વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ – 2

 

       મનસા પ્રો. મોક્ષની નોટ્સ અંગે પોતાની બુક્સ કબાટમાં મૂકીને ફ્રેશ થવા માટે ગઈ. મોં હાથ નેપ્કિનથી લૂછતી લૂછતી બહાર આવી આજની પોસ્ટ જોઈ. ખાસ કંઇ ન હોવાથી પાછો ફરી. મનસા ચા પીને-નોટ્સ કાઢીને વરંડામાં વાંચવા બેઠી નોટ્સ સાથે પ્રો. મોક્ષના બીજા બે કાગળ પણ આવી ગયા હતા. પ્રો. મોક્ષની પ્રકૃતિ ઉપરનાં લેખ હતા. તેણે બે લીટી વાંચી. રસ પડવા માંડ્યો. એને થયું બધું જ વાંચવું પડશે.

       “પ્રકૃતિ એટલે મા. બધાનો નિભાવ કરનારી, બધાને જન્મ આપનારી વિધાન કરનારી વિધાન લખનારી. બધા જ જીવોને પોષે છે. પ્રકૃતિ સામે પુરુષ પાંગળા છે. પ્રકૃતિ એક માયા છે. પ્રેમ છે. સુંદરતા છે. પ્રકૃતિ વિનાનું જીવન શૂન્ય છે પ્રકૃતિ જુદા જુદા સ્વરૂપે વિચરે છે. મા છે. બહેન છે. સખી છે – પ્રિયતમા છે એ સ્પંદનો જગાડે છે. પ્રેમનો એહસાસ કરાવે છે. એ પદાર્થ રૂપે છે. પરોક્ષ રૂપે છે. પદાર્થ રૂપે શરીરથી સ્પર્શી શકાય છે. પરોક્ષ રૂપે એહસાસ થાય છે. પ્રકૃતિ તારા રૂપ નિરાળા છે. મને તારા માટે ખૂબ જ માન છે. પ્રેમ છે. હું તારી પાછળ પાગલ છું. તારા અગમનિગમનાં નિયમો છે. મને પદાર્થ સ્વરૂપે તો હું મળી જ છું મને પરોક્ષ સ્વરૂપે મારી કલ્પનાઓ – વિચારોમાં એહસાસ કરાવ. તું એક સાક્ષાત શક્તિ છો. હું તને મારી પ્રિયતમા સ્વરૂપે જોઉં છું. ખૂબ જ પ્રેમ કરું છું. દરેક ઋતુમાં તારા અલગ અલગ રૂપો જોઉં છું. ખૂબ પ્રભાવિત થયો છું. હું તારી સાથે વાતો કરવા માંગું છું. તારા રહસ્ય જાણવા માંગુ છું તારા ચરણોમાં છું હે મારી પ્રિયતમે ! મને સ્વીકાર, મારા પ્રેમનો સ્વીકાર કર. મને જ્ઞાન આપ. પ્રેમની પરાકાષ્ઠા સમજાવ. મારે તને પૂર્ણરૂપે જોવી છે. પૂજવી છે. મને એવી પાત્રતા આપ કે હું આ બધું જ કરી શકું. તારા વિના બધે જ અંધારું છે. મારા દિલનાં સ્પંદનો બસ તારું જ નામ લે છે.”

       પ્રો. મોક્ષે પ્રકૃતિ ઉપર લખેલી નોંધ વાંચીને મોક્ષનાં વિચારો અને પ્રકૃતિપ્રેમ માટે મનસા ઊડા વિચારમાં પડી ગઈ. પ્રો. મોક્ષનું કંઇક અલગ જ વ્યક્તિત્વ  છે. આ એમનું રૂપ કોઈને ખબર જ નહીં હોય. મનસાને મનોમન કોઈ ખૂણે છૂપું આકર્ણણ જાગી ગયું. એનું હદય પણ પ્રકૃતિ માટે ખૂબ ખેંચાણ અનુભવે છે. એનો તો જન્મથી લઈને અત્યાર સુધીનો ઉછેર પ્રકૃતિની ગોદમાં જ થયો છે.

       બીજા દિવસે મનસાએ પ્રો. મોક્ષને સ્ટાફરૂમમાં જ એમની નોટ્સ પેલા બે કાગળ સાથે પાછી આપી. આભાર માન્યો. મનોમન જાગેલા આકર્ષણનો પ્રભાવ તેનાં વર્તનમાં આવી ગયો હતો. પ્રો. મોક્ષની પાસે જતાં જ એનાં શરીરમાં આછી ધ્રુજારી આવી ગઈ. એ એકદમ શરમાઈ ગઈ. એને પોતાને જ ખબર નથી પડતી કે એને શું થઈ રહ્યું છે. પરંતુ મોક્ષનું વ્યક્તિત્વ એને ચુંબકની જેમ આકર્ષિત કરી રહ્યું છે. એને થયું, મને પ્રો. મોક્ષ પ્રત્યે કોઈ અનોખી લાગણી થઈ રહી છે.

       પ્રો. મોક્ષ તથા મિસ પંડ્યા આજે વાર્ષિક અંક બનાવીને ફાઈનલ કરવા અંગે ચર્ચા કરી રહ્યા હતા. એમાં વિદ્યાર્થીઓ પણ સહભાગી થાય એવું ઇચ્છતા હતા. મિસ પંડ્યા કહે, “મોક્ષભાઈ, તમે જ વિદ્યાર્થીઓને જણાવો. એમને પ્રોત્સાહિત કરો. જુવાનિયાઓને સમજાવવાનું તમને વધુ ફાવશે. તમે પણ જુવાન છો એટલે સારી હથોટી બેસશે. સારા કાવ્યો લેખ વગેરે સંગ્રહ કરીને ખૂબ જ સુંદર વાર્ષિક અંક બનાવીએ. બીજું ખાસ જણાવવાનું કે આજે પ્રિન્સિપાલ સુકુમાર સરે આવનાર પ્રજાસત્તાક દિવસે નાટ્યસ્પર્ધાનું આયોજન કરવા જણાવ્યું છે એના માટે કૉલેજનાં બધા બેચમાંથી જે વિદ્યાર્થીઓ છે એમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને પસંદ કરવાના છે.” પ્રો. મોક્ષે કહ્યું, “ચોક્કસ કરીશું પહેલાં નાટકોની પસંદગી કરીશું. ત્યાર પછી પાત્રવરણી પ્રમાણે વિદ્યાર્થીઓની પસંદગી કરીશું.”

       કૉલેજમાં 26 જાન્યુઆરીએ જ વાર્ષિકોત્સવ ઉજવવાનું નક્કી કરીને નોટિસ બોર્ડ પર સૂચનાઓ મૂકી દીધી. નાટ્યસ્પર્ધા માટે નાટકનું સિલેક્શન મિસ પંડ્યા અને પ્રો. મોક્ષને જવાબદારી સંભાળવા જણાવ્યું. પ્રો. મોક્ષ અને મિસ પંડ્યાએ મળીને નાટક સિલેક્ટ કર્યા. ચાર બેંચનાં ચાર નાટક અને ચારે બેચ વચ્ચેની સ્પર્ધા. ઉત્તમ નાટકોનું સિલેક્શન કર્યું (1) સત્યવાન સાવિત્રી – પૌરાણિક કથા ઉપરનું નાટક (2) શકુંતલા –કવિ કાલિદાસની શ્રેષ્ઠ રચના શાકુંતલ પરથી લીધેલ નાટક (3) યોગ કે ભોગ – આજના સાંપ્રત સમાજનો પ્રશ્ન (4) આજનો નાયક – લોકશાહીમાં નાયક કેવો હોવો જોઈએ એ વિષય પરનું નાટક.

       પ્રો. મોક્ષ અને મિસ પંડ્યાએ ચારેય નાટક જુદા જુદા વિષયો પરથી નક્કી કર્યા. જેમાં પૌરાણિક કથા, પ્રેમકથા, જીવનશૈલી. આજનો નાયક જે શ્રેષ્ઠ સમાજ બનાવે સાચી દિશાબતાવે. નાટકોની પસંદગી પ્રમાણે હવે વિદ્યાર્થીઓનું સિલેક્શન દરેક બેચ પ્રમાણે નક્કી કરવાનું હતું. પ્રો. મોક્ષ કૉલેજનાં નોટિસ બોર્ડ પર નોટિસ મૂકે કે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ નાટ્યસ્પર્ધામાં ભાગ લેવો હોય તેઓ સ્ટાફરૂમમાં મિસ પંડ્યા અથવા પ્રો. મોક્ષ પાસે નામ નોંધાવે.

       મિસ પંડ્યા અને મોક્ષે પસંદ કરલા નાટકોનું ગદ્ય તથા ડાયલોગનું સવિસ્તરણ વર્ણન તૈયાર કરેલું. તે ચેક કરી લીધું અને બંનેને સંતોષ થયો કે નાટકનું સિલેક્શન સરસ થયું છે. નાટકો સ્પર્ધા માટે યોગ્ય છે અને એકબીજાની સ્પર્ધામાં કોઈ ને કોઈ સંદેશ આપશે જ. મિસ પંડ્યાએ કહ્યું, તમે શાકુંતલમાંથી શકુંતલા નાટક પસંદ કર્યુ. એ સારું જ થયું. વિદ્યાર્થીઓમાં રસ જળવાઈ રહેશે અને સાંપ્રત સમસ્યા વચ્ચે રસ જગાડતા પાત્રો અને વાર્તા જકડી રાખશે. વિદ્યાર્થીઓ પોતપોતાનાં નાટકની માહિતી લઈને છૂટા પડ્યા. મનસા પણ સ્મિત સાથે ઘરે ગઈ.

 

*

       સવારથી જ મોક્ષ અને મિસ પંડ્યા નાટકોની પસંદગી થયા બાદ જ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ નામ નોંધાવ્યા હતા એનું લિસ્ટ ચકાસી ત્રણ દિવસમાં બધું જ ફાઈનલ કરીને પછી પાત્રવરણી પ્રમાણે બધાને પ્રેક્ટિસ કરાવવાની હતી વેશભૂષા-મેકઅપ વગેરેનાં નિર્ણયો લેવાના હતા. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. હવે ફાઈનલ લિસ્ટ બનાવવાનું છે.

       મિસ પંડ્યાએ કૉલેજનાં દરેક વર્ગમાં નોટિસ ફેરવાવી કે જે વિદ્યાર્થીઓએ નાટ્યસ્પર્ધામાં ભાગ લીધો છે તે બધા જ બપોરે 3.00 વાગે કૉલેજનાં મુખ્ય હોલમાં હાજર રહે. એમાંથી ફાઈનલ સિલેક્શન થશે અને પછી રિહર્સલ ચાલુ થઈ જશે.

       બપોરનાં 3.00 થવા સુધીમાં તો ધીરે ધીરે મુખ્ય હોલમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એકઠા થવા લાગ્યા. મિસ પંડ્યા અને પ્રો. મોક્ષ પણ આવી ગયા. બધા વિદ્યાર્થીઓમાં મોક્ષની ક્લાસના મનસા, હેતલ, ફાલ્ગુની, નિરવ, તન્મય તથા અન્ય વર્ગનાં પણ બધા આવી ગયા. પ્રો. મોક્ષે વિદ્યાર્થીઓને નાટકની સ્ક્રિપ્ટ – બેચ પ્રમાણે વહેંચી અને પછી વિદ્યાર્થીઓને બોલાવીને ફાઈનલ સિલેક્શન શરૂ કર્યુ. મિસ પંડ્યાએ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનાં બેચ અને નાટક પ્રમાણે ગ્રુપ પાડી દીધા અને ગ્રુપ પ્રમાણે બેસી જવા જણાવ્યું.

       નાટકના વિષય અને વિદ્યાર્થીઓની આવડત પ્રમાણે પાત્ર પસંદગી ચાલુ કરી. દરેક બેચ અને નાટક પ્રમાણે વિદ્યાર્થીઓની ફાઈનલ પસંદગી કરવા માંડી. પ્રો. મોક્ષે મનસાને શકુંતલા નાટક માટે પસંદ કરી – મનસાએ શકુંતલાનું પાત્ર ભજવવાનું અને તન્મયને દુષ્યંતનું પાત્ર આપ્યું. આમ, દરેકને પાત્ર પ્રમાણે વરણી કરવામાં આવી અને અભ્યાસ માટે સ્ક્રિપ્ટ આપવામાં આવી. પસંદગી થયા બાદ કૉલેજના આ મુખ્ય હોલમાં રોજ બપોરે 3 થી 5 પ્રેક્ટિસ માટે આવવા તાકીદ કરી. પ્રેક્ટિસ – પ્રો. શર્મા, મિસ પંડ્યા. મિસ અરુંધતી અને પ્રો. મોક્ષ કરાવશે. દરેકને અલગ અલગ નાટકની જવાબદારી સોંપવામાં આવી.

       બીજા દિવસે પ્રો. મોક્ષ – મિસ પંડ્યા – પ્રો. શર્મા – મિસ અરુંધતી બધા પોતપોતાના નાટકનું ફાઈનલ લિસ્ટ પાત્રવરણી અને પ્રેક્ટિસ કેવી રીતે કરાવવી, ક્યા સમયે કોનું રિહર્સલ અને સમયની કામની વહેંચણી કરવા કેન્ટીનમાં ભેગા થયા હતા. પ્રો. મોક્ષે નરસિંહકાકાને બધા માટે ચા બનાવવા કહ્યું. જરૂરી ચર્ચા કરી સમયની ગોઠવણ નક્કી કરી ચા પીને બધા છુટા પડ્યા. પ્રો. મોક્ષ સ્ટાફરૂમમાં આવીને પોતાના ટેબલ પર બેઠાં.

       પ્રો. મોક્ષને ઊંડા વિચારોમાં ખોવાયેલા જોઈને મિસ પંડ્યાએ તેમને પૂછ્યું કે “મોક્ષ ક્યાં ખોવાયા ? હું ક્યારની તમારી સામે બેઠી છું પરંતુ તમારું ધ્યાન જ નથી.” મોક્ષે કહ્યું, “મિસ પંડ્યા, હું મહાકવિ કાલિદાસની શ્રેષ્ઠ રચના શાકુંતલમાં જ ખોવાઈ ગયો છું. આટલી શ્રેષ્ઠ રચના એમનાં સિવાય કોણ કરી શકે ? પ્રેમ અને વિરહની આ અદભૂત રચના છે. મને થાય છે મેં મારી બેચ માટે આ નાટકની પસંદગી કરી છે પરંતુ એને હું ન્યાય આપી શકીશ ખરો ? એમણે દરેક પાસાનું શ્રેષ્ઠ સર્જન કરેલ છે. બધા જ નાટક સરસ છે. પરંતુ આ તો શ્રેષ્ઠતમ છે. એના માટે ખૂબ મહેનત કરવી પડશે – સત્યવાન સાવિત્રી એક નૃત્યનાટિકા આધારિત છે. એમાં મિસ અરુંધતી સારો ન્યાય આપી શકશે જ. તમારો ગમતો વિષય યોગ કે ભોગ એ મિસ પંડ્યા તમે એને શ્રેષ્ઠ ન્યાય આપશો જ. આજનો નાયક પર પ્રો. શર્માની પકડ સારી રહેશે. બસ, હવે બધા પોતપોતાનાં નાટકને શ્રેષ્ઠ બનાવવા મહેનત કરશે. જેને કોઈ મદદની જરૂર પડે તે એકબીજાને મદદ કરી શકે છે. સરવાળે બધા જ નાટક શ્રેષ્ઠ તૈયાર થાય તે જરૂરી છે.” આવતીકાલથી વિદ્યાર્થીઓને પણ પોતાના નાટક પ્રમાણે પોતાના પ્રોફેસર પાસે પ્રેક્ટિસ કરવા હાજર રહેવા જણાવ્યું.

 

*

       આજે સવારથી પ્રો. મોક્ષ ખૂબ ખુશ હતા. આજે ઘરેથી જમી-પરવારી ઝડપથી કૉલેજમાં આવી ગયા. તરત જ પોતાના ટેબલ પર શાકુંતલનો અભ્યાસ કરવા લાગ્યા. શાકુંતલથી ખૂબ જ પ્રભાવિત હતા. મૂળ શાકુંતલમાંથી સંવાદ-પટકથા ઉતારવાના હતા – સ્ક્રિપ્ટ બનાવવાની હતી. મોક્ષ શાકુંતલમાં કરેલ વર્ણન કુદરતનું વર્ણન – વનસ્પતિ – ફૂલો – દુષ્યંતનો શકુંતલા પ્રત્યેનું આકર્ષણ – પ્રણય દશ્યો –પ્રેમ સંવાદ અને એનાં ઊંડાણથી ખૂબ પ્રભાવિત થયો. પોતે દુષ્યંતનાં પાત્રમાં ઊંડે ઊતરી ગયો અને શકુંતલા સાથે સાચે જ પ્રણય કરતો હોય એમ ખોવાઈ ગયો.

       મિસ પંડ્યાએ આવીને પ્રોફેસ મોક્ષને વિચારોમાંથી બહાર ખેંચ્યા અને પૂછ્યું, “મોક્ષ તમે વારેવારે ક્યાં ખોવાઈ જાવ છો ? તમે તમારા પાત્રોને મુખ્ય હોલમાં કેટલા વાગે બોલાવ્યા છે જેથી હું એ પ્રમાણે મારા વિદ્યાર્થીઓને બોલાવું.” મોક્ષે કહ્યું, “મેં બધાને 1 કલાક વહેલા બોલાવ્યા છે. અમારી પ્રેક્ટિસ પૂરી થાય પછી તમે પ્રેક્ટિસ કરી શકશો. મેં એ પ્રમાણે બધાને સૂચના આપી છે. મિસ પંડ્યા, તમારું શું પ્લાનિંગ છે ? તમે કેવી રીતે શિડ્યુલ ગોઠવ્યું છે ?” મિસ પંડ્યા હસતા હસતા કહે “મોક્ષ, હવે આપણે પ્રતિસ્પર્ધી કહેવાઈએ. અમારું આયોજન તમને ના કહી શકીએ.”

       બપોરનાં બે વાગ્યા છે. મુખ્ય હોલના સ્ટેજ ઉપર પ્રો. મોક્ષ પોતાનાં નાટક શાકુંતલ ઉપરથી બનાવેલ સ્ક્રિપ્ટ વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે.“શકુંતલા” વિશે બધાને ઝીણવટપૂર્વકની માહિતી અને સૂચનાઓ આપી રહ્યા છે. બધાને સ્ક્રિપ્ટ આપેલી હતી. તન્મય અને મનસાને ખાસ કરીને પૂછી રહ્યા છે. સંવાદો યાદ રાખીને સચોટ રીતે બોલવાના છે સાથે સાથે હાવભાવ એ પ્રમાણે જ આવવા જોઇએ. બધાને પોતપોતાનાં પાત્રનાં સંવાદો યાદ કરીને તૈયાર થવા જણાવ્યું. સેટ ઉપર પ્રો. મોક્ષે વાસ્તવિક માહોલ ઊભો કરવા પ્રયાસ કર્યો. મોક્ષે કહ્યું, “બધા ધ્યાનથી સાંભળો. હવે તમે હોલમાં નહીં પરંતુ જંગલમાં ઋષિ વિશ્વામિત્રનાં આશ્રમમાં છો. તમારી આસપાસ વૃક્ષો-લતાઓ – મધુર ગીતો ગાતા પક્ષીઓ છે. નિર્દોષ હરણાં – સસલા દોડી રહ્યા છે તેવો કલ્પનાતીત અનુભવ કરો.

શકુંતલા પોતાનાં પિતાનાં આશ્રમમાં ગીત ગાતી ફરી રહી છે, એની આજુબાજુ સુંદર વૃક્ષો ફૂલતી લચકતા ઝૂમે છે. વેલ લતાઓ છે. આસપાસ મોર-પોપટ-ચકલી-કોયલ પક્ષીઓ ઊડી રહ્યા છે. આશ્રમની જગ્યામાં હરણ-સસલા નિર્ભય રીતે ફરી રહ્યા છે. તમે તમારા પાત્રમાં ઉતરી જાવ. એમ સમજાવતા મોક્ષ જાણે સ્થળકાળ ભૂલી ગયા અને મનસાને શકુંતલા સમજીને પોતે દુષ્યંતનાં પાત્રમય બનીને સંવાદ બોલવા લાગ્યા. પોતે શકુંતલાને જોઈ એનાં આકર્ષણમાં ભાન ભૂલીને સંવાદિતા રચવા લાગ્યા –“પ્રિયે, આટલા સુંદર તમે કોણ છો ? સ્વર્ગની કોઈ અપ્સરા છો ? તમારા સુંદર રૂપના આકર્ષણથી તમે મને ઘાયલ કર્યો છે. કોણ છો તમે ? આ પૃથ્વી ઉપર વરદાન બનીને આવ્યા છો.” મોક્ષ પાત્રમાં ઓતપ્રોત થઈ જઈને સમજાવી રહ્યો હતો. મનસા પણ શકુંતલાનાં પાત્રમાં મોક્ષને દુષ્યંત તરીકે સંવાદ બોલતા શરમાઈને એ જ પ્રમાણે સામે સહકાર આપવા લાગી. એમ જ લાગે કે નાટકોનાં સંવાદો સાથે રિહર્સલ નથી, સાચે જ બે પ્રેમી એકબીજાને આકર્ષીને બોલી રહ્યા છે.

એટલામાં પ્યુન સુરેશ બધા માટે પાણી લઈને આવ્યો. મનસા અને પ્રો. મોક્ષને પણ પાણી માટે પૂછ્યું ત્યારે મોક્ષ સ્વપ્નમાંથી બહાર આવ્યા હોય એમ સભાન થયા. એ તો પાત્રમાંથી બહાર નીકળવા નહોતો માંગતો એ જ નશામાં રહેવું હતું. મોક્ષે મનસા સામે જોયું. મનસા શરમાઈ ગઈ. મોક્ષે વિદ્યાર્થીઓને કહ્યું, આટલું સરસ લખાણ એક અદભુત રચના રચનાર મહાન કવિ કાલિદાસની મનોદશા કેવી હશે ? આમ ને આમ નાટ્ય સ્પર્ધકો, વિદ્યાર્થીઓ ખંતપૂર્વક મહેનત કરવા લાગ્યા. મિસ પંડ્યા, મિસ અરુંધતી, પ્રો. શર્મા બધાં જ પોતપોતાના નાટકો માટે મહેનત કરવા લાગ્યા. બધાને પોતાના નાટક-પાત્ર અને વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ભરોસો હતો.

*

       આજે 26મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસકૉલેજનાં બધા પ્રોફેસર-ટ્રસ્ટી-આચાર્ય દરેક બેચ-વર્ગનાં વિદ્યાર્થીઓ હાજર છે. કૉલેજનાં પટાંગણમાં બધા રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે. એક દેશપ્રેમથી એક સ્વાતંત્ર્યનાં જોશ સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે. મુખ્યમહેમાન તરીકે શહેરનાં મેયરશ્રી હાજર છે. રાષ્ટ્રગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી રમતગમતની સ્પર્ધાઓ છે. 1 કલાકના વિરામ પછી કૉલેજના મુખ્ય હોલમાં નાટ્યસ્પર્ધાનું આયોજન કરેલ છે.

       બપોરના 1.00 વાગ્યાનો સમય છે. વાતાવરણ શીતળ છે. ખાસ ગરમી નથી. મુખ્ય  હોલ વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાયો છે. વાતાનુકુલિન હોલ હોવાથી બધા ખુશ છે. બપોરનો સમય પણ અનુભવાતો નથી. સ્ટેજની બાજુમાં મુખ્યમહેમાન તરીકે મેયરશ્રી બિરાજમાન છે. આચાર્યશ્રીએ ટૂંકૂં પ્રવચન આપી નાટ્યસ્પર્ધા ચાલુ થવાની જાહેરાત કરી.

       હોલનાં મુખ્ય સ્ટેજ પરથી પ્રો. મોક્ષ નાટ્યસ્પર્ધા વિશે ચારેય બેચનાં ચાર નાટક વિશે, નાટકનાં વિષય પાત્રો-ધ્યેય બધા અંગે ટૂંકમાં માહિતી આપી. અને વિદ્યાર્થીઓને શાંતિથી કાર્યક્રમ જોવા અને માણવા સૂચન કર્યું. કુલ ચાર નાટક છે. કોઈ નાટક વચ્ચે બ્રેક નથી પરંતુ બે નાટક પૂરા થયા બાદ 10 મિનિટનું મધ્યાંતર રહેશે. પ્રથમ નાટક છે “યોગ કે ભોગ” જે પ્રથમ બેચનાં પહેલા વર્ષનાં વિદ્યાર્થી ભજવશે. બીજું નાટક છે “આજનો નાયક” જે બીજા વર્ષનાં વિદ્યાર્થીઓ ભજવશે. ત્રીજું નાટક છે “સત્યવાન સાવિત્રી” જે ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ ભજવશે અને અંતિમ નાટક છે “શકુંતલા” જે છેલ્લા વર્ષના એટલે કે ફાઈનલ યરનાં વિદ્યાર્થીઓ ભજવશે અને ચારેય નાટકની ભૂમિકા શું છે તે સમજાવી. વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ હતો. દરેક વર્ગના વિદ્યાર્થીઓ પોતાના વર્ગનું જ નાટક શ્રેષ્ઠ ઠરશે એમ વાતો કરતા હતા. બધાને હવે નાટક રજૂ થવાની જ તાલાવેલી હતી. એકંદરે નાટ્યસ્પર્ધકો અને વિદ્યાર્થીઓમાં અનેરી ઉત્તેજના હતી.

       પ્રથમ નાટક રજૂ થયું “યોગ કે ભોગ”– પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ખૂબ સચોટ રીતે ભજવ્યું. આજનો યુવાન કઈ દિશામાં છે તે સમજાવવા તથા યોગનું મહત્વ ભોગ કરતાં કેટલું અગત્યનું છે તેનો પ્રયાસ હતો. બધાએ ખૂબ જ વધાવ્યું. ત્યારબાદ નાટક રજૂ થયું “આજનો નાયક”. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ આજના નેતાઓ પર વેધક કટાક્ષ કરતાં કાર્યશૈલી – ભ્રષ્ટાચાર – દલબદલુઓ પર તીખા તીર માર્યા, શબ્દોથી વીંધી નાખ્યા ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું. ત્યારબાદ 10 મિનિટના મધ્યાંતરમાં પ્રો. મોક્ષ પોતાના નાટકના વિદ્યાર્થીઓને બેક સ્ટેજ મળ્યા. મનસા ખૂબ ઉત્સાહમાં હતી. તન્મય તથા બીજા બધા પાત્રોને સંવાદ યાદ રાખવા, સંકોચ રાખ્યા વિના સચોટ રજૂઆત કરવા ટકોર કરી. ત્રીજું નાટક એક નૃત્યનાટિકાના સ્વરૂપમાં હતું. “સત્યવાન સાવિત્રી” ભારતીય સંસ્કૃતિની નાટ્યશૈલીમાં ખૂબ સુંદર માત્ર ચાર પાત્રના સમૂહનાટ્યમાં આખી વાત સરસ રીતે કહેવાઈ અને ભજવાઈ હતી. બધાએ હર્ષભેર વધાવ્યું. હવે છેલ્લા નાટક માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રેક્ષકોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. બધા વધાવવા તૈયાર છે. ફાઈનલ યર ફાઈનલ ડ્રામા અમે નં. 1 આવીશું એમ સામૂહિક અવાજ આવતા હતા. પ્રો. મોક્ષ સ્ટેજ પર આવ્યા. વિદ્યાર્થીઓ – પ્રોફેસરગણ – સ્ટાફ – મુખ્યઅતિથિ – મેયરશ્રી આચાર્યશ્રી બધાને અભિવાદન કરતાં શાકુંતલ પરથી ઉતારેલ “શકુંતલા” નાટકની પૂર્વભૂમિકા સમજાવી બધાને શાંતિથી નાટક જોવાનો આગ્રહ કર્યો અને પડદો ખૂલ્યો.

       શકુંતલાના પાત્રમાં મનસા ખૂબ શોભી રહી હતી. જાણે અપ્સરા પૃથ્વી પર આવી છે. સુંદર મજાનાં વસ્ત્રો, પ્રાચીન સમયની ઋષિકન્યા પ્રમાણે કંચુકી-સાડી-લાંબા વાળનો ગૂંથેલો ચોટલો એમાં સુગંધિત મોગરાના ગજરા હાથમાં પગમાં ફૂલોનો શણગાર લાંબી મરોડદાર ડોકમાં સુંદર – હાર – રતુંબડા આકર્ષક હોઠ – લાંબી મોટી પ્રભાવશાળી આંખો. બસ, જોયા જ કરવાનું મન થાય એવી શકુંતલા. પ્રો. મોક્ષ તો શકુંતલાના રૂપમાં આવેલી મનસામાં જ ખોવાઈ ગયા. શકુંતલા – આશ્રમના સેટમાં ઋષિકન્યા તરીકે કુદરત સાથેના સંવાદ એવા સરસ રીતે બોલતી હતી પછી દુષ્યંતના પાત્રનો પ્રવેશ – પ્રથમ નજરે જ શકુંતલાથી આકર્ષાયેલો દુષ્યંત સંવાદિતા બનાવે છે શકુંતલા સાથે. પછીથી બનેને વચ્ચેનો પ્રેમસંવાદ. મોક્ષ તો જાણે સાવ જ ફરીથી સ્થળકાળ ભૂલી મનસામય જ થઈ ગયા. નાટકની આબેહૂબ રજૂઆત. દરેકે પોતાના પાત્રને બરાબર ન્યાય આપ્યો. બધા પ્રેક્ષકોએ ઊભા થઈને તાળીઓથી વધાવી લીધા. આચાર્યશ્રી – મેયરશ્રી બધાએ ઊભા થઈને તાળીઓ પાડી અભિનંદન આપ્યા. મોક્ષ તો સ્ટેજ પર જ દોડી આવ્યા અને બધાને શાબાશી આપી. એ મનસાનો હાથ પકડીને હલાવતા રહ્યા, અભિનંદન આપતા રહ્યા. આજે મોક્ષ મનસામાં ખોવાઈ ગયા હતા. નાટ્યસ્પર્ધાનું પરિણામ જાણે નક્કી થઈ ગયું હતું એટલો પ્રેક્ષકોનો રિસ્પોન્સ હતો.

       આચાર્યશ્રી-મુખ્યઅતિથિ મેટરશ્રી – નાટ્યનિર્ણાયક પ્રોફેસરગણ – નાટકમાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓ બધા સ્ટેજ પર આવ્યા. આચાર્યશ્રી સુકુમાર સાહેબે પ્રો. મોક્ષ, મિસ પંડ્યા, મિસ અરુંધતી – પ્રો. શર્મા બધાનો ખૂબ જ આભાર માન્યો. સુંદર નાટકોની પસંદગી – એનીસરસ સ્ક્રિપ્ટ સંવાદો દરેકનો પ્રશિક્ષણ હેતુ વિદ્યાર્થીઓનો અભિનય બધાની પ્રશંસા કરીને શાબાશી આપી. પ્રથમ નાટક તરીકે નિઃસંકોચ “શકુંતલા” ની વરણી કરવામાં આવી. બધાએ સામૂહિક રીતે સંમતિથી મિસ મનસાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપ્યો. મેયરશ્રીના હાથે ટ્રોફી આપવામાં આવી. સાથે સાથે પ્રો. મોક્ષને સુંદર નાટકોની પસંદગી – એનું દિગ્દર્શન – સંવાદ – પટકથા લખવા માટે બહુમાન કરવામાં આવ્યું. પ્રોફેસરગણ – આચાર્યશ્રી – મેયરશ્રી – વિદ્યાર્થીઓ – સમગ્ર સ્ટાફ બધાએ સતત તાળીનાં ગડગડાટથી પ્રો. મોક્ષના બહુમાનને વધાવી લીધું.

*

       આજે સવારથી પ્રો. મોક્ષ – વાર્ષિક અંકની તૈયારી કરવા લાગ્યા હતા. વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો કર્યા પછી આ અંક પૂરો કરવા માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. મનસા પણ એમાં સામેલ હતી. શકુંતલાનું પાત્ર ભજવ્યા પછી તો પ્રો. મોક્ષ મનસામાં શકુંતલાને જ શોધતા એટલી આબેહૂબ એ લાગતી. મોક્ષે બધાને ઉદ્દેશીને કહ્યું, “ઘણા બધા લેખ આવી ગયા છે બીજા પણ લેખ કાવ્ય જે કાંઈ તમારે આપવાનું હોય તો બધાની ફાઇનલ તૈયારી કરો, મને સબમીટ કરાવી દો તો એ કામ પૂરું થાય.” જતા જતા મનસાએ પ્રો. મોક્ષને કહ્યું, “સર મેં સહુ પહેલાં તમારી નોટ્સ લીધી હતી એમાં તમારા લખાણના કાગળ ‘પ્રકૃતિ અને સંચાલન’ તમારા વિષયનાં હતાં. સર, મેં એ વાંચેલા મને ખૂબ ગમ્યા હતા, એમાં કુદરત પ્રત્યેના પ્રેમનો અહેસાસ હતો, એક પવિત્ર લાગણી હતી. સર તમે બહુ સરસ લખી શકો છો. વ્યક્ત પણ સરસ કરો છો. તમને વાંધો ના હોય તો હું એ બધી નોટ્સ વાંચવા માંગુ છું. આપશો ? મને ખૂબ રસ પડ્યો છે.” મોક્ષ કહે, “અરે એ તો મારા વિચાર-લાગણી હું શબ્દો દ્વારા કાગળમાં ઉતારું છું એમાં કંઇ ખાસ નથી. છતાં તમને રસ હોય તો જરૂર લઈ જાવ,” એમ કહીને આખી ફાઈલ મનસાને સોંપી દીધી – ફાઈલ પર લખેલું હતું – સંવેદનાના સરવાળા. મનસા આભાર પ્રગટ કરી મોક્ષ સામે જોઈને એવી નજર કરી ગઈ કે મોક્ષ નયનબાણથી ઘાયલ થઈ ગયા.

       મનસા મોક્ષની ફાઈલ લઈને પોતાની ખાસ સહેલી હેતલ સાથે ઘરે આવવા નીકળી. હેતલે પૂછ્યું, મનસા આ ફાઈલ શેની છે ? મનસા કહે મોક્ષ સરની છે. એમણે પ્રકૃતિ પર બહુ સારું લખ્યું છે તે વાંચવા લઈ જઉં છું અને શરમાઈ ગઇ. હેતલ કહે, અરે  મનસા તું તો એવી રીતે શરમાય છે કે જાણે શકુંતલા દુષ્યંત માટે શરમાતી હોય. તું મોક્ષ સર પર મોહી નથી પડીને ?

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ