વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્માના અંતિમ સંસ્કાર-૧૩

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૩

નભુ અને સોથીએ એક બીજાનો હાથ પકડ્યો. એ લોકો જંગલમાં સુકા લાકડા વીણવા નીકળ્યા હતા અને જો નસીબ સારું હોય તો થોડું મધ પણ એમણે ઉતારવું હતું. નભુ મધ ઉતારવામાં પાવરધો હતો. આજુબાજુના ગામોમાં કોઈ એના જેવી ચપળતાથી મધ ઉતારી શકતું નહોતું. હિમાલયના જંગલોમાં આવેલા છુટા છવાયેલા ગામોમાં વધુ વસ્તી નહોતી. પશુપાલન અને નાની મોટી ખેતીવાડી કરીને આ આદિવાસીઓ એમનું ગુજરાન ચલાવતા હતા. દારુણ ગરીબી પણ એમનો પીછો છોડતી નહોતી અને એમાં પાછું એ  લોકો તાડી અને અન્ય નશામાં ગરકાવ પણ રહેતા. અંધશ્રદ્ધાનું પણ વ્યાપક પ્રમાણ હતું અને વારે તહેવારે એ લોકો એમના ભૂવાઓને ભોગ ચડાવતા અને માંદગીમાં પણ એમની સેવા લેતા. આ ભૂવાઓ ગરીબ આદિવાસીઓને ધર્મના નામે ડરાવતા, પૈસા અને ધાન પડાવતા અને બદલામાં એમની રક્ષા કરવાનો દાવો કરતા. એમની અણઆવડતને કારણે વર્ષે ઘણા આદિવાસીઓ ના મૃત્યુ પણ થઇ જતા. પણ એમની ધાકને કારણે કોઈ એમની  સામે અવાજ ઉઠાવતું નહિ.  

એક દિવસ અચાનક એક ચમત્કાર થયો હતો ! કોઈ  સ્ત્રી ત્યાં આવીને રહી હતી ! એનું તેજસ્વી મુખ, એની ઊંડી પણ ચમકદાર આંખો, લાંબા વાળ અને અત્યંત પ્રભાવી મુખ લોકોને દૈવીય અહેસાસ કરાવતું હતું. કૈંક હતું એ સ્ત્રીમાં, કૈંક દૈવીય તત્વ. એ બહુ બોલતી નહિ. કોઈને ખબર નહોતી કે એ ક્યાંથી આવી હતી અને એ કોણ હતી પણ સહુ એને  વનદેવીના નામે બોલાવતા હતા અને એક નાનકડા ગામમાં એક ઘરમાં એની રહેવાની  વ્યવસ્થા એમણે કરેલી હતી. મોટેભાગે એ સ્ત્રી આંખો બંધ કરીને ધ્યાનમાંજ બેસી રહેતી. ખુબજ ઓછું બોલતી અને ખપ પુરતી વાતો કરતી. એ આદિવાસીઓની ભાષા સમજતી હતી અને બોલતી પણ હતી. નભુ અને સોથી એની બાજુની ઝુપડીમાં રહેતા હતા અને બંને પતિ પત્ની રાત દિવસ “વનદેવી” ની સેવા કરતા. આજુબાજુના ત્રણ ચાર ગામના ભૂવાઓએ આ વાત સખ્ત નાપસંદ હતી અને એ લોકો એ વનદેવીનું કાસળ  કાઢવાની રાહ જોતા હતા.

ગામ આખું ચિંતાતુર હતું, નભુ ઝાડ પરથી પડી ગયો હતો ! મધ ઉતારતા એ લપસી પડ્યો હતો. એની વહુ સોથી એ વાત માનવા તૈયાર નહોતી. એમ કઈ નભુ નીચે ના પડી જાય ! નભુની હાલત ખરાબ હતી. એના બંને પગમાં ફ્રેકચર થઇ ગયા હતા અને માથા પર પણ ગંભીર ઈજા થઇ હતી, વધુમાં એને તાવ પણ ચડ્યો હતો. આજુબાજુના ગામોના ત્રણ ચાર ભૂવાઓ આવી ગયા હતા. નભુને વચ્ચે પાંદડાઓ અને ઘાસની પથારી માં સુવાડવામાં આવ્યો હતો. ભૂવાઓ આખી રાત જાતજાતના મંત્રોચ્ચાર અને જાપ કરતા રહ્યા. પણ નભુની હાલત વધારે બગડતી ચાલી. સોથીએ ચિંતાતુર નયને એના પતિ તરફ જોયું. એની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક એ દોડી અને વનદેવીની ઝુપડીમાં એમના ચરણોમાં ઢળી પડી. વનદેવીએ આંખો ખોલી અને કરુણતાથી સોથી તરફ જોયું. અચાનક એ ઉભા થયા અને બહાર આવ્યા. એમને બહાર આવેલા  જોઈએ તમામ આદિવાસીઓ નતમસ્તક થઇ ગયા. ભૂવાઓએ મોઢા મચકોડ્યા !

વનદેવી નભુના તાવથી ધીખતા શરીર પાસે બેસી પડ્યા અને એના કપાળ પર હાથ મુક્યો. એના બંને પગ લાકડીના ટુકડાઓથી બાંધેલા હતા. નભુની હાલત ખરાબ હતી. વનદેવીએ સોથીને અને ગામના જુવાનીયાઓને બોલાવ્યા અને કૈંક કહ્યું. પહેલાતો એ લોકો અચકાયા પણ પછી વનદેવીનો આદેશ માનીને ઝોળી કરીને નભુને તાત્કાલિક જંગલની બહાર લગભગ ૨૦ કિલોમીટર દુર આવેલા સરકારી હોસ્પિટલ માં લઇ ગયા. એમની સાથે વનદેવીએ કૈંક લખેલી ચિઠ્ઠી પણ હતી. ભૂવાઓમાં ખળભળાટ મચી ગયો ! એમને આ બિલકુલ નહોતું ગમ્યું પણ ગામલોકોનો વનદેવી પરનો ભરોસો જોઈને એ લોકો ચુપચાપ ત્યાંથી ચાલ્યા ગયા !

ડોકટર ડિસુઝાએ આળસ મરડી અને એની નાનકડી ચેમ્બરમાં થી એ બહાર નીકળ્યા. એમના આ નાના જર્જરિત સરકરી હોસ્પિટલમાં ભાગ્યેજ દર્દીઓ આવતા. અંધશ્રદ્ધા અને જાતજાતના વહેમોથી પીડાતી આદિવાસી પ્રજા એમની સારવાર લેવા આવતી નહિ. પણ આજે એમને અચરજ થયું. એમણે જોયું કે સાત આઠ આદિવાસીઓ અને એક મહિલા કોઈને ઝોળીમાં નાખીને એમની તરફ લાવી રહ્યા હતા. એમને આનંદ પણ થયો. એમણે તાત્કાલિક એમના મદદનીશ ખેમાને દોડાવ્યો સામે.

દર્દીની હાલત ગંભીર હતી, મલ્ટીપલ ફ્રેકચર પગમાં અને માથામાં ઊંડો ઘા ! ઉપરથી એને તાવ પણ આવતો હતો. ડિસુઝાએ નભુને તાત્કાલિક એક ઈન્જેકશન આપ્યું અને એને મુખ્ય શહેરમાં આવેલા મોટા હોસ્પીટલમાં ખસેડવા માટે એમ્બ્યુલંસની વ્યવસ્થા પણ કરી આપી. સોથી અને એક બે આદિવાસી જુવાનીયાઓ એમાં બેસીને નભુ સાથે ગયા શહેરમાં. નવરા પડીને ડોકટરે એને સોથીએ આપેલી ચિઠ્ઠી જોઈ ! એ અચંભિત થઇ ગયા ! શુદ્ધ અંગ્રેજીમાં એ ચિઠ્ઠી લખાયેલી હતી અને એમાં આ ગરીબ આદિવાસીને કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર સારવાર કરવાની નમ્ર વિનંતી હતી અને બદલામાં એટલાજ મૂલ્યનું મધ મોકલાવાનું વચન પણ હતું ! ડોકટર ફાટી આંખે ચિઠ્ઠીને જોઈ રહ્યા ! “આવા ગાઢ જંગલોમાં આવી પછાત પ્રજા જોડે આવું સરસ અંગ્રેજી જાણતું કોણ રહે છે ?!” પત્રમાં નીચે કોઈ સહી નહોતી પણ “સેવિકા” એટલું લખ્યું હતું. ડોકટરે સોથી અને બીજા આદિવાસી શહેરથી પાછા આવે એટલે એમની પૂછપરછ કરવાનું નક્કી કર્યું. એમને આ વ્યક્તિ વિષે વધુ જાણવાની તાલાવેલી થઇ. ખાસ તો એ વ્યક્તિ વધારેને વધારે આદિવાસીઓને એમની હોસ્પિટલમાં લાવે અને સારવાર કરાવડાવે તો ઘણો લાભ થાય એમ હતું.

“બનદેવી હે ઓ તો, મુ ના જાનું જાદા, દેવી હે, બનકી રક્સા કરે હે” એક આદિવાસીએ ખેમુ કે જે ડોકટરનો સહાયક કમ કમ્પાઉન્ડર હતો એને કહી રહ્યો હતો. ખેમુએ માથું ધુણાવ્યું અને હસ્યો. એણે એની ચિલમ આખી એ આદિવાસીને આપી દીધી અને ડિસોઝાને રીપોર્ટ કર્યો કે કોઈ સ્ત્રી છે કે જેને આ અબુધ ગામ લોકો દેવી સમજી બેઠા છે અને એને વનદેવીનાં નામે સંબોધન કરે છે અને પૂજે છે. એના કહેવાથી જ આ આદિવાસીઓ નભુને સારવાર કરાવા અહી લઇ આવ્યા હતા. ડોક્ટર ડિસોઝાએ અચમ્ભાથી ખેમુને કહ્યું કે એ જાતે વનમા જઈને એમને મળવા માંગે છે. ખેમુએ માથું ધુણાવ્યું અને એ આદિવાસીઓને વાત કરશે એવું કહ્યું.

પૂનમનો ચાંદ એની રોશની જંગલમાં ફેલાવી રહ્યો હતો. પાંચે ભૂવાઓ તાડીના નશામાં ચુર હતા ! એ લોકો એક ગુફા પાસે ભેગા થયા હતા અને વનદેવીનું ખૂન કરવાનું કાવતરું કરી રહ્યા હતા. “સાલી, ચુડેલ, આપણો ધંધો બંધ કરાવશે, ગામલોકો હવે એનું વધારે સાંભળતાં થયા છે. આજ રાતેજ એનો ફેંસલો આણવો પડશે” એક ભૂવાએ લાલ લાલ નશેડી આંખો વધારે મોટી કરતા કહ્યું. બધાએ હકારમાં માથું હલાવ્યું અને મોડી રાત્રે એની ઝુંપડીમાં પાછળથી હુમલો કરીને એને મોતના ઘાટ ઉતારવાનું નક્કી કર્યું.

લગભગ બે કલાક પછી પાંચે ભૂવાઓ ઉભા થયા. સમય થઇ ગયો હતો. એમના હાથમાં લાંબા ધારદાર ચપ્પુઓ હતા અને આંખોમાં ખુન્નસ. લગભગ બે કિલોમીટર જેવું એ ચાલ્યા હતા. હવે વનદેવીની ઝુંપડી થોડેક જ દુર હતી. અચાનક એમને વાઘની ત્રાડ સંભળાઈ અને એ લોકો થીજી ગયા ! જેવા એ લોકો ભાગવા ગયા કે એમની સામે એક વિકરાળ વાઘ આવીને ઉભો રહ્યો ! પાંચે જણા ડરથી ધ્રુજવા લાગ્યા !  એમના  હાથમાં રહેલા ચપ્પુઓ નીચે પડી ગયા ! વાઘે ફરીથી જોરથી ત્રાડ નાખી અને ગામલોકો પણ જાગી ઉઠ્યા ! વાઘ ધીરે ધીરે પાંચે જણા તરફ આગળ વધવા લાગ્યો. પૂનમની ચાંદનીમાં નહાયેલા જંગલમાં પાંચે ભુવાઓની સામે ઉભેલો વિકરાળ વાઘ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને એ લોકો થર થર ધ્રુજી રહ્યા હતા ! એમનામાં ભાગવાની પણ તાકાત વધી નહોતી અને મોત નક્કીજ હતું, વાઘ લાગ જોઇને ડાઈવ મારે એટલીજ વાર હતી.

અચાનક વાઘ ઘૂરકતો બંધ થઇ ગયો અને માથું જમીનને અડાડીને કૈંક સુંઘવા લાગ્યો ! એટલી વારમાં ત્યાં ગામના થોડાક લોકો પણ આવી ગયા હતા અને એ લોકો પણ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યા હતા ! એ લોકોએ ધ્યાનથી જોયુંતો ચાંદનીના ઉજાસમાં એમને કોઈ આકૃતિ દેખાયી કે જે વાઘની સામે ઉભી હતી ! વાઘ નતમસ્તક થઈને એની સામે બેઠો હતો અને ઘુરકિયાં કરતો હતો. પાંચે ભૂવાઓએ પણ હવે આંખો ખોલી અને એ લોકો આશ્ચર્ય પામી ગયા ! જે સ્ત્રીનું એ ખૂન કરવા જતા હતા એ સ્ત્રી-વનદેવી એમની અને વાઘની વચ્ચે નીડર થઇને ઉભી હતી. વાઘ થોડીવાર ઘુરકિયાં કરતો રહ્યો અને પછી અચાનક ઉંધો ફરીને ઝાડીઓમાં કુદી ગયો. વનદેવી હજુ પણ ટટ્ટાર ત્યાં ઉભી હતી. ગામલોકોએ હર્ષની ચિચિયારીઓ પાડી અને પાંચે ભૂવાઓની આંખોમાં શરમ આવી ગઈ અને એ લોકો પણ દોડીને વનદેવીના ચરણોમાં ઝુકી પડ્યા ! વનદેવી કશું પણ કીધા વગર પોતાના નિવાસ તરફ ચાલી નીકળી.

***

રબ્બી બેરુરાને ભેટીને રડી રહ્યો હતો ! એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડી ગઈ હતી ભારત જવા અને સાથે સાથે યુવાને પણ લેતી ગઈ હતી. એ મોડો પડ્યો હતો એની વ્હાલી દીકરીને મળવા, જોવા, એને પકડીને ભેટવા, એને ચુંબનોથી નવડાવી દેવા ! કરમની કઠણાઈ એવી હતી કે આટલા વર્ષો એ એની સાથે રહી પણ એને કઈ યાદ નાં આવ્યું પણ જ્યારે હવે એને બધુંજ યાદ આવવા મંડ્યું તો યુવા જતી રહી ! “આહ ! મારી યુવા, લાવણ્યાની નિશાની, મારી પુત્રી ! મારું લોહી !” રબ્બીનું દિલ રડી રહ્યું હતું ! બેરુરા અને પ્રોફેસર ગોલાને એને માંડ માંડ શાંત પાડ્યો હતો. એ લોકોને આનંદ હતો કે રબ્બીની યાદશક્તિ પાછી આવી ગઈ હતી. સાથે સાથે યુવાને ગુમાવવાનો અફસોસ પણ ! બેરુરાએ રબ્બીને કહ્યુંકે હમણા એ યુવાને એ એનો પિતા છે એ જાણ ના કરે. યુવા હજી નાની છે અને એને કદાચ માનસિક આઘાત પણ લાગે. રબ્બી પરાણે આ વાત પર સંમત થયો હતો.

રબ્બી નીચે જુક્યો અને એની માતાની કબર પર ફૂલો ચડાવ્યા ! એનું મન ઉદાસ થઇ  ગયું હતું ! એટલામાં પ્રોફેસર ગોલાન ફોન લઈને એની પાસે આવ્યા. વખત ફોન પર હતો અને એ લાગણીશીલ થઇ ગયો હતો ! પ્રોફેસર ગોલાને ફોન કરીને વખતને અને પ્રોફેસર સિન્હાને રબ્બીની યાદશક્તિ પાછી આવી ગઈ છે એ વિષે જણાવી દીધું હતું. બંન્ને એ લગભગ એક કલાક સુધી વાતો કરી ! વખતે એને લાવણ્યા વિષે અને પંડિતજી વિષે પણ કહ્યું ! રબ્બી ફોન પર ખુબ રડ્યો ! એની પ્યારી લાવણ્યા મૃત્યુ પામી હતી એ વાત એ સ્વીકારી શકતો નહોતો ! પંડિતજી પણ સમાધિવશ થઇ ગયા હતા ! વખતે રબ્બીને સાંત્વના આપી અને કહ્યું કે એ યુવા અને ઝારાનું ધ્યાન રાખશે અને સમય આવે એને સાચી હકીકત પણ કહેશે. આ એક આશા પર રબ્બીનું જીવન હવે ટકી રહ્યું હતું. એને બસ એના પ્રેમની નિશાની-લાવણ્યાનો પડછાયો એવી યુવા પાછી એની ઝીંદગીમાં જોઈતી હતી.

***

મુંબઈની એલ્ફીન્સન કોલેજમાં યુવા અને ઝારાની ભણવાની વ્યવસ્થા થઇ હતી. નવો દેશ, નવા લોકો, નવું નવું વાતાવરણ આ બધું એ બંનેને બહુજ એક્સાઈટ કરતુ હતું. યુવા અને ઝારા બંનેને અહી ખુબજ ગમ્યું હતું, શરૂઆતમાં તો એમને બેરુરા, રબ્બી અને એના તમામ જુના સાથીઓની બહુ યાદ આવી હતી પણ હવે એ લોકો ધીરે ધીરે અહીની લાઈફસ્ટાઈલમાં ઢળવા લાગ્યા હતા.

કોલેજમાં પણ બંને સુંદર છોકરીઓ છવાઈ ગઈ હતી. ઉંચી, સુડોળ શરીર, સુંદર કાળા વાળ, મોહક આંખો અને થોડું અલગ હિન્દી બોલવાની ઢબ આ બધું એમને થોડા નોખા પાડતું હતું. કોલેજના જુવાનીયાઓ વચ્ચે એમની દોસ્તી કરવાની હોડ લાગી હતી. પણ જ્યારે જ્યારે એ લોકો એક વિશાળકાય આદમીને એ બંનેને મુકવા આવતો જોતા, એ લોકોનો ઉત્સાહ ઠંડો પડી  જતો. વખતને કોઈપણ પહેલીવાર જુવે તો પછી ક્યારેય એની સાથે કોઈ માથાકૂટ કરવાનું પસંદ કરે એમ નહોતું. ઘણાને વખત એમનો બોડીગાર્ડ પણ લાગતો. યુવા અને ઝારાની ઘણી ફ્રેન્ડઝ બની ગઈ હતી. એમણે સાથે પાર્ટીઓમાં જવાનું શરુ કર્યું હતું અને ખાસ તો એ મેજિક સફેદ પાવડર કે જેને અહિયાં બ્રાઉન સુગર કહેતા હતા એનું સેવન પણ કરવાનું શરુ કરી દીધું હતું ! લગભગ રોજ રાત્રે સુતા પહેલા બંને એક એક પડીકીનું સેવન કરતા હતા. ધીરે ધીરે એમની આદત બગડવા માંડી હતી. એ લોકો ઘરમાંથી ચોરી પણ કરવા માંડ્યા હતા. પ્રોફેસર કદી એમને પૈસા ક્યા વાપરો છો એવું પુછતા નહિ, એ અને વખત કાયમ એમના  કામમાં વ્યસ્ત રહેતા અને એ બંને માંગે એટલા પૈસા એમને આપતા.

“ચાલો ઊંડો શ્વાસ લો અને મારી સામે જુવો” વખતે યુવા ને કહ્યું ! યુવાએ વખત સામે જોયું પણ વખતને કઈ સંતોષ નાં થયો. કોઈ સામાન્ય વ્યક્તિ જેવીજ એમાં ઉષ્મા હતી, વખત યુવાને દીક્ષા આપવા  માંગતો હતો પણ એને આ કોઈ અલગ જ વ્યક્તિ હોય એવું લાગતું હતું ! લાવણ્યાએ, એની મોટી બેને યુવામાં અપાર શક્તિઓનો સંચય કર્યો હતો પણ ખબર નહિ કેમ અત્યારે વખતને એની કોઈ વિશેષતા યુવામાં દેખાતી નહોતી ! યુવાની લાલ લાલ આંખો પણ કંઈક ચાડી ખાતી હતી ! આ ઉજાગરો હતો કે કૈંક બીજું ! વખતને કઈ સમજાયું નહિ ! જે છોકરી પાંચ વરસની ઉંમરમાં ત્રાટક કરીને ભલભલી વસ્તુઓ બાળી નાખતી હતી એ અત્યારે બધું ભૂલી ગઈ છે ? શું આટલા વર્ષો ઇઝરાયેલમાં  રહેવાથી આવું થયું છે ? વખતનું મગજ ચકરાઈ ગયું હતું. એને યુવાના નામકરણ સમયે સાધુએ કહેલી વાત યાદ આવી કે દૈવીય કે આસુરી આચરણ તમે નક્કી કરજો અને આ પવિત્ર આત્મા એ પ્રમાણે જ વર્તશે ! એને એ પણ યાદ આવ્યું કે ઈઝરાયેલમાં કેવી રીતે રીઢા આતંકવાદીઓના મસ્તક યુવાએ કાપી નાખ્યા હતા ! આટલી બધી ઉર્જા, આટલું આટલું કમાન્ડો પ્રશિક્ષણ હોવા છતાં પણ અહી આ યુવા અલગ કેમ લાગે છે ? એની ઉર્જા ક્યા ખોવાઈ ગઈ છે ? એને શું થયું છે ? એણે પ્રોફેસરને વાત કરી પણ પ્રોફેસરે હસવામાં એની વાત ઉડાડી દીધી. “વખત, લાવણ્યા એ આપણી છોકરીમાં અપાર શક્તિઓ સીંચી છે, તારે હજુ એને દિક્ષા આપવી છે ? એ હજુ નાની છે, એને અહી પહેલા સેટ તો થવા દે, પછી તું તારે આપજે ને દીક્ષા”

વખતે માથું ધુણાવ્યું અને મનમાં બોલ્યો “દીક્ષા તો હું આપીશ જ, એનો સમય પણ થઇ ગયો છે, પણ ખબર નહિ કેમ મને કૈંક ઠીક લાગતું નથી !”

વખત અને પ્રોફેસરને દ્વારકામાં એક સાઈટ ઉપર  જવાનું થયું હતું. એમણે યુવા અને ઝારાને જરૂરી સૂચનાઓ આપી. એ લોકો એ બંનેને પહેલી વાર એકલા છોડતા હતા પણ જવું જરૂરી હતું. યુવા અને ઝારા એકદમ આનંદિત થઇ ગયા હતા. એમણે કોલેજ ફીસના નામે ખાસા એવા પૈસા પ્રોફેસર પાસેથી લીધા હતા. જેવા એ લોકો ગયા કે યુવાએ ઝારાને કહીને એમના ઘરે પાર્ટી એરેન્જ કરી દીધી. એમની અમુક ફ્રેન્ડઝ થોડાક યુવાનોને પણ બોલાવા માંગતી હતી અને યુવાએ એ માન્ય રાખ્યું હતું. યુવા અને ઝારાની એક કોમન ફ્રેન્ડ રૂચી હતી જે એમને બ્રાઉન સુગર લાવી આપતી હતી. રૂચીએ પણ આગ્રહ કરીને એના એક મિત્રને પાર્ટીમાં બોલાવાનું કહ્યું હતું. આ મિત્ર જ એમને ડ્રગ્ઝ લાવી આપતો હતો.

રાત્રે લગભગ બાર વાગ્યે પાર્ટી પુરજોશમાં ચાલુ હતી. યુવા, ઝારા અને એના અનેક મિત્રો ડ્રગ્સનું સેવન કરીને આનંદથી જુમી રહ્યા હતા. રૂચીનો મિત્ર ઝુબેન પણ એમની સાથે નાચી રહ્યો હતો. ઝુબેન પાંચ ફૂટ આઠ ઇંચ ઉંચો, આકર્ષક દેખાવનો લગભગ ત્રીસેકની ઉંમરનો આદમી હતો. એનું કામ કોલેજોમાં જઈ જઈને ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું. એના કાળા લાંબા વાંકડિયા વાળ, એનું મોહક સ્મિત છોકરીઓ ને બહુ ગમતું. ઝુબેન ગીટાર પણ સરસ વગાડતો અને સારું ગાતો પણ. રૂચી એની મિત્ર હતી, એ એને પરણવા ઈચ્છતી હતી પણ ઝુબેનને મન એ માત્ર એક રમકડું હતી, ઝુબેન એનો ઉપયોગ કરીને કોલેજોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને બદલામાં એને પરણવાનું ઠાલું સપનું આપતો હતો. આજે એણે પહેલીવાર યુવા અને ઝારાને જોઈ અને એની અંદર નો શેતાન સળવળ્યો હતો. જો આવી છોકરીઓ એના ગેંગમાં હોય તો એનો ધંધો ડબલ થઇ જાય એમ હતો. એ રશીદખાન અને રઘુદાદાની સંયુક્ત ગેંગ વતી કામ કરતો હતો. મુંબઈમાં પોલીસની કડક કામગીરીથી રશીદ અને રઘુનો ગેરકાયદેસર દારુ અને જુગારનો ધંધો ઠપ થઇ ગયો હતો અને એટલે જ એમણે સાથે મળીને ડ્રગ્સનો ધંધો શરુ કર્યો હતો. બંને અંધારી આલમના બાદશાહ હતા અને એમની ગેંગમાં ઘણા યુવાનો કામ કરતા હતા. ઝુબેન પણ એમાંનો જ એક હતો. રશીદ અને રઘુને માલ હિમાલયથી વાયા  દિલ્હી થઈને આવતો હતો. દર ત્રણ મહીને એ લોકો હિમાલયમાં આવેલા એક નાનકડા ગામમાં જતા હતા. ત્યાં એક આશ્રમ હતો, સ્વામી શિવાનંદ એને ચલાવતા હતા. સ્વામીજીના આશ્રમમાં ગેરકાયદેસર અફીણની ખેતી પણ થતી હતી. ત્યાં ઘણી પ્રવુતિ ચાલતી હતી પણ બહારના લોકોને એની કઈ પણ જાણ રહેતી નહોતી. આખો આશ્રમ એક અભેદ કિલ્લા સમાન હતો. મોટા રાજકારણીઓ અને ધનવાન લોકો સ્વામીજીની સેવા કરતા અને એમની નિયમિત મુલાકાત લેતા રહેતા હતા. સ્વામીજીના કહેવાથી જ કટ્ટર દુશ્મન એવા રઘુ અને રશીદ ભેગા થયા હતા અને ડ્રગ્સનો ધંધો શરુ કર્યો હતો. સ્વામી શિવાનંદ વિષે કોઈ જાણતું નહિ ! એ ક્યાંથી આવ્યા અને એ કોણ છે એની કોઈને ખબર નહોતી. હિમાલયમાંથી એક શિવ ભક્ત, એક અઘોર વિદ્યાનો પંડિત આવ્યો છે અને અહી સ્થાપિત થયેલ છે એટલી જ લોકોને ખબર હતી.

***

“વખત, આ જો, આ મહાન શિવમંદિર, પૌરાણિક શિવમંદિર, આનું મહાત્મ, આની પવિત્રતા, આ જગ્યાનું સંમોહન, અહી સ્થાપિત શિવ લિંગ ! શું આ જગ્યાએ શિવજી નહિ આવ્યા હોય ? શું એમણે અહી વિરામ નહિ કર્યો હોય ?” પ્રોફેસરે ઊંડો  નિશ્વાસ નાખીને કહ્યું. એ લોકો દ્વારકાથી સોમનાથ આવ્યા હતા અને ત્યાના મંદિરની પાળીએ વિશાળ સમુદ્રને જોતા જોતા બેઠા હતા. વખતને ખબર હતી કે પ્રોફેસર સિન્હા લગભગ પાગલની જેમ શિવને, એમના ઉત્પતિ સ્થાનને શોધતા હતા. એ સાબિત કરવા માંગતા હતા કે આ બધી વાતો સાચી છે, આપણા પુરાણોમાં લખાયેલ  વાતો, સંદર્ભો અને પ્રાચીન માન્યતાઓને એ લોકો સમક્ષ પુરાવા સમક્ષ રજુ કરવા માંગતા હતા અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને સર્વોપરી ઠેરવવા માંગતા હતા. એમણે અનેક સંશોધનો કરીને હિમાલયમાં શિવજીનું સ્થાન પણ નક્કી કર્યું હતું. પંડિત શંભુનાથને એમણે જ એ રસ્તે શિવપ્રયાણ કરવાનું સૂચવ્યું હતું. પ્રોફેસરને દ્રઢ ખાતરી હતી કે પંડિતજી શિવજીને મળીને નિર્વાણ પામ્યા હશે. વખતને આવી વાતોમાં બહુ સમજણ પડતી નહિ ! એ પંડિતજીના કહેવા મુજબ વફાદારીથી પ્રોફેસરની સેવામાં રહેતો હતો. આમ પણ યુવા અને પ્રોફેસર સિવાય એનું નજીકનું કોઈ રહ્યું નહોતું. એમને ખબર નહોતી કે કોઈ છુપાઈને એમની પર નજર રાખી રહ્યું હતું. જેવા પ્રોફેસર સિન્હા અને વખત એમની હોટેલના રૂમમાં ગયા કે એમણે આશ્ચર્ય થયું, એમનો આખો રૂમ અસ્તવ્યસ્ત હતો. એમની બેગ, એમના કપડા અને એમના ડોક્યુમેન્ટસ પણ આમ તેમ ફેલાયેલા હતા ! વખતની આંખોમાં ગુસ્સો સળગી ઉઠ્યો પણ પ્રોફેસરે એને શાંત રહેવાનું સુચન કર્યું ! “વખત, મને ઘણા સમયથી એવું લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે ! કોઈને મારા રીસર્ચમાં રસ છે ! કોઈ જાણવા માંગે છે કે આપણે શું કરી રહ્યા છીએ ! મેં આટલા વર્ષોની મહેનત અને હિંદુ પુરાણોના ઊંડા અભ્યાસ પછી કૈંક શોધી કાઢ્યું છે, વખત ! મને કૈંક મળ્યું છે ! હું તને સમય આવે કહીશ કે એ શું છે પણ ત્યાં સુધી તારે અને મારે ધ્યાન રાખવું પડશે. આપણા ઘેર ઘણા મહત્વના ડોક્યુમેન્ટસ પડ્યા છે અને તે કોઈના હાથમાં ના જવા જોઈએ. એમાંજ મારી વર્ષોની મહેનતનો નીચોડ છે. આપણે એને લોકરમાં મુકવા પડશે”. વખતે માથું ધુણાવ્યું.

***

“વધારે જોઈએ તો મારી સાથે આવવું પડશે” ઝુબેને ઝારાને કહ્યું ! “હું બધો સ્ટોક મારી પાસે નથી રાખતો, તમે ચાલો મારી સાથે, હું તમને મારા બોસ પાસે લઇ જાઉં છું, એ તમને વધારે આપશે” ઝારાએ યુવા અને રૂચી પાસે જઈને મસલત કરી અને એ બંને રેડી થઇ ગયા ઝુબેન સાથે જવા માટે. લગભગ રાત્રે બે વાગ્યે પાર્ટી પતી એટલે ઝુબેને એની કાર બહાર કાઢી અને એમાં આગળ રૂચી અને પાછળ ઝારા અને યુવા બેસી ગયા. ઝુબેને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાર દોડાવી મૂકી. લગભગ દોઢ કલાક પછી એ લોકો મીરા રોડ પાસે આવેલા ચેક્નાકું વટાવીને થાણે ભણી વળી ગયા. થાણે પાસે પણ એક ચેકનાકું આવ્યું જેને વટાવ્યા પછી ઝુબેને કાર સાઈડમાં ઉભી રાખી અને બહાર નીકળીને થોડે દુર જઈને એના બોસ અમજદને ફોન કર્યો. “બોસ, મસ્ત બે ફટકડીઓ છે મારી જોડે, હા, રૂચીની ફ્રેન્ડ છે, એના જોડે કોલેજમાં ભણે છે, વિદેશથી આવી છે, ના ના, ઇન્ડિયનજ છે, બંનેને હિન્દી આવડે છે સરસ, એ ગેંગમાં આવી જાય તો જલસો થઇ જાય, બહુ પોપ્યુલર છે કોલેજમાં બંને, શું ? હા, અત્યારે મારી જોડે જ છે, તમે કહો તો હું લેતો આવું, એમને થોડું આપવું પડશે અત્યારે, મેં પ્રોમિસ કર્યું છે, પણ આપણને એનું ડબલ કરી આપશે એ લોકો. તો હું આવું, બોસ ? ઓકે, તમે બહાર કહી રાખજો, થેન્ક્સ બોસ.” ઝુબેને ફોન મુક્યો અને કારમાં બેસી ગયો અને એણે થાણેમાં આવેલી હોટેલ સ્કાઈલાઈન ભણી કાર દોડાવી મૂકી.

હોટેલના દરવાજે ઉભેલા ચોકીદારે ટોર્ચથી ઝુબેનની કારનો નંબર ચેક કર્યો અને પછી ફોન પર કૈંક વાત કરી અને એની કારને અંદર જવા દીધી. થોડીવારમાં ઝુબેન અને બધા લોકો હોટેલના ફોયરમાં ઉભા હતા.

અમજદે એના રૂમના ટીવીમાં જોયું, એને હોટેલના ફોયરમાં ગોઠવેલા કેમેરામાંથી ઝુબેન અને એની સાથે આવેલી ત્રણ છોકરીઓ દેખાઈ, રૂચીને તો એ ઓળખતો હતો પણ બીજી બે પહેલી વાર અહી આવી હતી ! એણે એના સાથીને એ બધાને ઉપર આવવાનું કહ્યું. થોડીવારમાં બધા હોટેલના ત્રીજા માળે આવેલા અમજદના ખાસ રૂમમાં આવી પહોંચ્યા. અમજદે દરવાજો ખોલ્યો અને એ આભો બની ગયો. એની સામે અતિ સુંદર એવી યુવા અને ઝારા ઉભી હતી. એણે એ લોકોને અંદર બોલાવી લીધા. પરિચય વિધિ પત્યો એટલે અમજદે એક પેકેટ કાઢ્યું અને ઝુબેનના હાથોમાં પકડાવી દીધું. ઝુબેને એ પેકેટ ખોલીને એમાં રહેલા નાનકડા સફેદ પાઉડર ભરેલા પેકેટ્સ યુવા અને ઝારાને આપ્યા. એ બંનેની આંખો ચમકી ઉઠી અને એ લોકોએ એક એક પેકેટ ખોલીને એમાં રહેલા ડ્રગનું સેવન કરવાનું શરુ કર્યું. ઝુબેને સૂચક રીતે અમજદ તરફ જોયું અને એની આંખોમાં પ્રશંષાનો ભાવ જોઇને એને હાશ થઇ. બધા ત્યાં થોડીવાર બેઠા. અમજદે ખોંખારો ખાઈને શરુ કર્યું. “જુવો, તમારે જયારે પણ જોઈએ ત્યારે અહી આવી જવાનું, હું તમને આપીશ, પણ એની સામે એક શરત છે કે તમારે બીજા  કોલેજના લોકોને અહી લેતા આવવાનું, એમણે પૈસા આપવા પડશે, એમને મફત નહિ મળે સમજ્યા ?” યુવા અને ઝારાએ નશાની હાલતમાં માથું ધુણાવ્યું. “જો તમે અમને ખુશ કરશો તો જલસા કરશો, અત્યારે જાવ તમે અહીંથી, અને જયારે જરૂર પડે ત્યારે ઝુબેનને લઈને અહી આવી જજો” અમજદે સમાપન કરતા કહ્યું અને એ બધા ઉભા થઇ ગયા. અચાનક હોટેલના ફોયરમાં ધડાકો થયો ! બધા ચોંકી ગયા. અમજદ ગન કાઢીને ઉભો થઇ ગયો. એનો એક સાથી રૂમનો દરવાજો ખોલીને અંદર હાંફતો હાંફતો આવ્યો “બોસ, ગજબ થઇ ગયો છે, રઘુને આપણા રશીદ બોસ જોડે કૈંક ઝગડો થયો છે, રઘુના માણસો એમને શોધતા અહી આવી ગયા છે, એમની પાસે ગન પણ છે. એમણે નીચે આપણા ત્રણ ચારને ઢાળી દીધા છે, તમે અહીંથી ભાગો બોસ, જલ્દી” અમજદ ઉભો થયો અને એણે ઝુબેનને અને બીજા લોકોને ત્યાંજ રહેવાનું સુચન કર્યું અને એ ઝડપથી બહાર નીકળ્યો. અચાનક રૂમની  લોબીમાં એક ધડાકો થયો અને અમજદની ચીસ સંભળાઈ. રૂચીએ ગભરાઈએ ચીસ પાડી. ફરીથી એક ધડાકો થયો અને બે ત્રણ બુકાની ધારી એ લોકોના રૂમમાં આવી પહોંચ્યા. ઝુબેને અને રૂચીએ હાથ ઉંચા કરી દીધા. “બોલ ક્યા છે રશીદ ?” એક જણાએ ત્રાડ પાડી ! ઝુબેને થર થર ધ્રુજતા કહ્યું “અમને કઈ ખબર નથી, અમે તો અહી પહેલી  વાર આવ્યા છીએ, પ્લીઝ અમને જવા દો” જવાબમાં એ બુકાનીધારીએ ઝુબેનને ખેંચીને એક લાફો માર્યો, ઝુબેન એક ચીસ પાડીને યુવાની બાજુમાં પડ્યો. યુવા હજુ પણ નશામાં જ હતી, એણે આશ્ચર્યથી ઝુબનેને પડતા જોયો અને પછી એણે સામે ઉભેલા બુકાનીધારીને જોયો અને એકદમ એની અંદરની સિક્સથ સેન્સ જાગી ગઈ, એની અંદરનો કમાન્ડો સજાગ થઇ ગયો. એણે પણ સામે એક જોરથી ચીસ પાડી અને એ બુકાનીધારીના મોઢા પર લાત મારી. યુવાની લાતના  પ્રચંડ આઘાતથી એ બુકાની ધારી ઉછાળીને એની પાછળ ઉભેલા બીજા સાથીઓ પર પડ્યો. એક બુકાનીધારીએ યુવા તરફ બંધુક તાકી પણ ત્યાતો ચિત્તાની ઝડપથી ઝારા એના પર કુદી અને એનાં મોઢા પર એક લાત મારી દીધી. એ પણ નીચે ફસડાઈ પડ્યો. યુવા આગળ વધી અને એણે ફરીથી એક હૃદય ચીરી નાખે એવી ત્રાડ પાડીને બાકી ઉભેલા બુકાનીધારીઓ પર હુમલો કર્યો અને એક પછી એક એમને પરાસ્ત કરી દીધા. ઝુબેન ફાટી આંખે આ બધું જોઈ રહ્યો ! અચાનક એને ભાન આવ્યું અને એણે દોડીને નીચે પડેલા અને પીડાથી કણસતા બુકાનીધારીઓ પાસેથી એમની બંધુકો લઇ લીધી. રૂચી એક ખુણામાં ફાટી આંખે ધ્રુજતા ધ્રુજતા બધું જોઈ રહી હતી ! યુવા અને ઝારાનું આવું રૂપ એણે કલ્પ્યું પણ નહોતું. યુવાએ ઝુબેનના હાથમાંથી એક ગન લઇ લીધી અને એ દોડીને બહાર ગલીમાં ગઈ, એણે જોયુંતો ત્યાં લોહીલુહાણ હાલતમાં અમજદ પડ્યો હતો અને એની બાજુમાં એનો બીજો સાથી પણ. “ઝારા, ક્વિક, આઈ નીડ યોર બેક અપ” યુવાએ બુમ પાડી. ઝારા પણ હાથમાં એક ગન લઈને બહાર દોડી આવી. એણે અમજદની નાડ તપાસી, એ હજુ જીવતો હતો. “હેય, ઝુબેન, કમ ઓન, ક્વિક, અમને નજીકની હોસ્પિટલનો રસ્તો બતાવ, જલ્દી, ટાઈમ નથી આપણી પાસે” યુવાએ બુમ પાડી. ઝુબેન આગળ વધ્યો અને એણે આશ્ચર્યથી જોયું કે યુવાએ લગભગ ૭૦ કિલોના અમજદને આરામથી ખભે ઉપાડી લીધો અને એ અને ઝારા નીચે ભાગ્યા. નીચે હોટેલના ફોયરમાં હજી બે બુકાની ધારી ઉભા હતા. ઝારાએ નિશાન તાક્યું અને બંનેને માથા પર ગોળી  મારી દીધી. બંને ત્યાજ ઢળી પડ્યા. યુવા હવે અમજદને ઊંચકીને બહાર આવી ગઈ, પાછળ ઝારા એને  કવર કરતી હતી. એ લોકોએ ઝડપથી અમજદને પાસે પડેલી એક કારમાં સુવડાવ્યો. ઝારા એની પાસે બેસી ગઈ. ઝુબેન ઝડપથી આગળ બેઠો અને યુવાએ કાર એક ચિચિયારી સાથે બહાર કાઢી. ટાયરમાં થી ધુમાડા નીકળી ગયા અને એણે કાર ભયાનક ઝડપે આગળ દોડાવી દીધી.

***

“બેટા, મેં તેરેકુ કેસે ધન્યવાદ કરું ? તેરેકો અલ્લાને ભેજા હોગા, તેરે કારન મેરા મિયા બચ ગયા આજ” એક આધેડ વયની મહિલાએ યુવાનાં હાથ પકડી લીધા હતા. અમજદને ખભા પર બે ગોળી વાગી હતી, એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે એ સ્વસ્થ હતો. અંધારી આલમમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. રશીદના માણસો હોસ્પિટલ દોડી ગયા હતા. કોઈએ પોલીસ કમ્પ્લેઇન કરી નહોતી પણ અંધારી આલમનું અંદરખાનેથી યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રઘુ અને રશીદના માણસો એક બીજાના લોહીના તરસ્યા થયા હતા. અચાનક હોસ્પિટલમાં એક કાળી મર્સીડીઝ આવીને  ઉભી રહી અને એમાંથી એક માણસ નીકળ્યો અને એ ઝડપથી અમજદને દાખલ કરેલો ત્યાં  આવી પહોંચ્યો. ત્યાં એણે ઝુબેનના કાનોમાં કૈંક કહ્યું અને ઝુબેને માથું ધુણાવ્યું. “તમને લોકોને આ ભાઈ જોડે જવાનું છે, એ તમને સુરક્ષિત ઘેર પહોચાડી દેશે” ઝુબેને ઝારા અને યુવાને કહ્યું. બંને જણા એ વ્યક્તિ સાથે મર્સીડીઝમાં બેસી ગયા. રસ્તામાં એક જગ્યાએ એ વ્યક્તિએ કાર ઉભી રાખી અને એનો મોબાઈલ યુવાને આપ્યો. યુવાએ આશ્ચર્યથી એની સામે જોયું અને અચાનક મોબાઈલમાં રીંગ વાગી. યુવાએ ફોન ઉપાડ્યો અને એક ઘેરો અવાજ એના કાને પડ્યો “હું રશીદખાન બોલું છું, અમજદ મારા બેટા જેવો હતો, તમે એનો જાન બચાવ્યો એટલે હું તમારો આભારી છું, મને બધી વાતની ખબર પડી છે, મારો માણસ તમને મારી પાસે લઇ આવે છે, રસ્તામાં રઘુના માણસો કુતરાની જેમ ઉભા હશે અને એ મારા માણસોને ઓળખે છે, એટલે તમે પહેલા  અહી મારી પાસે આવી જાવ, પછી હું તમને તમારા ઘેર મૂકી જઈશ” યુવાએ સંમતિ આપી અને ફોન કટ થઇ ગયો.

***

લગભગ બે કલાક પછી કાર ઉભી રહી અને યુવા અને ઝારા નીચે ઉતર્યા. કાર મડ આઈલેન્ડ પાસે આવીને કોઈ બંગલા પાસે ઉભી હતી. બહાર લગભગ વીસેક માણસો ભરી બંધુકે પહેરો દેતા હતા. એમની પાસે સાત આઠ ખતરનાક કુતરાઓ પણ હાંફતા ઉભા હતા. એક માણસે ઈશારો કર્યો અને યુવા અને ઝારાની ઝડતી લેવાઈ, પછી બંનેને અંદર બંગલામાં જવાનું કહેવામાં આવ્યું. અંદર વિશાળ ડ્રોઈંગરૂમ હતો અને બધેજ સફેદ કલર કરેલો હતો, સોફા પણ સફેદ હતા અને નીચે પાથરેલી જાજમ પણ સફેદ ! યુવા અને ઝારા એક સોફા પર બેસી ગયા. “વેલકમ, રશીદખાન તમારું સ્વાગત કરે છે” એક ઘોઘરો અવાજ આવ્યો અને એ લોકોએ જોયું તો ઉપરના રૂમમાંથી એક લગભગ છ ફીટ ઉંચો વ્યક્તિ હાથમાં લાકડી લઈને નીચે ઉતરતો હતો. એણે બંધ ગળાનો કોટ પહેરેલો હતો, એના વાળ લગભગ ખભા સુધી આવતા હતા અને એની દાઢી મહેંદીથી રંગી રંગીને લાલ થઇ ગઈ હતી. એ લગભગ ૫૫ ની આસપાસનો લાગતો હતો. એની આંખો કોઈ શિકારી કુતરા જેવી ખતરનાક લાગતી હતી. એ ધીરે ધીરે નીચે ઉતર્યો અને એમની પાસે આવીને એણે યુવા અને ઝારાનો એક એક હાથ પકડીને એના કપાળે અડાડ્યો. “મને બહુ ઓછા લોકો જોઈ શકે છે, અને જે લોકો જુવે છે એમાંથી બહુ ઓછા લોકો જીવી શકે છે ! હું અંધારી આલમનો બાદશાહ છું” ફરીથી એ ઘોઘરા અવાજે બોલ્યો. એણે ઈશારો કરીને એક જણાને એની પાસે બોલાવ્યો અને શરબત મંગાવ્યું. હવે એ યુવા અને ઝારાની સામે બેસી ગયો. “તમે લોકોએ અમજદની જાન બચાવી એ બદલ ખુબ ખુબ આભાર, હું તમારો અહેસાનમંદ છું. અમે લોકોએ હોટેલના બધા સીસી ટીવી ફૂટેજ ડીલીટ  મારી દીધા છે, કોઈને કાનોકાન ખબર નથી પડી કે તમે લોકો ત્યાં હતા. ઝુબેનનું નામ આમાં ગાજ્યું છે પણ હું એને અને રૂચીને ત્યાથી થોડા દિવસ ગાયબ કરી દઈશ. તમે ચિંતા ના કરો. રઘુએ ગદ્દારી કરી છે મારી સાથે, હું એને નહિ છોડું” એની આંખોમાં હવે અંગારા વરસતા હતા. “તમે લોકો રૂચીના ફ્રેન્ડ છો એ મને ખબર છે પણ ખરેખર તમે કોણ છો ?” ઝારા કૈંક કહેવા જતી હતી પણ યુવાએ એનો હાથ દબાવ્યો અને બોલી “હું યુવા સિન્હા, પ્રોફેસર સિન્હાની પુત્રી છું, આ મારી કઝીન સિસ્ટર ઝારા છે, અમે લોકો ઇઝરાયેલમાં ભણતા હતા અને હવે અહી પાછા આવ્યા  છીએ.” રશીદખાને આંખો પહોળી કરી “તમે લોકોએ કમાન્ડો ટ્રેનીંગ લીધી છે?” “હા, ત્યાં એ ફરજીયાત છે સર” યુવા બોલી. “હમમમ, એટલે જ તમે આટલા જણાને આસાનીથી પતાવી દીધા, ખેર ! મારા માણસ તમને સુરક્ષિત રીતે તમારે ઘેર મૂકી જાય છે, આજ પછી આ વાતની કોઈને ખબર નાં પડવી જોઈએ, તમારા પાપાને કે કોઈ ઘરનાને પણ, સમજ્યા ? મારા માણસો સમય આવે તમારો સંપર્ક કરશે. જાવ તમે લોકો હવે, ખુદા હાફીઝ, ફિર મિલેંગે” રશીદખાન ઉભો થઇ ગયો.

***

“સાલા, આજકાલના ઝુબેનીયામાં એટલી ક્યાંથી તાકાત આવી ગઈ કે એણે આપણા બાર બાર સાથીઓને પતાવી દીધા ? કોણ હતું એની સાથે હોટેલ સ્કાયલાઈન પર ? બોલ સરખું નહિ તો અહી જ પતાવી દઈશ તને, બોલ જલ્દી” એક અંધારા ઓરડામાં અવાજ ગુંજ્યો. રઘુના માણસો હોટેલ સ્કાઈલાઈનના એક વેઈટરને પકડીને લાવ્યા હતા. રઘુ બાજુના રૂમમાંથી સાંભળતો હતો. “સર, મને જવા દો, હું ગરીબ માણસ છું, મને કઈ ખબર નથી, ત્યાં કોઈ બે યુવતી હતી, ગોરી ગોરી, પડછંદ, એ ઝુબેન જોડે આવેલી, એમણે જ અમજદને હોસ્પિટલ પહોચાડ્યો છે અને એમણે જ તમારા માણસો પર હુમલો પણ કરેલો અને એમને ઢાળી દીધા હતા” વેઈટર રોતા રોતા બોલ્યો. સટ્ટાક – એક લાફો રધુના માણસે એ વેઈટરને મારી દીધો. “બે છોકરીઓ ? સાલા તું અમને બુદ્ધુ સમજે છે ? બે છોકરીઓએ અમારા માણસોને પતાવી દીધા ? સાચું બોલ” વેઈટર નીચે જમીન પર પડી ગયો અને રઘુના માણસો એને લાતો મારવા માંડ્યા. બાજુમાંથી આ બધું જોતા રઘુએ હાથ ઉંચો કર્યો અને એના ભરાવદાર પહાડી અવાજમાં બોલ્યો “રહેવા દો”. રઘુએ એની સામે ઉભેલા એના ખાસ માણસોને કહ્યું “આ શું છે બધું ? આ યુવતીઓ કોણ છે ? મને કેમ આ વાતની ખબર નાં પડી ? શોધી કાઢો એમને, મારે કોઈપણ હિસાબે એ મારી સમક્ષ જોઈએ જ, સમજ્યા ? ચોવીસ કલાક આપું છું તમને લોકોને, એ બંનેને અહી હાજર કરો.” રઘુની આંખોમાંથી અંગારા વરસતા હતા. રઘુ દુબળો પાતળો લગભગ ૪૦ વરસનો યુવાન હતો. એના ટૂંકા વાળ, ગાલ પર પડેલો કાપો, ગળામાં ઉપસેલું હાડકું જોઈને કોઈને ખબર નાં પડે કે અંધારી આલમનો ડોન હતો ! મુંબઈની ડોંગરી ચાલમાં રઘુના માં બાપ રહેતા, રઘુ એમનો ચોથો દીકરો હતો, અત્યંત પારાવાર ગરીબી, ભૂખમરો એમણે સહન કરેલો હતો. રઘુના બાપને ટીબી થઇ ગયો હતો અને એમની મિલમાંથી નોકરી છૂટી ગઈ હતી. રઘુ બહુ ઓછું ભણીને સ્કુલમાંથી ઉઠી ગયો હતો. બીજા છોકરાઓના રવાડે ચડીને એણે દાદાગીરી કરવાનું, હફ્તા ઉઘરાવાનું શરુ કરેલું. એક વાર લોકલ ગુંડા સાથે એને બબાલ થઇ અને એ એને ચપ્પુ મારીને ત્યાંથી ભાગી ગયો. ૧૪ વરસની ઉંમરના રઘુને પોલીસે રેલ્વેસ્ટેશન પાસેથી પકડી લીધો અને બાળસુધાર ગૃહમાં મોકલી આપ્યો. એક દિવસ બાળ સુધારગૃહમાં એક નવયુવાન સાધુ આવ્યા-શિવાનંદ. લોકો કહેતા કે એ હિમાલયમાં રહે છે અને અઘોર પંથી છે, એમણે ત્યાં આવીને બાળકોમાં મીઠાઈઓ  વહેંચી અને પ્રવચન કર્યું. શિવાનંદે જોયું કે બધા બાળકો આનંદથી મીઠાઈઓ ખાતા હતા પણ એક છોકરો ખુણામાં ગુમસુમ બેઠો હતો. એમેણે પ્રેમથી એને પૂછ્યું કે તું મીઠાઈ  કેમ ખાતો નથી અને રઘુએ જવાબ આપ્યો “મને મીઠું પસંદ નથી, ઝીંદગી જ્યારે કડવી થઇ ગઈ હોય ત્યારે મીઠું કેમ ભાવે ? અને હું મફતનું ખાવાનું પસંદ પણ કરતો નથી. જ્યારે હું કૈંક બની જઈશ ત્યારે હું મારા પૈસે મીઠાઈ ખાઈશ અને ખવડાવીશ !” શિવાનંદ હસી પડ્યા, એમણે રઘુના માથે હાથ મુક્યો અને આંખો બંધ કરી દીધી. રઘુએ જોયું તો એને એક લાંબા જટાધારી યુવાનનો ચહેરો દેખાયો, એની આંખોમાં અજીબ ચમક હતી, સંમોહિત કરી નાખે એવી, એના કપાળ પર ત્રિશુલ દોરેલું હતું, એ માણસમાં કૈંક હતું, કોઈ શક્તિ, કોઈ અપાર શક્તિ, રઘુને બહુ સારું લાગ્યું !

થોડા વર્ષો પછી રઘુને છોડી દેવામાં આવ્યો, જેવો એ બહાર નીકળ્યો કે બહાર એક વાન ઉભી હતી અને એના દરવાજા પાસે શિવાનંદ, એમના મુખ પર હાસ્ય હતું. “તારે શક્તિ જોઈએ છે ને ? લોકો તારા ચરણોમાં આળોટે, તને સલામ કરે, કરોડો રૂપિયા મળે એવું જોઈએ છે ને ? ચલ મારી સાથે”  રઘુ વાન માં બેસી ગયો અને વાન હિમાલયમાં આવેલા “બેલી” ગામ પાસે જવા નીકળી ગઈ ! બેલી ગામમાં આવેલા એક પ્રાચીન શિવમંદિરની પાછળ શિવાનંદ એનો આશ્રમ સ્થાપવા માંગતો હતો.

***

પ્રોફેસર સિન્હા અને વખતે આવીને પહેલું કામ ઘરમાં રહેલા બધાજ અગત્યના દસ્તાવેજો અને કાગળોને બેંકમાં લોકરમાં મૂકી આવવાનું કર્યું. પ્રોફેસર અને વખત સિવાય એ લોકરની કોઈને જાણ નહોતી. કોલેજમાં એક મહિનાની રજા હતી. વખત રોજ યુવા અને ઝારાને વહેલી સવારે ઉઠાડીને એમના  ઘરની બાજુમાં આવેલા ગાર્ડનમાં લઇ જતો. ત્યાં એ બંને એમની માર્શલઆર્ટની પ્રેક્ટીસ કરતી. વખતે બંનેને યોગાભ્યાસ પણ ચાલુ કરાવ્યો હતો. એ ધીરે ધીરે યુવાને દીક્ષા આપવા માટે તૈયાર કરવા  માંગતો હતો. રવિવારની સવાર હતી અને વખત અને યુવા એક બાંકડા પર બેઠા હતા. ઝારા ત્યાંથી થોડે દુર બગીચાના ઝાડ પર બેઠેલા પક્ષીઓના ફોટા પાડતી હતી. અચાનક એક વાન સડસડાટ કરતી આવીને બગીચાના દરવાજા પાસે ઉભી રહી અને એમાંથી પાંચ બુકાનીધારીઓ નીકળ્યા અને ઝારાની તરફ ગન તાકીને ઉભા રહી ગયા ! યુવા અને વખત ચોંકીને ત્યાં દોડ્યા પણ ત્યાં સુધીમાં એ ઘેરાઈ ગયા હતા. ચાર-પાંચ બંધુકો એમની તરફ તકાઈ ગઈ હતી. એક બુકાનીધારીએ ઝારા અને યુવાને પકડીને ખેંચીને વાનમાં બેસાડી દીધા અને એ લોકો ફટાફટ વાનમાં ગોઠવાઈ ગયા અને ડ્રાઈવરે એક્સીલરેટર પર પગ મુક્યો, વાનના ટાયર ચિચિયારી પાડી ઉઠ્યા  પણ વાન આગળ હલી નહિ ! એણે આશ્ચર્યથી બાજુમાં બેઠેલા તરફ જોયું અને પછી બહાર ડોકું કાઢ્યું. વાન પાછળથી ઉંચી થઇ ગઈ હતી ! કોઈ એને ખેંચી રહ્યું હતું ! એક જણો ગુસ્સામાં નીચે ઉતર્યો અને પાછળ જોવા ગયો અને એક જોરદાર ચીસ પાડી ઉઠ્યો ! પાછળ બેઠેલા યુવા અને ઝારાના મુખ પર સ્મિત આવી ગયું.

***

ભાગ-૧૩ સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ