વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મા ના અંતિમ સંસ્કાર-૨0

આત્માના અંતિમ સંસ્કાર ! – ૨૦ 

ચાઈનાના સુપ્રીમો માઓ ઝે’દાંગ ની ઓફીસ માં...

“આગળ વધો અને આ રહસ્યની જાણકારી લાવીને જ પાછા ફરજો ! નહિ તો હું બધાને મારી નાખીશ !” માઓ બરાડ્યા ! માઓના સૈન્યએ દગાબાજીથી તિબેટ પર હુમલો કરીને એને પડાવી લીધું હતું ! તિબેટના સર્વોચ્ચ ધાર્મિક વડાએ ભાગીને ભારતમાં શરણ લીધું હતું. માઓને તિબેટના ગામડાઓ કરતા ત્યાં આવેલા માઉન્ટ કૈલાશમાંના રહસ્ય જાણવાની વધારે ઇન્તેજારી હતી. એણે બે હજારનું સૈન્ય એના ખાસ કમાન્ડરની આગેવાની હેઠળ ત્યાં મોકલ્યું અને સાથે ફરીથી થોડાક સાયન્ટીસ્ટ પણ મોકલ્યા. એમને એવું ઠસી ગયું હતું કે ત્યાં કોઈ એલિયન યાન છે કે કોઈ મહાશક્તિ છે કે જે પ્રાપ્ત કરવાથી એ આખા જગત પર રાજ કરશે !

લગભગ એક અઠવાડિયા પછી માઓને ખબર આવી કે બરફના મહાભયાનક તોફાનમાં એમનું આખું ને આખું સૈન્ય દબાઈ ગયું છે અને કોઈ જીવિત બચ્યું નથી ! માઓએ એક નિઃશ્વાસ નાખ્યો ! એમને તિબેટીયન લામાએ વારંવાર ચેતવ્યા હતા અને હવે એ એમના કુશળ બે હજાર લડવૈયા ખોઈ બેઠા હતા ! એમને ધ્રુજારી થઇ આવી ! આટલા બધા લોકોને માઉન્ટ કૈલાશ ગળી ગયો !!! આ કેવી રીતે શક્ય બને ? એમણે બેલ મારીને એમના પ્રખર ઈતિહાસકાર ને બોલાવવાનું કહ્યું.

“મને ખબર નથી પડતી, તમે મેં કીધું એ પ્રમાણે આપણા જુના મ્યુસિયમમાંથી પ્રાચીન દસ્તાવેજો નો અભ્યાસ કર્યો ? શું કે છે એ ? સાલું આપણા હજારો સૈનિકો એ માઉન્ટ ગળી ગયો ! એવું તે શું છે ત્યાં ?” માઓએ એમની સામે ઉભેલા કેડેથી વળી ગયેલા વૃદ્ધ ઈતિહાસકારને પૂછ્યું !

“નામદાર, એ પવિત્ર જગ્યા છે ! હિંદુસ્તાનના મોટાભાગના લોકો જેને પૂજે છે એ એમના ભગવાન શિવનું ધામ છે ! એ અજય છે ! એ અતુલ્ય છે ! એ પ્રચંડ શક્તિનો ધોધ પણ છે ! ત્યાં એમના ભગવાન શિવ વાસ કરે છે અને ત્યાં કોઈને પણ જવાની મનાઈ છે ! આ માત્ર હું નથી કહેતો પણ આપણા પ્રાચીન ગ્રંથો પણ આમ જ કહે છે મહામહિમ ! આ જગ્યાનો મોહ છોડી દો ! આજથી બે હજાર વર્ષો પહેલા પણ આપણા મહાન રાજાએ તેના પર ચડાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ,,,”

એ વ્યક્તિએ આગળ ચલાવ્યું અને માઓ ફાટી આંખે એને સાંભળતાં રહ્યા !

***

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીન માં...

“ત્રણ ત્રણ મહિના થઇ ગયા છે ચાંગ ! હવે હું કેટલી રાહ જોઉં ? તમારા કહેવાથી મેં લી ને અને પછી સુંગ યુનને નકશો શોધવા અને એ શક્તિ પ્રાપ્ત કરવા મોકલ્યા પણ હવે મને લાગે છે કે મારે આ કામ જાતે જ કરવું પડશે ! તમે તૈયારી કરી લો, આપણે એક મહિનામાં નીકળીશું ! મારે કોઈપણ ભોગે એ શક્તિ પ્રાપ્ત કરવી જ પડશે !” સમ્રાટ હુંગે બુમ પાડીને એના સેનાપતિ સાળા મિંગને બોલાવ્યો. “મિંગ, ખુબ બધું અફીણ લો અને પેલા નાગા સાધુઓ કે જે આપણને એક વાર ભટકાયા હતા એમને આપો અને એમને આપણી સાથે આવવા તૈયાર કરો. એમને કેજો કે આપણે માનસરોવરની યાત્રાએ જઈ એ છીએ. એમને સાચી વાત કરવાની કોઈ જરૂર નથી. જલ્દીથી એમના ચુનિંદા સાથીઓ અને એમના વડાને લઈને પાછા આવો. સમય ઓછો છે આપણી પાસે.” મિંગે માથું જુકાવ્યુ અને એ ત્યાંથી નીકળી ગયો. વૃદ્ધ ચાંગની આંખોમાં ચમકારો થયો. હવે કઈ થઇ શકે એમ નહોતું ! એણે હવે જવું જ પડશે !

***

ડોકટર ડિસોઝાએ આળસ મરડી, એણે એની ભાગ્યેજ કોઈ આવતા એવી કલીનીકની બહાર નજર ફેરવી. એમના આશ્ચર્ય વચ્ચે દસ બાર આદિવાસીઓનું ટોળું કોઈને ઊંચકીને આવી રહ્યું હતું ! એમનો મદદનીશ બહાર ગયો હતો એટલે એ સામે દોડ્યા. ટોળાએ એક ઝોળીમાં સુવડાવેલી યુવતી તરફ ડિસોઝાએ જોયું ! એની સુંદર મોટી મોટી આંખો બંધ હતી અને એ ધીમા ધીમા શ્વાસ લેતી હતી ! એના સુંદર લાંબા લાંબા વાળ હતા અને એના કપાળ પર ત્રિશુલ દોરેલું હતું ! એમણે એને અંદર લેવાનું કહ્યું.

“બન દેવી હે, બાત નહિ કરતી, ઓ ઉધર રાસ્તે પે પડી હુઈ મીલી તો લે આયે” એક આદિવાસી આગળ આવ્યો અને એણે ડિસોઝાને કહ્યું.

“હમ્મ્મ્મ,,, તો આ આમની વનદેવી છે !” ડોકટર મનોમન હસી પડ્યા ! “આ ચમત્કારિક દેવી છે તો પણ એણે મારી સારવાર લેવા આવવું જ પડ્યું ! આ લોકો આટલી સાદી વાત કેમ નહિ સમજતા હોય ?!” એમણે માથું ધુણાવ્યું અને વનદેવીના કપાળ પર હાથ મુક્યો. ટેમ્પરેચર નોર્મલ હતું ! એમણે બધાને બહાર બેસવાનું કહ્યું. એ ફરીથી એમનો હાથ પકડવા ગયા અને વનદેવીએ આંખો ખોલી ! લાલ લાલ આંખો અચરજ થી ડોક્ટરને તાકી રહી ! “ગભરાઓ નહિ, હું ડોક્ટર ડિસોઝા છું, તમારા સાથીઓ તમને અહી લઇ આવ્યા છે ! તમે બેભાન થઇ ગયા હશો ! શું થયેલું તમને ?” ડિસોઝાએ પૂછ્યું.

વનદેવીએ આંખો બંધ કરી અને એમને એક અત્યંત વેગથી એમની તરફ આવતો આખલો દેખાયો. અચાનક એમણે જોયું કે આખલાએ સમરને અત્યંત વેગથી ટક્કર મારી દીધી અને એ નીચે ઊંડી ખીણમાં ગાયબ થઇ ગયો ! એ ત્યાં દોડ્યા પણ મોડું થઇ ચુક્યું હતું ! અચાનક એમને કોઈએ હાથ પકડ્યો હોય એવું લાગ્યું, કોઈ નાનું શિશુ એમનો હાથ પકડીને મધુર સ્મિત કરીને ઉભું હતું, એની નીલવર્ણ આંખો એમને તાકી રહી હતી ! એ કોઈની યાદ અપાવતી હતી ! વનદેવીના આંખોમાં આંસુ આવી ગયા ! એમણે આંખો ફરીથી ખોલી અને એ ઉભા થઇ ગયા ! “ડોક્ટર, હું એકદમ સ્વસ્થ છું ! મને જવા દો.” એ બોલ્યા. “પણ તમે કોણ છો ? તમે આટલું સરસ અંગ્રેજી પણ જાણો છો ! તમે અહીના નથી લાગતા ! તમે ક્યાંથી આવો છો ? તમારું શું નામ છે ?” ડિસોઝાએ સવાલોનો મારો કર્યો.

“મને નથી ખબર કે હું કોણ છું ડોક્ટર, એક દિવસ આંખો ખોલી અને મેં મારી જાતને આ નિર્દોષ આદિવાસીઓ વચ્ચે  જોઈ, ત્યારથી હું તેમની સેવા કરું છું. મારો કોઈ ભૂતકાળ નથી અને મારું કોઈ ભવિષ્ય પણ નથી, યુ ડોન્ટ વરી, હું બને એટલા અશક્ત અને બીમાર લોકોને તમારી પાસે મોકલીશ, તમે એમની સેવા કરજો અને બદલામાં હું યથાયોગ્ય પુરસ્કાર આપવાની કોશિશ કરીશ !” વનદેવીએ જતા જતા કહ્યું.

“સરકાર તરફથી આમની મફત સેવા થાય છે ઓ,,,વનદેવી,,,પણ મને લાગે છે કે તમે પણ બીમાર છો, તમે યાદશક્તિ ગુમાવી બેઠા છો, જો તમે ઈચ્છો તો અમે તમારી શહેરમાં સારી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવીએ” ડિસોઝાએ આગળ વધતા કહ્યું. જવાબમાં વનદેવીએ એક લુખ્ખું સ્મિત આપ્યું અને એ જતા જતા બોલ્યા “આભાર આપનો ડોકટર, ફરી મળીશું ક્યારેક !” ટૂંક સમયમાં જ એ ઝડપથી એમની સાથે આવેલા આદિવાસીઓ સાથે જંગલમાં અદ્રશ્ય થઇ ગયા, ડિસોઝા કલીનીકના ઉંબરે ઉભા ઉભા આ પ્રભાવશાળી અને દૈવીય તત્વ ધરાવતી સ્ત્રીને જોઈ જ રહ્યો !

***

ત્રણ મહિના પછી, આજ ના ભારતીય સમય માં...

વખત આશ્ચર્યથી જોઈ રહ્યો હતો ! આગળ આવેલા આદિવાસીઓ ના મુખિયા અને બીજા બધા નીચે બેસીને યુવાને નમન કરી રહ્યા હતા ! બધાના હાથમાં જંગલી ફૂલો હતા ! યુવા આ બધું આશ્ચર્યથી જોઈ રહી હતી. એને કઈ સમજાતું નહોતું ! “બનદેવી કી જે હો” બધાએ સામુહિક પોકાર કર્યો ! ઝારા પણ હસતા હસતા એમનામાં જોડાઈ અને યુવાએ ચીડથી એની સામે જોયું. અચાનક યુવાને એકદમ પાછી આવેલી જોઈને એ બધા અંદરો અંદર ગુસપુસ કરવા લાગ્યા અને હવે ફરીથી અભિભૂત થઇને આદરથી યુવાને જોવા લાગ્યા અને જે જે કાર કરવા લાગ્યા. “આ બધું શું છે ?” વખતે આગળ વધીને એમના મુખી જેવા વ્યક્તિને પૂછ્યું. “બનદેવી હે, રૂપ બદલ કે આયી હે, બનદેવીકી જય હો” જવાબમાં એ બોલ્યો અને વખતને કૈંક ચમકારો થયો ! એ મુખીને એક ખુણામાં લઇ ગયો અને એની પૂછપરછ કરવા લાગ્યો અને એના જવાબો પરથી વખતનું મગજ સુન્ન પડી ગયું ! એને કૈંક કૈંક સમજાવા લાગ્યું ! એ દોડીને પ્રોફેસરને મળ્યો અને બધી વાત કરી અને પ્રોફેસર પણ ચમકી ગયા ! “લાવણ્યા !!! પણ એ તો કેવી રીતે શક્ય બને ?!”

***

એક સ્ત્રી દોડીને આવી અને એણે વનદેવી કાયમ જ્યાં રહેતા એ ઝુંપડીનો દરવાજો ખોલી દીધો. યુવા અને ઝારા એમાં પ્રવેશ્યા. અંદર એક ખુણામાં સાદડી પડી હતી સુવા માટે અને વચ્ચો વચ્ચ એક મોટું આસન હતું બેસવા માટે. બાજુમાં એક ધૂપ કરવાની જગ્યા હતી. બસ બાકી કઈ હતું નહિ એમાં. ઝારાએ ખભા ઉલાળ્યા અને એ એકતરફ બેસી ગઈ. યુવાને બેચેની થઇ રહી હતી ! એણે સામે રહેલી બેઠક તરફ જોયું અને એ એના પર પદ્માસનની મુદ્રામાં બેસી ગઈ અને એણે આંખો બંધ કરી દીધી ! અચાનક એને એની પ્રતિકૃતિ દેખાવા લાગી ! એ હાથ લાંબા કરીને એને બોલાવી રહી હતી ! દુર પહાડોમાં શંખનાદ થઇ રહ્યો હતો ! પ્રાચીન શિવમંદિર જાગ્રુત થઇ ઉઠ્યું હતું, ઘંટનાદ વધારે તીવ્ર થઇ ઉઠ્યા હતા, કોઈ વિશાળકાય આકૃતિ પ્રગટ થઇને એના માથા પર હાથ મૂકી રહી હતી ! અચાનક એક દસ માથા વાળી આકૃતિ પાછળ આવીને એને વ્હાલ કરતી હોય એમ એના વાળમાં હાથ ફેરવી રહી હતી ! ક્યાંકથી કોઈ મોરપીંછ ઉડતું ઉડતું આવીને એના પર પડતું હોય એવું એને લાગ્યું ! “કેટલી સુંદર છે” - “મારી પુત્રી” - “મારો અંશ” - “મારી દીકરી” એવા વિવિધ અવાજો એના કાનમાં પડઘાવા લાગ્યા. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો ! એ હાંફવા લાગી ! “દી, ઉઠ દી, શું થયું છે તને” અચાનક એના કાનોમાં ઝારાનો અવાજ આવ્યો અને એણે આંખો ખોલી. એ ફિક્કું હસી ઝારા સામે. ઝારાએ એક પડીકી કાઢીને એને ધરી અને એની આંખોમાં ચમક આવી ગઈ !

***

રાત્રે બધા વાળું કરવા ભેગા થયા. એમને વાતોવાતોમાં એ જાણ થઇ ગઈ હતી કે સમર અહી રોકાયો હતો. તમામ આદિવાસી સ્ત્રીઓ વારાફરથી યુવાને જોવા ભેગી થઇ હતી અને ઘડી ઘડી એના મુખ પર હાથ ફેરવતી હતી અને અંદરોઅંદર કૈંક વાત કરીને હસી પડતી હતી ! યુવાને અકળામણ થતી હતી પણ એ ચુપ બેસી રહી હતી ! વખત અને પ્રોફેસર મુખીયા જોડે વાતો કરવામાં પડ્યા હતા ! અજાણતાજ એમને એવી કડી હાથમાં લાગી હતી કે જે એમને એક અવિશ્વસનીય માર્ગે લઇ જવાની હતી.

હિમાલયમાં થઇને તિબેટ પાસેથી ચાઈના બોર્ડરથી થોડે દુર આ આદિવાસીઓએ એક માર્ગ શોધી કાઢ્યો હતો કે જે સીધો કૈલાશ જતો હતો ! એ જ માર્ગ કે જે શિવાનંદે એમને સૂચવ્યો હતો ! કોઈ પાસપોર્ટ-વિસાની ઝંઝટ વગર એ લોકો સીધા ત્યાં પ્રવેશી શકે એમ હતા !

વખતે રબ્બીને આદિવાસીઓ એ ખાસ બનાવેલું પીણું આપ્યું અને કહ્યું “રબ્બી, તારું દિલ સંભાળી લે ! એક અદભુત વાત તને કહેવાની છે ! મને લાગે છે કે આ લોકો જે વનદેવીની વાતો કરે છે એ આપણી લાવણ્યા છે !!!” રબ્બીના હાથોમાંથી પીણાનો ગ્લાસ સરકી પડ્યો ! એ આશ્ચર્યથી વખત સામે જોઈ રહ્યો ! “શું ? તું મજાક કરે છે વખત ? તે તો કીધેલુ કે...” વખત ધીમું હસ્યો “મહાદેવની કૃપા અપરંપાર છે રબ્બી, મને લાગે છે કે આ લોકો યુવાને લાવણ્યા સમજી બેઠા છે, હા એ જીવતી હોય એવું લાગે છે ! હજી મને કઈ પાકી ખબર નથી પણ એવું જ લાગે છે અને એ છેલ્લે કઈ તરફ ગઈ એ હું તપાસ કરી રહ્યો છું. એક કામ કરો, હું અને તું એની તપાસમાં જઈએ અને યુવા, ઝારા, પ્રોફેસર અને વિરાટને આપણે આગળ વધવાનું કહીએ અને પછી ત્યાં આપણે ભેગા થઈશું ! શું કહેવું છે તારું ?” રબ્બીએ અવિશ્વાસથી હકારમાં ડોકું ધુણાવ્યું ! એણે આંખો બંધ કરી દીધી ! એની આંખો સમક્ષ એની પ્રિય પત્ની લાવણ્યાની ચહેરો તરવરી ઉઠ્યો ! “શું એ જીવતી હશે ! હે મહાદેવ, મારી પત્ની જીવતી છે ?! આ બધું શું છે ?!”

***

બે ટુકડી પડી ગઈ હતી એમના વચ્ચે. વખતે સમજાવ્યા મુજબ યુવા, ઝારા, પ્રોફેસર અને વિરાટ ચાર પાંચ આદિવાસીઓની સાથે એક માર્ગ પર જવાના હતા અને ત્યાં એની અને રબ્બીની રાહ જોવાના હતા ! વખતે એ લોકો ક્યાં જાય છે એ એમને કહ્યું નહોતું ! બધા સવારે મળસ્કે જ રવાના થઇ ગયા ! યુવા એના પ્રિય- સમરની શોધમાં અને રબ્બી અને વખત એમની પ્રિય બહેન/પત્નીની શોધ માં !!!

***

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીનમાં...

સમ્રાટ હુંગ એના મહેલના ઝરોખામાં આવ્યો. એણે દુરથી જોયું તો લગભગ ત્રીસ જેટલા ત્રિશુલધારી નાગા બાવાઓ એમની તરફ આવી રહ્યા હતા ! આગળ એનો સેનાપતિ મિંગ અને થોડા સૈનિકો ચાલી રહયા હતા ! હુંગે સ્મિત કર્યું અને એ બધાને એના ખાસ કમરામાં બોલાવવાનું સુચન કર્યું !

“આવો આવો મહાદેવના પરમ ભક્તો આવો, પધારો, સમ્રાટ હુંગ તમારું સ્વાગત કરે છે અને તમને અમારી સાથે જોડવાનું આહ્વાહન આપે છે ! કૈલાશ માનસરોવરની યાત્રા એ આપણે સાથે મળીને પૂરી કરવાની છે ! મને ખુબ આનંદ થયો કે આપ અમારી સાથે આવ્યા.” હુંગે સ્વાગત કરતા કહ્યું. “હે સમ્રાટ, તમે તો પોતે મહાદેવનો પ્રસાદ ધરાવો છો, એ રુદ્રાક્ષ કે જે તમારી પાસે છે ! એ બહુમૂલ્ય છે ! અમે તમને કેવી રીતે નાં કહી શકીએ ? અમે બધા તૈયાર છીએ યાત્રા કરવા માટે. કોને ખબર નિયતિમાં શું લખ્યું છે ! શિવજી કદાચ દર્શન પણ આપે અને આપણને ધન્ય પણ કરી દે !” નાગા સાધુઓના વડાએ કહ્યું.

“હા દર્શન તો આપશે જ એ, અને મારે જોઈએ છે એ ત્રિશુલ પણ હું છીનવી લઈશ એમની પાસે થી ! હા હા હા, બેવકૂફો, તમારી આ અંતિમ યાત્રા છે, તમને હું ત્યાં જ બરફમાં દાટી દઈશ !” હુંગ મનોમન હસ્યો.

“યાત્રાની તૈયારી કરો, આપણે બે દિવસમાં નીકળીશું” હુંગે આદેશ કર્યો.

***

આજના ભારતીય સમય માં...

વખત અને રબ્બી ઝડપથી સાથે આવેલા ત્રણ આદિવાસીઓ સાથે કદમ મિલાવી રહ્યા હતા ! એ લોકોને ત્યાંથી દુર આવેલા એક ગામમાં જવાનું હતું કે જ્યાં છેલ્લે વનદેવી ગયા હતા ! રબ્બી અને વખતનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. લગભગ સાંજ પડી એટલે એ લોકો ત્યાં પહોંચી ગયા હતા. અફસોસ કે ત્યાં વનદેવી નહોતા ! એ આગળ ના ગામ તરફ ગયા હતા ! રબ્બી ભારે ઉતાવળો થયો હતો પણ વખતે એને સવારે નીકળવાનું સૂચવ્યું હતું !

વહેલી સવારે રબ્બીની આંખો ખુલી ગઈ અને એણે જોયું તો વખત અને બીજા આદિવાસીઓ હજુ સુતા હતા ! એણે એક લાકડી લીધી અને એક ટોર્ચ લીધી અને મોઢું ધોઈને એ એટલામાં આંટો મારવા નીકળી પડ્યો ! આગળ એક નાનકડી ટેકરી પરથી રસ્તો જમણી તરફ જતો હતો ! રબ્બીએ ત્યાં લટાર મારવાનું નક્કી કર્યું. ખુશનુમા સવારે રબ્બીની અંદર તાજગી ભરી દીધી હતી. એને લાવણ્યા ખુબજ યાદ આવી રહી હતી ! શું એ જીવતી હશે ?! આટલા વર્ષો બાદ એને મળીને એ શું કહેશે ? એ કેમ પાછી ના આવી ? શું થયું હશે એની સાથે ?” વિચારોમાં ને વિચારોમાં રબ્બી આગળ વધ્યો ત્યાજ એના કાને એક રણકતો અવાજ સંભળાયો “ત્યાજ ઉભા રહો” એણે આશ્ચર્યથી અવાજની દિશામાં જોયુ તો કોઈ આકૃતિ ઉભી હતી, ધુમ્મસમાં એને કઈ સ્પષ્ટ દેખાતું નહોતું ! એ આકૃતિએ કમર સુધી કપડું નાખેલું હતું ! રબ્બી આશ્ચર્યથી એની તરફ જોઈ રહ્યો પણ એ આકૃતિ રબ્બીના પગ તરફ જોઈ રહી હોય એવું એને લાગ્યું. એણે ધીરેથી નીચે જોયું તો એક ખતરનાક કોબ્રા એના પગ પાસે ગૂંચળું વાળીને બેઠો હતો ! રબ્બી સ્તબ્ધ થઇ ગયો અને સ્થિર થઇ ગયો ! એ આકૃતિ એની નજીક આવી અને એ નીચે બેસી ગઈ ! હવે એણે એનું કપડું કાઢી નાખ્યું, રબ્બીને એના સુંદર લાંબા વાળજ દેખાઈ રહ્યા હતા ! અચાનક એક ઝાપટ મારીને એણે એ નાગને પકડી લીધો અને ઝડપથી બાજુની ઝાડીમાં મૂકી દીધો ! એ નાગ ત્યાંથી અંદર ઝાડીમાં અદ્રશ્ય થઇ ગયો ! “તમે કોણ છો” રબ્બીએ પૂછ્યું, એ આકૃતિ એની તરફ ફરી  અને એનું દિલ ધડકવાનું બંધ થઇ ગયું !”

વખતે આંખો ખોલી અને એણે જોયું કે રબ્બી એની જગ્યાએ થી ગાયબ હતો ! એણે ઝડપથી મોઢું ધોયું અને એ રબ્બીની શોધમાં નીકળ્યો ! રબ્બી જે કેડી પર ગયો હતો એ રસ્તો વખતને મળી ગયો, એ જંગલમાં ઉછરેલો હતો અને એ આસાનીથી રબ્બીના સગડ મેળવી શકતો હતો ! એક નાનકડી ટેકરી આવી અને એની જમણી તરફ એક રસ્તો જતો હતો, વખત ત્યાં વળ્યો અને સામેનું દ્રશ્ય જોઈને એ થીજી ગયો !

***

યુવા અને ઝારા એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. વખતે એમને એક ચોક્કસ જગ્યાએ રોકાવાનું કહ્યું હતું ! ખબર નહિ કેમ પણ એ લોકો કૈંક શોધમાં ગયા હતા ! સાથે આવેલા આદિવાસીઓએ એમને એક કેડી પર થોભવાનું કહ્યું. એમણે ત્યાં તંબુ તાણ્યો અને એ લોકો રાહ જોવા લાગ્યા. “ચાલને દી, આ કેડી પર થોડા આગળ જઈએ તો ખરા, જોઈએ શું છે ત્યાં, આ લોકો ને આવતા ખબર નહિ કેટલી વાર થશે !” યુવાએ સ્મિત સાથે ઝારા તરફ જોયું અને કીધું “વિરાટને પણ સાથે લઇ લે, એ બોર થશે એકલો એકલો”.

આદિવાસીઓએ એમને સાવધાન રહેવાનું અને વધુ આગળ નહિ જવાનું કહ્યું. યુવા, ઝારા અને વિરાટ આગળ વધ્યા. પ્રોફેસર પણ તેમની સાથે હતા. બધા એ કેડી પર ચાલી નીકળ્યા. આદિવાસીઓએ અહીથી કૈલાશ જવાનો ખુફિયા રસ્તો શોધી રાખ્યો હતો ! “શું પંડિત શંભુનાથ પણ અહીથી પ્રયાણ કરી ગયા હશે ?” પ્રોફેસર સિન્હાને પંડિત શંભુનાથની યાદ આવી ગઈ !

એ સાંકડી કેડી પર આગળ જતા એક ખુબજ સુંદર જગ્યા હતી. ત્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા ! બધા ત્યાં બેસી પડ્યા. નીચે ડાબી તરફ ઊંડી ખીણ હતી અને પવન સુસવાટા મારતો આવી રહ્યો હતો ! અચાનક યુવાના કાન ચમક્યા ! એને કૈંક અજુગતું થતું હોવાની લાગણી થઇ ! એ ઉભી થઇ ગઈ ! એની આંખો ઊંડી ઉતરવા લાગી ! ઝારાએ આશ્ચર્યથી એની સામે જોયું ત્યાતો વિરાટે ચીસ પાડી ! આગળ કેડી પર એક વિશાળ આખલો ઉભો હતો ! એના નસકોરામાંથી ધુમાડા નીકળતા હતા અને એ ભયાનક ઝડપથી એ લોકો તરફ આવી રહ્યો હતો ! યુવાએ એક ચીસ પાડી અને એ આખલા તરફ દોડી ! “નહિ દી...ઉભી રહે,,,” ઝારાએ બુમ પાડી પણ વ્યર્થ ! “તમે બધા હટી જાવ, જલ્દી” યુવા ભયાનક ઝડપથી એ આખલા તરફ દોડી રહી હતી ! હવે આખલો બરાબર એની સામે આવી ગયો હતો. યુવાએ એક હૃદય કંપાવે એવી બુમ પાડી અને એ હવામાં ઉછળી અને એણે એની સામે આવતા આખલા પર એના બંને હાથોથી પ્રચંડ પ્રહાર કર્યો ! આખલો એ પ્રહારથી એક તરફ ફેંકાઈ ગયો અને પહાડ સાથે અથડાયો ! એના અથડાવાથી પહાડ પણ ડોલી ઉઠ્યો અને એમાંથી કાંકરા અને પથ્થર નીચે ખરી પડ્યા. હવે એ અત્યંત ઝનૂની થઇ ગયો હતો ! ક્રોધિત આંખે એણે ફરીથી યુવા તરફ જોયું અને એ બમણા વેગથી દોડ્યો ! યુવા પણ હવે સાવધાન હતી અને એ પણ ક્રોધિત આંખે આખલા તરફ ફરીથી દોડી !

“યુવાવાવાઆઆઆ,,,નહીઈઈઈઈ...મારી દીકરી,,,,” અચાનક એક બુમ આવી અને યુવા ચોંકી, એણે અવાજની દિશામાં જોયું અને એ થીજી ગઈ ! ઓફ ! એની જ પ્રતિકૃતિ હોય એવી સ્ત્રી ! એ જ નાક, એ જ નકશો, એ જ આંખો, એ જ કપાળ, એ જ ઘાટઘુટ, એ અચંભિત થઇને ફાટી આંખે એ સ્ત્રીને જોઈજ રહી ! “યુવાઆઆઆઆઆ,,,,” અચાનક વિરાટે બુમ પાડી પણ ઘણું મોડું થઇ ગયું હતું ! એ આખલાએ ભયાનક વેગથી દોડતા આવીને પ્રચંડ વેગથી યુવાના પડખે ટક્કર મારી ! “આહ !” યુવા એ એક ચીસ પાડી અને એ ખીણમાં ફંગોળાઈ ગઈ ! “નહીઈઈઈ...મારી પુત્રી,,,યુવાઆઆઆ...” એ સ્ત્રી દોડી અને ખીણના કિનારે ઉભી રહી ગઈ ! “લાવણ્યા,,,બચાવ આપણી પુત્રીને,,,” રબ્બીએ પાછળથી બુમ પાડી.

વખતની આંખોમાં ક્રોધ વ્યાપી ગયો ! એ આગળ આવ્યો અને એણે એની પ્રચંડ ભુજાઓથી આખલા પર પ્રહારો કર્યા ! આખલો એ સહન નાં કરી શક્યો અને એ પાછો ત્યાંથી ઉંધી દિશામાં ભાગી ગયો !

લાવણ્યા નીચે ખીણમાં જુકેલી હતી ! એણે યુવાનો હાથ પકડેલો હતો ! યુવા ખરાબ રીતે નીચે જુલી રહી હતી ! એનું આખું શરીર છોલાઈ ગયું હતું ! એની આંખોમાં તોપણ ક્રોધ વ્યાપી રહ્યો હતો ! અચાનક એ ધ્રુજવા લાગી. એણે આંખો ખોલીને ઉપર જોયું અને એ ફરીથી થીજી ગઈ ! લાવણ્યા પણ સ્તબ્ધ થઇ ગઈ ! યુવાની સુંદર નીલવર્ણી આંખો જોઈ ને, એની આંખોમાંથી અવિરત આંસુ બહાર આવી રહ્યા હતા  ! બંનેએ એક બીજાને જોયા ! “મારી પુત્રી, મારી વ્હાલી, મારી દીકરી, મારા કાળજાનો કટકો, યુવા,,,” લાવણ્યા બબડી અને યુવાએ અચાનક એના હાથને ઝાટકો માર્યો !

શ્રીલંકા...અત્યારના સમયમાં...

“હવે કેટલી વાર છે પંડિતજી ? ક્યારે આવશે એ દિવ્ય અંશ ? તમે કીધું હતું કે એક દિવસ એ આવશે, એ પ્રગટ થશે પણ આટઆટલા વર્ષોના વહાણા વીતી ગયા, એ ક્યારે આવશે ?” એણે હાથ જોડીને સામે ઉભેલા વૃદ્ધ પુજારીને પૂછ્યું ! પુજારીએ સ્મિત કર્યું અને ડોકું ધુણાવ્યું ! “ખુબજ જલ્દી આવશે એ, સમય આવી ગયો છે પુત્ર !” એમની આંખોમાં આંસુ આવી ગયા !

ત્રિકુટા પહાડોની વચ્ચે આવેલા લંકાપુરમમાં એ બંને ઉભા હતા ! આજુબાજુ જુના શહેરના બળેલા અવશેષો પણ દેખાઈ રહ્યા હતા ! કહેવાતું હતું કે કોઈ વિશાળકાય વાનરે આ કારસ્તાન કર્યું હતું ! આખી લંકાને બાળી નાખી હતી ! પછી તો એની બાજુમાં નવી લંકા બંધાઈ હતી પણ એ બળેલી લંકાના અવશેષો હજુપણ દેખાતા હતા ! ત્યાનું ઘાસ હજુ પણ બળેલું હતું જે એક નવાઈ પમાડે એવી વાત હતી !  પુજારીએ એક નિશ્વાસ નાખ્યો અને એની સાથે ઉભેલા યુવાનનો હાથ પકડીને એ ધીમે ધીમે નીચે ઉતર્યો. દુર સુદૂરથી આવતી હવા કૈંક નવો સંદેશો લાવતી હતી ! એ આવી રહ્યા હતા !!! ખુબજ જલ્દી !!!

***

ભાગ-૨૦ સમાપ્ત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ