વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્માના અંતિમ સંસ્કાર-૧0

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૦

૧૯૬૪, ફેબ્રુઆરી, ચાઈનાના સુપ્રીમો માઓ ઝે’દાંગ ની ઓફીસ માં...

માઓ એ ચશ્માં સરખા કર્યા અને સામે ઉભેલા અને ધ્રુજતા કમાન્ડર તરફ જોયું. એને સામાન્ય રીતે નબળા લોકો પ્રત્યે નફરત થતી, પણ આ તો એમની સેનાનો જાંબાજ કમાન્ડો હતો કે જે એમની નજર હેઠળ ઘણા અસંભવિત કાર્ય કરી ચુક્યો હતો અને એને માઓ એ જ પ્રમોશન આપીને સૈન્યના ઉચ્ચ હોદ્દે બેસાડ્યો હતો. એની વફાદારી અને કાબેલિયત પર એને કોઈ શક નહોતો. માઓએ પ્રશ્નસૂચક નજરે એના કમાન્ડર તરફ જોયું. એની આંખો નીચે કાળા કુંડાળા થઇ ગયા હતા, એના વાળ વધી ગયા હતા, એના નખ પણ વધી ગયા હતા, એનો ચહેરો પીળો પડી ગયો હતો. એકાએક જાણે કે એની ઉંમર ૬૦ ની થઇ ગઈ હોય એવું લાગતું હતું. માઓ એ એક નિશ્વાસ નાખ્યો અને ઉભા થઇ ને એક ગ્લાસ પાણી ભર્યું અને એને આપ્યું. એ એકજ શ્વાસે પાણી પી ગયો અને ફરીથી હાંફવા લાગ્યો. “શું વાત છે ? મને બધું જ કહે, જો જે કઈ પણ છુપાવતો નહિ” એમણે હવે થોડું ચીડથી પૂછ્યું.

“શ્રીમાન, તમે કરેલા પ્લાન મુજબ હું અને આપણા બાહોશ ૨૫ કમાન્ડોની ટુકડી તિબેટમાં આવેલા આપણા લશ્કરી થાણે પહોંચી ગયેલા અને ત્યાના સ્થાનિક એક બે જણાને લઇ ને હું એક ટેકરી પર આવેલા બૌદ્ધ મંદિર માં ગયો. ત્યાં રહેતા ત્રાપાઓ (શિષ્ય/વિદ્યાર્થી) ના ગુરુ એવી કોઈ વ્યક્તિ બેઠી હતી. એ લોકો એને લામા કહેતા હતા. મેં આપની સૂચના મુજબ આદરપૂર્વક એમને નમન કર્યું અને થોડું સીધું (ખાદ્ય સામગ્રી) પણ આપ્યું. એના શિષ્યો આપણી ચડાઈથી અને આપણા આક્રમણથી ચીડાયેલા હતા પણ મેં એમને ખાતરી આપી કે એમના ધાર્મિક કાર્યોમાં ચીની સેના ક્યારેય દાખલ નહિ કરે. થોડીવાર ત્યાં બેઠા પછી મેં એમને માઉન્ટ કૈલાશ જવાનો રસ્તો પૂછ્યો અને જવાબમાં એ વૃદ્ધ થવા આવેલા લામાએ મારી સામે એક સ્મિત કર્યું અને મારા ખભે હાથ મુકીને મને ત્યાંથી જતા રહેવાનું સુચન કર્યું. મેં એમને ખુબજ વિનંતી કરી, એમને ઘણી લાલચ પણ આપી, એમના સાથીઓને પકડીને મારી નાખવાની ધમકી પણ આપી પણ એ ટસ ના મસ ના થયા એટલે મેં પછી એમને સૈનિકોને આદેશ આપીને દોરડેથી બાંધી દીધા અને એના પર એક કોથળો નાખીને એક ટ્રકમાં મુકાવી દીધા અને અમે છાવણી ભણી જવા રવાના થઇ ગયા.

છાવણીમાં પહોંચીને મેં એ લામાને એક ટોર્ચર રૂમમાં પૂરી દીધા અને બે દિવસ સુધી અમે એને ટોર્ચર કર્યો પણ એણે એનું મોઢું ના ખોલ્યું તે ના જ ખોલ્યું. ખબર નહિ કઈ માટીનો બનેલો હતો એ, આટલું બધું ટોર્ચર માણસ ને મારી નાખે પણ એણે પીડાનો એક હરફ સુદ્ધા ના ઉચ્ચાર્યો ! આખરે અમે એના સાથીઓ ને એની આંખ સામે ટોર્ચર કરવાનું ચાલુ કર્યું અને એ વૃદ્ધ લામા એ અમને કૈલાશ જવાનો રસ્તો બતાવાનું માન્ય રાખ્યું.

ચાર દિવસ પછી મેં મારા ચુનિંદા ૨૫ જણાની ટુકડી રચી અને સાથે આ લામાને અને એના કેટલાક સાથીદારોને લઈને માઉન્ટ કૈલાશ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં બે સુંદર તળાવ આવ્યા જ્યાં અમે રાત્રી રોકાણ કર્યું. આખી રાત એ લોકો કૈંક ચાંટીંગ (મંત્રોચ્ચાર) કરતા રહ્યા ! બીજે દિવસે સવારે હું મારા તંબુમાં થી બહાર નીકળ્યો અને મંત્રમુગ્ધ થઈને સામે ઉભેલા ઉત્તુંગ માઉન્ટ કૈલાશને જોઈ જ રહ્યો. લામાએ અમને ત્યાંથી ઉપર જવાનો સરળ માર્ગ બતાવ્યો અને સાથે ચેતવણી પણ આપી કે ત્યાં જવું અશક્ય છે અને હજી પાછા ફરી જાઓ. મેં એની વાત હસી કાઢી. અમારી સાથે આવેલા અમુક વૈજ્ઞાનિકોએ ત્યાનું રેડીયેશન લેવલ માપ્યું અને એ લોકો અચંભિત થઇ ગયા ! ત્યાં હજારો પરમાણું બોમ્બ રાખ્યા હોય એટલું લેવલ આવતું હતું. અમુક ના મતે યંત્રો ખરાબ થઇ ગયા હતા કેમ કે આટલું બધું રેડીયેશન પૃથ્વી પર કોઈ જ જગ્યા એ હોવું અશક્ય બાબત હતી. મેં એ લામા અને એના સાથોઓ ને ત્યાં થોડા જણાની નિગરાની માં રાખ્યા અને અમે ૧૫ જણા કે જેમાં થોડા વૈજ્ઞાનિક પણ હતા એમણે આગળ પ્રયાણ કર્યું. અચાનક મને પેટમાં કૈંક થવા લાગ્યું, કોઈ જાણે કે મારા મસ્તિષ્કમાં પાછા ફરી જાવ એવો આદેશ આપતું હોય એવું લાગવા માંડ્યું. અમે જેવા થોડા આગળ વધ્યા કે જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને જાણે કે અમને એ ઊંચકીને પાછળ ફેંકી દેશે એવું એક સમયે લાગવા લાગ્યું. ગમે તેમ કરીને અમે આરોહણ ચાલુ રાખ્યું અને ખુબજ મુશ્કેલીથી લગભગ ત્રણ કલાક પછી એક સપાટ જગ્યાએ અમે આવી પહોંચ્યા. હવે બર્ફીલું તોફાન શમી ગયું હતું અને હવાઓ મંદ મંદ વહી રહી હતી. હવામાં જાણેકે કૈંક અજીબ સુગંધ ફેલાઈ ગઈ હોય એવું લાગતું હતું. આવી સુગંધ અમને છેલ્લે પેલા લામા અને એના મંદિરમાંથી આવી હતી. અમને ખુબજ આશ્ચર્ય થયું. હવે શ્વાસ લેવામાં પણ થોડી તકલીફ પડી રહી હતી. મેં મારા સાથીઓને કહી ને ત્યાં તંબુ તણાવ્યા અને થોડો આરામ કરવાનું બધાને સુચન કર્યું.

ખબર નહિ કેટલો સમય થયો હશે પણ મારી આંખ ઉઘાડી ગઈ અને મેં કાન સરવા કર્યા તો મને બહાર સુસવાટા મારતા પવનમાં કૈંક માનવીય ચીસોનો અવાજ પણ સંભળાયો. હું સાબદો થઇ ગયો અને હાથમાં ઓટોમેટીક ગન લઈને બહાર નીકળ્યો. મારા સાથીઓના તંબુઓ મારી બાજુમાં હતા અને તપાસ કરતા મેં જોયુંકે એ બધા ખાલી હતા ! મારા આશ્ચર્યની સીમા ના રહી, મારા આદેશ વગર કોઈ પણ ત્યાંથી ચસકે પણ નહિ અને અત્યારે એ બધા ગાયબ હતા ! મને ખુબજ ક્રોધ આવ્યો અને મેં આજુબાજુ નજર કરી તો મને એમના પગલાઓ ના નિશાનો દેખાયા ! હું એ પગલાઓનો પીછો કરતો કરતો આગળ વધ્યો અને જેવો એક વળાંક પાસે હું પહોંચ્યો કે મારી ચીસ નીકળી ગઈ, ત્યાં લાઈનથી મારા બધ્ધા સાથીઓ સુતા હતા ! એમની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને એમના ચહેરા પર ભય છવાયેલો હતો. જાણેકે કોઈ ભયાનક વસ્તુ જોઇને એ લોકો ખુબજ ડરીને નીચે પડી ગયા હતા ! મેં એક એક કરીને એમના હૃદય તપસ્યા પણ એ બંધ પડી ચુક્યા હતા. અમુકની આશ્ચર્યથી તો અમુકની ભયથી આંખો ફાટી ગઈ હતી ! એક સાથે આટલા બધા લોકોને હાર્ટએટેક !!! આ તો અસંભવિત હતું ! છેલ્લે એક વ્યક્તિની નાડી હજુ ચાલુ હતી, મેં એના મોઢા પર થોડું પાણી નાખ્યું અને એને ઢંઢોળ્યો. એના મોઢામાં થી ફીણ નીકળી રહ્યું હતું અને એની છાતી ધમણની જેમ ઉંચી નીચી થતી હતી. એ કૈંક બબડી રહ્યો હતો ! હું એના મોઢા  પાસે કાન લઇ ગયો અને મેં સાંભળવાની કોશિશ કરી ! “અ અ અ અ અ,,,,,,,,,મ્મ્મમ્મ્મ્મમ્મ્મ ...... ઓ ઓ ઓ મ મ મ ...............” એવું અસ્પષ્ટ એ કૈંક બોલી રહ્યો હતો ! મેં એને ફરીથી ઢંઢોળ્યો પણ એણે એક તરફ માથું નમાવી દીધું. અચાનક મને અજ્ઞાત ભયે ઘેરી લીધો હોય એવું મને લાગ્યું ! અહી કોઈક છે, મારી આજુબાજુ માંજ કોઈ ઉભું છે એવું મને લાગવા લાગ્યું. હું ઉભો થઇ ગયો અને મેં ચારે બાજુ “કોણ છે, જે હોય એ સામે આવે” એવી બુમો પાડી ! અચાનક કોઈ અટ્ટહાસ્ય કરતુ હોય એવું મને લાગ્યું ! મારો ચહેરો ભયથી પીળો પડી ગયો ! હવે દૂર દૂર થી કોઈ આખલો ફૂત્કારતો હોય એવા અવાજો આવવા માંડ્યા ! શ્રીમાન, મારી ઝીન્દગીમાં પણ મને આવો ભય કોઈ દિવસ લાગ્યો નથી ! હું ત્યાંથી ઉભો થયો અને ગાંડાની જેમ નીચે બેઝ કેમ્પ તરફ ભાગવા લાગ્યો ! એ ક્રોધિત આખલાનો ફુત્કાર અને એ અટ્ટહાસ્ય મારો પીછો કરતુ હોય અને મને ત્યાંથી ભાગવાનો આદેશ આપતું હોય એવું લાગવા માંડ્યું ! ખબર નહિ કેટલો સમય હું ગાંડાની જેમ ભાગ્યો હઈશ ! બેઝ કેમ્પ નજરે પડતા મારો શ્વાસ હેઠો બેઠો ! ત્યા હાજર રહેલા સૈનિકો પાસે જઈને હું ફસડાઈ પડ્યો અને બેભાન થઇ ગયો ! કદાચ એકાદ દિવસ પછી હું ભાનમાં આવ્યો હઈશ ! ત્યાના લોકોએ મને પૂછપરછ કરી અને મેં એમને બધું જણાવ્યું અને બધા ભયભીત થઇ ગયા ! અમે અમારા ચુનિંદા સૈનિકો અને વૈજ્ઞાનિકો ખોઈ ચુક્યા હતા ! અમે બીજે સવારે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું ! અત્યંત હતાશ થઇ ને રાત્રે હું તંબુ માં સુવા ગયો અને મારા કાને બૌદ્ધ લામા અને એમના શિષ્યોનો મંત્રોચ્ચાર પડ્યો. હું ગુસ્સાથી એમના તંબુમાં ગયો અને મેં લામાને સઘળી બીના કહી ! એમણે આંખો બંધ કરીને કહ્યું “વત્સ, મેં પહેલા જ તમને ચેતવ્યા હતા, અહી જવું શક્ય નથી પણ તમે લોકો માન્યા નહિ, હું અને મારા શિષ્યો તમામ મૃત્યુ પામેલાની સદગતિ માટે પ્રાથના કરીએ છીએ, આવું દુહ્સાહસ ફરીથી નાં ખેડશો, એ જગ્યા અપરાજિત છે, ત્યાં કોઈને જવાની અનુમતિ નથી, માટે પાછા ફરી જાઓ, મારી વાત માનો નહિ તો વધારે ને વધારે જાનહાની થશે” ! હું આ વાત સાંભળીને થથરી ગયો.

અમે લોકો ત્યાંથી પ્રયાણ કરી ગયા, મને સખ્ખત તાવ આવ્યો છે ત્રણ દિવસથી પણ હું તમને રીપોર્ટ આપવા અહી આવ્યો છું ! મને માફ કરજો ઓ મહાન નેતા, પણ હું નિષ્ફળ ગયો છું.” માઓએ એના ધ્રુજતા સૈનિક તરફ કરુણાથી જોયું. એમણે બેલ મારીને એમના પર્સનલ ડોક્ટરને બોલાવ્યા અને એના સૈનિકની સારવાર કરવાનું સુચન આપ્યું.

બે કલાક પછી માઓને એના ડોકટરનો ફોન આવ્યો “શ્રીમાન, આની તબિયત વધુ ખરાબ થઇ ગઈ છે, એ સતત ધ્રુજી રહ્યો છે, એના મગજ પર કોઈ અજાણ્યો ભય સવાર થઇ ગયો છે, ખબર નહિ એણે શું જોયું કે શું સાંભળ્યું પણ એની માનસિક હાલત સારી નથી રહી, એ લવારી કરે છે અને સતત કૈંક અસ્પષ્ટ “ઓમ કે આયુમ કે ઓહોમ” જેવા ઉચ્ચારો કરે છે” માઓએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું “ડોક્ટર, એને મુક્ત કરી દો” અને એક ખંધા સ્મિત સાથે એમણે ફોન મૂકી દીધો ! થોડીવાર એમણે શુન્યમસ્તકે છત સામે જોયે રાખ્યું અને પછી અચાનક ગુસ્સાથી એમણે એમની પર્સનલ અને દુનિયાની ખતરનાક માં ખતરનાક કમાન્ડો ટુકડીના વડાને ફોન લગાવ્યો. “આ જગ્યાનું રહસ્ય હું જાણીને જ રહીશ, ભલે મારે આખી સેનાને ત્યાં મોકલવી પડે” એમણે અત્યંત ગુસ્સાથી બડબડાટ કર્યો.

***

રબ્બી અકીવાના હાથ પગ બાંધેલા હતા, એને એક લાકડાની સપાટ પાટ પર સુવડાવેલો હતો. ચાર પાંચ મોઢે બુકાની બાંધેલા લોકો એની આજુબાજુ ઉભા હતા. “સાહેબ, આટલા મહિના થઇ ગયા પણ આ નાલાયક મોઢું ખોલતો નથી, આપણે હવે ઝડપ કરવી પડે, નહિ તો આનું કોઈ કામ નથી આપણે” એક બુકાનીધારી બોલ્યો. એક એમના લીડર જેવા લાગતા માણસે કૈંક ઈશારો કર્યો અને બે જણા મોટા તેલ પાયેલા લાકડાના ડંડા લઈને આવ્યા અને રબ્બીના ખુલ્લા પગના તળિયે જોર જોરથી મારવા લાગ્યા. રબ્બીએ આંખો બંધ કરી દીધી. એને મનોમન હસવું આવ્યું, આટલી યાતનાતો એના મન કઈ નહોતી. એની સખ્ખત ટ્રેનીંગમાં એને આનાથી પણ વધારે યાતનાઓ સામે જજુમવાનું શીખવાડવામાં આવ્યું હતું. થોડીવાર પછી પેલા બંને જણા થાકી ગયા. હવે એમનો લીડર ગુસ્સાથી આગળ વધ્યો અને એણે એક પક્કડ લીધું અને રબ્બીના જમણા પગનો અંગુઠાનો નખ ખેંચી નાખ્યો ! અત્યંત પીડાની લહેર રબ્બીના શરીરમાં થી નીકળી ગયી ! એણે હોઠ ભીંસી દીધા અને આટલી બધી યાતના એ સહન કરી ગયો. “બોલ, તારા સૈન્યની પોઝીશન અને પ્લાન શું છે, કેટલા જણા છે અને તમારી પાસે કેટલું એમ્યુનેશન છે અને એ ક્યાં મુકાયું છે” એણે ક્રોધથી રબ્બીને પૂછ્યું. રબ્બી જવાબમાં હસી પડ્યો. અચાનક એ માણસે એક મોટા દંડાથી રબ્બીના ઘૂંટણ પર જોરથી પ્રહાર કર્યો, રબ્બીનું શરીર ધ્રુજી ઉઠ્યું પણ એ ફરીથી એટલાજ જોરથી હસી પડ્યો ! અત્યંત ગુસ્સામાં આવીને એણે રબ્બીનું ગળું પકડી લીધું અને અમાનવીય બળથી એણે એને દબાવાનું ચાલુ કર્યું ! રબ્બીના ડોળા હમણા ફાટી પડશે એવું એને લાગ્યું, એના ગળા પર ભીંસ વધતી  જતી હતી, એનું હાડકું હમણા બટકી જશે એવું એને લાગ્યું, એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એ તરફડવા લાગ્યો.  “લા...વ...ણ્યાઆઆઆ.................” એના તુટતા શ્વાસમાં થી અવાજ આવ્યો !

***

અચાનક લાવણ્યાની આંખો ખુલી ગઈ, એનો શ્વાસ રૂંધાતો હોય એવું એને લાગવા માંડ્યું ! “ભાઈઈઈઈઈઈઈ” એણે જોરથી બૂમ પાડી. બાજુમાં બેઠેલો વખત ઉભો થઇ ગયો અને એણે પ્રેમથી લાવણ્યાના માથે હાથ મુક્યો. વખતે થોડું પાણી લઈને ધીમેથી લાવણ્યાને પીવડાવ્યું. લાવણ્યાએ એની સુંદર મોટી મોટી આંખો કે જેમાં પાણી ભરાયેલું હતું એનાથી વખત સામે સૂચક નજરે જોયું ! વખતે નજરો નીચી ઢાળી દીધી ! લાવણ્યાની આંખોમાંથી આંસુ છલકાઈ ઉઠ્યા ! અચાનક એને એના ડાબા પડખે કૈંક હલન ચલન થઇ હોય એવું લાગ્યું ! કૈંક હૂંફાળી વસ્તુનું ત્યાં હલન ચલન હતું ! એણે એની નજરો નીચે કરી અને એ અચંભિત થઇ ગઈ ! એક નાનકડું શિશુ એના પડખે સુતું હતું ! ગોરું ગોરું, હૃષ્ટપુષ્ટ અને મદમસ્ત ! લાવણ્યાએ એને પોતાની સોડમાં લીધું. અચાનક લાવણ્યાના સ્પર્શથી એ શીશુએ એની આંખો ખોલી અને લાવણ્યાનું હૃદય પણ એક ધબકારો ચુકી ગયું. એ જ નીલી નીલી સમંદર જેવી બ્લુ આંખો ! અસ્સલ જાણે કે એના પિતાજીની આંખો કાઢીને એને લગાવી દીધી હોય ! એ સંમોહિત થઈને એની આંખોમાં ખોવાઈ ગઈ ! એ શિશુ પણ એની સામે ટગર ટગર જોઈ જ રહ્યું હતું ! અચાનક લાવણ્યાનું એના શિશુના રડવાના અવાજથી ધ્યાનભંગ ગયું ! એણે એને છાતી સરસું ચાંપી દીધું. વખતની આંખોમાં પણ આંસુ આવી ગયા અને એ ઓરડીની બહાર નીકળી ગયો.

અડધું બેલી ગામ પાણી પાણી થઇ ગયું હતું ! એક દિવસ પહેલાના એ શિશુના જન્મથી લઈને અત્યાર સુધીમાં ભયંકર વાવાજોડું અને વરસાદ આવ્યો હતો ! બેલી ગામનું સુંદર તળાવ અત્યારે સમંદરની જેમ છલકાઈ ઉઠ્યું હતું અને પ્રાચીન શિવ મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ગયું હતું ! ચારેકોર અફરા તફરી નો માહોલ હતો ! લોકો જે હાથમાં આવે એ લઈને ઉંચી ટેકરીઓ તરફ જઈ રહ્યા હતા. વખત અને એના સાથી મિત્રો ગામલોકોને મદદ કરવામાં જોડાયા.

સાંજે શિવમંદિરની સામે આવેલી ઉંચી ટેકરી પર ની ઓરડીમાં વખત ફરીથી ગયો. લાવણ્યાએ હમણાંજ એના શિશુને સ્તનપાન કરાવ્યું હતું. એ મજાથી એની સોડમાં સુઈ ગયું હતું. વખતે સાથે લાવેલા ભાથામાંથી થોડુક ખાવાનું કાઢ્યું અને લાવણ્યાને ધર્યું.

“ભાઈ, આ શું થઇ ગયું છે ? આ તે મહાદેવનો કેવો કાળો કેર ? પિતાજીનો કોઈ પત્તો નથી અને હવે આના પિતાજી પણ ત્યાં ગાયબ થઇ ગયા છે ! આ બધું શું થઇ ગયું ભાઈ?” લાવણ્યાએ આંખમાં આંસુ સાથે વખતને પૂછ્યું.

“મોટી, હું અને પ્રોફેસર નક્કી કરેલા સમયે અને જગ્યાએ ગયા  હતા પણ પિતાજીનો કોઈ જ પત્તો નથી, ત્યાના આદિવાસીઓ એ અમને જણાવ્યું કે હવે પંડિતજી પાછા નહિ આવે, અને અત્યંત હતાશ થઈને એક અઠવાડિયું રોકાઈને અમે પાછા  આવી ગયા. પ્રોફેસર સિન્હા કહે છે કે એ શિવાકાર થઇ ગયા છે અને હવે પાછા નહિ આવે, એમણે સમાધિ લઇ લીધી હશે ત્યાંજ ક્યાંક એવું એમનું માનવું છે !” વખતે માથું ધુણાવ્યું.

“અને આના પિતાજી ?” લાવણ્યાએ એની સોડમાં સુતેલા શિશુ તરફ નજર કરીને પૂછ્યું. વખત ચુપચાપ ઉભો રહ્યો. “મને કહો ભાઈ, તમને ખબર છે ને હું પણ પંડિત શંભુનાથની પુત્રી છું, મને કહો શું થયું છે ત્યાં, મારે બધું જાણવું છે” લાવણ્યાએ હવે ગુસ્સાથી પૂછ્યું.

“મેં પ્રોફેસર ગોલાનની મદદથી રબ્બીની ભાળ કઢાવી હતી. એક કમાન્ડો એટેકમાં એ અને એના ૧૦ જવાનો શહીદ થઇ ગયા છે ! ગોલાને ઈઝરાયેલી સેનાની સાથે એ સ્થળની મુલાકાત લીધી હતી અને એક ખાડામાંથી એમના શબ બહાર કઢાવ્યા હતા. બધાજ કોહવાઈ ગયેલા હતા એટલે એમના કપડા પરથી એમની ઓળખાણ કરી હતી. રબ્બીના કપડામાં થી મળેલ પાકીટમાં તારો અને મહાદેવનો ફોટો પણ હતો. ઈઝરાયેલી સેનાના વડાએ પણ આ વાતની ખાતરી કરી છે અને આપણને શોક સંદેશો મોકલાવ્યો છે !  ગોલાન પણ ભાંગી પડ્યા છે અને ત્યાની એક હોસ્પિટલમાં દાખલ કરેલા છે.” વખતે આંખમાં આંસુ સાથે કહ્યું. લાવણ્યા સ્તબ્ધ થઈને આ સાંભળી રહી. એની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. એણે એનો એક હાથ લાંબો કરીને વખતનો હાથ પકડી લીધો અને બીજા હાથે એના ખોળામાં સુતેલા નાના શિશુને જકડી લીધું. એનું દિલ ભરાઈ આવ્યું હતું. એના બે પ્રિય લોકો હવે નહોતા રહ્યા. એને જીવનભર જેમણે શિક્ષા આપી, મોટી કરી, તમામ યોગ, તંત્ર, મંત્ર, પ્રાચીન વિદ્યા, ત્રાટક અને ઘણું બધું શીખવાડ્યું એ એના પિતા પંડિત શંભુનાથ અને એ જેને જાનથી પણ વધારે ચાહતી હતી એવો એનો પરદેશી રબ્બી અકીવા ! એક સમાધિ લઈને નિર્વાણ પામી ચુક્યા હતા અને એક પોતાના વતન ખાતર શહીદ થઇ ચુક્યો હતો. હવે એના કુટુંબમાં એકજ ભાઈ બાકી રહ્યો હતો, પહાડ જેવો, અતિ બળવાન, એને દિલોજાન થી ચાહનારો વખત અને એના શરીરનું બહાર નીકળી પડેલું આ સુંદર નાનકડું અંગ, આ શિશુ, કે જેની આંખો એને એના વહાલા પ્રિયતમની યાદ અપાવતી હતી ! “હે મહાદેવ, આવી આકરી કસોટી ? મેં આખી જીંદગી તમારી ભક્તિ કરી અને એનું આવું ફળ ? આ જ તમારી કૃપા, આજ તમારો પ્રસાદ,,,” અચાનક એ શીશુએ રડવાનું શરુ કર્યું અને એની વિચારધારા તૂટી ગઈ.

***

છ મહિના પછી, બેલી ગામમાં...

“ઓ મારી વ્હાલી, તું જ મારું જીવન છે, તું જ મારો આત્મા છે, તું જ મારું સર્વસ્વ છે, તું હું જ છું અને હું તું જ છું, જો હું જંગમાંથી પાછો નાં આવું  તો મારી યાદોને ઓઢીને તારી અંદર સમાવી દેજે ઓ વહાલી, હું હમેશા માટે તારા દિલ માં પોઢી જઈશ”

લાવણ્યા ધીરેથી હોડીને ચપ્પુ મારીને ચલાવી રહી હતી અને એના કાનોમાં રબ્બી હમેશા એના માટે ગાતો એ હિબ્રુ ગીત ગુંજી રહ્યું હતું. “હા મારા વ્હાલા, તારી યાદો હમેશા માટે મારા દિલમાં પોઢી ગઈ છે, કાશ કે તમે અહી હોત, આ જુવો, સામે સુતેલી તમારી નાનકડીને, કેવી સુંદર છે, કેવું ખીલ ખીલ હસે છે, આ તમારી સુંદર મજાની છોકરી, અરે મહાદેવ, કાશ એક વખત એ આને જોઈ શક્યા હોત તો ! શું કસર રહી ગઈ મારાથી તમારી ભક્તિ માં ! અને પંડિતજી, મારા પિતાજી, આટલા જ્ઞાની અને વિદ્વાન, એ પણ મારું કલ્યાણ ના કરી શક્યા ?” લાવણ્યાએ એક ઊંડો નિસાસો નાખ્યો. હોડી હવે કિનારે આવી ગઈ હતી. વખત ત્યાં ઉભો હતો. લાવણ્યાએ સંભાળીને એના પાસે સુતેલા નાના શિશુને ઊંચક્યું અને વખતના હાથોમાં આપી દીધું અને એ હોડીમાંથી નીચે ઉતરી ગઈ. સંધ્યા આરતીનો સમય થઇ ગયો હતો. લાવણ્યા અને વખત મંદિર ભણી ચાલી નીકળ્યા. વખતે નાનકડી બાળાને લાવણ્યાના હાથોમાં આપી દીધી અને સંધ્યા આરતી શરુ કરી. થોડા ગામ લોક પણ આરતી માં જોડાયા હતા. લાવણ્યા આરતી પછી એક જગ્યાએ બેસી પડી અને એના ખોળામાં સુતેલા શિશુ ને જોઈ રહી હતી. “હરી ઓમ !” અચાનક એક ઘેરા અવાજે એનું ધ્યાન ખેંચ્યું. એક લાંબા સફેદ વાળ, લાંબી સફેદ ઘૂંટણ સુધીની દાઢી વાળા એક વૃદ્ધ ભગવાધારી સાધુ એની પાસે ઉભા હતા. લાવણ્યાએ એમના ચરણને સ્પર્શ કર્યો અને એ સાધુ પાછળ હટી ગયા “અરે અરે માતા, ઓ જગ જનની, તમે તો શક્તિનો અવતાર છો, તમારે મારા ચરણ ના સ્પર્શ કરવાના હોય માતે, તમે તો આ સમગ્ર જગતને સંચાલિત કરતી ઉર્જાનો સ્ત્રોત છો, નમન તો મારે તમને કરવાનું હોય” સાધુએ લાવણ્યાને બે હાથ જોડ્યા ! ત્યાં સુધીમાં વખત પણ ત્યાં આવી પહોંચ્યો અને એણે પણ જુકીને સાધુને નમન કર્યું. સાધુએ એને આશીર્વચનો કહ્યા. “મારી પાછળ આવો બંને” સાધુ એ કહ્યું અને એ બંને એની પાછળ ચાલવા માંડ્યા.

“જુવો, હું પંડિતજીનો જુનો મિત્ર છું, અરે હું તો તમારા દાદાને પણ જાણતો હતો, એ પણ એક મહાન વ્યક્તિત્વ હતા. મને ગામલોકો એ બધી વાત કરી, એટલે હું તમને કૈંક કહેવા માંગું છું. જે થાય છે એ શિવની મરજી થી થાય છે અને નિયતિ મુજબજ થાય છે, તમે લોકો શોક ના કરો અને આ નાનકડા શિશુની કે જે મહાદેવનો પ્રસાદ છે એની જાળવણી કરો. શું નામ છે એનું ?” જવાબમાં લાવણ્યાએ નકારમાં ડોકું હલાવીને કીધું કે હજુ નામકરણ નથી કરાયું. “આટલા મહિનાઓ થઇ ગયા, હવે એના નામકરણનો ઉચિત સમય છે બેટા, લાવ આપ એ બાળાને મારા હાથો માં” લાવણ્યાએ ધીરેથી એ સાધુના હાથોમાં એ નાનકડી બાળાને સોંપી દીધી.

સાધુએ આંખો બંધ કરીને એક હાથ એના કપાળ પર મુક્યો અને કૈંક મંત્રોચ્ચાર કર્યા. અચાનક એને લાગ્યું કે એના હાથ ગરમ ગરમ થઇ ગયા છે, અને જાણે કે એના હાથો માં કોઈએ મણ મણનું વજન મૂકી દીધું હોય એવું લાગવા મંડ્યું. સાધુના હોઠો પર એક સ્મિત આવી ગયું અને એમણે ફરીથી મંત્રોચ્ચાર તેજ કરી દીધા અને મહાદેવને યાદ કર્યા. હવે વજન ઓછું થઇ ગયું હતું. અચાનક એ શીશુએ આંખો ખોલી અને એ સાધુ સામે જોયું. સાધુ ફાટી આંખે એની સામે જોઈ રહ્યા ! ઓફ ! આટલું બધું સંમોહન, આટલી બધી ઉર્જા ! એ નીલી નીલી બ્લુ આંખો એમને તાકી રહી હતી, એની આંખોનો તાપ એમનાથી જીરવાયો નહિ અને એમણે હાંફતા હાંફતા એ બાળક લાવણ્યાના ખોળામાં પાછું મૂકી દીધું ! વખત અને લાવણ્યા ફાટી આંખે એ હાંફતા અને માંડ માંડ શ્વાસ લેતા સાધુ સામે જોઈ જ રહ્યા !

“હરી ઓમ ! મહાદેવ ની જય હો, એમની લીલા અપરંપાર છે, હું કોણ છું આ શક્તિનું નામકરણ કરવા વાળો, હું કોણ છું કે જેનો આરંભ નથી અને જેનો અંત નથી એમના આશીર્વાદ પામેલી આત્માનું નામકરણ કરવાવાળો ? હું કોણ ? એક તુચ્છ મનુષ્ય ? પણ, સાંભળો, આદિકાળથી જે ચીર યુવાન છે, જે મહાદેવની પ્રિય છે, જેને જન્મો જાત શિવસ્તુતિ કંઠસ્થ હોય, જેના માથા પર આદિ શક્તિનો હાથ છે, જે કર્મે દૈવીય અથવા તો આસુરી વૃતિ ધરાવે અને જે વૃતિ ધારણ કરશે એને મરતા સુધી વળગી રહેશે એવી આ ચીરયુવાન રુદ્રના અંશ જેવી યુવાને મારા પ્રણામ.” હાંફતા હાંફતા સાધુ આટલું બોલ્યા અને એ શિશુંને પ્રણામ કરીને ત્યાંથી ઉતાવળે નીકળી ગયા. લાવણ્યા અને વખત એમને જતા જોઈજ રહ્યા. “એની વૃતિ તમારા પર નિર્ભર કરે છે, દૈવીય કે આસુરી, એ તમે નક્કી કરજો, એના કર્મો પણ એ જ પ્રમાણે નક્કી થશે, યુવા, તારું કલ્યાણ થાવ” જતા જતા બૂમ પાડીને એ સાધુ બોલ્યા.

“યુવા” મારી દીકરી, લાવણ્યાએ એને ઊંચકી લીધી. એ શિશુ મલકાઈ ઉઠ્યું. એના માથાની પાછળ ડૂબતા સુરજનાં કિરણો અને ધીરે ધીરે આવતા અંધકારના ઓળાઓ એક અદભુત અને અલૌકિક દ્રશ્ય ઉભું કરતા હતા.

***

ઇઝરાયેલ, તેલ અવિવની પાસે આવેલા એક નાનકડા ગામની ભાગોળે......

લાવણ્યા અને વખત હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને ઉભા હતા. નાનકડી યુવા પ્રોફેસર ગોલાનના હાથોમાં રમતી હતી. પ્રોફેસર સિન્હા એક ખુણામાં વ્હીલચેરમાં બેઠેલી રબ્બીની માતાનો હાથ પકડીને ઉભા હતા. લાવણ્યાએ જુકીને ફૂલોનો ગુલદસ્તો રબ્બી અકીવાની કબર પાસે મુક્યો અને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને મનોમન મહાદેવને યાદ કર્યા અને રબ્બીનાં આત્માની શાંતિ માટે પ્રાથના કરી. વાતાવરણ ભારેખમ હતું. બધાની આંખોમાં આંસુ હતા. અચાનક નાનકડી યુવા પ્રોફેસર ગોલાનના હાથોમાં છટપટવા લાગી. પ્રોફેસરે એને નીચે ઉતારી દીધી. ભાખોડિયા ભરતી નાનકી યુવા રબ્બીની કબર પાસે પહોંચી. બધા એને જોઈ રહ્યા હતા. રબ્બીની કબરને અડીને યુવા નીચે બેસી ગઈ અને અચાનક પૂર્વ દિશા તરફ કે જ્યાં ગાઝી પટ્ટી આવેલી હતી અને જ્યાં આગળ એના પિતા લડતા લડતા શહીદ થયા હતા એ તરફ આંગળી કરીને જોર જોરથી રડવા લાગી. વખતે એને ઊંચકવાની કોશિશ કરી પણ વ્યર્થ, એણે હવે જોર જોરથી રડવાનું શરુ કર્યું. લાવણ્યાએ પણ એને ઊંચકીને શાંત કરવાની કોશિશ કરી પણ એણે જોરથી રડવાનું ચાલુ જ રાખ્યું. વ્હીલચેરમાં બેઠેલી રબ્બીની માતાએ આ જોયું અને હિબ્રુમાં પ્રોફેસર ગોલાનને કૈંક કહ્યું. પ્રોફેસરે આગળ વધીને વ્હીલચેર યુવા પાસે લાવી દીધી. એ વૃધ્ધાએ એના ધ્રુજતા હાથ લાંબા કર્યા અને લાવણ્યાએ એ હાથોમાં યુવાને સોંપી દીધી. અચાનક યુવા ચુપ થઇ ગઈ. એ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં ચમક આવી ગઈ. એણે પ્રેમથી યુવાના માથે હાથ ફેરવ્યો અને હિબ્રુમાં કૈંક કહ્યું. યુવા શાંતિથી એની ગોદમાં પોઢી ગઈ.

ઈઝરાયેલી સરકારે રબ્બી અકીવાની પત્ની અને પુત્રીને પ્રોફેસર ગોલાનના કહેવા પર ખાસ તેડાવ્યા હતા. વખત અને લાવણ્યા પ્રોફેસર સિન્હા અને યુવાને લઈને એક દિવસ પહેલા રબ્બીના ઘરે આવી પહોંચ્યા હતા.

ત્રણ દિવસ પછી બધા હોસ્પીટલમાં નત મસ્તકે ઉભા હતા, રબ્બીની માતાના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, રૂમમાં પ્રોફેસર ગોલાન, લાવણ્યા અને યુવા ઉભા હતા. એ વૃદ્ધા કૈંક બબડી, પ્રોફેસર ગોલાન નીચે જુક્યા અને પછી એની સાથે કૈંક સંવાદ કરવા લાગ્યા. લાવણ્યાએ પ્રશ્નસૂચક આંખોએ એમની સામે જોયું. “મારો દીકરો શહીદ થયો છે, એ વીર આત્મા હતો, એની શહાદત એળે નાં જવી જોઈએ, એનું બલિદાન વ્યર્થ નાં જાય, એનો બદલો કોણ લેશે?” પ્રોફેસર ગોલાને લાવણ્યાને અનુવાદન કર્યું. લાવણ્યાની આંખો ચમકી ઉઠી, એણે નાનકડી યુવાને એ વૃધ્ધાના મસ્તક પાસે મૂકી દીધી, એ વૃદ્ધાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા અને એણે એક સંતોષનું સ્મિત કર્યું અને ડોકું એક તરફ ઢાળી દીધું. યુવા હજી પણ એ નિર્જીવ શરીરને તાકી રહી હતી અને એના વાળ ખેંચી રહી હતી, રૂમમાં એક સ્તબ્ધતા છવાઈ ગઈ, લાવણ્યાની અને પ્રોફેસર ગોલાનની આંખોમાં આંસુ નીકળી આવ્યા. લાવણ્યાએ આગળ વધીને એ વૃદ્ધાના વાળ સાથે રમતી યુવાને ઊંચકી લીધી અને એમના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને એમની આંખો બંધ કરી દીધી. વધુ એક મોત ! લાવણ્યાનું દિલ રડી ઉઠ્યું.

***

બેલી ગામના પ્રાચીન શિવમંદિર પાસે...

નાનકડી યુવાને લઈને લાવણ્યા શિવમંદિરના પરસાળમાં બેઠી હતી. એનું દિલ ભરાઈ આવ્યું હતું. પિતાજી, રબ્બી, એની માતા, એક પછી એક મૃત્યુ ! એણે એના ખોળામાં રમતી યુવાને જોઈ. યુવા હવે ત્રણ વર્ષની થઇ ગઈ હતી. હવે સમય પાકી ગયો છે. એની આંખોમાં ચમક આવી.

રાત્રીના બીજા પ્રહરમાં લાવણ્યાએ શિવમંદિરનો દરવાજો ખોલ્યો. શિવજીની વિશાળ મૂર્તિ આગળ એણે એક મોટા થાળમાં નાનકડી યુવાને મૂકી, એ એક હાથનો અંગુઠો મોઢામાં મુકીને સુતી હતી. લાવણ્યાએ દરવાનો આડો કર્યો અને એક હાથમાં કંકુ લઈને પોતાના કપાળે લગાવ્યું અને થોડું યુવાના કપાળે. એણે હવે એક હાથમાં છરી લીધી અને એના જમણા કાંડામાં એક નાનકડો કાપો કર્યો. એમાંથી એક નાનકડી લોહીની ધાર વહી નીકળી અને લાવણ્યાએ એ ધાર યુવાનાં માથા પર કરી. ગરમ ગરમ લોહીનો સ્પર્શ થતા યુવાએ આંખો ખોલી અને એ લાવણ્યાને તાકી રહી ! લાવણ્યાએ એની સામે એક સ્મિત કર્યું  “ઓ મારી વ્હાલી, મારા જીગરના ટુકડા, આજે હું મારું સઘળું સત્વ, શક્તિ અને જ્ઞાન તને આપી રહી છું, મને ખબર છે કે તું બહુ નાની છે આ બધું પચાવા માટે પણ મારી પાસે હવે સમય નથી. આપણા મહાન પરદાદા રાવણ અને એમના આપણે સંતાનો, મારા દાદા, મારા પિતાજી અને મેં જે કઈ પણ શીખ્યું છે, પ્રાપ્ત કર્યું છે એ હું તને આપી રહી છું મારી વહાલી, કદાચ પછી હું તને આ બધું શીખવાડવા રહું ના રહું. તારા અંદર રહેલી અદભુત આત્મા આ બધું જ પચાવી જશે, આ બધું જ સમાવી લેશે, તું અદભુત થઈશ, તારી બરોબરીનું કોઈ નહિ થાય, તારા જેટલી શક્તિ આ પૃથ્વી પર કોઈ પાસે નહિ હોય, તું અજેય થઈશ, તું પરાક્રમી થઈશ, તું પ્રચંડ થઈશ, તું ઉર્જાનો  સ્ત્રોત થઈશ...” હવે લાવણ્યાએ આંખો બંધ કરીને શિવસ્તુતિ ગાવાનું શરુ કર્યું. એને પેલા વૃદ્ધ સાધુની વાત યાદ આવી. “એની વૃતિ તમારા પર નિર્ભર કરે છે,  દૈવીય કે આસુરી, એ તમે નક્કી કરજો, એના કર્મો પણ એ જ પ્રમાણે નક્કી થશે, યુવા, તારું કલ્યાણ થાવ”

“દૈવીય કે આસુરી, હા હા હા” લાવણ્યા ખડખડાટ હસી પડી, અસુરોના સંતાનો દૈવીય ક્યાંથી હોય, વર્ષોથી જેમના સાથે અન્યાય થયો છે એ દૈવીય ક્યાંથી થાય, હે મહાદેવ, મારું આખું જીવન તમને સમર્પિત કર્યું પણ બદલામાં મને શું મળ્યું ? દુખ અને દુખ ?! તમે પણ આસુરોની રક્ષા ના કરી ? તમેતો અમારી છેલ્લી આશા હતા, પણ નાં, હવે એવું નહિ થાય, બહુ અન્યાય થયો, હવે બધું બદલાઈ જશે, આ મારી સંતાન, તમારી સંતાન હું તમારા હવાલે કરું છું અને હું હંમેશા માટે તમારી પાસે આવું છું, મારે તમને ઘણા પ્રશ્નો કરવાના છે, ઘણું બધું પૂછવાનું છે, પિતાજી પણ ત્યાંજ હશે ને ? એમને પણ મારે ફરિયાદ કરવાની છે,,,,” લાવણ્યા જોર જોરથી શિવસ્તુતિ ગાવા લાગી, દૂર પહાડો જાણેકે ડોલવા લાગ્યા, જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. સમગ્ર વાતાવરણ ભયાવહ થઇ ઉઠ્યું. લાવણ્યાએ હાથમાં રહેલી છરીથી યુવાની છાતી પર એક નાનકડો ચીરો કર્યો. લાલ હુંફાળું લોહી બહાર નીકળી આવ્યું, યુવા શાંતિથી આ જોઈ રહી, એ નાં રડી રહી હતી કે નાં તો એને કોઈ પીડા થઇ રહી હતી. લાવણ્યાએ એના હાથમાંથી વહેતી રક્તની ધારા યુવાની છાતીમાં કરેલા ચીરા પર પાડી. યુવાએ આંખો બંધ કરી દીધી, એ છટપટવા લાગી અને જોર જોર થી રડવા લાગી પણ લાવણ્યા ઉભી નાં રહી, એણે આંખો બંધ કરીને મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા.

જોર જોરથી ફૂંકાતા પવનથી અચાનક વખતની આંખો ઉઘડી ગઈ, એ ખાટલામાંથી ઉભો થઇ ગયો. એણે ઘરમાં અંદર ઓરડામાં ડોકિયું કાઢ્યું તો અંદર કોઈ નહોતું. એને કૈંક અજુગતું લાગ્યું અને એ શિવમંદિર તરફ દોડ્યો. દૂરથી એણે જોયું તો આખું શિવમંદિર ડોલતું હોય એવું લાગતું હતું અને અંદરથી મંત્રોચ્ચારના અવાજો આવતા હતા ! “ઓફ ! આ તો એ જ મંત્રોચ્ચાર છે કે જે પિતાજીએ દિક્ષા દેતી વખતે ઉચ્ચારેલા, અને આ તો લાવણ્યાનો અવાજ છે, અત્યારે એ કોને દિક્ષા આપી રહી છે ?” વખતના મસ્તિષ્કમાં ચેતવણીની ઘંટડી વાગી અને એ શિવમંદિરની અંદરની તરફ દોડ્યો.

એક ઝાટકે એણે દરવાજો ખોલી નાખ્યો અને એની આંખો ફાટી ગઈ ! નીચે એક પાત્રમાં લોહીલુહાણ યુવા પડી હતી, એની છાતી પર એક મોટો કાપો હતો અને એની સામે લાવણ્યા આંખો બંધ કરીને મંત્રોચ્ચાર કરી રહી હતી અને એના હાથમાં પડેલા કાપામાંથી એનું લોહી યુવાની છાતી પર વહાવી રહી હતી. યુવા હવે આંખો ખોલીને ઉપર મંદિરની છતને જોઈ રહી હતી, એનો ચહેરો પીળો પડી ગયો હતો, એની આંખો ફાટી ગઈ હતી અને એના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. “ઓહ ! આ તો પ્રાચીન અઘોર વિદ્યા, ત્રાટક અને યોગ ત્રણેની દિક્ષા એક સાથે આને આપી રહી છે, આવડા નાનકડા શિશુને ! આનું મૃત્યુ પણ થઇ જશે !” વખત સ્તબ્ધ થઇને જોઈ જ રહ્યો. એની પણ લાચારી હતી, જો એ અધવચ્ચે એમને રોકે તો એ બંનેનું મૃત્યુ પણ નક્કી હતું. લગભગ અડધા કલાક પછી લાવણ્યાએ આંખો ખોલીને યુવા સામે જોયું, યુવાના હોઠોના ખૂણેથી લોહી નીકળી રહ્યું હતું. એ હજુ પણ ફાટી આંખે છતની સામે જોઈ રહી હતી. લાવણ્યાએ એક સ્મિત કર્યું અને હાથ લાંબો કરીને એક લીંબુ હાથમાં લીધું, એમાં થોડું કંકુ લગાવ્યું અને એને યુવાની છાતી પર નીચોવી દીધું અને પછી તરતજ એની આંખો બંધ કરી દીધી. યુવાનું શરીર હવે શાંત થઇ ગયું. એ ધ્રુજતી બંધ થઇ ગઈ. લાવણ્યાએ એને પ્રેમથી ઊંચકી લીધી અને જેવી એ પાછળ ફરી કે એણે વખતને જોયો. એની આંખોમાં ગુસ્સો હતો.

“મોટી, તું ગાંડી થઇ ગઈ છે? આવડા નાના શિશુ ને કોઈ દિક્ષા આપે ? તારી શક્તિઓ આપવાનો હજી સમય હતો, યાદ છે કે આપણે જ્યારે ૧૬ વર્ષના થયા ત્યારે આપણને પિતાજીએ દિક્ષા આપી હતી, અને આતો હજી માત્ર ત્રણ વર્ષની જ છે, આટલી ઉતાવળ શેના માટે, બોલ બેન શેના  માટે ?” વખતે આંખમાં અંગારા સાથે ગુસ્સાથી લાવણ્યાને પૂછ્યું. 

લાવણ્યાએ જવાબમાં એક સ્મિત કર્યું “સમય નથી મારી પાસે હવે વખત” એણે વખતના હાથોમાં યુવાને મૂકી દીધી અને એનો હાથ પકડીને ચાલવા લાગી. વખતને કઈ સમજણ ના પડી પણ એ પણ એની પાછળ ચાલવા લાગ્યો. એક ઉંચા ખડક પાસે આવીને લાવણ્યા ઉભી રહી. આ એ જ ખડક હતો કે જ્યાંથી એના પિતાશ્રી નીચે આવેલી ખીણમાં થઈને શિવજીમાં એકાકાર થવા પ્રયાણ કરી ગયા હતા. નીચે એક નાનકડી નદી પણ વહેતી હતી. લાવણ્યાએ વખતને એક ઝાડ પાસે ઉભો રાખ્યો. યુવા એના હાથોમાં સુતી હતી. લાવણ્યાએ ફરીથી એક વાર પ્રેમથી યુવાના માથે હાથ ફેરવ્યો અને જુકીને એને કપાળમાં ચુંબન કરી લીધું. એની આંખોમાં આંસુ આવી ગયા. “મારી વ્હાલી, મને માફ કરી દેજે, મારી તમામ શક્તિઓ તારામાં છે, તું હું છું હવે અને હું તું, એક સારું જીવન જીવજે અને તારા મામા નું ધ્યાન રાખજે”

વખત આ સાંભળીને ચોંક્યો પણ લાવણ્યા એ એનો હાથ સજ્જડ પકડી રાખ્યો હતો “ભાઈ, જો અહીંથી એક પણ ડગલું આગળ વધ્યા છો તો તમને મારા અને યુવાનાં સમ છે, મારું જીવન હવે વ્યર્થ છે, પિતાજી અને યુવાના પિતાના નિધન પછી મને જીવવાની ઈચ્છા નથી રહી, તમે આનું ધ્યાન રાખજો, મને વચન આપો, આને તમારી પણ બધી શક્તિ આપજો અને એક સારું જીવન જીવે એવી પ્રેરણા આપજો” લાવણ્યા આંખોમાં આંસુ સાથે બોલી રહી. વખત સ્તબ્ધ થઇને એને જોઈ જ રહ્યો. એ પહાડ જેવા વ્યક્તિના પગ જાણે કે જકડાઈ ગયા હતા. “મને વચન આપો ભાઈ,” લાવણ્યા બોલી અને વખતના હોઠ ધ્રુજ્યા અને એમાંથી શબ્દો બહાર નીકળી પડ્યા “હા, હું વચન આપું છું કે હું એને મારા જીવની જેમ સાચવીશ”

અચાનક લાવણ્યાએ વખતનો હાથ છોડી દીધો અને એ ખડકના કિનારા પાસે પહોંચી ગઈ. સુસવાટા પવનમાં રાત્રીના નીરવ અંધકારમાં ખડકના કિનારા પર ઉભેલી લાવણ્યા અને એની સામે પુતળું થઈને સ્તબ્ધ થયેલો વખત અને એના હાથમાં સુતેલી યુવા એક અનોખું દ્રશ્ય ઉભું કરતા હતા !

વખતે આંખો પટપટાવી અને જોયું કે પવનમાં લાવણ્યાના વાળ આમ તેમ લહેરાઈ રહ્યા હતા ! એની આંખો લાલ લાલ થઇ ગઈ હતી. એ કરુણા અને પ્રેમથી એના પ્રિય એવા નાના મહાબલી ભાઈ અને એના શરીરના ટુકડા એવી યુવા તરફ જોઈ રહી હતી.

“હે મહાદેવ,” લાવણ્યાએ ત્રાડ પાડી “હું લાવણ્યા, પંડિત શંભુનાથની પુત્રી, જેનિફરની પુત્રી, મહાબલી વખતની બહેન, રબ્બી અકીવાની પત્ની, યુવા ની માતા તમને નમન કરું છું, મારા મોટા ભાગના કુટુંબને તમે તમારી પાસે બોલાવી લીધું છે, મારે જીવવાનો કોઈ મોહ હવે નથી, જો મારું સત સાચું હોય, જો મેં એક પવિત્ર જીવન જીવ્યું હોય અને જો તમને એવું લાગે કે તમે મારી સાથે અને મારા કુટુંબ સાથે અન્યાય કર્યો છે તો એનો બદલો મારી પુત્રી લેશે, યુવા લેશે, સર્વનાશ થશે ફરીથી, ફરીથી પ્રલય આવશે, આ પવિત્ર આત્મા આખી પૃથ્વી પર હાહાકાર મચાવશે, જુવો શું થાય છે પછી, હું પણ જોવું છું કે કોણ એને રોકે છે,,,”લાવણ્યા ધ્રુજતા ધ્રુજતા ત્રાડ પાડીને બોલી રહી હતી. દૂર પહાડોમાં હલચલ થઇ, એ જાણે કે ડોલવા લાગ્યા, કડાકા ભેર વીજળી ચમકવા લાગી, જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો.

એમણે આંખો ખોલી, એમની આંખોમાં ક્રોધ હતો, કોઈ એમને, ત્રિનેત્રને પડકાર કરી રહ્યું હતું, કોઈ એમની ભક્ત, પરમ ભક્ત, કોઈ એમનું પોતાનું, એ પડકારને મુકીને જઈ રહ્યું હતું, એમનો સામનો કરવા. કોઈ શ્રાપ આપી રહ્યું હતું ! એમણે એક ઊંડો  શ્વાસ લીધો અને આંખો બંધ કરી દીધી. એમના મુખ પર એક નાનકડું સ્મિત આવી ગયું”

અચાનક આવેલી આંધી તોફાનથી વખતની આંખો ભરાઈ ગઈ, એણે એક હાથે આંખો મસળીને જોયું કે લાવણ્યા ખડક પર ઉભી હતી. “લા...વ...ણ્યા.......બેનનન...........................નહીઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઇ.............” વખતે જોરથી બૂમ પાડી. પણ મોડું થઇ ચુક્યું હતું.

લાવણ્યાએ એક સંતોષના સ્મિત સાથે વખત અને એના હાથમાં રહેલી યુવા સામે જોયું અને એણે બે હાથ જોડ્યા અને ઊંધા ઉભા ઉભા ખડક પરથી પડતું મુક્યું.

અચાનક વખતે ચિત્તાની ઝડપે દોડીને લાવણ્યાનો હાથ પકડી લીધો. લાવણ્યાનું બાકીનું શરીર નીચે લટકી રહ્યું. “ભાઈઈઈઈ, મને છોડી દે ભાઈ” લાવણ્યાએ આજીજી કરી. “નાં મારી બેન નાં, મને છોડીને નાં જઈશ, આ નાનકડી યુવાનો ખયાલ તો કર, તારા વગર અમે શું કરીશું ? પિતાજી પણ નથી, હું કેવી રીતે જીવીશ ?” વખતે રડતા રડતા લાવણ્યાને કહ્યું. વખતના પાવડા જેવા હાથમાં લાવણ્યા લટકી રહી હતી અને બીજા હાથમાં યુવા હતી. વખત કોઈપણ સંજોગોમાં એનો હાથ છોડે એમ નહોતો. લાવણ્યાએ અચાનક વખતના બીજા હાથમાં બેઠેલી યુવાની તરફ ત્રાટક કર્યું. યુવાએ જોરથી રડવાનું અને છટપટવાનું ચાલુ કર્યું. એ લપસી જાય એવું થઇ ગયું. વખત માટે ધર્મ સંકટ ઉભું થઇ ગયું. એને ખબર પડી ગઈ કે લાવણ્યાએ જ આવું કર્યું છે, એણે ફરીથી લાચારીથી એની તરફ જોયું, હવે યુવા નીચે પડી જાય એવું થઇ ગયું હતું. “છોડી દે મારા વીરા, છોડી દે મને” લાવણ્યા બોલી, અને યુવા અચાનક નીચે પડું પડું થઇ, વખતે અત્યંત દુખથી એનો બીજો હાથ યુવાને પકડવા લાંબો કર્યો અને એવામાં લાવણ્યાનો હાથ છૂટી ગયો.

અંધકારમાં લાવણ્યાનું શરીર નીચે ગાયબ થઇ ગયું હતું, “હરી ઓમ” એક ઘેરો નાદ વખતને સંભળાયો અને હવે એને નીરવ શાંતિ અને નીચે ખળખળ વહેતી નદીનો અવાજ જ સંભળાતો હતો. વખત એ ખડક પર જુકીને બેસી પડ્યો અને જોર જોરથી રડી પડ્યો. “આ તે શું કર્યું બેન, આ તે શું કર્યું” યુવાએ અચાનક આંખો ખોલી અને એ જોર જોરથી રડવા લાગી. વખતે એક હાથે એને ઊંચકી લીધી. “હું તને એક સારી વ્યક્તિ બનાવીશ મારી વ્હાલી, એક સારી આત્મા, તારા દરેક સારા કાર્યમાં હું સાથ આપીશ. હું પ્રતિજ્ઞા કરું છું.”

યુવાની માતા ત્રિનેત્રને એક પડકાર મૂકી ગઈ હતી અને એના મામાએ એક બીજો સંકલ્પ કર્યો ! કોને ખબર આ બંનેના તુમુલ યુધ્ધમાં કોણ જીતશે અને કઈ વૃત્તિ એના પર હાવી થશે ? આસુરી કે દૈવીય ?

***

ભાગ-૧૦ સમાપ્ત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ