દીકરીની. રાત સુધીમાં બસોને ત્રણ લાઇક્સ થઈ ગઈ. અને કમેન્ટ્સનો ઢગલો.


આમતો ગુડ, ગ્રેટ, વૉવ, વેરી નાઇસ, કીપ ઇટ અપ જેવી કમેન્ટ્સનો ઢગલો થતો જોવાં મળે. અને જેમને સારું ન સૂઝે એવાં વોટ્સએપ ગ્રુપમાં લખતાં હોય 'અલ્યા, આમાં મુવી શું લેવાની?'

હવે આને શું જવાબ આપવાનો.. એમ કહેવાનું કે પત્ની નવરી હતી તો સદુપયોગ કર્યો.?

ત્યાં બીજો લખે 'શૂઝ પહેરીને ઘરમાં જવાનું?'

એને વળતો જવાબ આપ્યો કે કમ્પાઉન્ડ રોજ ધોવાય છે. ત્રીજાને ખટક્યું તો બોલ્યો 'ઓયય, પાણીનો બહુ બગાડ કરે છે તું તો!' કહેવાનું મન થાય કે અરે, ભલા માણસ આજે તું ઓછું વાપરજે મારાં લીધે થઈને બસ? કોરોનાનાં કહેરમાં તમે કોરેન્ટાઇન હો, એટલે અહીં બધાં નવરાં ના હોય વળતા જવાબ આપવા. પહોંચ હોય એટલું વિચારી જૂઓ બાકી જય શ્રી કૃષ્ણ. મનમાં ગાળો ચાલું થઈ. ને વિચારો ટોળે વળ્યાં..જોગિંગ કરતાં ડબલ ટાઈમ લોકોને જવાબ આપવામાં ગયો. હવે તો ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટા અડવું જ નથી. આતો દીકરી.. અરે, આજે ઝૂમ પર વાત તો થઈ જ નહીં. લાવ વિડિઓ કોલ કરી જોઉં. આ વળી કઈ મિટિંગ રિકવેસ્ટ આવી.. ! એક પોસ્ટ શું મૂકી અડધો દિવસ ખાઈ ગઈ. એક એક એપ એક એક કલાક ભરખી જાય છે. ધન્ય છે આજનું સોશ્યલ મિડિયા. કોરોનામાં તો સોશ્યલ મિડિયા ડિસ્ટન્સ પણ જાળવવું જ જોઈએ એવું નથી લાગતું?!

- નિરાળી (નિરાલી મનિષ પટેલ)

6 apr 20

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ